પરાઈ પીડ જાણનાર... HINA DASA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરાઈ પીડ જાણનાર...

રોજ પ્રત્યુષા નો ફોન આવે શામજી પૂછવા ધારે પણ કઈ પૂછી ન શકે. એ દિવસ હિંમત કરીને પૂછી નાખ્યું કે કોણ છોકરો છે, ક્યાંનો છે ને કેવો છે ને બધું. પ્રત્યુષા એ કહ્યું કે હું રજા મા આવીશ ત્યારે વાત કરીશ. 

આ વખતે પ્રત્યુષા ઘરે આવી ને સાથે એના બીજા બે મિત્રો આવ્યા, સાક્ષી ને સમર. 

કોને ખબર હતી કે આ આશાવાદી પગલાઓ સમર લઈને આવ્યા હશે કે સંધિ. શામજી તો બહુ ખુશ ખુશ થઈ ગયો. પ્રત્યુષા ને છેક જાપે તેડવા ગયો, એ પણ ટ્રેકટર લઈને. ગામના પાદરમાંથી છેક ઘર સુધી એ સમરને માપતો રહ્યો. ને ગામ આખું તો ઊંડા વિચારો ના દરિયામાં ગરકાવ.

શામજી વર્ષોથી ગામમાં થોડો અદેખો બની ગયો હતો, પ્રત્યુષા ના જન્મ વખતથી, ને આજે તો ઢળવું હતું ને ગામને ઢાળ મળી ગયો. ને વાતો આ લિસા ઢાળ પર વહાવવાની લોકો મજા લેવા લાગ્યા. એકાદ કુટુંબી એ તો કહી પણ નાખ્યું કે આ શામજી તો ઘેલો થઈ ગયો છે. આ છોડી જ્યારથી આવી છે ને શામજી ત્યારથી શામજી મટી ગયો છે. 

ગામડા ગામ મા લોકો બહુ સીધાસાદા હોય મનથી અને વ્યવહારથી પણ. એને શહેર ની જેમ એવું નહિ કે કોઈની લાઈફ મા આપણે શું દખલ દેવી. અહીં તો બધા બધાના જીવનમાં ડોકિયું કરે ને હા તકલીફ હોય તો સધિયારો પણ આપે ને ન ગમતું હોય તો નિંદા પણ બધા ભેગા મળીને કરે. મૃત્યુ વખતે સાચું ખોટું હાકો પાડીને બધા રડી પણ લે ને પ્રસંગે સાથે મળીને હસી પણ લે. અહીં બહુ પક્ષાપક્ષી નહિ થોડા ભેગા થઈને કહે કે આ ખરાબ એટલે નિર્ણય થઈ ગયો બધા માની જ લે. હા એકલદોકલ નીકળે વિરોધી પણ એમને કોઈ ગાંઠે નહિ.

શામજી આમ થોડો સધ્ધર થઈ ગયો હતો એટલે ગામમાં ને કુટુંબીઓ માં થોડો અદીઠો તો હતો જ. પણ દિલનો નેક બંદો એટલે મોઢે કોઈ કઈ કહી ન શકે. 

પ્રત્યુષાની સાથે એનો મિત્ર ને એ પણ છોકરો હોય એટલે બધાને થોડું અજુગતું લાગ્યું. પણ શામજીને કંઈ કહી તો ન શકે. ગામની ઈર્ષા ચીરતો શામજી ગામ વચ્ચેથી પસાર થઈ ઘરે આવ્યો. 

સાક્ષી ને સમર તો આંખો ફાડીને જોઈ જ રહયા. આવું વાતાવરણ એના માટે તો સાવ નવું. ને સમર તો માતાપિતાનું એકમાત્ર સંતાન ને એ પણ હાઇસોસાયટી ધરાવતા એટલે આ સાદાઈ ને વાતાવરણ એને બહુ આશ્ચર્યચકિત કરી ગયું. 

ઘરમાં પ્રવેશતા પ્રત્યુષાની માઁ આવકારવા આવી. સમર ની આંખો મા એને કઈક અલગ જ ભાવ દેખાયો આવા વાતાવરણ માટે. એક ડગલું એ પાછળ હટી ગઈ. પણ પછી શામજી સાથે આંખો મળતા ઉમળકાભેર બધાને આવકાર્યા. 

શામજી તો ગામડા ગામનું માણસ ને મહેમાન તો એના માટે ગોળ ના ગાડા. આ બતાવે ને પેલું બતાવે. વાછરડા પાસે લઈ જાય ને ખેતરે લઈ જાય, જબરદસ્તી કરી ને જમાડે. બહાર ખાટલો નાખી આકાશદર્શન કરાવે. સવારે વહેલો ઉઠાડી નદીકાંઠે લઈ જાય. જાણે ગામ એનું સ્વર્ગ ન હોય ને મહેમાન દેવદૂત. 

સમરે આવી આગતાસ્વાગતા ક્યારેય માણી ન હતી. પણ સાંભળેલી ને માની લીધેલી વાતો એટલી દ્રઢ હોય કે માણસો બીજી દિશામાં વિચાર કરવાનું બંધ કરી દે છે. સમર બધું માણે પણ નાકનું ટેરવું થોડું ચડી પણ જાય. જો કે અણગમો ક્યારેય વર્તાવા ન દે પણ માં ની નજરથી કઈ છૂપું રહી શકે? 

ત્રણેક દિવસ રોકાઈને મિત્રો તો ગયા. પ્રત્યુષા હજુ રોકાઈ ખાસ તો મા ને બાપુ સાથે વાત કરવા. સાંજે વારુ પતાવીને બધા બેઠા, બધામાં પાછા ત્રણ જ જણ હોય ને વળી. 

પ્રત્યુષાએ વાત છેડી, કેવો લાગ્યો સમર તમને?

શામજી કહે, "

"આમ તો સોરો મને તો ભલો લાયગો, પસી વધારે તો તું ઓરખતી હોય સોનબાઇ...."

ને મમ્મી તમને?

ને માં બોલી, "બેટા થોડો સમય પસાર કર એની સાથે, ઓળખ પછી આગળ જોઈએ."

પ્રત્યુષા સમજી ગઈ કે માની સ્પષ્ટ ના નહતી, પણ હા પણ ન હતી.

પ્રત્યુષા ફરી ફરજ પર જવા નીકળી, એટલે માં એ સલાહ આપી કે થોડી ધીરજથી કામ લેજે હો બેટા, આવેશ માં આવી ખોટા નિર્ણયો ન લઈ બેસાય.

પ્રત્યુષા સમજી ગઈ કે માં કઈ તરફ ઈશારો કરે છે. શામજીએ લાડકોડથી ભલે ઉછેરી હોય પણ સમજદાર પણ એટલી જ બનાવી હતી દીકરીને. આ વખતે સમરે સીધો લગ્નનો પ્રસ્તાવ મુક્યો, ને પ્રત્યુષા હા પડવાનું વિચારવાની હતી પણ થયું કે માં ની વાત માની થોડી ધીરજ ધરી લઉ. સમરે કહ્યું કે તારા મમ્મી પપ્પા અમારા ઘરે આવે કારણ કે એના માતાપિતાને ત્યાં ગામડામાં આવવું નહિ ફાવે. પ્રત્યુષા ને આમાં કઈ ખોટું ન લાગ્યું. 

પ્રત્યુષાએ ઘરે જઈને વાત કરી. શામજીને જે સોનબાઇ કહે એ કબૂલ. એને તો તરત જ હા પાડી દીધી, ભલે સમર થોડો હાઇફાઈ હતો પણ પ્રત્યુષા ને યોગ્ય તો હતો જ. એણે ત્યાં જવાની શરત પણ માની લીધી.

અત્યાર સુધી શાંત રહેલી માં હવે બોલી કે એવું થોડું હોય કે દિકરીવાળા સામેથી વાત કરવા જાય. એમને કહે અહીં આવવું પડશે બાકી આ સંબંધ નહિ બંધાય. પ્રત્યુષાએ સમરને વાત કરી પણ એણે પણ જીદ પકડી કે મારા મમ્મી પપ્પા અહીં આવીને કદાચ હા ન પાડે તો? મારે એ જોખમ ખેડવું નથી માટે કહું છું. 

ને જે ભય હતો એ જ થયું ઘરમાં શીતયુદ્ધ શરૂ થયું. મા દીકરી વચ્ચે. પ્રત્યુષાને પણ નવાઈ લાગી કે મા આવી ખોટી જીદ કેમ કરે છે. વર્ષો થી મનમાં ઉભા થતા પ્રશ્નો ને હવે વાચા મળી. 

પ્રત્યુષાએ કહ્યું કે,

"મા તને નથી લાગતું કે તું ખોટી જીદ કરે છે. અત્યાર સુધી મેં તને એક પણ પ્રશ્ન ક્યારેય નથી કર્યો કે તું ને બાપુ કેમ અજાણ્યાની જેમ વર્તો છો, કેમ મારે કોઈ મામા કે નાના નથી, કેમ હું ક્યારેય મામાના ઘરે નથી ગઈ, તું આટલી ભણેલી ને અભણ બાપુને કેમ પસંદ કર્યા. તું આધુનિક હોવા છતાં અહીં ગામડામાં કેમ રહે છે. કેમ બાપુ તને આટલું માન આપે છે જાણે તું એમનાથી બહુ ઉંચી ન હોય!! માં આજ સુધી મેં ક્યારેય આવા પ્રશ્નો તને નથી કર્યા પણ આજે તો પૂછવું જ છે જો તારા લગ્ન તું આધુનિક હોવા છતાં બાપુ સાથે થયા તો તને મારા લગ્ન મા થોડી બાંધછોડ કરવામાં વાંધો શુ છે. બાપુ તો જો કેવા અભણ....."

ને એક સણસણતો તમાચો પ્રત્યુષાના ગાલ પર લાગી ગયો.........

                                     (ક્રમશઃ)