“ધ ફર્સ્ટ હાફ” (ભાગ – 8)
“કેટલા વાગે ગુડાણો’તો રાત્રે એલા?” બીજા દિવસે સવારે હું મારા રૂમના કબાટમાંથી ટૂથપેસ્ટ અને ટૂથબ્રશ કાઢી રહ્યો હતો ત્યારે જય ઉઠતાની સાથે જ બોલ્યો.
“બે વાગે” મેં કહીને કબાટ બંધ કર્યો.
“અને તોય અતારમાં ઉઠી ગ્યો”
“હા. બસ તો એના ટાઈમે આવી જાહે અને વઈ પણ જાહે” મેં કહ્યું.
“હં. કેટલા વાગ્યા? ઓમ નથી આઇવો હજી?” તે બેડ પર બેઠો અને બોલ્યો.
“આવી ગ્યો છે ઈ. સૂતો પૈડો છે રૂમમાં” મેં કહ્યું. જય તરત જ ઓમના રૂમમાં ગયો અને જોરથી લાત મારીને તેને જગાડ્યો. બદલામાં તેને ઉઠતાની સાથે જ ઓમના મોંની સુરતી ગાળ ખાધી.
“હરામખોર. મેં કીધું’તું ને તને કે વેલો આવી જા તો ઉઠાડી દેજે મને. મારી ઓલીને મળવા જવાનું હતું” કહીને ઓમને ફરીથી એક લાત મારી. આ જોઇને હું હસતો હસતો બહાર બાલ્કનીમાં આવ્યો.
બાલ્કનીમાં ઉભો ઉભો હું સોસાયટી કંપાઉન્ડમાં મોર્નિંગ વોક કરી રહેલા લોકોને જોઈ રહ્યો. અમૂક છોકરાઓ જોગીંગ કરી રહ્યા હતા. બે આંટીઓ તેમના ડોગીને ફેરવવાના બહાને ગોસીપ કરી રહી હતી, કદાચ તેમનો ડોગી પણ તેમના ધીમા ચાલવાથી કંટાળી ગયો હતો. મારું ધ્યાન બેડમિન્ટન રમતા એક ભાઈ અને આશરે દશેક વર્ષની બાળકી પર પડ્યું. તે વ્યક્તિ છોકરીને શીખવી રહ્યો હતો. કદાચ તે તેના પિતા હશે. તે વચ્ચે વચ્ચે રોકાઇને તેને સમજાવી રહ્યા હતા કે આમ કરવાનું ને તેમ કરવાનું ને. છોકરી પણ એટલા જ ધ્યાનથી શીખી રહી હતી. હું એકદમ ધ્યાનથી જોઈ જ રહ્યો હતો ત્યાં જ જયનો અવાજ સંભળાયો.
“અલા ભાઈ સવાર સવારમાં બ્રશ કરવામાં ધ્યાન આપ. આ ‘બ્યુટી દર્શન’ તો આખો’દી થાહે પછી. બસ વઈ જાહે તારી સગી” જય હોલમાં ઉભો રહીને જ બોલ્યો. મેં કાઈ ખાસ ધ્યાન ન દીધું.
“કેમ ઇંગ્લીશની મધર સિસ્ટર એક કરે છે એલા. આ બ્યુટી ઇંગ્લીશમાં અને દર્શન ગુજરાતીમાં!” ઓમ હાથમાં છાપું વાંચતા બોલ્યો. તે પણ હોલમાં જ બેઠો હતો.
“આ સોંદર્યનું બ્યુટી હમજ્યા પણ દર્શનને ઇંગ્લીશમાં શું કે’વાય ઈ આયા કોને ખબર” જય બોલ્યો અને હસવા લાગ્યો.
“હરામખોરો, શું છે સવાર સવાર માં તમારે બેયને” હું બાલ્કનીમાં પાછળ ફરીને થોડું જોરથી બોલ્યો.
“પ્રેમ છે અમારો તારા પ્રત્યે ડાર્લિંગ” જય બોલ્યો.
“તારી હમણાં કઉં એનીને...” મેં બાજુમાં પડેલું રીબોક કંપનીનું પગરખું ઉપાડ્યું જયને મારવા એટલે જય પોતે પહેરેલો ટૂવાલ સરખો પકડીને સીધો બાથરૂમમાં ન્હાવા ભાગ્યો. આ જોઇને ઓમનો જાણે શ્વાસ ચડી ગયો કેમ કે તે પગરખું તેનું હતું!
*****
ઓફિસમાં બપોરે લંચ ટાઈમમાં હું ગુજરાતમાં આવેલી ફિલ્મ મેકિંગ સ્કૂલ્સ વિષે માહિતી મેળવી રહ્યો હતો. ક્યા શહેરમાં કેટલી ફી, કેટલા વર્ષનો કોર્ષ છે અને સૌથી મહત્વનું જે તે પાર્ટ ટાઈમ છે કે નહિ! નોકરી ચાલુ થયા પછી લોકો બધામાં જ પાર્ટ ટાઈમ શોધતા હોય છે એવું મેં સાંભળ્યું હતું પરંતુ હું પોતે જ તે ઢબે શોધવા લાગ્યો હતો એટલે મારે તે વાત સ્વીકારી લેવી પડી હતી. મેં ઈન્ટરનેટ બંધ કર્યું અને કામમાં ધ્યાન આપવા પ્રયત્નો કર્યો, ના થયું. બોટલમાંથી પાણી પીધું અને ફરી ઈન્ટરનેટ ચાલુ કર્યું. ગૂગલમાં ટાઈપ કર્યું, “બે યાર – ગુજરાતી ફિલ્મ”. ગૂગલે આપેલા ઘણા બધા સર્ચ રિઝલ્ટમાંથી મેં પહેલું સિલેક્ટ કર્યું જેમાં આ ફિલ્મ વિષે વિસ્તારથી માહિતી આપેલી હતી. બધી માહિતી વાંચતા વાંચતા તે ફિલ્મના ડાઈરેકટરના નામ પર કર્સર અટક્યું. ક્લિક થયું અને તે વ્યક્તિ વિષે માહિતી ખૂલી. આશરે અઠાવીશ વર્ષનો યુવક કે જે સુભાષ ઘાઈ અને સંજય લીલા ભંસાલી જેવા મોટા ડાઈરેકટર સાથે કામ કરી ચુક્યો હતો, તેઓનો આસીસ્ટંટ ડાઈરેકટર રહી ચુક્યો હતો. હવે તે ગુજરાતી ફિલ્મોના ટ્રેન્ડ સેટર તરીકે ઓળખાઈ રહ્યો હતો. આ ફિલ્મને લગતા તમામ વિડીઓ જોયા જેમાં ફિલ્મ બનાવતી વખતના વિડીઓ, ફિલ્મ પ્રચાર વખતના વિડીઓ અને ફિલ્મ સાથે સંકળાયેલા તમામના ઈન્ટરવ્યુંના વિડીઓ. મેં ફરીથી ઈન્ટરનેટ બંધ કર્યું અને કામે લાગ્યો. આવું હું લગભગ રોજ જ કરતો હતો. આ ફિલ્મ વિષે એવી કોઈ માહિતી નહિ હોય કે જે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ હોય અને મેં વાંચી કે જોઈ ના હોય. હું રોજ અભિષેક જૈન એટલે કે આ ફિલ્મના ડાઈરેકટરની પ્રોફાઈલ જોતો, તેનો ફોટો જોતો. મને તેમાંથી પ્રેરણા પણ મળતી અને તેના પ્રત્યે ઈર્ષા પણ થતી! હા ઈર્ષા, કેમકે જેવા પ્રકારની ગુજરાતી ફિલ્મ બનાવીને હું ગુજરાતી સિનેમાનો ‘ટ્રેન્ડ સેટર’ બનવાનું સપનું જોતો હતો તે કામ તેને કર્યું હતું. હા, તેને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની દિશા બદલી હતી. ગુજરાતના કલાકારો હવે મુંબઈ જવાને બદલે ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનું પસંદ કરવા લાગ્યા હતા. ગુજરાતી પ્રેક્ષકો હવે ગુજરાતી ફિલ્મોને હિન્દી ફિલ્મો જેવી મોટી ફિલ્મો માનવા લાગ્યા હતા. હવે ગુજરાતી ફિલ્મો પણ મલ્ટીપ્લેક્ષમાં બતાવવામાં આવી રહી હતી. હવે ગુજરાતી ફિલ્મોના પોસ્ટરો પણ હિન્દી અને અંગ્રેજી ફિલ્મોના પોસ્ટરોની બાજુમાં લાગવા લાગ્યા હતા. હવે ગુજરાતના યુવાનો ફક્ત હિન્દી કે અંગ્રેજી ગીતોને બદલે ગુજરાતી ગીતો પણ તેમના મોબાઈલમાં રાખવા લાગ્યા હતા. હવે ફિલ્મ ક્રિટીક્સની હિન્દી ચેનલો કે જેમાં અત્યાર સુધી ફક્ત બોલીવૂડના કલાકારોના ઈન્ટરવ્યું લેવાતા તેમાં ગુજરાતી ફિલ્મોના કલાકારોના ઈન્ટરવ્યું લેવાવા લાગ્યા હતા. હવે આ ચેનલો પર ગુજરાતી ફિલ્મો જોવા જવા માટે અપીલો થવા લાગી હતી. હવે લોકો હિન્દી કે અંગ્રેજી ફિલ્મોની જેમ ગુજરાતી ફિલ્મો જોવા માટે એકબીજાને કહેવા લાગ્યા હતા. લોકોમાં ગુજરાતી ફિલ્મો પ્રત્યેનો આવો ઉત્સાહ પહેલા ક્યારેય નહતો. પહેલીવાર ગુજરાતી ફિલ્મ ગુજરાતની બહાર બીજા રાજ્યોના મલ્ટીપ્લેક્ષમાં દર્શાવવામાં આવી રહી હતી. ફક્ત બીજા રાજ્યોમાં જ નહિ પરંતુ બીજા દેશમાં પણ! હવે ગુજરાતી છોકરાઓને ગુજરાતી ફિલ્મ જોવા જવાના પ્લાન બનાવવામાં શરમ નહતી આવતી. હા, હવે ખરેખર ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનો ટ્રેન્ડ બદલાયો હતો.
“હાઈ ઋષિ” પ્રિતી મેડમ મારી સીટ પાસે આવીને બોલ્યા.
“ઓહ, હેલ્લો મેડમ. કેમ છો?” મેં પૂછ્યું અને બેસવા માટે આગ્રહ કર્યો.
“સારું જ છે જો. તું કહે” તે ખુરશી પર બેસ્યા.
“બસ મેડમ એ જ. રોજના રિપોર્ટ્સ. નવથી છ ની નોકરી ને પચીસ પછી છોકરી. આમ જ જીંદગી નીકળી જવાની” મેં મારા કમ્પ્યુટરની બધી જ ફાઈલો મીનીમાઇઝ કરી અને મેડમ તરફ મારી ખુરશી ફેરવી.
“ઓહો, આજે અચાનક આ જીંદગી પ્રત્યેની ફિલોસોફી?” તેણીને આશ્ચર્ય થયું.
“કાઈ નઈ એમ જ. બોલો તમે કાઈ કામથી આવેલા કે એમ જ?” મેં વાત બદલાવવા કહ્યું.
“તારા ડેસ્ક પર હું રોજ આવું છું ઋષિ. આઈ થીંક તું બીઝી લાગે છે” તે બોલ્યા.
“અરે ના ના . મારે કાઈ કામ નથી. મારું ફરી ગયું છે આજકાલ. હું ગમે તેને ગમે તેમ બોલી નાખું છું” મેં કહ્યું.
“હં. કઈક તો મોટી સમસ્યા લાગે છે. શું થયું છે?” તેણીએ પૂછ્યું.
“અરે બાપ રે. મોટી સમસ્યા? તમે તો શબ્દ પણ મોટા મોટા વાપરો છો. સમસ્યા ના હોય તો મોટી સમસ્યા સાબિત કરી દેશો તમે તો” મેં કહ્યું અને હસવા લાગ્યો.
“ઓય. હું સાચું કહું છું. હસવાની વાત નથી”
“અચ્છા, એવું છે?” મેં મજાક કરતા પૂછ્યું.
“હા. આજકાલ તું એકદમ ખોવાયેલો ખોવાયેલો રહે છે. તને કોઈ પૂછે કઈક બીજું અને તું જવાબ કઈક બીજો આપે છે. બધું બરાબર છે ને?” તેણીએ ગંભીરતાથી પૂછ્યું.
“ના ના. બધું બરાબર જ છે. આ તો મને ડ્રીમેરિયા થયો છે એટલે તમને એવું લાગે છે” મેં કહ્યું.
“હેં? ડ્રીમેરિયા” તે ચોક્યા.
“હા ડ્રીમેરિયા”
“કોઈ નવો રોગ છે? વધારે પ્રોબ્લેમ તો નથી ને?” તેને થોડા ઘબરાતા પૂછ્યું.
“અરે મેડમ. આ કોઈ રોગ નથી. હું તો મજાક કરતો’તો” હું હસવા લાગ્યો.
“તો? તો શું છે?” તેણીએ પૂછ્યું.
“એમાં ઈવું છે ને કે તમે તમારા સપનાઓને બાજુમાં મૂકીને પૈસા કમાવવા માટે નોકરીએ લાગી જાવ અને ચાર પાંચ વર્ષ પછી તમને તમારા સપના યાદ આવે અથવા કરાવવામાં આવે અને પછી તમારા સપના પ્રત્યે જે લાગણી, પેશન અને ઉત્સાહ જાગે તેને ‘ડ્રીમેરિયા’ કહેવાય” મેં શાંતિથી કહ્યું. તે મારી સામે જોઈ રહ્યા. જાણે કાઈ સમજ્યા જ ન હોય. અને સમજાય એવું હતું જ નહિ. મને જ ખબર નહતી કે હું શું બોલી રહ્યો હતો.
“આ શું હતું?” તે થોડા અકળાયા.
“ડ્રીમે...” હું શબ્દ પૂરો કરું તે પહેલા જ તે બોલ્યા, “હવે સીધું સીધું કહીશ કે થયું શું છે?”
“અરે કાઈ નહિ. આ તો એમજ” મેં વાત ફેરવવા પ્રયત્ન કર્યો.
“અરે બોલને. ચિંતા ન કર, હું કોઈને નહિ કહું!” તેણીએ મને એ વચન આપ્યું જે કોઈ સ્ત્રી માટે શક્ય નહતું!
“મેડમ, એવું કઈ......”હું આગળ બોલું એ પહેલા જ મારો લેન્ડલાઈન રણક્યો. ફોન ઉપાડ્યો તો મારા બોસનો ફોન હતો.
“મને ગબ્બર બોલાવે છે, આપણે પછી મળીયે” મેં કહ્યું અને ખુરશી પરથી ઉભો થયો. હું પહેલીવાર મારા બોસનો આભાર માની રહ્યો હતો, અલબત મન માં જ!
“સારું ત્યારે. હું જાવ છું. આમ પણ લાંચ ટાઈમ પૂરો થવા આવ્યો” તે બોલીને નીકળી ગયા. હું મારા ડેસ્ક પરથી અંદર કેબીનમાં જઈ જ રહ્યો હતો ત્યાં મારો એક કલીગ કેતન આવીને બોલ્યો, “કાઈ ન્યુઝ મળ્યા?”
“કેવા ન્યુઝ?” મેં આશ્ચર્યથી પૂછ્યું.
“એમ્પ્લોઈ ટર્મિનેશનના” તે ચિંતાજનક અવાજમા બોલ્યો.
“શું વાત કરે છે? આપણે અહીંથી પણ?” મેં પૂછ્યું.
“હા”
“પણ આપણે તો ચાર ચાર પ્રોજેક્ટ હાથમાં છે” મેં કહ્યું.
“તોય એમ ક્યે છે કે જરૂર કરતા વધારે એમ્પ્લોઇઝ છે એટલે આવું કરી રહ્યા છે” તે બોલ્યો.
“એની માને. કઈ ખબર પડી, કોણ કોણ છે લીસ્ટમાં?” મેં થોડા ચિંતાજનક અવાજમાં પૂછ્યું.
“ના. અહીંથી જ લીસ્ટ જવાનું છે હેડ ઓફિસમાં. ચલ હું સાંજે મળું. ગબ્બર બોલાવે છે” કહીને તે નીકળી ગયો.
***
સાંજે હું ફ્લેટ પર પહોચ્યો તો જય અને ઓમ ત્યાં આવી ગયા હતા. મને થોડી નવાઈ લાગી કેમ કે તેઓ હમેશા મારા પછી જ આવતા.
“કા? નો સાઈચવા તમને સાઈટ વાળાએ આજે?” મેં અંદર આવતા કહ્યું.
“લેબર સ્ટ્રાઈક. સિચ્યુએસન વધુ ન બગડે એટલે અમને જલ્દી રજા આપી દીધી” ઓમ બોલ્યો.
“એની માને...આજે કેમ બધે રજાની જ વાતું હાલે છે” મેં મારા પગરખા ઉતારતી વખતે કહ્યું.
“કેમ? શું થયું?” ઓમ બોલ્યો.
“ભાઈલોગ, ખતરનાક ન્યુઝ આવી રહ્યા છે હેડ ઓફિસથી” હું કાઈ બોલું તે પહેલા જ જય રૂમમાંથી આવતા બોલ્યો.
“કેવા ન્યુઝ?” મેં પૂછ્યું.
“એમ્પ્લોઇ ટર્મીનેશનનો ખીચડો બફાય છે એચ.ઓ માં” તે ખુરશીમાં બેઠો અને બોલ્યો.
“ક્યારે? કોણ કોણ છે?” ઓમે એજ પ્રશ્ન કર્યો જે હું કરવાનો હતો.
“એ ખબર નઈ પણ ત્યાંથી લીસ્ટ આવવાનું છે એટલી ખબર છે” જય બોલ્યો.
“આ લીસ્ટે તો મગજની મા-બેન એક કરી નાઇખી છે” મેં મારું બેગ ગુસ્સામાં આવીને બેડ પર ફેંક્યું અને બોલ્યો. હોલમાં સૂતા સૂતા ટી.વી. જોઈ શકાય એટલે એક બેડ ત્યાં પણ રાખ્યો હતો.
“શું થયું લા? આટલો ઇરીટેટ કેમ થાય છે?” ઓમે પૂછ્યું.
“તો શું! દર વખતે માર્ચમાં એપ્રાઈઝલનો ટાઈમ આવે એટલે ગબ્બર હારે બેહીને કલાક કલાક મેટિંગ કરવાની રેટિંગ ડિસ્કસ કરવા માટે અને જેવા કેબીનની બહાર જઈએ એટલે ખબર પડે કે આ બધી તો ફોર્માલીટી છે, રેટિંગનું લીસ્ટ તો ઓલરેડી હેડ ઓફીસ પહોચી ગયું છે. આપણા લોકોના પ્રમોસનનો ટાઈમ આવે એટલે આપણે ગબ્બરને ભલામણ કરવાનું વિચારતા હોઈ ત્યારે એવા ન્યુઝ આવશે કે શું ફાયદો ભાઈ? કોના કોના પ્રમોશન આવશે એતો પહેલેથી જ લીસ્ટ બનીને હેડ ઓફીસ પોચી ગ્યું છે. અરે જયારે નવી ભરતી થાય છે ત્યારે કોને ક્યાં ડીપાર્ટમેન્ટમાં રાખવા એ માટે કલાકો મિટિંગ થશે અને બીજે દિવસે ખબર પડે કે આતો મેનેજમેન્ટને દેખાડવા માટે મિટિંગ થઇ હતી બાકી લીસ્ટ તો પહેલથી જ બની ગયું હતું અને હેડ ઓફીસ મોકલી દેવામાં આવ્યું હતું. અને હવે આ નવું આવ્યું માર્કેટમાં કે એમ્પ્લોઇ ટર્મીનેટ કરવાના છે તો એના માટે કાલે પાછી અડધો દી મિટિંગ હાલશે અને પછી ખબર પડશે કે આતો એમજ દેખાડવા માટે હતું બાકી લીસ્ટ તો કાલે જ બની ગયું હતું અને હેડ ઓફીસ મોકલી દેવામાં આવ્યું હતું” હું એકીસાથે બધું બોલી ગયો. મારો ચહેરો ગુસ્સાથી લાલ થઇ ગયો હતો. સામાન્ય રીતે હું ક્યારેય આવી રીતે ગુસ્સામાં વાત ન’તો કરતો એટલે જય અને ઓમ તો મને આમ જોઇને સ્તબ્ધ જ થઇ ગયા હતા. ઓમના હાથમાં પાણીની બોટલ હતી અને મોઢામાં પાણી જે પીવા ભર્યું હતું તે એમ જ ભર્યું પડ્યું હતું. જય પણ ફોનમાં મેસેજ ટાઈપ કરતા અટકી ગયો હતો ને હાથમાં ફોન રાખીને મારી સામે જ જોઈ રહ્યો હતો.
“ઓય...” કહીને મેં ચપટી વગાડી જેથી તે બંને જાણે ભાનમાં આવ્યા હોય તેમ તેમના અધૂરા મૂકેલા કામ પૂરા કર્યા. ઓમે પાણી ગળે ઉતાર્યું અને જયે ફોન બાજુમાં મૂક્યો.
“બાય ધ વે તું શું ખાઈને આવ્યો છે આજે?” ઓમે પૂછ્યું.
“ગબ્બરની ગાળો” જય બોલ્યો અને ત્રણેય હસવા લાગ્યા.
ક્રમશ ભાગ ૯ માં... આપને અત્યાર સુધી વાર્તા કેવી લાગી તે લેખકને મોબાઈલ નંબર ૯૨૨૮૫૯૫૨૯૦ પર પણ જણાવી શકો છો...આપણા પ્રતિભાવો હમેશા સ્વીકાર્ય છે.