Adhura prem ni adhuri.... books and stories free download online pdf in Gujarati

અધૂરા પ્રેમ ની અધૂરી.....

તમને થશે કે શીર્ષક મેં અધૂરું કેમ રાખ્યું છે? શું કાયમ પ્રેમ અધૂરો જ રહેતો હશે ? જેમણે પ્રેમ પ્રાપ્ત કરી લીધો હશે તેમનો જવાબ ના હશે અને જેમના પ્રેમ ની પૂર્તિ નથી થઇ એ જવાબ નહિ વિચારતા હોય પણ પોતાના એ પ્રેમ પ્રસંગો જે પૂર્ણ નથી થઇ શક્યા એને વાગોળતા હશે.

મારુ માનવું છે કે પ્રેમ ક્યારેય પણ અધૂરો નથી હોતો એ પૂર્ણવિરામ મૂકી ને જ જાય છે અને જો અલ્પવિરામ આવ્યું હોય તો પ્રેમ હજી પૂર્ણ થયો જ નથી.પ્રેમ તો પૂર્ણ જ હોય છે....અધૂરી તો આપણી ઈચ્છાઓ રહી જાય છે, પ્રસંગો રહી જાય છે, વાતો રહી જાય છે, મિલન રહી જાય છે પણ પ્રેમ.. પ્રેમ ક્યારેય અપૂર્ણ નથી હોતો.

વાત વધુ જૂની નથી ત્રણ વર્ષ પેહલા ની જ છે. મારા પાપા ની જોબ ગોવેર્નમેન્ટ માં એટલે દર ત્રણ વર્ષે બદલી થાય અને એવા જ ત્રણ વર્ષ ના સમય ની સાથે અમે નવી સિટી માં આવ્યા.. વલસાડ..

સરસ મજાનો દરિયો અને નૈસર્ગીક સુંદરતા નો સમન્વય..રોજ સાંજે મારી આદત, હું સરસ મજાની મારી સાયકલ ઉપર સાયકલિંગ કરતા મારા ઘરે થી બીચ પર જવા નીકળું. શીતળ પવન ની સાથે જાણે સૂર્ય ને પણ આળસ આવતી હોય એમ સુસ્ત થઇ ને આછો કેસરી રંગ વિખેરે. જાણે રસ્તાઓ અને મારી વચ્ચે ખાસ એકલતા મળી જતી અને મારી પોતાની ધૂન માં જે સૂઝે એ ગુનગુનાવાતી અને પહોચી જતી સાગર ની સુંદરતા નિહાળવા.

 સાયકલ ઉપર થી નીચે ઉતરી સૂઝને સ્ટેન્ડ પર ફિટ કરતી અને જેવા ઠંડી રેતી માં પગ મૂકતી, જાણે એવું લાગે કે સ્વર્ગ મળી ગયું. શાંત થઇ ને મોજા જાણે કે કેહતા હોય આજે તો ના સાંભળેલું મ્યુઝિક સાંભળવું હું તને. ઠંડા પવન થકી જયારે વાછંટ મને સ્પર્શે ત્યારે આછા કેસરી રંગ નો સુરજ પણ મંદ મંદ હસતો હોય. હું કલાકો ત્યાં બેસી ને મારા અને કુદરત ના પ્રેમ ને અનુભવું. સાચું જ કહે છે લોકો કે પ્રેમ કઈ વ્યક્તિવિશેષ લાગણી નથી એ તો એવી અનુભૂતિ છે જે ક્યાંય પણ કોઈની પણ સાથે કોઈ પણ સમયે અનુભવી શકાય.

પ્રથમ દિવસ થી જ મારી નજર એક યુવાન ઉપર અટકી ગઈ હતી, એની પાછળ નું ખાસ કારણ એની વર્તણુક હતી. એ લગભગ દરરોજ જ આવતો, બે થી ત્રણ કલાક ત્યાં વિતાવતો, પણ ના એ લટાર મારે કે ના કોઈ વ્યાયામ કરે, ના કુદરત ના સૌંદર્ય નું રસપાન કરે કે ના ઝીંદગી નો ગુસ્સો ત્યાં ઉતારે. ના કાન માં હેડફોન હોય કે ના હાથ માં પેન અને કાગળ, પણ એની પાસે હતી એક ડાયરી. 

હવે તમને થશે કે એમાં અજુગતું શું હતું? ખાસ વાત એ હતી કે એ ના તો એમાં કશું લખતો કે ના કશું વાંચતો. બીચ ઉપર થોડા એકાંત પસંદિત લોકો એ એક સરસ મજાનો પથ્થરો નો પાર્ક બનાવ્યો છે. દરરોજ આવી ને એ પાર્ક માં એક ચોક્કસ જગ્યા ઉપર આવે , બેસે , બાજુમાં ડાયરી મૂકે, બે- ત્રણ કલાક પછી ડાયરી લઈને જતો રહે.

આમ મને બીજા ની ઝીંદગી માં દખલ કરવાની આદત નહિ, કુતુહલ થતું હતું પણ એવું નહોતું કે મારુ ધ્યાન માત્ર ત્યાં જ કેન્દ્રિત થયેલું રેહતું. . આમ ને આમ એક મહિનો થઇ ગયો, એ જ રોજનીશી , એ જ અવલોકન મારુ અને એ જ મૌન એનું. કશું બદલાય નહિ, જાણે કે કુદરત એ સરસ મજાની શતરંજ ગોઠવી હોય અને ચાલ ચાલ્યા વગર રમત નો આનંદ ઉઠાવતા હોય. 

એટલા એક મહિના માં ના તો કોઈ એની સાથે દેખાયું કે ના કોઈએ એને બોલાવ્યો હોય, ના તો એને કોઈ ને કશું પૂછ્યું હોય કે ના કોઈએ એને કશું કહ્યું હોય . જાણે કે કુદરતે સાંકેતિક સંકેત મોકલાવ્યો હોય મારા સિવાય દરેક ને. અને મારી પણ હિંમત ક્યાં હતી ત્યાં જઈને એને કશું પૂછું? આમ પણ એ પાર્ક એ લોકો જ પસંદ કરતા જે એકાન્તપ્રિયે હોય, કોઈ ની સાથે વાત ના કરવી હોય, તો મારી જિજ્ઞાસા અધૂરી રહી ગઈ.

કહેવાય છે ને કે ભગવાન ની ચાલ સામે આપણે તુચ્છ છીએ, એક દિવસ એવો આવ્યો કે જેને મારી ઝીંદગી બદલી દીધી. મને એની સાથે લાગણી હતી, કુતુહલ હતું, સ્નેહ હતો કે શું હતું , હું નહોતી જાણતી ત્યારે, પણ કંઈક હતું જે જોડાવાનું હતું. શ્રાવણ મહિના ની એક સાંજ, શીતળ વાયરો અને મોજા નો સંવાંદ, મંત્રમુગ્ધ કરી દે એવા સૌમ્ય રંગો આકાશ માં અને એમની સજાવટ કરતા કાળા ઘેરા વાદળો. 

વરસાદ ની ઋતુમાં એ હંમેશા એક પ્લાસ્ટિક ની બેગ અને છત્રી સાથે જ આવતો, ડાયરી ને સાચવા. તે દિવસે તો ઝરમર છાંટા પણ પડતા હતા એટલે એને પ્લાસ્ટિક બેગ કાઢી અને એમાં ડાયરી મુકવા જ જતો હતો અને એક દાદા એ એની પાસે થી એ બેગ માંગી. દાદા એ આજે બીચ ઉપર દાદી સાથે મસ્ત કપલ ફોટો પડાવ્યો હતો અને એની કોપી મુકવા એમને એ બેગ જોઈતી હતી. સ્વાભાવિક છે કોઈ પણ ના પાડવાનો વિચાર શુધ્ધા ના લાવી શકે એટલી રોમેન્ટિક એ વાત હતી, એટલે એને પણ સહજ ભાવે પ્લાસ્ટિક ની બેગ દાદા ને આપી દીધી.

 એના સત કર્યો નું ફળ મને મળ્યું અને મેઘરાજે વરસવાનું શરુ કરી દીધું. એ ડાયરી ને છત્રી ના સહારે બચાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યો હતો. અને અમે બંને એક સાથે પાર્કિંગ તરફ જઈ રહ્યા હતા. એની વ્યાકુળતા એના ચાર્મિંગ ફેસ ઉપર દેખાઈ આવતી હતી. વરસાદ એ જોર પકડ્યું અને મારા નસીબ એ પણ, એને મને કહ્યું કે "તમારી પાસે આ વોટરપ્રુફ બેગ છે તો મારી આ ડાયરી એમાં મૂકી દેશો? હું તમને દરરોજ જોવ છું તો કાલે લઇ લઈશ તમારી પાસે થી. પણ એક વિનંતી છે આ મારી ખુબ જ અંગત વસ્તુ છે, જે આજ સુધી કોઈ ને નથી આપી અને જીવ ની જેમ સાચવી છે, તો તમે એને સાચવી ને કાલે પરત કરજો અને ખોલતા પણ નહિ." મેં એને નિશ્ચિંત રહેવાનું આશ્વાસન આપ્યું અને હું સાયકલ લઇ ને અને એ ચાલતા પોત પોતાને રસ્તે નીકળી પડ્યા. બે વાત ની ખુશી હતી, એક કે એની ડાયરી મારા હાથ માં હતી, અને બીજી કે એની નજરો એ પણ મને નિહાળી હતી.

મારા માટે તો જાણે એ સાંજ કુદરતે આપેલી અનમોલ સોગાત માંથી એક હતી. ઘરે જઈને બધું કામ પતાવી મારા રૂમ માં આવી, ડાયરી બેગ માંથી કાઢી અને ટેબલ ઉપર મૂકી. જાણવા છતાં હું પોતાને રોકી નહોતી સકતી એ વાંચવાથી. પણ મેં મારી જાત ને વચન આપ્યું કે મારા સિવાય કોઈ નહિ જાણે કે આ ડાયરી માં છે શું? એ પોતે પણ નહિ. 

અને મેં ડાયરી ખોલી. પ્રથમ પેજ ઉપર સુંદર હસ્તાક્ષરે એનું નામ લખેલું હતું- સાગર. સાગર- દરિયા ની જેમ જ ગંભીર પણ મોહક, વિશાલ પણ આલ્હાદક, સરળ પણ ઇન્ટરેસ્ટિંગ  . બીજા પેજ ઉપર એક નામ હતું કિનારા. હવે મારી ધીરજ વધારે ખૂટતી હતી અને મેં ત્રીજું પેજ ખોલ્યું. એક જ શ્વાસે વાંચી ગઈ આખું પેજ અને મેં ચોથું પેજ ખોલ્યું. એ પણ પાંપણના ઝબકારા વગર વાંચી ગઈ અને લખાણ પૂર્ણ થતા ની સાથે આંખ નું આંસુ રોકાયુ ના અને સરી પડ્યું.

આગળ ના બધા જ પેજ કોરા હતા અને મને લાગ્યું મારા જીવન નો નવો અધ્યાય લખાઈ ગયો. એ આખી રાત હું સુઈ ના સકી. સવારે મળસકે મારી આંખો મીચાઈ એ મને ખબર પણ ના પડી. લગભગ બપોરે હું જાગી, તૈયાર થઇ ને સાયકલ લઇ બીચ ઉપર પહોંચી. મને આજે છુપાવવાના હતા બધા જ વિચારો, આંખો એ આંસુ અને મારે એ દર્દ. રોજ કરતા હું એક કલાક વહેલી પહોંચી ગઈ હતી, આકાશ આજે સાફ હતું જાણે કે આખી રાત વરસી ને તૃપ્ત થઇ થયું હોય. અને મારા આશ્ચર્ય વચ્ચે સાગર પણ ત્યાં જ હતો, અધીરાઈ થી મારી રાહ જોતો હતો.

હું ત્યાં પહોંચી અને કઈ જ ઔપચારિક ઇન્ટ્રોડકશન વગર એને હાથ લંબાવ્યો, ડાયરી માટે અને મેં બેગ માંથી કાઢી ને એને આપી દીધી. ના એને મારુ નામ પૂછ્યું ના મેં એને, બસ દિલ થી આભાર વ્યક્ત કરી એક ગુલાબ આપી સાગર એની જગ્યા એ જતો રહ્યો. મેં પણ એ પછી ક્યારેય એની સાથે વાત કરવાનો કે એને પૂછવાનો પ્રયત્ન જ ના કર્યો. રોજ ની જેમ જ એની રોજનીશી ચાલુ જ હતી. કશું બદલાયેલ નહોતું સિવાય મારા મન. 

આમ ને આમ ત્રણ વર્ષ વીતી ગયા અને મારા પાપા ની ફરી બદલી થઇ અને મેં કાયમ માટે વલસાડ ને અલવિદા કહી દીધું. તમને પણ ખબર છે ત્યાંથી હું એકલી નહોતી આવી, મારી સાથે એક એવી લાગણી આવી હતી જે મારા મૃત્યુ સાથે જ જશે. એક એવું સત્ય હું જાણતી હતી જે કોઈને નથી ખબર. હું સાથે લઇ ને આવી હતી અનંત પહેર સુધી ની કોઈની વાટ.

તમને ખબર છે સાગર ત્યાં કોની રાહ જોતો હતો? કેમ આવતો હતો? એ પેજ માં શું લખેલું હતું? હું કેમ રડી હતી? તો સાંભળો- સાગર ત્યાં કિનારા ની રાહ જોતો હતો. ત્રીજા પેજ ઉપર કિનારા એ સાગર ને પ્રેમ નો એકરાર કરેલો અને ચોથા પેજ ઉપર સાગર એ "હા" લખી હતી. એના એકરાર ના અંત માં કિનારા એ લખ્યું હતું કે "જો તારા હૃદય માં પણ આ જ લાગણી હોય તો આજ ડાયરી માં તું જવાબ લખી, સાંજે આ દરિયા કિનારે આવી ને પાર્ક માં ડાયરી મૂકી દેજે. હું આવીશ અને એમાં લખેલો જવાબ વાંચીશ અને નવા જીવન ની શરૂઆત કરીશું. જવાબ હા હશે તો સાથે અને ના હશે તો એકલા. પ્રથમ પેજ ઉપર મેં તારું નામ પહેલેથી જ લખ્યું છે જે મને તારી હોવાનો અહેસાસ અપાવે છે. આવતી કાલે હું તારી આતુરતા થી રાહ જોઇશ અને તું પણ મારી રાહ જોજે, હું જરૂર થી આવીશ.મોડું થશે તો પણ હું આવીશ. રાહ જોજે."

અને તે સાંજે કિનારા ના આવી કયા કારણ થી એ ના હું જાણું છું ના સાગર જાણે છે,પણ એ ના આવી. એ સાંજ થી લઇ ને આજ ની સાંજ સુધી સાગર કિનારા ની રાહ જોવે છે, રોજ... આજે હું નથી એની સાક્ષી થવા પણ વિશ્વાસ છે સાગર કિનારા ની રાહ જોતો જ હશે, જેમ રોજ જોતો હતો. 

તે મેઘલી સાંજે એક અધૂરા પ્રેમ ની કહાની એ બીજા એક અધૂરા પ્રેમ ને જન્મ આપ્યો હતો. એ પ્રેમ મારો સાગર પ્રત્યે નો હતો. હા હું સાગર ને ઝીંદગીભર નહિ ભૂલું, પ્રેમ કરતી રહીશ. ભલે ને મારા લગ્ન થઇ જાય, જીવન આગળ વધારીશ પણ પ્રેમ કે જેમાં મેળવવાની ઝંખના નથી પણ કટિબદ્ધતા નો ગર્વ છે એ હંમેશા મારા હૃદય માં અંકિત રહેશે... અધૂરો સાગર નો પ્રેમ અને એ અધૂરા સાગર માટે નો મારો પ્રેમ.


તારા સંગાથ વગર પણ તારા પ્રેમ માત્રથી મારો પ્રેમ પૂર્ણ છે
અધૂરી હતી હું પેહલા હવે તારી લાગણી ઉમેરાઈ અને જીવન સંપૂર્ણ છે 


બીજા રસપ્રદ વિકલ્પો