ઢળતી સાંજના સમયમાં ક્યાં ખબર હતી કે ખુશીનો માહોલ છવાઈ જશે. એક પુત્ર ઉપરાંત એક બીજા સંતાનની માતા બનનાર સ્વાતિ દીકરીની આશ લઈને જ બેઠી હતી.અને જાણે ભગવાને તેની પ્રાર્થના સફળ કરી તેમ તેને ઘેર લક્ષ્મીજી જ પધાર્યા.
દીકરીનો જન્મ થયો હોવાથી સ્વાતિના સાસુ-સસરા નારાજ હતા. પણ ઘરના બાકી બધા સદસ્યો એટલે કે નીરજ અને સ્વાતિ તેમનો દીકરો અંશ એ ત્રણેય ખૂબ જ ખુશ હતા. અંશ તેની બહેનનું ખૂબ ધ્યાન રાખતો. આ દીકરીના આવ્યા પછી જે ખુશીનો માહોલ જોયો તે મુજબ તેમને દીકરીનું નામ ખુશી જ રાખી દીધું હતું.
આ સાથે અંશના કાકા કાકી પણ ખૂબ જ ખુશ હતા. તે અંશ અને ખુશીને ખૂબ પ્રેમ કરતા. તેઓ અંશ અને ખુશીને જ તેમના સંતાન માનતા હતા. જેના કારણે તેમણે ક્યારેક પોતાના સંતાન વિશે કાઈ વિચાર્યું જ નહીં. તે હંમેશા કહેતા કે અંશ અને ખુશી અમારા જ સંતાન છે. તેમની આ લાગણી જોઈ ને તેમના પ્રત્યેનું માન ખૂબ જ વધી ગયું હતું.
અંશ ને તેના કાકા કાકી સાથે વધારે મજા આવતી. કાંઈ પણ કામ હોય , કોઈ વાત મનાવવી હોય , કોઈ નવી વસ્તુ લેવી હોય અંશ પહેલા તેના કાકા કાકી ને જ કહેતો અને ખુશી તેના મમ્મી પપ્પાની વધારે લાડકી હતી .
પણ અંશ જે કાંઈ પણ વસ્તુ લેતો તે ખુશી માટે પણ લેતો . ક્યારેય તેણે મારી વસ્તુ છે તેવું વર્તન નહોતું કર્યું . ખુશી પણ એવી જ હતી , કોઈ પણ વસ્તુ કે કામ હોય પણ ભાઈ ને પહેલા જ માન આપતી હતી.
ધીમે ધીમે અંશ અને ખુશી મોટા થવા લાગ્યા. પ્રેમ વધ્યો, લાગણી વધી, સાથે સાથે ભાઈ-બહેન નો મીઠો ઝગડો પણ વધ્યો.
પણ ત્યારે બધા ને લાગતું હતું કે હજી નાના છે ત્યાં સુધી આ લાગણી છે પછી તો જવાબદારી નિભાવવામાં સાથે પણ નહીં હોય.
અંશ અને ખુશી એ લોકોની વાતને જાણે સાવ ખોટી પાડી દીધી હતી. અંશ કોલેજમાં ભણતો હતો અને ખુશી 12 ધોરણમાં હતી. બંને પુરા સમજદાર થઈ ગયા હતા.
એ સમયે અંશને તેની કોલેજની મિત્ર રુહી સાથે પ્રેમ થયો. તેણે તરત આ વાત ખુશીને કરી. અને તે સમયે ખુશી એ એક મોટી બહેન બની ને અંશ પાસેથી રુહી ની બધી માહિતી મેળવી , અને ખુશીએ પોતાની રીતે પણ રુહી ની માહિતી મેળવી.
બધું બરાબર લાગતા આ વાત અંશ એ ઘરમાં કરી ત્યારે કોઈ સહમત થયું ના હતું. કારણ કે રુહી બીજી જ્ઞાતિની હતી. પણ ખુશીએ હાર ના માની. ઘણી કોશિશ કરી બધાને મનાવવાની અને કાકા-કાકી ને માનવી લીધા. તેમને પણ રુહી પસંદ આવી હતી.
સ્વાતિ અને નીરજ ને મનાવવામાં થોડો સમય ગયો પણ તેઓ પણ અંશની ખુશી અને ખુશીની તેના ભાઈ માટેની મહેનત જોઈને માની ગયા હતા.
ખુશી એ પોતે લગ્ન ન કરવા ની વાત રુહી ને કરી હતી . ખુશી ને પોતાનું સપનું પૂરું કરવું હતું . અને લગ્ન ના કરવા એ બીજું સપનું હતું .ખુશી એ પોતાના સપના ની બધી જ વાત રુહી ને કરી જ દીધી હતી . ખુશીનું સપનું હતું કે તે અનાથ બાળકો અને વૃદ્ધાશ્રમ માં રહેતા દાદા-દાદી ને સાથે રાખે અને તેમની સારસંભાળ કરે . ત્યારે રુહી એ પણ પ્રેમાળ સ્વભાવે ખુશી ને સાથ આપ્યો હતો . અને ખુશી ના સપના ને માન આપ્યું હતું.
ત્યાર બાદ થોડા જ સમયમાં અંશ અને રુહીના લગ્ન થઈ ગયા. અને એક વર્ષ પછી તેમના ઘરમાં પણ પારણું બંધાણું. તેમના ઘેર પણ દીકરો આવ્યો હતો, જેનું નામ રૂદ્ર રાખ્યું હતું. ખુશી રુદ્રને ખૂબ સાચવતી.
રુહીને ભાઈ-બહેન નો અને ખુશીનો રૂદ્ર પ્રત્યેનો પ્રેમ જ દેખાતો હતો. ત્રણેય સાથે રહેતા હતા. અંશ અને રુહી , ખુશીના સપના સાકાર કરવામાં પણ મદદરૂપ બન્યા. આ ત્રણેયમાં ક્યારેય એકબીજા પ્રત્યે નારાજગી, અણગમો , કડવાશ ના હતા. કહી શકાય કે ત્રણેય વચ્ચે દિલના સંબંધો બંધાયેલા હતા.