Saloni - 2 books and stories free download online pdf in Gujarati

સલોની (એક સ્ત્રીની સાહસ કથા) ભાગ -૨

સલોની

(એક સ્ત્રીની સાહસ કથા)

ભાગ -૨

પ્રેમ શબ્દ સાથે સલોનીને ૩૬ નો આંકડો હતો, પ્રેમ એટલે એ આરાધ્યા જ સમજતી, બીજા કોઈના પ્રેમની એણે ક્યારેય આશા પણ રાખી નહોતી, સલોની પોતાનામાં એક આદર્શ હતી, અને પોતે કરેલી દિવસ રાતની મહેનત અને કઠોર પરિશ્રમ પોતાની દીકરી આરાધ્યાથી ક્યાં છૂપો હતો ? માટે આરાધ્યા માટે પણ સલોની એક રોલ મોડલ બની હતી, પણ આરાધ્યાની વધતી જતી ઉંમર સાથે સ્લોનીની ચિંતા પણ વધતી જતી હતી, હવે ગણ્યા ગાંઠ્યા વર્ષોમાં આરાધ્યાના લગ્ન કરાવવા પડશે. પછી ??? આ પ્રશ્ન સલોનીને અંદર ને અંદર કોરી ખાતો હતો. પણ પોતાની જાતને દરેક પરિસ્થિતિમાં સાચવવાનું એ જાણતી હતી.

ફેસબુકમાં સલોનીને એક વ્યક્તિની વાતો પસંદ આવી, શેખર. તે ખુબ સારું લખતો હતો એની વાતોને લઈ સલોનીને શેખર ઉપર વિશ્વાસ જેવું લાગ્યું અને પહેલી ફ્રેન્ડ રીક્વેસ્ટ એને મોકલી. શેખર ઘણાં મિત્રો વચ્ચે ઘેરાયેલો માણસ હતો. સલોની શેખરને મેસેજ કરતી પણ શેખર માત્ર વાત પુરતો જ જવાબ આપતો. થોડા દિવસ આમ જ ચાલ્યા કર્યું, પણ એક દિવસ શેખરે થોડી વધુ વાતો કરી. સલોનીના જીવન વિષે શેખરે જાણ્યું, ત્યારબાદ હવે નિયમિત વાતો થવા લાગી, પણ સલોની કે શેખરના મનમાં કોઈ બીજો ભાવ નહોતો. માત્ર એક સારા મિત્રો તરીકે બન્ને રોજ વાતો કરતા. પણ રોજની વાતો એ બન્નેના મનમાં ક્યારે એક જુદા પ્રકારની લાગણીને જન્મ આપ્યો એ ખબર જ ના રહી. શેખર સલોની કરતાં ઉંમરમાં નાનો હતો, પણ પ્રેમને ક્યાં ઉંમર નડે !!! સલોની શેખરના જીવન વિષે બહુ જાણતી નહી અને ક્યારેય એને તેની અંગત લાઈફ વિષે પૂછ્યું પણ નહી, રોજ રોજ શેખર એક નવી રીતે સલોની સામે આવતો એના કારણે સલોની “રહસ્યમય માણસ” એવું નામ શેખરને આપ્યું.

સલોનીના હૃદયમાં શેખર માટે પ્રેમ છે કે નહી એ જાણવા માટે શેખર આડકતરી રીતે બધું પૂછતો પણ સલોની પણ ક્યારેક ક્યારેક ના સમજાય એવી વાતો કરતી અને શેખર પોતાના શબ્દોને પાછાં ખેચી લેતો. ક્યારેક એમ વિચારતો કે સલોનીને કહી દઉં કે આરાધ્યા સાથે હું તને અપનાવવા તૈયાર છું. પણ કદાચ સલોનીને આ વાત નહિ ગમે અને એ વાત કરતી પણ બંધ થઈ જશે તો ??? આ વિચારે એ ઘણીવાર ટાઇપ કરેલા શબ્દોને સેન્ડ કરતો નહી, કારણ કે સલોની હવે એ જગ્યા ઉપર ઉભી હતી જ્યાં તેને એક વિશ્વાસની જરૂર હતી, દુનિયાના લોકોને એને બરાબર સમજી લીધા હતા, અને શેખર ઉપર મુકેલો એનો વિશ્વાસ ક્ષણ વારમાં તૂટી જાય એની બીક પણ હતી.

સલોની વાત બહુ ઓછી કરતી, મઝાક મસ્તી તો જાણે પોતાના દુઃખોમાં ભૂલી જ ગઈ હોય એમ લાગતું, પણ શેખર સદાય હસતો રહેતો અને મઝાક મસ્તી વાળો માણસ હતો, એણે સલોનીને પણ હસતી બોલતી કરી દીધી, શેખરની વાતોથી સલોનીની આખી દિનચર્યા બદલાઈ ગઈ. હવે મોટાભાગનો સમય એ શેખર સાથે ચેટીંગમાં પસાર કરતી. વાતોમાં સવારથી લઈ ક્યારે રાત પડી જાય એની પણ ખબર ના રહેતી.

શેખર અને સલોનીને વાતો કરે બે વર્ષ થઇ ગયા, રોજ બંને એકબીજા સાથે મોડા સુધી વાતો કરતા, એકબીજાના મેસેજની ઈંતજારી તો એટલી જ રહેતી, ઘણી વાતો થઈ ગઈ હોવા છતાં જાણે બંને વચ્ચે કંઇક ખૂટતું હોય એવો ભાવ દેખાતો. હા, ખૂટતી હતી પ્રેમની કબુલાત. પણ હવે એ શક્ય જ ના હોય એમ બંને મૈત્રી ભાવે જ વાતો કરવા લાગ્યા, શેખરને ઊંડે ઊંડે સલોનીને અપનાવી લેવાની ઈચ્છા હતી, પણ કંઇક એવું હતું બંને વચ્ચે જે બંને ને પ્રેમની કબુલાત કરતા રોકતું હતું. અને શેખરે છેલ્લી વાર સલોનીને આજીવન આ રીતે જ રહેવા વિષે પૂછ્યું, સલોની એ પણ જ્યાં સુધી આરાધ્યા છે ત્યાં સુધી તો એ લગ્ન નહી કરે અને ત્યારબાદ પોતાનું જીવન વૃધ્ધાશ્રમમાં વિતાવશે એમ જણાવ્યું.

શેખરને પણ પોતાનું જીવન આગળ વધારવાનું હતું, માટે એણે એક બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા. અને પોતાની લાઈફ માં સેટ થવા લાગ્યો. સલોનીએ પણ હવે શેખર સાથેની વાતચીત ઓછી કરી લીધી. પણ શેખરની ખોટ સલોનીને સાલવા લાગી, ફરી પાછી એજ દુનિયામાં જાણે પહોચી ગઈ, જ્યાં નિરાશાના વાદળો ઘેરાયેલાં હતા, પણ શેખરના આવવાના કારણે એ એક નવી દુનિયામાં આવી હતી, ખરા અર્થમાં એને જીવન જેવું લાગવા લાગ્યું હતું, પણ શેખરના લગ્ન બાદ જાણે એ તૂટી ગઈ, બાથરૂમમાં બેસી ચોધાર આંસુએ રડી લીધું, પણ પોતાની જાતને એને સાચવી લીધી, અને પછી પોતાની દુનિયામાં વ્યસ્ત થવા લાગી, વારેવારે મોબાઈલમાં ચેક કરવું, શેખરનો મેસેજ તો નથી ને ... અને મેસેજ ના દેખાતા ફરી પાછી એજ પરિસ્થિતિમાં પહોચી જવું, એ હવે સલોનીનું દૈનિક કાર્ય બની ગયું હતું. પણ એકલા હાથે લડવાનું હજુ સલોની ભૂલી નહોતી, બહારની દુનિયા કરતાં એના માટે આરાધ્યા વધુ મહત્વની હતી, અને એના લીધે એને બધું જ ભૂલવાની તાકાત રાખવી પડે, પોતાની ઇચ્છાઓ, લાગણીઓ, પ્રેમ, આવેગો બધું જ દિલના કોઈ ખુણામાં પોટલું વાળી ને નાખી દીધું.

આરાધ્યાએ પણ ભણવામાં ખુબ મન લગાવી એમ.બી.બી.એસ. માં એડમીશન મેળવી લીધું, થોડા જ સમયમાં એનું પણ ડોક્ટર બનવાનું સપનું પૂરું થઇ જશે. સલોનીની મહેનત રંગ લાવશે. પોતે ભલે કંઈ ના હાંસલ કર્યું પણ પોતાની દિકરીના સપના એણે જરૂર પુરા કર્યા.

(આરાધ્યાના લગ્નની વિદાય કેવી હશે ??? ત્યાર બાદ સલોનીનું શું થશે ? શું શેખર સાથે કોઈ મુલાકાત ઈશ્વરે લખી હશે ? જાણવા માટે રાહ જુઓ વાર્તાના ત્રીજા ભાગની..)

લે. નીરવ પટેલ - “શ્યામ”

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED