"અખિલેશ બેટા, જમવા બેસી જાઓ ચાલો !" મંજુ માસીએ બૂમ પાડી. આજે તો શાળામાં પડેલા દિવાળીના વેકેશને આખા ઘરમાં પોતાની હાજરી નોંધાવી દીધી. યુનિફોર્મની ટાઈ ઢીલી થઈ , બુટ હવામાં જ્યાં ત્યાં ઉડી વિરુદ્ધ દિશામાં ફેંકાયા અને દફતર ફંગોળાઈ ગયું.
"મોમ ક્યાં છે ?" અખિલેશનો સીધો સવાલ. "મેમ સાબ, NGO ગયા છે, પણ બેટા ગરમા ગરમ જમવાનું તૈયાર છે, પહેલા જમી લે. " મંજુએ થોડી અકળામણ બતાવી. "હું મોમ સાથે જમીશ. આજથી મારે વેકેશન છે, મને કોઈ કામ કરવાની કોઈ ઉતાવળ નથી. અત્યારે રમવા જાઉં છું, મોમ આવે ત્યારે બોલાવજો." અખિલેશ ઉતાવળા પગલે ઘરની બહાર નીકળી ગયો.
સંપન્ન પરિવારનો લાડકવાયો અખિલેશ ઘણા ખરા સમયે તો પોતાનું ધાર્યું જ કરતો. શહેરની શ્રેઠ શાળામાં સાતમા ધોરણમાં ભણતો. અખિલેશની મોમ સમાજ સેવાના કામમાંથી ફુરસદ નહોતા કાઢી શકતા અને એના પોપ ઉર્ફે પપ્પા બેઝનેસ માં રચ્યા પચ્યા રહેતા. આને કારણે અખિલેશ ચિડાતો પણ ખરો. લાંબા ગાળે એને સમજાય ગયેલું કે આ તો આવું જ ચાલવાનું છે.
એણે પોતાની દુનિયામાં મસ્ત રહેવાનું ચાલુ કર્યું. ડ્રાઈવર કાકાને પણ ઘણી વાર શાળાથી સીધા ઘરે જાવાની બદલે, કાર બીજા રસ્તે વાળવાની સૂચના આપતો. આમ એની પાસે બધું જ હતું અને આમ એની પાસે કંઈ જ ન હતું.
મંજુ માસી સિવાય ઘરમાં બીજા ઘણા નોકરો હતા. ઘર માત્ર નોકરોથી ભર્યું હોય એવું લાગતું પૈસાને સૌ ઓળખે એ નાતે અખિલેશને મિત્રો ઘણા, પણ તોય જિંદગીમાં કોઈ અધૂરપની ફરિયાદ એણે કોરી ખાતી. કંઈક અંશે એ એકલવાયો રહેવા ટેવાય ગયેલો.
એ બપોરે અખિલેશે કંઈ જ ના ખાધું. સમાજ સેવિકા આવ્યા જ સાંજે. અખિલેશ રમીને આવ્યો કે તરત પહોંચ્યો દીવાન ખંડમાં. જાજરમાન ખંડમાં એવું જ જાજરમાન વ્યક્તિત્વ સોફા પર બેઠેલું. "મોમ, મારે આજથી વેકેશન છે."
"ઓહ , ગ્રેટ! કયા ક્લાસીસ જોઈન કરવાનું વિચાર્યું છે ? યુ નો વ્હોટ , સેલ્ફ ડેવેલપમેન્ટ બહુ જરૂરી છે ચારિત્ર્ય નિર્માણ માટે……" ચશ્માને સરખા કરતા રાધિકા બેન બોલ્યા.
"કોઈ ક્લાસીસ નથી કરવા મારે મોમ, આ દિવાળી વેકેશન છે" અણગમો ઉમેરી અખિલેશ બોલ્યો. "દિવાળી પાંચ દિવસનો તહેવાર છે અને તારે રજા એક મહિનાની છે . આટલો બધો ટાઈમ વેસ્ટ કરાય ?" હંમેશની જેમ આ વાત પણ આવી જ રીતે ચાલી.
એક સવારે મંજુની રાહ જોઈ પણ આવી નહિ. રાધિકાબેને તો નોકરોનું પણ બેકઅપ રાખેલું, પણ અખિલેશને ખાસ મજા આવી નહિ. એટલે એણે ડ્રાઈવર કાકાને કહી કાર બહાર કઢાવી. એક વાર મંજુની સાથે એના ઘરે પહોંચી ગયેલો, એ વાત પર ઘણી બબાલ થઈ હતી. અખિલેશને રસ્તાઓ સારા યાદ રહી જતા.
બંગલાઓની હરોળ પુરી થઈ થોડા કિલોમીટર પછી ઝુંપડાઓની હારમાળા શરુ થઈ. અખિલેશ અંદર ગયો. ઝુંપડાના તૂટેલા નળિયાંમાંથી આવતો સૂરજ એને આકરો લાગ્યો. મંજુ ખાટલા પાસે બેસી એના દીકરાના કપાળ પર પાણીના પોતા મુકતી હતી. અખિલેશને જોઈ ઉભી થઈ ગઈ. "અરે , તું અહીંયા ? મેમ સાબ ને ખબર પડશે તો આપણા બંનેનું આવી બનશે" થોડી ગભરાટ સાથે ઉમેર્યું. ડ્રાઈવર કાકાને જવાની સૂચના આપી અખિલેશ ખાટલાની બાજુમાં પડેલી તૂટેલી ખુરશી પર બેઠો. "એ બધું છોડો, રાહુલને શું થયું છે ?"
"કાલ રાતનો તાવ ચડ્યો છે હજી ઊતર્યો નથી." ખુરશી પરથી ઝડપથી ઉભા થઈ એને ડ્રાઈવર કાકા ને જતા રોક્યા. કાકા તમે રાહુલને કારમાં બેસાડવામાં મદદ કરો. એક ક્ષણના વિલંબ વગર રાહુલને દવાખાને લઈ જવો પડશે. મંજુ, રાહુલ અને અખિલેશ દવાખાને પહોંચ્યા. પ્રારંભિક તપાસ અને સારવાર ચાલુ થઈ, એટલે અખિલેશ ઘરે પાછો આવ્યો અને ડ્રાઈવર કાકાને આ વાત કોઈને ના કહેવા કહ્યું. "મોમ મને થોડા રૂપિયાની જરૂર છે. એક તબલા શીખવાના ક્લાસીસ જોઈન કર્યા છે, એની ફી ભરવાની છે!" રાધિકાબેને ફાઇલમાંથી માથું ઉંચુ કરી જોયું અને બીજા એક પણ સવાલ વગર પૈસા આપી દીધા.
પૈસા લઈ સીધો દવાખાને પહોંચી મંજુને પૈસા આપી દીધા. મંજુએ ધરાર લેવાની ના પાડી, પણ અખિલેશે ખુબ આગ્રહ કર્યો. બે દિવસ આમ ચાલ્યું. આવતા જતા અખિલેશ ફ્રૂટ પણ લેતો જતો. ત્રીજા દિવસે રાહુલ સાજો થઈ ગયો અને દવાખાનાનું બિલ ચૂકવી અખિલેશ એને ઘર સુધી મુકવા ગયો. રાહુલ અને મંજુની આંખમાં અહોભાવ હતો. "કાલે અહીં રમવા આવજે " રાહુલે અખિલેશને કહ્યું.
બીજા દિવસે સાંજે ફરી તબલા ક્લાસીસના બહાને અખિલેશ રાહુલને ત્યાં પહોંચ્યો. "આજે હું તને મારા બીજા મિત્રો સાથે મળાવું!" રાહુલે બધાને રમવા માટે બોલાવ્યા. અખિલેશ બધાને આશ્ચર્ય સાથે જોતો રહ્યો. કપડામાં થીગડાં છે કે થીગડાંમાંથી કપડાં બનાવ્યા છે એ કહેવું મુશ્કેલ હતું. શરૂઆતમાં બધા થોથવાયા , પણ રમવાનું શરુ કર્યું પછી કોઈ ભેદભાવ રહ્યો નહિ.
એ રાત્રે અખિલેશને નિરાંતે નીંદર આવી. વળી મનમાં એક વિચાર પણ સતત રમ્યા કર્યું કે આ લોકો પાસે તો કંઈ જ નથી, દિવાળી કેમ ઉજવતા હશે ? પછીના દિવસે અખિલેશે આ વાત રાહુલને પૂછી. રાહુલ ફિક્કું હસી બોલ્યો, "આ અમારો તહેવાર જ નથી, અમે તો આકાશમાં કોઈએ ફોડેલા તારા મંડળ જોઈ ખુશ થઈએ. અમારા તો ઘરમાં ત્રણ વખત જમવાનું મળી જાય એ દિવસ દિવાળી!" અખિલેશ સાંભળતો રહ્યો. ઘરે આવ્યો તો એના પોપ લક્ષ્મી પૂજન કરતા હતા. આજે ધનતેરસ છે, આવ તું પણ પૂજામાં સામેલ થઈ જા.
ચુપચાપ પછીના દિવસે એના માટે ખરીદેલા બધા જ ફટાકડા, કપડાં અને મીઠાઈ લઈ એ ઝુપડપટ્ટીમાં પહોંચ્યો. બધાને બોલાવી એને ખુશીઓ છુટ્ટા હાથે વહેંચી. બધાના ચેહરા પર દરિયાના દરિયા ભરાય એટલો આનંદ હતો. અખિલેશે એ રાત્રે જિંદગીને નજીકથી જોઈ. એક દીવાથી બીજા કેટલા દિવા પેટાવી શકાય છે.
: અવની બધેકા