Mukaam Post zaakad books and stories free download online pdf in Gujarati

મુકામ પોસ્ટ ઝાકળ

સ્ટાફ કવાર્ટર્સ માંનો એક રૂમ. તાળું લાગેલાં રૂમ ની સામે ઉભેલી છોકરી એ હમણાં જ ફોન કટ કર્યો અને પોતાની હંમેશ ની આદત મુજબ નંબર લોકવાળું તાળું ખોલી દરવાજાને હડસેલો માર્યો, અને રૂમમાં અંદર દાખલ થઇ. આહા.......... !!! પોતાના મનપસંદ શ્વાસ લેવા જાણે એણે બે -ત્રણ ઊંડા શ્વાસ લીધા. આ જ તો એના શ્વાસો નો ભાર ઉતારવાનું કાયમી સરનામું બની ગયું હતું... !

છોકરી એ પોતાનું પર્સ બાજુમાં મૂકી, મોજડી ઉતારી સીધી અંદર રસોડામાં ગઈ. છેલ્લે ફોનમાં જે પ્રમાણે વાત થઇ હતી, બિલકુલ એ જ મુજબ ફ્રિજ માં ચ્હા બનાવવા માટે જરૂરી સમાન હતો જ. એ ફટાફટ ચ્હા બનાવવા માંડી. એ જે રીતે રસોડાની ચીજો ને અડતી હતી, તેના પરથી લાગતું હતું કે રસોડાની તમામ વસ્તુ ઓ આ હાથ ને બરાબર ઓળખી ગયા હતાં. 

જાળી ખખડવા નો અવાજ આવ્યો. "અઝાન જ હશે " એ મનમાં બોલી. 
" બહુ કામ હતું આજે? " પેલી છોકરીએ પાછળ ફર્યા વગર જ કહ્યું. 
"હમમમ ", અઝાને જવાબ તો ટૂંકો આપ્યો પણ મનમાં વિચારોનાં ઘોડા લાબું દોડવા લાગ્યા. " આને કેમની ખબર પડી જતી હશે કે હું આવી ગયો ? " આજે પાછો એને પાછળ થી આવીને ચોંકાવવાનો પ્રયાસ નિષ્ફળ ગયો. 

"આંચલ, આજે તો ખાસ વાત કેહવાની છે તને ".અઝાન બોલ્યો. જો કે અઝાન ની કોઈ વાત આંચલ થી છુપી નહોતી અને એજ રીતે આંચલ ની દરેક વાત થી વાકેફ અઝાન, આંચલ સાથે કોઈપણ નામ વગરના સંબંધ થી આજથી ત્રણ વર્ષ પહેલાં જોડાયેલો. 

એક ઓળખાણ થી શરુ કરેલો આ સંબંધ ધીમે-ધીમે જેમ દરિયો પોતાની ખારાશ આજુબાજુ ની બધીજ ધરતીમાં ઊંડે સુધી ખૂમ્પાડી દે છે, એમ અઝાન અને આંચલની જાણ બહાર એમના જીવનમાં જે મીઠાં ની ખોટ હતી, તે લઈને આવેલ. મીઠું તો એકવાર પાણીમાં કે લોહીમાં ભળી જાય તો ક્યાંથી અલગ પાડી શકાય......!!!?
એવું જ આ બંને નું હતું. 
" તમે બેસો, ચ્હા બની જ ગઈ છે.. હું લઈને આવું. " આંચલે અઝાન સામે જોઈને કહ્યું. 
આંચલ ચ્હા લઈને બહારના રૂમમાં ગઈ. ટેબલ પર ચ્હા મૂકીને અઝાનની સામે ખુરશી પર પગ ઊંચા લઈ, પલાંઠી મારીને બેસી ગઈ. આંચલ ની આ બેસવાની સ્ટાઇલ વાત કરવાની શરૂઆત માટેની મૂક સંમતિ હતી, એ અઝાન તો જાણતો જ હોય ને.... !!
" બોલો " આંચલ બોલી. 
" તને ખબર છે, પેલી ઝોયા ની વાત મેં તને કરી હતી... !!" અઝાને ચ્હા નો કપ હાથ માં લેતાં કહ્યું. " ઝોયા પૂના વાળી.... !!!?" આંચલ ખાતરી કરવાનાં સૂર માં પૂછ્યું. 
" હમ્મ... એની વાત મેં ઘરમાં ગયા અઠવાડિયે કરી દીધી. અને ઝોયા એ પણ એના ઘરમાં વાત કરી છે. આમ તો કાંઈ ખાસ વાંધો આવે એમ લાગતું નથી પણ ઝોયા ની મમ્મીને જરા સમજાવવી પડશે એમ લાગે છે. મારાં ઘરનાં બધા પૂના જવાના છે આવતા અઠવાડિયે, પણ મને એમ હતું કે એ પહેલાં તારી સાથે વાત થાય તો સારું. " અઝાને વાત પર પૂર્ણવિરામ મૂકતાં કહ્યું. 
અઝાન ની સંગત ગમતી હોવાનું એક મુખ્ય કારણ એનો શાંત અને સ્થિર અવાજ હતો. અને આંચલ ની સૌથી મોટી નબળાઈ પણ. કોઈ માણસ આટલું શાંતિ થી અને સ્થિર અવાજ માં લાંબા-લચક આરોહ-અવરોહ વિના શાંત સમુદ્ર ની જેમ કેમનું બોલી શકે....? ! આંચલ ને કાયમ એમ થતું કે અઝાન બોલ્યા જ  કરે અને પોતે સાંભળ્યા કરે. 
" આ તો ખૂબ સરસ વાત છે... તે સારું થયું ને કે આજે હું આવી ગઈ.   !!!" આંચલ ના અવાજ માં ઉત્સાહ ડોકિયાં કરી ગયો... અઝાને હાથ થી જ એને નીચા અવાજે બોલવા નો ઈશારો કર્યો. 
" એ તો સરસ છોકરી છે. તમે અત્યાર સુધી એની જેટલી વાતો કરી છે, એના પરથી તો એવું જ લાગે છે કે એ પણ સમય નો માર ખાધેલ છે અને જિંદગી ને ખૂબ નજીકથી એણે જોયેલી છે.  એ તમને, તમારી પરિસ્થિતિ ને,  તમારા ફેમિલી ને સારી રીતે સમજી શકશે.. " ધીમા અવાજમાં પોતાનું મંતવ્ય આપતાં આંચલે કહ્યું. 
એક ઊંડા શ્વાસ લેવા-મુકવા ની સાથે બંનેએ એકબીજા ની સામે જોયું. જાણે આંચલ આંખો થી આ લગ્ન માટે મૂક સંમતિ આપતી હોય,  અને અઝાન એની સંમતિ એની આંખો માં આરપાર વાંચવા માંગતો હોય. 
અઝાન - એક પાક્કો ના કહી શકાય એવો તદ્દન સાફ દિલ મુસલમાન. એક વાર ના પ્રણયભંગ અને લગ્નભંગ પછી જિંદગી થીહારી ગયેલો અને ચુપચાપ બીબાઢાળ જિંદગી માં જીવ્યે જતો છોકરો. એકવાર ના જિંદગી ના કડવા અનુભવ પછી કોઈપણ પ્રકાર ના નવા સંબધો માં બાંધવા તૈયાર નહોતો જે સંબંધો એના માટે તકલીફો પણ લઈને આવે... કેમ કે હવે કોઈ પણ નવા, કડવા ઘૂંટડા માટે એ તૈયાર નહોતો. બહુ મોટી નહિ એવી જિંદગી ની ઉંમરે જિંદગી ને બહુ નજીકથી જોયેલી જાણેલી. એટલે વધારે પડતી અપેક્ષા - ઉપેક્ષા ની પરવા કર્યા વિના જીવ્યે જતો છોકરો. જિંદગી ના આવા નીરસ રસ્તા પર એણે ક્યારેક નમાઝ પછી ખ઼ુદા તરફ જોઈને જે હાથ ફેલાવેલા, એમાં જ જાણે આંચલ નામનું ફૂલ એના હાથમા આવીને પડેલું. 
એક સામાન્ય ઓળખાણ થી શરુ કરેલો આ સંબંધ આજે જીવન નો એક ભાગ બની જશે એવું ક્યારેય બંન્ને એ ગંભીરતા થી વિચારેલું પણ નહીં. અઝાને ક્યારેય આંચલ ને અડ્યા પણ વિના પોતાની એના તરફ ની કાળજી અને લાગણી ને ચુપચાપ આંચલ સુધી વહેવા દીધેલી, જેના રેલા આંચલ ના દિલ સુધી ચોક્કસ પોંહચેલા. 
આ બાજુ આંચલ હિન્દુ બ્રાહ્મણ છોકરી. એ પોતે શાશ્વત ને પ્રેમ કરતી હતી. શાશ્વત પણ એને પ્રેમ કરતો હતો. બંન્ને ના ઘર માં પણ એ બંન્ને ના પ્રેમસંબંધ ની જાણ હતી અને સર્વ સંમતિ થી  બંન્નેના લગ્ન પણ નક્કી થઇ ગયાં હતાં. હવે આ બધા ની વચ્ચે આ અઝાન સાથે ની એની મુલાકાતો એક પછી બે, પછી કેમ કરતાં વધતી ગઈ એનો એને પણ સભાનપણે ખ્યાલ નહોતો. ખરેખર તો બંન્ને માંથી એકેય ની એવી કોઈ ખાસ ઈચ્છા વગર બંધાયેલો આ સંબંધ, કોઈ પણ પ્રકાર ની અપેક્ષા, ઉપેક્ષા કે કોઈ પણ ફોર્માલિટીસ વગર બસ પૂરક બની ગયો. 
આજે અત્યારે અઝાન ની સામે બેસી એના નિકાહ માટે વાત સાંભળતી અને એક ખરા મિત્ર તરીકે એને સલાહ આપતી, અઝાન ના લગ્ન થઇ જાય એવું ખરેખર ઇચ્છતી, આંચલ ના મનમાં આજે અઝાન ની ઝોયા સાથે ના નિકાહ ની વાત સાંભળી ને મનમાં કંઈક બટકાઈ ને તૂટી ગયાં ની લાગણી થઇ. 
"આવું કેમ... !?" એણે મન ને હચમચાવી જોયું. " શું મને અઝાન માટે કોઈ લાગણી છે..?" લાગણીં ખરી પણ એ તો એક ખરા મિત્ર તરીકે ની.. તો એક મિત્ર બીજા મિત્ર માટે આ પરિસ્થિતિ માં તો ખુશ જ થાય. તો પછી મને કેમ અઝાન છીનવાઈ ગયાં ની લાગણી થાય છે... !!
આ મન પણ ખરું છે,.. ઝાકળ ની જેમ લીલાછમ્મ પાંદડા પર આવી ને બેસી તો ગયું, પણ મારો સૂર્ય તો શાશ્વત છે, એના મારાં જીવન માં ઉગવા સાથે જ ઝાકળ તો ઉડી જાય.... તો એ ઝાકળ જેવા સંબંધ ને નામે શ્વાસો જમા કેમનાં મૂકી દેવાય....?  
પ્રેમ નામની રમતમાં દિલ તો પોતે ક્યારનીય હારી ચુકી હતી અને એને પોતાની પસંદગી પર જરાય શંકા પણ નહતી, તો પછી અઝાન અને અઝાનનું આ એડ્રેસ કેમ આજે પારકું થઇ ગયાંની લાગણી થાય છે...? !!
કેટલાંક સંબંધો હોય છે જ એવા, એમનાં કોઈ નામ સરનામાં હોતાં નથી, છતાંય એ જિંદગી ની ભીડ માં જયારે એકલા પડી ગયાં ની લાગણી થાય ત્યારે એ સંબંધો જ એકલતા બનીને આપણા સાથી બની જતા હોય છે. પછી જેમ એકલતા થી ભાગી શકાતું નથી એમ એ સંબંધો થી પણ દૂર જઈ શકાતું નથી. 

બીજા રસપ્રદ વિકલ્પો