રડતી દીવાલ 2 Himanshu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 19

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 19શિર્ષક:- ભદ્રેશ્વરલેખક:- શ્રી...

  • ફરે તે ફરફરે - 39

      નસીબમાં હોય તો જ  કહાની અટલા એપીસોડ પુરા  ક...

  • બોલો કોને કહીએ

    હમણાં એક મેરેજ કાઉન્સેલર ની પોસ્ટ વાંચી કે  આજે છોકરાં છોકરી...

  • ભાગવત રહસ્ય - 114

    ભાગવત રહસ્ય-૧૧૪   મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે-ત્યારે તે...

  • ખજાનો - 81

    ઊંડો શ્વાસ લઈ જૉનીએ હિંમત દાખવી." જુઓ મિત્રો..! જો આપણે જ હિ...

શ્રેણી
શેયર કરો

રડતી દીવાલ 2

પંથ બારમાં ના બોર્ડ ના પેપર માટે તનતોડ મહેનત કરી રહ્યો હતો.તે વિચારી રહ્યો હતો કે બા ને જેમ વધારે મળવા નું થાય તેમ તેનું મન અભ્યાસ માં જલ્દી થી લાગતું નથી.એટલે જ અને લીલાબા ને મહીને એક વાર આવવા નું કહ્યું.૧૨ માં ધોરણ ની પરીક્ષા પણ આવી ગઈ અને પંથ ના બધા વિષય ના પેપર ખુબજ સારા ગયા.પંથ પરીખા આપી ને ગામડે આવ્યો અને સીધોજ કનુભાઈ માસ્તર ના ઘેર ગયો.કનુભાઈ ઓસરી માં હીંચકો ખાતા છાપું વાંચી રહ્યા હતા.પંથે જઈને કનુભાઈ ના ચરણસ્પર્શ કર્યા.કનુભાઈ ભાવ-વિભોર બની ગયા અને પંથ ને બથ માં લઇ લીધો.અને કહ્યું,”બેટા તારી પરીક્ષા કેવી ગઈ?”,પંથ બોલ્યો,”સાહેબ તમારી અને બા ની મહેનત અને આશીર્વાદ થી મારા બધા પેપર ખુબજ સરસ ગયા છે,ખુબજ સારું પરિણામ આવશે,ચાલો હું જાઉં બા ક્યારની વાત જોઈ ને બેઠી હશે.”

“હા ભાઈ જલ્દી જા,ક્યાંક ડોશી ને ચિંતા માં ને ચિંતા માં ક્યાંક એટેક ના આવી જાય.”એમ કહી કનુભાઈ હસવા લાગ્યા.

પંથ પણ હસવા લાગ્યો.

ઘેર પહોચી ને પંથ લીલાબા ને ભેટી પડ્યો અને એક મિનીટ સુધી બા ને છોડી નહિ.અને પછી બોલ્યો,”બ હવે ચિંતા મુક્ત થઇ જા બધા પેપર ખુબજ સારા ગયા છે અને તારી બધી માનતા ઓ ફળશે.”આજે લીલાબા ની ખુશી નો પાર નહોતો પણ ચહેરા પર ની કરચલીઓ માં  એક સંતોષ ની સાથે ક્યાંક જુના દર્દ પણ ડોકિયું દઈ રહ્યા હતા.પણ એક જવાબદારી પૂરી કર્યા ના એહસાસ ની સામે દર્દ ની શું વિસાત કે એ પાણી બની ને આંખ માં થી બહાર આવે?.આજે લીલાબા જાણે માથા પર થી ખુબજ મોટો બોઝ ઉતરી ગયો હોય તેમ હળવાફૂલ અનુભવી રહ્યા હતા.

પરીક્ષા નું પરિણામ આવી ગયું.પંથ સમગ્ર રાજ્ય માં ચોથા નંબરે અને જીલ્લા માં પ્રથમ નંબરે ઉતીર્ણ થયો.પરિણામ લેવા એની સાથે કનુભાઈ માસ્તર અને લીલાબા બંને આવ્યા હતા.લીલાબા નો હરખ આજે હેલી યે ચડ્યો હતો.શહેર માંથી પાંચ કિલો પેંડા લીધા.અને આખા ગામ માં વહેચ્યા.કનુભાઈ પંથ ની શાળા ના શિક્ષકો સાથે પંથ ના ભવિષ્ય અંગે ચર્ચા કરી અને પંથ ના પોતાના અભિપ્રાય પર થી એવું નક્કી કર્યું કે પંથ ને IIT માં આગળ ભણાવવો.IIT માં પ્રવેશ માટે સ્પર્ધાત્મક પરીક્ષા આપવી પડે જે ૨ મહિના પછી હતી.પંથ ફરી થી તૈયારી માં લાગી ગયો અને સ્પર્ધાત્મક પરીક્ષા પણ સારા અંકો થી પાસ કરી અને તેને બેંગલોર IIT માં એડમીશન મળ્યું.નજીક ના શહેર ની કોલેજ માં પ્રવેશ માટે માત્ર એક અંક જ પાછળ રહી ગયો.

હવે પછી નો સમય લીલાબા માટે બહુ કપરો હતો.પંથ તેમના થી માત્ર ૧૦ કિલોમીટર દુર રહી ને અભ્યાસ કરતો હતો તો પણ લીલાબા ને હર પળ તેની ચિંતા લાગી રહેતી હતી.હવે તો તે ૧૫૦૦ કિલોમીટર દુર જવાનો તો મારી હાલત શું થશે તે વિચારી ને લીલાબા ને શરીર માં એક લખલખું પસાર થઇ ગયું.પણ તેમને પંથ પ્રત્યે ની તેમની જવાબદારી ક્યારેય ઢીલા પાડવા દેતી નહોતી.પંથ ની સાથે શહેર ની સ્કુલ માં અભ્યાસ કરતા તેના મિત્ર સુયોગ ને પણ બેંગલોર IIT માં એડમીશન મળ્યું હતું.

કનુભાઈ એ પણ લીલાબા ને સમજાવ્યા અને કહ્યું,”લીલાબા,હવે તમે તો ખરતું પાન છો,પંથ ની આગળ એનું આખું ઉજ્જવળ ભવિષ્ય રાહ જોતું બેઠું છે,જો તમે આમ લાગણી માં વહી જશો તો પંથ પણ ગુંચવણ અનુભવશે અને આગળ અભ્યાસ માં ધ્યાન નહિ આપી શકે.માટે તમને જે “દીવાલ” તરીકે નું ઉપનામ મળ્યું છે લોકો તરફથી તેને હવે સાર્થક કરી બતાવવા નો સમય આવી ગયો છે.”

લીલાબા અંદર ઉઠી રહેલા દર્દ ને અંદર દબાવી ને હસી ને બોલ્યા,”તમારી વાત સો ટકા સાચી છે માસ્તર,હું મારી લાગણી ઓ ના વહેણ માં પંથ ના ભવિષ્ય ને વહેવા નહિ દઉં.”

વર્ષો વીતવા લાગ્યા પંથ IIT પણ પાસ કરી ચુક્યો છે.તેનું ઉંમર પણ ૨૫ વર્ષ થઇ ચુકી છે.અને ગામ ને અડી ને આવેલા શહેર માં જ્યાં તેને માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું હતું ત્યાં એક મોટી મલ્ટીનેશનલ સોફ્ટવેર કંપની માં પ્રોગ્રામિંગ હેડ નું પ્રતિષ્ઠિત પદ ધરાવે છે અને શહેર માં જ કંપની તરફ થી મળેલા એપાર્ટમેંટ માં રહે છે,પગાર પણ સારો એવો ૬ આંકડા માં છે.તેણે લીલાબા ને ગામ છોડી શહેર માં તેની સાથે રહેવા માટે ઘણા મનાવ્યા પણ લીલાબા ગામ છોડી ક્યાય જવા તૈયાર નહોતા,કારણ કે ગામ માં જ તેમની સાથે સારી નરસી બધી યાદો જોડાયેલી હતી જેને તે ભૂલાવવા નહોતા માંગતા.હવે તેમની એક જ ઈચ્છા હતી કે પંથ ને જલ્દી થી પરણાવી દેવો અને પછી જેટલું જીવન બાકી છે તે ભક્તિ માં વિતાવવું.પંથ માટે સમાજ માં થી સારા સારા માંગા આવી રહ્યા હતા, પણ પંથ હજુ જવાબદારી માં બંધાવવા તૈયાર નહોતો.જેથી કરી ને દરેક પ્રસ્તાવ ને કોઈ ને માઠું ના લાગે એ રીતે યેન કેન પ્રકારે ઠુકરાવી દેતો. લીલાબા એ પણ તેને ઘણો સમજાવ્યો પરંતુ તેને લીલાબા ને કહ્યું,”બા તું ચિંતા ના કરીશ હું પરણી જઈશ હજુ નવી નવી નોકરી છે મને થોડો સેટ થઇ જવા દે પછી પરની જઈશ પણ મારી એક શરત છે હું પરણી જાઉં પછી તારે મારી સાથે અહી શહેર માં રહેવું પડશે,બોલ તને છે મંજુર?

લીલાબા હસી ને બોલ્યા,”હા કાલે પરણી જા હું આવી જઉં તારી જોડે રહેવા.”

પંથ હસી ને બોલ્યો,”બહુ ચાલાક છે બા તું,બસ મને થોડો સમય આપ.”

 

૬ મહિના પછી એક દિવસ લીલાબા જમી ને આડે પડખે થયા હતા ત્યાં પડોશ માં રહેતા જગદીશભાઈ નો દીકરો રોહિત આવ્યો અને કહ્યું,”લીલાબા પંથભાઈ નો ફોન આવ્યો હતો અને તમને આત્યારે જ ફોન પર વાત કરાવવા નું કહ્યું છે લો હું લગાવી આપું.”

રોહિતે ફોન લગાવી ને લીલાબા ને આપ્યો.લીલાબા એ કહ્યું,”શું થયું બેટા કેમ આમ અચાનક ફોન કર્યો સહુ સારા વાના તો છે ને?”

પંથ બોલ્યો,”બા,કામ જ એવું હતું કે આમ એક દમ જ ફોન કરવો પડ્યો.”

લીલાબા ને ધ્રાસકો પડ્યો અને બીતા બીતા પૂછ્યું,”શું હતું બોલ બેટા.”

પંથ બોલ્યો,”બા મેં મારી સાથે નોકરી કરતી નેહા સાથે કોર્ટ માં લગ્ન કરી લીધા છે,બહુ જ સારી છોકરી છે અને તને ગમશે.”

લીલાબા નો ચહેરો આનંદ અને દુઃખ ની મિશ્રિત લાગણી થી અકળ રીતે લીંપાઈ ગયો.

અને બોલ્યા,”બેટા તે મને કહ્યું હોત તો હું ધામ ધૂમ થી તારા લગન કરત મને કેટલી કેટલી આશા ઓ હતી,પણ કઈ વાંધો નહિ બેટા તે લગન કરી લીધા એ મારે માટે આનંદ ની વાત છે,સારું તું જલ્દી થી હવે વહુ ને લઇ ને ઘેર આવ,બોલ ક્યારે આવે છે?”

પંથ બોલ્યો ,”બા એક વાત કહું ખોટું ના લગાડતી,હું અને નેહા આવતા અઠવાડિયે અમેરિકા જઈ રહ્યા છીએ નેહા ના મમ્મી પપ્પા અમેરિકા રહે છે અને અત્યારે અમે વિસા ની પક્રિયા માટે મુંબઈ આવ્યા છીએ.કંપની માં થોડી ફોર્માલીટી બાકી છે એટલે એક દિવસ માટે હું ત્યાં શહેર માં આવીશ પણ ગામડે આવવાનો સમય નહિ રહે તો તું શહેર માં આવી જજે.”

લીલાબા ના માથે જાણે કોઈ એ હથોડો માર્યો હોય તેમ એક દમ ચીસ પાડી ને નીચે ઢળી પડ્યા,મોબાઈલ પણ હાથ માં થી ફળિયા માં જઈ ને પડ્યો રોહિતે લીલાબા ને બાવડે થી પકડી ને ઊંચકી ને ખાટલા માં બેસાડ્યા અને ફોન ઉપાડી ને પંથ ને કહ્યું,”પંથ ભાઈ તમે ચિંતા ના કરો આ તો જરાક બા ને ચક્કર આવી ગયા હતા.તમ તમારે ખુશી થી વિદેશ જાઓ.”લીલા બા તો જાણે સુધબુધ ખોઈ બેઠા.આજે જમવા ની પણ બિલકુલ ઈચ્છા નહોતી થઇ રહી પણ રોજ ની જેમ કાળી કુતરી માટે ભાખરી બનાવી અને એને ખવડાવી ને માળા કરવા બેઠા પણ આજે ભક્તિ માં પણ ધ્યાન નહોતું લાગી રહ્યું.

બીજા દિવસે બપોરે ધીમો ધીમો વરસાદ પડી રહ્યો હતો એટલા માં લીલાબા ના દરવાજે એક ગાડી આવી ને ઉભી રહી અને તેમાં થી ડ્રાઈવર ઉતર્યો ને કહ્યું,”આ લીલાબા નું ઘર છે?”.

લીલાબા એ કહ્યું,”હા બોલો ભાઈ.”

ડ્રાઈવર બોલ્યો,”પંથ સાહેબે તમને લેવા મોકલ્યા છે.”

લીલાબા એ કહ્યું,”તમારા સાહેબ ને કેજો કે તમ-તમારે ખુશી થી વિદેશ જાય હું શહેર નહિ આવું.”

ડ્રાઈવરે તરત જ પંથ ને ફોન લગાવ્યો અને કહ્યું,”સાહેબ બા આવવા ની ના પાડે છે.”

પંથે કહ્યું,”મને એમની જોડે વાત કરાવ.”

લીલાબા એ ફોન લીધો અને કહ્યું,”બેટા તું ખુશી થી વિદેશ જા મારી ચિંતા ના કર.”

પંથ બોલ્યો,”બા એક વાર છેલ્લી વાર મળવા આવી ગઈ હોત તો?”

લીલાબા એ કહ્યું,”જેને જોઈ જોઈ ને આંખો ઘરડી થઇ હોય તેને છેલ્લી વાર અને પહેલી વાર શું?,તું તારે ખુશી થી જા.”

આટલું કહેતા કહેતા ગળે ડૂમો બાઝી ગયો અને ફોન ડ્રાઈવર ના હાથ માં  આપી દીધો.

લીલાબા શહેર તરફ પાછી વળી રહેલી ગાડી ને જોઈ રહ્યા.ગાડી ચાલવા થી ઉડતી ધૂળ માં તેમને પંથ ના ચહેરા નો અભાસ થયો.

ઘર માં આવતા જ ખાટલા પર ફસકી પડ્યા અને ઘણા વર્ષો પછી તેમની આંખ માંથી અશ્રુ ની ધાર અનરાધાર વહેવા લાગી.

ઘર ની જમણી બાજુ ની ભીંત પર વરસાદ ના ભેજ ના કારણે ભીંજાઈ ને પાણી ના બુંદ વહી રહ્યા હતા જાણે વર્ષો પછી આજે પણ આ જ દીવાલ પણ ફરી થી રડી રહી હતી.

 

                                                               ~સમાપ્ત~