Tuj Sangathe - 2 books and stories free download online pdf in Gujarati

તુજ સંગાથે... - 2

પ્રકરણ-2


         મીઠાં પાણીનું ઝરણું આખો દિવસ ગૌતમના મનમાં વહ્યાં જ કર્યું. કોલેજ છૂટ્યા પછી પણ તે બુરખાવાળીના વિચારમાં જ ગરકાવ હતો. મલયની પૂચ્છાઓનો હા અને ના માં જ જવાબ વાળી દેતો હતો. મલય મનમાં મૂંઝાય રહ્યો હતો,-"અલ્યા સવારની વાતનું આટલું ટેન્સન કેમ છે તને.?! મેહતાસર કાલે બધું ભૂલી જશે." પણ વાત કાને પહોંચી ના પહોંચી કરી ગૌતમે કહ્યું,-"હા, હવે એતો." ફરી પોતાના વિચારમાં પાછો ફર્યો. ઘરે પણ તેને બેચેની જેવું લાગતું હતું. ચહેરા પર તો સ્મિત હતું પણ અંદર મીઠી મૂંઝવણ હતી. મનમાં પેલી આંખો હજી રમી રહી હતી. ઘણાં બધાં સવાલો મનમાં આંટાફેરા કરતાં હતાં, બધાં સવાલનું મધ્યબિંદુ એ બુરખાની પાછળ છુપાયેલો ચહેરો હતો. મનમાં બુરખા પાછળના ચહેરાને કેટલીવાર ચીતરતો અને ભૂસતો ગૌતમ રાતનો સમય કાઢી રહ્યો હતો. મનમાં જે સવાળોનું વંટોળ ચડ્યું હતું એનો જવાબ કાલે સવારે જ મળવાનો હતો. ઘડિયાળના કાંટાનું કટ કટ જાણે તેને યાદ કરાવતું હતું કે હજું સવાર થવાને વાર છે.
        સવારે ઠંડીની ચાદર ઓઢીને સૂતાં ગૌતમના મુખ પર એક રમણીય સ્મિત ફરકતું હતું. લીલાં લહેરાતા ઘાસ પર પવનની લહેરકી વ્હાલ કરી જતી હતી. ઘાસ સાથે આ પવન ગૌતમના ગાલ પર અથડાતો જતો હતો. સુંવાળો હાથ ગૌતમના વાળમાં ફરતો હતો. જાણે માથું કોઈના હૂંફાળા ખોળામાં હોય તેવું ગૌતમને લાગતું હતું. અચાનક ફરતો હાથ અટકી ગયો, 'શું થયું?' એવું જોવા ગૌતમે આંખો ખોલી, પણ ચિત્ર ધૂંધળું જ દેખાયું. આંખો ચોળીને જોવા પ્રયત્નો કર્યા, પણ ન તો બગીચો હતો, ન તો કોલેજ હતી, ન તો એ છોકરી હતી. ભોઠપનું હસી ગૌતમે ઘડિયાળ સામે જોયું. 06:12:am ડિજિટલ ઘડિયાળમાં ચમકી રહ્યું હતું.
        સવારે ગૌતમને વહેલો ઉઠેલો જોઈ મમ્મી પપ્પા બંને આશ્ચર્ય પામી ગયા. નાસ્તો ફટાફટ પતાવી ગૌતમ બેગ લઈને ફળીયામાં આટાપાટા મારવાં લાગ્યો. વારંવાર સોસાયટીનાં દરવાજા તરફ જોઈ રહ્યો હતો. બાલ્કનીમાં છાપું વાંચતા મેજરસાહેબે જોયું કે છોકરો ક્યારનો કોઈની રાહ જોતો ઊંચો નીચો થઈ રહ્યો છે. સવારથી તેની વર્તણૂકમાં બદલાવ જોયો હતો પણ અત્યારે કારણ પૂછવાનું તેને મન થયું,-"ગૌતમ, બેટા બધું ઠીક તો છે ને? કેમ આમ ઉતાવળો થઈને કોની રાહ જોઈ રહ્યો છો?" પકડાય ગયાના ભાવ ચહેરા પરથી હટાવી સ્વસ્થ થઈને ગૌતમે પિતા સામે જોઈ ઉત્તર વાળ્યો,-"અરે, પપ્પા કંઈ ખાસ નહીં. કાલે કોલેજે મોડું થઈ ગયું હતું તો મેહતાસરે આખો દિવસ કલાસની બહાર રાખ્યાં હતાં. આજ એવું ન થાય તે માટેની આ ઉતાવળ છે." મન તો ક્યારનુંય કોલેજ જવા અને પેલી બુરખાવાળીને મળવાં તલસી રહ્યું હતું. કેવી રીતે પોતે પહેલ કરવી? શું વાત કરવી? કેવી રીતે વર્તવું? આના વિચાર સવારથી જ મનમાં ભમતાં હતાં. સવારનાં એ સપનાંમાં પણ શું એ જ બુરખાવાળી હશે? ચહેરો તો ક્યાં તે જોઈ શક્યો. પણ હાં એની આંખોમાં વહેતી ઊર્મિઓ તેની ઓળખાણ કરાવશે એવું માની બેઠો પોતે પહેલીવાર આવી વિચિત્ર લાગણીનો શિકાર થયો હતો.
        'પો....' ઘરના દરવાજાની બહાર ઊભેલાં મલયે ગાડી નું હોર્ન વગાડી ગૌતમેને ઝબકાવ્યો. વિચારશૃંખલા તુટતાં ગૌતમને હવે ભણ થયું કે મલય આવી પહોંચ્યો છે એટલે ઝડપથી દરવાજો ખોલીને મલય સામે ઘુરકતાં બોલ્યો,-"કહેતો હોય તો હું તને ઉઠાડવા કોલ કરતો જાવ. ટાઈમ તો જો." મલયે બેફિકરી થી ઘડિયાળમાં જોયું અને ગૌતમ સામે ધરી,-"હજું તો 08:30 થયા છે." ગૌતમ પોતે ભોઠો પડતાં ચૂપચાપ તેની પાછળ ગાડીમાં બેસી ગયો. ગૌતમના આવાં વર્તણુંકથી મલયને ક્ષણભર માટે શંકા ગઈ પણ ગઈકાલે બનેલા બનાવને કારણ માની તેણે શંકાને રસ્તાની સાથે જ પાછળ છોડી દીધી.
        કોલેજે પહોંચીને ગૌતમ અધીરો બની ક્લાસ તરફ ચાલવા લાગ્યો. હૃદય ધડ ધડ અવાજ કરતું હતું, ધબકારા કાન સુધી સંભળાતા હતા. ઉતાવળમાં દરવાજા પર પગ થંભી ન શક્યાં, તે દરવાજા સાથે અફડાયો અને 'ધડાક' અવાજે કલાસમાં ચાલતી કલબલને ખલેલ પહોંચી. ગૌતમને જોઈને બેઠેલાં હસવું ખાળી ન શક્યાં. નાનકડું હાસ્ય વાદળ અવગણી, પોતાનું ભોઠપ અનુભવી ગૌતમ આગળ વધ્યો. કલાસની પહેલી ચાર બેન્ચો હંમેશા ભણેશ્રીઓથી છલકાયેલી રહેતી. ગૌતમને ભણવામાં બહુ ખાસ રુચિ ન હતી, પણ પિતાની જીદ અને ડરને લીધે થોડું ઘણું શીખી લેતો રોજ. સંગીત-ગાયન આ બધું ગૌતમની રુચીની યાદી માં મોખરે હતું. 7 વર્ષ નો હતો ત્યારે પિતાએ મેળામાંથી માઉથઓર્ગન લઈ આપેલું. ત્યારથી માઉથઓર્ગન પર સારો એવો હાથ બેસી ગયેલો. બ્રેકટાઈમમાં બગીચામાં બેસીને ક્યારેક ક્યારેક બધાંયની ફરમાઈશને માન આપી સુર છેડી દેતો ત્યારે બીજા કલાસના વિદ્યાર્થીઓ પણ બે પળ સાંભળવાં રહી જતાં. પણ મેજરને ગીત સંગીતમાં કોઈ રસ ન હતો, એ ધારતા હતાં કે ગૌતમ સરકારી કર્મચારી બને. આમ પિતાના સપનાંને માન આપવા ગૌતમ રોજ કોલેજ આવતો. પણ જ્યારથી મલયની દોસ્તી થઈ હતી ત્યારથી તેને કોલેજમાં મન લાગવા માંડ્યું હતું. રોજ પોતે જ્યાં બેસતો ત્યાં કોઈને બેસેલું જોઈ મનમાં થોડો ગુસ્સો આવ્યો પણ છોકરી બેઠી હોવાથી ગુસ્સો વ્યર્થ લાગ્યો. 
        સામેની તરફ ઊભેલાં મલયે ઇશારાથી ખાલી બેન્ચ બતાવી. ફરી એકવાર પોતાની જગ્યાએ બેઠેલી છોકરી પર નજર નાંખતો તે મલય પાસે જઈ બેઠો. કાળા ભ્રમર વાળ વ્યવસ્થિત રીતે ચોટલાંમાં ગૂંથાયેલા હતાં, ચોટલો ડાબા ખભેથી થઈ છાતી પર આવી ઉતરતો હતો જાણે કોઈ નદી પર્વતમાંથી વણાંક લઈને નીચે ઉતરતી હોય, જમણાં તરફના ગાલ પર ગૂંથાયેલા વાળમાંથી છૂટી પડેલ લટ કાનની બુટ પાછળથી પસાર થઈને ગાલને ગલીપચી કરતી હતી. તે છોકરી બોલતી હતી ત્યારે તેના આગળના બે દાંતની અવ્યવસ્થિતતાને છુપાવવાની કોશિશ કરતી હતી. મેનાંની ચાંચ જેવું ઢળતું નાક એમાં લટકતી નથ. આંખો સુધી પહોંચે ત્યાં મલયે ગૌતમને હાથેથી ઠોસો મારીને જગાડ્યો. મેહતસર કલાસમાં આવી પહોંચ્યા હતા. ગુડ મોર્નિંગ પાઠવી બધાં પાછા બેસી ગયાં અને મેહતાસરનો ટોપિક ચાલુ થયો. 'Way Of Communication' બોર્ડ પર શીર્ષક લાગ્યું અને બધાં બુકમાં અને મેહતાસરના અવાજમાં પરોવાયા. ગૌતમે ફરી પેલી છોકરી તરફ જોયું, આંખો કાલે જોઈ હતી તે જ છે એમ ચોક્કસ તો સામેથી જોઈ હોત તો કહી શકત કદાચ પણ અત્યારે તો એ ઊંડી ઉતરેલી હોય તેવું લાગ્યું. કેસરિયા રંગનો દુપટ્ટો ખભોં વટાવીને છાતી ઢાંકતો સામેના ખભે ચડી જતો હતો. આછા લીલેરા રંગના ઝભ્ભામાં તેનું યૌવન ભરાય ગયું હતું. શ્વેતવર્ણા ચહેરાની નીચે નમણી ડોક પર કાળા દોરા સાથે એક તાવીઝ લટકતું હતું. બંને હાથના અંગૂઠામાં ચાંદીની વીંટી પહેરેલી હતી. ગૌતમે અજાણી એ છોકરીને પગથી માથાં સુધી પાછી નીરખી. જાણે કળીમાંથી સફેદ ગુલાબ તાજું જ ખીલી ઉઠ્યું હોય. કહેવાય છે કે છોકરીઓની છઠ્ઠી ઇંદ્રિ સક્રિય હોય છે, પાછળથી કોઈ તેને જોઈ રહ્યું હોય તો તેને અંદાજો આવી જતો હોય છે. અચાનક પેલી છોકરીએ ગૌતમ સામે નજર કરી. ચોરી પકડાય જવાના ડરથી ગૌતમ ઝડપથી આમતેમ જોવા લાગ્યો અને સાહેબની વાત સાંભળવાનો અને લખવાનો ડોળ કરવાં લાગ્યો. ફરી તેની સામે જોવાની હિંમત કરવાંમાં બે લેક્ચર પુરા થઈ ગયાં.
        બ્રેકમાં પોતાની રોજની નિયત જગ્યાએ બેસીને તેને બેગમાંથી માઉથઓર્ગન કાઢી વગાડવા લાગ્યું. અચાનક ગૌતમના આ વર્તન લીધે વાતોમાં વ્યસ્ત મલયે ગૌતમ તરફ નજર કરી, પણ કંઈ નવું ન જાણ્યું તેથી આ વર્તનને સ્વાભાવિક ગણી મલય પાછો વાતોએ વળગ્યો. શરૂઆતના સુર કોઈને સમજાયા નહિ પણ પછી સુર ચોખ્ખો કળાવા લાગ્યો, 'તુજસે નારાજ નહીં જિંદગી, હેરાન હું મેં...' સંગીત સાથે સાંભળતાં ત્યાં ઉપસ્થિત મનમાં ગનગણવા લાગ્યાં. ગૌતમ પોતાના તાનમાં એકરસ થઈને વગાડી રહ્યો હતો. આજે પણ વિદ્યાર્થીઓ તેની આજુબાજુ એકઠાં થઈ ગયા. થોડીકવાર સંગીતરૂપી એ માળા ચાલી અને થંભી ગઈ. "વાહ, વાહ, વહાલાં. ડુબાડી દીધાં હો...." - મલયે હાથ લંબાવી ગૌતમને થબથબાવ્યો. શાબાશી ઝીલવા ગૌતમે વળતું સ્મિત ફેંક્યું. 
        વિખરાયેલી ભીડમાંથી પેલી છોકરીને ગૌતમે પોતાની તરફ આવતી જોઈ. ગૌતમ સ્વસ્થ થાય તે પહેલાં તો પેલી ગૌતમ બેઠો હતો ત્યાં પહોંચી ગઈ. આવનારની હાજરીની નોંધ ત્યાં બેઠાં બધાએ લીધી. છોકરીને માન આપવા ગૌતમ પોતાની જગ્યાએ ઉભો થયો. પેલીએ ઉર્મિવતું સ્મિત ફેંકી શરૂઆત કરી,- " બહું મીઠું સંગીત નીકળે છે તમારાથી વાજાંમાંથી." આટલું બોલી છટાભેર તે પાછી ત્યાંથી દૂર જવા લાગી. ગૌતમને શું પ્રત્યુત્તર વાળવો એ ના સમજાયું. પછી યાદ આવ્યું કે પરિચયની શરૂઆત નામ જાણવાંથી થાય. મોકો ન ચૂકાય જાય એ માટે તે બે ડગલાં આગળ વધ્યો, જાણે પેલીને રોકવા માંગતો હોય. પણ પોતાનું વર્તન ઠીક ન લાગવાથી પગ આપમેળે જ થંભી ગયા. ઊંડા શ્વાસ સાથે ગૌતમનો અવાજ નીકળ્યો અને ચાલી જતી છોકરીના કાને અથડાયો ,- "આપનું નામ તો કહેતા જાવ." અવાજ સાંભળતાં તેના પગ થંભ્યા, ક્ષણભરની ચુપકીદી છવાયાં પછી નમણી ડોક ફેરવી તેણીએ ગૌતમ સામે સ્મિત ફરકાવીને કહ્યું,- "શાયમા".




(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો