ધ સેકન્ડ ઇંનિંગ Alpa Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ સેકન્ડ ઇંનિંગ

સ્ટેનફોર્ડ યુનિવર્સિટી નો આજે પદવીદાન સમારંભ હતો. બધા વિદ્યાર્થીઓ ગર્વ અને હર્ષ ની લાગણી માં તરબોળ થઇ ને સમારંભ ચાલુ થવાની રાહ જોઈ રહ્યા હતા. આજે તેમનું સ્વપ્ન સાકાર થઇ રહ્યું હતું. આ વિદ્યાર્થી ઓ માં અનુજા પણ હતી. અનુજા માટે તો આ દિવસ સવિશેષ હતો. પચીસ વર્ષ પહેલા ચોવીસ વર્ષ ની ઉંમરે સેવેલું સ્વપન આજે લગભગ અડધી સદી ની ઉંમરે પૂરું થવા જઈ રહ્યું હતું. અનુજા આ પચીસ વર્ષ માં કેટલુંક મેળવ્યું અને કેટલુંક ગુમાવ્યું તેનો મનોમન તાળો મેળવતી હતી. અનુજા ની નજર સામે વીતેલા પચીસ વર્ષ જાણે એક ચલચિત્ર ની જેમ પસાર થઇ રહ્યા હતા.
ચોવીસ વર્ષ ની અલ્લડ ઉંમર અને સાથે કમ્પ્યુટર એન્જિનિરીંગ ની ડિગ્રી, પ્રતિષ્ઠિત ઈસરો સંસ્થા માં સાયન્ટિસ્ટ તરીકે ની નોકરી અને પરમ સખીઓ ની મિત્રતા. અનુજા ને બીજું જોઈએ શું જિંદગી માં ! અનુજા જિંદગી ને ભરપૂરપણે માણી રહી હતી. અનુજા ના પપ્પા-મમ્મી એક ની એક લાડકી દીકરી ની પ્રગતિ જોઈ ને મનોમન પોરસાતા હતા. ” બેટા આજે ઓફિસે થી વહેલી આવી જજે, એક અમેરિકા થી આવેલા છોકરા ને મળવા જવાનું છે” મમ્મી નો આદેશ થયો. અનુજા એ દર વખત ની જેમ ફરી વાર મમ્મી ને કહ્યું કે હું તને અને પપ્પા ને છોડી ને અમેરિકા જવાની નથી. ખાલી સમય ના બગાડ. પપ્પા બોલ્યા “બેટા એક વાર મળવા માં શું વાંધો છે? તારી સમંતિ હશે તોજ આગળ વાત ચલાવીશું”. અનુજા પપ્પા ની વાત ટાળી ના શકી.
અનુજા ને એના ભાવિ જીવનસાથી માં એક મિત્ર ની ઝંખના હતી. સાચો મિત્ર જે તેને તેની ખામીઓ અને ખૂબીઓ સાથે સ્વીકારી અને સમજી શકે. તેના માટે બાહ્ય સૌંદ્રય કરતા આંતરિક સૌંદ્રય વધુ અગત્ય નું હતું. ભણતર ની સાથે સાથે ગણતર અને સંસ્કાર જરૂરી હતા. અનુજા નો અભિગમ ભલે કારકિર્દી લક્ષી હતો પણ એ આપણા સમાજે સ્ત્રી પર શું જવાબદારી લાદેલી છે તેનાથી પુરેપુરી વાકેફ હતી અને સહમત પણ. અનુજા અને દેવેશ નો પરિવાર એક બીજા ને મળ્યા. પ્રથમ મુલાકાત માં અનુજા અને દેવેશ વચ્ચે અનેક વિષય ની ચર્ચા થઈ. એક બીજા નો જિંદગી પ્રત્યે નો અભિગમ જાણવા નો પ્રયત્ન કર્યો. અનુજા એ દેવેશ ને જણાવ્યું કે તેના માટે તેની કારકિર્દી તેની આગવી ઓળખ છે અને જો તે અમેરિકા આવશે તો સૌ પ્રથમ તો માસ્ટર્સ પ્રોગ્રામ માં એડમિશન લઇ ને માસ્ટર્સ કરશે અને કારકિર્દી ને આગળ ધપાવશે પણ સાથે સાથે એ પણ કહ્યું કે એક સ્ત્રી તરીકે ક્યારેકકુટુંબ અને કારકિર્દી વચ્ચે પસંદગી કરવા ની આવશે તો કુટુંબ તેની પ્રાથમિકતા રહેશે. દેવેશ ને તેની આ વાત સ્પર્શી ગયી. પ્રથમ મુલાકાત માં અનુજા દેવેશ ને પુરેપુરો સમજી તો ના શકી પણ દેવેશ માં એવું કઈ હતું જે અનુજા ને સ્પર્શી ગયું. અને અનુજા એ દેવેશ માટે પોતાની સંમતિ આપી . દસ દિવસ માં લગ્ન અને વીસ દિવસ માં અનુજા અમદાવાદ થી અમેરિકા આવી ગઈ!
કહેવાય છે કે “Change is the only constant in Life “. અનુજા ની દુનિયા નું દરેક પાસું હવે બદલાઈ ગયું હતું.- નવો દેશ, નવી રહેણીકરણી, નવા લોકો, નવો જીવનસાથી અને નવી જવાબદારીઓ. નહોતી બદલાઈ તો માત્ર અનુજા અને ગમે તે પરિસ્થિતિ ને પહોંચી વળવા નો એનો આત્મવિશ્વાસ. અનુજા એ આ પડકાર પણ ઝીલી લીધો. બધાની લાડકી અને સૌથી નાની અનુજા એ હવે ગૃહસ્થી ની બાગડોર સંભાળી લીધી હતી. ધીમે ધીમે મહેંદી નો રંગ અને નવા નવા લગ્ન નો નશો ઉતરવા માંડ્યો અને વાંક ચુકા વળાંકો વચ્ચે જીવન પાણી ના રેલા ની જેમ વહેવા માંડ્યું. H-4 વિસા હોવાથી અનુજા થી નોકરી કરી શકાય એમ ના હતું. કોઈ કોઈ વાર અનુજા મનોમન વિચારતી કે શું આ મેં સાચો નિર્ણય લીધો છે મારી જિંદગી માટે? ઘર ની જવાબદારીઓ વચ્ચે અનુજા એનું સ્વપ્ન ભૂલી ના હતી અને ફાજલ સમય માં અનુજા GRE ની તૈયારી કરતી .અનુજા એ મનોમન NJIT માં એડમિશન મેળવવાનું નક્કી કરી લીધું . પણ ઠાકોરજી એ અનુજા માટે કોઈ બીજી જ યોજના ઘડી હતી. અનુજા ના લગ્ન ના ચાર મહિના પછી ખબર પડી કે ઘર માં નાનકડા મહેમાન ની પધરામણી થવાની છે. બંને બાજુ ના ઘર માં મહોત્સવ થઇ ગયો.આખરે બને બાજુ ના ઘર માં મૂડી ના પ્રથમ વ્યાજ નું આગમન થવા નું હતું, પ્રભુ એ અનુજા ને એક સંપૂર્ણ સ્ત્રી બનવા ની તક આપી હતી. “માસ્ટર્સ તો પછી ગમે ત્યારે થશે, અત્યારે તારું અને આવનાર બાળક નું ધ્યાન રાખ” એમ કહેવાયું. અનુંજા માનસિક અને શારીરિક રીતે એક નવી જિંદગી ને જન્મ આપવા સજ્જ થવા લાગી. આખરે એ દિવસ આવી પહોંચ્યો જયારે અનુજા એક સંપૂર્ણ સ્ત્રી બની અને જીત નો જન્મ થયો.
જીત ના જન્મ પછી જીત અનુજા ના જીવન નું કેન્દ્ર બિંદુ બની ગયો. જીત સાથે અનુજા અને દેવેશ જાણે પોતાનું બાળપણ ફરીવાર જીવવા લાગ્યા. જીત ના જન્મ પછી દેવેશ પોતાની કારકિર્દી ધપાવવા માં વ્યસ્ત રહેવા લાગ્યો અને જીત ની સંપૂર્ણ જવાબદારી અનુંજા એ સંભાળી લીધી. જીત ત્રણ વર્ષ નો થયો ત્યારે ગ્રીન કાર્ડ આવ્યું અને અનુજા એ પોતાની કારકિર્દી માટે Software Engineer ની નોકરી ની શોધ આદરી અને તરત જ એક પ્રતિષ્ઠિત કંપની માં નોકરી મળી ગઈ. આખા દિવસ ની નોકરી અને સાથે નાના બાળક ની તથા ઘર ની જવાબદારી અને દેવેશ ની સગવડ સાચવવા માં અનુજા એ પોતાનું અસ્તિત્વ ઓગાળી દીધું. અનુજા ને દિવસ માં ૨૪ કલાક ઓછા પડવા માંડ્યા . પછી તો જીત સ્કૂલે જતો થયો અને અનુજા એ તેને ભણાવવા ની પણ જવાબદારી ઉપાડી લીધી. આમ જીત, દેવેશ, ઘર અને સામાજિક જવાબદારીઓ વચ્ચે અનુજા પોતાની જાત ને અને પોતાના સ્વપ્ન ને ભૂલી ગઈ. પોતાની કારકિર્દી આગળ ધપાવવા ની ધૂન માં જીત ના ઉછેર માં દેવેશ નું યોગદાન માત્ર એક પ્રદાતા તરીકે નું જ રહ્યું. સમય નું ચક્ર ચાલતું રહ્યું. દેવેશ ને કામ અર્થે મોટા ભાગ નો સમય બહારગામ જવું પડતું અને અનુજા માટે જીત અને જીત માટે અનુજા સર્વસ્વ બની ને રહ્યા. જીત ની ઉમર પ્રમાણે અનુજા જીત ની Friend, Philosopher and guide બનીને રહી. અનુજા ની નોકરી ચાલી રહી હતી અને વર્ષ પછી વર્ષ પસાર થતા હતા પરંતુ ઘર ની અને દીકરા ની જવાબદારી એકલે હાથે નિભાવવાની હોવાથી અનુંજા નોકરી માં વધુ જવાબદારી સ્વીકારી ના શકી અને તેથી તેની કારકિર્દી ની પ્રગતિ સ્થગિત બની ને રહી. કોઈક કોઈક વાર પેલું માસ્ટર્સ નું સ્વપ્ન અનુજા ના અંતર માં બેઠું થવાનો પ્રયત્ન કરતુ પણ અનુજા માટે જીત ની પ્રગતિ અને અભ્યાસ વધારે અગત્ય ના હતા એટલે એ સ્વપ્ન ફરી પાછું ધરબાઈ જતું. જીત ના ભણતર અને ગણતર પાછળ ની અનુજા ની મહેનત ઉગી નીકળી અને જીત ને એટલાન્ટા ની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી માં બાયોમેડિકલ એન્જિનિરીંગ માં એડમિશન મળી ગયું અને તે પણ પુરેપુરી મેરીટ છાત્રવૃત્તિ સાથે. જીત ઘર થી દૂર ભણવા ગયો પણ ટેક્નોલોજી ની મદદ થી અનુંજા એક મિત્ર બનીને જીત સાથે સંપર્ક માં રહી અને એને જરૂર હોય ત્યાં માર્ગદર્શન આપતી. જીત એન્જિનિયર થઇ ગયો અને તેને Chicago માં પ્રતિષ્ઠિત કંપની માં જોબ મળી ગયી.
નિયતિ ના ક્રમ પ્રમાણે અનુજા ના માળા નું પંખી પોતાના આકાશ ને આંબવા ચાલી નીકળ્યું. અનુજા ની જિંદગી માં એક ખાલીપો વ્યાપી ગયો. અનુજા ઉમર ના એ તબક્કે હતી જયારે સ્ત્રી શરીર ના કુદરતી ફેરફાર થતા હતા અને અધૂરા માં પૂરું તેની કંપની દ્વારા તેનો વિભાગ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. દેવેશ તો પહેલે થી જ એના ધંધા માં વ્યસ્ત હતો. અને આટલા વર્ષો માં મમ્મી-પપ્પા એ પણ આ દુનિયા માં થી વિદાય લીધી હતી. અનુજા ને લાગવા માંડ્યું કે હવે કોઈ ને તેની જરૂર રહી નથી અને અનુજા આ વિશાલ વિશ્વ માં સાવ એકલી થઇ ગઈ. આટલા વર્ષો માં ક્યારેય પોતાના માટે સમય જ નહોતો મળ્યો એટલે કોઈ શોખ કેળવાયો જ ન હતો, અરે લગ્ન પહેલા જે શોખ હતા એ પણ છૂટી ગયા હતા. અનુજા નો આત્મવિશ્વાસ તૂટી ગયો અને અનુજા ને લાગવા લાગ્યું કે હવે જીવવા નો કોઈ અર્થ નથી અને તે ડિપ્રેશન નો શિકાર બની.
કહેવાય છે કે જયારે “તમે” “તમારા” થી ખોવાઈ જાઓ ત્યારે “તમને” શોધવા માં “તમારી” મદદ કરે એ મિત્ર. અનુજા નું મિત્ર વર્તુળ સીમિત હતું પણ અંગત હતું. અનુજા ની અંગત બહેનપણીઓ અનુજા ની પરિસ્થિતિ ખુબ સારી રીતે સમજતી હતી. તેમણે અનુજા ને ફરીવાર બેઠી કરવા નો નિર્ણય કર્યો. તેમના સતત પ્રેમાળ અને હકારાત્મક અભિગમ થી ધીમે ધીમે અનુજા પોતાનો આત્મવિશ્વાસ પાછો મેળવવા લાગી અને નવી નોકરી ની શોધ ચાલુ કરી. ઠાકોરજી ની કૃપા થી અને સખીઓ ના સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન થી ૬-૮ મહિના માં અનુજા ને ફરીવાર એક પ્રતિષ્ઠિત કંપની માં પહેલા કરતા પણ વધુ સારી નોકરી મળી ગયી. એક બહેનપણી એ અનુજા ને તેના ભુલાઈ ગયેલા શોખ સજીવન કરવા નું સૂચન કર્યું અને સંગીત શીખવા માટે પ્રોત્સાહિત કરી. અનુંજા એ પોતાના સ્વાસ્થ્ય માટે ૬ માઈલ ચાલવાનો નિયમ બનાવ્યો. અનુજા પોતાના લખવાના શોખ તરફ પાછી વળી. ધીમે ધીમે અનુજા ડિપ્રેશન માંથી બહાર આવવા લાગી અને જિંદગી રૂપી ઉત્સવ ઉજવવા લાગી. જાણે કે અનુજા એ જિંદગી ની બીજી ઇંનિંગ ચાલુ કરી. બધી બહેનપણીઓ એ અનુજા ના જન્મદિવસે ગીત સંગીત ના અંગત જલસા નું આયોજન કર્યું. અનુજા માટે તેની આ સૌથી શ્રેષ્ટ ભેટ હતી. અનુજા એ તે દિવસે તેની સખીઓ સમક્ષ પોતાનું માસ્ટર્સ કરવાનું ભુલાઈ ગયેલું સ્વપ્ન રજુ કર્યું અને બધી સખી એ આ સ્વપ્ન સાકાર કરવા પ્રોત્સાહિત કરી. અનુજા ની કંપની માસ્ટર્સ કરવાની બધી ફી ઉપાડી લેતી હતી. અનુજા એ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી માં એડમિશન લીધું. બે વર્ષ ની સખત મહેનત બાદ આજે એ દિવસ આવી પહોચ્યો છે જયારે અનુજા એ ૨૫ વર્ષ પહેલા પોતાની જાતે સેવેલું સ્વપ્ન કરવા સાકાર કરવા જઈ રહી છે. જીત અને દેવેશ સાથે બધી અંગત સખી ઓ અનુજા આ ડિગ્રી મંચ પર જઈ સ્વીકારે તેની આતુરતા થી રાહ જોઈ રહય છે. અનુજા એક નવા આત્મવિશ્વાસ સાથે જિંદગી ની સેકન્ડ ઇંનિંગ રમવા હવે તૈયાર છે.