અમે બરફના પંખી
કથા વસ્તુ.
ઘરની બહાર,દેશની બહાર નીકળીએ ત્યારે અવનવા અનુભવો થાય.નવું જાણવાનું, જોવાનું મળે. મિત્રો,સગા-સંબંધીઓને કહેવાનો ઊમળકો થાય,તેમને પણ નવું જાણવાની જીજ્ઞાસા જાગે.અમેરિકા વિષે અત્યાર સુધી ઘણા મુલાકાતીઓએ ઘણું બધું લખ્યું છે. પ્રશ્ન એ થાય છે કે અમેરિકા વિષે નવું શું લખવું ? આપણા વરિષ્ટજનો- સીનીયર સીટીજનો- ભારત દેશમાં મુક્ત અને સ્વૈરવિહારથી ટેવાયેલા હોય છે.નયન "નેનપુર" અને કાન "કાનપુર" મુકીને શારીરિક પંગુતા લઈને અમેરિકા જેવા ઠંડા પ્રદેશમાં આવે છે ત્યારે "પેંગ્વીન" જેવા પાંખો હોવા છતાં ઊડી ના શકતાં "બરફના પંખી" જેવું પરાવલંબી જીવન જીવવું પડે છે. તેઓની વ્યથા અને કથા અને અમેરિકાનું વાતાવરણ, રહેણી કરણી તથા ખાન પાનનો આછેરો પરિચય કરાવતો હળવી શૈલીનો લેખ.
અમે બરફ્ના પંખી.
અમેરિકાનું વાતાવરણઃ-
અમે બરફ્ના પંખી,બીન પાંખે ફડફડ કરીએ;
ગરમ પ્રદેશના વાસી અમે ,અહિં શીતાગારમાં ઠરીએ.
કાશ્મીર અને હિમાચલમાં હીમ વર્ષા થતાં આપણે અમદાવાદ અને વડોદરામાં ઠંડીથી ધ્રુજી ઉઠતા હતાં. જ્યારે અત્રે તો સાક્ષાત બરફના પ્રદેશમાં આવ્યા છીએ.પગથી માથા સુધી ગરમ વસ્ત્રો, હાથે પગે,મોજાં, માથે ગરમ ટોપી,ગળે મફલર,પગમાં ઘરમાં પહેરવાના 'ફુટ વોર્મર ' સાથે હીટર વગેરે બધું જ હોવા છતાં અહિંના શિયાળાથી બચવું બહુ ભારે.
મરાઠી ભાષામાં એક સરસ શબ્દ છે.'उन पाउस ' એટલે ગરમ વરસાદ, તેનો આપણો ગુજરાતી પર્યાય 'નાગો વરસાદ.' વરસાદ વરસતો હોય અને સાથો સાથ તડકો પણ હોય. અહિં શિયાળામાં, ઠંડીમાં સૂરજ પણ જાણે ઠરી જાય. શિયાળાનો સૂરજ પ્રકાશ આપે પણ ગરમી ના આપે. ત્યાંનો આપણો સૂરજ 'અગન ગોળો ' જ્યારે અહિંનો સૂરજ ' બરફનો ગોળો ' તેથી તેને શીત સૂરજ કહી શકાય. કદાચ સૂરજને પણ એમ થતું હશે કે મારી ગરમી હું આપી દઈશ તો હું પોતે જ ઠરી જઈશ ! આથી ગરમી આપવામાં સૂરજ કંજુસાઈ કરે છે, તે પણ અહિં કંજુસ થઈ ગયો છે.
ચોર પગલે શિયાળાનું આગમન થઈ રહ્યું છે.પાંડવો રાજપાટ અને સુખ સાહ્યબી છોડી, સુંદર વસ્ત્રાભૂષણો ત્યજી હિમાળો ગાળવા ગયા હતા તેમ તરૂવરો પોતાના સુંદર રંગ બેરંગી પુષ્પો, પર્ણો તથા વલ્કલ ત્યજી હિમાળો ગાળવા,તપશ્ચર્યા કરવા તૈયારી કરી રહ્યાં છે.ઝાડના પુષ્પો ખરી પડ્યાં છે,પર્ણોનો પણ એક પછી એક ત્યાગ કરે છે,પ્રેયસી સમ વીંટળાએલી લતીકાઓ પણ વિરહીણી વલ્લરીઓ સમ વિરહમાં સુકાઈ રહી છે.સંન્યસ્તની તૈયારીઓ થઈ ચુકી છે.પ્રાચીન ઋષિમુનીઓ -તપસ્વીઓ જેવા વૃક્ષો શોભી રહ્યા છે.
વિશ્વની દુન્યવી મલિનતા અને માનવીનાં કાળાં કરતૂતો જોઈ ખેદ પામી દુઃખી ઈશ્વર આંખમાંથી શ્વેત અશ્રુઓ રૂપે 'સ્નો ' વરસાવી રહ્યો છે.મનુષ્યોના કાળા કરતૂતોની મલિનતાને શ્વેત મખમલી ચાદરથી ઢાંકી રહ્યો છે. કોઈ ઠેકાણે મલિનતા દષ્ટિગોચર થતી નથી.ચારે બાજુ બધું ઉજળું ઉજળું ભાસે છે. કુદરતની લીલા અપાર છે !!!
ઘરમાં અને ગાડીમાં 'હીટર 'ચાલુ હોય છતાં ઘરમાંથી ગાડીમાં બેસતાં નવ નેજા થઈ જાય. પવન પણ કાતીલ હોય.આવો પવન તો આપણે ક્યારેય અનુભવ્યો જ ના હોય.પવનની સાથે સાથે જલ શીકરો (જલ બીન્દુઓ) તીણી સોય, ટાંકણીની જેમ શરીરમાં ભોંકાય અને લોહી લુહાણ કરી નાંખે.
આવી ઠંડીમાં બાળકો હસતાં રમતાં અને કીલકીલાટ કરતાં સ્કૂલે જાય.વાહન વ્યવહાર ચાલુ રહે, કોઈ રૂકાવટ નહી.સરકાર કે મ્યુનિસિપાલિટી સામે કોઈ બુમ બરાડા નહિં, વિરોધ નહિં. બધું રાબેતા મુજબ.રસ્તાઓ ફુટ, દોઢફુટ કે બે ફુટ 'સ્નો ' થી ઢંકાઈ જાય. મોટા મશીનોથી રસ્તાઓ સાફ થતા રહે,વાહન વ્યવહાર ચાલતો રહે,રસ્તાઓ સાફ થતા રહે.મશીનો પર કામ કરતાં માણસો પણ હસતાં રમતાં કામ કરતા જાય.આનંદ પ્રમોદ સાથે સૌ કાર્યરત, મોં પર સહેજ પણ ચિંતાની કરચલી ન જણાય.આટલો બધો 'સ્નો' ક્યારે સાફ કરીશું ? તેની કોઇ ફીકર ચિંતા નહિં.
'સ્નો' પડે એટલે અચાનક કામમાં વધારો. રસ્તા ઉપરથી ઘરમાં આવવાનો રસ્તો (પગથી) ઉપરથી સાફ કરવો પડે,ગાડીઓ ઉપરથી 'સ્નો' દુર કરવો પડે ગાડીને ગરમાવો આપવો પડે. આ બધું વધારાનું કામકાજ કરવા સવારે વહેલા ઉઠવું પડે અને તો જ સમયસર કામધંધે, ઑફીસમાં અને સ્કૂલે જઈ શકાય.મા-બાપ ઘર પાસેના રસ્તાઓ સાફ કરે,ગાડી ઉપરથી 'સ્નો' દુર કરે, ગાડીના મશીન ચાલુ કરી ગરમાવો આપે. આ બધું કરવા છતાં સહેજ પણ કંટાળો કે ચિંતા નહિં. 'સ્નો' પડે એટલે બાળકોને મઝા પડે. નદી કિનારે આપણે રેતીના મંદિર, કીલ્લો, અને રેતીના ઢીંગલા બનાવીએ તેમ બાળકો ઘર આંગણે 'સ્નો મેન', 'ફોર્ટ' 'બનાવે 'સ્નો બૉલ ' બનાવી એક બીજા ઉપર ફેંકી આનંદ લૂંટે સ્ફુર્તી અને આનંદ આ લોકોમાં અજબ છે.
રાતે સુતી વખતે અને સવારે ઉઠીને આપણે ભગવાનનું નામ સ્મરણ કરી તેમના ફોટાને પગે લાગીએ, અહિં અમેરિકામાં રાત્રે સુતી વખતે અને સવારે ઉઠતાં જ ટી.વી. દર્શન કરવાનાં ટી.વી. જ તેમના ભગવાન.'વેધર ' હવામાનના સમાચાર જાણ્યા વગર રાત્રે સુવાય નહિં કે સવારે ઘર બહાર નીકળાય જ નહિં. હવામાન ઘડીએ ઘડીએ બદલાય..
અમેરિકાનું જીવનઃ-
અમેરિકાની ભૂમિનું માંગતું લેણું હોય તો પાછલી ઉંમરે પણ આવવું પડે.શ્રી હીરાભાઈ ઠક્કરે તેમના પુસ્તક " કર્મનો સિધ્ધાંત "માં જણાવ્યું છે ને કે " આપણાં બાકી રહેલાં સંચિત કર્મના ફળ આ જન્મે બાકી રહ્યાં હોય તો તે આવતે જન્મે પણ ભોગવવા પડે છે." તો આ જન્મારે હિસાબ ચૂકતે કરી જવો સારો કે જેથી આવતો આખો જન્મારો શાંતિ, દુઃખ ભોગવવું ના પડે.
આપણે ત્યાં ત્રણ ઋતુઓ શિયાળો, ઉનાળો અને ચોમાસું.અહિં શિયાળો આઠ માસનો,અને ઉનાળો એટલે કે સ્પ્રીંગ માંડ ચાર માસ, અને ચોમાસું ! તો બાપરે બારે માસ.વરસાદને અહિં કોઇ બંધન જ નહિં., નિરંકુશ.વરસાદને મનફાવે ત્યારે આવવાની છૂટ. અહિં ક્યાં કોઇને ખેતી કરવાની છે ? શિયાળો એટલે શીતાગાર "કોલ્ડ સ્ટોરેજ "ઠંડી અને સ્નોનું સામ્રાજ્ય અને સાથે પવન હોય તો તો પુછવું શું ? વરિષ્ટજનોને ઘરમાં ચાર દિવાલોમાં નજર કેદ. ગરમ વસ્ત્રોથી પગથી માથા સુધી સજ્જ થઈ ઘરમાં આંટા ફેરા કરવાનાં, ટી.વી. કે કેસેટ પ્લેયર ઉપર ભજનો સાંભળવાના, આમ છતાં કંટાળો આવે તો કાચની બારીએ બેસી ગાડીઓની અવર જવર શુન્યમનસ્ક આંખે નિહાળવાની.મોટાં મોટાં માળાના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કાચની કેબીનો હોય તેમાં બેસી જોવાનું. ઘરનું કોઇ માણસ અથવા વોચમેન આવીને લીફ્ટમાં લઈ જાય અને મુકી જાય. વિશ્વભરની મૉટર ગાડીઓ, દરેક કંપનીની અને દરેક મૉડેલની કાર અહીં તમને જોવા મળે. હા ! આપણી "મારૂતી" કે "ઍમ્બેસેડર" જોવા ના મળે.
દિવસ કરતાં રાતની દુનિયા અહિં જુદી છે. ગીતાજીમાં કહ્યું છે ને " या निशा सर्व भूतानाम् तस्याम् जागृति संयमी ....."એટલે કે સારૂં વિશ્વ નિંદરમાં પોઢે છે, ત્યારે સંયમી-યોગી- પુરૂષો જાગે છે અને યોગની સાધના કરે છે. તેમ અહિં અમેરિકામાં રાત્રી શરૂ થતાં રોશનીનો ઝઘમઘાટ શરૂ થાય છે. નાઈટ ક્લબો, કૅસીનો, હૉટલો, ડીસ્કો થૅકની રંગરેલીયાં શરૂ થાય છે.વિશાળ રસ્તાઓ ઉપર મૉટર ગાડીઓની હારમાળા શરૂ થાય. આગળની સફેદ કે વાદળી (બ્લ્યુ) લાઈટ અને પાછળની (બેક) રેડ લાઈટની હાર, ચાર અને છ લેનના રસ્તાઓના વળાંકો ઉપર, લાલ અને સફેદ મોતીઓની હારમાળા વચ્ચે નીલમ જેવા રત્નો કોઇ સુંદર સ્ત્રીના ગળામાં પહેરેલા નેકલેસ જેમ શોભી ઉઠે, અને એવું સુંદર અને અદ્ભૂત દૃશ્ય ખડું કરે કે બસ જોયા જ કરવાનું મન થાય.
વડીલોની સમસ્યાઃ
વિદ્યાર્થીઓ જેમ વેકેશનની આતુરતાથી રાહ જુએ છે તેમ આપણા વરિષ્ટજનો કોઇ સગા સંબંધીઓને ત્યાં પાર્ટીઓની કે મંદિરોમાં કોઇ ઉત્સવની રાહ જુએ.સામાન્ય રીતે મંદિરમાં ઉત્સવમાં ભજન કીર્તન પછી મહાપ્રસાદ-જમણવારની વ્યવસ્થા હોય.ભક્ત જનો વીસ પચ્ચીસ માઈલ દુરથી આવે તેથી કોઇ દાનવીર ભક્ત ધર્મપ્રેમી ભાઈ, ભક્તજનો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરે, જેથી દુર દુર થી આવેલા ભક્ત જનોને ઘેર જમવાની માથાકૂટ નહિં, અને આ બહાને સત્સંગમાં ભક્તજનોની સંખ્યા પણ રહે અને તેમની વાહ ! વાહ ! બોલાય.આમ પુણ્ય કમાવાની સાથો સાથ આત્મપ્રસંસા અને મોટાઈ પણ કમાઈ લેવાય.
જેમ 'કરફ્યુ' ' મુક્તી (સંચાર મુક્તી) મળતાં જે આનંદ મળે તેવો આનંદ આ પાર્ટીઓમાં તથા મંદિરના ઉત્સવોમાં વડીલોને મળે. નબળા સ્વાથ્યને લઈને ઘેર સ્વજનો ખાવાપીવા ઉપર કંટ્રોલ મુકાવે ત્યારે અહિં સ્વૈર વિહાર માફક મન ભાવે તેવું અને તેટલું ખાવા પીવા મળે. આજુબાજુવાળાના દેખતાં વડીલોને કાંઈ કહેવાય કે કોઇ રોક ટોક થાય નહી.વડીલો પણ સ્વજનોના ટોળાથી દુર,સરખે સરખા સમદુઃખીયા (ખાવા પીવાની બાબતે ) અલગ ટોળી જમાવી જ્યાફત ઉડાવે,અને પછી તો સ્વ. શ્રી અવિનાશભાઈ વ્યાસના શબ્દો;-
” છાનું રે છપનું કૈં થાય નહિં, કૈં થાય નહિં,
ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહિં';
નણદી ને નુપુર બે એવા અનાડી;
વ્હાલાં પણ વેરી થઈને ખાય એ તો ચાડી."
તે પ્રમાણે
“છાનું રે છપનું કૈં ખવાય નહિં, ખવાય નહિં,
પેટમાં ગરબડ થાય તો કોઈને કહેવાય નહિં,
કહેવાય નહિં;
ભજીયાં ને પાત્રા બે એવાં અનાડી,
ભાવે પણ ખાઈએ તો ખાય એ તો ચાડી."
ચણાના લોટની વાનગી સદતી ના હોય પણ ભાવતી હોય, તેથી મુક્ત વાતાવરણમાં પેટ ભરીને ખાધી હોય એટલે બીજે દિવસે પૂંછડું છુટી જાય અને ગઈ કાલે પાર્ટીમાં ભજીયાં પાત્રાની જ્યાફત ઉડાવેલી તેની વાત જાહેર થઈ જાય.
અમેરિકાનું અર્થ તંત્રઃ-
ભારત ચાલે છે, અમેરિકા દોડે છે."ટ્રેડ-મીલ" કે "એક્સ્કેલેટર" ઉપર ઉભા રહો તે ના ચાલે. તેની ગતિ સાથે ગતિ મીલાવવી જ પડે, જો આ ગતિનો તાલ ના મળે તો પગ ભાંગે અથવા માથું.એક જણ કમાય અને ચાર જણ ખાય તે આ દેશમાં શક્ય જ નથી. સશક્ત અને કામ કરવા યોગ્ય વ્યક્તીએ કામ કરવું જ પડે. યુવા પતી પત્નીએ જોબ કરવી જ પડે. આમ પતી પત્ની કામ કરતા હોય, બાળકો સ્કૂલે જતાં હોય એટલે વરિષ્ટજનો ઘરમાં એકલાં પડે એટલે મુંઝાય, વળી તેમને એકલા તો રખાય નહિં. ઘેર તેઓ એકલાં જ હોય અને કાંઈ ઈમરજન્સી ઉભી થાય તો તેમનું કોણ ? તેમને માટે "ઍડલ્ટ ડે કૅર" જેવી સુંદર સંસ્થાઓ છે. જ્યાં તેમને પૌષ્ટિક નાસ્તો,મજેદાર ભોજન, ડૉક્ટર તથા નર્સની સેવા,દેવદર્શન,સત્સંગ,ભજન, કિર્તન,રાસ-ગરબા,સંગીત, સુગમ સંગીત,ગઝલ,નાની નાની પિક્નીક,નાટક, સિનેમા,વાર્તાલાપ વગેરે જેવી વિવિધ મનગમતી પ્રવૃતિઓ થાય. સૌ પોતપોતાની રસ રૂચી પ્રમાણે તેમાં ભાગ લઈ આનંદ કરે. વરિષ્ટ નાગરિકોને આવી "એડલ્ટ ડે કૅર"ની બસ સવારે આવે અને તેમને લઈ જાય, સાંજ પડે ત્યારે આ બસ તેમને ઘેર મુકી જાય. આપણે ત્યાં નાના બાળકોને બાલમંદિર કે સ્કૂલે લેવા મુકવા આવે છે તેમ.સ્વ. શ્રી પૂનિત મહારાજે કહ્યું છે ને કે "કોઇ કોઇનું નથી રે" તેમ અહિંની સંસ્કૃતિ પ્રવૃતિમય છે. કોઇની પાસે ફાજલ સમય ટોળટપ્પા કે વાતચીતનો નથી.સૌ પોતપોતાની પ્રવૃતિમાં રત હોય છે. આથી આપણી પાસે બેસી કોઈ નીરાંતે વાતો કરે તેવી આશા રાખવી નહિં. અને તેથી જો કોઈ આવું કરતું હોય તો તેની ઉપર ખોટું લગાડવું નહિં. તેથી એકાંત અને એકલતાનો ભેદ સમજી લેવો જરૂરી છે.
એકાંત અને એકલતાઃ-
એકાંત એટલે જનસમુહથી દુર એકલા બેસી રહેવું, તેવો શબ્દાર્થ થાય; પરન્તુ એકાંત એટલે જનમાનસથી દૂર કે જનસમુહમાં પોતાના મન સાથે તદ્રુપ થવું,ઐક્ય સાધવું,મન સાથે વાતો કરવી, વાંચેલું વિચારવું, મનન કરવું ચિંતન કરવું તેવો સુક્ષ્મ અર્થ કરી શકાય. એકાંત એટલે નિજાનંદ,એ માણવાનો હોય.ટુંકમાં એકાંત માણી શકાય. જ્યારે એકલતા એટલે જનસમુહની હાજરીમાં હાજર હોવા છતાં પણ આપણે એકલા જ છીએ તેવી અનુભૂતિ થાય. પાર્ટીઓમાં કે પ્રસંગોમાં આપણી હાજરીની નોંધ લેવાય, વડીલ તરીકે આપણી આમન્યા જળવાય" કેમ છો ?તબીયત કેવી રહે છે ? અહિં ગમે છે? " વગેરે વગેરે જેવા ક્ષુલ્લક અને ઉપરછલ્લા, લાગણી વિહિન પ્રશ્નો પૂછાય, જેમાં આત્મીયતા સહેજ પણ ના દેખાય. સૌ પોતપોતની મસ્તીમાં, ખાવા પીવામાં, સરખી ઉંમરના લોકો સાથે મજાક મશ્કરીમાં સમય વિતાવે.આમ જનસમુહમાં હોવા છતાં તમે એકલા હો તેવું લાગે.તેથી એકાંત માણવાનો હોય એકલતા કે ઉપેક્ષા જીરવવાની, સહેવાની હોય.આથી વરિષ્ટજનોએ અહિં આવતા પહેલાં આટલું જરુર વિચારે.પોતાનાં નિજાનંદ માટે કોઇ પ્રવૃતિ શોધી લેવી.વાંચન, લેખન,સંગીત,રમત ગમત,ચિત્રકામ, તથા બહેનોએ નાસ્તાના પેકેટ, ખાખરા, મુઠિયાં, પાત્રા, ફુલવડી,અથાણાં, પાપડ વગેરે બનાવી ગુજરાતી કુટુંબોમાં પહોંચાડવા જેવી પ્રવૃતિમાં સમય પસાર કરી શકાય. એકલા રહેતા વૃધ્ધો માટે રસોઈ કામ તથા તેમના " કૅર ટેકર"(Care taker)તરીકેના કામને પણ ઝાઝો અવકાશ છે. જો આવી કોઇ પ્રવૃતિ ના હોય તો સમય પસાર કરવાનું ઘણું જ કઠીન છે. અહિંનું જીવન કંટાળા જનક (બોરીંગ) લાગશે. અને આથી જ અહિં અમેરિકાની મુલાકાત લઈને આવેલા આપણા વડીલ સજ્જનો કહેછે ને કે " આપણા અહિંના જેવી મઝા ત્યાં નહિં."
આવશ્યક જરૂરિયાતોઃ-
અમેરિકા આવવા ઈચ્છીત વ્યક્તિને અંગ્રેજી ભાષા,મૉટર ડ્રાઈવીંગ,અને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું આવશ્યક અને જરૂરી છે, કારણ કે અમેરિકન સંસ્કૃતિ અંગ્રેજી ભાષા, મૉટર અને કોમ્પ્યુટર ઉપર નિર્ભર છે.આપણે અંગ્રેજી તો ભણ્યા છીએ, ભારતિય અને અમેરિકન અંગ્રેજી આમ તો એક જ છે, પરન્તુ ઉચ્ચાર ભેદને લઈને સમજવામાં શરૂ શરૂમાં તકલીફ પડે, પરન્તુ સમય પસાર થતાં વાંધો ના આવે. રસોઈને સ્વાદિષ્ટ બનાવવા જેમ મરી, મશાલાનો છુટથી ઉપયોગ કરીએ છીએ તેમ અમેરિકન સંસ્કૃતિમાં 'Sorry' ' 'Pardon please' 'Excuse me' અને 'Thank you' શબ્દોનો ઉપયોગ કરતાં શીખી લેવું અને જમ્યાબાદ જેમ મુખવાસ કરીએ છીએ તેમ દરેક મુલાકાતમાં યથોચિત ઉપયોગ કરતા રહેવું.
કોઇ નવો આઈડીયા ઝડપી લેતાં શીખો અને તેનો તાત્કાલીક અમલ કરો. અહિંની પ્રજા નવું નવું જાણવા અને તેને અપનાવવા રાજી છે. તેઓને ગમશે તો તેને અપનાવી લેશે અને તમને પ્રોત્સાહિત કરશે. નાનું મોટું કામ શીખવામાં કાંઈ શરમ કે સંકોચ રાખવો નહિં. અહિં શ્રમનું મહત્વ છે .'Dignity of labour.'બાહ્ય ટાપટીપનું મહત્વ નથી, તમારા જ્ઞાન અને આવડતની અહિં કદર થાય છે.અહિં લૉન્ડ્રીમાં "we love to do your dirty work" તમારાં ગંદા વસ્ત્રો ધોવાનો અમને આનંદ , પ્રેમ છે. તો વળી કોક સ્ટોર્સના બૉર્ડ પર "our privilege to refuse services to any one."પાટિયા પણ ઝુલતાં જોવા મળે છે.
મૉટર ડ્રાઈવીંગ અહિં અત્યંત જરૂરી અને અગત્યનું છે, અહિં લેફ્ટ હેન્ડ ડ્રાઈવ છે, તેથી શરૂઆતમાં થોડી તકલીફ પડે પણ પ્રેક્ટીસથી વાંધો ના આવે.અહિં દરેકની પાસે ગાડી તો હોય જ તમારે માટે લાગણી હોવા છતાં તે તમને ગાડીમાં લઈ ફેરવી શકે નહિં, કારણ કે તેમને સમયનો અભાવ હોય છે. હા ! અહિં પાંચ દિવસનું અઠવાડિયું ખરૂં એટલે બે રજા ખરી પરન્તુ આ બે દિવસોમાં 'ગ્રોસરી' લાવવી, ઘરમાં 'વૅક્યુમ' કરવું, 'લૉન્ડી ' કરવી. ભારતના તથા અહિંના સગા વ્હાલાંને ફોન કે રૂબરૂમાં સંપર્ક કરવા જેવા અનેક કામો હોવાથી આ બે દિવસ ક્યાંય પસાર થઈ જાય તે ખબરે ના પડે; આથી તેઓ તમને ગાડી અને ગેસ (પેટ્રોલ)ના પૈસા આપે અને કહે કે તમે ફરી આવો.જો તમે ડ્રાઈવીંગ જાણતા હો તો તમારાથી એકલા જઈ શકાય.ડ્રાઈવીંગ અહિં મુશ્કેલ નથી. રસ્તાઓ વિશાળ અને ઠેક ઠેકાણે રસ્તા સૂચક બૉર્ડ, ટ્રાફીક સિગ્નલો અને ગાડીમાં પણ જીપીએસ સિસ્ટમ ( Geo Positioning System.) હોવાથી કોઇને રસ્તો પુછવો ના પડે,અને ભૂલા પડવાનો તો અવકાશ જ નહિં.
કોમ્પ્યુટર એટલે 'ઍનસાઈક્લોપીડિયા' (સર્વ જ્ઞાન કોશ,) તેમાં સઘળી માહિતી ઉપલ્બ્ધ. ઈતિહાસ, ભૂગોળ,વિજ્ઞાન,સાહિત્ય, કલા,વગેરે વગેરે તેથી તમારે અમેરિકામાં શું જોવા જેવું છે અને તે ક્યાં આવેલું છે ? ત્યાંના રસ્તા કેવા છે ? કેવી રીતે જવાય ? ત્યાંની આબોહવા કેવી છે ? ત્યાં રહેવા કરવાની શું વ્યવસ્થા છે ? વગેરે તમને તેમાંથી મળી રહે અને તેથી જ કોપ્મ્યુટરના જ્ઞાનની આવશ્યકતા છે.
અમેરિકાનું થોડું અવનવુઃ
કાગડા બધેય કાળાઃ-
પશુ પંખીઓને પણ વાતાવરણની અસર તો થાય છે.સામાન્ય રીતે કાળા રીંછ આપણે જોયા છે;પણ રશિયા અને ધ્રુવ પ્રદેશમાં ઠંડી વિશેષ હોવાથી રીંછ જેવા પશુઓ ત્યાં સફેદ નજરે પડે છે; પરન્તુ ભારત શું કે અમેરિકા કાગડા તો બધેય કાળા જ હોય છે. કહેવત અનુસાર અહિં પણ અપહરણ, બળાત્કાર,ચોરી, લૂંટ,ખૂન, બૅન્ક રૉબરી,મંદિરમાં ગોટાળા જેવા ગુન્હાઓ બને છે, અને"કાગડા બધેય કાળા" કહેવતની યથાર્તતાનો પુરાવો પુરો પાડે છે. અહિં કાયદા બહુ કડક અને સખત છે. (Law and order) કાયદો બધાને માટે સરખો, કોઈ શેહ શરમ નહિં ગમે તેવા ચમરબંધી હોય પણ કાયદાનો ભંગ કરતાં પકડાય તો તેને પણ દંડ અને સજા થાય. સાથે સાથે પ્રજા પણ શિસ્તમાં માનનારી. તેથી આવા ગુન્હાઓ ઓછા બને.
દિવાલને પણ કાન હોય છેઃ-
અત્રે લાકડાના ઘર, ફ્લૉર અને છત (સીલીંગ) તથા દિવાલો પણ લાકડાની. ઘરમાં ચાલવું હોયતો સાચવીને ચાલવું પડે. ધબ ધબ ચલાય નહિં. રૅડિયો, ટી.વી. અરે ! ફોન ઉપર વાતચીત પણ ધીમેથી સાચવીને કરાય; કારણ કે "અહિં દિવાલોને પણ કાન હોય છે." આપણી વાતચીત કે રૅડિયો ટી. વી.ના પ્રોગ્રામનો અવાજ લાકડાની દિવાલો હોવાથી બાજુના ઘરમાં સંભળાય, અને પડોશી ને ડીસ્ટર્બ થાય તો તે તમને કૈં કહેવા કે રીક્વેસ્ટ કરવા ના આવે પણ ૯૧૧ નંબર ઉપર ડાયલ કરી ફરિયાદ નોંધાવે અને બીજી જ ક્ષણે પોલીસ તમાર ઘરને બારણે હાજર. આથી આપણા સ્વ. કવિ શ્રી રાજેન્દ્ર શાહના શબ્દોમાં '
"ભાઈ રે! આપણા દુઃખનું, કેટલું જોર,
નાની એવી વાતનો મચાવીએ નહિં શોર;
આભ ભલે ઝરે આગ
હસી હસી, ફુલ ઝરે ગુલમૉર."
અમેરિકન સંસ્કૃતિમાં લોહીના સંબંધ કરતાં "ડૉલરિયા" સંબંધનું વિશેષ મહત્વઃ-
કુરૂક્ષેત્રમાં બે સગા ભાઈઓ પણ એક રાત્રી સાથે ગાળે તો લડ્યા ઝઘડ્યા વગર ના રહે આવી એક કિંવદંતી છે. અહિં અમેરિકાની ભૂમિનો પણ આવો જ પ્રભાવ છે.આપણે મારવાડી પ્રજાને મખ્ખીચૂસની ઉપમા આપી છે, કારણ કે પૈસાની લેવડ દેવડમાં તેઓ ચોખ્ખા અને વ્યવહારૂ હોય છે. ઘરના દરેક સભ્યોનો કુટુંબના અન્ય સભ્ય સાથે પૈસાનો હિસાબ ચોખ્ખો રાખે છે. અહિં "અમેરિકન ઈકોનોમી હાર્ડ " છે. અર્થતંત્ર એટલું વિષમ છે કે માણસ-વ્યક્તી-પૈસો ડૉલર ગણતો થઈ જાય, ભાઈ- ભાઈ, ભાઈ-બહેન, પતી-પત્ની, પિતા-પુત્રના "બ્લડ રીલેશન્સ"લોહીના સંબંધના સમીકરણો બદલાય છે. લોહીના સમીકરણોને બદલે અર્થતંત્રના નવા "ડૉલરિયા" સમીકરણો વિકાસ પામે છે.
"પૅટ"(Pet)નું મહત્વઃ- પેટનું મહત્વ દરેક દેશમાં અને દરેક જાતીમાં સ્વીકારાએલું જ છે. પેટ છે તો જીવન છે. અરે ભાઈ ! પેટને માટે તો બધી વેઠ કરવી પડે છે. અહિં અમેરિકનોમાં પેટનુ વિશેષ મહત્વ છે તેનો માન મોભો પણ ભારે.અરે ભાઈ ! તમે તો તમાર પેટ ઉપર હાથ ફેરવવા બેસી ગયા. કેમ કાંઈ પેટમાં ગરબડ ઉભી થઈ કે શું ? આ હું આપણા પેટની, શરીરના મહત્વના અવયવની વાત નથી કરતો આ તો અમેરિક્ન પૅટની વાત કરૂં છું.અંગ્રેજી (PET) એટલે પાલતુ, પાળેલું પ્રાણી, ખાસ કરીને કુતરાં ,બીલાડાં જેવા પ્રાણીઓની. સૉરી, માફ કરજો મારી ભૂલ થઈ ગઈ.તેમને કુતરાં બીલાડાં ના કહેવાય તેમને તેમના નામથી 'પુસી કે ડોગી' અથવા તેમના વિશિષ્ટ નામથી બોલાવાય, નહિં તો તેમના માલિકની લાગણી ઘવાય અને તેમને ખોટું લાગે, તેમને અપમાન લાગે. માલિક ની ખબર અંતર પુછતાં પહેલાં તેમના ‘પૅટ’ની ખબર અંતર પુછવી પડે, નહી તો આપણે 'ઍટિકૅટ' વગરના મેનરલેસ ગણાઈએ.
અહિંના શ્વાનપણ વિશીષ્ટ અને ઉંચી નસ્લના એટલે કુળવાન અને ખાનદાન કુટુંબના નબીરાઓ. જેવા કે 'આલ્સેશીયન,''લાબ્રાડોર,' 'બુલડોગ,' 'જર્મન શેફર્ડ',' 'પોમેરિયન' વગેરે વગેરે આપણામાં જેમ આંતરજ્ઞાતિય , આંતર પ્રાંતિય, અને આંતર દેશી લગ્નો યોજાય છે તેમ હવે શ્વાન યોનીમાં પણ સુધારો આવ્યો છે.તેઓમાં પણ આંતર જાતિય સંબંધો બંધાય છે,અને તેમનાં સંતાનો 'Cross breed' વર્ણશંકરો પણ અહિં વસે છે.
કોઈ ઉંચા ભરવદાર હ્રષ્ટ પૃષ્ટ, જ્યારે કોઈ પીગ્મી જેવા ઠીંગણા અને બટકા. કોઈ દેખાવે પ્રભાવશાળી અને ઠસ્સાદાર તો કોઈ આપણા મધ્યમ વર્ગના માનવી જેવા ગરીબડા અને સામાન્ય લાગે;તો વળી કોઈ નાના સુંદર દેખાવડા નિર્દોષ બાળક જેવા સોહામણા લાગે.કોઈના મોં લાંબા અને તીણા અણીદાર નાકવાળા તો વળી કોઈ ચાઈનીસ, જાપાનીસ કે કોરિયન જેવા બુચા નાક વાળા.કોઈના કાન અણીદાર અને ઉંચા જ્યારે કોઈના ભગવાન બુધ્ધ જેવા લાંબા અને નીચે લબડતા. કોઈની આંખ નાજુક નમણી અને માયાળુ, જ્યારે કોઇની ખૂન્નસ ભરી ,ક્રોધભરી ગુંડા ટાઈપ બીહામણી લાગે. કોઈના વાળ સુંવાળા અને ફેશનેબલ હોળેલા અને વ્યવસ્થિત જ્યારે કેટલાકના ઘાયલ પ્રેમી જેવા વિખરાએલા અસ્તવ્યસ્ત હીપ્પી જેવા.
તેમના માટે ઘરમાં તેમનો અલાયદો સ્પેશીયલ વેલ ફરનીશ્ડ વીથ ઍસી અને રૂમ હીટર તથા સ્પેશીયલ સ્પ્રેથી મહેંકતો રૂમ. તેમના ભોજન માટે બાઉલ તથા પીવા માટે પ્યોરીફાઈડ આઈસ કોલ્ડ વૉટર, તેમની પથારી અને ઓઢવાની રજાઈ તથા ૠતુ ૠતુ અનુસાર તેમના વસ્ત્રો, ભોજનની વાનગીઓ, ફ્રુટ્સ તેમના સાબુ અને શૅમ્પુ વગેરે માટે મોટા મોટા સ્પેશીયલ સ્ટોર્સ,તેમના વાળને શૅમ્પુ અને નખને "ટ્રીમ' કરવા તેમના 'બ્યુટી પાર્લર.' ઘરની શેઠાણીના ખોળામાં લાડકવાયું સ્થાન.તથા ગાડીમાં ફરવા જવા માટે ખાસ પ્રકારની અલાયદી સીટ.આટ આટલાં માન પાન આપણા પેટના જણ્યા લાડકવાયાના. જેટલી માવજત કરીએ તેટલી કરવાની, કારણ કે આ પણ આપણું લાડકવાયું 'પૅટ 'જ છેને .!!
ગ્રામ્યજનો સવારના 'લોટે' જવા નીકળે ત્યારે એક હાથમાં પાણીનો લોટો અને બીજા હાથથી મોંઢામાં દાતણ ચાવતા ચાવતા ભાગોળે નીકળે તેમ અહિં વરિષ્ટજનો,એક હાથમાં ડોગીનો પટ્ટો અને બીજા હાથમાં પ્લાસ્ટીકની સુપડી અને ગાર્બૅજ બૅગ લઈને તેમના 'પૅટ 'ને લોટે લઈ જવા નીકળે. તેમનો 'ડોગી' ‘છી’ કરી લે એટલે તેમની ‘છી ‘ (વીષ્ટા) સુપડીમાં ઉપાડી ગાર્બૅજ બૅગમાં ભરી ગાર્બૅજ બીનમાં નાંખવા લઈ જાય. આતો ભાઈ આપણી કહેવત છે ને કે "પેટ કરાવે વેઠ." આ પણ આપણું "પૅટ" જ છે ને !! શું થાય.
અમેરિકામાં બીજું ગુજરાતઃ-
કવિ શ્રી ખબરદારે કહ્યું છે ને કે "જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત." તેમ હવે અમેરિકાનાં દરેક સ્ટેટમાં મીની ગુજરાત ઉભા થતા જય છે; અને ગુજરાત ઉભા થાય એટલે આપણા ગુજરાતીઓને હળવા મળવા, વાતોચીતો કરવા તો જોઈએ જ અને ખાસ કરીને આપણી ખાણીપીણીની સગવડ તો સચવાવી જ જોઈએ. ગુજરાત હોય કે મહારાષ્ટ્ર ,બંગાળ કે મદ્રાસ, અરે! ઈંગ્લૅન્ડ,અમેરિકા,ઑસ્ટ્રેલિઆ કે દુબાઈ ગમે ત્યાં હોઈએ, ખાવામાં દાળભાત તો જોઈએ જ. સાલું દાળભાત વગરનું તે કાંઈ જીવન છ ? દાળભાત વગરનું જીવન અધુરું લાગે!! આપણે સુખ સગવડ માટે તો પરદેશ વેઠ્યો છે. !!
દરેક જ્ઞાતી જાતીનાં અને ગામનાં મંડળો ઉભા થયા છે. દરેક ધર્મ અને સંપ્રદાયોના મંદિરો બન્યા છે. હૉટલો અને મૉટૅલો,સુંદર સોનાચાંદીના આભૂષણો તથા આધુનિક ફેશનેબલ વસ્ત્રાભૂષણો ના મોટાં મોટાં સ્ટોર્સ થયા છે. અહિં તો રસોઈ કરવાનો ટાઈમ જ કોની પાસે છે ? રસોઈ કરવા જાય તો નોકરી ન થાય, અને નોકરી ન થાય તો ઘર ન ચાલે. બધી જ ગ્રોસરી,મરી મશાલા, અથાંણાં, પાપડ, ચટણી,દાળ ચોખા,બાજરી, શાકભાજી અને તે પણ તૈયાર સમારેલાં-સુધારેલા,રોટલી, થેપલા, પરોઠા બધુંજ તૈયાર પેકેટમાં મળે છે.પેકેટ ઘેર લાવી ઑવનમાં ગરમ કરો અને ઘરના જેવી ગરમા ગરમ રસોઈ પાંચ મીનીટમાં તૈયાર.આપણી ગુજ્જુ ગૃહિણીનીઓની એક ફરિયાદ છે કે તુવેરની દાળ અહિં બરોબર ચઢતી નથી. આમાં અહિંના પાણીનો વાંધો છે કે દાળનો તે હજુ તેઓ નક્કી કરી શક્યા નથી. અરે હા ! આમ પણ અમેરિકાવાળા ક્યાં કોઈની દાળ ગળવા દે છે. !
છેલ્લે છેલ્લે આપણી કહેવત છે ને કે "ઊંટ મરે તો મારવાડ સામું જુવે." તેવી વૃત્તિ અહિં નહિં રાખવાની. અહિં આવ્યા,અહિંનું અન્ન ખાધું, અહિંનું પાણી પીધું અને વળી અહિંના સીટીઝન થયા તેથી આ રાષ્ટ્ર પણ આપણું જ કહેવાય, તેના હિતનો વિચાર કરવો જોઈએ.આપણા રાષ્ટ્ર પ્રેમની સાથે અમેરિકન રાષ્ટ્ર પ્રેમને સરખું અને યોગ્ય મહત્વ આપવું જોઈએ. જેમ પારસીઓ "દુધમાં સાકર ભળૅ તેમ ભળી ગયાં તેમ આપણે પણ અમેરિકન સંસ્કૃતિમાં ભળી જવું જોઈએ.
આપણા સમાજમાં લગ્ન પછી કન્યા વિદાયનો કરૂણ અને હ્રદય વિદારક પ્રસંગ છે. લગભગ તેના જેવો જ આ પ્રસંગ છે. ઘરડાં મા-બાપને લેવા દિકરો અને વહુ અમેરિકાથી થોડા દિવસ ની રજા લઈ તેડવા આવ્યા છે. સગાં વ્હાલા અને ગામ જનો તથા સોસાયટીના સભ્યો તેમને વિદાય પ્રસંગે ભેગા થઈ "આવજો આવજો, સંભાળીને જજો શરીર સાચવજો, વગેરે વગેરે કહેતાં હોય છે. ઘરડાં મા-બાપને જુનો સહવાસ છોડી જવાનું દુઃખ હોય છે અને એક બીજાના આંસુઓ લુછે છે ત્યારે આપણું લગ્ન ગીત યાદ આવે છે.
કન્યા પક્ષ; "ઉભા રહો તો માંગું મારા દાદાજીની શીખ... રે "
ત્યારે ઉતાવળો વર પક્ષઃ "હવે શાની શીખ...રે ,
પરણ્યા એટલે પારકા લાડી ચાલો અપણે ઘેર ....રે"
આમ મા-બાપઃ "ઉભા રહો તો માંગું મારા વ્હાલા સ્વજનોની વિદાય...રે "
ઉતાવળ કરતા દિકરો-વહુઃ "વાર્ધક્ય પામ્યાં એટલે પરાયાં થયાં, ચાલો મા-બાપ આપણે ઘેર...રે"
તમે ઘરડાં થયાં એટલે હવે તમારી સેવા ચકરી કોણ કરશે ? માટે તમે આપણે ઘેર અમારી સાથે અમેરિકા રહેવા ચાલો.
WELL COME TO AMERICA. सुस्वागतम् अमेरिका.
ભલે પધાર્યા
સમાપ્ત.
લેખકઃ ઉમાકાન્ત વિ. મહેતા.
૨૦, મીડો ડ્રાઈવ, ટૉટૉવા.
એન જે. ૦૭૫૧૨. યુએસએ.
ફોનઃ (૧) +૧ (૯૭૩) ૯૪૨ ૧૧૫૨.
(૨) +૧ (૯૭૩) ૩૪૧ ૯૯૭૯.
(મો) +૧ (૯૭૩) ૬૫૨ ૦૯૮૭
ઈ-મેઈલ: mehtaumakant@yahoo.com
પ્રકાશિતઃ- પ્રતિલિપિ (૭ નવેમ્બર ૨૦૧૫)
***** ***** *****