અધુરા અરમાન
✍?..સંજય ભટ્ટ
એક સ્ત્રી ની હદય સ્પર્શ વેદના
"જિંદગી હમારી યું સિતમ હો ગઈ,ખુશી ન જાને કહાં દફન હો ગઈ, લીખી ખુદા ને મુહોબ્બત સબકી તકદીર મેં, હમારી બારી આયી તો સ્યાહી ખતમ હો ગઈ"
શરદ અને શીલ્પા બંને બાળપણ ના મિત્રો હતાં, તેમજ એકજ જ્ઞાતિના પણ ખરાં, બંને વચ્ચે લાગણી ના તાંતણાઓ બાળપણથી જ જોડાયેલા તેઓના માતાપિતા પણ ખુશ હતાં બન્ને એક જ ઉંમરના એક જ સાથે અભ્યાસ કરતાં યુવાન થયાં, શરદ ને અભ્યાસ પૂર્ણ થતાં તુરંત જ એક ખાનગી કંપની માં નોકરી મળી ગયેલ. શરદ અને શિલ્પા યુવાવસ્થામાં પહોંચેલ એમની ઉર્મીઓ પણ બદલાયેલ જેથી તેઓ એકબીજાની ખૂબજ નજીક આવેલ, અંતે સર્વસંમતિ એ બાળપણમાં સાથે રમતાં ઘરગોખલા ની રમત હવે સાચે ઘરગોખલા માં પરિવર્તિત કરવાનો સમય આવેલ, બંને સંસારરુપી રથ હંકારવા લગ્ન ના તાંતણે બંધાય છે.
બંનેની લગ્નજીવનની નાવ ને સંસારરૂપી મહાસાગરમાં દોડાવે છે. શિલ્પા ને શરદ પ્રેમથી શીલુ કહી બોલાવતો. સમય જતા શીલુ ને માં રન્નાદે ની કૃપાથી સારા દિવસો જાય છે ! એમને ત્યાં પારણું બાંધવાનું હોય છે. શીલુ અંતરના અરમાન લઈ ને આવનાર સંતાન માટે નીતનવા સપનાઓ જોવા લાગી. શરદ પણ શીલુના અરમાનો પુરા કરવા સંપૂર્ણ કટીબદ્ધ હતો. શીલુને એમનાં સારા દિવસો દરમિયાન રક્તચાપ વધુ રહેતો જેથી ડોકટર પણ એમને ચેતવ્યા હતા અને શીલુ ને વધુ આરામ કરવાનું કહયું.
શીલુ નિયમિત પણે આરામ કરતી તો પણ અચાનક શીલુ ને અધુરા મહિને વેણ ઉપડયું ને તાબડતોડ દવાખાને લઈ જવી પડી ડોક્ટરે તપાસ શરુ કરી, ગર્ભમાં બાળક ફરી ગયું એવું માલુમ પડતાં ડોકટર સાહેબને ઓપરેશન કરી પ્રસુતિ કરવાની ફરજ પડી. શરદ પણ પરિસ્થિતિ મુજબ નિર્ણય લઈ ડોક્ટર ની સાથે સહમત થાય છે.
ડોક્ટર શીલ્પા ને ઓપરેશન માટે લેબર રૂમમાં લઈ જય છે. શરદ આકુળ-વ્યાકુળ લેબર રૂમની બહાર મીટ માંડી ઉભો રહે છે. શરદ ચિંતાતુર અવસ્થામાં વિચારોમા અટવાયેલો હતો, ત્યાં બાળકનો રડવાનો અવાજ આવે છે શરદ અને પરિવારના અન્ય સભ્યોમાં ખુશી છવાય ગઈ. પણ તેઓ ને ક્યાં ખબર હતી કે આ ખુશી ક્ષણિક જ છે! ડોકટર સાહેબ ઉદાસીન ચહેરે બહાર આવી શરદને બંને હાથ પકડી, " શરદભાઈ હું દિલગીર છું આપની પત્નિ ને બચાવી નથી શક્યો." શરદ સ્તબ્ધ બની જાય છે. નર્સ ગુલાબના ફૂલ જેવી કુમળી કળી રૂપી સ્ત્રી-બાળને લઈ બહાર આવે છે.
ડોકટર સાહેબ બાળકીને શરદના હાથમાં મૂકી , "તમારા પત્ની એમનું અંશ તમને સોંપી વિદાય લીધી છે પ્રસવ પીડા સમયે એમને તમારા નામની ઘણી જ બુમો પાડી હતી જાણે એમના રોમે રોમમાં તમે વસેલા હો પણ અનિયમિત રક્તચાપ થી હું બચાવી ન શક્યો."
ડોકટર સાહેબ ના શબ્દો સાંભળી એમનું ચિત શીલુ માં જ અટવાયેલું હોય છે માસૂમ સ્ત્રીબાળ ની સામું જોયા વગર એ બાળકી ને નર્સને સોંપી લેબર રૂમમાં દોડી જાય છે. શરદ શીલુનો અચેતન, શાંત, સૌમ્ય, હસતો મૃત ચહેરો જોઈ ભલભલાનું કાળજું કંપાવી નાખે તેવી શીલુ ના નામની ચીસ પાડે છે. શરદનું આક્રંદ એટલું ભયાનક હોય છે કે આખું દવાખાનું ભેગું થઈ જાય છે.
જન્મતાની સાથે માસૂમ જીવને કાળમુખી નું બિરુદ મળી જાય છે. શિલ્પાના અને શરદના પરિવારજનો એક ઉડા શોકમાં ગરકાવ થઈ જાય છે. શિલ્પાનો મૃત ચહેરો જોઈ તેનો એક માત્ર નાનો ભાઈ શુશીલ પણ એમની બહેન પ્રત્યેની લાગણીઓ ને રોકી શકતો નથી. પરિવારના બધા જ સભ્યો શોકગ્રસ્ત અવસ્થામાં હોય માસૂમ બાળકીનો રડવાનો અવાજ આવે છે. પરિવારજનો તો આ બાળકીને ભૂલી જ ગયા હોય છે. રડવાનો અવાજ સાંભળતા અચાનક શરદ મોટેથી, " આ કાળમુખી... મારી શીલુને ખાઈ ગઈ અને હજી પણ પેટ નથી ભરાણું, કોઈ આને ખાવાનું આપો" શરદ શિલુના જવાથી અર્ધ પાગલ થઈ ગયો હોય છે.
પરિસ્થિતિની અસર ઓળખી શુશીલ આ બાળકીને બહેનની નિશાની સમજી ઉછેરવાની જવાબદારી લેવાનુ વિચારે છે. શુશીલ શરદના બાપુજી ને, "શરદભાઈ ની અવસ્થા જોઈ મને એમ લાગે છે આ બાળકીને એમની સામે વધુ રાખવી ન જોઈએ. અને કદાચ આ દિવસ ની રાહે ઈશ્વરે અમને હજું બાળકથી વંચિત રાખેલા છે. જો આપને વાંધો ન હોય તો આ બાળકીની ઉછેરવાની જવાબદારી હું લઈ શકું?" શરદના પિતાજી ભારે હૈયે માત્ર હાથ જોડી બાળકીને લઈ જવા મુક સંમતિ આપે છે.
શૂશીલ બાળકીને હાથમાં લઈ ,"આજથી તું મારી ભાણકી નહી પણ મારી દિકરી. તારા જીવનપથ ને અમે નિખારીશું અને તારા બધા જ અરમાનો પુરા કરીશું." શુશીલ ની પત્નિ સપના બાળકીને પોતાના હાથમાં લે છે , " બેટા તું મારી વાંજિયાપણા ની અંધારી રાત માં પુનમના ચાંદ ની ચાંદની પાથરવા આવી છે તેથી તારું આજથી નામ ચાંદની. હું તને ક્યારેય સગી'માં' ની ઉણપ નહીં વર્તવા દઉં."
ચાંદની બિલકુલ ચંદ્રમાંની શિતલ ચાંદની અને 'માં' શીલ્પા જેવી રૂપાળી હોય છે. પ્રથમ નજરે જોતાં જ તેને રમાડવા નુ મન થઈ જાય એવી નટખટ, શુશીલ પણ તેને પોતાની સગી દિકરી ની જેમ જ સાચવવા લાગ્યો. ચાંદનીને જરૂરી તમામ સુખ સાહબી આપવી એ જ એનું કર્મ બની ગયેલું. ત્રણેય ખૂબ જ આનંદ પ્રમોદથી રહેતા જોત જોતામાં ચાંદની આઠ વર્ષ ની સમજણી થાય છે. ચાંદનીના સારા શુકન થી વર્ષો પછી સપનાને પણ સારા દિવસો રહ્યાંની જાણ થાય છે. શુશીલ-સપના ના આનંદ નો પારો સમાતો નથી. ચાંદનીનું બાલ માનસ પણ ખુશ હોય છે. સપના તેના ગર્ભાવસ્થા ના લીધે હવે ચાંદની પર પુરતુ ધ્યાન આપી ન શકતી. ચાંદની હજુ નાની હોવા છતા ઘર નુ તેનાથી થઈ શકતું કામકાજ કરવા લાગે છે. ઉંમરના પ્રમાણમાં બમણું કામ કરતી થઈ જાય છે.
ગર્ભાવસ્થા ના પુર્ણ સમય બાદ એક પુત્ર નો જન્મ થાય છે. શુશીલ -સપના, ચાંદની બધા ખુશ થાય છે. ઢીંગલા -ઢીંગલીથી રમતી ચાંદનીને જીવતું ઢીંગલું મળી ગયું. પણ આ બાળકના લીધે ચાંદની નું બાળપણ છીનવાઈ છે. શુશીલ હજુ પણ મોટી દીકરીની જેમ જ ગણતો હોય છે પણ સમયની એવી બલિહારી કે પારકા એ પારકા ને પોતાનુ એ પોતાનુ એવો ભેદ રાખી સપનાને ચાંદની તરફ શુશીલનો વહેંચાયેલા પ્રેમ ઈર્ષારૂપી કાંટા ની જેમ ખટકવા લાગે છે.
હવે તે ફરી 'માં' માંથી મામી બની હતી, એમણે મહારાણી ની જેમ ચાંદનીને નોકરાણી સમજી તેના પર ધીરે ધીરે જુલમ વિતાવવા નુ શરુ કર્યુ. તેની પાસે ઘરના કામકાજના ઢસરડા કરાવા લાગી.
એક વખત મામીએ તેને," જન્મતા વેત માને ભરખી ગઈ" તેવું મહેણું માર્યું. તેને કંઈ સમજાયું નહીં તેથી શુશીલ પાસે જઈ આ વાત કહી. શુશીલ એ આ વાત જેમ તેમ કરી ચાંદનીને ભૂલાવી. પરંતુ આ બધું દિવસે ને રાતે વધતું ગયું. હવે સપના ચાંદનીને મારાવા પણ લાગી, શુશીલથી આવી વેદના જોઈ ના શકતા ને મનોમન રડી લેતા .
ચાંદની વયસ્ક થતાં સુધીમાં તેના ભુતકાળ વિશેની માહિતીથી અવગત થઈ ગયી હોય છે. પણ તેના મામા -મામી ઉછેરવાની જવાબદારી તો લીધી જ હતી ને એવું વિચારી તેનું ઋણ અદા કરવા મૂંગા મોઢે સહન કરે છે.
સપના પણ મનોમન ચાંદની ને ઝંખતી હોય છે પણ ભવિષ્યમાં પોતાના કુખે અવતરેલાને શુશીલની મિલકતમાં ભાગ પડાવશે તે ભયથી ગામડાના એક અભણ તેના દૂરના સગાંમાં ચાંદનીનું વેવિશાળ નક્કી કરી અને રાજુ નામના ગમાર વ્યક્તિ સાથે પરણાવી દે છે.
ચાંદનીનો ભરથાર રાજુ ભલે ગમાર હતો પણ ભલો,મહેનતુ અને હોશિયાર હોય છે. તે સાંજ પડે ગમેતેમ કરી બે ટંક થી વધારે મેહનતાણુ શોધી લેતો . તેણે પોતાનું નાનું પણ સુખી કુટુંબ સજાવ્યું હતું. એ ચાંદનીને ખૂબ જ પ્રેમ કરતો, તેને સાચવતો. જિંદગી ની સુખદ પળો નો બંને ખૂબ આનંદ ઉઠાવતાં હતા.ચાંદની પણ તેની સાથે વફાદારી પૂર્વક જીવનપથને ધપાવવા લાગી હતી.
રાજુ પણ નાનપણ થી જ એકલો હતો એટલે એ એમની એકલતા જાણતો હતો. તે બીજાના નાના બાળકો જોઈ ને મનોમન રાજી રહેતો અને એમના ઘરે પારણું બંધાશે તેવા સ્વપ્ન સેવતો.
થોડા સમયમાં ચાંદની પણ મા બની અને રાજકુમાર જેવા દિકરાએ રાજુ અને ચાંદનીના જીવનમાં ખુશાલીનું મોજું ફેરવી દીધું. રાજુનું સ્વપ્ન પૂરું થયું હોય છે.રાજુ ખૂબ જ ખુશ હતો એ ઈશ્વરનો આભાર વ્યક્ત કરતાં રડમસ અવાજે, " હે ઈશ્વર! આપનો ખુબ આભાર મુજ અનાથ ના ઘરે આપે દેવ જેવો દિકરો આપ્યો."
રાજુ દિકરા માટે વધારે મહેનત કરવા લાગે છે. એક રાત્રે ચાંદની રાજુને કહે છે, "હમણા તમે બહુ મહેનત કરો છો થોડી તમારી પણ તબિયત નુ ધ્યાન રાખો કેટલા દિવસ થી તમારી તબિયત નરમ ગરમ રહે છે ને આખી રાત ખાંસી ખાવ છો".રાજુ વળતાં જવાબમાં, "અરે ગાંડી !! મને કંઈ નથી થવાનુ ઈશ્વર એટલો સ્વાર્થી નથી કે હુ અનાથ હતો એમ મારો દિકરો પણ અનાથ થઈ જાય. મારી તબિયત ને કંઈ નથી થવાનુ મારે હજુ તો દિકરા ને નિશાળે ભણવા બેસાડવો છે એમને રોજ નિશાળથી તેડવા- મુકવા જાવું છે તેને સારા મા સારો ઓફિસર બનાવો છે. પછી આપણે નિરાંતે દિકરા ના ઘરમા રહેશું."
રાજુ પોતે સેવેલા સ્વપ્ન -અરમાન ની વાતો ચાંદનીને કરે છે.પણ 'ન જાણીયુ જાનકી ના નાથે પ્રભાતે શુ થવાનુ' સવાર થઈ ને રાજુ ટીફીન લઈ કામે જવા નીકળી પડ્યો. રાજુ ને રસ્તામાં અચાનક ઉધરસ ઉપડી ને લોહી નો કોગળો મોઢા માંથી કાઢ્યો ને રાજુ જમીન પર ઢળી પડ્યો. આજુ બાજુ માણસોનું ટોળું ભેગું થઈ ગયું. રાજુને દવાખાને લઇ જવાયો. ચાંદની ને ખબર પડતાં એ રાજુના નામની ચીસો પાડતી, રડતી પાડોશીઓ સાથે તાત્કાલિક દવાખાને પહોંચે છે. રાજુને દવાખાને પલંગમાં બેઠેલો જોઈ ચાંદની થોડી સ્વસ્થ થાય છે.
દવાખાને સારવાર દરમિયાન જાણવા મળ્યુ કે રાજુ ને ટી.બી નામની ફેફસા ની બિમારી છે. ડોકટર ચાંદની ને કહે છે, "રાજુને આરામની જરૂરિયાત છે કોઈ જ મહેનતનું કાર્ય હમણાં ન કરવા દેવું અને આરામ કરાવવો."
રાજુની મહેનત ના કારણે તો એમને બે ટંક ની ખાવાનું તેમજ ઘર ખર્ચ નીકળતો હતો. રાજુ તેના દિકરાના ભરણ-પોષણ માટે બચત કરેલી મૂડી, દવા ખર્ચ તેમજ ઘર ખર્ચમાં વપરાય છે.
શરૂઆત માં પડોશમાંથી જમવાનું આવતું પણ રોજ રોજ ખાવા નુ કોણ આપે લોકો 'ટંક નુ સાચવે ભવ નું થોડું સાચવે?' ચાંદની રાજુ ને ,"કાલથી હુ પણ દાડીએ કામ કરવા જઈશ, તમે ઘરે આપણાં દિકરાને સાચવજો." રાજુ પણ તેમની તબિયત ને ઘર ની હાલત જોઈ ને સહમત થાય છે.
બીજા દિવસે સવારે જીવનમાં પેહલી વખત ચાંદની કામ ની શોધમાં નિકળી પડે છે. તેના ઘરની નજીક એક મકાન નું બાંધકામ ચાલુ હતું ત્યા ચાંદની દાડીએ કામ કરવાનું વિચાર્યું દિવસના સીતેર રુપિયા રોજ નક્કી થયા.
રોજે રોજ ની મજુરી માંથી ચાંદની શાક કે રાશન લઈ આવતી અને સાંજે ખાવાનું બનાવતી. રોજ રોજ આ રીતે ચાંદની ની કમાણી નું જમતા રાજુ ની આંખ માંથી ટપક ટપક આંસુ પડવા લાગ્યા ને મનોમન તેની પર ગુસ્સો આવ્યો ને મન મા બડબડાટ કરવા લાગ્યો, "મારી ઘરવાળી રળે ને હુ બેઠો બેઠો ખાવ છુ." પણ રાજુ તેની તબિયત ને લઈ ને લાચાર હતો. તેની તબિયત દિવસે દિવસે વધુ બગડતી જતી હતી. રાજુના શરીર માંથી લોહી ઉડી ગયુ હોય એમ ફીકુ થવા લાગ્યુ.ચાંદની કામ પર ન જાય તો દિવસ નુ ખાવા નુ ચાંન્ડી જાય, એટલે ચાંદનીને વગર છુટકે દાડી એ જવુ પડતુ.
એક દિવસ રાજુ ને તેના વર્તુળ માંથી જાણવા મળ્યુ, તેમના ગામ ના મોટા ઉદ્યોગપતિ વિધવા, બિનસહાય સ્ત્રીઓને એક વર્ષ ચાલે એટલુ રાશન તેમજ પાંચ હજાર રુપિયા રોકડા આપે છે. ચાંદની દાડી ગઈ હોય રાજુને થયું હું રૂબરૂ જઈ સહાય લઈ આવું. રાજુ પોતાના ટેણીયાને લઈ હાંફતો હાંફતો શેઠના બંગલા પાસે પહોંચે છે. સહાય ની વાત બહાર ઉભેલા પગી ને કરે છે જવાબમાં પગી બોલ્યો, " શેઠ માત્ર વિધવા બાઈ ને રાશન પાણી આપે છે પણ તુ તો જીવતો છો એટલે તને ના મળી શકે." એમ કહી ને હડધૂત કરી ને બહાર કાઢે છે.
આ સમગ્ર ઘટના ત્યાં રવેશ માં ઉભેલા શેઠાણીને ધ્યાને પડે છે. શેઠાણી પગીને સૂચના આપી રાજુને અંદર મોકલવા સુચન કરે કરે છે. શેઠાણી પાસે રાજુ પોતાની કથની કરે છે. શેઠાણી ખૂબ દયાળુ હોય રાજુ ને રાશન તેમજ પાંચ હજાર આપે છે અને વધુમાં બીજા દિવસથી ચાંદની ને નોકરી પર મોકલવા જણાવે છે.
રાજુ મનોમન ખુશ થાય છે શેઠાણી નો આભાર માની આ ખુશ ખબર ચાંદનીને જણાવવા હરખાતો ઘર તરફ આવવા નીકળે છે. રસ્તામાં તેના ટેણીયાને તેમજ રાશન ઉંચકી ચાલી ને જતા ફરીથી ખાંસી ઉપડે છે. રાજુના મોં માંથી લોહી ની ઉલટીઓ થવા લાગી એ જેમ તેમ ઘરે પહોંચે છે.
ઘરે પહોંચતા જ ઘરના ઉંબર પર જ પડી જાય છે અને રાજુનું પ્રાણ પંખેરુ ઉડી જાય છે. પડોશી મારફત ચાંદનીને સમાચાર મોકલવામાં આવે છે. ચાંદની બેબાકળી બની દોડતી ઘરે પહોંચે છે. જમીન પર રાજુના મૃત શરીરને જોઈ રડવા માંડે છે. પડોશ ની સ્ત્રીઓ માથા પરનો સેથો ભુસે છે અને હાથની ચુડીઓ તોડાવે છે.
ચાંદનીના એક માત્ર શુભેચ્છક તેના મામા શુશીલ રાજુની અંતિમયાત્રા વખતે ચાંદની ને સાંત્વના આપવા પહોંચે છે. શુશીલને દરવાજે જોતાં જ ચાંદની આક્રંદ સાથે મામાને વળગી પડે છે. મામા શુશીલથી ચાંદનીની હાલત જોઈ મુખ માંથી કહેવત સરી પડે છે.
" બાળોતીયાની બળેલી ઠાંઠડીમાં પણ ન ઠરી"
✍?સંજય ભટ્ટ