immortal books and stories free download online pdf in Gujarati

સંજીવની

૧-અમરત્વ શ્રાપ

આ જાદુગરોનો સમય હતો,દરેક જાદુગરો પોતાની અલગ-અલગ શકિતઓ ધરાવતા હતી,અમુક નબળા હતા,તો અમુક ખૂબ જ શક્તિશાળી અને આ શક્તિશાળી જાદુગરો વચ્ચે મોખરે રહેવા માટેનો સંઘર્ષ સતત ચાલતો. આ કાળના સૌથી શક્તિશાળી જાદુગરો ચાર ભાઇઓ હતા,જેઓ સૂર્યવંશી પણ કહેવાતા,તેઓ ક્યારેય પણ પોતાની શક્તિઓનો દુરઉપયોગ ન કરતા,તેમને પડકાર આપનારને એ હરાવતા,પણ હત્યા ન કરતા.
છેલ્લા ૧૦૦વર્ષમાં આ ચારને ટક્કર આપી શકે એવો એકમાત્ર જાદુગર હતો. તેણે હજી સુધી ઘણા જાદુગરોને મોતના ઘાટ ઉતાર્યા હતા. તે ખૂબ જ ક્રૂર અને નિર્દયી હતો,જેથી તેને અંધકારનો રાજા ગણાવતા.  સૂર્યવંશી ભાઇઓએ એને બસ હરાવવું ન હતું. એનો જીવ લેવો હતો એમણે.
અંધકારનો એ રાજા પોતાના ‘તમશ’મહેલમાં રહેતો હતો,જે ખૂબ જ શક્તિશાળી જાદુથી સુરક્ષિત કરાયો હતો,પણ ૧૦૦વર્ષમાં પહેલીવાર આ સુરક્ષા કવચ તૂટ્યું હતુ અને દરેક શક્તિશાળી જાદુગરો જૂથ બનાવી તેના પર હુમલો કરવા મહેલમાં પ્રવેશ્યા, પણ ત્યાંનું દૃશ્ય જોઇ તેઓ બે ડગલા પાછળ ખસવા મજબૂર થઇ ગયા. સૂર્યવંશી જાદુગરો પણ ત્યાં પહોંચ્યા અને ટોળાને હટાવતા નજીક ગયા.
કમરાની વચ્ચે એ જાદુગર  બેઠો હતો,તેના હાથમાં લોહીથી ખરડાયેલું ખંજર હતું અને નજીકમાં એક યુવતીની લાશ પડી હતી. એ યુવતી હતી જીવિકા. ચાર સૂર્યવંશી ભાઇઓની  લાડલી નાની બહેન !!
“જીવિકા.....”ચારેય નીચે ફસડાઇ પડ્યા. મોટાભાઇ વશિષ્ટે તેના મૃત શરીરને ખોળામાં લઇ લીધું.
“ઉઠી જા...બેટા...જીવિ....ઉઠી જા...” ચારેય ભાઇઓ આક્રંદમાં ડૂબી ગયા.
“તારી દુશ્મની અમારી સાથે હતી..આ માસૂમને કેમ સજા આપી...?!” નાનોભાઇ અંગદ સામે બેઠા જાદુગરનું કોલર પકડી ઉભો કરતા બોલ્યો. તે બસ નીચું જોઇ હસી રહ્યો. ગુસ્સે થતા શિવમે તેને દૂર ફેંક્યો, પણ તે ક્રૂર હજી મુસ્કુરાઇ રહ્યો હતો. ત્રણેય ભાઇઓ તેને ઘેરી વળ્યા.
“આ તમારો અપરાધી છે..એને તમે જ સજા આપો...” બોલી બાકીના જાદુગરો ત્યાંથી જતા રહ્યા.
ચારેય ભાઇ પોતાની શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરી તેના પર હુમલો કરી રહ્યા. આખરે લોહીથી લથપથ થયેલા એનું ગળુ પકડી દિવાલ પર પછાડ્યો. ઉભો પણ ન રહી શકતો હતો એ,છતા પણ તેના ચહેરા પર હસી હતી. વધુ અકડાતા અંગદે તેના હ્રદયમાં જીવિકાના લોહીથી ખરડાયેલું ખંજર ખૂંપાવી દીધું,પણ વશિષ્ટે તેને રોક્યો. 
“આને આટલી આસાન મોત નથી આપવી...” ત્રણેય તેમના તરફ જોઇ રહ્યા.
“તું  જીવતો રહીશ...અને આ ખંજર દરેક ક્ષણે તારા હ્રદયને ચૂંભતું રહેશે..તું આ મહેલમાં જ કેદ રહીશ..હંમેશા માટે....”તે બોલ્યા અને ઉંડો શ્વાસ ભર્યો.
“તને આ શ્રાપમાંથી બસ એ જ વ્યક્તિ આઝાદ કરી શકશે જે તને ચાહે છે..જેણે ક્યારેય પણ તારું બૂરું નથી વિચાર્યું...એ જ આ મહેલમાં પ્રવેશી શકશે. તારા હ્રદય પર હાથ મૂકી તને પોકારશે ત્યારે જ તું આ કેદમાંથી આઝાદ થઇશ..” બોલી વશિષ્ટે તેની છાતી પર ખૂંપેલું ખંજર પકડ્યું અને હજી મુસ્કુરાતો ઉભો તે જડ બની ગયો.

“કોણ હશે જે આવા ક્રૂર,અંધકારના રાજાને ચાહતું હશે..!?” અંગદ બોલ્યો. “એ હંમેશ માટે આ મહેલમાં કેદ રહેશે.”
જડ બનેલા જાદુગરને તેઓ જોઇ રહ્યા અને પોતાની બહેનની લાશ ઉઠાવી ત્યાંથી નીકળી ગયા.

૨-નવો સમય, અધૂરી કહાની

ઉંડો શ્વાસ લેતી અનન્યા ઉંઘમાંથી ઉભી થઇ. રાત્રિના ૨વાગ્યા હતા. તેનો ચહેરો પરસેવે રેબઝેબ થઇ ગયો હતો.
“ફરી એ જ ખ્વાબ....ડરામણા અને દર્દભર્યા એ અવાજો....અને એ ચહેરો...આખરે કોણ છે એ..?!” તેની ભીંની આંખોને લૂંછતી એ બબડી. ઉભી થઇ,પંખાનું રેગ્યુલેટર ફેરવ્યું,પાણી પીધું અને ફરી ઉંઘવા પડી. છેલ્લા ૧૦વર્ષથી તેને આજની જ રાત્રે આ સ્વપ્ન આવતું અને દરેક વખત એ ઉંઘમાંથી જાગી જતી અને ત્યારબાદ પાછી ઉંઘ ન આવતી. એ વિચારવામાં જ સવાર થતી કે આ બસ એક ખ્વાબ હતો કે પછી કોઇ હકીકત..!!!
૨૩વર્ષની અનન્યા ઇન્ટર્ન ડૉક્ટર હતી. ૧૫ જ દિવસ થયા હતા તેની ઇન્ટર્નશીપ શરૂ થયાંને. સર્જરી વિભાગમાં એનું પોસ્ટીંગ હતું. અઠવાડિયામાં બે દિવસ ઓ.પી.ડી નાં દર્દી તપાસતાં અને બે દિવસ ઓપરેશનમાં અને બે દિવસ વોર્ડનાં દર્દી તપાસતા. તેની સાથે પાંચ ઇન્ટર્ન ડૉક્ટર્સ પણ હતા..શ્રદ્ધા,કેયુર,રવિ,આરવ અને રિયા. રિયા અનન્યાની સારી દોસ્ત હતી અને શ્રદ્ધા સાથે પણ તેની દોસ્તી થવા લાગી હતી. આરવ શાંત અને શરમાળ સ્વભાવનો હતો,જ્યારે રવિ અને કેયુર બોલકણા અને મસ્તીખોર હતા. એ બંનેની આળસના કારણે અનન્યા ,શ્રદ્ધા અને રીયાએ વધુ કામ કરવું પડતું,છતાં એમનું સારું બનતું હતું.                
                                *
અનન્યા પ્રાઇવેટ વોર્ડના દર્દીઓની તપાસ માટે આવી હતી.  ત્યાં ચાર દર્દીઓ જ દાખલ હતા. ત્રણ દર્દીઓની તપાસણી કર્યા બાદ તે છેલ્લા રૂમ પાસે પહોંચી. દર્દી યુવાન વયનો હતો. તેની છાતી પર પાટો બાંધ્યો હતો. બીજે ક્યાંય પણ ઇજા ન હતી. તે અત્યારે સૂતો હતો,એની સાથે કોઇ સગાં ન હતા. અનન્યાએ તેને ઉઠાડવાની કોશિશ કરી,પણ તે ન ઉઠ્યો. આખરે તેણે તેની પલ્સ લેવા માટે હાથ પકડ્યો અને એ યુવક જાગી ગયો. ઇજા હોવા છતાં એ બેઠો થઇ ગયો.
“જીવિકા...?!” તે બોલ્યો.
આમ અચાનકથી જાગી ગયેલા દર્દીથી ગભરાઇને અનન્યા બહાર નીકળી સ્ટાફ રૂમમાં પહોંચી. ખુરશીમાં બેઠી તે  ઉંડા શ્વાસ લઇ રહી. પાણી પીધું અને આંખો બંધ કરી. અચાનક તેનો ચહેરો અને છેલ્લે સંભળાયેલ શબ્દો યાદ આવ્યા. આ ચહેરાને એણે પોતાના સ્વપ્નમાં જોયો હતો. તે ઝડપથી તેની પાસે ગઇ,પણ બેડ ખાલી હતો. ત્યાં કોઇ ન હતું. તે આશ્ચર્યથી ખાલી બેડ તરફ જોઇ રહી.

વોર્ડમાં દાખલ તેની અાંખો ખોલી, સામે એક યુવતી દેખાઇ. તેણે એનો હાથ પકડ્યો હતો, પણ શા માટે..?! ચહેરો જાણીતો લાગ્યો અને બેઠા થતા તેણે એક નામ લીધું. આ 'જીવિકા' કોણ છે.?અને આ યુવતી કોણ છે..?! તે કંઇ પૂછે એ પહેલાં જ તે ડરીને બહાર નિકળી ગઇ. તે તેની પાછળ ગયો. આંખો બંધ કરી બેઠી તે અચાનક ઊભી થઇ. સતર્ક થતા તેણે પોતાને અદ્રશ્ય કરી લીધો. યુવતીના બેચેન ચહેરાનેે ધ્યાનથી જોતો એ મંત્ર બોલ્યો અને પોતાના 'તમશ'  મહેલમાં પહોંચ્યો.

૩-અદ્વય

અઠવાડિયું થવા આવ્યું. અનન્યા એ ઘટનાને પોતાનો ભ્રમ જ માનત,જો એ યુવક સર્જરી ઓ.પી.ડી. માં આવ્યો ન હોત. 

તે સ્થિર નજરે તેને જોઇ રહી. આજે તો એ ઘણો અલગ લાગી રહ્યો હતો,તેના ચહેરા પર થાક ન હતો,તે સ્વસ્થ લાગી રહ્યો હતો. તે બધાં સાથે હસીને વાત કરી રહ્યો હતો.
“શ્રદ્ધા...”તેણે બાજુમાં બેઠેલી શ્રદ્ધાને કોણી મારી. “શું આપણી સામે વ્હાઇટ શર્ટ અને બ્લૂ ડેનિમ પહેરેલો  Handsome ઉભો છે..?”તેના કાન નજીક જઇ, હજી તે યુવક તરફ જોતી અનન્યાએ પૂછ્યું. તેના સવાલ પર શ્રદ્ધા મુસ્કુરાઇ અને હકારમાં માથું હલાવ્યું. અનન્યાએ રાહતના શ્વાસ લીધા. ‘Thank God. આ મારો ભ્રમ નથી’ તે વિચારી રહી. 
ત્યાં જ કેયુર અને રવિ આવ્યા અને એમણે જણાવ્યું કે એ હેન્ડસમ..એમની સાથેનો નવો ઇન્ટર્ન ‘અદ્વય’ હતો. એ કેયુર અને રવિ સાથે ઇન્ટર્ન હોસ્ટેલમાં રહેતો હતો. આજે એનો પહેલો દિવસ હતો ઇન્ટર્નશીપનો. કેયૂરે તેનો પરિચય કરાવ્યો. અનન્યાએ તેને Hi...કહ્યું પણ તેની સામે ન જોયું
પણ એ છોકરો તો અનન્યાની બાજુમાં જ બેસી ગયો. એની સાથે વાત કરવાની કોશિશ કરવા લાગ્યો. ઓ.પી.ડી નાં દર્દી તપાસતા સર્જનની તેમના પર નજર પડી અને તેમણે બંનેને બહાર કાઢી મૂક્યા. ગુસ્સે થતી તે ચાલવા લાગી. અદ્વય પણ  તેની પાછળ ગયો.
“કેમ મારી પાછળ આવે છે...?” હોસ્પિટલની બહાર નીકળી તે અકડાઇને પાછળ ફરી બોલી.
“તારા આ ગુસ્સાનું કારણ જાણવું છે અને મારાથી દૂર કેમ ભાગે છે ? ”
“ગુસ્સો નઇ કરું તો શું કરું..તારા કારણે સરે મને ઓ.પી.ડી માંથી કાઢી મૂકી..”
“અરે...તું એકલી થોડી બહાર છે ! હું પણ તારી સાથે જ છું ને...”મુસ્કુરાતો તે બોલ્યો અને તેને પોતાની નજીક ખેંચી.તેને અકીટશે જોઇ રહ્યો.
અઠવાડિયા પહેલાં અદ્વય જાગ્યો હતો,ત્યારે અનન્યા તેની સામે હતી. દવાખાનામાંથી અલોપ થયા બાદ એ 'તમશ' મહેલ પહોંચ્યો હતો, પણ એ તો ખંડેર બની ચૂક્યું હતું. જંગલની બહાર નિકળ્યો અને ઊંચી ગીચોગીચ ઇમારતો અને વાહનોથી ભરેલા રસ્તા પર નજર ગઇ. લોકોનો પહેરવેશ ઘણો અલગ હતો અને દરેકના હાથમાં એક નાનકડું સાધન પણ હતું.
તેને એ તો સમજાઇ ગયું કે તે ઘણા વર્ષો બાદ જાગ્યો હતો. તેણે આખો દિવસ લોકોનું નિરીક્ષણ કર્યું. આ સમયનાં લોકો પાસે જાદુઇ શક્તિ ન હતી,એ જાણી તેણે રાહત અનુભવી. 'મારાથી શક્તિશાળી કોઇ નથી અહીં.' વિચારતો તે ગર્વથી મુસ્કુરાયો,પણ અચાનક છાતીમાં દુ:ખાવો થતા તે બેસી પડ્યો. દર્દના કારણે તેનું શરીર ધ્રુજી રહ્યું અને માથે પરસેવો વળી ગયો. 'જેણે પણ એ ખંજર માર્યું હતુ,એને છોડીશ નઇ હું.' તે બબડ્યો. લોકો તેને જોઇ રહ્યા હતા. આથી ભીડથી દૂર જતો એ ગલીમાં પહોંચી અલોપ થઇ ગયો. ફરી એ ખંડેરમાં પહોચ્યો. અસહ્ય દર્દથી તે બેહોશ થઇ ગયો.
અઠવાડિયા સુધી તે ત્યાં જ રહ્યો. તેનો જાદુ પહેલા જેવો શક્તિશાળી ન હતો. તેણે પોતાની શક્તિઓ એકત્રિત કરી. તેની યાદમાં એ દિવસ ન હતો, જ્યારે એના પર હુમલો થયો અને એ અમરત્વ શ્રાપથી બંધાઇ ગયો હતો, પણ એ યુવતીનો ધૂંધળો ચહેરો દેખાયો.
"આખરે એ કોણ છે..?" આ સવાલનો જવાબ મેળવવા તે ડૉક્ટર બનીને ત્યાં ગયો હતો. જાદુગર હોવાનો એ ફાયદો હતો કે એ કોઇને પણ કાબૂ કરી શકતો હતો.
અદ્વયે અનન્યાનો હાથ પકડી રાખ્યો હતો, તે એના ચહેરા તરફ સ્થિર નજરે જોઇ રહી. ‘આટલા વર્ષોથી આ ચહેરાને બસ મારા સ્વપ્નોમાં જોયો છે અને આજે મારી સામે હકીકત બની ઉભો છે, શું કરું હું!?’તે વિચારી રહી. આખરે તેનો હાથ છોડાવી દૂર ખસી ગઇ.
“તું કોણ છે..?” તે બબડી.
“એનો જવાબ આપવો મુશ્કેલ છે. એમ કરીએ કે કેન્ટીનમાં શાંતિથી બેસીને વાત કરીએ.” કેન્ટીન તરફ ઇશારો કરતો તે બોલ્યો અને અનન્યા એ તરફ ચાલવા લાગી. બંને ખુરશીમાં ગોઠવાયા. ચા નાસ્તાનો ઓર્ડર કરી દીધો.
“જીવિકા...હું અદ્વય,તારી સાથે ઇન્ટર્નશીપ કરું છું “ તે બોલ્યો.
“અનન્યા “...મારું નામ અનન્યા છે અને પ્લીઝ સાચું બોલ.” ચાની પ્યાલી હાથમાં લઇ તે બોલી.
“તો તું જ કહે....હું કોણ છું...?” તે હસીને પૂછી રહ્યો.
“હું જઉં છું અહીંથી...” બેચેન તે ઊભી થઇ ગઇ,પણ અદ્વયે તેને હાથ પકડી બેસાડી દીધી.
“Sorry ” ”તારી સામે ખોટું નઇ બોલીશ,જીવિકા..” તેની સામે ગંભીરતાથી જોઇ એ બોલ્યો. “હું અદ્વય અને હું જાદુગર છું “
“Oh...જાદુગર”તે હસી પડી. ”તો કંઇક જાદુ કરીને બતાવ..” તે લુચ્ચા સ્મિત સાથે બોલી. અદ્વય આંખો બંધ કરી મંત્ર બોલી રહ્યો અને ચાની પ્યાલી તરફ હાથ કર્યો,પણ કંઇ ન થયું. 
“ફેંકુ....અદ્વય બીજી કોઇ સારી તરકીબ લગાવજે છોકરીને પટાવવાની..” બોલી તે ત્યાંથી જવા લાગી અને આશ્ચર્ય પામતો તે ફરી ચાની પ્યાલી સામે હાથ લંબાવતો મંત્ર બોલ્યો અને આ વાર પ્યાલી હવામાં અધ્ધર ચઢી ગઇ !

૪-આરવ
અઠવાડિયું થવા આવ્યું હતું,પણ હજી સુધી અદ્વય અનન્યાને એ વિશ્વાસ ન હતો અપાવી શક્યો કે એ જાદુગર હતો.અદ્વયનો જાદુ અનન્યાની સામે કામ ન હતો કરતો.તે અમુકવાર હસતી.અમુવાર ગુસ્સે થતી અને તેના સ્વપ્નમાં દેખાતા ચહેરાથી દૂર ભાગવાની કોશિશ કરી રહી હતી. અદ્વય પોતે પણ સમજી ન હતો શકતો કે એનો જાદુ અનન્યા સામે અસર કેમ ન હતો કરતો.! 
તે મોટાભાગના સમયે અનન્યાની આસપાસ જ ફરતો,જેના કારણે બીજા દોસ્ત તેને પહેલા તો ચીઢવતા,પણ ત્યારબાદ અકડાયા. હોસ્પિટલ પર પણ અદ્વય એને સોંપાયેલું કામ સરખી રીતે ન કરતો. બીજાં ડૉક્ટર્સ સામે ઉદ્ધતાઈ ભર્યુ વર્તન કરતો. જેનાં લીધે બધાં ઇન્ટર્નને સજા મળતી.આખરે કંટાળીને આરવે તેના પર ગુસ્સો ઠાલવ્યો.
અદ્વય અને આરવ વચ્ચેનાં ઝઘડાંની જાણ થતા ડરેલી અનન્યા આરવને મળવા ગઇ. જો અદ્વય ખરેખર જાદુગર હશે , તો એ આરવને હાનિ પહોંચાડશે એ વાતનો તેને ડર હતો. અનન્યા આમ તો જાદુમાં વિશ્વાસ ન હતી કરતી, પણ આરવની પરવાહ હતી એને. 
"આરવ, તું ઠિક છે ને..?" તેના રૂમનો દરવાજો ખખડાવતી એ બોલી. થોડીવાર બાદ દરવાજો ખૂલ્યો અને બેહોશ થતો આરવ તેના પર ઢળી પડ્યો. તે એને તરત જ દવાખાને લઇ ગઇ. દાખલ કર્યો,ત્યાં સુધીમાં રવિ આવી ગયો હતો. 
આરવની હાલત જોયા બાદ ગુસ્સે થતી તે અદ્વયને મળવા ગઇ. તેણે ગુસ્સાથી દરવાજો પછાડ્યો.તે મુસ્કુરાયો અને ખુરશીમાં બેસવા માટે કહ્યું.
“હું અહીં બેસવા નથી આવી..તેં આરવને શું કહ્યું અને શું કર્યું...?!” અનુ ખૂબ જ ગુસ્સામાં હતી.
“આરવ કાલ સાંજથી એના રૂમમાં છૂપાઇને બેઠો હતો,એણે ન તો કંઇ કહ્યું, ન કંઇ સાંભળે છે અને અત્યારે એને દવાખાનામાં દાખલ કર્યો છે..” દુ:ખી થતી તે બોલી.
“જીવિકા...એ મને તારાથી દૂર જવા કહેતો હતો અને....”
“બસ...અદ્વય..બસ....હું જીવિકા નથી અને આરવ દોસ્ત છે.  એને મારી ફિકર છે એટલે એ તારી પાસે આવ્યો હતો અને ખોટું શું કહ્યું એણે...?” “છેલ્લા પંદર દિવસથી હું અને મારા દોસ્તો પરેશાન થઇ ગયા છીએ. આખો દિવસ તું મને હેરાન કરે છે. મને મારા દોસ્તોથી દૂર કરી દીધી.” તે ખૂરશી પર બેસી ગઇ અને રડવા લાગી.
“જીવિકા...હું તને રડાવા ન’તો માંગતો” તેનો હાથ પકડી તે બોલ્યો.
“હું અનન્યા છું....અનન્યા...”તેનો હાથ છોડાવતી તે બોલી.  “જીવિકા કોણ છે એ મને નથી ખબર, પણ અદ્વય મને એટલું તો સમજાઇ ગયું કે એ તારાથી દૂર કેમ જતી રહી. તું સ્વાર્થી અને જિદ્દી છે. બસ પોતાનું જ વિચારે છે,બીજાની લાગણીઓ વિશે નથી વિચારતો. શું એ તને ચાહતી હતી..?કદાચ ચાહતી હશે તો પણ તારો આ ‘અહમ’ એને તારાથી દૂર લઇ ગયો હશે..” આંસું લૂછતી તે જવા લાગી.
“જ્યારથી તને જોઇ બસ એક જ નામ મનમાં આવે છે..જીવિકા...જીવિકા..” તે બોલ્યો. ' શું જીવિકા મને ચાહતી હતી.?! આખરે એ ક્યાં છે ? અને હું અનન્યાને કેમ જીવિકા કહું છું..? ’તે વિચારી રહ્યો.
“તું સાચી છે. તું અનન્યા છે..જીવિકા નઇ. મને માફ કરી દે,આજ બાદ તને હેરાન નઇ કરીશ અને તારા દોસ્તોને પણ નઇ. આરવ કાલ સુધીમાં ઠીક થઇ જશે” મોં ફેરવી તે બોલ્યો અને વિચારી રહ્યો. ‘મને ડર છે કે બીજાની જેમ હું તને પણ નુકશાન ન પહોંચાડી દઉં. શું મેં જીવિકાને પણ કોઇ હાનિ પહોંચાડી હતી.?!' તેનું મન ઘણી બધી સંભાવનાઓ વિશે વિચારી રહ્યુ.
દરવાજે ઉભેલી અનન્યા જવાબ આપ્યા વિના ત્યાંથી નિકળી ગઇ. પગથિયાં નજીક છૂપાઇને ઉભો આરવ તેમનો ઝઘડો સાંભળી રહ્યો હતો અને અનન્યાને ત્યાંથી જતા જોઇ રહ્યો.‘જીવિકાને તો હું બચાવી ન હતો શક્યો, પણ અનન્યાને હું સુરક્ષિત રાખીશ.’ તે વિચારી રહ્યો.
આરવ જીવિકાનો બચપણનો મિત્ર હતો. જીવિકાની મૃત્યુ બાદ તેણે જાદુથી પોતાને જ વર્ષો માટે પથ્થરનો બનાવી દિધો હતો અને યોગ્ય સમય આવતા એ શ્રાપમાંથી પોતાને મુક્ત પણ કરી દિધો હતો. આ જ હતી એના જાદુની ખાસિયત કે એ કોઇપણ રૂપ-સ્વરૂપ ધારણ કરી શકતો હતો.
                               
                                         *
૫-જીવિકાની યાદ
અદ્વયના કહ્યા મુજબ આરવ બીજા દિવસથી હોસ્પિટલ આવવા લાગ્યો અને તેણે અનન્યા પાછળ પણ ફરવાનું બંધ કરી દીધું હતું. હવે અનન્યાને ‘જીવિકા’ કહી ન હતો બોલાવતો. તે આ વાતથી ખુશ હતી,પણ હજી તેને નિરાંત ન હતી મળવાની.
અવાજ સંભળાયો અને ગભરાહટ સાથે અનન્યા ઊંઘમાંથી ઉઠી. પરસેવે રેબઝેબ એ ઉંડા શ્વાસ લઇ રહી હતી. સવારના ૩વાગ્યા હતા. પહેલીવાર એવું બન્યું હતું કે તેને એક વર્ષમાં બીજીવાર સ્વપ્ન આવ્યું હતું અને આ સ્વપ્ન અલગ હતું. પહેલીવાર તેણે જીવિકાનું નામ સાંભળ્યું હતું,પહેલીવાર તેણે અદ્વય સિવાય બીજા ચહેરાઓને પણ પોતાના સ્વપ્નમાં જોયા હતા. તે ખુરશી પર માથું ટેકવી બેઠી. આંખો બંધ કરી,પણ મનમાં હજી એ ચહેરાઓ આવી રહ્યા હતા. ‘આ લોકો કોણ છે..?’તે વિચારી રહી અને તેનો ફોનની રિંગ વાગી. તે ઝબકી ગઇ,થોડી સ્વસ્થ થયા બાદ ફોન હાથમાં લીધો. અદ્વયનું નામ જોઇ તેને આશ્ચર્ય થયું.
“હેલ્લો...”
“તું ઠિક છે ને..?તને કંઇ થયું તો નથી ને..?” ઉંડા શ્વાસ ભરતા તેણે પૂછ્યું.
“મને શું થવાનું..?અને આટલી રાત્રે કોઇને ફોન કરવું ઠિક નથી.“ “સૂઇ જા “ વધુ વાત ન કરતી તેણે ફોન કટ કર્યો. 
“એને શી રીતે ખબર પડી કે હું જાગું છું,મને કઇંક થયું છે..!!” બબડતી તે બારીની બહાર નજર કરી રહી.  
“મારા જાદુનો અસર ઓછો થઇ રહ્યો છે..અનુને  જીવિકાના વધુ સ્વપ્નો આવવા લાગ્યા છે અને જેટલું એ જાણશે જીવિકા વિશે...એટલી જ અદ્વયની યાદશક્તિ પણ પાછી આવશે..હવે જોવું એ રહ્યું કે અદ્વય એની સેંકડોવાર થયેલી મોતનો દર્દ સહન કરી શકશે..?!” અનન્યાના મકાનની છત પર બેઠો આરવ કપટી મુસ્કાન સાથે બબડ્યો.    

છેલ્લા અઠવાડિયાથી અનન્યા રાત્રે ઉઠી જતી. દરરોજ અલગ સ્વપ્ન અને એમાં આવતી જીવિકા. જેનો ચહેરો અનન્યા જેવો હતો,પણ જીવન ખૂબ જ અલગ. આ સપનાંઓ પરથી એટલું સમજાયું કે જીવિકા એક જાદુગર હતી. તેના ચાર ભાઇ હતા. અદ્વય તેમનો દુશ્મન હતો. જેની સાથે તેના ભાઇઓની ઘણીવાર લડાઇ થતી. જેમા બંને પક્ષ એકબીજાને મૃત્યુના આરે લાવી દેતા.
જીવિકા, એનાં નામ મુજબ એક "સંજીવની" હતી. દુનિયાના ખૂબ જ ઓછા જાદુગરોમાંની એક,જેમને જીવનદાનની શક્તિ મળી હતી. જીવિકા ખૂબ જ ઉદાર સ્વભાવની હતી,તે પોતાની સામે કોઇ પ્રાણીને પણ મરતા ન જોઇ શકતી, તો અદ્વયને કઇ રીતે મરવા છોડી દેત..!! 
અનન્યાએ જીવિકાનો દર્દ મહેસૂસ કર્યો હતો. દરરોજ તે ભીંની આંખો સાથે ઉઠતી. છાતીમાં અસહ્ય દર્દ ઉપડતો,મોં પર હાથ રાખી તે પોતાના અવાજને રોકતી. મમ્મીએ તેની લાલ આંખો અને ફિક્કા ચહેરાને જોઇ ઘણીવાર કારણ પૂછ્યું હતુ,પણ તેણે રિડીંગ કરે છે એમ કહી વાત ટાળી દીધી. દિવસે એ હોસ્પિટલમાં પોતાનું કામ સરખી રીતે ન કરી શકતી. દોસ્તો સાથે બેઠી હોવાં છતાં વિચારોમાં રહેતી. 
ઘણીવાર અદ્વયને સ્થિર નજરે જોયે રાખતી. તે દુ:ખી ન હતી,પણ અનન્યા અને જીવિકા વચ્ચે ઘટતાં જતાં અંતર અને પોતાના ધૂંધળાતા અસ્તિત્વથી બેચેન થઇ ગઇ હતી. શું અદ્વય સાચો હતો..?શું એ જીવિકા હતી..?તો એ અહીં કેમ છે..?એને અદ્વય વિશે કંઇ યાદ કેમ નથી..? શું અદ્વય જીવિકાનો કાતિલ હતો..? ઘણા સવાલો હતા અને જવાબ એક્પણ નઇ.

છેલ્લા એક અઠવાડિયાથી અદ્વય રાત્રે સૂઇ ન હતો શકતો. આંખો બંધ કરતો અને એક નવી જ દુનિયામાં પહોંચી જતો. 
સૂર્યવંશી જાદુગરો તેના પર હુમલો કરી રહ્યા હતા,તેમણે એને મૃત્યુંના આરે લીધો હતો, છતાં એ એકલો જ ચારેયને હંફાવતો અને હસતો. કલાકો બાદ જ્યારે પાંચેય બેભાન થઇ ગયા, ત્યારે દૂર છૂપાઇને ઊભી યુવતી બહાર આવતી.  આ ઘટના જોઇ રહેલો અદ્વય અનન્યાને જોઈ આશ્ચર્ય પામ્યો. 
"અનન્યા, તું અહીં શું કરે છે..?" તે બોલ્યો,પણ અનન્યા ચાર અર્ધમૃત જાદુગરો પાસે જઈ રડી રહી. આંસુ લૂછી મંત્રોચ્ચાર કરવા લાગી. અદ્વયે આસપાસ નજર ફેરવી. આ ઘટના  કોઇકની યાદ હતી. 
તે પોતાના લોહીલૂહાણ શરીર પાસે આવ્યો. તે પણ મરી રહ્યો હતો. તેણે અનન્યા તરફ નજર કરી. તેણે એ ચારના ઘા રુઝવી અલોપ કરી દિધા. ઊભી થઇ તે અદ્વય પાસે આવી. 
" અંધકારના રાજા, તને કેમ બચાવું..? તને જીવવાનો હક નથી. " આંસું લૂછતી તે બોલી અને તેની સામે બેસી ગઇ.
"મારા ભાઇ હોત, તો એમ જ કહેતા. પણ હું માનું છું કે દરેકને જીવવાનો અધિકાર છે. તને પણ છે..! " તેણે અદ્વયની છાતી પર હાથ મૂક્યો.

"અનન્યા, થોભી જા. મારા પર કોઇ જાદુ ન કરીશ." તે નજદીક જતો બોલ્યો, પણ મંત્રોચ્ચાર શરૂ થતા બંને અદ્વય (એક, જે બેહોશ પડ્યો હતો,બીજો જે આ ઘટના જોઇ રહ્યો હતો) ના શરીર તપવા લાગ્યા. દરેક ઘા ખૂબ જ ઝડપથી રૂંઝાઇ રહ્યા હતા અને એ પીડા અત્યારે અનુભવતો તે નીચે ઢળી પડ્યો. ધ્રૂજતો તે અનન્યાને જોઇ રહ્યો. એ ક્ષણે એને સમજાયું કે આ યુવતી અનન્યા નઇ પણ 'જીવિકા' હતી. જીવિકા શક્તિશાળી જાદુગર હતી, પણ અદ્વય એનાથી ઘણો તાકતવર હતો. તેના ઘા રૂંઝાવા સુધીમાં તો જીવિકા પોતે થાકીને બેહોશ થવા આવી. બેહોશ થવા પહેલા તેણે હ્રદય પર હાથ રાખ્યો અને અલોપ થઇ ગઇ.
એ યાદમાંથી બહાર નિકળતો અદ્વય પોતાના ખંડેર મહેલમાં પટકાયો. અસહ્ય પીડા હતી,છતા અનન્યાને ફોન લગાવ્યો. એ ઠિક હતી,પણ એને કઈંક તો થયું હતું. 
એ પહેલીવાર બાદ અદ્વય રોજ જીવિકાની યાદમાં ખેંચાઇ જતો. રોજ જીવિકાના બેભાન થવાની સાથે જ વાસ્વિકતામાં આવતો. તે અનન્યાને ફોન તો ન કરતો, પણ જાદુથી અનન્યાની તસવીરને પોતાની સામે જોતો. 
દર્દથી તડપતો નીચે સૂતો તે અનન્યાની રડતી પ્રતિકૃતિને ભીંની આંખે જોતો.
"I'm sorry, Ananya... "

૬- અદ્વયની આઝાદી

વિચારોમાં ખોવાયેલી અનન્યા પોતાની જ ધૂનમાં ચાલી રહી હતી. સર્જરી વિભાગમાં જઇ રહેલી તે કોઇક સાથે ટકરાઇ. 
“માફ કરજો..ભાઇ..”બોલી તે ચાલવા લાગી.
તેની બાજુમાં ચાલતી રિયા હસી અને અનન્યાનું ધ્યાન એના તરફ ગયું.
“શું થયું..?કેમ હસે છે..?”
“અનન્યા,તેં પેલા બુઢ્ઢા અંકલને ભાઇ કહ્યું..તું એવા તો ક્યા વિચારોમાં ખોવાઇ છે..?” તે હસીને બોલી.
રિયા બોલી અને અનન્યા એ વ્યક્તિના ચહેરાને યાદ કરી રહી અને એમનો જવાબ પણ.
“વાંધો નઇ, જીવિ..” પહોળી આંખો સાથે સ્થિર ઉભી તે ઝડપથી એ વ્યક્તિ પાછળ દોડી. તે પગથિયાં તરફ પહોંચી. એ વ્યક્તિ નીચે ઉતરી ગયા હતા. બીજા માળે ઉભેલી તેણે હોસ્પિટલની બહાર જતાં એ વ્યક્તિ પર નજર કરી. તેમની સાથે બીજા ત્રણ પુરુષો પણ ચાલી રહ્યા હતા. તે ચારેય ચહેરા ધ્યાનથી જોવાની કોશિશ કરી રહી. તેમના ચહેરા પર ભલે કરચલીઓ હતી,વાળની અમુક લટો ધોળી થઇ ગઇ હતી. ચાલ થોડી ધીમી અને પહેરવેશ જૂનવાણી હતો,પણ અનન્યા ચારેયને ઓળખી ગઇ અને બોલી ઉઠી.
“વશિષ્ટભાઇ...શિવમભાઇ...કરનભાઇ...અંગદભાઇ”
બહાર જઇ રહેલા ચારેય અટકી ગયા,પાછળ ફર્યા અને સીધું અનન્યા તરફ જોયું. ગભરાતી તે પાછળ ખસી અને થાંભલા પાછળ છૂપાઇ ગઇ. તેની આંખો ભીંની થઇ ગઇ હતી. થોડીવાર સુધી સ્થિર ઉભી તે, ભીંની આંખો લૂછતા આશ્ચર્ય પામી. 
‘આખરે હું રડું છું કેમ..?’કારણ તેને ન સમજાયું. 

“ હેય..અનુ ક્યાં ભાગી ગઇ હતી..?” તેની પાછળ આવેલી રિયા બોલી. સ્વસ્થ થતી તે રિયા સાથે ચાલવા લાગી.
“કંઇ નઇ....ચલ..આપણને મોડું થાય છે..”બોલતી તે ઝડપથી રેસિડેન્ટરૂમ તરફ વધી.

બધા ઇન્ટર્ન રૂમમાં બેઠા હતા. આજે કામ ઓછું હતું. આથી બધા ગપ્પા મારી રહ્યા હતા. ખૂણામાં બેઠી તે અદ્વય તરફ જોઇ રહી. ‘જીવિકાના ભાઇ અહીં છે..!! તો એ અદ્વયને ફરી...’ ‘ના. ના. આવું ન થવું જોઇએ. મારે અદ્વયને ચેતવવું પડશે..પણ શું કહીશ હું એને..?’ તે વિચારી રહી.
“હેય...અદ્વય, હવે કેવી છે તારી તબિયત..?” રવિ બોલ્યો. અનન્યાનું ધ્યાન તેમની વાત તરફ ગયું.
“એક મહિના પહેલા તું અમને મળ્યો હતો. એ જંગલમાં.” કેયૂર બોલ્યો અને શ્રદ્ધા, રિયા પણ બોલ્યા. એક મહિના પહેલા બધા ઇન્ટર્ન વિક્રમગઢના જંગલમાં ટ્રેકિંગ માટે ગયા હતા.
“એ ડરામણું જંગલ. Oh.. God...હું ફરી ક્યારેય નઇ જઇશ ત્યાં..” હજી ડરતી રિયા બોલી.
“અદ્વય..તું ત્યાં શું કરી રહ્યો હતો...એ જંગલમાં..?””એ વિશે તો વાત કરવાનો સમય જ ન હતો મળ્યો આપણને.” રિયાએ પૂછ્યું. અદ્વય થોડીવાર સુધી ચૂપ રહ્યો.
“અરે હા...અનન્યા,સૌથી પહેલાં તેં જ એને જોયો હતો ને...?અને ડરીને ત્યાંથી ભાગી આવી હતી !!” અનન્યા તરફ જોતી રિયા બોલી.
“તો..અનન્યાને ખબર હશે ને..? હું ત્યાં જંગલમાં...એ ખંડેરમાં કેમ હતો..!!”તે મુસ્કુરાઇને બોલ્યો. શું બોલવું એ ન સમજાતા અનન્યા નીચું જોઇ ગઇ.
“અરે..કેમ ડરે છે..?બધાંને કહે સાચું..” ઉભો થતો અદ્વય બોલ્યો અને અનન્યા તરફ વધ્યો.
“ જણાવ સૌને કે હું એ ખંડેરમાં વર્ષોથી કેદ હતો. એક પથ્થરની મૂર્તિ બની ઉભો હતો અને અનન્યા ત્યાં આવી.. મને જોયો...મારી નજીક આવી..” તે બોલી રહ્યો અને અનન્યાનો હાથ પકડી ઉભી કરી પોતાની તરફ ખેંચી.
“મારી છાતી પર હાથ રાખ્યો..” તેનો હાથ પોતાની ડાબી તરફ મૂક્યો.
“અને મારું નામ...”
“અદ્વય…..”તેને બોલતો અટકાવતી સ્થિર નજરે જોતી અનન્યા બોલી ઉઠી.
બધાં તેમને આશ્ચર્યથી જોઇ રહ્યા અને અનન્યાનો હાથ છોડતો તે ખડખડાટ હસવા લાગ્યો.
“અરે..મજાક કરું છું દોસ્તો...આમના ચહેરા તો જો અનુ.. “ અવાચક બનેલા સાથીઓને જોઇ તે વધુ હસી રહ્યો.
“તમે આ વાર્તાને સાચી માની ગ્યા..?!” ગુસ્સે થતા બધા તેને મારવા લાગ્યા.
“Sorry.. Sorry..સાચું કહું તો હું એકલો જ જંગલમાં ફરવા નિકળ્યો હતો...મને એ ખંડેરમાં લૂંટારુઓએ પકડી લીધો હતો..મને ચાકૂ મારી સામાન લૂંટી ગયા હતા.” બોલતા તેણે અનન્યા તરફ નજર કરી.
“સારું થયું અનન્યા ત્યાં આવી ગઇ..જો એ ન હોત તો હું કદાચ...” “Thank you.” તેનો હાથ પકડી અદ્વય બોલ્યો.  ગુસ્સા અને દર્દ સાથે તેને જોતી અનન્યા ત્યાંથી જતી રહી.

ખાલી પડેલા સેમિનાર રૂમમાં ગઇ. પોતાના ખાલી હાથને જોઇ રહી. દિવાલ પર માથું ટેકવી તે દિવસની ઘટના યાદ કરી રહી.
ઇન્ટર્નશીપના પહેલા જ અઠવાડિયામાં તેઓ જંગલમાં ફરવા ગયા હતા. અનન્યા પોતાની જ ધૂનમાં ચાલી રહી હતી. અચાનક તેને કોઇકના કણસવાનો અવાજ આવ્યો. સતર્ક થતી તે એ તરફ ગઇ. તે જંગલ વચ્ચે આવેલ ખંડેર પાસે પહોંચી. અંદર જતાંની સાથે જાણે એ ખંડેર જીવંત થઇ ગયો હોય એમ લાગ્યું. થોડો ડર લાગ્યો,પણ એનું મન હજી એ અવાજના ઉદગમને શોધી રહ્યું હતું. આખરે તેને એ દેખાયો. પથ્થર બની તે ઉભો હતો..છતાં એના શ્વાસોની અવરજવર મહેસૂસ થઇ,એની છાતીમાં ખૂંપેલા ખંજર પાસેથી હજી લોહી વહી રહ્યું હતું. તેને આમ જોતી અનન્યાની આંખો ભીંની થઇ ગઇ. છાતીમાં અજાણ્યો છતા જાણીતો દર્દ ઉપડ્યો. તેણે નજીક જઈ તેના ચહેરા પર હાથ ફેરવ્યો. તેની છાતીમાંથી ખંજર ખેંચી ફેંકી દીધું અને તેની છાતીની ડાબી તરફ હાથ મૂકી ધ્રૂજતા અવાજે તે એક નામ બોલી.
“અ..દ્વ...ય..”
તેનો હાથ અત્યારે...આ સમયે પણ તેની સામે ઉભા અદ્વયની છાતી પર હતો અને અત્યારે પણ તે એનું જ નામ લઇ રહી હતી. ભીંની આંખો ખોલી તેણે સામે જોયું.
“શું થયું અનન્યા..?કેમ ભાગી આવી..?” અદ્વયે પૂછ્યું. 'તું એ દિવસે કેમ ભાગી ગઇ હતી..?' તે ખરેખર આ પૂછવા ઇચ્છતો હતો. 
અનન્યા સ્થિર નજરે તેને જોઇ રહી. 'શું કરતી હું..?જ્યારે કોઇ પથ્થર તમારા સ્પર્શથી જીવંત થઇ જાય તો શું કરવું..? તું તો બસ મારો ખ્વાબ હતો ને..!! તું આમ મારી સામે શી રીતે..?!' 'અને તારું મને અનન્યા કહેવું કેમ દર્દ આપે છે..?!' બેચેન અનન્યા હાથ હટાવી ત્યાંથી જતી રહી.
અદ્વય જાણે તેના વિચારોને વાંચી શકતો હોય એમ હસ્યો.

૭-અનન્યા અને જીવિકા

અનન્યા થોડા દિવસથી નિયમિત રીતે ઇન્ટર્ન હોસ્ટેલ પર જતી. શ્રદ્ધા અને રીયા સાથે સમય વિતાવતી. અમૂકવાર કેયૂર,રવિ,આરવ અને અદ્વય પણ ગપ્પા મારવા આવી જતા. ઘણીવાર ‘મેગી’ પાર્ટી થતી. તે હસતી-મુસ્કુરાતી અને અમુકવાર વિચારોમાં ખોવાઇ જતી. અદ્વય હવે ઘણો બદલાઇ ગયો હતો, તે હવે હોસ્પિટલમાં વ્યવસ્થિત કામ કરતો. ઘણીવાર તે બીજા દોસ્તોનું પણ કામ કરતો. તે પહેલા જેવો સ્વાર્થી અને ઘંમડી ન હતો. તેને અદ્વયની ચિંતા થઇ રહી હતી. તેણે જીવિકાના ભાઇઓને જોયા હતા. તે એને ચેતવવા ઇચ્છતી હતી,પણ એની સામે કંઇ બોલાતું ન હતું. 
શનિ-રવિમાં અનન્યા હોસ્ટેલ પર જ રહેતી હતી. આજે પણ શનિવાર હતો. તે સીડી ચઢી રહી હતી. સામે રીયા મળી.
“હેય...અનુ..તને યાદ છે પેલા અંકલ..જે તારી સાથે ટકરાયા હતા અને તેં એમને ‘ભાઇ’ કહ્યું હતું.”
“હા..પણ તું કેમ એમને યાદ કરે છે..?” અનન્યા આશ્ચર્યથી પૂછી રહી.
“અરે...હું યાદ નથી કરતી.એ લોકો અહીં આવ્યા હતા.”
“શું..?” અનન્યા ગભરાઇ ગઇ.
“એ લોકો અદ્વયને શોધી રહ્યા હતા..કદાચ એનાં સગા...”વધુ કંઇપણ ન સાંભળતી અનન્યા અદ્વયના રૂમ તરફ દોડી. ત્યાં કેયૂર બેઠો હતો.
“કેયૂર..અદ્વય ક્યાં છે..?”   
          
“ટેરેસ પર....પણ થયું શું..?”
અનન્યા જવાબ આપ્યા વિના ટેરેસ તરફ ભાગી.
તે ટેરેસ પર ઉભા અદ્વય પાસે પહોંચી તેને પોતાની તરફ ફેરવ્યો. તેને ઉપરથી નીચે જોયો. તેના ચહેરા પર વ્હાલથી હાથ ફેરવ્યો અને તેને મજબૂતીથી ભેટી.
“Thank God....તું ઠિક છે અદ્વય..” આંસું ભીંની આંખે બોલી.
“શું થયું અનન્યા..? તું આમ ડરે છે કેમ..?” ગભરાહટમાં તે અદ્વયની ઘણી નજીક આવી ગઇ હતી, એ અહેસાસ થતા એ દૂર ખસી.
“કંઇ નઇ... sorry..”કહી તે જવા લાગી. અદ્વયે તેનો હાથ પકડી પોતાની નજીક લાવ્યો.
“ચિંતા ન કર..તારા ભાઇઓએ મને કોઇ નુકશાન નથી પહોંચાડ્યું..જીવિકા..!!” તેના ચહેરા પરની લટો હટાવતો તે બોલ્યો.
“હું જીવિકા...”તેને બોલતી અટકાવી તેણે અનન્યાના હોઠ પર આંગળી રાખી.
“તું અનન્યા છે..અને જીવિકા પણ...” “કેમ ભાગે છે તું પોતાનાથી..કેમ આ એહસાસથી દૂર ભાગે છે..?” તેના ગાલ પર હાથ રાખી તે બોલ્યો અને વધુ નજીક આવ્યો.
“તારી બેચેની..આ વધેલી ધડકનો...આ શ્વાસની ગરમાહાટ...તારા હોઠોનું આ કંપન...” “આ જીવિકાની ચાહત છે. સ્વીકારી લે તું જ જીવિકા છે..પોતાને બંધનમાંથી મુક્ત કર..”
“મને પહેલીવાર જોઇને અને ત્યારબાદ જ્યારે પણ તું મારા તરફ સ્થિર નજરે જોઇ જે વિચારી રહી હતી એ લાગણીઓને આઝાદ કર.” અનન્યા નજરો ઝૂકાવી ઉભી હતી. તે થોડીવાર સુધી ચૂપ રહી.
“એ લોકો તને મારી નાંખશે..હું છેલ્લા એક મહિનાથી દરરોજ તને મરતાં જોઉં અને એમને પણ..” “અને હું...હું જીવિકા નથી. મારી પાસે કોઇ જાદુ નથી. તને અને એમને ફરી જીવંત કઇ રીતે કરીશ..? હું સંજીવની નથી.!” અદ્વય તરફ નજર કરતી તેણે તેના ચહેરા પર વ્હાલથી હાથ ફેરવ્યો.
“જીવિકા...એ લોકો પણ તને ચાહે છે.” તેના આંસું લૂછતો તે બોલ્યો.
“પણ એમણે તને ખંજર માર્યું..એ ખંડેરમાં વર્ષો સુધી તડપતો છોડી દીધો...શા માટે..?” ગુસ્સે થતી તે બોલી.
“હું તમશ મહેલનો રાજા અદ્વય છું..દુનિયાનો સૌથી શક્તિશાળી જાદુગર... સજા મેં આપી હતી પોતાને..એમણે નઇ. ”તેના ચહેરાને પકડી મુસ્કુરાઇને બોલ્યો. 
“પણ કેમ..?”તેનો હાથ પકડી રડતી તે બોલી.
“કારણ કે જીવિકાની મોતનું કારણ હું હતો..!!!” “હું છું એનો કાતિલ..!!!” તે બોલ્યો અને અનન્યા તેની આંખોમાં જોઇ રહી. જેમાં બસ ઉદાસી અને ગ્લાનિ હતા.
“આ શક્ય નથી..તું જીવિકાને નઇ મારી શકે..” “જો તેં જીવિકાને મારી હતી,તો એ શ્રાપ કેમ મારા તને અડવાથી તૂટ્યો..?!” તે માથું હલાવતી બોલી.
“જીવિકા..એ બધું ભૂતકાળ હતું. હવે એ વિશે ન વિચાર.” “હું તને વધુ દર્દ આપવા નથી ઇચ્છતો..” “હવે હું અને તારા ભાઇઓ પણ કોઇ લડાઇ નથી ઇચ્છતા..” વાત બદલતો તે અનન્યાને પોતાની બાહોમાં લઇ બોલ્યો.
અનન્યા આંખો બંધ કરી તેની છાતી પર માથું ઢાળી રહી. આંખો બંધ થતાં સાથે જ એ જીવિકાના જીવનની એ છેલ્લી યાદમાં પહોંચી ગઇ, જ્યાંથી આ નિષિદ્ધ ચાહતની શરૂઆત થઇ હતી.

૮- જીવિકાનો કાતિલ

'તમશ' મહેલના જાદુઇ સુરક્ષા કવચને પાર કરી જીવિકા અંદર ગઇ. ઝડપથી ચાલતી તે ઘણી ગુસ્સામાં હતી. તે સીધી અદ્વયના રૂમમાં ગઇ. ખુરશીમાં બેઠો તે તેને જોઇ આશ્ચર્ય પામ્યો અને ત્યારબાદ મુસ્કુરાયો. ઉભો થઇ તેની નજીક પહોંચ્યો. તે હજી ગુસ્સામાં હતી.
“તું શું સમજે છે પોતાને...?” તેને ધક્કો મારતી તે બોલી અને તે બેડ પર બેસી પડ્યો.
“મારા ભાઇઓનો પીછો છોડ...” તે ચિલ્લાઇને બોલી.
“હું...પાછળ પડ્યો છું...??! એમને કહે મારા રસ્તામાં ન આવે...”
“ક્યાં સુધી આ ચાલશે..? લડવું...ઝઘડવું...હજારોવાર એકબીજાને મારવાની કોશિશ કરી ચૂક્યો છો....એ જાણવા છતાં કે નઇ મારી શકશો એકબીજાને....”
“મારી તો નાંખીએ છીએ...હજારો વાર....પણ તું બચાવી લે છે અમુકવાર એમને...” તેની સામે ઊભેલી જીવિકાને તેણેે પોતાની નજીક ખેંચી, તેના ખોળામાં બેસેલી તેના ચહેરા પરથી લટો હટાવી તેની આંખોમાં તે જોઇ  રહ્યો. “અને હજારોવાર મને જીવન આપ્યું છે તેં...દુશ્મન છે તું મારી....છતાં પણ કેમ..?!" 
"છેલ્લા ૧૦૦વર્ષથી તારા ભાઇઓ અને તને જોતો આવ્યો છું...પણ પહેલીવાર તને.....”તેણે તેના ગાલ પર વ્હાલથી હાથ ફેરવ્યો.
“ આટલી નઝદીક જોઉં છું. તારી વધી રહેલી ધડકનોને મહેસૂસ કરી રહ્યો છું...આ મહેક...પહેલા પણ અનુભવી છે આસપાસ...”તેની ગરદન નજીક ચહેરો લઇ જઇ ઉંડો શ્વાસ ભરી રહ્યો.

“પણ પહેલીવાર  જાણ્યું કે આ તું છે...” તેની તરફ સ્થિર નજરે જોતો તે બોલ્યો. 
“ હંમેશા નફરત જોઇ છે દરેક જાદુગરની આંખોમાં,પણ પહેલીવાર કઇંક  અલગ મહેસૂસ કરું છું...” “આ શું છે એ સમજાતું નથી મને,પણ હું તારા તરફ....” તેની વધુ નજીક જતા તેણેે તેના ગાલને ફરી સ્પર્શ્યા. જીવિકાની બંધ થયેલી આંખો, તેના શ્વાસની વધી રહેલી અવર-જવર, તેનાં ધ્રુજી રહેલાં કોમળ હોઠને તે સ્પર્શી રહ્યો,તેને ચૂમી રહ્યો.
આટલા વર્ષોમાં તેને જીવનદાન આપનાર એ વ્યક્તિને પહેલીવાર આભાર વ્યક્ત કરી રહ્યો હતો. તરછાયેલી, નફરત ભરી આ દુનિયાથી દૂર જતો એ એનામાં ડૂબી રહ્યો અને પોતે પણ કોઇને ચાહી શકે છે..વ્હાલ કરી શકે છે એ મહસૂસ કરી રહ્યો. તેના પાતળા-કોમળ હાથને પોતાનાં હાથમાં લઇ પોતાની વધુ નજીક ખેંચતો તે તેનામાં ખોવાઇ ગયો.

આખરે આ ઇન્તઝાર પૂરો થયો. ભાઇઓનાં ડરથી પોતાને તેનાથી દૂર રાખી,પણ જ્યારે એ તડપતો,મરતો ત્યારે એ પણ તડપતી...એને જીવન આપવા પોતાનું બધું કુરબાન કરવા તૈયાર થઇ જતી. દરેકવાર એને જીવન આપવાનો રસ્તો શોધી લેતી. આજે એના સ્પર્શથી પૂરા શરીરમાં એક નવી ઊર્જા ઉત્પન્ન થવા લાગી હતી. વર્ષોની તડપ ભૂલાઇ ગઇ. દુનિયાંની બધી ખુશીઓ જાણે મળી ગઇ. એ હસી રહી હતી અને આંખોમાં આંસુ હતા. તેને ગળે લગાવતી જીવિકા તેના કાન નજીક ગઇ,ધીમેથી કંઇક મંત્રોચ્ચાર કર્યો અને તરત જ એ બેહોશ થઇ ગયો !! તેનો હાથ પકડી આંસુ ભીંની આંખો બંધ કરી મંત્રોચ્ચારણ કરવા લાગી. 
થોડીવાર બાદ બેહોશીમાંથી બહાર આવતો તે પોતાની બાજુમાં બેઠેલી જીવિકાને જોઇ રહ્યો. તે રડી રહી હતી.
“ઓહ..તો હવે એ લોકો તારો ઉપયોગ કરે છે. મને મારવા માટે તને મોકલી છે...?!” તે એને ગુસ્સા અને નફરતભરી નજરે જોઇ રહ્યો અને રૂમની બહાર જવા લાગ્યો.
“આ લડાઇ બંધ કરી દે....હવે વધુ લડાઇ નઇ...હું તારી સામે ભીખ માગું છું." ઝડપથી દોડીને તેની સામે આવતી તે હાથ જોડીને બોલી. તેને ધક્કો મારતો એ કમરાની બહાર નીકળી ગયો.
તેની પાછળ આવતી તે તેના પગે પડી રહી,પણ તેણે પોતાને છોડાવી લિધો.
“મને મારવા આવી છે છતાં તું આ સુરક્ષા કવચમાંથી પસાર થઇ ગઇ..?!”તે મુસ્કુરાયો.
"હું વિનંતી કરું છું. અહીંથી બહાર જઇશ નઇ..વધુ લડાઇ નઇ...”તે આંસું અને ગુસ્સા સાથે બોલી.
“એમને સમજાવ આ બધું..જેમણે તને અહીં મોકલી છે...” નજર ફેરવી તે બેરૂખીથી બોલ્યો.
“એમણે નથી મોકલી મને. હું પોતાની મરજીથી અહીં આવી છું અને આટલા વર્ષોથી એમને સમજાવતી આવી છું,પણ એ ન માન્યા...” ડૂંસકાં ભરતી તે ઊભી થઇ બોલી.
“ અને તું...!!!તેં પણ એમનો જ રસ્તો પકડ્યો...હું વધુ નથી જોઇ શકતી આ બધું...ભાઇઓને મરતાં....એમને ફરી જીવન આપવા માટેની કોશિશો....તને તડપતાં-મરતાં જોવું અને ફરી...હવે વધુ નઇ...” તેની આંખોમાં આંસું હતા અને ચહેરા પર થાક હતો.
“હું થાકી ગઇ છું. તમારા ઝઘડાઓમાં હું વીંઘાઉં છું. જીવવા છતા પળ-પળ મરું છું." તે રડીને બોલી.
"તો હવે આ જીવનનો અંત લાવું છું. મારું બધું તને સોંપીને જઉં છું...”
પોતાની જાદુઇ શક્તિઓ તેને આપી,ક્ષય પામે એવી માનવ બનેલી એણે પોતાના પેટમાં ખંજર ખૂંપાવી દીધું.
લથડિયા ખાતી,લોહીથી ખરડાયેલી જીવિકાને એ સ્તબ્ધ નજરે જોઇ રહ્યો. પડવાથી બચાવતા તેણે તેને કમરથી પકડી, નીચે બેઠો. તેનું માથું પોતાના ખોળામાં રાખ્યું.
“ઘણી ચાલાક છે તું...તારા ભાઇઓ શરીર પર ઘા આપી મારે છે મને...પણ તું...” તેને ભીંની આંખે એ જોઇ રહ્યો.
“પણ તું તો મારા મનને તોડી રહી છે. બસ આ બધું બંધ કર હવે...બચાવી લે પોતાને...તું સંજીવની મંત્ર જાણે છે...આ ઘાને રૂંઝવી દે.” તે બોલ્યો.
જીવિકાએ તેના ગાલને વ્હાલથી સ્પર્શ કર્યો.
" કાશ.....ફરી...એ...ક...એક જીવન મળે, જ્યારે...કોઇ..પણ....ડર..વિના..નફરત વિના હું તને...ચાહી શકું..અ..દ્વ..ય." બોલતી તેનો હાથ હટ્યો અને આંખો બંધ થઈ. આંસું હજી વહી રહ્યા હતા,પણ તે જવાબ ન હતી આપી રહી.
“આંખો ખોલ...મારી તરફ જો...” બેચેન થતો તે તેને હલાવી રહ્યો,તેના ગાલ થપથપાવી રહ્યો,પણ તે ન ઊઠી.

”ઊઠી જા...તું જે ચાહે છે એ થશે...તું જે કહીશ એ હું કરીશ...પણ ઉઠી જા...” “આટલા વર્ષોમાં પહેલીવાર જાણ્યું કે પ્રેમ શું છે..અને તું..જેણે મને આ એહસાસ આપ્યો..એ મારાથી દૂર જઇ રહી છે..!! ઉઠી જા...હું નથી જાણતો સંજીવની મંત્ર...હું તને ફરી જીવિત નથી કરી શકતો...” રડતા તેણેે તેના કપાળ પર માથું રાખ્યું.
“જીવિકા....ઉઠી જા...હું તને આદેશ આપું છું...ઊઠી જા." 
" મને છોડીને ન જા...” “મને આવી સજા ન આપ.....જીવિકા..” તેના મૃત શરીરને ભેટતો અદ્વય આક્રંદમાં ડૂબી ગયો અને સાથે જ તેના મહેલનું સુરક્ષા કવચ તૂટ્યું.

૯- જિત
પોતાના આખરી જીવનની છેલ્લી યાદને ફરી જીવતી અનન્યા બેહોશ થઇ ગઇ હતી. જ્યારે તેને હોશ આવ્યો ત્યારે આરવ સામે બેઠો હતો.
“આરવ, તું અહીં શું કરે છે...? અને અદ્વય...?!” તે આમતેમ જોઇ રહી. અદ્વય પર નજર પડતા તે ચિલ્લાઇ ઉઠી. તે લોહીલૂહાણ થઇ પડ્યો હતો.
જીવિકાની યાદોમાં તેણે અદ્વયને ઘણીવાર મૃત્યુ પામતા જોયો હતો,પણ આજે  હકીકતમાં આમ જોઇ તે હેબતાઇ ગઇ.
“ઊભી રહે. ”અદ્વય તરફ જતી અનન્યાને આરવે રોકી.
“છોડ મારો હાથ....એની હાલત તો જો તું....”રડતી તે બોલી.
“મેં જ કરી છે આ હાલત...” તે મુસ્કુરાઇને બોલ્યો.
અનન્યાએ તેના ગાલ પર થપ્પડ જડી દીધો. આરવે તેનો હાથ પકડી  મચકોડી દીધો. 
“કેમ..?કેમ...?”તેનો હાથ છોડાવાની કોશિશ કરતી તે બોલી.
“શું હું તને યાદ નથી..?જીવિકા...?” હાથ છોડતો તે બોલ્યો. આશ્ચર્ય પામતી તે તેને જોઇ રહી.
“જીત...!!!” તે થોડીવાર બાદ બોલી.
“ઓહ...આખરે હું તને યાદ આવ્યો ખરો..!!”
“છેલ્લા ૧૦વર્ષથી તારી આસપાસ છું અને ૫ વર્ષથી તારી સાથે ભણું છું,પણ તને હું યાદ ન આવ્યો.” “અદ્વયને..તારા ભાઇઓને જોતાંની સાથે ઓળખી ગઇ..પણ હું...જીત..તારો દોસ્ત..તારો સૌથી સારો દોસ્ત..તને યાદ ન આવ્યો..?!” તે ગુસ્સાથી બોલ્યો.
“જીત...બસ આટલી વાત માટે તેં અદ્વયને....” તે અદ્વય પાસે ગઇ. તેનું માથું પોતાના ખોળામાં રાખ્યું. 
“બસ આટલી વાત નથી જીવિકા...” ”તું ત્યારે પણ ન હતી સમજી જ્યારે મેં તને અદ્વયથી દૂર રહેવા કહ્યું હતું..અને ન અત્યારે સમજે છે....” ઉદાસ થતો તે એની નજીક આવ્યો.
“I Love You...ચાહું છું તને.” સામે બેસતા જીતે તેના ગાલ પર હાથ રાખ્યો. 
“જ્યારે તારા ભાઇઓએ આ અદ્વયને શ્રાપથી બાંધ્યો હતો..ત્યારે મેં પણ પોતાને એક શ્રાપથી બાંધ્યો હતો..જ્યારે જીવિકા પાછી આવશે..ત્યારે જ હું ફરી ઉઠીશ..૧૦વર્ષ પહેલાં તું એ જંગલમાં આવી હતી અને હું જીવિત થઇ ગયો અને ત્યારબાદ દર વર્ષે તને એ સ્વપ્ન આવતા. હું તારી સામે હતો,પણ તને હંમેશા આ યાદ આવતો...””હું નઇ...” તે ગુસ્સે થઇ બોલ્યો.
" જીવિકા, શું સજા આપું તને..? મને યાદ ન રાખવાની, મારી ચાહતને ન જોવાની..!!" 
બોલતા તેણે અદ્વયના પેટમાં ખંજર ખૂંપાવ્યું.
“જીત...આમ ન કર..પ્લીઝ છોડી દે એને “ રડી રહેલી અનન્યા બોલી. હાથ જોડી રહી,પણ જીત ન અટક્યો.
“જીવિકા,તારી આ જ સજા છે...જીવનભર અનન્યા બનીને રહે....રાહ જો અદ્વયની...જેમ મેં રાહ જોઇ હતી તારી....” બોલી તેણે ખંજર દૂર ફેંક્યું અને ત્યાંથી જતો રહ્યો.
રડતી અનન્યા બેહોશ અદ્વયને જોઇ રહી. “અદ્વય...ઉઠી જા...પ્લીઝ...જો તારી જીવિકા...તારી સામે છે...આંખો ખોલ...”રડતી તે મજબૂતીથી ભેટી રહી.
થોડીવાર બાદ તેને અદ્વયના ધબકારા મહેસૂસ થયા. તે બેહોશ અદ્વયને વધુ મજબૂતીથી ભેટી અને એના મનમાં આવી રહેલા મંત્ર ઉચ્ચારણ કરવા લાગી. છેલ્લા એક મહિનાથી તેને આવી રહેલા સ્વપ્નો અને એમાં બોલાતાં મંત્રો એને યાદ રહી ગયા હતા.                                          
                                     *
અદ્વયની આંખો ઉઘડી,પોતાની સાથે બનેલી ઘટના યાદ આવી. આરવ એક જાદુગર હતો અને એણે તેના પર હુમલો કર્યો હતો. તેના પેટમાં ખંજર માર્યું હતું. બેઠા થતા તેણે પેટ પર હાથ રાખ્યો. તેના ઘા રુઝાઇ ગયા હતા, પણ શી રીતે..? વિચારતો તે ઉભો થયો. કદમોની આહટ સંભળાતા સતર્ક થયો.
જીવિકાના ચારેય ભાઇઓ કમરામાં આવ્યા. તે એમને આશ્ચર્યથી જોઇ રહ્યો. 
"હું તમારા ઘરે..!! શી રીતે..? અને મારા ઘા...કેવી રીતે રૂઝાયા..? " "અનન્યા ક્યાં છે..? એને કંઇ થયું નથી ને..?" તે એક સાથે ઘણા પ્રશ્નો પૂછી ગયો. તેઓ અદ્વયના ચિંતિત ચહેરાને જોઇ રહ્યા. 
' બે દિવસ બાદ હોશ આવ્યો છે અને તરત જ અનન્યા વિશે પૂછે છે ! ખરેખર એ તને ચાહે છે,બેટા. !' વિચારતા તેઓે છેલ્લા એક મહિનામાં બનેલી ઘટનાઓ યાદ કરી રહ્યા.
જ્યારે તમશ મહેલનો શ્રાપ તૂટ્યો, સૂર્યવંશી ભાઇઓને તરત જ જાણ થઇ ગઇ. તેઓ ત્યાં પહોંચ્યા, ત્યારે અનન્યા અદ્વયની છાતી પર હાથ રાખી ઊભી હતી. રડતી તેણે એનું નામ લીધું. ચારેય ભાઈઓને આ જોઇ આશ્ચર્ય થયું. 'દુનિયાની એકમાત્ર વ્યક્તિ જે અદ્વયને ચાહતી હતી, એને શ્રાપમાંથી મુક્ત કરી શકતી હતી એ એમની બહેન જીવિકા હતી..!! 
ત્યારબાદ અનન્યા ધીમે ધીમે જીવિકા બનવા લાગી, તે પોતાના ભાઇઓને પણ ઓળખી ગઇ., પણ અદ્વય..શું એ પણ જીવિકાને ચાહતો હતો ? આ સવાલનો જવાબ મેળવવા તે અદ્વયને મળવા ગયા હતા. 
"હું હવે કોઇ લડાઇ નથી ઇચ્છતો. હું એ પણ નથી ઇચ્છતો કે અનન્યા પૂરેપૂરી જીવિકા બને. ૧ મહિનાથી એ તડપે છે,મારા કારણે અસહ્ય પીડામાંથી પસાર થાય છે. હજી વધુ દર્દ નથી આપવું એને. " "મને ફરી એ મહેલમાં કેદ કરી દો, બસ એને આ પીડામાંથી આઝાદ કરો. " તેમની સામે ઘૂંટણીયે બેસતો એ બોલ્યો. ચારેય નવાઇ પામ્યા. 
"શું તું ખરેખર એ અદ્વય છે,જેણે હજારો જાદુગરોને બેરહેમીથી મારી નાંખ્યા હતા..?!"
તેમના પ્રશ્નથી અદ્વય હસ્યો. " સદીઓ અને જીવનનું અંતર મિટાવી, મને ફરી જીવંત કરવા આવી છે, એ જીવિકા માટે હું કંઈપણ કરી જઇશ." 

" ઠિક છે, તો અનન્યાને વધુ પીડા ન થાય એના માટે કોઇ ઇલાજ શોધીશું. ત્યાં સુધી તારે એનું ધ્યાન રાખવું પડશે. " બોલી વશિષ્ટ જવા લાગ્યો અને આશ્ચર્ય પામતા બીજા ભાઇઓ પણ તેની પાછળ નિકળી ગયા.

'જીવિ, તું સાચી હતી. અંધકારનો રાજા એટલો પણ કઠોર નથી. એ બદલાઇ શકે છે. કાશ, મેં તારી વાત સાંભળી હોત. ' વશિષ્ટભાઇ વિચારી રહ્યા. 
"અનન્યા બેહોશ છે. પણ ઠિક છે. "તે બોલ્યા.
"ભાઇ, અનુ ખરેખર આપણી જીવિકા છે ને..!! એણે અદ્વયને ફરી જીવિત કરી દિધો.!" ખુશ થતો અગંદ બોલ્યો.
"પણ મને એ સમજાતું નથી કે જીવિકાની શક્તિઓ અનન્યામાં શી રીતે આવી..?!" 
"જીવિકાએ એની બધી શક્તિઓ મને આપી દિધી હતી અને જ્યારે અનન્યા અને જીવિકા એક થઇ ગયા,એ શક્તિઓ પણ ફરી એની પાસે જતી રહી. " તે બોલ્યો. 
"હવેથી અનન્યાની જવાબદારી તને સોંપું છું અને તારી શક્તિઓને ફરી મજબૂત કર. જીત હજી ગાયબ છે, એ જીવિકાને તો નઇ, પણ તને હાનિ જરૂર પહોંચાડશે. " ચિંતિત થતો વશિષ્ટ બોલ્યો.  સાવચેત રહેવાની સલાહ આપી ચારેય ભાઇઓ ત્યાંથી નિકળી ગયા. 

                                   *

૧૦-અંતની શરૂઆત

અનન્યાને હોશ આવ્યો. માથું ભારે લાગી રહ્યું હતું. તે બેઠી થઇ. કોઇએ પાણી આપ્યું. તરત જ પાણી ગટગટાવી ગઇ.
ગ્લાસ પાછો આપતા તેની નજર સામે ઊભા વ્યક્તિ પર ગઇ. 
"વશિષ્ટ ભાઇ.." તે બોલી ઉઠી.
"કેવું છે તને બેટા..?" તેના માથે હાથ ફેરવતા તે બોલ્યા. ભાવૂક થયેલી તે તેમના ગળે લાગી. 
"મારી જીવિ, ક્યારે મોટી થઇ ગઇ,મને ખબર જ નઇ પડી..!"તે બોલ્યા.
"I'm sorry... મને માફ કરી દો..મને માફ કરી દો. " તે રડીને બોલી.
"મને માફ કરી દે. તારા ભાઇઓને માફ કરી દે. કાશ અમે તારી વાત સાંભળી હોત. " તેના આંસું લૂછતા તે બોલ્યા.
"ભાઇ...અદ્વય ક્યાં છે..? એ ઠિક તો છે ને..?" શાંત પડ્યા બાદ તેણે પૂછ્યું.

"હા, બેટા, એ ઠિક છે. તેં એને તારી સંજીવની શક્તિઓથી બચાવી લિધો." 
"મારે એને મળવું છે. " તે ઊભી થવા ગઇ,પણ ચક્કર આવતા બેસી પડી. વશિષ્ટભાઇએ તેને આરામ કરવાનું કહ્યું. તે ફરી ઊંઘવા પડી.

તેના ગાલ પર કોઇકનો સ્પર્શ મેહસૂસ થયો. તેણે આંખો ખોલી. આરવનો ચહેરો દેખાયો. ગભરાતી તે બેઠી થઇ. તે આરવની આંખોમાં ન જોઇ શકી. તેને આમ જોઇ તે હસ્યો.
" તું પૂરી જીવિકા બની ગઇ..!!" "દુનિયાના સર્વ શ્રેષ્ઠ જાદુગરોમાંથી એક..જે સમયના ચક્રવ્યૂહમાં ખોવાઇ ગઇ હતી એ પાછી આવી ગઇ. " 
"આરવ...."અનન્યા અટકી. તેની તરફ જોયું. "જીત, હું માફી માંગું છું. તારી તરફ મેં ધ્યાન ન આપ્યું. મારા દોસ્તને મેં ન ઓળખ્યો. "
"જીવિ......જીવિ.....હું તારો દોસ્ત નથી...તને ચાહું છું. " "તું કેમ સાંભળતી નથી...?" તેના બાવડા પકડતો તે બોલ્યો.
"અનન્યાનો હાથ છોડ. " રૂમમાં આવતો અદ્વય ગુસ્સાથી બોલ્યો. તેનો હાથ ખેંચી દૂર ધક્કો માર્યો. 
આમ અચાનક અદ્વયના ધક્કો મારવાથી તે દિવાલ પર પછડાઇને નીચે પડ્યો. તરત ઊભા થતા તેણે અદ્વય પર પોતાની શક્તિથી પ્રહાર કર્યો.
"અદ્વય...." જીતના હુમલાથી તેને બચાવતી અનન્યા ઊભી થઇ વચ્ચે આવી ગઇ. જીતના જાદુથી તેનું હ્રદય પથ્થર બનવા લાગ્યું. અદ્વયે તેને બાંહોમાં લઇ લીધી. ભીંની આંખે તે છાતી પર હાથ રાખી રહી. દુ:ખી થતો જીત હાથ પછાડી રહ્યો. 
"એને ઠિક કર.." અદ્વય ગુસ્સાથી બરાડ્યો.
"આ મૃત્યુશ્રાપ હતો. હું એને....." રડતો જીત બોલ્યો અને પોતાના ગુસ્સાને ન રોકી શકતા અદ્વયે તેના પર હુમલો કર્યો. જીત પણ જાણે પોતાની સજા સ્વીકારતો હોય એમ જડ બેઠો રહ્યો. 
"I'm sorry, Jivi... " અગ્નિમાં બળતો તે ખાખ બની ગાયબ થઇ ગયો.
રડતી અનન્યા અદ્વયને મજબૂતીથી પકડી રહી. 
"અનન્યા...." તે ભીંની આંખે બોલ્યો.
"અનન્યા નઇ.....જી..વિ..કા.." તેના ગાલ પર હાથ રાખી તે બોલી અને બેહોશ થઇ ગઇ.
જીવિકાનો અવાજ સંભળાતા તેના ભાઇ તરત જ ત્યાં પહોચ્યા. અદ્વયના ખોળામાં અડધી બેહોશ જીવિકાને જોઇ વર્ષો જૂનો ઘા ફરી ખૂલી ગયો હોય એમ લાગ્યું, પણ આ વખતે તેમણે અદ્વયના દર્દને પણ જોયો. તેણે તેમને બધું જણાવ્યું. 
"માફ કરજો, મારા કારણે ફરી જીવિકા..." તે ઘૂંટણિએ બેસી માફી માંગતો બોલ્યો. તેમણે તેને ઊભો કર્યો. 
" તું જીવિકા સાથે રહે. જીતના જાદુનો ઇલાજ અમે શોધી લાવીએ છીએ. "

થોડી જ વારમાં તે આવ્યા. તેમની સાથે ૧૦વર્ષના બે બાળકો હતા. અદ્વય તેમને જોઇ રહ્યો. વશિષ્ટ તે બાળકોને અનન્યાની નજીક લાવ્યો.

"શૌર્ય બેટા, સૅમ બેટા..આ તમારા જીવિકા ફોઇ છે."
બંને તેને આશ્ચર્યથી જોઇ રહ્યા.
"કાકા,જે ખોવાઇ ગયા હતા એ ફોઇ છે..?!" સૅમે પૂછ્યું.
"પપ્પા, જીવિ ફોઇ તો સાચ્ચે beautiful છે..!!" ખુશ થતા શૌર્યએ અનન્યાના ગાલ પર હાથ રાખ્યો. 
" બેટા, એમની તબિયત સારી નથી. તમે બંનેએ પેલા ગલૂડિયાંને સાજો કર્યો હતો ને..?!" " શું તમે બંને ફોઇને સાજા કરશો..?" વશિષ્ટે પૂછ્યુ અને બંનેએ હકારમાં માથું હલાવ્યું. 
બંનએે જીવિકાના માથે હાથ રાખ્યો અને આંખો બંધ કરી.
"વશિષ્ટ, આ તું શું કરે છે..!! આ તો બસ બાળકો છે..અને સંજીવની જાદુ ખૂબ જ ઓછા જાદુગરો પાસે હોય છે. અને સૌથી કઠિન જાદુ છે. " વશિષ્ટ હસ્યો.
"મારો દિકરો એ જાદુગરોમાંથી એક છે અને સાથે જ એ..કોઇપણ જાદુગરની જાદુઇ શક્તિ લઇ પણ શકે છે અને આપી પણ શકે છે. "  ગર્વ લેતા વશિષ્ટ બોલ્યા.
"અને આ બાળક..?" સૅમ તરફ ઇશારો કરતો તેણે પૂછ્યું. 
"એ સામ્રાજ્ય છે. શિવમનો દિકરો. દરરોજ નવા મંત્રો શિખવું અને જાદુઇ શક્તિઓનો સતત અભ્યાસ કરવું એનો શોખ છે." 
અદ્વય બંને બાળકોને જોઇ રહ્યો હતો. તેઓ મંત્રોચ્ચારથી અનન્યાનું શરીર ભૂરી રોશનીથી ચમકવા લાગ્યું. ત્યારબાદ એ રોશની શૌર્ય અને સૅમના શરીરમાં પણ પ્રસરી ગઇ. આ જોઇ અદ્વય આશ્ચર્ય પામ્યો. 
ધીમે ધીમે ભૂરી રોશની ઓછી થઇ. અનન્યાનો કણસવાનો અવાજ આવ્યો. અદ્વય તરત જ તેની પાસે ગયો. તેને બાંહોમાં લઇ લિધી.  
"જીવિકા..." તેને મજબૂતીથી પકડતો તે બોલ્યો.
"અદ્વય...મને છોડ ...fracture કરી નાંખીશ તું.." હસતી તેણે આંખો ખોલી.
"આ વખતે તને પોતાનાથી દૂર જવા દઇશ." તેના કપાળ પર વ્હાલથી ચૂમી તે બોલ્યો અને તેના કપાળ પર પોતાનું માથું અડાવ્યું. 
"I love you.. Jivika.. " "તને આ શબ્દો કહેવામાં મેં સદીઓ લગાવી દિધી. " 
"તારી આ જીદ...તારો આટલા વર્ષોનો ઇન્તેઝાર..તારી તડપ અને તારી ચાહત માટે તો જીવિકાએ પાછું આવવું જ હતું ને..!.. મને માફ કરી દે..હું તને છોડીને જતી રહી હતી..બહુ રાહ જોવડાવીને મેં..?” તે ભીંની આંખે બોલી. અદ્વય તેના આંસુઓથી બેચેન થઇ ગયો. તે મુસ્કુરાઇ. 
“તને ચાહતી હતી, ચાહું છું અને હંમેશા તને જ ચાહીશ, જાદુગર અદ્વય.” બોલી અનન્યા તેના હોઠને વ્હાલથી સ્પર્શી રહી. 
"ફોઇ, મેં તમને બચાવ્યા છે..!!" મોં ફુલાવી ઊભો શૌર્ય બોલ્યો. શરમાતી અને ત્યારબાદ હસતી તે તેને જોઇ રહી.

"Sorry, બેટુ...ફોઇને બચાવી એનું ખૂબ ખૂબ...thank you.  " હાથ ફેલાવતી તે બોલી. શૌર્ય દોડીને તેની પાસે આવ્યો. જીવિકાએ તેને ગળે લગાવ્યો અને ગાલ પર વ્હાલથી ચૂમ્યું.
"ત્યાં કોણ ઊભું છે..?!" વશિષ્ટ પાછળ છૂપાઇને ઊભા સૅમને તે જોઇ હસતી બોલી. અનન્યા ઊભી થઇ તેની પાસે ગઇ. તેના ગાલ પર ચૂમ્યું અને ગળે લગાવ્યો. સૅમ શરમાઇ ગયો.
" thank you બેટા. " તે બોલી.
અનન્યા બંને સાથે વાત કરવા લાગી. ત્યાં જ શૌર્ય બોલ્યો.
"ફોઇ, હું મોટો થઇશ પછી તમારી સાથે લગ્ન કરીશ. " 
આ સાંભળતા જ અદ્વયે તેને પોતાની નજીક ખેંચી.
"શૌર્ય બેટા, તારી જીવિકા ફોઇ અદ્વયની  છે. તારે બીજું કોઇ શોધવું પડશે. " તે હસીને બોલ્યો. 
"પપ્પા, હું ફોઇ સાથે જ લગ્ન કરીશ..મને ફોઇ જોઇએ.." પગ પછાડતો તે બોલ્યો અને મુસ્કુરાતો વશિષ્ટે તેને ખોળામાં ઉઠાવી લીધો. અનન્યા તરફ જોયું. મુસ્કુરાતી અનન્યાએ 'ઠિક છું' એમ ઇશારાથી જણાવ્યું અને તે બંને બાળકોને લઇ બહાર ગયો.
"મારા હરીફો વધી જાય એ પહેલા આપણે લગ્ન કરી લઇએ. " અનન્યાને ફરી બાંહોમાં લેતો તે બોલ્યો.
"એના માટે મારા પપ્પાને મળવા આવવું પડશે. " તે લુચ્ચી હસી સાથે બોલી.
" જીવિકાના ભાઇઓને મનાવતા વર્ષો લાગ્યા, હવે અનન્યાના પપ્પાને પણ મનાવો..!" ઊંડો શ્વાસ ભરતો તે બોલ્યો. હસતી અનન્યા તેના ગળા ફરતે હાથ રાખી તેને ભેટી.
"ચલો...આટલી લડાઇઓ લડી છે તો એક વધુ...." તેની કમર ફરતે હાથ રાખી અનન્યાને વધુ નજીક લાવી તે બોલ્યો. 

 ૧૧- શ્રેષ્ઠ જાદુગર

બે મહિના બાદ
અદ્વયની ઘણી કોશિશો બાદ (જેમાં વશિષ્ટ અને તેના પત્ની અદ્વયના માતા-પિતા બન્યા, તે છુટ્ટીના દિવસે અનન્યાના ઘરે જઇ કામમાં મદદ કરતો, તેણે અનન્યાની મદદથી ખરેખર ડૉક્ટરનું ભણતર શરૂ કર્યું. ) આખરે અનન્યાના માતા-પિતા લગ્ન માટે માન્યા હતા. ૧મહિના બાદની લગ્નની તારીખ રાખી હતી. 
પોતાના રૂમની બાલ્કનીમાં બેઠી અનન્યા ખૂબ જ ખુશ હતી. 
" ફોન કેમ નથી રિસીવ કરતી...?" તેની પાછળ આવી ઊભો અદ્વય બોલ્યો. આમ અચાનકથી અવાજ આવતા તે ઝબકી. અદ્વયના ચિતિંત ચહેરાને જોઇ રહી.
"તને કહ્યું છે ને..મારા ઘરમાં જાદુથી નઇ આવીશ..મમ્મી- પપ્પા જોઇ લેશે તો...?!" 
"મને તારી ફિકર થઇ રહી હતી." તેને ગળે લગાવતો અદ્વય બોલ્યો. 

"મને કંઇ નઇ થશે. તું છે ને મારી સાથે. " બોલતી અનન્યાએ અદ્વયની છાતી પર માથું ઢાળ્યું. 

ફરી આંખો ખોલી તો એ બંને તમશ મહેલમાં આવી ગયા હતા.  અનુએ ખોટા ગુસ્સાથી  તેના તરફ જોયું.
"આદત પાડી લે.." મુસ્કુરાતો તે બોલ્યો.
બંને હાથ પકડી મહેલમાં ફરી રહ્યા હતા. તમશ મહેલ હજી ખંડેર જ હતો,પણ અદ્વય માટે આ સ્થળ ખૂબ જ મહત્વનું હતું એ અનન્યા જાણતી હતી. બંને પહેલા માળે ઝરૂખામાં આવ્યા. 
"જીવિ, મારી ઇચ્છા છે કે હું નવા જાદુગરો માટે પ્રશિક્ષણ ગૃહ શરૂ કરું. તારું શું કેહવું છે..?" ગંભીર થતા તેણે પૂછ્યુ.
" તો આ સ્કૂલની પહેલી સ્ટૂડેન્ટ હું બની શકું..?!" તેણે મુસ્કૂરાહટ સાથે પૂછ્યું. ત્યારબાદ ગંભીરતાથી તેના તરફ જોયું.
"શું તને હજી ડર લાગે છે કે કોઇ મને હાનિ પહોંચાડશે..!?" 
"જીવિકા, મને એ ડર છે કે આ જાદુગરો બીજા 'અદ્વય' બની જશે..જે પોતાની તાકતના નશામાં બધું બરબાદ કરી દેશે..!" "મારે આમ થતા રોકવું છે. " 
અનન્યા જાદુગર અદ્વયને સ્થિર નજરે જોઇ રહી. 'અદ્વય, તું ખરેખર શ્રેષ્ઠ જાદુગર છે..' તે વિચારી રહી અને તેને વાંચી શકતો હોય એમ તેણે તેને બાંહોમાં લીધી.
"શ્રેષ્ઠ જાદુગર તો તું છે, જીવિકા...ફક્ત સંજીવની જાદુ જ નથી તારી પાસે...તારામાં વિશ્વના સૌથી બૂરા અને શક્તિશાળી જાદૂગરને પણ કાબૂ કરવાની આવડત છે.!!" તેના ચહેરા પર વ્હાલથી હાથ ફેરવી બોલ્યો અને નટખટ મુસ્કુરાહટ સાથે તેને પોતાની નજીક લાવી. તેના અધરો સ્પર્શી પોતાની ચાહતનો ઈઝહાર કર્યો અને અનન્યા પણ તેની વધુ નજીક આવી અદ્વયની ચાહતને સ્વીકારી રહી.


                       #         #         #

બીજા રસપ્રદ વિકલ્પો