Featured Books
શ્રેણી
શેયર કરો

ખેત મજુરનો દિકરો બન્યો ભાઇનો વિશ્વાસુ સાથી ભાગ - ૪

તે દિવસે રાતે સ્વયમ અને દ્રષ્ટી એક બીજામાં ખોવાય ગયા. સવાર પડતાની સાથે જ દ્રષ્ટીએ સ્વયમને ઉઠાડયો અને બન્ને તૈયાર થઇ તેમના નવા બંગલે પહોંચ્યા. જ્યાં પરિવારજનો પણ તેમની રાહ જોઇ રહ્યા હતા. લગ્નના એક સપ્તાહ પછી સ્વયમ અને દ્રષ્ટી હનીમુન માટે યુરોપ જવા નિકળવાના હતા. એટલે દ્રષ્ટએ કહ્યુ કે આપણે યુરોપ જઇએ તે પહેલા હું બે દિવસ મારા પપ્પાના ઘરે જઇ આવું. સ્વયમે દ્રષ્ટીને જવાની મંજુરી તો આપી પણ બે દિવસ તે દ્રષ્ટી વગર શું કરશે તેની ચિંતા તેને સતાવતી હતી. બે દિવસમાં દ્રષ્ટી પાછી આવી પછી બન્ને જણા યુરોપ જવાની તૈયારીમાં લાગી ગયા હતા. રાકાએ પણ સ્વયમને એક મહિનો કામ પર ન આવવાની સુચના આપી દીધી હતી. એટલે સ્વયમને પણ કામની કોઇ ચિંતા ન હતી.

હનીમુન પર યુરોપ જવાનો દિવસ આવી ગયો. નવી નકોર કારમાં બેસી સ્વયમ અને દ્રષ્ટી યુરોપ જવા નિકળ્યા અને એરપોર્ટ પહોચ્યાં. યુરોપ પહોંચી તેઓ તેમની મસ્તીમાં મસ્ત હતાં ત્યારે અહીં કેટલીક મોટી ઘટનાઓ અંજામ લઇ રહી હતી. રાકાના વિરોધીઓ સ્વયમના યુરોપ જવાની રાહ જોઇ રહ્યા હોય તેમ સ્વયમના ભારત છોડયાના બીજા જ દિવસે રાકા પર હુમલો થયો. જોકે, તે હુમલામાં તે બચી ગયો એટલે તેમને હુમલા બબાતે સ્વયમને કોઇ જ જાણકારી ન આપવા આદેશ કર્યો. હવે, રાકાના આદેશનું અનાદર કરે તેટલી હિંમત કોઇનામાં ન હતી. જેથી રાકા પર થયેલા હુમલા બાબતે સ્વયમ અજાણ હતો. હુમલાને હજી એક સપ્તાહ જેટલો જ સમય થયો હશે. રાકા એક દિવસ મોડી સાંજે એક મહિલા મિત્રના ઘરે પાર્ટીમાં જવા નિકળ્યો. સ્ત્રી મિત્રને રાકા મિત્તલ કહીને સંબોધતો હતો. તેને ખબર ન હતી કે આજે તેનો સમય ભારે છે. તે દિવસે કોઇ પણ વધારે સુરક્ષા લીધા વિના માત્ર ડ્રાઇવર અને એક જ સુરક્ષા ગાર્ડ સાથે રાકા મિત્તલના ઘરે જવા નિકળ્યો હતો. તે સમયે રાકાને ક્યાં ખબર હતી કે તેની મિત્તલ પોતાના કરતાં અન્ય કોઇની વધારે ખાસ બની ગઇ છે. રાકા તો પોતાની મસ્તીમાં મસ્ત કારમાં જ દારૂનો ગ્લાસ લઇને મહોમ્મદ રફીના ગીતો સાંભળતો સાંભળતો મિત્તલને ભેટ આપેલા ફાર્મ હાઉસ તરફ જઇ રહ્યો હતો. રાકાને મહોમ્મદ રફીના ગીતો ખુબ જ ગમતા એટલે ડ્રાઇવર પણ તેના મુડ પ્રમાણે જ ગીતો વગાડવા ટેવાઇ ગયો હતો.

કારમાં રફી સાહેબનું ફિલ્મ જગતના સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પર ફિલ્માવેલું શરાબી ફિલ્મનું ગીત વાગી રહ્યું હતું.....

નશામાં શરાબ મેં હોતા તો નાચતી બોતલ....

રાકા રાહ જોઇને કંટાળી ગયો હોય તેમ તેને ડ્રાઇવરને પુછયું, પહોંચવાને કેટલી વાર લાગશે ? એટલે ડ્રાઇવરે જવાબ આપ્યો ભાઇ થોડી જ વારમાં પહોંચી ગયા સમજો. રાકા ફરી પાછો પોતાની મસ્તીમાં આવી ગયો હતો. થોડી જ વારમાં કાર ફાર્મ હાઉસના ગેટ પાસે આવીને ઊભી રહી એટલે સુરક્ષા ગાર્ડે નીચે કારમાંથી ઉતરી ફાર્મ હાઇસનો ભવ્ય ગેટ ખોલ્યો અને કાર અંદર આવતાની સાથે જ ગેટ પાછો બંધ પણ કરી દીધો. ગેટ પર ખાસ પ્રકારની સિક્યુરીટી સિસ્ટમ લગાવવામાં આવી હતી. જે તેના ઇલેક્ટ્રીક કાર્ડ વિના ખુલતી ન હતી. તેમજ ફાર્મ હાઉસની દિવાલો પર લગાવવામાં આવેલા તારમાંથી કરંન્ટ પાસ થતો હતો. જેથી રાકા જ્યારે પણ અહીં આવે ત્યારે ઓછી સુરક્ષા સાથે જ આવતો હતો. પરંતુ તે દિવસ કંઇક અલગ જ હતો.

કાર બંગાલાના દરવાજા પર જઇને ઊભી રહી એટલે સુરક્ષા ગાર્ડ દરવાજો ખોલે તે પહેલા જ રાકા કારમાંથી ઉતરી બંગલા તરફ ચાલવા લાગ્યો હતો. રાકા આવ્યાની જાણ થતાં જ મિત્તલ દોડતી દોડતી તેની તરફ આવી રહી હતી. રાકાની નજીક આવી તે રાકાને ભેટી પડી એટલે સુરક્ષા ગાર્ડ તુરંત જ બંગલાની બહાર આવી ડ્રાઇવર પાસે જઇને વાતો કરવા લાગ્યો હતો. મિત્તલ રાકાને લઇને તેના બેડરૂમ તરફ જઇ રહી હતી. પરંતુ તે દિવસે રાકાની ઇચ્છા કંઇક અલગ જ હતી. જેથી તે મિત્તલને લઇને બંગલામાં બનાવેલા ભવ્ય થિયેટરર રૂમ તરફ ગયો અને બચ્ચનની ફિલ્મ સરકાર લગાવવા માટે કહ્યુ. પોતાના પ્લાનમાં થઇ રહેલા ફેરફારને કારણે મિત્તલ પણ ટેન્શનમાં આવી ગઇ હતી. પરંતુ તેને પોતાની જાતને સાચવતા રાકાના આદેશનું પાલન કરવાનું ચાલુ રાખ્યું. સરકાર ફિલ્મ શરૂ થઇ એટલે મિત્તલ સોફા પર રાકાની બાજુમાં આવીને બેસી ગઇ.

રાકાને બેડરૂમમાં લઇ જવા માટે મનમાં ને મનમાં કોઇક પ્લાન વિચારી રહી હતી. તેટલામાં જ રાકાના હાથનો ગ્લાસ ખાલી થયો અને રાકાએ ગ્લાસ મિત્તલને આપ્યો. એટલે મિત્તલ ગ્લાસ લઇ ભરવા માટે બેડરૂમ તરફ જઇ જ રહી હતી ને તેને કંઇક વિચાર આવ્યો. તે બેડરૂમમાં ગઇ ગ્લાસમાં શરાબ ભરી અને તેની સાથે એક સફેદ રંગની ટેબલેટ તેમાં ભેળવી દીધી. બેડરૂમમાંથી ગ્લાસ ભરીને આવતા મિત્તલને વાર લાગી એટલે રાકાએ બૂમ પાડી પણ ત્યાં સુધીમાં મિત્તલ થિયેટર રૂમના દરવાજા સુધી આવી ગઇ હતી. મિત્તલે ગ્લાસ રાકાના હાથમાં આપ્યો અને પાછી સોફા પર તેની બાજુમાં બેસી ગઇ. જેમ જેમ રાકા ગ્લાસમાંથી ઘુંટ મારી રહ્યો હતો તેમ તેમ મિત્તલને પણ શાંતિ મળી રહી હતી. રાકાએ ગ્લાસ પુરો કર્યો અને ફરી ભરવા માટે મિત્તલને આપ્યો, પણ પેલી સફેદ ટેબલેટની અસર ન દેખાતા મિત્તલ ટેન્શનમાં આવી ગઇ હતી. પાછી રૂમમાં જઇ ગ્લાસ ભરી પરત આવે ત્યાં સુધીમાં રાકા સોફા પર બેહોશ થઇ ગયો હતો.

રાકાને બેહોશ થયેલો જોઇ મિત્તલ તરત જ તેના બેડરૂમ તરફ ભાગી અને ત્યાંથી કેટલાક માણસોને સાથે લઇને તે થિયેટર રૂમમાં આવી. પેલા માણસોએ રાકાને બેહોશીની હાલતમાં જ મોતને ઘાટ ઉતારી દીધો અને પછી બીલ્લી પગે બંગલાના પાછલા દરવાજેથી મિત્તલને લઇને નિકળી ગયા. આ ઘટનાની રાકાના ડ્રાઇવર અને સુરક્ષા ગાર્ડને જાણ ન હતી. તેઓ આખી રાત ઘરની બહાર જ હતા. સવાર પડી, સવારની બપોર થવા આવી પણ રાકા બંગલાની બહાર ન આવ્યો કે ન તેને સુરક્ષા ગાર્ડ કે ડ્રાઇવરને બોલાવ્યો. જેથી સુરક્ષા ગાર્ડને પણ ચિંતા થવા લાગી હતી. તેને દરવાજો ખખડાવ્યો પણ કોઇ જવાબ ન મળતા તે દરવાજો તોડી સુરક્ષા ગાર્ડ અને ડ્રાઇવરે ઘરમાં પ્રવેશ કર્યો. તેઓ પહેલા બેડરૂમમાં ગયા જ્યાં તેમને કેટલાક માણસો હોવાના પુરાવા મળ્યાં એટલે તેઓ ચિંતામાં આવી ગયા.

તેમને રાકા ત્યાં ન મળ્યો એટલે સુરક્ષા ગાર્ડે રાકાની શોધખોળ શરૂ કરી અને ડ્રાઇવરે રાકાના સાગરીતોને ફોન કરવાની શરૂઆત કરી. સુરક્ષા ગાર્ડ થિયેટર રૂમમાં પહોંચ્યો જ્યાં તેને સોફા પર પડેલી રાકાની લાશ જોઇ. રાકાના લોહીના કારણે સફેદ સોફો લાલ રંગમાં રંગાઇ ગયો હતો. જેને જોઇને ગાર્ડ અને ડ્રાઇવર બન્ને ડઘાઇ ગયા હતા. થોડીક વાતમાં રાકાના સાગરીતો બંગલે આવી પહોંચ્યાં હતા. જેઓએ બંગલો તેમજ ફાર્મ હાઉસનો ખુણે ખુણો શોધ્યો પણ કોઇ મળ્યું નહીં, મિત્તલ પણ ગાયબ હતી. પરંતુ બંગાલાની પાછળના ભાગે દિવાલમાં માણસ પસાર થઇ શકે તેટલું મોટું બાકોરું મળી આવ્યું હતું. જેમાંથી બહાર નિકળતા જ બે કાર ત્યાં ઊભી હોય અને મોડી રાતે ત્યાંથી નિકળી હોવાના કેટલાક પુરાવા પણ મળ્યા. કારના ટાયરના નિશાન પાસે જ સિગરેટના કેટલાક બટ્સ અને માચીસની સળગેલી સળીઓ મળી આવી. જેથી રાકાની હત્યામાં મિત્તલનો પણ હાથ હોવાનું લાગતા સાગરીતો રાકાની લાશને લઇને ત્યાંથી નિકળી ગયા.