(પ્રકરણ – ૩)
મોનિકાના હજુ સુધી કોઈ સમાચાર મળ્યાં નહોતાં. મોનિકા જીવે છે કે નહી એ પણ એક સવાલ હતો. દર મહિને એનાં ગુમ થયાના ફોટાં છાપામાં છપાતાં હતાં. મોનિકાના ફોટાં જોઈ એ ટોળકી પરેશાન હતી કે મોનિકા જીવતી હોત તો ઘરે પાછી ફરી હોત. જો મરી ગયી હોય તો એની લાશનું શું ? જો ઘરે પાછી ફરી નથી તો શું એણે આત્મહત્યા કરી હશે ? એમણે ચોરી છુપીથી કિલ્લાના એ ભોયરામાં જઈ તપાસ કરી પણ ત્યાં કંઇ નહોતું પણ તેઓ કોઈના કેમેરા અને નજરમાં કેદ થઇ ગયાં હતાં. લાંબા સમય બાદ નિશ્ચીંત થઇ તેઓ ધીરે ધીરે અડ્ડો જમાવી રહ્યાં હતાં, સાગરીતો એકઠાં થઇ રહ્યાં હતાં. મોનિકાના કેસમા પોલીસ વધુ કંઇ તપાસ કરી શકી નહોતી. પ્રશ્ન હતો કે શું એ ચાલી ગયેલ છે ? કોઈએ એનું અપહરણ કરેલ છે ? અપહરણ જો કરેલ હોત તો કોઈ એનાં બદલામાં પૈસાની ઉઘરાણી કરત, પરંતું આજ સુધી એવું કંઇ બન્યું નહોતું. જો આત્મહત્યા કરી હોત તો લાશ મળી હોત પરંતું આજ સુધી એવાં કોઈ ખબર નહોતાં. જો કિલ્લાની ઉપરથી નીચે પડી ગયી હોય તો એની લાશ શોધવી મુશ્કેલ હતું કારણ કિલ્લાની પહોળાઈ પણ ખૂબ હતી અને ખાઈ પણ ખૂબ ઊંડી, ઝાડીવાળી અને ઘાતક હતી.
‘****
છેલ્લાં થોડાંક દિવસોથી એક યુવતી કિલ્લા ઉપર અવારનવાર દેખાતી હતી. એનાં મોં ઉપર ઓઢણી બાંધેલી રહેતી અને કાળા ચશ્મા પહેરેલાં રહેતાં. એ કિલ્લાના અલગ અલગ ભાગમાં બેસતી. કિલ્લાના ડ્રોઈંગ દોરતી. જાણકારો પાસેથી એ અંગેની માહિતી ભેગી કરવાની કોશિશ કરતી. કોઈ કોઈવાર કિલ્લાની તળેટીના લોકો સાથે વાતો કરતી. ફોટાઓ લેતી. પ્રાચીન ધરોહર ઉપર એક પ્રોજેક્ટને રૂપ આપી રહી હતી. છાસવારે આવવાનું થવાથી કેટલાંક લોકોની નજરમાં એ હતી તો કેટલાંક રોમીઓ એનાં નજરમાં હતાં. રોમીઓની ઈચ્છા એને મળવાની ખૂબ રહેતી ભલે એમણે એનો ચહેરો ના જોયો હોય પણ એનાં શરીરનો બાંધો આકર્ષક હતો. નજરનો આ બીજો ખેલ હતો. તેઓ કિલ્લા અંગેની વાતો અને એનો ઇતિહાસ જાણી એની સાથે વાત કરવાની અને દોસ્તી કરવાની કોશિશ કરતાં. એ પણ હવે એમની સાથે બેસીને વાતો કરતી અને કિલ્લાની વાતો જાણવાની કોશિશ કરતી. પોતાનાં બાકી રહેલ પ્રોજેક્ટની વાતો કરતી અને એમનો સહકાર માંગતી. બધાં સાથે સેલ્ફી પાડતી અને ફોટાઓ લેતી. એનાં અને રોમીઓ ટોળીના મનસુબા અલગ હતાં. દુર એક વ્યકિત એનાં ઉપર સતત જાપ્તો રાખતો જાણે બોડીગાર્ડ હોય તેમ. ધીરે ધીરે એ મિત્રોની સંખ્યા વધવા માંડી. બધાં એને ચહેરાં ઉપર બાંધેલ ઓઢણી કાઢી નાખવા આડકતરો પ્રયાસ કરતાં પરંતું એ સફળ નહોતાં થયાં. એ એમનો ગંદો મનસુબો સમજી ગઈ હતી.
આજે કિલ્લાનો પ્રોજેક્ટ પુરો થવાનો હતો. લગભગ બધી જ માહિતી એને મેળવી લીધી હતી. ગુગલ ઉપરની માહિતી અને લોકો દ્વારા મેળવેલ માહિતી ખૂબ જ ઉપયોગી અને વિશિષ્ટ હતી. એ હવે બીજાં પ્રોજેક્ટ ઉપર કામ કરવાની હતી જે અહીંથી થોડા કિલોમીટર દુર હતું. એ એક એતિહાસિક તળાવ હતું. ખૂબ સુંદર. ડુંગરોની વર્તુળાકાર હારમાળાની વચ્ચે. રસ્તો દુર્ગમ હોવાથી લોકોની અવરજવર ત્યાં ખૂબ ઓછી રહેતી. મિત્રોએ પ્રોજેક્ટની વાત જાણી એટલે કંપની આપવાની તૈયારી બતાવી. એમનાં મનમાં કંઇક ગંદો પ્લાન આકાર લઇ રહ્યો હતો.
નિખાલસ માનસ ને આજના ઘણાં યુવાનો મૂલવી શકતાં નથી અને પરિણામે ઘણાને ડિપ્રેશનનો ભોગ બનવું પડે છે અથવા એક જાતની નેગેટિવિટીના શિકાર થઇ જાય છે અને એ નેગેટિવિટી આગળ જઈ ગુનાહિત વિચારોમાં તબદીલ થતાં ગુનાહિત પ્રવૃત્તિ તરફ લઇ જાય છે જે વિચારશક્તિને ડામાડોળ કરે છે. એક ભૂત એમનાં માથે સવાર થાય છે. મુખ્ય જવાબદાર કારણ કુંટુંમ્બમાં પ્રેમની ઉણપ, માતા-પિતાના ઝગડા, શક અને શંકા. ગરીબ કે સામાન્ય અને તવંગર બંને ઘરોમાં એની હાજરી એક સરખી. એક ખુલ્લેઆમ તો બીજી મોઘમમાં. ભોગ બને છે યુવાનીમાં પગ મુકતાં એ બાળકો.
પ્લાનીંગ પ્રમાણે બીજાં દિવસે બધાં એ તળાવ પાસે ભેગાં થવાનાં હતાં. એ સૌથી પહેલાં આવીને ઉભી હતી. થોડીવાર પછી એક મોટરસાયકલ ઉપર એ બે જણા આવ્યા. લગભગ કલાક થયો છતાં બીજાં બે સાગરીતો આવ્યા નહોતાં એટલે એણે એ બે જણાને કહયું – “ચાલો આપણે ધીરે ધીરે આગળ વધીએ.” ધીરે ધીરે ત્રણે જણા સુંદર ડુંગરોની કેડીઓ ઉપર ચાલી રહ્યાં હતાં. હવે હંસી મજાક રંગ લાવી હતી. આજુબાજુ કોઈ ચહલપહલ નહોતી એટલે પેલી સાથે શારીરિક અડપલા કરવાની કોશિશ કરી જાણે વાસનાનો રાક્ષસ ધીરે ધીરે જાગી રહ્યો હતો. એ ચાલાક હતી એટલે એને અણસાર હતા ઉભી થનાર પરિસ્થિતિના. તે સાવધાન હતી. બહુજ ચાલાકીથી એ વાત છાવરીને આગળ વધી રહી હતી. આખરે તળાવ પાસે પહોંચ્યાં. સુંદર તળાવ નયન રમ્ય હતો. શાંતિ એકદમ નીરવ. સુ...સુ...પવનનો અવાજ, પંખીઓનો કલરવ. બધું અદભુત પણ નિર્જન !
સામે બે હોડીઓ પડી હતી. એક હોડી પાણીમાં હાલકડોલક થઇ રહી હતી અને બીજી પાણીની બહાર હતી. પાણીમાં જે હોડી હતી તેમાં એ બેસી ગઈ અને પેલાં બંનેને નજીક આવતાં રોકવા મોબાઈલમાં ફોટાં લેવાં કહયું. ધીરે ધીરે એની હોડી પાણીમાં સરી રહી હતી એ કિનારાથી દુર જઈ રહી હતી. એટલીવારમાં સામેથી બીજાં બે મિત્રો આવતાં દેખાયાં એટલે બધા ખુશ થઇ ગયાં. પેલાં ચારે મિત્રોએ પેલી પાણીની બહાર જે હોડી બાંધેલી હતી તે છોડીને પાણીમાં ઉતારી અને શોરગુલ કરતાં કરતાં હલેસા મારવા માંડ્યા. થોડીક મિનીટોમાં એમની હોડી પેલીની હોડીથી આગળ નીકળી ગયી. મજાક મસ્તી અને સેલ્ફી લેવાની હોડ જામી હતી. તો બીજી તરફ મગજમાં ચાલી રહેલું ગંદુ પ્લાનિંગ બીજું કંઇ વિચારવા દેતું નહોતું. એકાંત અને એકલતાનો રાક્ષસ આમતેમ દોડી રહ્યો. થોડીવારમાં એની હોડી પણ ત્યાં આવી ગયી. તે હોડીમાં બેસી કંઇક લખી રહી હતી તો ક્યારેક ફોટાઓ લઇ રહી હતી. હોડીને સ્થિર રાખવાં બંને એ એક બીજાનાં હલેસાં પકડી રાખ્યાં હતા. હવે બંને હોડીઓ કિનારાથી ખાસ્સી દુર હતી. લગભગ તળાવની વચ્ચે. પેલીએ પોતાની બેગ માંથી નાસ્તાના બે ડબ્બા કાઢ્યાં અને એક મોટો ડબ્બો એ ચારને આપ્યો. નાસ્તાની મહેફિલ ચાલું થઇ. હોડીઓ પાણીમાં શાંત તરી રહી હતી એટલે પેલીએ પોતાનું હલેસું હોડીમાં મૂકી દિધું અને બીજાં હોડીનું હલેસું પકડી રાખ્યું જેથી પેલાં ચાર નાસ્તો કરી શકે. વાતવાતમાં એણે પેલી હોડીનું હલેસું પણ પોતાના હાથમાં લઇ ખુદના હોડીમાં મૂકી દિધું.
ખૂબ મજાક મસ્તી આજે માથે સવાર હતી એટલે પેલીએ કહયું – “આજે તમે ખરેખર ખુશ લાગો છો. જીન્દગી જીવવાની આ જ મજા છે. મજા કરી લો. લાવો તમારાં મોબાઇલ મને આપો તમારાં દરેકનાં ફોટાં પાડી આપું. મીઠાં શબ્દો છવાયાં અને બધાએ પોતાનાં મોબાઇલ એને આપી દીધાં. એણે દરેકનાં મોબાઈલમાં ફોટાં લેવાનું શરૂ કર્યુ. મજાક મસ્તી અને નાસ્તામાં મશગુલ થયાં. થોડીવારમાં વાતચીત શાંત થતી ગયી. પેલી પોતાનાં કામમાં મશગુલ થવાનો ઢોંગ કરી રહી હતી. પ્લાનીંગ કરનાર હવસખોરો હવે પેલીના પ્લાનીંગમાં બરાબર ફસાયા હતા. તેઓ અંદરોઅંદર કંઇક વાત કરી રહ્યાં. હોડીમાં કાણું હતું એટલે એ હોડીને પાણીની બહાર બાંધેલી હતી એ એમનાં લક્ષમાં નહી આવ્યું. હવે હોડીમાં પાણી ધીરે ધીરે વધી રહ્યું હતું. સેલ્ફી, જોક્સ અને મસ્તીમાં એ ચાર જણા સમજી ના શક્યા કે હોડીમાં પાણી વધી રહ્યું છે. જયારે એમને ખ્યાલ આવ્યો ત્યારે એમની પાસે હલેસું પણ નહોતું કે જેથી કિનારા તરફ નીકળી શકાય. પેલીની હોડી કિનારા તરફ જઈ રહી હતી. તેઓ ઘબરાયા હતાં. માથે મોત હતું. સતત બુમો મારી રહ્યાં હતાં.... હેલ્પ..હેલ્પ.. પાણીથી હોડીનું વજન વધી રહ્યું હતું એટલે હોડી ડૂબવાની જ હતી. નાસ્તાનો ખાલી ડબ્બો પાણીમાં તરી રહ્યો હતો. તેમાં ગુમશુદા તરીકે છપાયેલ પેલીનો ફોટો ડબાના તળીએ દેખાયો. એકની નજર ફોટાં પર પડી અને એણે બુમ મારી..અરે... આ...અરે...આ .. તો.. બાકી બીજાં ત્રણ ચમક્યા... શું થયું ? એણે એ તરતાં ફોટાં તરફ આંગળી બતાવી એટલે એ ગભરાઈને ઉભાં થયાં અને પાણીથી ભરાયેલ હોડીનું બેલેન્સ બગડ્યું. જેમતેમ બધાં બેલેન્સ કરી ઉભાં રહ્યાં અને મોનિકા કસ્વાલનો ફોટો જોઈ રહ્યાં. પાપ પોકારી રહ્યું હતું. જે હાથોએ ગંદુ કામ કર્યુ હતું તે હાથ આજે નકામાં હતાં. એમનો અવાજ સાંભળવા આજે આજુબાજુ કોઈ નહોતું. કોઈ બચાવી શકે એમ નહોતું. એ ચાર જણાને તરતાં આવડતું નહોતું એ એણે વાતચીત દરમિયાન જાણી લીધું હતું. એ દિવસે એક અબળા નિસહાય હતી આજે બળ દાખવનારાના મગજ સુન મારી ગયાં હતાં નિસહાય બની આમતેમ જોઈ રહ્યાં હતાં.
કિનારે આવી એ શાંતિથી હોડીમાંથી ઉતરી અને આવેલ માર્ગથી પાછી ફરી રહી હતી. થોડીવારે ખાસ્સું દુર આવ્યા બાદ પાછુ વળીને જોયું ત્યારે તળાવમાં હોડી ઉંધી તરી રહી હતી. હવામાં શબ્દો તરતાં હતાં... ભૂલને માફી નહી !
(ક્રમશઃ)