The first half - 2 books and stories free download online pdf in Gujarati

ધ ફર્સ્ટ હાફ - 2

“ધ ફર્સ્ટ હાફ”

(ભાગ – 2)

વિરાજગીરી ગોસાઈ

ગવર્મેન્ટ પોલીટેકનીક કોલેજ,

જામનગર, ગુજરાત, (ભારત)

અમે આશરે પચીસ જેવા વિદ્યાર્થીઓ બેઠા બેઠા અમારા પર્સનલ ઈન્ટરવ્યૂની રાહ જોઈ રહ્યા હતા. સૌરાષ્ટ્રની જૂદી જૂદી કોલેજોમાંથી વિગો ગ્રૂપ ઓફ કંપનીઝના પર્સનલ ઇન્ટર્વ્યૂ માટે એ બધા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા કે જેઓ કંપની દ્વારા લેવાયેલા કેમ્પસ ઇન્ટર્વ્યૂના લેખિત રાઉન્ડમાં પાસ થયા હોય. અમારી કોલેજમાંથી અમે ફક્ત ત્રણ વિદ્યાર્થીઓ જ હતા. હું, મકબૂલ અને રવિ. સામાન્યતઃ જે પરિસ્થિતિ કોઈ સરકારી કોલેજના ક્લાસની હોય તેવી જ ત્યાંના ક્લાસની હતી. ઉનાળાની બપોરની કાળજાળ ગરમીમાં રૂમના પંખાઓ તેનાથી બનતી હવા ફેંકી રહ્યા હતા પરંતુ બારીમાંથી આવતી ગરમ લૂ પંખાની હવામાં ભળીને આખા ક્લાસને ગરમ બનાવી રહી હતી અને તે પંખાઓની બધી મહેનત પર પાણી ફેરવી રહી હતી. ક્લાસમાં કોઈ કઈં માહિતી આપવા ન આવ્યું તેને ઘણો સમય વીતી ગયો હોવાથી ઘોંઘાટ વધી ગયો હતો. એવામાં તે કંપનીનો એક કર્મચારી આવ્યો અને દરવાજા પાસે જ ઉભો રહી ગયો. તેના હાથમાં એક કાગળ હતો જેમાં તે જોવા લાગ્યો.

“ઋષિકેશ પારેખ” થોડીવાર બાદ તેને મારું નામ જોરથી ઉચાર્યું.

“યસ” કહીને મેં મારો હાથ ઉંચો કર્યો.

“તમારે પર્સનલ ઇન્ટર્વ્યૂ માટે રૂમ નંબર ‘૫’ માં જવાનું છે” તે તેના હાથમાં રહેલા કાગળમાં જોઇને બોલ્યો અને ત્યાંથી જતો રહ્યો. તેને કાગળની બહાર રૂમમાં એ જોવાની તસ્દી પણ ના લીધી કે ઋષિકેશ પારેખ કોણ છે! કદાચ તે ઉતાવળમાં હશે.

હું મારી જગ્યાએથી ઉભો થયો અને બહારની તરફ ચાલવા લાગ્યો. મેં મારા જીવનનું પહેલું બ્રાન્ડેડ કાળું ફોર્મલ પેન્ટ પહેર્યું હતું કેમ કે મારે તે મારા પપ્પાના ફ્રેન્ડની દૂકાનેથી જ ઉધારમાં લેવાનું હતું અને તે સમયે તેમની પાસે ફક્ત બ્રાન્ડેડ પેન્ટ જ બચ્યા હતા. મેં બ્લૂ કલરની ઉભી લાઈનીંગ વાળો શર્ટ પહેર્યો હતો અને સસ્તા ફોર્મલ શૂઝ પહેર્યા હતા જે કોઈ છોકરીના સેન્ડલની માફક અવાજ કરી રહ્યા હતા. ત્યાં બેઠેલામાંથી મારા જેવા મધ્યમ કે પછી તેનાથી થોડીક નીચેની ક્લાસના છોકરાઓ આ સેન્ડલના અવાજને સમજી શકતા હતા કેમ કે તેઓ પણ એવું જ કઈક સેટીંગ કરીને જેમ તેમ કરીને ઇન્ટર્વ્યૂ આપવા પહોચ્યા હતા પરંતું થોડા ઊંચા કે પછી એમ કહી શકાય કે ‘સારા’ ઘરના છોકરાઓ અમારા બૂટના આ અવાજ સાંભળીને અંદરોઅંદર હાસ્યાસ્પદ ટિપ્પણીઓ કરી રહ્યા હતા.

હું રૂમ નંબર ૫ પાસે પહોચીને ઘડીભર ઉભો રહ્યો. ઊંડો શ્વાસ લીધો અને પછી અંદર ડોકિયું કર્યું. ટેન્સનમાં હતો, નર્વસ હતો. કેમ ના હોય? જીવનનું પહેલું ઇન્ટરવ્યૂ જો હતું .

“મેં આઈ કામ ઇન સર?” મેં પૂછ્યું.

“યસ, પ્લીસ કમ ઇન” અંદરથી અવાજ આવ્યો. હું અંદર ગયો, સામેથી બેસવાનો આગ્રહ કરવામાં આવ્યો એટલે હું ખુરશી માં બેસ્યો.

“હમમ્મ...ઋષિકેશ પારેખ”

“હા સર” હું ઉતાવળમાં જ બોલી ઉઠ્યો જયારે કે તેઓ ફક્ત મારું નામ મારા રિઝયુમ માં વાચી રહ્યા હતા. મને મારી પહેલી ભૂલનો અહેસાસ થયો.

“મને તમારો ટૂંકો પરિચય આપો” તેને ઈન્ટરવ્યું નો પ્રથમ સવાલ પૂછ્યો.

“મેં મારો એન્જીન્યરીંગ નો અભ્યાસ રાજકોટથી કર્યો છે” મેં મારો જવાબ આપવાનું શરુ કર્યું અને પછી પરિવારના સભ્યોની માહિતી આપવા લાગ્યો ત્યાં જ તેમને મને રોક્યો અને પૂછ્યું, “આ ટેક્નોસાથી શું છે?”

“ટેક્નોસાથી એ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી ગુજરાત રાજ્યની પોલીટેકનીક અને ઈજનેરી કોલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટેની યોજના હતી કે જેમાં અઠવાડીયાના ત્રણ દિવસ દરમ્યાન નગરપાલિકામાં જઈને ત્યાંના કામકાજ શીખવાના ને એવું બધું, અને આ ત્રણ દિવસ કોલેજમાં રજા મળતી” મેં તે પ્રોજેક્ટ વિશે ખબર હતી એટલી માહિતી આપી. ત્રણ દિવસ કોલેજમાં રજા મળતી એ વાત મેં ભાર દઈને કહી. તેઓએ પોતાના ચશ્માં નીચે કરીને મારી સામે જોયુ.

“તમે ત્યાં ‘એક્ચુલી’ શું કરતા ? આઈ મીન તમારો રોલ જણાવી શકો?” તેમને મને પૂછ્યું.

“કાઈં ખાસ નહિ...” હું આટલું બોલ્યો ત્યાં જ તે પૂછી બેઠાં, “વ્હોટ?”

“આઈ મીન.....આમ તો અમારે નગરપાલિકાના કામ શીખવાના હતા પરંતુ તેઓ અમને એક જ મહિનામાં એસ્ટીમેટ, બિલ ચેકિંગ જેવા એક્ચુઅલ કામ આપવા લાગ્યા હતા” મેં પરિસ્થિતિ સંભાળવાનો પ્રયત્ન કર્યો.

“કોઈ ભી એક પ્રોજેક્ટ વિશે કાઈં યાદ છે??”

“હા સર, ઈ.એસ.આર. પ્રોજેક્ટ અંડર યૂ.આઈ.ડી.એસ.એસ.એમ.ટી સ્કીમ” હું જાણી જોઇને શક્ય એટલા ટૂંકા નામથી જવાબ આપી રહ્યો હતો, “એલીવેટેડ સ્ટોરેજ રીસોર્સીસ” મેં જવાબમાં ઉમેર્યું. હું ઈચ્છતો હતો કે તે મને એવા પ્રશ્નો વધારે પૂછે જે મને આવડતા હતા.

“યૂ.આઈ.ડી.એસ.એસ.એમ.ટી શૂં છે?” તેમણે પૂછ્યું.

“અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ સ્કીમ ફોર સ્મોલ એન્ડ મીડીયમ ટાઉન” મેં આ જવાબ પણ ટૂંક માં જ આપ્યો.

“સરસ. આ ઈ.એસ.આર નો ડાયામીટર કેટલો હતો?” હવે તેઓએ ટેકનીકલ પ્રશ્નો પૂછવાનું શરુ કર્યૂ અને લગભગ ૨૦ મિનીટ સૂધી પ્રશ્નોનો મારો ચાલુ રહ્યો. અને અચાનક તેના તરફથી લગભગ દરેક ગુજરાતીને ન ગમતો પ્રશ્ન પૂછવામાં આવ્યો.

“તમને ભારતના કોઈપણ રાજ્યના કોઈપણ શહેરમાં કે જ્યાં કંપનીનો પ્રોજેક્ટ ચાલતો હશે ત્યાં મૂકવામાં આવશે, તેના માટે તૈયાર છો?”

“હા સર. હું તૈયાર છું” મેં કહ્યું. વાસ્તવમાં હૂં બિલકુલ તૈયાર ન’હતો મારા ગુજરાતને છોડીને ક્યાય જવા માટે, પણ જેમ દરેક વ્યક્તિ ઇન્ટરવ્યુંમાં પાસ થવા માટે અને નોકરી મેળવવા માટે આ પ્રશ્નનો જવાબ હા આપે એમ મેં પણ હા પાડી.

“તે ઓરિસા, મુંબઈ કે પછી ચેન્નાઈ કોઈપણ શહેર જોઈ શકે છે” તેને મને ચકાસવા વધુ એકવાર પૂછ્યું.

“એનાથી કાઈ ફરક નથી પડતો સર. એક કન્સ્ટ્રકશન કંપનીની પરિસ્થિતિ હું સમજી શકું છું” મેં તેમને ખાતરી કરાવી. વાસ્તવમાં મને એનાથી કોઈ જ ફરક ન’તો પડતો કે કંપનીની પરિસ્થિતિ કેવી છે. ઘરે જઈને ઈન્ટરવ્યુંમાં પાસ થઈને આવ્યો એવું કહી શકાય તે માટે જ મેં તેની બધી શરતો માની હતી.

તેમના પ્રશ્નો પરથી એવું લાગી રહ્યું હતું કે તેઓ મારું ઈન્ટરવ્યું પૂરું કરવા જઈ રહ્યા છે એવામાં જ ત્યાં હ્યુમન રીસોર્સીસ ટીમના એક મેડમ આવીને મારા ફેમીલી બેકગ્રાઉન્ડ વિશે પૂછવા લાગ્યા અને મારું ઈન્ટરવ્યું ૧૦ મિનીટ વધુ લંબાવ્યું.

“સારું ત્યારે તમે રૂમ નંબર ૧ માં બેસો. વી વિલ ઇન્ફોર્મ યૂ અબાઉટ યોર નેક્સ્ટ પ્રોસેસ” તે બોલ્યા અને હું ત્યાંથી નીકળીને રૂમ નંબર ૧ માં આવીને બેઠો. બપોરના લગભગ ૨ વાગ્યા હશે અને તે રૂમ માં ઈન્ટરવ્યુંના પરિણામની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. એક એક મિનીટ એક કલાક જેવી લાગી રહી હતી. અને એવામાં બાકી રહેતી કસર કાળજાળ ગરમી પૂરી કરી રહી હતી. થોડી જ વારમાં તે હ્યુમન રીસોર્સીસ ટીમના મેડમ આવ્યા. તેના હાથ માં એક કાગળ હતો. ઘણા છોકરાઓની નજર તે મેડમ પર હતી અને ઘણાની તે ‘કાગળ’ પર.

“ગૂડ આફ્ટરનૂન ઓલ” તેણીએ થોડુ મોટેથી કહ્યું.

“વેરી ગૂડ આફ્ટરનૂન મેડમ” બધા એકસાથે બોલ્યા.

“તમારા પર્સનલ ઈન્ટરવ્યું સાથે અહિયાં તમારા બધા જ સ્ટેપ્સ પૂરા થાય છે અને મારા હાથમાં છે તમારા પર્સનલ ઈન્ટરવ્યુંના રિઝલ્ટ્સ. બેસ્ટ ઓફ લક” બોલીને તેને નામ બોલવાનું શરુ કરી દીધું, “પ્રવીણ પરમાર, દર્શન પટેલ, દિપ્તી ઝાલા, મકબૂલ રહેમાન, રવિ પટેલ, ઋષિકેશ પારેખ...”

તેમનુ નામ બોલવાનું ચાલુ જ હતું પરંતુ મારા નામ પછી આગળ ક્યાં ક્યાં નામ આવ્યા એની મને ખબર જ ના રહી. હું વિચારતો જ રહી ગયો કે મને નોકરી મળી ગઈ હતી, હા કોલેજ પૂરી થાય એ પહેલા જ મારા હાથ માં નોકરી હતી. મન ખૂશીનું માર્યું આમતેમ કુદાકૂદ કરવા લાગ્યું હતું. હૃદયના ધબકારા વધી ગયા હતા. પણ બીજી જ ક્ષણે મારું હૃદય ધબકારો ચુકી ગયું જયારે તે મેડમ બોલી, “કોન્ગ્રેચ્યુલેસંસ ટૂ ઓલ વૂ આર સિલેક્ટેડ, તમને તમારા એપોઇન્ટમેંટ લેટર કુરીઅર કરી દેવામાં આવશે. અને જેઓ સિલેક્ટ નથી થઇ શક્યા તેઓને બેટર લક નેક્સ્ટ ટાઈમ. સી યૂ ઇન હઝીરા” તે ક્લાસ રૂમમાંથી બહાર નીકળી ગઈ. મારે હવે બીજા શહેરમાં જવાનું હતું.

“અમે બધા એકબીજાને અભિનંદન આપવા લાગ્યા અને એક પછી એક ત્યાંથી ઘરે જવા માટે નીકળવા લાગ્યા. અલબત જેઓ સિલેક્ટ ન’તા થયા તેઓ સૌપ્રથમ ત્યાંથી નીકળી ગયા હતા. સિલેક્ટ થયેલા તમામને વિગો ગ્રૂપ ઓફ કંપનીઝના સૂરત પાસે આવેલા હઝીરામાં ટ્રેનીંગ સેન્ટરમાં ટ્રેનીંગ માટે જવાનું હતું. અમે પર્સનલ ઈન્ટરવ્યુંમાં સિલેક્ટ તો થઇ ગયા હતા પરંતુ અમારે હજી ફાઇનલ સેમેસ્ટરની પરીક્ષામાં ઓછામાં ઓછુ ૬૦% સાથે પાસ થવાનું હતું જે પરિક્ષા અમે એક મહિના પહેલા જ આપી ચુક્યા હતા! હું, રવી અને મકબુલ રેલ્વે સ્ટેસન આવ્યા અને ઇન્ટરસીટી ટ્રેન પકડીને રાજકોટ આવવા નીકળી ગયા. ટ્રેનમાં રવીએ મને કહ્યું કે તેને હજી નક્કી નથી કર્યું કે તે નોકરી કરશે કે આગળ સ્ટડી કરશે અને મકબૂલ પણ નિર્ણય ન’તો લઇ શકતો કે તેને શું કરવું છે. આ બંનેના જવાબો સાંભળીને હું બરાબરનો મૂંઝાયો હતો.

***

સમય તેનું કામ કરી રહ્યો હતો અને ફાઈનલ પરીક્ષાના પરિણામ આવ્યા. સદનશીબે હું તેમાં પાસ થઇ ગયો હતો. મને પરિણામ આવ્યા પછી પંદર દિવસમાં એપોઇન્ટમેંટ લેટર મળી ગયો. હું પણ મારા જીવનના એ તબક્કામાં ખૂબ જ મૂંઝવણમાં હતો પણ મારા પિતાજીએ મને કહ્યું કે, “ચિંતા ના કર, હું બેઠો છું ને. તું તારે જા”. મેં મારા કેરીયરનો સૌથી અગત્યનો નિર્ણય લીધો અને નિકળી પડ્યો સુરત જવા. અલબત મારું સપનું કઈક બીજું જ હતું જે કોઈ “સામાન્ય” ઘરના છોકરા માટે મૂશ્કેલ અને વિચિત્ર હતું.

***

રુચાનું ઘર, મુંબઈ.

“એવું તે કેવું સપનું હતું તારું જે તને વિચિત્ર લાગતું હતું?” તેમને આશ્ચર્યથી પૂછ્યું.

“ફિલ્મ બનાવવાનું!” મેં કહ્યું.

“ઓહ, ફિલ્મ બનાવવાનું એ કઈ વિચિત્ર થોડી કહેવાય?”

“સામાન્ય ઘરના છોકરા માટે તો વિચિત્ર જ કહેવાય”

“એવું કોને કહ્યું? સપના કોઈ દિવસ ઘર જોઇને જન્મ નથી લેતા રિષી” તે બોલ્યા.

“સપના કોઈ દિવસ ઘર જોઇને જન્મ નથી લેતા. કેવા ભારે શબ્દો છે આ! વિચારતા કરી મૂકે લોકોને” મેં કહ્યું અને હસવા લાગ્યો.

“હસ નહિ, આગળ બોલ” તે ખિજાઈને બોલ્યા. મારે ચુપ થઇ જવું પડ્યું. મેં આગળ બોલવાનું ચાલુ કર્યું.

ક્રમસ: ભાગ ૩ માં, અને હા તમને આ વાર્તા કેવી લાગી એ મને જરૂરથી જણાવશો...

Whatsapp / Phone – ૯૨૨૮૫ ૯૫૨૯૦

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED