સીરીયસલી ? kuldeep vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સીરીયસલી ?

સીરીયસલી ?
૫/૧૧/૨૦૧૮
સમજાતું નથી કે આ કોલમની શરૂઆત ક્યા મુદ્દાથી કરુ. આટલા કન્ફ્યુઝ તો બેનો સાડી લેતી વખતે ય નૈ થયા હોય એટલી મૂંઝવણ છે બોલો! હવે આમાં કન્ફ્યુઝન માટે બેનોની જગ્યાએ હું રાહુલ ગાંધીને ય લઈ શકુ પણ વળી પાછા એ જ રાજકારણમાં પડવુ એ આપણને પોસાય નહીં. આપણે તો દિવાળીના ફટાકડા ય કોર્ટનો આદેશ પાળીને ફોડનારા માણસો, તો આપણને રાજકારણ ક્યાંથી ફાવે! પણ તોય આપણો મત તો આપણે આપીએ જ‌ કે મોદીએ આમ કરવું જોઈ ને રાહુલે આમ ન કરવું જોઈએ. હવે આ આપણી મહાનતા જ કેવાય! પણ આ બધામાં એક સવાલ એવો ઉદ્ભવે છે કે 9ને ૫૯ મિનિટ ને 59 સેકન્ડે જે ફટાકડો સળગાવ્યો હોય એનું શું કરવાનું? કો'ક આપણા ઉપર કેસ કરે તો એ શું ફૂટેલા ફટાકડા સબૂતમા આપશે એ પાછો બીજો સવાલ! પણ આ બધી માથાકૂટમા ન પડતા આપણે આપણી મૂળ વાત ઉપર આવીએ.
હમણાં વાત જાણે એમ બની કે એક મેસેજ વોટ્સએપમા ફરતો થઈ ગયો. (આમેય હવે મેસેજ જ ફરતા હોય છે, માણસ તો મોબાઇલમાં ‌જ સ્થિર થઇ ગ્યો છે!!!) દિવાળી જેવું તો કંઇ લાગતું જ નથી તો ભાઈ પતંગ ચગાવ, પિચકારી લઈને હોળી કર. હવે આમાં હોળી કર એમાં પાછું કન્ફ્યુઝન. હોળી તો આગથી થાય તો એમાં પિચકારીની શું જરુર ? ઘણા તો પોતાની જીભથી એ હોળી કરાવી નાખે તોય એમને કોઈ પાકિસ્તાન જવાનું નહીં કે એ‌ ય એક જોવાની વાત છે. પાકિસ્તાનથી યાદ આવ્યું કે હમણાં સરદાર પટેલની જન્મ જયંતી ઉજવાઇ ત્યારે એવા રાજ્યો ને જોડવા માટે એમને વધારે યાદ કરવામાં આવ્યા કે જેમને ભારતમાં ન'તુ જોડાવું. હવે એ ચાર રાજ્યોની આખો દિવસ બધાએ વાતો કરી પણ બાકીના ૫૬૦ રજવાડાનું શું એવું તો કોઈને મગજના ના આયુ. આ મુદ્દો તો એવી રીતે નીકળી ગયો કે જાણે છોકરીઓ મુરતીયાઓની લીસ્ટમાથી પોપટલાલનુ નામ‌ કાઢી નાખે. તોય પાછું આપણે મહાસત્તા બનવું છે બોલો! એ તો ઠીક છે બધાની ઈચ્છા હોય પણ એની હારે ફરજો આવે એ નિભાવવા કેટલા તૈયાર છે એ ય જોવું જોઈએ ને. બધાયને દેશને ભ્રષ્ટાચાર મુક્ત કરવો છે પણ પાછું સામે એ  છે કે મારી ફાઈલ રોકાવી ન જોઈએ. બધા છોકરા ને 95 ટકા માર્ક જોઈએ છે પણ પાછું બુક ફેસ કરવા કરતા ફેસબુક વધારે ગમે છે! અને એમાંય પાછું કામનું વાંચતા હોય તો વાંધો નહીં પણ આ જે અંગૂઠાવાળી કરે છે એમાં જ અડધો દેશ અંગૂઠાછાપ રહી ગયો. કે'વાય ગ્રેજ્યુએટ પણ એનો સ્પેલીંગ લખતાં ય આવડતો ન હોય. આમાં પાછું આપણે મહાસત્તા બનવું એ તો યાદ રાખવાનુ જ હો!
જો પાછી મારી ગાડી પાટા ઉપરથી ઉતરી ગઈ. હમણાં રેલવેમાં ટ્રાવેલ થાય છે ને એટલે રેલવેનો રોગ લાગુ પડી ગયો લાગે છે. પણ વાંધો નહીં આખો દેશ પાટા પરથી ઊતરતો હોય ત્યાં શું ખાટી લેવાનું. વાત એ હતી કે દિવાળી જેવું નથી લાગતું આવો મેસેજ તો હસવા પૂરતો હતો, પણ એનો મુદ્દો બહુ ગંભીર હતો. છેલ્લા કેટલાક વર્ષોથી આપણે બધાએ અનુભવ કરેલો જ છે કે હવે તહેવારની મજા પહેલા જેવી નથી રહી. એનું કારણ શું છે એ જાણવાનું તો કોઈએ પ્રયાસ જ નથી કર્યો.અને કદાચ પ્રયાસ થાય છે તો એ પાછા ભાઈબંધો ની પાર્ટીની જેમ "ખાધું પીધું ને મોજ કરી, આવી મજા રોજ કરી"  જેવું થઈ જાય છે. એનું કંઈ નક્કર પરિણામ કદાચ જોવા નથી મળતું. મૂળ મુદ્દો એ છે કે પહેલા તહેવાર વખતે આખું કુટુંબ ભેગું થતું, છ-સાત ભાઈ-બેન હોય એમાંથી અડધા તો આવતા જ અને એમનો પરિવાર તો હોય જ. આમ બધા ભેગા થઈને પચ્ચીસ-ત્રીસ લોકો તો થઈ જ જતા. હવે આમાં બહારના ‌લોકોની શું જરૂર. ઘર-ઘરના જ વધી પડે એવું છે. ને આનો ફાયદો મુસીબતના સમયે પણ થાય. બધા એકબીજાની પડખે ઉભા હોય. આ પેઢી તો હજી સારી છે પણ જે‌‌ નવી જનરેશન છે એ તો એના માબાપના એક કે બે સંતાન જ‌ છે. હવે એને ક્યારેક તકલીફ પડશે તો એની હારે કુટુંબનું કોણ રહેશે?આ વાત અત્યારે કદાચ વાંચવામાં નાની લાગતી હશે પણ જ્યારે બનશે ત્યારે એની ગંભીરતા એક અલગ જ લેવલ ઉપર હશે. આની એક ઝલક આ મેસેજ દ્વારા આપણને મળી ગઈ. હજી તો સારું છે કે આ તહેવારોની મજા માણવાના બહાને ય આપણે પરિવાર સાથે જોડાયેલા છીએ. બાકી જે રીતે વિદેશમાં છે એ રીતે જ થાય તો તો આ લેખ લખવાની જરૂર જ ન પડે કારણ કે એમાં તો તહેવારમાં ભેગા થવા જેવું કંઈ છે જ નહીં. આ તો આપણી સંસ્કૃતિ છે કે જે ભેગા કરીને જમવામાં માને છે, ભેગુ કરીને નહિ. આપણે હજી મહાસત્તા બનવું છે એ તો યાદ રાખવાનું જ.
નવા વર્ષે હજી આપણે બધા એકબીજાને મળવા જઈએ છીએ. પણ દિલ ઉપર હાથ રાખીને કહેજો કે પહેલા જે આખો દી' મળવામાં જાતો'તો એટલો ટાઇમ હવે જાય છે? ગામડામાં તો હજી સારું છે બાકી સિટીમાં તો બેસતા વર્ષના દી' તો અડધા દીવસમાં કામ પતી જાય છે. હા પછી મહિનો મળવાનું હાલે એ જુદી વાત છે! કીટી પાર્ટી ને નાસ્તા પાર્ટી. પણ બેસતા વર્ષના‌ દીવસે તો વાત ‌જ જવા દો. એમા ય અડધા લોકો તો ઘરે ન હોય. એમને ફોન કરીને પૂછીએ તો પાછા કહેશે કે કો'ક ઘરે આવે ઇ અમને ન ગમે. એટલે અમે આબુ આવી ગયા. હવે આ જ માણસ પાછો મુસીબત હોય તો બધાને બોલાવે. કાં ભાઈ, હવે જે આવશે એ શું એલિયન છે તે તને ગમશે! આ નવું ગણિત હો. આ તો એવી જ વાત થઇ ને કે રામ મંદિર તો અમે જ બનાવશું  પણ ક્યારે એ રામ જાણે... અને આપણને આ જ નડે છે. એક બાજુ આપણે આપણી સંસ્કૃતિની રક્ષા કરવી છે પણ બીજી બાજુ પોતાની સગવડ પણ સાચવવી છે.
અને આ‌ જે અત્યારે પરિસ્થિતિ એ છે કે આ લેખ લખવો પડે. બધા ને કે'વું પડે કે ભઈ આ આપણી સંસ્કૃતિ છે, આપણા તહેવાર છે. આ છેલ્લી પેઢી છે બાકી તમારા છોકરાને આવું કહેનારા બીજા કોઈ નહીં હોય. એ વિદેશના ભુરીયા આપણી સંસ્કૃતિ વિષે આપણા જેટલું તો ન જ જાણતા હોય ને! આ બધા માટે આપણે જ જવાબદાર છીએ. માનો કે ના માનો, આ એક નરુ સત્ય છે. સાવ સીધો નિયમ છે  કે તમે તમારા ઘરને તાળું ન મારો તો એ ચોર માટે તો ખુલ્લું આમંત્રણ જ છે. પછી તમે અફસોસ કરો તો શું ફાયદો. આવું જ હાલ આપણી હારે થાય છે. સમજાવું કેવી રીતે...
લોર્ડ મેકોલે, એ નામ બહુ ગર્વથી લેવાય છે. જેણે ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆતમા મહત્વનુ યોગદાન આપ્યુ.  શિક્ષણ ક્ષેત્રે બહુ લાંબી વાત ન કરતા એટલું કહી દઉં  કે લોર્ડ મેકોલેએ એના પિતાને લખેલા પત્રમાં જે વાતો લખી છે એનો સાર એવો થાય કે "હવે આપણે આપણી શિક્ષણ પદ્ધતિ ભારતીયોના મનમાં દાખલ કરી દીધી છે. હવે એ આપણી સંસ્કૃતિ ને એમની સંસ્કૃતિ કરતા વધારે ચડિયાતી માનતા થશે એ દિશામાં આપણે કામ શરૂ કરી દીધું છે." આ સાર છે શબ્દશઃ વાત નથી. પણ આટલાથી તમને એટલી તો સમજણ પડવી જ જોઈએ કે જે શિક્ષણ પદ્ધતિ ને આપણે સુધારાવાદી તરીકે ગર્વથી અપનાવી છે એ શિક્ષણ પદ્ધતિનો મૂળ હેતુ શું છે. એક સીધો સાદો નિયમ છે જો મારે મારી નવી પ્રોડક્ટ તમને વેચવી હોય તો મારે તમને પહેલા એ કહેવું પડે કે તમે અત્યારે જે વાપરો છો એ નકામું છે, ખરાબ છે, એમાં આ દોષ છે, એ ફેંકી દેવું જોઈએ વગેરે વગેરે. જ્યારે તમે મારી વાત માની અને તમારું મુળ તમારા જ હાથે કાપી નાખશો ત્યારે હું તમને બીજી દવા આપીશ. હવે હું જે આપુ એ તમારા માટે બેસ્ટ છે અને તમે આરામથી મારી પ્રોડક્ટ વાપરતા થઈ જશો. આપણી સાથે કઈક આવું જ થયું છે. વિચાર તો કરો ગાંધીજીએ સ્વદેશી આંદોલન શરૂ કર્યું હોવા છતાં આજે કેટલી સ્વદેશી વસ્તુઓ વેચાય છે? આપણે બાપૂને‌ માનીએ છીએ ને તો પછી આપણે એમનો આ નિયમ કેમ નથી પાળતા?
ખેર(અનુપમ‌ નઇ!!!)  વાત તો એ જ છે ને કે આપણે ખુદ પોતાની જાતને ભૂલી ગયા છીએ. સાવ સરળ ક્રમમાં આ કાર્યક્રમ ચાલતો હોય છે. પહેલા મૂળ વસ્તુને દૂર કરો, બીજુ આપણી વસ્તુ આપો અને જો આપણી વસ્તુ ન સ્વીકારે તો એમની જ વસ્તુ પાછી આપો પણ એવી રીતે કે જાણે એ આપણો હોય. મતલબ આ વસ્તુ છે જે અમે તમને આપીએ છીએ. આવું આપણી સાથે ઘણા સમયથી‌ થતું આવ્યું છે. સાદુ ઉદાહરણ આપુ, ફટાકડાથી પ્રદુષણ તો જ્યારે એ નવા-નવા હતા ત્યારે પણ ફેલાતું જ હતું, પણ હવે બીજા કારણોસર (જેમકે કન્સ્ટ્રક્શન, ટ્રાફિક વગેરે વગેરે) પ્રદૂષણ વધારે થાય છે. પણ એની લગભગ બધી જ ભરપાઈ ફટાકડા બંધ થવાથી થઈ જવાની હોય એવો માહોલ છે. અને હવે મને લાગે છે કે એવી વાત આવશે કે ફટાકડાની જગ્યાએ તમે મીઠાઈ આપો, જીવદયાના કાર્યમાં જોડાઓ વગેરે વગેરે. આવનારા વર્ષોમાં આવી વાત આવે તો નવાઈ નહીં. તમે જ વિચારો કે આ બધું તો આપણે પહેલા નહોતા કરતા. હા કદાચ મીઠાઈ બદલાઈ ગઈ હશે ,સાકર-ગોળ-કસુંબા-કાવાની જગ્યાએ હવે ચા-શરબત-પેંડા હશે પણ મુદ્દો એ જ છે ને. તો આમાં નવું શું છે...
આખા ચક્કરમાં નવી વાત એટલી જ છે કે આ આપણી પરંપરા મટીને કોર્ટનો કે જીવદયાપ્રેમીનો કે પર્યાવરણપ્રેમીના પ્રયાસોનું પરિણામ છે. આપણી જ વસ્તુ આપણને જ પાછી આપવાની અને આપણે હોશે-હોશે લઈ લઈશું અને એ પણ નવા રૂપમાં. આનાથી મોટી મૂર્ખામી તો શું હોય. અને હજી પાછું આપણે મહાસત્તા થવું છે.! 
આગળ વાત કરીએ. એક ક્રિસ્ટલ ક્લિયર થંબરુલ છે, જો તમે તમારા મૂળ સાથે જોડાયેલા નહીં હોય તો તમે તમારો વિકાસ નહીં કરી શકો. અને હમણાં તો આ વિકાસે ઉપાડો લીધો છે. આખી ચૂંટણીમાં વિકાસ નામનો શબ્દ ક્યાંય ન આવે અંતે ચુંટણી પત્યા પછી વિકાસ જીંદાબાદના નારાથી દેશને વિજય ઉત્સવ ભેટ આપવામાં આવે!
આપણી વાત હતી તહેવારની અને એની મજાની. એનું કારણ આપણે જોયું કે આપણે આપણા મૂળ સ્વરૂપને ભૂલી ગયા છીએ, અથવા તો યાદ કરવાની ઈચ્છા નથી એ વધારે સારું લાગશે. આમ પણ અત્યારે સાચું બોલવા કરતા સારું બોલનારા લોકોની કિંમત વધારે હોય છે. મહાસત્તા બનવા માટે જે મુખ્ય વસ્તુ જોઇએ છે એ છે સંસ્કૃતિ. બે ઉદાહરણ આપુ. પહેલા વાત કરીએ ઈરાનની. આ દેશની હાલત અત્યારે આપણે જોઈએ જ છીએ. એનું મુખ્ય કારણ એ જ છે કે એ લોકો પોતાની સંસ્કૃતિને ભૂલીને અન્યની સંસ્કૃતિને અપનાવે છે. બીજું ઉદાહરણ જોઇએ ઇંગ્લેન્ડનું. ઇંગ્લેન્ડની છાપ એક વિકસિત દેશ તરીકેની છે. તો પણ એ પોતાના રાજપરિવારનું એટલું જ સન્માન જાળવે છે. તેઓ પોતાને ત્યાં સર્જાયેલા સાહિત્યની પણ એટલી જ કદર કરે છે. અને બીજાની સંસ્કૃતિના સારા ગુણોને (યોગ)  અપનાવતાની સાથે સાથે પોતાના ગુણો પણ જાળવી રાખે છે. એટલે જ કદાચ તેઓ સફળ છે.
આખી વાતના સાર રૂપે તો એટલું જ કહેવાનું કે જો માછલી પાણીની બહાર રહીને નખરા કરે તો એ થોડોક સમય જ નખરેબાજ બની શકે અને જો પાણીની અંદર રહીને કળા‌ કરે તો એ હંમેશા માટેની કલાકાર બની જાય. આટલામાં સમજી જાઓ તો યાદ રાખવાની જરૂર નહીં પડે કે આપણે મહાસત્તા બનવું છે. આટલું યાદ રાખશો તો બધા તહેવારની મજા આવશે અને એથી વિશેષ બધી જ મજાના દિવસો તહેવાર બની જશે પછી કહેવાની જરૂર જ નહીં પડે કે આપણે મહાસત્તા બનવું છે.