નિકીતા Chaudhari sandhya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિકીતા

નિકિતા અને દર્શના બંને બહેનપણી એક જ કોલેજમાં. નિકિતા અને દર્શના બંનેને એકબીજાના ઘરે અવારનવાર જવાનું થતું રહેતું. આ સમય દરમ્યાન દર્શનાના ભાઈ મિહીરને નિકિતા ગમી ગઈ. થોડા જ વખતમાં નિકિતા અને મિહીર ખૂબ સારા મિત્રો બની ગયા. ઓનલાઈન ચેટીંગ પણ થતી. ધીમે ધીમે આ મૈત્રી પ્રણયમાં પરિણમી. આમને આમ હસીખુશીમાં કોલેજના ત્રણ વર્ષ ક્યાં પૂરા થઈ ગયા એ ખબર જ ના પડી.

નિકીતાએ જોબ માટે એપ્લીકેશન કરી અને એક કંપનીમાં એને જોબ મળી ગઈ. નિકીતા અને મિહીરના પ્રેમ સંબંધ વિશે બંને પરિવારને ખબર હતી. એક જ જ્ઞાતિના હોવાથી આ બંને પરિવારને કોઈ વાંધો નહોતો. નિકીતા અને એનો પરિવાર કોઈ સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યાં અનિમેષને નિકીતા ગમી ગઈ. અનિમેષ પણ એ જ જ્ઞાતિનો હતો. 

બીજા દિવસે અનિમેષના પરિવારે કોઈ સંબંધી મારફત લગ્ન માટે નિકીતાના પરિવારને પૂછ્યું. ઘરમાં નિકીતાના લગ્નની ચર્ચા ચાલતી હતી. આમ તો અનિમેષ અને મિહીર બંને સુખ સમૃધ્ધ પરિવારના હતા. પરંતુ નિકીતા મિહીરને પ્રેમ કરતી હતી. એટલે નિકીતા અને મિહીરના લગ્ન થયા. લગ્નમાં સગા સંબંધીઓ કહેતા કે " નિકીતા તું બહુ નસીબવાળી છે કે તારા પ્રેમ લગ્ન થયા. બાકી તો પ્રેમ લગ્નમાં કેટલી બધી અડચણો આવે. કોઈ પણ મુશ્કેલી કે અડચણ વગર આ પ્રેમ લગ્ન સંપન્ન થયા એટલે બહુ ખુશીની વાત છે. તારું પ્રેમલગ્ન જીવન સુખેથી પસાર થશે." આ સાંભળીને નિકીતાને મનોમન ખુશી થઈ.

પરંતુ નિકીતાને ક્યાં ખબર હતી કે આ "લવ મેરેજ" એના આત્મસન્માનને છિન્નભિન્ન કરી દેશે. લગ્નના શરૂઆતના દિવસો ખૂબ આનંદપૂર્વક પસાર થઈ રહ્યા હતા. પછી ધીમે ધીમે નિકીતાને મિહીરનો અસલ રંગ,અસલ ચહેરો દેખાવા લાગ્યો. નિકીતાને પોતાની પસંદગીના ટીવી-સિરીયલ કે ટીવી-શો જોવાનો પણ હક નહોતો. ત્યારે નિકીતાને પોતાનું "સ્વ" જોખમાય છે એવો અહેસાસ થયો. પહેલાં પહેલાં નિકીતાને તો વિશ્વાસ જ ન આવ્યો કે મિહીરનું આવું પણ રૂપ હોઈ શકે. ઘણીવાર નિકીતા મિહીર સામે જોઈ રહેતી એ આશાએ કે મિહીર તેને સમજશે. પણ મિહીર નહોતો સમજી શકતો.

નિકીતા ઘણીવાર ઊંડા વિચારોમાં ખોવાઈ જતી. હ્દયમાં કેટકેટલા અરમાનો સજાવી રાખ્યા હતા નિકીતાએ. મિહીર સાથે કલ્પનાની રંગીન દુનિયામાં ખોવાયેલી રહેતી નિકીતાને લગ્ન પછી કઠોર વાસ્તવિકતાનો અનુભવ થાય છે. મિહીર સાથે પ્રેમમાં હતી ત્યારે એને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે મિહીર પોતાને સમજી નહિ શકે. આ બધું સમજતા નિકીતાને ખાસ્સો સમય લાગ્યો. સવારે સાસુમાંને માત્ર એલચી વાળી ચા અને મિહીરને માત્ર આદુ વાળી ચા જોઈએ. બંને માટે અલગ અલગ ચા બનાવવાની નિકીતાએ. સવારે બધાં માટે રાંધવાનું, સાફ સફાઈ અને અન્ય પરચુરણ કામ કરીને ઑફિસ જવાનું ને સાંજે આવીને પણ એણે જ રાંધવાનું. ઑફિસ અને ઘર વચ્ચે દોડાદોડી કરતાં નિકીતા થાકી જતી. સાસુમાં નાનુસરખુ કામ કરવાની તસ્દી પણ નહોતા લેતા અને સાસુમાં અને મિહીરને તો બધું બેઠાંબેઠ હાથમાં જોઈએ. જાણે કે હું કામ કરવાનું માત્ર મશીન જ હોય એમ મિહીર અને સાસુમાં સમજતા. મારા હ્દયની ભાવનાઓ, ઈચ્છાઓ મિહીર માટે કોઈ મહત્વ નથી રાખતી? શું મારે પોતાના અસ્તિત્વ અને વ્યકિતત્વ ભૂલીને પતિ અને સાસુની ઈચ્છા મુજબ જ જીવવાનું? 

નિકીતાનો નોકરીએ જવાનો સમય થાય ત્યારે સાસુમાં અચુક કહેતા " તારી દીકરીને તારી સાથે જ લઈ જજે " નિકીતા મનમાં જ સમસમી ઉઠતી "હા, જાણે કે મારી એકલીની જ દીકરી છે જીયા. તમારા લાડકા દિકરાની દિકરી નથી શું..? ખબર નહિ આખો દિવસ શું કર્યા કરે છે? નાનકડી જીયા પણ સચવાતી નથી..?" નિકીતા નાનકડી દિકરી જીયાને લઈ જતી. જીયાને પોતાની માં પાસે મૂકી આવતી અને સાંજે વળતી વખતે જીયાને લેતી આવતી. 

ઉનાળામાં ભર બપોરે નિકીતા જીયાને લઈ બજારમાં રિક્ષા માટે રાહ જોતી ઉભી હતી. એટલામાં જ એની સાસરી પક્ષના ત્રણ ચાર સગા સંબંધી મળ્યા. " નિકીતા અહીં શું કરે છે? આટલા તડકામાં જીયુને લઈને? મિહીર ક્યા છે? " 

નિકીતાએ કહ્યું " કાકી એમને જરૂરી કામ હતું એટલે જતા રહ્યા. અમને આવા તડકામાં મૂકીને એ તો જવા જ નહોતા માંગતા. પરંતુ એમને જરૂરી કામ હતું એટલે મેં જ મોકલી દીધા એમને. "

કાકી કહે " એટલે જ હું વિચારતી કે મારો મિહીર વહુને અને જીયુને આવા તડકામાં એકલી મૂકીને થોડો જવાનો.!! ખૂબ નસીબવાળી છે કે તારા મિહીર સાથે લવ મેરેજ થયા. " 

એટલામાં રિક્ષા આવી એટલે કાકીએ કહ્યું "સારું આવજો". નિકીતા પણ "આવજો" કહીને જીયુ સાથે રિક્ષામાં બેસી ગઈ.

નિકીતાના કાને અવાજોનો પડઘો સંભળાવા લાગ્યો. "નસીબવાળી છે કે તારા મિહીર સાથે લવ-મેરેજ થયા." નિકીતાથી ફીક્કુ હસી જવાયું. લવ મેરેજ.!!! કેવા લવ મેરેજ.!! લવ જેવું છે જ ક્યા.?? એ લવ નહિ પણ આકર્ષણ હતું. મિહીરને હું જાણતી હતી, સમજતી હતી એ તો મારો ભ્રમ હતો. આજે પણ મિહીરની ખામીઓને મારે ઢાંકવી પડી. કાકીને શું ખબર કે મિહીર અમને અહીં બજારમાં છોડીને ચાલ્યો ગયો છે. મિહીરથી તો થોડી વાર અમારી રાહ પણ નથી જોવાતી.!! 

સવારથી સાંજ મમ્મી અકળાયેલી અકળાયેલી કામ કરે છે. એક મિનીટ પણ શાંતિથી બેસતી નથી. નાનકડી જીયા આ બધું નિરીક્ષણ કરતી રહેતી. નિકીતા સાંજે ઑફિસથી થાકીને આવતી ત્યારે ૭ વર્ષની જીયા નિકીતા માટે પાણી લઈ આવતી. નિકીતા વિચારતી ૭ વર્ષની નાનકડી છોકરી પણ સમજી શકે છે કે મમ્મી કેટલી થાકી ગઈ છે. પણ સાસુમાં અને મિહીરને જ નથી સમજાતું. શરૂઆતમાં સહજ ભાવે બધાનું મન સાચવવા બધુ ચૂપચાપ સહન કરે છે. પરંતુ પછી ધીમે ધીમે પોતાને થયેલા અન્યાય પ્રત્યે નિકીતા સજાગ થાય છે.

એક દિવસ નિકીતાથી સવારે જરા મોડુ ઉઠાયું.
સાસુમાંનો થોડો ગુસ્સામાં અવાજ આવ્યો. "વહુ બેટા ઉઠો. સૂરજ માથે આવી ગયો છે." દરરોજ સવારે વહેલી ઉઠી જતી નિકીતાને પણ ખ્યાલ ન આવ્યો કે આજે કેમ મારાથી મોડું ઉઠાયું? શરીર તૂટતુ હોય એવું લાગ્યું. શરીરમાં કમજોરી લાગી. ઝીણો ઝીણો તાવ હતો નિકીતાને. એટલે મોડુ ઉઠાયું એનાથી. સાસુમાં અને મિહીર ચા માટે ક્યારની બૂમો પાડતા હતા.

નિકીતાને પથારીમાંથી ઉઠવાનું મન ન થયું. 
પથારીમાંથી ઉઠીને ગઈ નિકીતા. નિકીતાએ મિહીરને કહ્યું "મને તાવ આવે છે." 

સાસુમાં બોલ્યા "મેં તો ધગધગતા તાવમાં પણ તારા સસરાની સેવાચાકરી કરી છે." 

આટલા વર્ષોની દબાયેલી,કચડાયેલી,ઘવાયેલી, લાગણીઓ ભીતરમાં ધરબી રાખી હોય છે. નિકીતાની સહનશીલતાની ચરમસીમા આવી ગઈ હતી. થોડી સ્વસ્થ થઈ. ત્યારબાદ 
નિકીતાએ શાંત અને મક્કમ સ્વરે કહ્યું " સાસુમાં, મારાથી આવા તાવમાં ઘરનું કામ નહિ બને. તમે તમારા માટે અને તમારા દિકરા માટે ચા બનાવી લેજો. જમવાનું પણ બનાવી લેજો. હા, આ થોડી સાફ સફાઈ પણ કરવાની છે. આ બધું કામ ન બને તો ઘરમાં એક કામવાળી રાખી લો." આટલું કહીને નિકીતાએ જીયું માટે દૂધ ગરમ કરી ઠંડુ પાડ્યું અને પોતાના માટે ચા બનાવી. ચા પી લઈ દવાખાને ગઈ. અને જીયુંને પણ સાથે જ લેતી ગઈ. સાસુમાં અને મિહીર તો આ બધુ આભા બનીને જોઈ જ રહ્યા. 

સાસુમાને ઊંડે ઊંડે લાગતુ હતું કે નિકીતા દવાખાનેથી આવીને બધુ કરશે. નિકીતા દવાખાનેથી આવી. ઘરમાં બધુ અસ્તવ્યસ્ત પડ્યું હતું. સાફ સફાઈ નહોતી કરી. 
નિકીતા આવી એટલે તરત મિહીરે કહ્યું "જમવાનું બનાવ. બહુ ભૂખ લાગી છે." નિકીતાને ખબર જ હતી કે જમવાનું બનાવ્યું જ નહી હોય. છતા પણ ચહેરા પર આશ્ચર્યના ભાવ લાવીને કહ્યું "શું હજુ સુધી જમવાનું જ નથી બનાવ્યું?"

સાસુમાંને સંભળાય તેમ નિકીતાએ કહ્યું "જમવાનું બનાવી દેજો. હું અને જીયું મમ્મીને ત્યાં જ જમીને આવ્યા. જીયુંને ત્યાંથી જ ટિફીન આપીને સ્કૂલે મોકલી દીધી. હું હવે આરામ કરવાની છું." 

છેવટે સાસુમાએ જમવાનું બનાવ્યું. મા દીકરા જમ્યા. દવા પીને થોડો આરામ કર્યો હતો એટલે નિકીતાને થોડું સારું લાગ્યું. 

સાંજે નિકીતાને કામ કરતી જોઈ સાસુમાં બોલ્યા " વહુ બેટા, આજે જમવામાં રોટલી, તુવેરનું શાક અને મિહીર માટે પનીરનું શાક, ખીચડી કઢી અને પાપડ તથા સલાડ બનાવજે" 
નિકીતાએ સાસુમાં તરફ થોડું ગુસ્સાથી જોયું. એની આંખમાં એક પ્રકારનો આત્મવિશ્વાસ હતો. સાસુમાં મનમાં જ બબડ્યા. "આ તો મને જાણે કે ખાઈ જવાની હોય એવી રીતના જોય છે" સાસુમાં નિકીતાથી થોડું ડરી ગયા હતા. સાસુમાંના ચહેરા પર ડર જોઈને નિકીતાએ હસીને કહ્યું. "સાસુમાં મેં કામનું લિસ્ટ તૈયાર કર્યું છે. એમા દરરોજ સવારથી સાંજ તમારે ક્યા અને મારે ક્યા કામ કરવાના છે તે જોઈ લેજો. અને હા, સાસુમાં આજે શાક,ખીચડી, પાપડ અને સલાડ તમે બનાવજો. બાકીનું હું બનાવી લઈશ." નિકીતાએ લિસ્ટ એમના હાથમાં આપ્યું અને સાસુમાં તરફ જોઈને હસી અને પોતાનું કામ કરવામાં વ્યસ્ત થઈ ગઈ. નિકીતા એમની સામે જોઈને એવી રીતના હસી કે એ હાસ્યમાં રહેલા ભાવ સાસુમાં સમજી ગયા અને રસોડામાં નિકીતાની મદદ કરવામાં લાગી ગયા.

સમાપ્ત....