પ્રત્યુષા તમાચાથી ન હતી ડઘાઈ એનાથી વધુ માના વર્તનથી ડઘાઈ ગઈ હતી. આ અચાનક માને શુ થયું એ વિચારોએ એ વેદના અનુભવી રહી.
માં અત્યાર સુધી ક્યારેય પ્રકાશમાં આવી ન હતી, ન પ્રત્યુષા ના ઉછેર મા કે ન તો શામજી ના ઘરમાં. શામજીને જેમ કરવું હોય એમ કરવા દેતી હતી. ક્યારેય કોઈ પ્રશ્ન નહિ, ક્યારેય કોઈ જવાબ નહિ, માથાકૂટ નહિ, માંગણી નહિ, અપેક્ષા નહિ, જાણે એ ઘરમાં છે જ નહીં એવું વર્તન હતું એનું.
એ રાતે એક જ ગાલ પર તમાચો પડ્યો હતો પણ ઘાવ ત્રણ દિલ પર થયો હતો. ને એ ત્રણ દિલ એ રાતે ચોધાર આંસુએ રડયા હતા. પણ હવે મૌન તોડવાનો સમય આવી ગયો હતો. પ્રત્યુષાની મા સવારે વહેલી ઉઠી સરસ મજાની ચા બનાવી ને બંને બાપુ દીકરીની રાહ જોવા લાગી. ને એ સમજદાર દીકરી કઈ બન્યું જ નથી એમ કિલકીલાટ કરતી આવી પણ ગઈ. શામજી પણ કઈ ખબર જ નથી એવું વર્તન કરતો સોનબાઈની સાથે વાતોએ વળગ્યો.
માં એ કહ્યું કે બેટા એક વાત મારે તને કરવાની છે. તને સમર બહુ ગમે છે? પ્રત્યુષા કહે કે હા માં ગમે તો છે જ પણ મને લાગ્યું કે તને ન ગમ્યો. માં બોલી બેટા મને સમર ગમ્યો પણ એનો આપણા ગામડાના વાતાવરણ ને જોવાનો દ્રષ્ટિકોણ ન ગમ્યો. એની આંખો મા તારા બાપુ માટેની સુગ મને ન ગમી. એટલે આ સંબંધ આગળ ન વધે એમાં જ તારી ભલાઈ છે.
શામજી કહે, 'સોનબાઈના માં મારી દીકરીને એ ગમે એટલે બધુંય આવી ગ્યું. કઈ નઈ હું નઈ ગમું તો એને ઘેર ઓસા જાહુ. પણ મારી દીકરી નું મન ભળી ગ્યું સે ઈ સોરા હારે તો તમને વાંધો હુ સે.'
પ્રત્યુષાને પણ ગમતી વાત હતી એટલે ગમી તો ખરી જ એની આંખ માં એક આશાની ચમક આવી ગઈ. ને બોલી, કે માં બાપુ ને વાંધો નથી તો તને શું વાંધો છે. માની જાને તું પણ...
હવે વર્ષો ના બાંધેલા બંધ છોડવાનો સમય આવી ગયો છે એમ માં ને લાગ્યું ને એ બોલી,
બેટા, મને વાંધો તો ઘણો છે ને શુ છે એ સાંભળ. તારા બાપુની જે આંખોમાં કદર ન હોયને તે જગ્યા મારા માટે નર્ક સમાન છે ને એનું કારણ તું જાણે છે શું છે. કારણ કે તને પારકી ને આ ગામડાના સીદા સાદા માણસે પોતાની કરીને જીવાડી છે.
પ્રત્યુષા તો કંઈ સમજતી ન હતી. શામજી બોલ્યો હવે
રેવા દયો ઇ વાત મારી સોનબાઈને દુઃખી કરોમાં....
પણ આજે તો આખી રાત જાગીને માં એ નીર્ધાર કર્યો હતો. દીકરીને સત્ય હકીકતથી વાકેફ કરવી જ છે. તો બેટા સાંભળ,
તું કહેતી હતી ને કે બાપુ અભણ ને તું ભણેલી કેમ પણ બેટા તારો બાપ તો બહુ ભણેલો ને હોશિયાર માણસ હતો. એટલો હોંશિયાર કે એને તારા જન્મ પહેલાં જ ખબર પડી ગઈ હતી કે તું એક દીકરી છે. ને એ ભણેલા માણસે તને મારી નાખવાની પૂરતી તૈયારી પણ કરી નાખી હતી. હું તને બચાવવા ગમે એમ કરીને ત્યાંથી ભાગી છૂટી ને મારા ઘરે ગઈ. પણ ત્યાં પણ મને જગ્યા ન મળી. એ લોકોને પણ પોતાની આબરૂ બહુ વ્હાલી હતી. છેલ્લે મેં નક્કી કર્યું કે આ જીવની સાથે મારે પણ મોતને વ્હાલું કરવું. જેને કોઈ ન સંઘરે એને મૃત્યુ તો સંઘરે જ છે. ને એક રાતે અંધારા મા હું અજાણ્યા કૂવામાં કુદી પડવા નીકળી પડી. હજી તો આગળ વધુ ત્યાં મને અવાજ સંભળાયો,
'તમતમારે મરવું હોય તો સૂટ સે, પણ ઈમાં આ બીજા જીવનો હુ વાંક સે એટલું કેતા જાવ.'
એ બીજું કોઈ નહિ આ તારા બાપુ હતા. એમની અનુભવી આંખો બધું પામી ગઈ હતી. ભલે એ કલિયુગ હતો પણ એ પળ હું સતયુગ મા હોય એવો મને ભાસ થયો હતો. એની આંખોમાં મને જે ખાનદાની દેખાઈ એ મને કોઈની આંખોમાં નહતી દેખાઈ. એમને પરાઈ પીડાને પોતાની સમજી. મને ખુબ સમજાવી કે આજથી આ દીકરી મારી બસ પણ એને મારો મા. ને હું પણ એમની વૈષ્ણવજનની છબી જોઈ પીગળી. એ રાત ને આજની ઘડી આ તારા બાપુની આંખોમાં જરાય ખાનદાની ઓછી થઈ હોય તો હું જીભ કરડીને મરી જઉં. હવે તને સમજાયું હશે કે કેમ અમે અજાણ્યાં બનીને રહીએ છીએ. કેમ કે તને જીવાડવા ખાતર જ અમે સાથે રહીએ છીએ. એ તારા બાપુ ખરા પણ મારા તો ભગવાન છે બેટા. અણીશુદ્ધ ગામડાનો માણસ. જેણે આપણા માટે તેના આખા કુટુંબ, કબીલા, ગામ, સમાજ બધા સામે બાથ ભીડી. આપણી ઢાલ બનીને આ માણસ ઉભા રહયા.
હવે તું કહે જોયે જો કોઈની આંખો મા આમના માટે કદર ન હોય ને સુગ હોય તો એ વ્યક્તિ સાથે તારે પરણવું જોઈએ કે નહીં??
પ્રત્યુષા તો કોઈ જવાબ આપવા સક્ષમ જ ન હતી. પણ એની આંખોએ જવાબ આપી દીધો હતો. શામજીની પરવરરીશ હોય તો કૃતઘ્ન તો હોય જ નહીં ને. એ કહે કે ના માં મારે સમર શુ કોઈ સાથે નથી પરણવું. હું હંમેશા બાપુ પાસે જ રહીશ એમની લાડકી સોનબાઇ બનીને...
ને શામજી તો બસ આવક બનીને જોતો જ હતો. ત્યાં બહાર કોઈના ફોનની રિંગ વાગી, વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે....
પ્રત્યુષા એ શબ્દોને નજરે જોતી હતી શામજી ના રૂપ મા...