આરોહી - ૨ Irfan Juneja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આરોહી - ૨

સવારે મલ્હાર વહેલો જાગી ગયો. આજે સ્કોલરશીપનું પરિણામ આવવાનું હોય છે. જો મલ્હારને સ્કોલરશીપ મળી જાય તો એ અબ્રોડ ભણવા માટે જવાનો હોય છે. મલ્હાર તૈયાર થઈને નીકળે છે. વર્ષાબેન મલ્હાર પાસે એક થાળી લઈને આવે છે. થાળીમાં એક દીવો, દહીં-સાકાર અને કંકુ હોય છે. વર્ષાબેન મલ્હારની આરતી ઉતારી એને કંકુનો ચાંદલો કરે છે અને દહીં-સાકાર ખવડાવે છે.

"મમ્મી તને ખબર તો છે મને દહીં નથી ભાવતું.."

"બેટા આ તો શુકનનું કામ કહેવાય એમાં ના ન પડાય હો..."

"ચાલ મમ્મી મારે મોડું થઇ ગયું છે.. હું નીકળું છું.."

"હા બેટા સાચવીને જજે અને પરિણામની જાણ થતાની સાથે જ પેહલા મને ફોન કરજે તારા વ્હાલા પપ્પાને પહેલા ના કરી દેતો.."

"હા મમ્મી.. "

મલ્હાર યુનિવર્સિટી પહોંચે છે. ત્યાં એને જાણ થાય છે કે એને ૧૦૦℅ સ્કોલરશીપ મળી છે અબ્રોડ ભણવા જવા માટે. મલ્હાર ખુબ જ ખુશ થાય છે. એના ચહેરા પર અનોખી ચમક ઉપસી આવે છે. આ ખુશીની જાણ કરવા એ ઝડપથી પગલાં ભરતો જાય છે. યુનિવર્સિટીના દાદરા ઉતરતા ઉતરતા એ એના પપ્પાને ફોન કરે છે.

"હેલ્લો પપ્પા..! એક ખુશીના સમાચાર છે.."

"ઓહો..! બોલ દીકરા શું ગુડ ન્યુઝ છે?"

"પપ્પા મને સ્કોલરશીપ મળી ગઈ એ પણ ૧૦૦%"

"વાહ.. દીકરા આ તો ખુબ જ સારા સમાચાર છે. હવે તને અબ્રોડ જવામાં આસાની રહેશે... તારા મમ્મીને આપ્યા સમાચાર?"

"ઓહ નો..! પપ્પા એતો ભુલાઈ જ ગયું. તમે મમ્મીને કઈ જ ના કહેતા નહિતર મમ્મી આજે મને ખિજાશે.. આજે સવારે જ મમ્મી કહેતી હતી કે પહેલા મને સમાચાર આપજે પછી તારા વ્હાલા પપ્પાને.."

"હા બેટા નહીં કહું તું જ કહી દે.."

મલ્હાર પપ્પાનો ફોન મૂકીને તરત જ મમ્મીને ફોન કરીને આ સમાચાર આપે છે. વર્ષાબેનની આંખોમાં ખુશીના આંશુની લહેર દોડી જાય છે. દીકરાને અબ્રોડ જવા મળશે અને એ હવે સારું શિક્ષણ અને જોબ મેળવી સકશે એ જાણીને મમ્મીનું હૈયું ગદગદ ફૂલી જાય છે. વર્ષાબેન આ સમાચાર તેમની ત્રણે દીકરીઓને પણ આપે છે. ત્રણે દીકરીઓ ખુબ જ ખુશ થાય છે. આરોહીનો તો મલ્હાર લાડકો હોય એટલે એના ચહેરાનું સ્મિત કંઇક અલગ જ તરી આવ્યું.

વૈભવભાઈ બેન્ક એથી રજા લઈને દીકરાની આ ખુશી ઉજવવા મીઠાઈ લઈને ઘરે આવે છે. ઘરે વર્ષાબેન પણ આજે ખાસ રસોઈ બનાવે છે. ત્રણેય બહેનો પણ આજે ભાઈની ખુશીમાં સામેલ થવા કોલેજની રજા રાખે છે. ઘરે આજે ઉત્સવ જેવો માહોલ વર્તાય છે.

મલ્હાર પણ ઝડપથી ઘરે પહોંચવાના ઉત્સાહમાં હોય છે. મલ્હાર પાર્કિંગ પાસે આવે છે. પોતાની કાર પાસે જઈને કાર ચાલુ કરે છે. મલ્હારની કારની પાછળ એક ગાડી પડી હોય છે. મલ્હાર બે-ત્રણવાર હોર્ન વગાડે છે પણ ગાડી ખસતી નથી. મલ્હાર નીચે ઉતરીને એ ગાડી પાસે જાય છે. ગાડીમાં બે બંધુક ધારી સિક્યોરિટી ગાર્ડસ અને ગાડી પાસે નેતાજી નો ખાસ માણસ શેરા હોય છે. મલ્હાર શેરા પાસે જઈને વાત કરે છે.

"ભાઈ.. આ ગાડી થોડી બાજુમાં કરાવી આપોને મારે મારી કાર કાઢવી છે.. મોડું થાય છે.."

"ચાવી નાના સાહેબ પાસે છે..." શેરા જવાબ આપે છે.

"આ નાના સાહેબ કોણ છે?"

"વિરાટ સાહેબ.. જે સામે ફોનમાં વાત કરે છે.."

મલ્હાર વિરાટ પાસે જાય છે અને નમ્રતાથી આજીજી કરે છે.

"હેલ્લો ભાઈ.. તમારી ગાડી હટાવી લો.. મારે મોડું થાય છે.."

વિરાટ ફોન પર વાત કરી રહ્યો હોય છે. એ ગુસ્સામાં મલ્હાર સામે જુવે છે. મલ્હાર વાતને શાંતિથી પતાવવા થોડીવાર ચુપ રહે છે. વિરાટ ફોન મૂકીને મલ્હાર સામે ગુસ્સામાં બોલે છે.

"તને દેખાતું નથી? હું ફોન પર વાત કરું છું. બોલ શું કામ છે?"

"ભાઈ.. મારે ઘરે જવું છે. તમારી ગાડી થોડી સાઈડ કરો તો હું મારી કાર કાઢી લઉં.."

"નઈ થાય ગાડી સાઈડમાં બોલ શું કરીશ?"

"ભાઈ.. જો હું તને પ્રેમથી કહું છું લઈલે.."

"નઈ લઉં.. બોલ શું કરી લઈશ..?" વિરાટ મલ્હારને છાતીમાં હાથ વડે ધક્કો મારતા બોલ્યો.

"હું શાંતિથી વાત કરું છું.. તું હાથાપાઇ ના કર.."

"કરીશ... શું ઉખાડી લઈશ??" વિરાટ ફરીથી મલ્હારને ધક્કો મારતા બોલ્યો.

મલ્હાર ગુસ્સામાં આવી ગયો. મલ્હારે પણ વિરાટને ધક્કો માર્યો. બંને વચ્ચે થોડી ગાળા-ગાળી થઇ. વિરાટને તો બસ ઝગડો કરવાનો મોકો જ જોઈતો હતો. બંને ગુસ્સામાં હતા. મલ્હાર પણ વિરાટથી ડરવાનું નામ નહોતો લઇ રહ્યો. વિરાટની સામે કોઈ જલ્દી બોલતું નહિ આજે મલ્હારના મોઢે ગાળો સાંભળીને એને વધુ ગુસ્સો આવ્યો. એને પોતાની પાસે રહેલી ગન કાઢી અને વિરાટ સામે ધરી દીધી. ત્યાં ઉભેલા શેરા અને સિક્યોરિટી ગાર્ડસએ વિરાટને રોકવાની કોશિસ કરી પણ વિરાટ કોઈનું માનવા તૈયાર જ ન હતો. મલ્હાર પણ બેખોફ એની સામે જ ઉભો હતો. બંધુક માંથી એક-બે..ત્રણ.. ચાર... ચાર ચાર ગોળીઓ મલ્હારના શરીરની આરપાર થઇ ગઈ. કપાળ માંથી, પગ માંથી અને છાતી માંથી પસાર થયેલી આ ગોળીઓએ મલ્હારના શરીરને રક્તથી ભીંજી દીધું. શેરા વિરાટને લઈને ત્યાંથી ફરાર થઇ ગયો. યુનિવર્સિટીના કેમ્પસમાં બધા સ્ટુડન્ટસ્ એકઠા થઇ ગયા.

મલ્હારને ઘણીવાર થતા આરોહી એને ફોન કરવા લાગી. ઘરે બધા મલ્હારની ઉજવણી માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પિતાએ ફોન કર્યો, મમ્મીએ કર્યો અને આરોહીએ કર્યો પણ મલ્હારનો ફોન રિસીવ જ નહોતો થતો. થોડા સમય બાદ આરોહીના ફોનમાં મલ્હારના ફોન માંથી ફોન આવ્યો.

"હેલ્લો કોણ?"

"હેલ્લો મેમ.. હું એક સ્ટુડન્ટ બોલું છું.. "

"પણ આ તો મલ્હારનો નંબર છે. આપની પાસે ક્યાંથી?"

"મેમ મેં આ ફોનમાં આપના મિસકોલ્સ જોયા એટલે લાગ્યું કે કોઈ પરિવારના સભ્યના હશે એટલે કોલ કર્યો..."

"હા હું એની બહેન જ બોલું છું. ક્યાં છે મલ્હાર?"

"મેમ અમે એને હોસ્પિટલ લઈને જઈ રહ્યા છીયે એને ગોળીઓ વાગી છે.."

"વોટ...? " આરોહીના આંખે અંધારા આવી ગયા. આરોહી આ સાંભળીને અવાચક બની ગઈ. બધા આરોહી સામે તાકી રહ્યા.

"બેટા શું થયું? કોણ હતું ફોન પર? કંઇક તો બોલ.."

"મમ્મી... મમ્મી... મલ્હારને ગોળીઓ વાગી છે. એ હોસ્પિટલએ છે.." આરોહી ડુસકા ભરતા ભરતા બોલી.

બધાના ચહેરા પર ઉદાસી ફરીવળી. વર્ષાબેન તો રોકકળ કરવા લાગ્યા. બધા ઝડપભેર હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં જઈને જોયું તો મલ્હારને ICU માં રખાયો હતો. ડોક્ટર્સ કઈ જવાબ નહોતા આપી રહ્યા. એકાદ કલાક પછી ડોક્ટર્સ બહાર આવીને જણાવ્યું

"આઈ એમ સોરી..."

પરિવારના પગ નીચેથી તો જાણે જમીન જ ધસી ગઈ. મલ્હારને સફેદ ચાદરમાં ICU માંથી બહાર લાવ્યા. આરોહી, વર્ષાબેન, વૈભવભાઈ નાની બે બહેનો બધા જ ડૂસકે ને ડૂસકે મલ્હારના ચહેરાને જોઈને રડી રહ્યા હતા. જાણે આજે એમના પરિવાર પર આભ ફાટી પડ્યું હોય.

મલ્હારને ઘરે લાવીને એના અગ્નિ સંસ્કાર કર્યા. એક પિતા માટે કેટલું અઘરું હોય છે કે એ પોતાના દીકરાની ચિતાને આગ ચાંપે. વૈભવભાઈ અંદરથી જાણે તૂટી જ ગયા હતા.

વિરાટને લઈને શેરા ઘરે પહોંચ્યાં પછી નેતાને બધી જાણ કરાઈ. નેતાએ તપાસ કરાવી કે એ છોકરો જીવે છે કે નહિ. સમાચાર મળ્યા કે એ છોકરાનું નિધન થઇ ગયું છું. નેતા ખુબ જ ગુસ્સામાં આવી ગયા. વિરાટ પર ગુસ્સે થયા. પણ પોતાની સીટ, વોટ બેન્ક અને નામ બચાવવા એને હવે કંઇક તો કરવું જ પડશે એ વિચારીને એ પોતાની સિક્યોરિટી સાથે સ્મશાને પહોંચ્યા. મલ્હારની ચિતા બળી રહી હતી. મલ્હારના પિતાનું મન પણ જાણે એ ચિતામાં બળી રહ્યું હોય એવું અનુભવાતું હતું. બધા એક પછી એક સ્મશાનએથી નીકળી રહ્યા હતા. વૈભવભાઈ અને એમના મોટા ભાઈ વિનોદભાઈ જ ત્યાં હાજર હતા. નેતા વૈભવભાઈ પાસે આવ્યા અને ખભે હાથ મૂકીને બોલ્યા.

"વૈભવભાઈ.. જે થયું એમાં મારા દીકરાની ભૂલ હતી. હું એના વતી બે હાથ જોડીને માફી ચાહું છું.."

વૈભવભાઈનું મોઢું નેતાને જોઈને જ લાલચોળ થઇ ગયું. એ ગુસ્સામાં નેતાને જોવા લાગ્યા.

"નેતાજી.. માફી? મેં મારો જવાન દીકરો ગુમાવ્યો છે. મારા દીકરાનું લોહી તમારા દીકરાએ વ્હાવ્યું છે. હજી તો એની ચિતા ઠંડીએ નથી થઇ.. તમે મારી આંખોથી દૂર થઇ જાઓ.. અને માફીની તો વાત પણ ન કરતા.." વૈભવભાઈ ગુસ્સે થતા બોલ્યા.

વિનોદભાઈ અસ્થિઓ ભેગી કરીને વૈભવભાઈને લઈને ઘર તરફ રવાના થયા. મીડિયાના લોકો એમને રસ્તામાં રોકવા લાગ્યા પણ કોઈ જ જવાબ આપ્યા વગર વૈભવભાઈ ઘરે નીકળી ગયા. એમના ગયા પછી નેતા પણ ત્યાંથી નીકળ્યા. મીડિયાએ સવાલોનો ઢગલો નેતાજી સામે કરી દીધો.

"જુવો.. અમને દુઃખ છે. અમે એમના દુઃખમાં સહભાગી થવા અહીં આવ્યા છીએ. જો અમારી વચ્ચે કઈ અનબન હોત તો અમે અહીં એમની સાથે સ્મશાને જ ન આવ્યા હોત.."

નેતાજીએ પોલિટિકલ ભાષામાં જવાબ આપીને ઘરે ગયા. ઘરે જઈને વિરાટ અને શર્મિલાને બોલાવ્યા.

"આ.. તમારા રાજકુંવરને કહો. આવા કામ ના કરે. એક છોકરાનું ખુન કર્યું છે એણે..."

"હું કેમ કહું. તમારો દીકરો છે તમે જ કહો ને.." શર્મિલાએ જવાબ આપ્યો.

"જુવો આ વાત મીડિયામાં સામે આવી ગઈ છે. મારી બદનામી ન થાય એ માટે હવે મારે એ પરિવાર સાથે સહાનુભૂતિ દાખવવી પડશે. ચૂંટણી પણ નજીક છે."

"હા.. પણ આપણા દીકરાને જેલ થશે તો?"

"હા થોડા સમય માટે એને મોકલવો પડશે.. પછી હું એને છોડાવી લઈશ.. પણ પાર્ટીના નામ અને ઈજ્જતનો સવાલ છે. હવે આવી કોઈ હરકતના કરે એનું ધ્યાન રાખજો.."

"ડેડી.. હું શું ધ્યાન રાખું.. એ ગાળો આપતો હતો મને તો ચાર ગોળી મારી દીધી. મારી સામે કોઈની તાકાત નથી કે બોલે..."

"વિરાટ.... તું ચુપ રે.. અને હવે તારે કન્ટ્રોલ કરવો પડશે. વાત કોર્ટમાં જશે તો કેસ નબળો પડશે.."

"ડેડી તમારી આ ખુરશી ક્યારે કામ આવશે..."

"તું અહીંથી તારા રૂમમાં જા અને શર્મિલા તું પણ જા... મારે જ કંઇક રસ્તો વિચારવો પડશે.."

નેતા અહીં પોતાનું નામ,પાર્ટી,સીટને બચાવવા શું કરવું. કઈ રીતે પોતાના દીકરાને જેલ થતી રોકવી એનો પ્લાન ઘડી રહ્યા હતા. જયારે મલ્હારનો પરિવાર ગમગીન માહોલમાં ડૂબી ગયો હતો. આરોહીને તો મલ્હારના જવાનો એટલો આઘાત લાગ્યો હતો કે એ નાતો પાણી પીતી કે ના કઈ ખાવાનું નામ લેતી. વર્ષાબેનને જવાન દીકરો ગુમાવવાના આઘાતમાં પોતાનું માનસિક સંતુલન ગુમાવ્યું હતું.

કાલ સુધી જે પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ હતી એ પરિવારને અચાનક કોઈની બુરી નજર લાગી ગઈ. રોજ ખુશ અને મસ્તીમાં રહેતો પરિવાર ન જાણે સુનો, વેરાન , ઉદાસ બની ગયો. હવે તો એ પરિવારના ઘર પાસેથી પસાર થાઓ તો પણ મનમાં એક દુઃખ અનુભવાય એવું વાતાવરણ બની ગયું હતું.

[ક્રમશ:]