પ્રકરણ-1
સવારનો સમય છે, 9 વાગ્યાં એ વાત એલાર્મ ગાજી ગાજીને બોલી રહ્યો હતો. ઘરની બહાર રહેલી ગાડીનું હોર્ન પણ અલાર્મની જેમ વાગી રહ્યું હતું. સવારનો સૂર્ય વાદળોની કિનારીઓમાંથી પોતાની ગરમી ધરતી પર રેડી રહ્યો હતો. ફુલ્લી ગ્લાસડ બારી માંથી આ સૂર્યનો આછો તડકો એક 19 વર્ષ ના છોકરાના ગાલ પર અથડાય રહ્યો હતો. સવારનાં સોનેરી નજારામાં મેજર આનંદ પોતાના એક ના એક દીકરાને ઉથડવા તેના રૂમનો દરવાજો ખોલી અંદર આવ્યાં. મેજર આનંદ એક રિટાયર્ડ આર્મી ઓફિસર હતાં, બે વર્ષ પહેલાં જ એમને આર્મી માંથી રીટાયર્ડ થયા હતાં. રાજકોટમાં વૃંદાવન પાર્ક રેસિડેન્સીમાં બ્લોક નં -305 માં મેજર આનંદ તેની પત્ની અને એક દીકરા સાથે રિટાયરમેન્ટ ગાળતાં હતાં. દરવાજો ખુલતાં જ ગૌતમ બેડ માંથી ઉભો થઇ તરત જ બાથરૂમ તરફ દોડવા જાય છે ત્યાં તો તેના પપ્પાની નજર પડી જાય છે. દીકરાને આ રીતે ભાગતો જોઈ મેજર હસીને પાછાં પોતાના કામમાં મંડી જાય છે. બાથરૂમમાં ગૌતમને બહાર વાગી રહેલી હોર્નની રણરણનાટી સંભળાઈ, પોતાના મોડા થવાનું કયું કારણ આપવું એ વિચારતો એ ફટાફટ તૈયાર થયો અને નીચે ગયો. ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયેલા મમ્મી-પપ્પાને જોઈને થોડીક વાર થોભ્યો, ટેબલ પર બેઠો ન બેઠો, ચાંની અડધી ચૂસકી મારી ઉભો થતાં-થતાં બોલ્યો,-“મારે આજ મોડું થઈ ગયું છે પપ્પા હું જઉં છું, બાય….” દરવાજો ધડાક કરતો ખુલ્યો અને બંધ થઈ ગયો.
ઘરની બહાર એક મધ્યમ કદ કાઠીનો છોકરો પોતાની હોન્ડા CB110 પર બેઠો બેઠો હોર્ન વગાડતો હતો. ગૌતમે પાછળ આવી ઉભો રહ્યો અને હળવેકથી બોલ્યો, “ હોર્ન બગડી જશે, ભાઈ…” અચાનક જ બાઈક પરથી નીચે ઉતરી મલયે ગૌતમને જોયો. ઘઉંવરણા ચેહરા પર લાલ ગુસ્સો રાજ કરી બેઠો હતો, અને હોયજ ને ગુસ્સો સવાર સવારમાં કોઈની રાહ જોવી કોને ગમે. ગુસ્સામાં એને ટોળ કર્યો, “ કહેતા હો તો કાલથી તમને ઉઠાડવા પણ આવતાં જઈએ, લાડસાહેબ….” મિત્રનો ગુંસ્સો ઉતારવા ગૌતમે કાન પકડયાં અને બોલ્યો, “ચાલ ને યાર હવે, મેહતા સાહેબનો કલાસ આજ પણ નથી ભરવો કે શું??” ગાડીની કિક લાગી અને બન્ને ગાડીમાં બેસી કોલેજ જવા નીકળી પડ્યાં.
દસ મિનિટ બાદ ગાડી માતૃશ્રી ફુલકુંવરબા કોલેજનાં દરવાજાની અંદર ઘુસી, પાર્કિંગમાં ગાડીઓ સિવાય કોઈ દેખાતું ન હતું. મલય અને ગૌતમે એકબીજા તરફ જોઈને હસ્યાં, બન્ને સમજી ગયાં હતાં કે ક્લાસ ચાલુ થઈ ગયાં હતાં. ઉતાવળે બંને ક્લાસ તરફ ચાલવા માનો દોડવા જ લાગ્યાં. કોલેજની લોબીમાં દોડતાં દોડતાં બંને જાણે નીરવ વાતાવરણની છેડતી કરી રહ્યાં હતાં. લોબીમાં એક વણાંક વળતાં અચાનક જ ગૌતમ કોઈ સાથે ટકરાઈને લથડાયને નીચે પડે છે. ઉભો થવાં જતાં અને સામે વાળી વ્યક્તિની પરિસ્થિતિ માટે દિલગીરી વ્યક્ત કરતાં શબ્દો ઉચ્ચારતો પાછળ ફરે છે, “સોરી, સોરી….સો…રી…, મારે આજે…” આટલું બોલતાં જ સામે કાળા બુરખાં માં ઉભી છોકરી ની આંખો ને જોઈને સ્તબ્ધ થઈ ગયો. પાતળો કાળો પડછાયો એમાં ભૂરા દિવા જેવી આંખોમાં અત્યારે ગુસ્સો ચમકતો હતો, પણ સોરી સાંભળીને અને પોતાનું કામ યાદ આવતાં એક જ પળમાં નજર ચૂકાવી આચાર્યની ઓફીસ તરફ દોડી ગઈ. ઠંડી હવાની લહેરખીમાં એની ખૂબસુરતીની મહેક ગૌતમે અનુભવી. મલય પાછો ફરી નજીક આવતો હતો તે જાણી ગૌતમ સ્વસ્થ થયો અને ફરી પાછો ક્લાસ તરફ દોડવા લાગ્યો.
પણ મોડું થઈ ચૂક્યું હતું, મેહતા સાહેબનો ક્લાસ ચાલું થઈ ગયો હતો. દરવાજા પર ઊભેલાં બંને લેટલતીફોને જોઈને આખો ક્લાસ અંદરોઅંદર ગુસપુસ કરવા લાગ્યો. બે ત્રણ છોકરીઓ આ બંને ની જે હાલત થવાની હતી એ વિચારી ને મરક મરક હસી રહી હતી. ગૌતમ અને મલય બંનેમાંથી અંદર જવા કોણ પરવાનગી માગશે તેની ગડમથલમાં હતાં. ત્યાં ગુસપુસના અવાજથી પાછળ ફરતાં મેહતા સાહેબની નજર બન્ને પર પડી. “મ..મેં..આઈ.. કમ ઇન સર??”- થોથરાતાં અવાજે મલયે શરૂઆત કરી. સામે મેહતાસરે ઘડિયાળમાં નજર નાંખી અને નસકોરાં ફુલાવ્યાં,-“બહું વહેલાં આવ્યાં તમે તો, આવો, આવો, તમને થોડી ના પડાય. આવો, આવો…” ગૌતમ અને મલય ભોઠપ અનુભવતાં અંદર જતાં હતાં ત્યાં,- “બેશરમ છે સાવ બેય.” મેહતસર ઘુરકયાં, “બહાર નીકળો બન્ને જણ. આજ એક પણ કલાસ તમારે ભરવાંનો નથી. બહાર લોબીમાંજ ઉભા રહો આખો દિવસ તો જ તમારી અક્કલ ઠેકાણે પડશે.” આટલું સાંભળતાં જ બંને બહાર દોડી ગયાં. કલાસમાં હલકું હાસ્ય ફરક્યું, પણ મેહતાસરે બ્લેકબોર્ડ પરથી ધ્યાન ખેંચી પાછળ જોયું અને ફરી નીરવ શાંતિ પથરાય ગઈ.
“સાલા….. આજે પણ તારાં લીધે મારે મોડું થયું.” ગુસ્સામાં મલયે ગૌતમના માથાં પર બેગ માર્યું. માથું ખંજવાડતાં ખંજવાડતાં મલય સામે હસીને ગૌતમે કહ્યું, -“ચાલ ભાઈ, આ દીવાલે ટેકવીએ.”
થોડીવાર દીવાલ પાસે ઊભાં ઊભાં બંને ગપ્પાં મારતાં હતાં ત્યાં પાસેથી એક છોકરી બેગમાં કંઈક મુક્તી મુક્તી પસાર થઈ. ધ્યાનભંગ થતાં બંને એ ક્લાસરૂમ ના દરવાજા તરફ જોયું. મલયે તો શું જોયું હોય તેનો ખ્યાલ નહિ પણ ગૌતમની નજરે બેગમાંથી બહાર લટકતો બુરખાનો થોડોક ભાગ દેખાયો. થોડીવાર પહેલાં જ થયેલો ટકરાવ યાદ આવ્યો. ચેહરો જોઈ લેવા ગૌતમે પ્રયત્ન કર્યો પણ પેલી છોકરી કલાસની અંદર પ્રવેશી ચુકી હતી. ઊડતી નજરે ગૌતમને તેના બેગની કિચેન પર ‘S’ લખેલું દેખાયું. તો શું આ છોકરી પોતાની સાથે ભણવાની હશે? પોતાનાજ કલાસમાં? નામ શું હશે?? મનમાં આવી મીઠી તાલાવેલી જાગી. જાગે જ ને. કેટલી ખુબસુરત આંખો હતી એની માંનો મીઠાં પાણીનું ઝરણું.
(ક્રમશઃ)