ડિમ્પલ શોર્ટ બાયોગ્રાફી Jigisha Raj દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડિમ્પલ શોર્ટ બાયોગ્રાફી

એક સદાબહાર અને બિન્દાસ અભિનેત્રી એટલે ડિમ્પલ

જન્મ: મુંબઈમાં રહીને ધીકતો ધંધો કરતાં અને મૂળ ગુજરાતી ચુન્નીભાઈ કાપડિયાને ત્યાં 8 જૂન, 1957ના રોજ ડિમ્પલનો જન્મ થાય છે. તેનું અસલી નામ અમીના કાપડિયા હતું. એવું પણ કહેવાય છે કે ડિમ્પલ રાજ કપૂર અને નરગિસનું અનૌરસ સંતાન હતી. ચુન્નીલાલ અને બેટ્ટી કાપડિયાના ચાર બાળકોમાં ડિમ્પલ સૌથી મોટી છે. ડિમ્પલની સિમ્પલ નામે એક નાની બહેન પણ હતી, જે પણ કેટલીક ફિલ્મોમાં આવી હતી. પણ 2009માં તેનું નિધન થઈ ગયું. આ સિવાય એક બહેન રિમ અને એક ભાઇનું નામ સુહૈલ કાપડિયા (મુન્ના) છે. એ સમયે ડિમ્પલનો પરિવાર મુંબઈના સાંતાક્રૂઝ વિસ્તારમાં રહેતો હતો. ડિમ્પલના નામ પાછળ એક નાનો કિસ્સો છે. ડિમ્પલના પિતાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સારા સંબંધો હતા અને ડિમ્પલ નાની હતી એ જ સમયે તેના પિતા ‘મેરે મહેબૂબ’ ફિલ્મના સેટ પર જતાં હતા. સાધના અને નાયર સાથે પણ તેમના સારા સંબંધો વિકસ્યા હતા, જ્યારે બીજી તરફ રાજેન્દ્રકુમાર સાથે પણ તેમના સારા સંબંધો વિકસી રહ્યા હતા. આ જ સંબંધે એક વાર રાજેન્દ્રકુમારે પોતાની બે દીકરીઓના નામ ડિમ્પલ અને તુલી પરથી ‘અમીના’ને હુલામણું નામ ડિમ્પલ નામ આપ્યું.

શિક્ષણ: મુંબઈની જ સેંટ જોસેફસ કોન્વેંટ હાઇ સ્કૂલમાં ડિમ્પલે પોતાનું શિક્ષણ લીધું. ડિમ્પલ અને તેના ભાઈ બહેનોની રહેણીકરણી એકદમ પૈસાદાર માતા પિતાના સંતાનો તરીકે થઈ હતી. પિતાના જબરજસ્ત વ્યવસાયને કારણે એ લોકો એ જમાનામાં ખૂબ મશહૂર હતા.

કરિયરની શરૂઆત : માત્ર ચૌદ જ વર્ષની ઉંમરે જ ડિમ્પલને ફિલ્મ લાઇનમાં તેનો પહેલો બ્રેક મળી જાય છે. ડિમ્પલના પપ્પા એક સફળ ઉદ્યોગપતિ અને બીજી તરફ રાજ કપૂરના મિત્ર પણ ખરા. ‘મેરા નામ જોકર’ની નિષ્ફળતા અને એમાં થઈ ગયેલા દેવામાંથી બહાર આવવા માટે રાજ કપૂરને એક એવી ફિલ્મ બનાવવી હતી, જેમાં એ જમાના પ્રમાણે કૈક નવું હોય અને એ ફિલ્મ સુપરહિટ સાબિત થાય અને એ ફિલ્મ એટ્લે કે બોબી માટે તેઓ એક નવી હિરોઈન શોધી રહ્યા હતા. ડિમ્પલ મનોમન પોતાને આ ફિલ્મ મળી જાય એવું જ ઇચ્છતી હતી અને પછી રાજ કપૂરે અચાનક ડિમ્પલને જોઈને તરત એના પિતાને સાઇનિંગ એમાઉન્ટ આપીને ડિમ્પલને ‘બોબી’ ફિલ્મ માટે હિરોઈન તરીકે લઈ લીધી. આ ફિલ્મ માટે ડિમ્પલને નરગિસની ઘણી બધી ફિલ્મો બતાવવામાં આવી અને કહેવામાં આવ્યું કે આવી ચંચળતા અને માસુમિયત એણે ફિલ્મ માટે લાવવી પડશે. અને પછી ફિલ્મ ઈતિહાસમાં એક નવો રેકોર્ડ સ્થાપિત થયો અને એકદમ સાડા પંદર વર્ષની ઉંમરે ડિમ્પલ બોબી ફિલ્મની હિરોઈન બની ગઈ. જ્યારે આ ફિલ્મ માટે ડિમ્પલનો સ્ક્રિન ટેસ્ટ લેવાઈ રહ્યો હતો, ત્યારે ડિમ્પલ આ રોલ માટે એટલી સજ્જ હતી કે ત્યારે કોઈને એવું લાગ્યું જ નહીં કે ડિમ્પલ પહેલી વાર કોઈ ફિલ્મ માટે ટેસ્ટ આપી રહી છે. આ વાત 1970ના ફિલ્મ ફેર એવોર્ડમાં રાજ કપૂરે પોતે જ કહી હતી. અને ખરેખર મેરા નામ જોકરની નિષ્ફળતા પછી રાજ કપૂરની આ ફિલ્મે રાજ કપૂરના બધા પાસા સવળા કરી દીધાં અને મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ચુલબુલી બોબી મળી ગઈ. ઋષિ કપૂર અને ડિમ્પલ કાપડિયાની જોડી એકદમ હિટ સાબિત થઈ અને બંને નાના છોકરાઓ રાતોરાત સ્ટાર બની ગયા. આટલી ઉંમરે ડિમ્પલ પાસે જે ગજબનો આત્મ વિશ્વાસ હતો એ જોઈને કોઈ કહી જ ના શકે કે તે આટલી નાની છે. કારણ કે કેટલીય મોટા ગજાની હિરોઈનો પણ આવો આત્મ વિશ્વાસ પોતાની પહેલી ફિલ્મમાં નથી બતાવી શક્તી.

કરિયરમાં બ્રેક: બોબી ફિલ્મ હજી તો સફળતાના રસ્તે પૂરી મંડાઇ પણ નહોતી અને ડિમ્પલે એના જીવનનો એક સૌથી મોટો નિર્ણય લઈ લીધો. જેની પર એ જમાનાની છોકરીઓ ફીદા હતી અને મરવા તૈયાર હતી એવા સુપર સ્ટારની નજર બોબી પર પડી. એ જમાનામાં એવું કહેવાતું કે રાજેશ ખન્ના રાજ કપૂરની દરેક હિરોઈન પર તે ફીદા થઈ જતાં હતા. એ સમયે રાજેશ ખન્નાની કારકિર્દી શિખરે હતી અને તે સાત વર્ષથી મોડેલ અંજુ મહેન્દ્રુ સાથે લિવ ઇન રિલેશનમાં રહેતો હતો. જો કે ડિમ્પલને જોયા પછી રાજેશ ખન્નાએ અંજુ સાથેનો સંબંધ તોડી નાંખ્યો હતો અને બોબી ફિલ્મની ડિમ્પલને 31 વર્ષના રાજેશ ખન્નાએ પ્રપોઝ કરીને જુહુના દરિયા કિનારે હીરાની વીંટી પહેરાવીને લગ્ન કરવાની ઈચ્છા બતાવી. ફિલ્મ માટે ડિમ્પલ જેટલી પરિપક્વ હતી, એટલી પરિપક્વતા એણે પોતાની જિંદગી માટે ના બતાવી અને એકદમ સોળ વર્ષની ઉંમરે જ 1973માં તેણે રાજેશ ખન્ના જોડે લગ્ન કરી લીધા. આ સમય સુધી તો હજી બોબી ફિલ્મનુ કેટલુંક શૂટિંગ પણ બાકી હતું, જે ડિમ્પલે લગ્ન પછી પૂરું કર્યું. બોબી ફિલ્મના કેટલાક દ્ર્શ્યોમાં ડિમ્પલના હાથની મહેંદી પણ દેખાય છે. લગ્ન પહેલાં ડિમ્પલનું નામ વિજયેન્દ્ર ઘાટગે નામના ઍકટર સાથે પણ ચર્ચાયું હતું. 1971માં પણ તે સમયના ચીફ મિનિસ્ટર વસંતરાવ નાઇકના દીકરા અવિનાશ નાઇક સાથે પણ તેના સંબંધો ચર્ચામાં હતા. તો 1972માં ફિરોઝ ખાનના કઝીન અસગર ખાન સાથે પણ તેનું નામ ચર્ચાયું હતું.

લગ્ન પહેલાં ડિમ્પલે મનમોહન દેસાઇની રાજેશ ખન્ના સાથેની 'રોટી' અને શશિ કપૂર સાથેની 'પાપ ઓર પુણ્ય' જેવી ફિલ્મો સાઇન કરી હતી, પણ રાજેશ ખન્નાએ ના પાડતાં ડિમ્પલ પોતાની ઊગતી કારકિર્દીને ડામી દઈને પોતાનું લગ્નજીવન સફળ બનાવવામાં લાગી ગઈ. બોબી ફિલ્મની રિલીઝના પણ આઠ મહિના પહેલાં ડિમ્પલે આ પગલું ભર્યું હતું અને પોતાની એકટિંગ કરિયરને ગુડ બાય કહી દીધું હતું.

લગ્નજીવન અને બાળકો: લગ્નજીવનમાં સફળ થવાની કોશિશમાં બાર વર્ષમાં ડિમ્પલ બે દીકરીઓ ટ્વિંકલ અને રિંકીની માતા પણ બની ગઈ. રાજેશ ખન્નાના 32મા જન્મદિવસ 27 જુલાઇના જ દિવસે 1974માં ટ્વિંક્લનો જન્મ થયો. અને પછીના ત્રીજા જ વર્ષે રિંકી ખન્નાનો પણ જન્મ થયો. આ જ સમયગાળામાં 1979માં ડિમ્પલના પિતા ચુન્નીલાલે એક ફિલ્મ ‘મજનુ’ ડિમ્પલ અને રાજેશ ખન્ના તથા રાખી ગુલઝારને લઈને બનાવવાની શરૂઆત કરી. પણ છેલ્લે તે પણ પડી ભાંગી. જ્યારે બીજી તરફ રાજેશ ખન્નાનું કરિયર ઊંચાઈ પર પહોંચીને હવે નીચેની તરફ ઢળી રહ્યું હતું. બંને વચ્ચે ઉંમરનો તફાવત અને વિચારોમાં પણ ફરક ધીમે ધીમે સ્પષ્ટ થવા લાગ્યો અને બાર વર્ષનું લગ્ન જીવન ભંગાણના આરે આવી ગયું. છાપાંઓમાં અને મેગેઝિનોમાં બંને વચ્ચેના સંબંધોની તિરાડ પર ઘણું બધું છ્પાવા લાગ્યું. ક્યારેક લગ્ન તૂટી ગયા અને ડિમ્પલે ઘર છોડી દીધુંની અફવા તો ક્યારેક ઘરે પાછી આવી ગઈની વાત. પણ એક દિવસ આ સમાચાર સાચા બની ગયા અને 1982માં ડિમ્પલે બાર વર્ષના લગ્નનો અંત લાવીને બે દીકરીઓ સાથે રાજેશ ખન્નાનું ઘર છોડી દીધું અને તેના માતા પિતા સાથે રહેવા ચાલી ગઈ. ડિમ્પલ માટે ઘણો જ કપરો કાળ હતો. ડિમ્પલ આ સમયે માત્ર 25 વર્ષની જ હતી. રાજેશ ખન્નાથી અલગ થવાનું કારણ ડિમ્પલ; રાજેશ ખન્નાની દારૂ પીવાની આદત, તેનું અભિમાન અને ડિમ્પલને વારે વારે ઉતારી પાડવાની વાતને માને છે. ડિમ્પલનું કહેવું હતું કે એની દીકરીઓ મોટી થઈ રહી હતી અને એ ઘરમાં માત્ર એક જ વ્યક્તિનું શાસન હતું. આ બાબતે તે કહે છે કે “મારે મારી દીકરીઓ પોતાનો અવાજ ઉઠાવી શકે એ માટે એવો ખુલ્લો માહોલ જોઈતો હતો, જ્યાં એ લોકો કોઈ પણ પ્રકારના દબાણ વિના જીવી શકે અને એટ્લે મેં અલગ થવાનું નક્કી કર્યું.”

કારકિર્દીની ફરી શરૂઆત: રાજેશ ખન્નાથી અલગ થયા પછી ડિમ્પલ પાસે કોઈ ઓપ્શન નહોતો કરિયર ફરી શરૂ કરવા સિવાય. અલગ થયાના બે વર્ષ પછી અને ફિલ્મી કારકિર્દી છોડયાના બાર વર્ષ પછી ફરીથી ઋષિ કપૂર સાથે જ જોડી બનાવીને ડિમ્પલ રમેશ સિપ્પીના ડાયરેકશનની 'સાગર' ફિલ્મથી પોતાની કારકિર્દીની બીજી ઇનિંગની શરૂઆત કરે છે. કારકિર્દીના આ સમયગાળામાં ડિમ્પલની દીકરી ટ્વિંકલ હમેશા શૂટિંગમાં તેની સાથે રહેતી હતી. ડિમ્પલના કપડાંનું ધ્યાન રાખતી. સાગરની સફળતા સાથે જ ડિમ્પલે એક પછી એક ઘણી ફિલ્મો સાઇન કરી. આ સમયે મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એણે પોતાને ફરી વાર સાબિત કરવાની હતી અને જેમાં એ પહેલી ફિલ્મથી જ સફળ થઈ શકી.

આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે આ ફિલ્મ માટે ડિમ્પલનો સ્ક્રિન ટેસ્ટ લેવાયો ત્યારે તે એકદમ નર્વસ હતી અને તેનામાં સહેજ પણ આત્મવિશ્વાસ નહોતો. તેલગભગ ધ્રુજી રહી હતી. આ એ જ ડિમ્પલ હતી કે જે માત્ર 14 વર્ષની ઉંમરે તેની ડેબ્યુ ફિલ્મ માટેના સ્ક્રિન ટેસ્ટમાં સફળ થઈને રાજ કપૂરની પસંદગી બની ગઈ હતી. આ ફિલ્મ પણ બોબી જેવી જ જબરજસ્ત સફળતા મેળવે છે. ફિલ્મનુ સંગીત જબરજસ્ત હતું. સાગર ફિલ્મમાં ડિમ્પલનો બોલ્ડ દેખાવ ગજબનું આકર્ષણ જન્માવી ગયો હતો. તેણે બિકીનીમાં આપેલા દ્રશ્યો અને લાલ સાડીમાં એની પર ફિલ્માવાયેલું ગીત આજે પણ લોકોને યાદ રહી જાય તેવા છે. જો કે આ ફિલ્મ ડિમ્પલના કમબેકનો એક મહત્વનો માઇલસ્ટોન હતો એટ્લે એની માવજત વધુ થઈ તેમાં તે છેક ઓગષ્ટ 1985માં રિલીઝ થઈ. જ્યારે એની પહેલાં ડિમ્પલની એક ફિલ્મ ‘ઝખ્મી શેર’ 1984માં રિલીઝ થઈ. આ પહેલાં 1983માં આર. કે. નાયર સાથે તેણે એક ફિલ્મ સાઇન કરી હતી, પણ તે બની જ નહીં. જો કે સાગર ફિલ્મ ઘણા વાદવિવાદમાં પણ ફસાઈ હતી, જેમાં એક સિનમાં અમુક સેકંડ્સ માટે ડિમ્પલને ટોપલેસ બતાવાઈ છે. સાથે જ આ ફિલ્મને વિવેચકોએ પણ ઘણી વખાણી અને એ વર્ષે સાગર ફિલ્મ ઓસ્કારમાં ભારતની ઓફિશિયલ એન્ટ્રી તરીકે રજૂ થઈ હતી.

1984ની ‘સાગર’ ફિલ્મ પછી 1985માં મુકુલ આનંદની ‘એતબાર’ ફિલ્મમાં ડિમ્પલે અભિનયની એક નવી ઊંચાઈને આંબી. કારણ આ સમયે તે થોડી નર્વસ રહેતી હતી અને તેની તકલીફો, તેનો રોષ, ગુસ્સો બધુ ફિલ્મમાં ઠલવાતું ગયું અને તેને વધારાના કોઈ પ્રયત્ન વિના જ ફિલ્મના અભિનયમાં સફળતા મળી ગઈ. આ જ અરસામાં તેણે સન્ની સાથે પહેલી ફિલ્મ ‘મંઝિલ મંઝિલ’ 1984માં કરી અને બીજી ફિલ્મ રાહુલ રવૈલની ‘અર્જુન’ 1985માં કરી, જેની સ્ક્રિપ્ટ જાવેદ અખ્તર દ્વારા લખાઈ હતી. આ સાથે જ એક બીજી ફિલ્મ ‘લાવા’ પણ આવી. તો 1986માં ફિરોઝ ખાનની ‘જાંબાઝ’ ફિલ્મ કરી. જેમાં ડિમ્પલ અને અનિલ કપૂરના લવ મેકિંગ સિનના કારણે આ ફિલ્મ પણ બહુ જ ચર્ચામાં રહી હતી. એ જ વર્ષે ડિમ્પલે તેની પ્રથમ તામિલ અને સાયન્સ બેઝ્ડ ફિલ્મ ‘વિક્રમ’ કમલ હસન જોડે કરી. આ જ અરસામાં તેણે બીજી પણ કેટ્લીક સાઉથની ફિલ્મો સ્વીકારી. જેમાં એક ‘પાતાળ ભૈરવી’ નો પણ ઉલ્લેખ કરવો પડે. પાછળના વર્ષોમાં તેણે કહ્યું કે આ બધી ફિલ્મોમાં તેના રોલ વિષે શંકા જાય એવું જ છે, પણ એ સમયે તેને પૈસાની સખત જરૂર હતી એટ્લે તેણે આ ફિલ્મો કરી હતી. આ જ ગાળામાં તેણે ફિજી આઇલેન્ડ પર એક સ્ટેજ કોન્સર્ટ પણ કરી, જેમાં તેની સાથે ઋષિ કપૂર, અસરાની અને પ્રેમ ચોપરા તથા નાનો રણબીર કપૂર હતા. આ જ સમયે તેણે અમિતાભ બચ્ચન સાથે ‘મર્દ’ અને ‘શહેનશાહ’ ફિલ્મો પણ સાઇન કરી હતી. પણ પછી છોડી દીધી. તેને ‘અમર અકબર એંથની’ ફિલ્મના ફિમેલ વર્ઝનમાં પોતાની બેન સિમ્પલ અને સલમા આગા જોડે કામ કરવું હતું. જો કે એ ફિલ્મ બની, પણ એની સ્ટાર કાસ્ટ બદલાઈને રિલીઝ થઈ. 1987માં ડિમ્પલ જેકી શ્રોફ સાથે મહેશ ભટ્ટની ફિલ્મ ‘કાશ’માં આવે છે. જ્યાં લગ્નજીવનના ખટરાગની વાત આવે છે, જે માટે તેને કોઈ અભિનય કરવાની જરૂર જ નથી પડી. આ જ વર્ષમાં તેની અન્ય ફિલ્મો ‘સાજિશ’, મેરા શિકાર’ આવે છે. 1988માં ‘ગુન્હાઓં કા ફૈસલા’, ‘બીસ સાલ બાદ’, ‘આખરી અદાલત’ અને ‘મહાવીરા’ અને ‘ગંગા તેરે દેશ મેં’ આવે છે. જ્યારે એક ફિલ્મમાં ડિમ્પલ ‘ઝખ્મી ઔરત’ બનીને આવે છે, જ્યાં એ એક પોલીસ ઓફિસર હોય છે અને તેમ છતાં તેની પર બળાત્કાર થાય છે. જેનો બદલો લેવા માટે ડિમ્પલ જે પણ કઈ કરે છે, એ માટે આ ફિલ્મને ઘણાંએ વખોડી પણ હતી અને ડિમ્પલને બી ગ્રેડની હિરોઈનનું બિરુદ પણ આપ્યું હતું. 1987માં બે એક્શન ફિલ્મો કે જેમાં રાજકુમાર સંતોષીની ‘ઇન્સાનિયત કે દુશ્મન’ અને મુકુલ આનંદની ‘ઇન્સાફ’ની સફળ ફિલ્મોમાં ગણના કરી શકાય. એ જ વર્ષે આવેલી મહેશ ભટ્ટની ‘કબ્ઝા’ એક સુપર ફ્લોપ ફિલ્મ રહેલી. આ જ સમયગાળામાં 1987માં કુમાર સાહનીની ફિલ્મ ‘અન્ના કેરેનીના’ તેણે કમલ હસન સાથે સાઇન કરી, પણ તે કદી બની જ ના શકી. 90ના છેલ્લા દશકના ત્રણ વર્ષોમાં ડિમ્પલે ઘણી ફિલ્મો આપી. પણ 1989માં આવેલી સુભાષ ઘઈની ‘રામ લખન’ ફિલ્મે પાછો તેનો કરિયરનો ગ્રાફ ઊંચો લાવી દીધો અને તે ક્રિટિક્સને પણ ગમી અને એક હિટ ફિલ્મ સાબિત થઈ. પણ તે ફિલ્મ તેનો રોલ બહુ જ નાનો હતો એના વિષે પણ વિવેચકોએ એણે થયેલા અન્યાય વિષે વાત કરી કે એની એક્ટિંગ જોતાં એનો રોલ લાંબો હોવો જોઈતો હતો. આ જ વર્ષોમાં બીજી પણ જે ફિલ્મો રજૂ થઈ તેમાં ‘એક્શન’, ‘તૌહીન’, ‘સિક્કા’, ‘શેહઝાદે’, ‘લડાઈ’ ને ગણી શકાય. જે પ્રમાણમાં એવરેજ ફિલ્મો રહી, તેમાં મિથુન સામે ‘પ્યાર કે નામ કુરબાન’ અને ધર્મેન્દ્ર, વિનોદ ખન્ના સામે ‘બટવારા’ને ગણી શકાય.

1990માં આવેલી ‘દ્રષ્ટિ’ અને ‘લેકિન’ થી ડિમ્પલ આર્ટ ફિલ્મો તરફ વળી. જે બાબતે તેણે વિગત વર્ષોમાં તેની એક્ટિંગની ભૂખ સંતોષવા માટે પસંદ કરેલી એવું સ્વીકાર્યું છે. શેખર કપૂર સાથેની ફિલ્મ ‘દ્રષ્ટિ’એ ડિમ્પલની અદાકારીને એક નવી ઊંચાઈ આપી અને તે ફિલ્મ ઘણી વખણાઈ. જ્યાં બંગાળ ફિલ્મ જર્નાલિસ્ટસ એસોસિએશને ડિમ્પલને બેસ્ટ એક્ટ્રેસ પણ ગણાવી. એ પછી આવી ગુલઝારની ‘લેકિન’, જેના અનુભવ વિષે ડિમ્પલ એક જ વાત કહે છે કે આ એક સપનું સાચું પડ્યા જેવી ફિલ્મ હતી અને આવી સ્ક્રિપ્ટમાં તેણે કામ કરવાની બહુ જ મજા આવી અને આ ફિલ્મ માટે તેણે ત્રીજા ફિલ્મ ફેર એવોર્ડનું નોમિનેશન પણ મળ્યું. 1990માં ડિમ્પલ અને રાજેશ ખન્નાની ફિલ્મ જય શિવ શંકર પણ શરૂ થઈ હતી. પણ તે ફિલ્મ ક્યારેય રિલીઝ જ ના થઈ. એ જ વર્ષે તેણે ‘પતિ પરમેશ્વર’, ‘કાલી ગંગા’, ‘આગ કા ગોલા’, પ્યાર કે નામ કુરબાન’ જેવી ફિલ્મો પણ આપી. 1991માં નાના પાટેકરે પોતાના ડાયરેક્ટોરિયલ ડેબ્યુ ‘પ્રહાર’માં તેને મેકઅપ વિના રજૂ કરી અને તેના ગ્લેમર વિનાના રોલના પણ વખાણ થયા. સાથે જ ‘નરસિંહા’ માં પણ તેણે અદાકારી કરી. એ પછી ‘મસ્ત કલંદર’, ‘ખૂન કા કર્ઝ’ અને ‘દુશ્મન દેવતા’ જેવી ફિલ્મો પણ આપી. 1991માં તેણે અમિતાભ જોડે ‘અજૂબા’ ફિલ્મ આપી. એ પછી મહેશ ભટ્ટની સ્ક્રિપ્ટ અને હરીશ ભોંસલેના ડાયરેકશનમાં બનેલી ફિલ્મ ‘હક’માં આવી. જે ફિલ્મ તેની પોતાની માટે એક ટ્રિબ્યુટ બની રહી. 1992માં ‘માર્ગ’ ફિલ્મ આવી જે મહેશ ભટ્ટ સાથે તેની ત્રીજી ફિલ્મ હતી. જો કે આ ફિલ્મ બનાવવામાં ઘણો સમય લાગ્યો. જેમાં ડિમ્પલે એક વેશ્યાનો રોલ નિભાવ્યો. મહેશ ભટ્ટ કહે છે કે આ આ ફિલ્મ પૂરી થતાં સુધીમાં તો ડિમ્પલનું એકદમ નર્વસ બ્રેકડાઉન થઈ ગયું હતું, ફિલ્મના રોલને નિભાવતાં નિભાવતાં ડિમ્પલ લગભગ એમાં ઊતરી ગઈ હતી અને લગભગ અકળાઇ ઉઠી હતી. એ પછી 1991માં જ ‘રણભૂમિ’ અને ‘કર્મ યોદ્ધા’ આવી અને પછી 1992માં ‘અંગાર’ ફિલ્મમાં જેકી શ્રોફ સાથે આવી. આ પછી હેમા માલિનીની ‘દિલ આશના હૈ’માં એક તરછોડાયેલી દીકરીની માનો રોલ કર્યો. અહીં આવતા સુધીમાં ડિમ્પલ પોતાની પસંદગીના રોલ કરતી થઈ ગઈ હતી. એની યશ કલગીમાં એક છોગું બીજું ઉમેરાયું 1993માં. કલ્પના લાઝમીની ‘રૂદાલી’ ફિલ્મે તેને બેસ્ટ એક્ટ્રેસ તરીકેનો નેશનલ એવોર્ડ અપાવ્યો. તો બીજી તરફ બેસ્ટ એકટ્રેસનો ફિલ્મ ફેર ક્રિટિકસ એવોર્ડ પણ તેને મળ્યો. એ જ વર્ષે ‘ગુનાહ’ અને ‘આજ કી ઔરત’ ફિલ્મ પણ કરી. ત્યારબાદ પ્રિયદર્શનની ‘ગર્દિશ’ ફિલ્મ કરી, જેમાં પણ તેના અભિનયના વખાણ થયા. બીજી તરફ ડિમ્પલે એક મરાઠી ફિલ્મ ‘ઘરકૂળ’ પણ સાઇન કરી હતી, જે અભરાઇ પર ચઢી ગઈ. 1994માં ‘પથરીલા રાસ્તા’ આપી અને એ જ વર્ષે એટ્લે કે 1994માં મેહુલકુમારની ‘ક્રાંતિવીર’માં તે ફરીથી નાના પાટેકરની સાથે આવી .જેમાં તેને એક જર્નાલિસ્ટનો રોલ નિભાવેલો. આ ફિલ્મે એ વર્ષે એ વર્ષની સૌથી વધુ કમાણી કરેલી ત્રણ ફિલ્મોમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું અને ડિમ્પલે એક બીજો એવોર્ડ પોતાના નામે કર્યો. 1995માં મૃણાલ સેન સાથે બંગાળી ફિલ્મ ‘અંતરીન’ કરી, જેમાં તેના રોલના વખાણ તો થયા પણ તેણે બંગાળી શીખવા માટેનો ક્રેશ કોર્સ કરવાની ના પાડી અને ઓવર કોન્ફિડન્સમાં રહીને અભિનય કર્યો, જેના પરિણામે તેના બંગાળી ઉચ્ચારો શુદ્ધ ના રહેતા તેનું ડબિંગ બંગાળી એક્ટ્રેસ અંશુયા ચેટર્જીએ કર્યું, જે ડિમ્પલને ગમ્યું નહીં. આ ફિલ્મ પછી પોતાની પસંદગીના રોલ કરવા ટેવાઇ ગયેલી ડિમ્પલે કરિયરમાં ત્રણ વર્ષનો બ્રેક લીધો અને કહ્યું કે તે સતત આવી ફિલ્મો કરીને માનસિક કંટાળી ગઈ છે. એ પછી 1996માં તે કોમર્શિયલ ફિલ્મોમાં પાછી ફરી. જ્યાં 1997માં ‘અગ્નિચક્ર’ રિલીઝ થઈ. જેની ખાસ કોઈ નોંધ લેવાઈ નહીં. ‘શેર બાઝાર’ ફિલ્મમાં તેણે ગેસ્ટ અપિરિયન્સ પણ આપ્યો. એ જ વર્ષે અમિતાભ બચ્ચનની પત્ની તરીકેના રોલમાં તેણે ‘મૃત્યુદાતા’ ફિલ્મ કરી. જે મેહુલકુમારની ફિલ્મ હતી, પણ તે પણ ભયંકર રીતે નિષ્ફળ નીવડી. 1998માં ‘2001’ નામે ફિલ્મ આપી. જેની પણ ખાસ નોંધ લેવાઈ નહીં. 1999માં ‘લાવારિસ’માં તેના રોલની પ્રશંસા થઈ. એ જ વર્ષે ‘હમ તુમ પે મરતે હૈ’ ફિલ્મ આવી, જે તેની માટે ફરી એકવાર નિષ્ફળ ફિલ્મ બની રહી. આ જ વર્ષે એટ્લે કે 1999માં બીજી એક મરાઠી ફિલ્મ ‘પગલી’ પણ રિલીઝ ના થઈ શકી. જેમાં તેની સાથે દિવ્યા દત્તા, શક્તિ કપૂર, મોહન જોશી, શોએબ ખાન, કિરણ કુમાર જેવા કલાકારો હતા અને સંગીત બપ્પી લાહિરીની હતું.

2000ના દશકામાં પહેલાં જ વર્ષે ફરહાન અખ્તરના ડાયરેક્ટોરિયલ ડેબ્યુ ‘દિલ ચાહતા હૈ’માં ડિમ્પલે એક આધેડ વયની સ્ત્રીને એક યુવાન પુરુષ સાથે પ્રેમ થઈ જાય છે, એવો રોલ કર્યો. ફિલ્મ આધુનિક હતી અને વિષય બોલ્ડ હતો. આ ફિલ્મ વખણાઈ અને ડિમ્પલના રોલ માટે તેની પ્રસંશા પણ થઈ. 2002માં ટાઇટલ રોલ ‘લીલા’માં ડિમ્પલ, વિનોદ ખન્ના અને દિપ્તી નવલ સાથે આવે છે. જેના રોલ માટે ડિમ્પલ પોતે જ કહે છે કે આ ફિલ્મથી તેને પોતાના અભિનયની એક નવી ઊંચાઈ આપવાનો મોકો મળ્યો. 2004માં ‘હમ કૌન હૈ’ ફિલ્મમાં તેનો અભિનય વખણાયો પણ ફિલ્મ ફ્લોપ રહી. 2005માં ઋષિ કપૂર સાથે ડિમ્પલે ‘પ્યાર મેં ટ્વિસ્ટ’ ફિલ્મ આપી. જો કે તે માટે તેમને બંનેને નેગેટિવ રિવ્યુ જ મળ્યા. ત્યારબાદ સૈફ અલી ખાન અને નસિરુદ્દીન શાહ સાથે ‘બીઇંગ સાઇરસ’ નામે અંગ્રેજી ફિલ્મ કરી, જે માટે બીબીસીના પત્રકારે તેના વખાણ પણ કર્યા. એ જ વર્ષે ‘બનારસ’ ફિલ્મમાં તેણે ઉર્મિલા માતોંડકરની માનો રોલ કર્યો ને જેમાં તેના વખાણ થયા. જો કે ફિલ્મ ખાસ ચાલી શકી નહોતી. 2008માં ‘ફિર કભી’ ફિલ્મ આપી, જે કોઈ ખાસ ગજું કાઢી ના શકી. તો બીજી તરફ જમાઈ અક્ષયકુમારના કહેવાથી ‘જમ્બો ’નામની એક એનિમેશન ફિલ્મના એક પાત્ર ‘દેવી’ તરીકે પોતાનો અવાજ આપ્યો. 2009માં ફરહાનની બહેન ઝોયા અખ્તરના ડાયરેકટોરિયલ ડેબ્યું ‘લક બાય ચાન્સ’માં ડિમ્પલના રોલને ક્રિટિકસ દ્વારા ખૂબ પ્રસંશા મળી. અને ફિલ્મ ફેરમાં બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસનું નોમિનેશન પણ મળ્યું. 2010માં સલમાન ખાનની માતા તરીકે ‘દબંગ’માં અભિનય આપ્યો, જેને ખૂબ સારી સફળતા મળી હતી. એ વર્ષે એ ફિલ્મ બોલિવૂડની ત્યાર સુધીની બીજા નંબરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. એ જ વર્ષે તેણે ‘તુમ મિલો તો સહી’ ફિલ્મમાં નાના પાટેકર સાથે અભિનય આપ્યો. આ સમયે તેણે પારસી બોલી શીખવા ઘણી મહેનત કરી અને એક ટીચર રાખીને શીખી, સાથે જ એ સમયે ઘણાં બધા ઈરાની કેફેમાં પણ જઈને બેસવા લાગી કે જેથી પારસી કલ્ચરને જાણી શકે. ફિલ્મને બહુ સારા રિવ્યુ ના મળ્યા પણ તેના રોલને બધાંએ ખૂબ વખાણ્યો.

2011માં માત્ર એક જ ફિલ્મ ‘પટિયાલા હાઉસ’માં ડિમ્પલ ફરી એક વાર ઋષિ કપૂર સાથે આવી. પણ આ ફિલ્મમાં સાથે એનો જમાઈ અક્ષય કુમાર પણ હતો. આ ફિલ્મ પણ એક હિટ ફિલ્મ રહી. એ જ વર્ષે ડિસેમ્બરમાં ડિમ્પલે એક મલયાલમ ફિલ્મ ‘બોમ્બે મિટ્ટયી’ આપી, જેની માટે તેણે એ ભાષાનું વ્યવસ્થિત શિક્ષણ પણ લીધું. 2011માં ડિમ્પલે ત્રીજી એક મરાઠી ફિલ્મ સાઇન કરી. જેનું નામ ‘સોસાયટી’ હતું અને તે સ્મિતા ઠાકરેના પ્રોડકશનમાં બની રહી હતી. જેમાં પણ કલાકારો તરીકે રણધીર કપૂર, ઓમ પૂરી, પરેશ રાવલ, સીમા બિશ્વાસ, સારિકા, જાવેદ જાફરી, રીમા સેન, આદિત્ય રાજ કપૂર હતા અને રાહુલ ધોળકિયાનું ડાયરેક્શન હતું. 2012માં તેણે ‘કોકટેલ’ ફિલ્મમાં સૈફ અલી ખાનની મા નો રોલ કર્યો અને ફિલ્મ સફળ નીવડી હતી. 2013માં ‘વોટ ધ ફિશ’ ફિલ્મ આપી, જેની ખાસ કોઈ નોંધ ના લેવાઈ. પણ 2014માં ‘ફાઈંડિંગ ફેની’ ફિલ્મ એક સફળ ફિલ્મ રહી, જે એક અંગ્રેજી ફિલ્મ હતી. જેમાં તેના રોલના વખાણ થયા. 2014માં ‘ગોલુ ઔર પપ્પુ’ ફિલ્મમાં તેણે અમ્માનો રોલ કર્યો. 2015માં તેની ‘વેલકમ બેક’ ફિલ્મ રિલીઝ થઈ. જેમાં પણ અક્ષયકુમાર સાથે હતો. જે એક હિટ ફિલ્મ રહી. હવે આ વર્ષે એટ્લે કે 2019માં તેની ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મનુ શૂટિંગ થઈ રહ્યું છે, જે આ જ વર્ષે રિલીઝ થવાની સંભાવના પણ છે.

સન્ની દેઓલ સાથે જોડાયેલું નામ : 1985માં નાસિર હુસૈનની ફિલ્મ ‘મંઝિલ મંઝિલ’ સાઇન કરી, જેમાં હીરો સન્ની દેઓલ હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર તો હિટ નહોતી રહી, પણ ડિમ્પલના જીવનમાં આ ફિલ્મથી એક નવો જ વળાંક આવ્યો. સન્ની દેઓલ એ સમયે પરિણીત હતો અને એની પત્નીનું નામ પૂજા હતું. બંનેના લગ્નજીવનમાં વચ્ચે ડિમ્પલનું આગમન થઈ ગયું હતું. ડિમ્પલ અને સન્ની એટલી હદે એકબીજાના પ્રેમમાં ગળાડૂબ થઈ ગયા હતા કે ડિમ્પલની બંને દીકરીઓ સન્નીને છોટે પાપા કહેતી હતી. ઈન્ડસ્ટ્રી પણ આ બાબતે જાણતી હોવા છતાં કોઈ કશું બોલતું નહીં. આ સંબંધ પણ લગભગ અગિયાર વર્ષ સુધી ચાલ્યો. સન્નીની પત્નીએ ઘણા વર્ષો બધું ચૂપચાપ સહન કર્યું, પણ પછી વાત વધુ ફેલાતા અને સન્નીના બાળકો પણ મોટાં થઈ ગયા હોવાથી સન્નીની પત્નીએ આખા પરિવારમાં આ બાબતે જાણ કરી તે બાળકોને લઈને સન્નીને ઘર છોડીને જવાની ધમકી આપતા ધર્મેન્દ્રના વચ્ચે પડવાથી આ પ્રેમ સંબંધનો અંત આવ્યો. આ સંબંધના અંત પછી ડિમ્પલના જીવનમાં બીજું કોઈ આવ્યું નથી. ત્યારબાદ ડિમ્પલ ઘણી વાર રાજેશ ખન્ના જોડે ચૂંટણીપ્રચાર કરતી જોવા મળી હતી. 80 અને 90 ના દશકમાં ડિમ્પલ બોલિવુડની મસાલા ફિલ્મોમાં સેકન્ડ લીડની મશહૂર એક્ટ્રેસ બની ગઈ હતી અને શ્રીદેવી સિવાય એને જ સૌથી વધુ ફી પણ મળતી હતી.

એવોર્ડ : ડિમ્પલની કરિયરની પ્રથમ ફિલ્મ ‘બોબી’ એક સુપર ડુપર હિટ ફિલ્મ રહી હતી અને બોબી ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ એટ્લે કે 1973માં જ એને બોબી ફિલ્મ માટે ફિલ્મ ફેર માટેનો બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો. અને પછી તરત બાર વર્ષે ફરી વાર એની બીજી ઇનિંગની પહેલી ફિલ્મ 'સાગર માટે પણ 1985માં તેને ફિલ્મફેરનો બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ મળેલો. ડિમ્પલની બીજી ઇનિંગની પહેલી ફિલ્મ ‘સાગર’ માટે પણ તેને એ વર્ષે એટ્લે કે 1985માં પણ અભિમાન ફિલ્મની જયા ભાદુરીની સામે ફિલ્મ ફેરનો બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ મળ્યો.

1990માં રિલીઝ થયેલી ફિલ્મ ‘દ્રષ્ટિ’ માટે તેણે 1991માં બંગાળ ફિલ્મ જર્નાલિસ્ટસ એસોસિએશન તરફથી બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ અને ફિલ્મને એ વર્ષનો નેશનલ એવોર્ડ પણ મળ્યો. 1991માં તેને ‘લેકિન; ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનું નોમિનેશન મળ્યું. 1993માં તેને ફિલ્મ ‘રૂદાલી’ માટે બેસ્ટ એકટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો, જ્યારે બેસ્ટ એકટ્રેસનો ફિલ્મ ફેરનો ક્રિટિકસ એવોર્ડ પણ મળ્યો. સાથે જ એશિયા પેસિફિક ફિલ્મ ફેસ્ટિવલ અને દમાસ્કસ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ બેસ્ટ એક્ટ્રેસ તરીકે સન્માનિત થઈ. 1993માં જ ફિલ્મ ‘ગર્દિશ’માંના તેના રોલ શાંતિ માટે પણ તેને ફિલ્મ ફેરનું નોમિનેશન મળ્યું. જ્યારે ક્રાંતિવીર માટે તેને બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસનો ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો. ત્યારબાદ 2009માં ફિલ્મ ‘લક બાય ચાન્સ’ માટે તેણે બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસનું નોમિનેશન મળ્યું. જ્યારે 2014માં ફરી ફિલ્મ ‘ફાઈંડિંગ ફેની’માટે પણ બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસનું નોમિનેશન મળ્યું.

હાલનું જીવન: અત્યારે તો ડિમ્પલ પોતાની મરજીનું જીવન શાંતિથી જીવે છે અને તેની બંને દીકરીઓના લગ્ન થઈ ગયા છે. અને તે નાની પણ બની ગઈ છે. જેમ ટ્વિંકલના લગ્ન જાણીતા કલાકાર અક્ષયકુમાર સાથે થયા છે. ડિમ્પલે રાજેશ ખન્ના સાથે ક્યારેય છૂટાછેડા લીધા નહોતા અને રાજેશ ખન્નાના છેલ્લા સમયમાં ડિમ્પલ તેમની સાથે જ રહી હતી. ડિમ્પલ જીવનમાં ‘ર’ અક્ષરનું ઘણું મહત્વ રહ્યું છે. તેને ડિમ્પલ નામ પણ રાજેન્દ્ર્કુમારે આપ્યું. તેની પહેલી ફિલ્મ બોબીમાં રાજ કપૂર સાથે અને હીરો ઋષિ કપૂર હતા. પતિનું નામ રાજેશ ખન્ના હતું. બીજી વારની કારકિર્દીમાં પણ રમેશ સિપ્પી સાથે ઋષિ કપૂરની જોડીમાં તેણે સાગર ફિલ્મ આપી. અને છેલ્લે તેનો જમાઈ અક્ષય કુમાર કે જેનું અસલી નામ રાજીવ ભાટિયા છે.

હવે તે પોતાની પસંદગીની અને ખાસ સ્ક્રિપ્ટની ફિલ્મોમાં એક્ટિવ જ છે અને છેલ્લે માર્ચ 2018માં એક વિડિયોમાં તેને ફરી એક વાર તેના ચાહકોએ મોરોક્કોમાં સન્ની દેઓલ સાથે હાથમાં હાથ નાખીને રજાઓ ગાળતાં જોઈ છે. તો બીજી તરફ તેની દીકરી અને જમાઈ સાથે ઈટાલીમાં રજાઓ દરમ્યાન તેની પહેલી ફિલ્મ બોબીની એક ધૂન પર ડાન્સ કરતી દેખાય છે, એવો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

બધુ જોતાં એક વાત તો ચોક્કસ કહી જ શકાય કે રાજ કપૂરની શોધ જેવી તેવી નહોતી અને ડિમ્પલ ખરા અર્થમાં એક સફળ એક્ટ્રેસ સાબિત થઈ છે. લગ્ન પછી ફિલ્મી પરદે પોતાની આટલી સફળ કારકિર્દી બનાવનાર કદાચ ડિમ્પલ એકાદ જ હોઈ શકે.

***