આક્રંદ એક અભિશાપ 17 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આક્રંદ એક અભિશાપ 17

"આક્રંદ:-એક અભિશાપ"

ભાગ:-17

મદદ માટે રહમત ગામ ગયેલાં હસન અને નૂર ને ઈલિયાસ ની જિન પત્ની જહુરિયત હસન એક પુસ્તક આપી નીકળી જવા માટે કહે છે..પ્રોફેસર ઈબ્રાહીમ કોલ કરી 7175 અને પુસ્તક સાથે જોડાયેલી માહિતી આપે છે..પુસ્તકમાં લખ્યાં મુજબ શિરીન ની આત્માની મુક્તિ માટે હસન અને નૂર ખંડેર જઈને શિરીન ની લાશ ને બહાર કાઢી વિધિવત દફનાવી બધું સરખું કરી ઘરે આવી જાય છે..હસન રાત્રે ઉઠે છે ત્યારે ફાતિમા આવી જણાવે છે કે ઈલિયાસ ની જાન મુસીબતમાં છે...હવે વાંચો આગળ ની કહાની.

"ઈલિયાસ અને એની પત્નીએ પોતાની જાન ની પરવાહ કર્યા વગર અમારી બેજીજક મદદ કરી હતી તો મારી પણ ફરજ બને છે કે ઈલિયાસ ભાઈ નું રક્ષણ કરવા માટે જવું.."મનોમન આટલું કહી હસન ઓમર ઘર ની બહાર નીકળી ગયો..નતાશા અને નૂર ને આ વિશે કહેવું એને ઉચિત ના સમજ્યું.

હસન જાણતો હતો કે એ બંને ને આ વિશે જાણ થશે તો એ પણ જોડે આવવાની જીદ કરશે..અને જો ઈલિયાસ પર સુદુલા કબીલાવાળા જિન પહોંચી ગયાં હશે તો એની જીંદગી બચાવવા પોતાની જીંદગી દાવ પર લાગે એ ઠીક પણ નૂર અને નતાશા ને કંઈપણ થાય એવું હસન નહોતો ઈચ્છતો. એને ફાતિમા બેગમ ને પણ એ બંને ને પોતે ઈલિયાસ ની મદદ માટે રહમત જાય છે એ કહેવાની મનાઈ ફરમાવી દીધી હતી..જે હસન ની બહુ મોટી ભૂલ સાબિત થવાની હતી.

"અલ્લાહ કરે ઈલિયાસ બચી જાય.."મનોમન બોલતો હસન ગાડીમાં બેઠો અને ગાડી લઈને રહમત ગામ તરફ જતી કાચી સડક પર દોડાવી મુકી.સમય ની ગતિ થી પણ ગાડી અત્યારે ઝડપી ભાગી રહી હતી..પાછળ ઊડતી ધૂળ એ વાત ની સાક્ષી પૂરતી હતી કે ગાડી કલાકે 100 કિમી ની ઝડપે દોડી રહી હતી.

હસન ગાડી લઈને છેક રહમત ગામ ની હદમાં પહોંચી ગયો હતો ત્યાં અચાનક હસન ની ગાડીની સામે કોઈ વ્યક્તિ આવીને ઉભો રહી ગયો..એને જોતાં જ હસને પોતાનાં પગ ને દબાણપૂર્વક બ્રેક પર રાખી દીધો.સારું હતું કાચો રસ્તો હતો એટલે ગાડી એ વ્યક્તિ ને અથડાય એ પહેલાં જ ઉભી રહી ગઈ..હેડ લાઈટ નાં તીવ્ર પ્રકાશમાં હસને જોયું એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ઈલિયાસ મોમીન હતો અને એ પણ લોહીલુહાણ હાલતમાં.

"ઈલિયાસ ભાઈ.."મોટેથી બોલી હસન ઓમર ગાડીનો દરવાજો ખોલી હાથમાં પાણી ની બોટલ લઈને નીચે ઉતરી ઈલિયાસ તરફ ભાગ્યો.

ઈલિયાસ અત્યારે ઘવાયેલી સ્થિતિમાં જમીન પર પડ્યો હતો..હસને ઈલિયાસ નું માથું પોતાનાં ખોળામાં લઈને પોતાની જોડે લાવેલી પાણી ની બોટલમાંથી પાણી એને પીવડાવ્યું અને ઈલિયાસ નાં ચહેરા તરફ જોઈને પૂછ્યું.

"ભાઈજાન આ બધું શું થયું… ભાભી ક્યાં છે..?"

"જહુરિયત..જહુરિયત ને સુદુલા કબીલાવાળા જિનો એ મારી નાંખી..અને એ લોકો મને પણ જીવતો નહીં મુકે."ઈલિયાસ મહાપરાણે આટલું બોલી શક્યો..ઈલિયાસ નાં કપડાં અમુક જગ્યાએથી ફાટી ગયાં હતાં જેમાં કોઈ જનાવરે બચકાં ભર્યાં નાં નિશાન હતાં.એનાં ચહેરા અને કપાળ પણ ઇજાનાં નિશાન હતાં જે શાયદ દોડતી વખતે પડી જવાથી આવ્યાં હશે એવું હસનને લાગ્યું.

"તમને કંઈ નહીં થાય..ચાલો મારી સાથે.મેં તો શિરીન ની લાશ ને યોગ્ય રીતે દફન કરી ને સુદુલા કબીલાનો ગુસ્સો શાંત કરી દીધો હતો પછી આ બધું થવાનું કોઈ કારણ..?"હસન ને સુદુલા કબીલાનાં જિન ગુસ્સે કેમ થયાં એ વાત નું આશ્ચર્ય થઈ રહ્યું હતું.

"હું તો નહીં બચું એ જિન મને મારી જ નાંખશે. પણ આ બધું તારાં લીધે થયું.તારી એક ભૂલે જહુરિયત ની જીંદગી તો લઈ લીધી અને બીજી એક જીંદગી ને તું મરવા માટે ત્યાં સોનગઢ મૂકી આવ્યો.."ઈલિયાસ નાં અવાજમાં હસન પ્રત્યેનો રોષ સાફ દેખાઈ રહ્યો હતો.

"મારાં લીધે..પણ મેં તો કંઈ નથી કર્યું..અને બીજાં કોની જીંદગી સોનગઢ માં દાવ પર લાગી છે..?"હસન બોલ્યો.

"હસન તે શિરીન ને દફનાવાની જે વિધિ વાંચી હતી પુસ્તકમાંથી એ ફરી વાંચી જજે એટલે તને બધું સમજાઈ જશે અને નૂર ને બચાવી લે.."અચકાતાં અચકાતાં ઈલિયાસે કહ્યું.

"નૂર કે રેશમા...?"નૂર ને બચાવી લેવાનું ઈલિયાસ કેમ બોલી રહ્યો હતો એ વાત હસન ને ના સમજાતાં હસને પૂછ્યું.

"હસન.."ઈલિયાસ હજુ આગળ કંઈપણ બોલે એ પહેલાં તો કોઈ અદ્રશ્ય શક્તિ ઈલિયાસને એક ઝાટકા સાથે ખેંચીને અંદર ઝાડીઓ તરફ લઈ ગઈ..ઈલિયાસ ની કારમી ચીસો સંભળાઇ અને થોડી જ વારમાં એ ચીસો શાંત થઈ ગઈ.

આ ઘટના જિન દ્વારા જ બની હોવાનું જાણતાં હસન ફટાફટ જઈને ગાડીમાં બેસી ગયો.ત્યાં રોકાઈને કોઈ ફાયદો નહોતો..કેમકે હવે ઈલિયાસ ની ફક્ત લાશ જ જોવા મળશે એ હસન ને ખબર હતી. હવે રહમત ગામનું કોઈ કારણ નહોતું એટલે ઈલિયાસ કોને બચાવવા ની વાત કરી રહ્યો હતો એની ખાતરી કરવા સોનગઢ તરફ ભગાવી મુકી.

થોડે દુર પહોંચ્યો એટલે હસન ને યાદ આવ્યું કે ઈલિયાસ પોતે કરેલી કોઈ ભુલ વિશે પુસ્તકમાં વાંચવાનું કહી રહ્યો હતો..પોતે એવી તે કઈ ભૂલ કરી હતી એ જોવા હસને ગાડી ઉભી રાખી અને ફિતરત-એ-જિન નામનું જહુરિયતે આપેલું પુસ્તક હાથમાં લઈ એ પાનું ખોલ્યું જ્યાં એને જિન ને મુક્તિ માટે શું કરવું એ વાંચી શિરીન ને બીજી જગ્યાએ દફનાવી હતી.

પુસ્તક માં લખ્યું હતું કે કોઈ માસુમ જિન ને મારીને દફનાવવામાં આવે તો એની મુક્તિ માટે એને વિધિવત બીજી જગ્યાએ દફનાવી દેવાથી એની રૂહ ને મુક્તિ મળી જશે..પોતે આવું તો કર્યું હતું તો પછી ઈલિયાસ એવું કેમ બોલ્યો કે પોતાનાંથી કોઈ ભૂલ થઈ ગઈ છે જેનું પરિણામ બધાં એ ભોગવવું પડ્યું..મરતો માણસ ખોટું ના બોલે અને એમાં પણ એક મોમીન અસત્ય બોલે એ વાત શક્ય નહોતી એટલે ઈલિયાસ ની વાત પર જોર આપતાં હસન પોતાનાં મગજ ને જોર આપી રહ્યો હતો.

પુસ્તકમાં લખેલું ત્રણ ચાર વખત વાંચતાં હસન ને ઝબકારો થતાં જ એ બોલી ઉઠ્યો..

"ઇનશાઅલ્લાહ..ઈલિયાસ ભાઈએ કહ્યું હતું કે અહમદ મલિક અને બિલાલ અહમદે શિરીન ને તો જીવતી જ દફનાવી હતી જ્યારે આ પુસ્તક માં મૃત જિન ને દફનાવતાં એનાંથી મુક્તિ માટેની વિધિ હતી..મારાં આવું કરવાથી એ સુદુલા કબીલાનાં જિન વધુ ગુસ્સે ભરાયા લાગે છે..મતલબ રેશમા નો જીવ સંકટ માં છે એ વાત પાકી."હસન પોતાની સાથે જ વાત કરતાં બોલ્યો.

આટલું કહી હસને ગાડીને પાછી ભગાવી મૂકી સોનગઢ બિલાલ અહમદ એટલે કે નૂર નાં મામા નાં ઘર ની તરફ.જ્યાં એક નવું વિસ્મય એની વાટ જોઈને ઉભું હતું.

***

"નૂર..નતાશા.."ઘરમાં પગ મુકતાં ની સાથે હસન મોટે મોટે થી બરાડી રહ્યો હતો પણ એનો કોઈ પ્રત્યુત્તર નહોતો મળી રહ્યો..આખા ઘરમાં નીરવ શાંતિ પ્રસરેલી હતી.

"ચોક્કસ કંઈક તો ખોટું થયું છે.."આટલું બોલી હસન ઉપર દાદરો ચડીને પહોંચી ગયો.

રેશમા નાં રૂમ માં જતાં હસને જોયું કે રેશમા નાં પલંગમાં અત્યારે કાસમા નો મૃતદેહ પડ્યો હતો.જેની ફરતે એક વિશાળકાય અજગર વીંટળાયેલો હતો. કાસમા ની આંખો નાં ડોળા બહાર નીકળી ગયાં હતાં. મર્યા પહેલાં કાસમા ખૂબ તડપી હશે એવું એનાં ચહેરાના ભાવ પરથી સમજવું સરળ હતું.કાસમા ને આ હાલતમાં જોઈ હસન બહાર નીકળીને બીજાં રૂમ જોવા માટે આગળ વધ્યો.

પોતે જ્યાં રોકાયો હતો એ રૂમમાં તો કોઈ નહોતું અને બધું જેમ હતું એમ જ હતું..પણ આખા ઘરમાં બીજું કોઈ દ્રશ્યમાન નહોતું થઈ રહ્યું.ઉપરથી કાસમા ને જોયાં બાદ હસન કંઈક અઘટિત ઘટના ઘટિત થવાની વાત વિશે નકારી શકે એમ નહોતો.

"આ બધાં ક્યાં ગયાં હશે..અને કાસમા ની આવી હાલત તો શક્યતઃ જિન દ્વારા જ થઈ હશે..એ અજગર પણ એક જિન જ છે.."આટલું બોલતાં બોલતાં હસન નૂર અને નતાશા જ્યાં રોકાયાં હતાં એ રૂમમાં ગયો..એ રૂમ પણ અત્યારે ખાલી હતો.

"અહીં પણ કોઈ નથી.."આટલું કહી હસન બહાર જ નીકળતો હતો ત્યાં એનાં કાને કોઈનાં કણસવાનો અવાજ આવ્યો જે સાંભળી હસન એ તરફ ગયો..એ અવાજ બાથરૂમમાંથી આવી રહ્યો હતો એટલે હસને સાવધાની પૂર્વક બાથરૂમનો દરવાજો ખોલ્યો તો ત્યાં નતાશા બાથરૂમની ફર્શ પર પડી હતી..નતાશા નાં માથામાંથી લોહી નીકળી રહ્યું હતું અને સાથે સાથે એનાં હોઠની જમણી તરફથી પણ લોહી નીકળી રહ્યું હતું.

નતાશા ને આવી હાલતમાં જોતાં જ હસન ગભરાઈ ગયો અને જેહમતપૂર્વક નતાશા ને ઉપાડીને રૂમ ની અંદર આવેલ પલંગ પર સુવડાવી દીધી. ત્યારબાદ પાણી નો એની પણ છંટકાવ કરી એને ભાનમાં લાવવાનો પ્રયત્ન કર્યો..ત્રણ-ચાર મિનિટ પછી નતાશા થોડી ભાનમાં આવી..હસન ને પોતાની જોડે જોઈને નતાશા પથારીમાં બેઠી થઈ અને એને વળગીને રોવા લાગી.

"કેમ રડે છે… શું થયું એ મને વિગતે જણાવીશ..?"નતાશા ની પીઠ પર હાથ ફેરવી એને સાંત્વના આપતાં હસને કહ્યું.

"નૂર..નૂર ને બચાવી લો.."રડતાં રડતાં નતાશા બોલી.

નતાશા પણ ઈલિયાસ ની જેમ જ નૂર ને બચાવવાનું રટણ કરી રહી હોવાની વાત નું હસન ઓમર ને આશ્ચર્ય થઈ રહ્યું હતું..તો શું સાચેમાં નૂર પર જ કોઈ સંકટ આવ્યું છે અને કેવું સંકટ આવ્યું છે એ સવાલોના જવાબ જાણવા હસને નતાશા નાં આંસુ લૂછી એને પાણી નો ગ્લાસ આપતાં કહ્યું.

"નતાશા હવે તું રડવાનું બંધ કરી મને મારાં અહીંથી ગયાં બાદ શું બન્યું એ વિશે વિગતે માહિતી આપીશ.."

"હું રૂમમાં જ બેઠી મોબાઈલમાં વીડિયો જોઈ રહી હતી ત્યારે નૂર ની આંખ ખુલી..ફાતિમા પણ ત્યારે રૂમમાં જ હતી એટલે એને નૂર ને બાથરૂમમાં જઈ સ્નાન કરી ફ્રેશ થઈ જવા કહ્યું જેથી એનો થાક ઉતરી જાય..ફાતિમા ની વાત સાંભળી નૂર સ્નાન કરવા બાથરૂમમાં ગઈ..દસેક મિનિટમાં એ સ્નાન પતાવી બહાર નીકળી ત્યારે એનાં હાથમાં એક કાગળ હતું.."

"બહાર આવતાં જ એને ફાતિમા ને પૂછ્યું કે આ મારાં અંડર ગાર્મેન્ટમાંથી મળ્યું છે..ખબર નથી આ શું છે.?"

નૂરનો સવાલ સાંભળી ફાતિમા થોડી ચિંતિત થઈ ગઈ અને એનાં હાવભાવ પણ બદલાઈ ગયાં.. એને ફટાફટ નૂરનાં હાથમાંથી એ કાગળ આંચકી લીધો અને કહ્યું બેટા નૂર આ મારી દીકરી રેશમાની મુક્તિનો રસ્તો છે.."આટલું કહી ફાતિમા એ રેશમા ને સાદ લગાવ્યો.

"ફાતિમા નો અવાજ સાંભળી રેશમા રૂમમાં પ્રવેશી..રેશ્માનો દેખાવ ત્યારે સામાન્ય નહોતો..એ એક શૈતાનમાં પરિવર્તિત થઈ ચૂકી હતી.એની આંખો ધગતાં અંગારાની માફક લાલ રંગની થઈ ગઈ હતી.એનો ચહેરો પણ જાણે એની નસો ચહેરા પર ઉપસી આવી હોય એવો ભાસી રહ્યો હતો."

આટલું કહીને નતાશા અટકી ગઈ.એનો ચહેરો એની અંદર પ્રસ્થાપિત ડર ની ચાડી ખાતો હતો.નતાશા ની તરફ જોઈ હસન બોલ્યો.

"નતાશા પછી બોલ આગળ શું થયું..?

હસન ની વાત સાંભળી નતાશા એ આગળ બોલવાનું શરૂ કર્યું.

"આખરે સોદો પૂરો થયો..હવે આ છોકરી ને મારીને હું ખુશીથી પાછી મારાં કબીલામાં જઈ શકીશ.."બોલી તો રેશમા પણ અવાજ બીજાં કોઈનો હતો."

એટલા માં કાસમા ત્યાં આવી ગઈ અને ફાતિમા ની તરફ જોઈને બોલી.

"હું નૂર ને કંઈપણ નહીં થવા દઉં..તારી મેલી મુરાદ પુરી નહીં થાય જ્યાં સુધી હું જીવું છું.."

"તો તારાં મરી ગયાં પછી થશે.."રેશમા એ આટલું કહ્યું ત્યાં તો એક અજગર ત્યાં આવ્યો અને કાસમા ને ખેંચીને બહાર લઈ ગયો..હું કાસમા ને બચાવવા આગળ વધી તો રેશ્મા અને મને રોકીને મારાં ચહેરા પર જોરથી લપડાક લગાવીને મને ઊંચકીને ફેંકી દીધી..હું ખૂબ ડરી ગઈ એટલે જીવ બચાવવા બાથરૂમમાં ઘુસી ગઈ.ત્યારબાદ નૂર ની બચાવો..બચાવો ની ચીસો મારાં કાને પડી..હું ખૂબ ડરી ગઈ અને ત્યાંજ બેહોશ થઈને ઢળી પડી"

"એ માં દીકરી નૂર સાથે કંઈક તો ખરાબ કરવા ઈચ્છે છે..કાસમા નું શું થયું એ વિશે પણ તપાસ કરવી પડશે.."નતાશા ગભરાતાં ગભરાતાં બોલી.

"નતાશા બેહદ દુઃખ સાથે કહેવું પડે છે કે કાસમા હવે જીવિત નથી..બીજી વાત કે ઈલિયાસ અને જહુરિયત પણ મારી એક ભૂલ ન લીધે માર્યા ગયાં.."ખેદ પૂર્વક હસને બધી વાત નતાશા ને જણાવી.

"હું સમજી શકું છું કે તમારાં પર અત્યારે શું વીતી રહી હશે..પણ તમે તો સારું કરવા જ ઈચ્છતા હતાં.. હવે અજાણતા થયેલી ભૂલ અલ્લાહ જરૂર માફ કરી દેશે..હવે નિરાશ થવાનો સમય નથી પણ ભૂલ સુધારવાનો સમય છે.."હસન ને હોંસલો આપતાં નતાશા બોલી.

"તારી વાત સાચી છે..હું નૂર ને તો કંઈપણ નહીં થવા દઉં.."મક્કમ અવાજે હસન બોલ્યો.

"ખુદા તમારી રક્ષા કરે.."નતાશા એ કહ્યું.

"નતાશા તે એ કાગળ તરફ જોયું હતું એમાં શું લખ્યું હતું..?"હસને નતાશા ની તરફ જોઈને પૂછ્યું.

હસન ની વાત સાંભળી થોડું વિચાર્યા બાદ નતાશા બોલી.

"બીજું તો મેં કંઈપણ જોયું નથી..પણ એની ઉપર એક ચિત્ર હતું જેમાં એક શૈતાનની આકૃતિ પેશાબ કરતી હોય એવું દ્રશ્યમાન થતું હતું.."

"મતલબ હું જે વિચારું છું એ સાચું છે..નૂર ની ઉપર ટોઈલેટ સ્પેલ કરવામાં આવ્યો છે..પણ હું એને કંઈ નહીં થવા દઉં.તું નીચે જઈને હોલ માં બેસ અને અલ્લાહ નું નામ લે..હું જાઉં છું નૂર ની મદદ માટે"નતાશા ને આશ્વસ્ત કરી હસન નીકળી પડ્યો નૂર ની મદદ માટે.

***

વધુ આવતાં અંકે.

શું હસન ઈલિયાસ મોમીન ને બચાવી શકશે..?? કાસમા એવું કેમ બોલી રહી હતી કે આ બધું નાટક છે..?? સુદુલા કબીલાનાં જિન નો ગુસ્સો શાંત થઈ ગયો હતો..?? શું સાચેજ શિરીનની આત્માને મુક્તિ મળી ગઈ હતી..?? આ બધાં સવાલોના જવાબ આવતાં ભાગમાં.આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.ટૂંક સમયમાં એવી નવી સસ્પેન્સ થ્રિલર નોવેલ લઈને આવીશ જેનું નામ હશે.."હવસ : A Lust Story"

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

ડેવિલ: એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ: ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:- the mystry

અધૂરી મુલાકાત

~જતીન. આર. પટેલ (શિવાય)