મારી નવલિકાઓ - ૧૨ Umakant દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી નવલિકાઓ - ૧૨

પરમ પૂજ્ય શ્રી ગણપતી દાદાને હાથીનું માથું કેમ ?

(બાળ વાર્તા.)

મિત્રો હમણાં જ આપણો શ્રાવણ માસ પુરો થયો આપણે ભગવાબ શ્રી કૃષ્ણનો જન્મ દિવસ જન્માષ્ટમી ઘણી ધામધુમથી ઉજવ્યો અને હવે આવશે ગણપતી બાપ્પા મોર્યા ' નો જન્મદિવસ ' ગણેશ ચતુર્થી ' તારીખ ૧૯મી સપ્ટેમ્બર બુધવારે, જો જો દોસ્તો ભુલી ના જતા હોં !! પણ દોસ્તો ,પૂજ્ય ગણપતીદાદાને હાથીનું માથું જોઈ મને નવાઈ લાગી. મેં મારા દાદાજીને પુછ્યું કે "દાદાજી આમ કેમ ? આપણા બધા જ ભગવાનને આપણા જેવા જ માણસના માથા હોય છે,જ્યારે આ ગણપતી દાદાને હાથીનું માથું કેમ ? જ્યારે હું તોફાન કરૂં છું ત્યારે તમે મને ધમકાવો છો કે જો તું તોફાન કરીતો બે કાન વચ્ચે માથું કરી દઈશ. તો શું ગણપતી દાદા આવું કોઈ તોફાન કરતા હતા ? એટલે તેમના પપ્પાએ શિક્ષા કરી છે ?" દોસ્તો ! મારા દાદાજીએ જે વાત મને કહિ તે હું આજે તમને કહું છું.

શ્રી ગણેશજીના માતા-પીતા મા પાર્વતી અને પીતા ભવાન શીવજી, મહાદેવજી.તેઓ તો ભારે તપસ્વી. તપ કરવા બેસે એટલે બધું જ ભુલી જાય અને એકચીત્તે તપ કર્યા જ કરે, અને તે પણ કેવું !! વર્ષો ના વર્ષો સુધી તપ કર્યા જ કરે. શ્રી ગણેશજીનો જન્મ થવાને વાર હતી અને ભગવાન શીવજીને તપ કરવાની ધુન ઉપડી એટલે તેઓ તો હિમાલય પર્વતના કૈલાસ શિખરે તપ કરવા પહોંચી ગયા. તપ કરતાં કરતાં તેમને વર્ષો વીતી ગયા, આ બાજુ ગણેશજીનો જન્મ થયો, આ ખુશી આનંદના સમાચાર ભગવાન શંકર ને કોણ પહોંચાડે ? મહાદેવજીનો સ્વભાવ ભારે ગુસ્સાવાળો અને વળી જો તેમના તપમાં ભંગ પડે તો તો આવી જ બન્યું સમજો, કોઈ શ્રાપ આપી દે તો તો ખલ્લાસ ! અને તેથી તેમને કોઈએ ખબર ના આપી. તેમની તપશ્વર્યા પુરી થઈ એટલે તેઓ પોતાને ઘર તરફ પાછા ફ્રર્યા. તે સમયમાંતાર, ટપાલ, કે ટેલીફોન કે મોબાઈલ નહોતા એટલે ઘેર સંદેશો કેવી રીતે મોકલે ? એટલે તેઓ તો 'અલખ નિરંજન ' કરતા ઘેર આવી પહોંચ્યા.

શ્રી ગણેશજી તો નાના હતા અને તેમણે તેમના પપ્પાનું નામ પણ સાંભળ્યું નહોતું કે તેમને જોયા પણ નહોતા. અને વળી આજના જેવા કૅમેરા કે સૅલ ફોન પણ નહોતા તેથી તેમનો ફોટો ઘરમં ક્યાંથી હોય ? એટલે તેઓ તેમના પપ્પા શ્રી મહાદેવજીને ઓળખતા નહોતા.

આ બાજુ, માતા પાર્વતીજી ઘરમાં સ્નાન કરવા ગયા, ત્યારે નાના ગણેશજીને સુચના આપી કે જો ગણેશ હું ઘરમાં સ્નાન કરવા જાઉ છું. જો કોઈ આવે તો ઘરમાં આવવા ના દઈશ, બહાર રોકી રાખજે, હું સ્નાન કરીને આવીશ પછી તેમની જોડે વાત કરીશ. તે સમયમાં આજના જેવા મોર્ડન બાથરૂમ નહોતા. ઘરની પાછળ વાડામાં (બેક યાર્ડમાં ) ખુલ્લામાં સ્નાન કરવું પડતું હતું. શ્રી ગણેશજી કહે કે સારૂ માતાજી ! હું અહિં આંગણામાં રમું છું કોઈને અંદર આવવા નહિં દઉ, તમે સુખે સ્નાન કરો અને માતા પર્વતી સ્નાન કરવા ગયા.

ભગવાન શિવજી તપશ્ર્ચર્યા કરી ઘેર પાછા ફર્યા. પોતાના આંગણામાં એક સુંદર બાળક રમતો હતો. ભગવાન શિવજી ભૂલી ગયા કે આ સુંદરબાળક તેમનો પુત્ર છે. તેમણે તે બાળકને પુછ્યું; " હે સુંદર બાળક તું કોનો પુત્ર છે ? તારા માતા પીતા કોણ છે ? અહિં તું શું કરે છે ?

શ્રી ગણેશજીએ વિનય પૂર્વક જવબ આપ્યો" હે મુનિવર્ય ! મારૂં નામ ગણેશ છે. મારી માતાનું નામ પાર્વતી છે અને તેઓ અંદર સ્નાન કરે છે, અને પીતા શંકર છે, તેઓ હાલ તપશ્ર્ચર્યા માટે કૈલાસ ગયા છે. અહિં હું મારી માતાની આજ્ઞાની સેવા કરી રહ્યો છું."

ગણેશજીનો જવાબ સાંભળી શિવજીતો વિચારમાં પડી ગયા. આ તો પોતાનો પુત્ર હોવાનું જણાવે છે ! ઘણા વર્ષોની તપશ્ર્ચર્યાથી તેઓ પોતાનો પુત્ર છે તે તેઓ ભુલી ગયા હતા. તેમને લાગ્યું કે આ કોઈ માયાવી રાક્ષસ લાગે છે. માયાવી સુંદર બાળકનું રૂપ લઈ મારી અને પાર્વતીની હત્યા કરવા કરવા આવ્યો લાગે છે, લાવ ઘરમાં જઈ પાર્વતીજીને પુછી ખાત્રી કરું; એમ કરી ઘરમાં પ્રવેશ કરવા ગયા. શ્રી ગણેશજીએ તેમને ઘરમાં જતા અટકાવ્યાં અને તેમને ઘરમાં જવા ના દીધા. એક તો ગુસ્સાવાળો સ્વભાવ અને પોતાના જ ઘરમાં પ્રવેશ બંધી ? આથી શિવજી ગુસ્સે થયા અને તેમણે તેમના હાથમાં રહેલા ત્રીશુલ વડે ગણેશજીનું માથું ઉડાવી દીધું. માથું અને ધડ જુદાં થયાં અને ઘરનાં આંગણામાં ધડ લોહીલુહાણ હાલતમાં પડ્યું, અને માથું ગબડતું ગબડતું અદ્રશ્ય થઈ ગયું.

શિવજીએ ગૃહહપ્રવેશ કર્યો ત્યારે માતા પાર્વતી સ્નાન કરી પરવારી ગયાં હતાં.ઘરમા શિવજી ગુસ્સામાં આંટાં મારી રહ્યાં હતાં. લાંબા સમયની તપશ્ર્ચર્યાને લીધે શિવજીના દાઢી અને જટા ખૂબ વધી ગયાં હતાં તેથી માતા પાર્વતી પણ પહેલાં તો શિવજીને આ સ્વરૂપે ઓળખી ના શક્યા. શિવજીએ ગુસ્સામાં પુછ્યું " બહાર આંગણાંમાં કોણ છે ?" શિવજીના આવા સવાલથી અને તેમના હાથમાં લોહી વાળું ત્રીશૂલ જોઈ તેમને કાંઈ અનીષ્ટની શંકા ગઈ, તેમણે સામો સવાલ કર્યો" કેમ આવો વિચિત્ર સવાલ કરો છો ? આપણો ગણેશ વળી બીજો કોણ ? તેમણે શ્રી ગણેશજીના જન્મની યાદ તાજી કરાવી." અને બહાર દોડતાં દોડતાં જઈ જોયું તો ગણેશજીનું ધડ લોહીલુહાણ હાલતમાં પડ્યું હતું. તેમણે રોશયુક્ત સ્વરે ઠપકો આપ્યો " આ તમે શું કર્યું ? તમે તમારા હાથે જ તમારા પુત્રની હત્યા કરી ? મને મારો પુત્ર સજીવન કરી પાછો આપો, જો ત્રણ દિવસમાં મને મારો પુત્ર જીવતો પાછો નહિં મળે તો હું અગ્નીસ્નાન કરી મારો દેહ અર્પણ કરીશ."

શિવજીનો ગુસ્સો ગાયબ થઈ ગયો, અને તેમને પસ્તાવો થયો, તેઓ મુંઝવણમાં મુકાઈ ગયા.તેમનૅ તેમના સેવકોને,-ગણોને -હુકમ કર્યો જાઓ ગણેશનું માથું શોધી લાવો. શિવજીના ગણો પૃથ્વી આખી ફરી વળ્યા પણ તેમને શ્રી ગણેશનું માથું ના મળ્યું. તેઓ શિવજીની પાસે આવ્યા અને જણાવ્યું કે "પ્રભુ, અમે આખું વિશ્ર્વ ફરી વળ્યા પણ ગણેશજીનું શીર (માથું) કયાંય મળ્યું નહિં." આ બાજૂ માતા પાર્વતીની પ્રતિજ્ઞા, ત્રણ દિવસ પૂરાં થવામાં છે. તેઓ મુંઝાય છે. કોઈ રસ્તો મળતો નથી.

ત્યાં શ્રી નારદજી હાથમાં તેમની વીણા લઈ " નારાયણ નારાયણ " કરતાં સામે આવતાં દેખાયા. ભગવાન શિવજી તેમની પાસે દોડ્યા અને તેમને વાત કરી. ગણેશજીનું માંથું માંથું નથી અને માતા પાર્વતીની પ્રતિજ્ઞાનો સમય પસાર થઈ રહ્યો છે. શું કરવું ? કાઈક રસ્તો બતાવો."

આપણા નારદજી પાસે સર્વ સમસ્યાનું સમાધાન હાજર જ હોય. તેમણે કહ્યું " અરે ! તેમાં શું મોટી વાત છે ? ગણેશજીનું શીર ના મળે તો તો માતા પર્વતીજીનો જીવ જાય તે કેમ સહન થાય ? માતાજીનો દેહ પડે તે તો મોટો અનર્થ થાય અને તેનું પાપ શિવજીને લાગે. શિવજીને માથે બે હત્યા, શ્રી ગણેશજીની અને બીજી માતા પાર્વતીજીની આ તો ચાલે જ નહિં. તેમને શિવજીના ગણોને આજ્ઞા કરી કે જાઓ દોડો સમય થોડો છે, રસ્તામાં જે કોઈ સામું મળે, મનુષ્ય, પશુ, પક્ષી તેનો શિરચ્છેદ કરી તેનું માથું લઈને આવો અને તેને ગણેશજીના ધડ ઉપર બેસાડી દો, શ્રી ગણેશજી સજીવન થઈ જશે.

શિવજીએ તેમના ગણોને તે મુજબ આદેશ આપ્યો, જાઓ રસ્તામાં જે કોઈ સામું મળે તેનો શિરચ્છેદ કરી લાવો. ગણો તો બીચારા ચીઠ્ઠીના ચાકર. દોડ્યા માથું લેવા. સામે તો કોઈ મનુષ્ય મળે જ નહીં. આ બાજુ સાંજ પડવા આવી હતી. માતા પાર્વતીજીની પ્રતિજ્ઞાનો સમય પસાર થતો હતો. ભગવાન શિવજીને પૂછી પરિસ્થિતિ સમજાવવાનો સમય નહોતો. ગણો પણ મુંઝાતા હતા. હવે શું કરવું ? આ સમય દરમ્યાન સામેથી એક હાથી આવતો જોયો. વધુ વિચારવાનો હવે સમય નહોતો. હાથી ઉપર હુમલો કરી હાથીનું માથું કાપી લઈને દોડતા આવ્યા શિવજી પાસે.શિવજી પણ વિચારમાં પડી ગયા. હવે શું કરવું ? આ તો મનુષ્યને બદલે હાથીનું માથું ?

હાજર જવાબી શ્રી નારદજી ત્યાં હાજર જ હતા. શિવજીએ તેમની સલાહ પૂછી. શ્રી નારદજીએ સલાહ આપી કે જુઓ હવે આપણી પાસે સમય નથી, વિચારમાં રહેશો તો પુત્ર ગણેશને તો ગુમાવ્યો છે, સાથે પત્નીને પણ ગુમાવશો. માટે સમય બગાડ્યા વગર ગણેશ ઉપર હાથીનું માંથું બેસાડી દો.પુત્ર ગણેશ સજીવન થઈ જશે. શિવજીએ શ્રી નારદજીની સલાહ સ્વીકારી અને શ્રી ગણેશજીના ધડ ઉપર હાથીનું માથું ફીટ કરી શ્રી ગણેશજીને

સજીવન કર્યા.

શ્રી ગણેશજી સજીવન તો થયા; પરન્તુ તેમનો આવો વિચિત્ર દેખાવ જોઈ પાર્વતીજીને દુઃખ થયું. મારા પુત્રનું આવું રૂપ અને દેખાવ જોઈ લોકો તેમને તિરસ્કૃત કરશે અને તેમની હાંસી ઉડાવશે. શિવજીને પણ લાગ્યું કે પાર્વતીજીની વાત તો બરાબર છે. આ તો ખોટું થયું ? હવે શું થાય ? આખરે તો તેઓ ભગવાન પોતે છે. સર્વ શક્તિમાન છે તેમને વિચાર આવ્યો. તેમણે પાર્વતીજીને કહ્યું તમે ગભરાશો નહિં, મારાથી ભૂલ થઈ ગઈ છે તે ખરૂં, પણ તેનો ઉપાય પણ મારી પાસે છે. આપણો પુત્ર સર્વત્ર પૂજનિય ગણાશે. હું તેને વરદાન આપું છું કે કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં શ્રી ગણેશનું સ્થાપન થશે, તેની પૂજા અર્ચના થશે તો જ તે કાર્ય વીના વિઘ્ને પૂર્ણ થશે.શ્રી ગણેશની પૂજા, અર્ચના વગરનું કાર્ય અધુરૂં રહેશે.

તેને માટે હું આ મંત્ર આપું છું.

"वक्र तुंड महाकाय , सुर्य कोटिसमप्रभ

निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा."

એટલે કે "હે વિશાળ કાયા (એટલે કે વિશાળ શરીર વાળા) તથા વાંકા પેટવાળા, હજાર સુર્યના તેજ સમાન તેજસ્વી; હે ગણપતી દેવ, મારાં સઘળાં કાર્ય નિર્વિઘ્ને પુરા કરો ."

આમ ભગવાન શિવજી તથા માતા પાર્વતીના પુત્ર શ્રી ગણેશને હાથીના મસ્તક સાથે સર્વ ધાર્મિક અને અન્ય શુભ કારોમામ પૂજનિય ગણાય છે અને સર્વ દેવોમાં તેમની પૂજા અર્ચના સૌથી પહેલી કરવામં આવે છે.

સમાપ્ત.

લેખકઃ ઉમાકાન્ત વિ. મહેતા.

૨૦, મીડો ડ્રાઈવ.

ટૉટૉવા.એન જે. (૦૭૫૧૨.)

ન્યુ જર્સી (યુએસએ.)

ફોનઃ- (૧) +૧ ૯૭૩ ૯૪૨ ૧૧૫૨.

(૨) +૧ ૯૭૩ ૩૪૧ ૯૯૭૯.

(મો) +૧ ૯૭૩ ૬૫૨ ૦૯૮૭

E-mail