સૂચના
આ વાર્તા કાલ્પનિક છે. અહીં દર્શાવવામાં આવેલા વ્યક્તિ,વસ્તુ કે સ્થાન સાથે મારો દૂર દૂર સુધી કોઈ જ સંબંધ નથી. આ વાર્તામાં દર્શાવવામાં આવેલી દરેક ઘટના કાલ્પનિક છે. અહીં કોઈ સમાજ,જાતિ કે ધર્મને ઠેસ પહોંચાડવાનો ઉદ્દેશ નથી. આશા છે કે આપ સૌ આ વાર્તાને એક મનોરંજન તરીકે વાંચીને અભિપ્રાય આપશો.
આરોહી - ૧
એક સુંદર અને સુખી પરિવાર ભુજ નામના ગુજરાતના એક શહેરમાં વસી રહ્યો હતો. ત્રણ દીકરીઓ અને એક દીકરા સાથે આ દંપતી ખુબ જ ખુશ હતું. સૌથી મોટી દીકરી આરોહી અને દીકરો મલ્હાર બંને ટ્વીન્સ હતા. ચારેય ભાઈ-બહેન વચ્ચે ખુબ જ પ્રેમ હતો. દંપતીમાં પત્ની ઘરે બાળકોના ટ્યુશન કરાવતી અને પતિ બેન્કમાં જોબ કરતા હતા. જયારે પણ આ પરિવારના ઘર પાસેથી પસાર થાઓ ત્યારે એમના ચહેરા પર ખુશી અને મસ્તીનો માહોલ જ વર્તાતો.
આ શહેરમાં એક મોટા નામચીન નેતા પણ રહેતા હતા. ચૂંટણીમાં ઘણા વર્ષોથી પોતે વિજયી થતા. ત્યાંના લોકોમાં નેતા ખુબ જ પ્રચલિત હતા. એ નેતાનો એક દીકરો વિરાટ ખુબ જ લાડકોડમાં અને મહેલ જેવા ઘરમાં મોટો થઇ રહ્યો હતો. નેતાના ઘરે કોઈ જ વાતની કમી ન હતી.
આરોહી એની બહેન સાથે કોલેજથી રિક્ષામાં ઘરે આવી રહી હતી. રિક્ષા સ્ટેન્ડ પાસે ઉભી રહી અને આરોહીએ રિક્ષાવાળા ને પૈસા આપ્યા. ત્યાંથી બંને ઘરે જઇ રહ્યા હતા કે અચાનક એક ફોરવ્હીલર આવીને એ રિક્ષાને ટક્કર મારીને ચાલી ગઈ. ત્યાં બે પોલીસ કર્મચારી પણ હાજર હતા પણ કોઈ કઈ જ ના બોલ્યું. ખુશનસીબએ રિક્ષાવાળા ભાઈ ત્યાં બાજુમાં રહેલી હોટલ પર પાણી પીવા ઊતર્યા હતા જેથી ખાલી રિક્ષાને જ નુકશાન થયું. રિક્ષાવાળા ભાઈનો ચહેરો લાચાર વર્તાઈ રહ્યો હતો. એ વ્યક્તિનું ગુજરાન એ રિક્ષા વડે ચાલતું હતું. આરોહી અને એની બહેન મમતાએ આ દ્રશ્ય જોયું. મમતા ગુસ્સે થઇને પોલીસવાળા પાસે ગઈ.
"તમે અહીં ઉભા છો. આ બિચારાની રિક્ષા તોડીને એ ફોરવ્હીલરવાળો ભાગી ગયો તમે એને રોક્યો કેમ નહિ?"
"બેટા..! તું હજી નાની છે. અમે એને પકડીને પણ શું કરવાના હતા. ઉપરથી ઓડર આવે એટલે છોડવો જ પડે અને અમારી બદલી થઇ જાય એ અલગ."
"તો શું આવા હેવાનો ખુલ્લે આમ આ શહેરમાં ફરશે અને તમે કઈ નહિ કરો?"
"મમતા...! ચુપ કર અને ચાલ ઘરે આપણે આ વાતમાં વચ્ચે પડવાની જરૂર નથી.." આરોહીએ મમતાનો હાથ પકડતા કહ્યું.
"દીદી તું ડરે છે. હું નઈ.. આજો બિચારા રિક્ષાવાળાની હાલત. એનો ચહેરો જો..."
આરોહીએ પોતાના પર્સમાંથી પાંચ હજાર રૂપિયા કાઢીને રિક્ષાવાળાને આપ્યા.
"ચાલ મમતા હવે ઘરે. આપણું અહીં વધુ સમય રેહવું યોગ્ય નથી.."
"આરોહી આ તે શું કર્યું? ટક્કર ઓલો નેતાનો દીકરો મારીને ગયો ને પૈસા તું આપે છે? આ પૈસા તો તે મોબાઈલ લેવા માટે ભેગા કર્યા હતા ને? હવે મોબાઈલ કેવી રીતે લાવીશ?"
"એ બધુ તું છોડ ચાલ ઘરે.."
આરોહી મમતાને લઈને ઘરે આવે છે. ઘરે રોજની જેમ પરિવાર ઘરની પાછળ આવેલા ગાર્ડનમાં એકઠો થાય છે. આરોહી દિવસ દરમિયાન બનેલી ઘટના કહે છે.
"પપ્પા મમતાને કંઇક કહો. નહીંતર હવેથી હું એને મારી સાથે કોલેજ નહિ લઈને જાઉં.."
"શું થયું બેટા?"
"આજે અમે એક રિક્ષામાં આવ્યા એ રિક્ષાવાળાને એક ફોરવ્હીલરવાળા એ ટક્કર મારી દીધી. તો આ મમતા એ ફોરવ્હીલરવાળા ને પકડવા દોડી અને પોલીસને પણ કહેવા લાગી કે આવા લોકો ને પકડતા કેમ નથી?"
"ઓહ..! કોણ હતો એ વ્યક્તિ?"
"આપણા નેતાનો દીકરો વિરાટ..."
"જો મમતા આ શહેરમાં સારા અને ખરાબ બંને પ્રકારના છોકરાઓ છે. આવા લોકો સત્તા અને પૈસાના પાવરથી કઈ પણ કરીને છૂટી જતા હોય છે. આપણે એક મધ્યમ વર્ગના પરિવારના સભ્યો છીએ. આવા લોકો સાથે ઝગડા કરીને આપણું જીવન ખરાબ ના કરાય.. આરોહીની વાત સાચી છે.." મલ્હાર એ મમતાને સમજાવતા કહ્યું.
"તો શું ભાઈ આપણે આવા લોકોથી ડરી ડરીને જ જીવવાનું?"
"હું ક્યાં એમ કહું છું કે ડરીને જીવવાનું. પણ બને એટલું આવા વ્યક્તિઓથી દૂર રહેવાનું.."
"ના ભાઈ..! આરોહી ડરપોક છે. હું નહિ.."
"વાત ડરપોકની નથી મમતા. વાત સમજદારીને છે. તું જે કહે છે એ પણ સાચું છે અને આરોહી કહે છે એ પણ.."
"તો ભાઈ આજે જે રિક્ષાવાળા સાથે થયું એ કાલે આપણી સાથે થશે તો?"
"જો મમતા એ થશે ત્યારે જોયું જશે.. ચાલો છોડો આ વાતને હવે.."
"દીદી એ તો ઓલા રિક્ષાવાળા ને પાંચ હજાર રૂપિયા પણ આપી દીધા..."
"હા તો સારું કર્યું આરોહીએ.. એ વ્યક્તિને રિક્ષા રીપેરિંગમાં મદદ થઈ જશે... "
નેતાની પત્ની શર્મિલા સમાજસેવાની ઓફીસ એથી ઘરે પાછી ફરે છે. પાર્કિંગમાં પડેલી વિરાટની ગાડી જોઈને ત્યાં રહેલા સિક્યોરિટીને ગાડી પર થયેલા ડેમેજ વિષે પૂછે છે. જણવા મળે છે કે એ ડેમેજ રિક્ષાને ટક્કર મારવાથી થયું છે. સાંજે ડીનર કરતી વખતે શર્મિલા નેતા સાથે આ વિષે વાત કરે છે.
"આજે તમારો રાજકુમાર ઍક્સિડન્ટ કરીને આવ્યો.."
"હા.. મને ખબર છે. કોઈ માણસને નુકશાન નથી થયું ખાલી એક રિક્ષાને નુકશાન થયું છે. મેં પાર્ટીના એક માણસને મોકલીને એ વ્યક્તિને નવી રિક્ષા અપાવી દીધી છે. તું વિરાટને તો જાણે જ છે કે આજે આ પહેલું વહેલું તો નથી બન્યું આવા મહિનામાં ૨-૩ કેશ તો હોય જ છે. બસ તું એને થોડો સમજાવ કે ચૂંટણી આવે છે થોડું ધ્યાન રાખે.."
"હા સમજાવીશ.. પણ દીકરો તમારો જ છે. એક નંબરનો જિદ્દી.. માને છે કોનું.."
વરસાદની મોસમ છે. આમ પણ કચ્છમાં ઓછો વરસાદ થાય છે. તો જયારે પણ વરસાદ થાય ત્યારે એક અનેરો આનંદ જન્મે છે. ભુજમાં વરસાદ થઇ રહ્યો છે. આરોહી,મલ્હાર અને બે નાની બહેનો વરસાદમાં ભીંજાઈ રહ્યા છે. દંપતી વૈભવભાઈ અને વર્ષાબેન ઓસરીમાં બેસી ચાની ચૂસકી લેતા લેતા બાળકોને નિહાળી રહ્યા છે. બાળકોમાં આટલો પ્રેમ જોઈ આ દંપતી ખુબ જ ખુશી અનુભવે છે. દીકરીઓ પણ મોટી થઇ છે અને દીકરો પણ. હવે અવસર આવશે અને દીકરીઓ પોતાને સાસરે એક એક કરીને જશે એવી વાતો સાથે દંપતી આંખો ભીની કરી રહ્યા છે.
આરોહી અને મલ્હાર ટ્વીન્સ અને એક જ ઉંમરના હોવાથી બંનેની ખુબ જ બને છે. એમ કહો કે બંને એકબીજા વગર રહી પણ નથી સકતા. ભાઈ-બહેન વચ્ચેનો આ પ્રેમ ઘરમાં એક સ્નેહભર્યું વાતાવરણ ઉભું કરે છે. રાત્રે આરોહી મલ્હારના રૂમ પાસેથી પસાર થાય છે. મલ્હારના રૂમની લાઇટ્સ ચાલુ હોય છે. આ જોઈને આરોહી મલ્હારના રૂમમાં પ્રવેશે છે.
"ભાઈ.. તું હજી જાગે છે?"
"હા થોડું કામ યાદ આવી ગયું હતું એટલે... બેસ ને.."
"ના ના તું કર તારું કામ હું તો બસ લાઇટ્સ જોઈ એટલે તને જોવા આવી.."
"તું શું ખાય છે..?"
"પૉપકોર્ન.. ખાઈશ?"
"આ પૉપકોર્ન ખાવાનો સમય છે?"
"લે.. ભૂખ લાગી હતી.. એમાં શું ખોટું છે.."
"તું જ ખા બહેના તું જ ખા..."
"બાય ધ વે.. તું લેપટોપમાં કામ શું કરે છે હે?? છોકરીઓ શોધે છે હે હે?? બતાવતો.."
"પાગલ થઇ ગઈ છે? સ્કોલરશીપ માટે અરજી આપી હતી એના અમુક ડોક્યુમેન્ટ્સ આપવાના હતા એ અપલોડ કરું છું.."
"અચ્છા તો કર તું કામ હું તારા બેડ પર બેઠી છું.."
"હા બેસ.. મારે એક વાત કરવી છે. હું આવું દસ મિનિટમાં.."
પોતાનું કામ પતાવીને મલ્હાર આરોહી પાસે આવીને બેસે છે.
"આરોહી હવે તું મોટી થઇ ગઈ છે. થોડી હિંમતવાન બનીજા. આવતા વર્ષે જો સ્કોલરશીપ મળી જશે તો હું અહીં નઈ હોવું. તું તો એક ઉંદરડીથી પણ ડરી જાય છે. પછી હું નહિ હોવું તો બધું તારે જ સંભાળવું પડશે.."
"હા ભાઈ જાણું છું.. એટલે જ તો કોશિસ કરું છું..."
"સારું બહેના તો બાકીની વાતો કાલે કરીયે.. ચાલ સુઈ જા હવે ગુડ નાઈટ.."
"હા ઓકે ભાઈ.. ગુડ નાઈટ.."
[ક્રમશ:]