પિશાચ Amour દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિશાચ

સાસણ શહેરની સીમાઓ પૂરી થઇ અને ગામડાંઓની શરૂઆત થઇ હતી. એ ગામડાંઓના છેડે ઘનઘોર જંગલ હતું.જેની ઘણીબધી લોકવાયકાઓ પ્રચલિત હતી.જેમાંથી મોટાભગની “ડ્રેક્યુલા” ગામઠી ભાષામાં ‘પિશાચ’ની હતી.ગામડાંના લોકો સૂરજ ઢળ્યા બાદ જંગલમાં જવાથી ડરતા. દિવસના પણ જંગલનાં એ ભાગમાં ન જતાં જ્યાં એ પિશાચનું રહેઠાણ..એક ખંડેર જેવું મકાન હતું,પણ આ શહેરનાં યુવાનોને કોણ સમજાવે..!!

“સાહેબ,રાત્રે આ જંગલમાં ન જશો..પિશાચ રહે છે અહીં,તમારું લોહી પી જશે. એના જેવા બનાવી દેશે.”

ગામડાની પુખ્ત વયના મોહનભાઇ એ શહેરી યુવાનને સમજાવી રહ્યા.વિક્રમ નામ હતું એનું.સવારથી ગામડાની છેડે આવેલ ઘર પાસે બેઠો હતો.તે મકાનના માલિક મોહનલાલને જંગલ વિશે પૂછી રહ્યો હતો,ખાસ તો પિશાચ વિશે.
મોહનલાલે તેને જણાવ્યું કે ઘણા વર્ષોથી જંગલમાં અજીબોગરીબ ઘટનાઓ બનતી આવી હતી.અમુકવાર કોઇક સ્ત્રી ફરતી જોવા મળતી,તો અમુકવાર ચામાચિડીયાનું ટોળું ગામમાં ફરી વળતું. ગઇસાલથી તો ગામમાં ચોરીના કિસ્સા વધી ગયા હતા. ચોર ક્યારેય ન પકડાતો,ખાસ તો કપડાં,માંસ-મચ્છી એવું ગાયબ થતું.જંગલની અંદરના ખંડેરમાં રાત્રે રોશની થતી.પડછાયો દેખાતો.જેણે એને જોઇ હતી એ લોકો આઘાતથી અથવા લોહી ચૂસી લેવાથી મૃત્યુ પામ્યા હતા.એનાં ડરનાં કારણે ગામ લોકો રાત્રે માંસ જંગલનાં છેડે મૂકી દેતા,જેથી એ પિશાચ એ લોકોને ન મારે.

“What rubbish..” “મોહનકાકા,તમે પણ કેવી વાતો પર વિશ્વાસ કરો છો..?!” “આ જમાનામાં આવું ભૂત-પિશાચ કશું નથી હોતું..તમને કોઇક છેતરી રહ્યું છે..હું એ જ શોધાવા આવ્યો છું અને એને શોધીને જ લાવીશ.” “તમારે મારી સાથે આવવું હોય તો આવો...નહિતર હું એકલો જઇશ.” મોહનભાઇ ગભરાઇ ગયા.

“ના સાહેબ,મારે પરિવાર છે.મને કંઇક થઇ ગયું તો એમનું શું.!!” “ હું નઇ આવું.”

“સારું, પણ તો હું જઉં છું...” ઊભો થતો વિક્રમ બોલ્યો.

વિક્રમ ગામના એ ભાગ પાસે પહોંચ્યો જ્યાં ગામના લોકો માંસ રાખતા હતા.તે છુપાઇને બેસી ગયો.ઘણી રાત થઇ ગઇ,પણ એને કોઇ દેખાયું નઇ.તેને ઉંઘ આવવા લાગી,પણ કઇંક અવાજ આવતા તે ઝબકી ગયો.તે સાધવ થઇ તરફ જોઇ રહ્યો.

ચાંદની રાતનાં પ્રકાશમાં તેને પિશાચનો ભયાવહ ચહેરો દેખાયો.કાળા કપડાં અને  રક્તવિનનાં સફેદ હાથ-પગ અને ચહેરો,આંખો ઘેરી કાળી અને હોઠની કિનારીઓ પર લાંબા દાંત નિકળેલા દેખાતા હતા.તે ત્યાં બેઠી બેઠી  કાચું માંસ ખાઇ રહી અને થોડીવાર બાદ થોડું હાથમાં ઉઠાવી જંગલ તરફ જવા લાગી.

વિક્રમ થોડો ગભરાયો,પણ હિંમત કરી તેની પાછળ ગયો.તે જંગલના ઘેરા અંધકાર તરફ જઇ રહી.તે ખૂબ જ ધીમા ડગલે ચાલી રહી હતી. વિક્રમ પણ એ અંધકારમાં જઇ રહ્યો,ઘણું ચાલ્યા બાદ એક રોશની દેખાઇ,જે ખંડેરમાંથી આવી રહી હતી.વિક્રમે તે તરફ નજર કરી અને ત્યારબાદ ડ્રેક્યુલા તરફ..પણ આ શું.!! તે ત્યાં ન હતી,ક્યાં ગાયબ થઇ અચાનક !!તે ચારેબાજુ જોઇ રહ્યો.કોઇ નદેખાયું.તે એ ખંડેર તરફ ગયો.અંદર ડોક્યું કર્યું,પણ કોઇ ન હતું અંદર.તેણે દરવાજો ખોલ્યો.

અંદરમાં મશાલના કારણે થોડું અજવાળું હતું.મકાનમાં તૂટેલા ખુરશી ટેબલ અને ખાટલો હતા.કમરામાં લોહીની વાસ ફેલાઇ હતી.સતર્ક થતો તે ધીમા પગલે વધુ અંદર ગયો.ત્યાં જ તેની નજર કાળા કપડાંમાં ઊભું કોઇક દેખાયું.તેની પીઠ તેના તરફ હતી. લાંબા વાળના કારણે તેનો ચહેરો દેખાતો ન હતો. વિક્રમના કદમોની આહટ સાંભળી ચૂકેલી તે પાછળ ફરી.ગુસ્સાભરી લાલ આંખો,સફેદ ચહેરો,વિખરાયેલા વાળ અને લાંબા દાંત હતા એના. તે ઝડપથી તેના તરફ વધી.

“મને ન મારશો,પ્લીઝ..” “હું જાણું છું તમે કોઇ પિશાચ નથી,મારી જેમ મનુષ્ય છો.” ડરતો તે મુઠ્ઠી બંધ કરી આંખો બંધ કરી બોલ્યો અને નીચે બેસી ગયો.

“હું જાણું છું તમારું નામ નિશા છે.તમે મેડિકલ સ્ટુડન્ટ છો.”
તે બોલ્યો.પણ કોઇ અવાજ ન આવતા તેણે આંખો ખોલી.અચાનકથી માથાં પર ઘા થતા તે બેભાન થઇ ગયો.થોડીવાર બાદ તે ભાનમાં આવ્યો,માથું પકડતો તે ઊભો થયો.સામે નિશા બેઠી હતી.તેની બાજુમાં વિક્રમનું ખોળાયેલું બેગ પડ્યું હતું.નિશા સ્થિર નજરે તેને જોઇ રહી હતી.ન તો તેની આંખો ભયાવહ હતી,ન તેનો ચહેરો ભૂતિયા સફેદ.હા,તેનો ચહેરો ફિક્કો હતો.તેણે તેના નકલી દાંત કાઢી ટેબલ પર રાખ્યા હતા. 

“કોણ છે તું..? અને અહીં શા માટે આવ્યો છે...?” તેના હાથમાં પાણીનો ગ્લાસ પકડાવતી પૂછી રહી.

તે એક ઘૂંટડામાં પાણી પી ગયો.

“હું વિક્રમ...૨૦૧૦ બેચ...એમ.બી.બી.એસ.મેડિકલ કોલેજ,સાસણ.”
નિશા પલાઠી વાળી બેસી ગઇ.

“તું  મારી સિનિયર બેચનો છે..!!તો પછી મને ‘આપ’ કહીને કેમ બોલાવે છે..?!”

“મેડમ..જ્યારે આંખો સામે પિશાચ ઊભી હોય તો કોઇપણ તમે અને આપ જ બોલશે..!!” તે હલ્કી મુસ્કુરાહટ સાથે બોલ્યો.

 “મેં કોલેજમાં તારા વિશે સાંભળ્યું હતું અને સચ્ચાઇ જાણવા માટે અહીં આવ્યો છું..આખરે કોણ છું તું..?” તે નિશાના ફિક્કા ચહેરા તરફ જોઇને બોલ્યો.નિશા થોડીવાર વિચારોમાં બેઠી રહી.

“હું ડ્રેક્યુલા છું.હું દિવસે બહાર નથી નિકળી શકતી.તડકો મારી ચામડી બાળી નાંખે છે...”તે પોતાના હાથ પરનાં ઘા બતાવી રહી. “પહેલા શુર્દ્ધ શાકાહારી હતી..હવે પૂરી માંસાહારી છું..” “ચાંદી મારી ચામડીને અડે તો હું બળું છું,હું સામાન્ય વ્યક્તિથી વધુ ઝડપથી દોડી શકું છું.મને અંધકારથી ડર લાગતો હવે આજ અંધકાર મારું જીવન બની ગયો છે.”
બોલતી તે ઊભી થઇ મશાલ બૂઝાવી દીધી.ગભારાતાં વિક્રમે ટોર્ચ ચાલુકરી. તે તેની સામે આવી બેસી ગઇ હતી.

“માનું છું હું ડ્રેક્યુલાની જેમ સફેદ નથી,મારાં લાંબા દાંત નથી.મારી આંખો રંગ નથી બદલતી,પણ મારામાં આવતા બદલાવ મને થોડા સમયમાં પૂરી પિશાચ બનાવી દેશે.”
તે પોતાના ફિક્કા હાથ તરફ નજર કરતી બોલી.

“જો હું તને એમ કહું કે તું ડ્રેક્યુલા નથી તો..?!” વિક્રમ તેની ઊંડી ઉતરેલી આંખોને જોઇ રહ્યો. 

“તો..શું છું હું...?!” “મારામાં જે બદલાવ આવે છે એ બધું શું છે..?” તે અકડાતી બોલી.
વિક્રમ થોડીવાર ચૂપ રહ્યો.

“તો શરૂઆતથી વાત કર.નિશા કોણ હતી બે વર્ષ પહેલાં..? તું પોતાને પિશાચ કેમ માનવા લાગી..એ જણાવ ?” નિશા ઊભી થઇ,ખુરશીમાં બેસી,આંખો બંધ કરી ઊંડા શ્વાસ ભર્યા.
                                               *

બે વર્ષ પહેલાં

એમ.બી.બી.એસ ના છેલ્લા વર્ષનું રિઝલ્ટ આવી ગયું હતું.નિશા ડિસ્ટીક્શન સાથે પાસ થઇ હતી.તે ખૂબ જ ખુશ હતી.દોસ્તોને આઇસ્ક્રીમ પાર્ટી આપી અને મુવી જોયું.નિશા હસમુખી યુવતી હતી.બધા સાથે સારી રીતે વર્તતી.એને કોઇએ ક્યારેય પણ ગુસ્સામાં ન હતી જોઇ.તે તેના દાદા-દાદી સાથે રહેતી હતી.મમ્મી-પાપાની યાદમાં બસ એટલું જ હતું કે અકસ્માતમાં એમની મૃત્યું થઇ ગઇ હતી.

અઠવાડિયા બાદ ઇન્ટર્નશીપ શરૂ થવાની હતી.દાદીજી નિશાને ભેટ આપવા માટે માર્કેટ લઇ ગયા.આમ તો તેને ગિફ્ટ ગમતાં,પણ દાદા-દાદીને વધુ ખર્ચ કરાવવા ન હતી ઇચ્છતી.તેણે ચાંદીની વીંટી પસંદ કરી.ખરીદી કરી ઘર તરફ વળ્યા.પણ રસ્તામાં તેની સ્કૂટીને ટ્રકની ટક્કર લાગી.નિશા બેભાન થઇ.અને જ્યારે હોશ આવ્યું ત્યારે તેનું જીવન બદલાઇ ગયું હતું.

દાદીને માથામાં વાગતાં ત્યાં જ મૃત્યુ પામ્યા હતા અને આ ખબર જ્યારે દાદાજીને થઇ તેમને હૃદયનો હુમલો આવી ગયો.દાદાજીને પણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આટલા મોટા આઘાત બાદ નિશાએ હિંમત જાળવી રાખી હતી.તે દિવસ-રાત દાદાજી પાસે બેઠી રહેતી. કાકા-કાકી આવી ગયા હતા.તે તેને આરામ કરવા કહેતા,પણ નિશા ઊંઘવાથી ડરતી, હું ઊંઘીને ઊઠીશ અને દાદાજી પણ નઇ હશે તો..?!’ તેનો એ ડર સાચો પડ્યો.સવારે એ ઉઠી પણ દાદાજી ન ઉઠ્યા. તે ખૂબ રડી.

ઇન્ટર્નશીપ શરૂ થઇ ગઇ હતી,પણ નિશા હજી ઘરે જ હતી.આખો દિવસ દાદા-દાદીના ફોટો સામે બેઠી રહેતી. બધાં તેને ઘણું સમજાવતાં.આખરે તેની દોસ્ત રાશિએ કહ્યું.

“નિશા,તારે આગળ ભણવાનું છે ને..?તારે ફિઝીશીયન બનવાનું છે.આખી દુનિયા ફરવાની છે. ગરીબોની સેવા કરવાની છે.” “આ સપનું તારું નઇ,પણ તારા દાદા-દાદીનું  પણ આ સપનું હતું ને..?શું તું એ પૂરું નઇ કરીશ..?!” નિશા કંઇ ન બોલી,બસ ઊભી થઇ અને હોસ્પિટલ જવા માટે તૈયાર થઇ.

નિશા તેના કામમાં ખૂબ જ સારી હતી,પણ હવે તે પહેલાં જેવા હસમુખી,બોલકણી ન હતી.દોસ્તો ફરવા માટે અને મુવી જોવા બોલાવતા પણ એ ન જતી.એ જીવી રહી હતી,પણ એનામાં જીવ ન હતો.

૬ મહિના પૂરા થવા આવ્યા હતા.નિશાનો જન્મદિવસ હતો આજે.તેના કાકા-કાકીએ ઊજવવા માટે પૂછ્યું,પણ તેણે ના પાડી.આખરે તેમણે તેને દાદીજીએ ખરીદેલી વીંટી તેને આપી.નિશાએ ત્યારે તો વિંટી ન પહેરી,પણ રાત્રે તે બોક્સ લઇને બેઠી.વીટી પહેરી. અચાનક આંખો સામે એ દિવસ ફરી વળ્યો.દાદીનો મૃત ચહેરો દેખાયો.તેણે આંખો મજબૂતીથી બંધ કરી.એ યાદો તો દૂર હટી ગઇ,પણ તેની આંગળીમાં જલન થવા લાગી.તેણે પાણીથી હાથ ધોયા,પણ જલન ઓછી ન થઇ.આખરે તેણે વીંટી કાંઢી ફરી બોક્સમાં મૂકી,હાથમાં મલમ લગાવ્યું અને સૂવા પડી.

બીજા દિવસે તે હોસ્પિટલ જવા તૈયાર થઇ.હાથની બધી આંગળીઓ લાલ થઇ ગઇ હતી અને ફોલ્લીઓ પણ થઇ ગઇ હતી.

“ચામડી વિભાગમાં પોસ્ટીગ છે,કદાચ કઇંક ચેપ લાગી ગયું હશે.” વિચારતી તેણે ફરી મલમ લગાવી લીધું.અઠવાડિયું થયું,પણ ઘા રુઝાતાં ન હતા.૧૫ દિવસ થયા.આખા શરીર પર લાલ ફોલ્લીઓ ઉપડી આવી હતી.જે દિવસે વધુ બળતી અને રાત્રે શમી જતી.વધતી જતી બિમારીને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરાઇ.તેની ચામડીની તકલીફ ઘટવાને બદલે વધતી જતી હતી,દિવસે તો એ બહાર પણ ન હતી નીકળી શકતી.તેની હાલત જોઇ બધાં તેનાથી ડરતાં.ચામડીની બિમારી ચેપી હોય શકે એમ વિચારી કાકા-કાકી પણ વધુ ન આવતા,મિત્રો પણ હવે દૂર રહેવા લાગ્યા હતા.આખો દિવસ તે ચાદર ઓઢી ખાટલામાં પડી રહેતી અને રાત્રે વોર્ડમાં  આંટાફેરા મારતી. ભારે દવાનાં કારણે તેને ઘણીવાર ઊલ્ટીઓ થતી,જમવાનું કડવું ઝેર જેવું લાગતું હતું.તેણે જમવાનું પણ ઓછું કરી નાંખ્યું.

એક રાત્રે આંટા મારી રહેલી નિશાને કોઇક અવાજ સંભળાયા.તે આમતેમ જોઇ રહી,પણ બધાં સૂઇ રહ્યા હતા.ફરી અવાજ આવ્યો,તે ધ્યાન દઇ સાંભળી રહી.

“નિશા...તું પિશાચ છે...તું પિશાચ છે....રાત્રે જાગે છે.સૂરજથી બળે છે...હા તું ડ્રેક્યુલા છે.” હોસ્પિટલની બહારથી એ ગેબી અવાજો આવી રહ્યા હતા.નિશા ડરી ગઇ અને દોડીને ખાટલાં ચાદર નીચે છુપાઇ ગઇ,પણ એ અવાજો બંધ ન થયા.એક દિવસ....બે દિવસ અને ત્યારબાદ દરરોજ એ અવાજો આવતાં,નિશા ડરતી અને હવે એ અવાજો સાથે લડતી-ઝઘડતી ચિલ્લાતી.હવે એ એક માનસિક રોગી પણ બની ગઇ હતી.

“હું પાગલ નથી,ડૉક્ટર..હું મેડિકલ સ્ટુડેન્ટ છું.,પણ આ અવાજો ક્યાંકથી તો આવે છે.મને વારંવાર કહે છે હું ડ્રેક્યુલા છું.હું નથી ડ્રેક્યુલા.” બોલી તે રડતી અને કરગરતી ડૉક્ટર સામે.

ડૉક્ટર તેને તેના ડિપ્રેશન વિશે વાત કરતાં,તે પોતાના બદલાવને એક ડ્રેક્યુલાનો બદલાવ સમજવા લાગી હતી.શુદ્ધ શાકાહારી તે માંસ માંગતી.ગુસ્સે થઇ જતી.મારી લેતી સગાંઓને,અમુકવાર તો તેને બાંધી રાખવી પડતી.તેને માનસિક બિમારીની દવાઓ અપાઇ,વીજળી શેક સારવાર પણ આપાઇ.ત્રણ મહિનાની સારવાર બાદ હવે એ ઠિક હતી.ફરીથી શાકાહારી બની ગઇ હતી.પૂછો એનો સરખો જવાબ આપતી.ગુસ્સો ન કરતી.અવાજો વિશે પૂછો તો ‘ના’ કહેતી.પણ તેની ચામડીની બિમારી હજી એવી જ હતી.તેને ફરીથી ચામડી વિભાગમાં મોકલાઇ.

ફરી ચામડી વોર્ડમાં પહોંચેલી નિશા રાત્રે આંટા મારી રહી હતી.વોર્ડના ગેટ પાસે ગઇ.ચોકીદાર ન હતો એટલે છુપાઇને બહાર નિકળી ગઇ,આજુબાજુ નજર કરતી તે હોસ્પિટલની બહાર નિકળી ગઇ.ટિકીટ વિના બસમાં બેસી ગઇ.કંડક્ટરે વચ્ચે જ ઉતારી દીધી,પણ અવાજોનો પીછો કરતી નિશા બસ ચાલ્યે રાખ્યું. આખરે જંગલ પાસે આવી થંભી અને ગુસ્સાથી બરાડી.

“હા...હું પિશાચ છું...”
                                                  *

પોતાના વિશે જણાવતી નિશા છેલ્લા બે કલાકથી રડી રહી હતી.
“હું મનુષ્ય નથી.એક પિશાચ છું.”રડતી તે ટૂટિયું વળી બેઠી હતી.તેણે પોતાનો ચહેરો છુપાવી લીધો.તેને આમ જોઇ વિક્રમ પણ ઉદાસ થઇ ગયો.તેણે તેનો હાથ પકડ્યો.

”નિશા,તું ડ્રેક્યુલા કે પિશાચ નથી. “નિશા તેને આશ્ચર્યથી જોઇ રહી.

“વિક્રમ,આટલું બધું સાંભળ્યા બાદ પણ તું આમ કહે છે..?”

“હા,આ બધું સાંભળ્યા બાદ જ હું વધુ મક્કમતાથી કહું છું.મારી સાથે આવ..”બોલી તેણે તેને ઊભી કરી.

બંને ખંડેરની બહાર નિકળ્યા.આંસું લૂછતી નિશા વિક્રમની પાછળ ચાલી રહી.

“નિશા,તેં તારું નાનપણ મમ્મી-પપ્પા વિના કાઢ્યું,દાદા-દાદીએ તને મોટી કરી,એમની અચાનક મૃત્યુથી તું ખૂબ જ દુ:ખી હતી.ત્યારબાદ તને કોઇક એલર્જીથી ચામડીની બિમારી થઇ ગઇ,તું વધુ એકલી થઇ ગઇ.કોઇ ટેકો આપવા વાળું ન હતું.તું ‘ડિપ્રેશન’માં જતી રહી અને ડિપ્રેશનનાં કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય એ તને ખ્યાલ જ હશે..”

વિક્રમ પાછળ ફરી તેને જોઇ રહ્યો.નિશાએ માથું હલાવ્યું.
“ડિપ્રેશનનાં કારણે તારી ચામડીની બિમારી પણ સારી ન થઇ.”

“અને એ અવાજો..??” તે બોલી.

“અવાજો....એ તારા વિચાર હતા.” “જ્યારે વ્યક્તિ એકલી પડે.દોસ્ત-પરિવાર સાથ ન આપે ત્યારે એનું મન દરેક બાબતને નકારાત્મક રીતે લે.એ અવાજ તારી બિમારી માટેની તારી ખોટી સમજણ હતી.” “મને લાગે છે તને ડ્રેક્યુલાવાળી મુવીઝ પસંદ હતી.” તે મુસ્કુરાઇને બોલ્યો નિશાએ હકારમાં માથું હલાવ્યું.

“દવાનાં કારણે તને ઉલ્ટી થતી હતી અને માંસ-મટન ખાવાથી કોઇ પિશાચ નથી બનતું..મિસ.નિશા.એ આપણી ગેરસમજ છે.”

ચાલી રહેલાં બંને પહાડી તરફ જઇ રહ્યા હતા.સવાર થવા આવી હતી.અંધકાર ઓછો થઇ રહ્યો હતો.ડરતી નિશા અટકી ગઇ.

“વિક્રમ..મને લાગે છે મારે જવું જોઇએ.સવાર થઇ રહી છે.” તે પાછળ ફરી.પણ વિક્રમે તેનું કાંડું પકડ્યું.

“આજની સવાર..આજના સૂર્યોદયને તારે જોવાનો છે અને એ પણ કે તું કોઇ પિશાચ નથી.મનુષ્ય છે.” 

તે સ્થિર નજરે વિક્રમને જોઇ રહી.તેના મનમાં દુવિધા ચાલી રહી હતી.

“વિશ્વાસ રાખ મારા પર.”તેની ઉલઝન સમજતો તે બોલ્યો.નિશાએ હકારમાં માથું હલાવ્યું.ડરતી નિશા વિક્રમ પાછળ છૂપાતી ચાલી રહી.પહાડીની ટોચ પર પહોંચેલા વિક્રમે નિશા તરફ નજર કરી.તે આંખો બંધ કરી ઉભી હતી.
“આંખો ખોલ..”તે ધીમેથી બોલ્યો. ઘણી હિંમત કરી તેણે વિક્રમની પીઠ પાછળથી ડોકિયું કર્યું.આંખો ખોલી અને દર્દના ભાવ સાથે ફરી બંધ કરી દીધી.

“શાંત..ઊંડો શ્વાસ લે..” “તેં છેલ્લા એક વર્ષથી રોશની નથી જોઇ..થોડી તકલીફ થશે.”
તેની આંખો પરથી હાથ હટાવતો તે બોલ્યો.નિશાએ ધીમેથી આંખો ખોલી,સૂરજ તરફ નઇ, પણ વિક્રમના ચહેરા તરફ જોયું.રોશનીમાં તે ખૂબ જ સોહામણો લાગતો હતો.તે સ્થિર નજરે તેને જ જોઇ રહી.

“નિશા..મને નઇ..આ સવારને જો.તારા જીવનના નવા સૂર્યોદય તરફ જો.”તે મુસ્કુરાઇને બોલ્યો.

“એ જ તો જોઇ રહી છું.”તે ધીમેથી બોલી.

“શું..?” તે તેની તરફ જોઇ રહ્યો.

મુસ્કુરાતી તેણે ઉગમણી દિશા તરફ નજર કરી.આકાશ કેસરી-ગુલાબી રંગથી રંગાયું હતૂં.પક્ષીઓ માળો છોડી આકાશ તરફ જઇ રહ્યા હતા.વાતાવરણમાં ગરમાહટ આવી ગઇ હતી.નિશા આંખો બંધ કરી હાથ ફેલાવી ઊંડા શ્વાસ ભરી રહી.

“જોયું..મેં કહ્યું હતું ને...તું ડ્રેક્યુલા નથી અને તારી ચામડીની બિમારી પણ સારી થઇ ગઇ છે.”
નિશા તેના હાથ-પગ તરફ નજર કરી રહી,હાથમાં બસ હવે થોડાં કાળા ડાઘ હતા,તેની ચામડી હવે તડકામાં બળતી ન હતી.

“તું સાચું કહે છે વિક્રમ..હું ડ્રેક્યુલા નથી.મને બસ ડિપ્રેશન હતું અને ચામડીની બિમારી હતી.હવે હું ઠિક છું.”તે ખૂશ થતી બોલી.

પણ હવે હું ક્યાં જઇશ...?” બેચેન થતી તે અચાનક બોલી ઉઠી.

“શાંત થઇ જા.નિશા” “તારે ઘરે જવાનું છે.તારે દાદા-દાદીનું સપનું પૂરુ કરવાનું છે.તારે ફિઝીશીયન બનવાનું છે.” તેના ગાલ પર હાથ રાખતો વિક્રમ તેના આંસું લૂછી રહ્યો.

 “હું તને ઘરે પાછો લઇ જઇશ.આવીશ ને તું..?” નિશાએ હકારમાં માથું હલાવ્યું.
બંને પહાડી પરથી નીચે ઉતરવા લાગ્યા.

“શું તું મનોચિકિત્સક છે..?”

“ના...હું ફિઝીશીયન છું. “ તે બોલ્યો.

“ અચ્છા..તો ઠિંગણાં અને ચશ્મીશ રાઘવસર હજી મેડિસીનમાં છે કે રિટાર્ડ થઇ ગ્યા..?” તે હસીને પૂછી રહી.

“હજી છે જ, એવા જ ગુસ્સાવાળાં.”

“વિક્રમ..શું ડ્રેક્યુલા હેન્ડસમ હોય..?” તે બોલી અને વિક્રમ થંભી ગયો.

“કેમ પૂછે છે આવું..?”

“મેં સાંભળ્યું છે અને ફિલ્મોમાં પણ ડ્રેક્યુલા હેન્ડસમ હોય,કોઇને પણ પોતાના મોહજાળમાં ફસાવી દે એવા.” તે બોલી.

“ડ્રેક્યુલા વિશે મને નથી ખબર..” બોલતો તે ફરી ચાલવા લાગ્યો.પણ નિશા ત્યાં જ ઊભી રહી.

“તારી ઉંમર કેટલી છે.,વિક્રમ ?”

“નિશા...”તે થોડો અકડાયો.

“પ્લીઝ મને જણાવ..”

“૨૮ વર્ષ..”

“કેટલાં વર્ષોથી તું ૨૮ વર્ષનો છે...?!” નિશા બોલી અને વિક્રમ તેને ગુસ્સાથી જોઇ રહ્યો.

“હું ફિઝીશીયન છું.સાસણ હોસ્પિટલમાં એક વર્ષથી પ્રેક્ટિસ કરું છું.આ વિસ્તારમાં પિશાચની અફવા સાંભળી એટલે મદદ કરવા આવી ગયો.”

નિશા થોડીવાર સુધી ચૂપ રહી.સવારના કૂમળા તડકામાં ચમકતા તેના ચહેરા અને ગુસ્સામાં રંગ બદલી ભૂરી આંખોને તે જોઇ રહી.

“મારી કોલેજમાં કોઇ વિક્રમ ન હતો,હોસ્પિટલમાં ડૉ.રાઘવ નામના કોઇ ડૉક્ટર હતા જ નઇ.અને હું છેલ્લા એક વર્ષથી અહીં છું એ તને શી રીતે ખબર..આ ગામમાં પિશાચની લોકવાયકા વર્ષો જૂની છે..!!”

“તું શું બોલે છે મને કંઇપણ સમજાતું નથી.” બોલી વિક્રમ ચાલવા લાગ્યો.

દૂર ઊભી નિશા તેની તરફ જવા ગઇ,પણ પથ્થર પર ઠોકર લાગતાં તેનું સંતુલન ખોળવાયું.તેણે આંખો બંધ કરી લીધી,પણ પળવારમાં જ તેની નજીક પહોંચેલા વિક્રમે તેને બાંહોમાં પકડી લીધી.

“તું ઠિક છે..?” તે બોલ્યો.

ઉંડા શ્વાસ ભરતી તેણે આંખો ખોલી.પોતાની શક્તિનો ઉપયોગ કરવાથી વિક્રમની આંખો ચમકી રહી હતી,તેના હોઠના છેડે બે લાંબા દાંત બહાર આવી ગયા હતા.તેને જોઇ મુસ્કુરાતી નિશા તેના ચહેરા પર વ્હાલથી હાથ ફેરવી રહી.     
“આખરે તું મારી સામે આવ્યો ખરો..?!” “જ્યારથી અહીં આવી છું,કોઇકને પોતાની આસપાસ મહેસૂસ કરું છું,મને દેખાતો ચહેરો અને મારાં હાથ પર બનતા એ દાંતનાં નિશાન..” “ તેં જ ગામના લોકોને આ ખંડેરથી દૂર રાખ્યા હતા ને..?! મારી આ બિમારી પણ તેં જ ઠિક કરી છે ને..?!!” ભીંની આંખે તે બોલી.

તે હજીપણ  વિક્રમની બાંહોમાં હતી,તે સ્થિર નજરે તેને જોઇ રહી અને વિક્રમ હકારમાં માથું હલાવી રહ્યો.

“મને લાગ્યું હું તને ક્યારેય મળી ન શકીશ..” ”હું તને શોધી રહી હતી..”

“કેમ..?” તેના આંસું લૂછતા તેણે પૂછ્યું.

તેની નઝદીક આવી નિશાએ તેના હોઠને ચૂમ્યા.

“મિ.ડ્રેક્યુલા, મને નવું જીવન આપવા બદલ આભાર.” તેને ભેટતી તે બોલી. વિક્રમ તેને મજબૂતીથી ભેટી રહ્યો.

“તેં માગ્યા વિના મને ઘણું બધું આપી દીધું..” “પણ હું કંઇક માગું તો આપીશ.” વિક્રમ તેનો હાથ પકડી તેની આંખોમાં જોઇ રહ્યો.

“શું આપું તને..?”

“મારે તારા જેવા બનવું છે. “ વિક્રમે તેનો હાથ છોડી દીધો અને ગુસ્સામાં તેની તરફ જોઇ રહ્યો.

“નિશા..ભાનમાં આવ.તું શું માંગી રહી છે,જરા વિચાર કર.હું પિશાચ છું અને તું મારા જેવી બનવા માંગે છે..?!”

“હા.મારે તારા જેવા બનવું છે.તારી સાથે રહેવું છે હંમેશા માટે..એની સાથે જે મને ચાહે છે. “ તેની નજીક જઇ તેનો હાથ પકડી તે બોલી.

તે હસવા લાગ્યો અને પોતાનો હાથ છોડાવ્યો.
“કોણે કહ્યું હું તને ચાહું છું..?!” “તું બિમાર હતી એટલે તારી મદદ કરી અને હવે તું ઠિક થઇ ગઇ છે તો...જતી રહે પોતાની દુનિયામાં પાછી. “

“ના હું નઇ જઇશ.” જીદ કરતી તે નીચે બેસી ગઇ.

 “નિશા...તું કહે છે મેં તને નવું જીવન આપ્યું.તો હું ચાહું છું કે તું આ જીવનને જીવે.ખુશ રહે.તારા સ્વપ્નો પૂરાં કરે. “

“મારે પાછા નથી જવું.” રડતી તે બોલી.

“નિશા, જીદ ન કર.હું એક મૃત જીવ છું.આ ધરતી પર સદીઓથી છું અને તારે માટે અહીં રોકાઇશ નઇ. પોતાનું ધ્યાન રાખજે,હું ફરી તારા માટે અહીં નઇ આવીશ.” તેને ઊભી કરતો તે બોલ્યો.

“વચન આપ મને..તું જીવિશ.” રડતી નિશાનો હાથ પકડી તેણે વચન લીધું.
                                                *
છ વર્ષ બાદ

નિશા ઊંઘમાંથી બેઠી થઇ,ઘડિયાળ તરફ નજર કરી.રાતના ૩વાગ્યા હતા.તેણે લાઇટ્સ ઓન કરી ચારેબાજુ નજર કરી.તે ફરી ઊંઘવા પડી.ઘણીવાર સુધી પડખાં ફેરવ્યાં.આખરે ઊભી થઇ બાલ્કનીમાં બેઠી.

છેલ્લા ૬વર્ષથી દરરોજ આ જ સમ્યે આંખો ખૂલી જતી અને દરરોજ સવાર સુધી એના જીવનનો એ ખુબસુરત દિવસ રિવાઇન્ડ કરતી જ્યારે એ વિક્રમને મળી હતી.હજીપણ આંખો બંધ કરતી તો હસતો-મુસ્કુરાતો એ દેખાતો.

વિક્રમને વચન આપ્યાબાદ તે ફરી ઘરે આવી ગઇ. કાકા-કાકીને જણાવ્યું કે તે નજીકનાં ગામડામાં આયુર્વેદિક ડૉક્ટરની દવા લઇ રહી હતી.બિમારી મટી જતા એ પાછી આવી હતી.તેમણે ઘાણાં પ્રશ્નો પૂછ્યા અને બધા પ્રશ્નોનાં જવાબ તેણે શાંતિથી આપ્યા હતા.

તેણે પોતાની ઇન્ટર્નશીપ પૂરી કરી અને સાથે જ ઉચ્ચ અભ્યાસ માટેની પરિક્ષાની તૈયારી પણ કરી. પરિક્ષા આપી અને સારા માર્ક્સ સાથે પાસ પણ થઇ ગઇ.તેની ઇચ્છા મુજબ મેડિસીનમાં તેને પ્રવેશ પણ મળી ગયો. હવે તેના જીવન માટે બસ બે જ વાતો જરૂરી હતી.કામ કરવું અને વિક્રમને યાદ કરવું. 

દરરોજ થતો સૂર્યોદય તેને વિક્રમની યાદ અપાવતો. કામ કરતી વખતે એ યાદ આવતું કે એપણ એક ફિઝીશીયન હતો.ડ્રેક્યુલાની ફિલ્મો ન જોતી એ, કારણ કે તેનું હ્રદય તડપી ઊઠતું. અંધકારથી ડર ન હતો લાગતો એને,પણ એકલાપણાંથી ડર લાગતો હતો. એ પોતાને નવરાશ ન આપતી.ખાલી સમય તે પોતાની દોસ્તો સાથે વિતાવતી.
તેના કાકી લગ્ન વિશે પૂછતા તો વાત ટાળી દેતી.૨-૩ દોસ્તોએ તેને પ્રપોઝ પણ કરી હતી,પણ તેણે ના કહી દીધું.તેની સહેલીઓ તેના પર ગુસ્સે પણ થતી.

“નિશા,તું આટલા સારા છોકરાઓને ના કહે છે..આખરે તને કોની તલાશ છે.?!”

અને નિશા મનમાં જ બોલી ઉઠતી.’વિક્રમ’

રેસિડન્ટશીપના ત્રણ વર્ષ પૂરા થઇ ગયા.પરિક્ષા આવી અને તે પાસ પણ થઇ ગઇ.ત્રણ વર્ષની મહેનત બાદ આખરે તેનું ફિઝીશીયન બનવાનું સ્વપ્ન પૂરું થયું.

તેણે એ જ ગામડાંમાં નોકરી સ્વીકારી.જ્યાં તે એક વર્ષ સુધી રહી હતી.તે ઘણી નિષ્ઠાપૂર્વક દર્દીઓની સારવાર કરતી.તેણે એજ ગામમાં રહેવાનું શરૂ કર્યું.દવાખાના સાથેના સરકારી વસાહતમાં તે રહેતી.

હજીપણ ગામના લોકો જંગલનાં છેડે માંસ અને કપડાં મૂકી જતાં.બીજા દિવસે એ ગાયબ થઇ જતું.કદાચ કોઇ જરૂરતમંદ વ્યક્તિ લઇ જતી હશે.નિશા દરરોજ સવારે સૂર્યોદય થવા પહેલા જંગલની અંદર આવેલી એ પહાડી ચઢતી,જ્યાં તે વિક્રમ સાથે આવી હતી.દરરોજ ઉગતા સૂરજને,પંખીઓને કલરવને સાંભળતી,પણ એનો એહસાસ ન હતો જેને એ શોધી રહી હતી.એકલતા અનુભવતા આંખો ભીંની થઇ જતી એની.અને તે ફરી ક્વાટર્સ તરફ વળતી.
                                             *
કાકીજીની ઘણી જીદ બાદ નિશા લગ્ન માટે છોકરાને મળવા તૈયાર થઇ હતી.’સારો છે,ફિઝીશીયન છે,કોઇ વ્યસન નથી.બીજું શું જોઇએ છે તને..? બેટા,એકવાર મળી લે એને.’ કાકીએ ફોન પર કહ્યું હતું અને હા,સુહાસ એવો જ હતો.

‘રુહાન’ કેફેમાં બંને મળ્યા.સુહાસ સારો વ્યક્તિ હતો.કોલેજમાં તેનો સિનિયર હતો.સુહાસે પોતાના વિશે ઘણું જણાવ્યું અને નિશાને તેના શોખ,પસંદ-નાપસંદ ઘણું બધું પૂછ્યું.

“શું તું મને કોઇ પ્રશ્ન નઇ પૂછીશ..?” સુહાસ બોલ્યો.

“મને લાગેછે તમે પોતાના વિશે બધું જણાવી ચૂક્યા છો.” નિશા ફિક્કી હસી સાથે બોલી.

“તો શું પૂછવું..!” “હા,એક પ્રશ્ન છે જો એવું બને કે હું બધું છોડીને ક્યાંક જતી રહું,તને કહું કે હું ડ્રેક્યુલા છું તો તું શું કરીશ..?”સુહાસ હસી પડ્યો.

“આ કેવી વાત કરે છે તું નિશા...? મને લાગે છે બધાં તારા વિશે બધાં સાચુંજ કહેતા હતા કે તું પાગલ છે..” બોલતો તે ઊભો થયો અને જવા લાગ્યો.

નિશા તેને જતા જોઇ રહી,સુહાસના આમ કહેવાથી તે ઉદાસ થઇ ગઇ,પણ આંખોની કિનારી લૂછી મૂસ્કુરાઇ.તે પોતાની કોફી પી રહી હતી.ત્યાં જ અવાજ સંભળાયો.તેણે એ તરફ નજર કરી.

સુહાસ પોતાનો શર્ટ અને હાથ લૂંછી રહ્યો હતો અને વેઇટર પર ચિલ્લાઇ રહ્યો હતો,કારણકે તેણે સુહાસ પર ગરમ સૂપ નાંખી દીધું હતું.નિશાની નજર ટોળામાં ઊભા વેઇટર પર પડી, 

“વિક્રમ.”તે બોલી ઉઠી અને તેની તરફ નજર કરતો વિક્રમ પળવારમાં જ એ ભીડમાં અલોપ થઇ ગયો.

છ વર્ષમાં પહેલીવાર વિક્રમને ખૂલી આંખે જોયો હતો.એ કોઇ ખ્વાબ નઇ,પણ ખરેખર ત્યાં હતો.સૂહાસ પર ગરમ સૂપ ઢોળી પોતાનો ગુસ્સો જતાવી રહ્યો હતો. 

ઘરે પહોંચ્યા બાદ પણ નિશા વિક્રમના વિચારોમાં જ હતી.કાકીજી એ સુહાસ વિશે પૂછ્યું,પણ તેણે વાત ટાળી દીધી અને જમ્યા વિના જ તે પોતાના કમરામાં જતી રહી. 
રાત થઇ ગઇ હતી.નિશા કમરામાંથી બહાર નિકળી અપાર્ટમેન્ટની છત પર ગઇ.શહેર તરફ નજર કરી.રસ્તા પર હજી વાહનોની અવરજવર ચાલુ હતી.તેણે આકાશ તરફ જોયું,આજે પૂનમની રાત હતી,તે ચંદ્રને તાકી રહી.ત્યારબાદ કઇંક વિચાર આવતા તે પાળી પર ચઢી.નીચે નજર કરી અને ઊંડો શ્વાસ ભર્યો. આંખો બંધ કરી પોતાનું શરીર ઢીલું છોડી દીધું.પાળી પરથી તેનો પગ હટ્યો,પણ કોઇકે તેને કમરથી પકડી લીધી.

“તેં વચન તોડ્યું.“ તેને પોતાની તરફ ખેંચતો વિક્રમ બોલ્યો.

“૬વર્ષ,૨મહિના,૧૭દિવસ,૧૨કલાક અને ૨૦મિનિટ..” આંખો ખોલતી તે બોલી.તેની ભૂરી આંખોમાં જોયું અને તેના ચહેરા પર હાથ રાખ્યો. “  I've missed you alot. “ રડતી તે વિક્રમને ભેટી પડી.

“શું તને મારી યાદ ન આવી..?”તેણે વિક્રમની આંખોમાં જોઇ પૂછ્યું. વિક્રમની આંખો પણ ભીંની થઇ ગઇ હતી,કદાચ પહેલીવાર મનુષ્ય કોઇ પિશાચની આંખોમાં આંસું જોઇ રહ્યું હતું.

“તને પોતાનાથી દૂર કરી,પણ હું પોતે તારાથી દૂર ન રહી શક્યો.હું અહીં જ હતો.છેલ્લા છ વર્ષથી,તારી સાથે,તારી આસપાસ છું હું.તને દોસ્તો સાથે હસતાં અને એકલામાં રડતાં પણ જોઇ છે મેં.”તેના આંસું લૂછી,તેના ચહેરાને પંપાળતો તે બોલ્યો.

“જ્યારે કોઇ મનુષ્ય તને ચાહતો,તો મને એમ થતું હું એને સજા આપું..એ તને શી રીતે..?! “ “તું તો મારી...” તે બોલતા અટક્યો.તેને પાળી પરથી નીચે ઉતારી દૂર જવા લાગ્યો,પણ થોડીવાર માટે થંભ્યો,હાથની મુઠ્ઠીવાળી પોતાની લાગણીઓને કાબૂ કરવાની નિષ્ફળ કોશિશ કરી રહ્યો અને પાછળ ફરતો તે એક જ ક્ષણમાં નિશાની નઝદીક પહોંચ્યો. નિશા તેને સ્થિર નજરે જોઇ રહી.

“આટલું મજબૂત આકર્ષણ...આ જૂનુન..આ બેચેની..પહેલાં ક્યારેય પણ મેં મહેસૂસ નથી કરી.સદીઓથી આ દુનિયામાં છું.પહેલાં ક્યારેય પણ હું કોઇ માટે…કોઇ મનુષ્ય માટે અટક્યો નથી.,પણ છેલ્લા છ વર્ષથી બસ અહીં જ, તારી પાસે અટકી ગયો છું.કોઇક અદૃશ્ય બંધનમાં બંધાઇ ગયો છું.” તેના ચહેરાને પોતાના હાથમાં લેતો તે બોલ્યો.

“તું કહેતી હતી ને કે ડ્રેક્યુલા કોઇને પણ પોતાના વશમાં કરી શકે છે,પણ તેં તો એક મનુષ્ય હોવા છતાં મને પોતાના મોહજાળમાં ફસાવી દીધો.” “હા..ચાહું છું તને.તારાથી દૂર નથી રહી શકતો અને બીજાને તારી આસપાસ નથી જોઇ શકતો.કોઇ તને દુ:ખી કરશે તો હું એને સજા આપીશ.” તે પ્રેમ અને ગુસ્સા સાથે બોલ્યો.

“તો પોતાને શું સજા આપીશ તું..?” નિશા ભીંની આંખે મુસ્કુરાઇને બોલી.

“તું જે સજા આપીશ એ મંજૂર છે મને.” તેની સામે ઘૂંટણીયે બેસી તે બોલ્યો.

“તારી સજા એ છે કે તારે હંમેશા મારી સાથે રહેવું પડશે..વચન આપ કે તું મને ક્યારેય છોડીને ન જઇશ.”
તે હાથ લંબાવી બોલી અને જવાબમાં વિક્રમે તેનો હાથ પકડી પોતાની તરફ ખેંચી લીધી.

“હું વચન આપું છું તારી સાથે રહીશ.હંમેશા તને ચાહીશ.” બોલતા તેણે તેના કપાળ પર ચુંબન કર્યું.

“વિક્રમ.મારે હંમેશા તારી સાથે રહેવું છે.હું મનુષ્ય છું,ઘડપણ આવશે અને મૃત્યુ આવશે.મારે તારાથી દૂર નથી જવું.મને તારા જેવી બનાવી દે.”તેનાગાલ પર હાથ રાખતી તે બોલી.

“મેં છેલ્લા છ વર્ષમાં મનુષ્યનું જીવન જીવી લીધું છે.હવે મારે તારી સાથે જીવવું છે.”તેની છાતી પર માથું રાખતી તે બોલી.વિક્રમ ઘણીવાર સુધી વિચારી રહ્યો અને તેનાં બાંવડાં પકડ્યા.

“પિશાચ બન્યા બાદ ફરી મનુષ્ય બનવું શક્ય નથી.ઘર-પરિવાર છોડવો પડશે.આપણે ક્યારેય માતા-પિતા નઇ બની શકીશું અને હંમેશા બસ ૨૯વર્ષના આ શરીર સાથે રહેવું પડશે.” “શું તને મંજૂર છે..?” તે ઉદાસ થતો બોલ્યો.

“તારી સાથે રહેવા માટે હું કોઇપણ દર્દ સહન કરી લઇશ.હા,મંજૂર છે મને.”
તે મુસ્કુરાઇને બોલી અને આંખો બંધ કરી દીધી.વિક્રમ તેના ગળા નજીક આવ્યો.પહેલા તેની ગરદન પર ચૂમ્યું.અને પોતાના દાંત તેની નસમાં ચૂંભાવી દીધા.દર્દના કારણે નિશાએ વિક્રમનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો.

અસહ્ય દર્દના કારણે તે બેભાન થઇ ગઇ.વિક્રમ તેના સફેદ પડેલા બેજાન ચહેરાને જોઇ રહ્યો.તેનો શ્વાચ્છવાસ બંધ થઇ ગયો હતો.હૃદયના ધબકારાં પણ બંધ થઇ ગયા હતા.

“નિશા....આંખો ખોલ.”તે ગભરાહટ સાથે બોલ્યો.તેણે મજબૂતીથી ગળે લગાવી લીધી.

“મને માફ કરી દે.” રડતો તે બોલ્યો.
અચાનક ઝાટકા સાથે નિશા તેનાથી દૂર ખસી અને વિક્રમના ઉપર બેસતી તેણે તેનું ગળું દબાવ્યું.વિક્રમ તેની ભૂરી આંખો અને લાંબા દાંત જોઇ મુસ્કુરાયો અને તેને કમરથી પકડી પોતાની નીચે લાવી તેને ગાઢ ચુંબનમાં લઇ લીધી.

“મારી દુનિયામાં સ્વાગત છે તારું.” બોલતાં તેણે તેના કપાળને ચૂમ્યું.
 
                              #                #             #