ટપકતું પાણી અને તૂટેલી છત.
14 વર્ષ નો સાવન દોડતો તેના ઘર નો અડધો ખુલ્લો દરવાજો ખોલતા અંદર રૂમ માં પ્રવેશ્યો. એક હોલ અને ત્યાં જ એક કોર્નર માં કિચન અને અંદર એક નાની ઓરડી જેવો રૂમ. હોલ માં એક લાખડા ની ખુરશી અને તેની પર પડેલ રજાઈ . ઓરડી માં એક નાનો ખાટલો અને તેની પર પથરાયેલ થીગડા વાળી ચાદર અને એ ચાદર થી દુર સુધી મેચ ન થતું ઓશિકા નું કવર.
રસોડા માં એક ગેસ સિલિન્ડર અને તેની પાસે પડેલ એક નવો સ્ટવ. જેના પર તાવડી અને તાવડી પર બાજરા નો રોટલો અને તેને બનાવતી સંધ્યા બેન એક પથ્થર પર થોડી દૂર બેઠા છે.
સાવનને દોડતા આવતા જોઈ એ બોલી પડ્યા ,"શું થયું કેમ હાંફતો હાંફતો આવ્યો ?"
"મા , બહાર કમોસમી વરસાદ ચાલુ થઈ ગયો . આવી ઠંડી માં વરસાદમાં પળલીશ તો શરદી લાગી જશે એટલે શેઠે ઘરે જવા માટે કહ્યું." સાવન અંદર આવતા ની સાથે જ દોરી પર લટકેલ નેપકીન થી માથું ને મોઢું લૂછતાં બોલ્યો.
"તો આટલો ભીંજાય કેમ ગયો ? રીક્ષા કરી ને આવી જવું હતું ને." સંધ્યા બેન ચિંતા કરતા બોલ્યા.
"મમ્મી શું તમે પણ..... નજીક જ છે ને અડધો એક કિલોમીટર માટે રીક્ષા માં પૈસા બગાડાતા હશે ? "સાવન મમ્મી ની પાસે બેસતા બોલ્યો ,"આમ તમે અલગ અલગ પૈસા બચાવવા ની વાતો કરતા હોઉં છો અને આમ જરૂર ન હોય ત્યાં ઉડાવવા નું કહો છો."
સંધ્યા બેન થોડા સાવન તરફ ફર્યા અને તેના ભીના વાળ પર હાથ ફેરવ્યો અને કહ્યું , " મોજ શોખ ની વસ્તુ માં પૈસા ન બગાડવા કહું છું , પણ આ થોડી મોજ શોખ થઈ , તું આવી ઠંડી માં જો આ વરસાદ માં પલળતો આવ્યો અને ન કરે નારાયણ જો કાલે તને શરદી લાગી ગઈ તો ? અને એ શરદી ને હલકા માં લઇ અને તેનો સમયસર ઈલાજ ન કરાવ્યો અને એ તાવ માં પરિવર્તિત થઈ ગઈ તો ?
અંતે મોટા દવાખાને જઈ અને દવા લેવી પડે ને , તો એમાં બે નુકશાન થાય ,
પહેલું એક તો તારી તબિયત બગડે ,અને તારે આટલું સહન કરવું પડે અને
બીજું તારી ભાષા માં રીક્ષા ના જેટલા પૈસા બચાવ્યા તેના થી ત્રણ ચાર ગણા પૈસા આપણે હોસ્પિટલ માં ડોકટર અને મેડિકલ વાળા ને આપવા પડે."
14 વર્ષ નો સાવન એકધારું સંધ્યા બેન સામે જોવા લાગ્યો. એના મમ્મીએ આપેલ એ શિખામણ ને સમજવાની કોશિશ કરતો હતો.
સંધ્યા બેન સાવનના હાવભાવ જોઈ સમજી ગયા કે સાવન હજુ સમજી નથી શક્યો કે તે શું કહેવા માંગે છે.
"સાંભળ દીકરા જે વસ્તુ જીવનમાં અગત્ય ની અને જરૂરિયાત વાળી છે ને તેની પાછળ પૈસા ખર્ચવા માં જ સમજદારી છે , કોઈક કોઈક વખત આપણે ભવિષ્ય નો વિચાર કરી ને ચાલવું પડે અને કોઈક કોઈક વખત આપણે આજ માં જીવવુ પડે.
કોઈક વખત આપણે બીજા માટે વિચાર કરવો પડે તો કોઈક વખત સ્વાર્થી થવું પણ જરૂરી બની જતું હોય છે. આજે તારે તારી જાત માટે સ્વાર્થી બનવા ની જરૂર હતી. "
સંધ્યા બેન આટલું બોલ્યા ત્યાં સાવન ના ચેહરા પર પાણી નું ટીપું ટપકયું.
સંધ્યા બેન અને સાવન બંને એ માથું ઉપર કર્યું અને છત સામે જોયું. છત માંથી પાણી ટપકતું હતું.
"આ ઠીક કરાવવા હું પૈસા બચાવું છું મા ." નિર્દોષ અવાજ માં સાવન બોલ્યો . "ચોમાસા માં જ્યારે તું આ તૂટેલ છત માંથી પડતા પાણી નીચે વાસણ રાખી અને ઘર ને ભીનું થતા બચાવે છે ત્યારે તું સ્વાર્થી બની ને તારા કમર ના દુખાવા વિસે કેમ નથી વિચારતી ? "
સાવનની આ વાત સાંભળતા સંધ્યા બેન ની આંખો ભીની થઇ ગઇ અને તે સાવન ને ભેટી પડ્યા.
સાવન મા ને ગળે મળતા બોલ્યો ," કોઈક વખત તું પણ સ્વાર્થી બની ને તારા વિસે વિચારતી હોય તો , આખો દિવસ મારુ , મારા ભણવા નું અને આ ઘર નું ધ્યાન રાખવું શું જરૂરી છે ?
જો હા તો મારી માટે પણ વરસાદ અને શરદી નું વિચાર્યા વિના આ તૂટેલ છત ને સરખી કરાવવા માટે પૈસા બચાવવા જરૂરી છે. "
******
આજ ના જમાના માં જ્યાં એક તરફ વૃદ્ધાશ્રમ અને બેઘર વૃદ્ધો નું પ્રમાણ વધતું જાય છે ત્યાં અમુક જગ્યા એ હજુ મા- દીકરા ના પ્રેમ ના ઉદાહરણો જોવા મળે છે.