મારી નવલિકાઓ ૬ Umakant દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

મારી નવલિકાઓ ૬










રક્ષા બંધન--पवित्र रिश्ता

"કોણ હલાવે લીંમડી અને કોણ ઝૂલાવે પીપળી,
ભાઈની બે'ની લાડકી અને ભઈલો હલાવે ડાળખી;"

અરે ! આ ગીત કેમ મને આજે સ્ફુરી આવ્યું? શું મારા ભાઈલાના કૈં માઠા સમાચાર હશે ? લાવ ફોન કરી પૂછી જોઉ.
આમ કહી ભદ્રાબહેન સોફામાંથી એકદમ ઉભા થઈ ટેલીફોન પાસે આવ્યા.ટેલીફોન ટેબલ પાસે ગુજરાતી કેલેન્ડર લટકતું હતું. તેના ઉપર બાલકૃષ્ણનો સુંદર ફોટો હતો.બાલકૃષ્ણ નટખટ મુખમુદ્રામાં આછા મધુર સ્મીતભર્યા મલકતા મુખે ઉભા છે. માતા યશોદા તેને ધમકાવતી ક્રોધીત મુદ્રામાં ઉભા છે. કેલેન્ડરમાં ઑગસ્ટ માસ દર્શાવતાં પાના ઉપર લાલ અક્ષ્રરની તારીખ અને તેની નીચે 'રક્ષા બંધન'' લખેલા શબ્દો ઉપર તેમની નજર સ્થિર થઈ, ટેલીફોન ઉપર વાત કરવાનું ભુલી તેઓ વિચાર તંદ્રામાં ખોવાઈ ગયા.
અરે ! આ તો પવિત્ર શ્રાવણ મહિનો આવ્યો. તહેવારોનો મહિનો, રક્ષા બંધનનો તહેવાર.ભદ્રાબહેનની વિચાર સરણી આગળ ચાલી.એકતા કપુરની લાંબી સીરીયલો જેવા અસ્પષ્ટ પ્રસંગો એક પછી એક યાદ આવવા લાગ્યા.
ક્યાં અમદાવાદનું એ ભર્યું ભાદર્યું વિશાળ ઘર. ! પાંચ ભાઈ અને ચાર બહેનોનું સ્નેહભર્યું કુટુંબ.પાંચ ભાઈઓને પાંચ પાંડવોની મીઠી ઉપમા પાડોશીઓ આપતા.કેવો સ્નેહ હતો. સાથે રમતાં,સાથે જમતાં,સાથે લખતાં વાંચતાં,એક બીજાની ચોપડી, પેન, પેન્સીલ સંતાડી એક બીજાંને પજવતાં, ઘડીમાં કીટ્ટા અને ઘડીમાં બુચ્ચા કરી રીસાંતાં અને મનાંતાં. ક્યાં ખોવાઈ ગયા એ દિવસો ? ભદ્રાબહેનના મુખમાંથી એક અફસોસ, નિઃશ્વાસ નીકળી ગયો.!
દાદાજીની માંદગી, ડૉ.ની દવા તથા પિતાજીની સેવા કારગત ના નીવડી. દાદાજી સ્વર્ગે સિધાવ્યા, કુટુંબનો વડલો વિલાયો. પિતાજી હતપ્રભ થઈ ગયા એક બાજુ પિતાનો શોક, બીજી બાજુ સાંસારિક જવાબદારી આમ જીવન પથના દો રાહા ઉપર તેઓ આવી ગયા.
એક બાજુ પિતૃપ્રેમ, બીજી બાજુ વ્હાલસોઈ પત્ની, જેણે ચૉરીના ચાર ફેરા ફરી, સપ્તપદીની પવિત્ર પ્રતિજ્ઞાઓ લઈ, જન્મદાતા માતાપિતા તથા ભાઈ ભાન્ડુઓનો સ્નેહ વગેરે સર્વસ્વ ત્યજી મારો હાથ ઝાલી મારે પગલે પગલે ચાલી આવેલી પત્નીનું સમર્પણ.શું કરવું ? કેમ કરવું ? આ દ્વિધામાં પિતૃભક્ત પિતાએ દેહ છોડ્યો.
પિતૃભક્ત પિતાએ તો તેમનુ પિતૃઋણ પોતાનો દેહ ત્યજી અદા કર્યું, પણ માતા પતીઋણ અદા કરવા પોતાનો દેહ પતી પાછળ ત્યજી ના કરી શકી; કારણકે તે મા હતી ! નવ નવ બાળકો કોને ભરોસે મુકી જવાય ? તેથી તેણે " ગણ્યું જે પ્યારા એ અતિ પ્યારું ગણી લેજે." માની આવતિ આફતો અને મુશ્કેલીઓનો સામનો કરવાનું સ્વીકાર્યું. ધન્ય છે એ સાહસિક મારી માતાને જેણે એકલે હાથે અમને ઉછેરી પગ ભર કર્યા.
પિતાજીના મૃત્યુબાદ કુટુંબમાં કોઈ વડીલ ના મળે.બે ભાઈઓ મોટા હતા, પરન્તુ દાદાજીની રાજ્યના દિવાનની દોમદોમ સાહ્યબીના માહોલમાં ઉછરેલા તેથી અભ્યાસમાં લક્ષ્ય નહોતું પરોવ્યું,અને તેથી પિતાજીના અવસાનથી આવી પડેલી અણધારી જવાબદારી ઉઠાવવા તેઓ સક્ષમ ના હતા. ઝાઝું ભણતર ના હોવાથી નોકરી પણ સામાન્ય. હતી. પિતાના પગારની ખોટ પુરવા માતાએ વ્યવહારૂ ઉપયોગ કર્યો. નાના ઘરમાં રહી બાકીનું ઘર ભાડે આપી ભાડાની આવક ઉભી કરી.કરકસર કરી અમને સ્વમાનભેર જીવતાં શીખવાડ્યું.
મારા નાના નાની ગુજરી જવાથી મારા માતાના મામાએ અમને સારો સાથ સહકાર અપ્યો હતો. મામા ભણેજના સંબંધને તેમણે ભાઈ બહેનનો પવિત્ર સંબંધ ગણી જીવનપર્યંત નિભાવ્યો હતો.
કુટુંબની જવાબદારીઓ ઉપાડવા મારી બહેનો માતાને મદદરૂપ થતી. બહેનો હોંશીયાર અને સમજુ હતી. તેમની કોઠાસુઝ પણ ભારે, ધૈર્યવાન અને હિંમતવાનપણ ખરી જ. માતા જ્યારે મુંઝવણ અનુભવે ત્યારે તેઓ જ માતાને હુંફ આપતી.માતાએ પણ તેમને એવી કેળવણી આપી હતી કે મારી કોઈ પણ બહેન તેને સાસરેથી રડતી કકળતી ઘેર પાછી આવી નથી.તેમના સાસરિયાઓ આજે પણ કહે છે" બસ છોકરીઓ તો શારદાની જ. "શારદાબહેન એ મારી માતાનું નામ છે.
ભાઈ બહેનના પવિત્ર અને ઉજ્જ્વળ પ્રેમના અમારા કુટુંબના થોડા ઉદાહરણ :
મોટા ભાઈ ભાભીને મનદુઃખ થવાથી એકબીજામાં ટકરાવ થયો. ભાભી પુત્રને લઈને ગુહત્યાગ કરી પિયર ચાલ્યા ગયા. મોટાભાઈને જમવામાં મુશ્કેલી પડવા લાગી ત્યારે મોટાભાઈને પોતાને ત્યાં જમવાની વ્ય્વસ્થા કરી અને તે જીવ્યા ત્યાં સુધી તેમને સાચવ્યા. ભાભી ભાઈનું મોંઢું સુધ્ધાં જોવા ના આવ્યાં, આમ એક બહેને તેના ભાઈના પ્રેમનું બંધન દિપાવ્યું.
પિતાના મૃત્યુ પાછળ મોટી બહેન તથા બે ભાઈઓના ભર યુવાન વયે ઉપરા છાપરી મૃત્યુથી માતા ભાંગી પડી હતી. તેને હિંમત આપી ઉભી કરનાર પણ એ મારી મા જણી બહેન જ હતી.
૧૯૪૨નું વર્ષ, આઝાદીની લડતનું વર્ષ, નવચેતનાનું વર્ષ. આપણા દેશની બે મહાન વિભૂતિઓ કવિવર રવિન્દ્રનાથ ટાગોર તથા પૂ. ગાંધીજી.રાષ્ટ્રિય ચળવળ પ્રત્યે વૈચારિક મતભેદ બહાર આવ્યા. ટાગોરનું મંતવ્ય કે વિદ્યાર્થીઓને અભ્યાસથી વિમુખ કરી ચળવળમાં ના જોડવા,પૂ.ગાંધીજીનું મંતવ્ય કે આ રાષ્ટ્રિય ચળવળ હોવાથી બાળક, યુવાન , વૃધ્ધ, સ્ત્રી કે પુરૂષ, વિદ્યાર્થી કે મજુર સૌ કોઈ ભાગીદાર થાય, જેથી ભવિષ્યમાં કોઈ વર્ગ એમ ના કહે કે આઝાદી અમે અપાવી હતી.
કાચી બુધ્ધિના બાળકો અને યુવાનો ચળવળમાં જોડાયાં. સ્કૂલો, કૉલેજો બંધ થઈ. વિદ્યાભ્યાસ બાજુએ મુક્યો કઈં કેટલાય વિદ્યાર્થીઓ/યુવાનોના જીવન વેડફાયાં સામાજીક બંધનો ઢીલાં થયાં. યુવાન છોકરા છોકરીઓ મુક્ત મને હળવા મળવા લાગ્યાં.એક બીજામાં પ્રેમના અંકુરો ફુટવા લાગ્યાં.પ્રેમ સંબંધો બંધાયા અને પ્રેમલગ્ન- સ્વૈચ્છીક લગ્નો થવા લાગ્યાં.
મારા મોટાભાઈ પણ આ રંગે રંગાયા વિદ્યાર્થી કાર્યકર તરીકે. "રાષ્ટ્રિય વિદ્યાર્થી મંડળ."ના કાર્યલય મંત્રી બન્યા. મુક્ત વિહાર અને મુક્ત વાતાવરણ તેમને પણ સ્પર્શી ગયું.તેમણે પ્રેમ લગ્ન કર્યાં.મારી માતા રૂઢીચૂસ્ત.તેમને આ લગ્ન મંજુર નહોતું. તેમણે આ લગ્ન મા-બાપની સંમતિ વગરનું ભાગેડું લગ્ન કહ્યું., અને ભાઈ ભાભીને ગૃહપ્રવેશ બંધી ફરમાવી. બંન્ને મક્કમ.ભાઈ સ્વમાની અને માતા રૂઢીચૂસ્ત. ભાઈએ ગૃહત્યાગ સ્વીકાર્યો અને નમતું ના જ આપ્યું. પૂરા બે અઢી વર્ષ માતા પુત્રને અબોલા રહ્યા. માતા પુત્રનો વિયોગ.પણ બહેનીથી આ અસહ્ય અબોલા કેમેય કરીને ના સહેવાય કે જીરવાય. તેણે કમર કસી. માતા તથા ભાઈ ભાભીને સમજાવી સમાધાન કરાવ્યું.ભાઈ ભાભીને પુનઃગૃહ પ્રવેશ કરાવ્યો.આ પણ ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર સંબંધ જ ને !
નાનપણમાં શેરીમાં રમતાં રમતાં હાથ ભાંગ્યો. હાથે ફ્રેક્ચર થયું. ખાવા પીવામાં તકલીફ. આ વખતે પણ બહેન જ ભાઈની વહારે આવી. બે ટાઈમ ખવડાવવું, બરડે હાથ ફેરવી દુઃખ હળવું કરી સુવડાવવો. શારીરિક નાના મોટાં ઑપરેશનો, હર્નિયા, ઓપન હાર્ટ (બાય પાસ.) સર્જરી વગેરેમાં ખડે પગે ચોવિસે કલ્લાક મારે પડખે રહી નિઃસ્વાર્થ સેવા આપનાર બીજું કોઈ જ નહિં, પણ ફ્ક્ત મારી મા જણી મારી બહેન જ હતી. નોકરીમાંથી છૂટો થયો. બે છોકરાં અમદાવાદ તથા સૂરતમાં અભ્યાસ કરે, ખર્ચો કેમ કાઢવો ? છોકરાંઓના અભ્યાસ રઝળી પડે. તે સ્થિતિમાં મારો હાથ ઝાલી દોરનાર એ બીજું કોઈ જ નહિં, ફ્ક્ત એ મારી વ્હાલ સોઈ બહેન જ હતી.
આવા તો કેટલાય દાખલાઓ છે, કેટલા યાદ કરું.?અરે !! મારા જેવા કેટલાય ભાઈ બહેનો હશે જ ને !કેટલીયે બહેનો ભાઈ વગર ઝુરતી હશે અને કઈં કેટલાય ભાઈલાઓ તકીયામાં મોંઢું છુપાવી આંસુંડાં સારતા હશે.! કેટલીય બહેનોના ભાઈલાઓ દૂર દેશાવર કમાવા ગયા હશે. તેઓ પણ આ પવિત્ર પર્વ ટાણે ભાઈલાને હાથે રક્ષા બાંધવા આતુર નયને તેમની રાહ જોતી હશે.!અરે ! કેટલાય દુર્ભાગી ભાઈ બહેનો પણ હશે જ જેમને મા જણ્યા ભાઈ કે બહેન નહિં હોય. આવા એકલવીર ભાઈ બહેનની વ્યથા કોણ જાણી શકે ? તેઓ જ્યારે મુંઝાય ત્યારે દિલ ખાલી કરવા ક્યાં જાય ?તેમના કાર્યની પ્રસંસા થાય અને ગર્વથી તેમનું માથું ઉંચું થાય ; તેમની છાતી ગજગજ ફુલે ત્યારે તેમને અભિનંદવા પણ કોઈ હાજર ન હોય, ત્યારે તે બહેનોની વિહ્વળતા જોઈ મારૂં મન ભરાઈ આવે છે. આજના આ મંગલ પર્વ ટાણે પ્રભુને એટલું જ પ્રાર્થું કે દરેક બહેનડીને એક મા જણ્યો ભાઈલો જરૂર આપજે જે બહેનીનાં સુખ દુઃખ ટાણે તેનાં આંસુંડાં લુછવા તેના પડખે સદા ઉભો રહે.
"સંસારની ઘટમાળ એવી
સુખ અલ્પ ,દુઃખ થકી ભરેલી."
જીવનના આઠ દાયકા પસાર થઈ ગયા. કેટલાક સુખદ તો કેટલાક કારૂણ્યભર્યા પ્રસંગો આવ્યા અને ગયા. જીવનના ઝંઝાવાતોનો સામનો કરવાનું માનવનું કેટલું ગજું ?કુટુંબના એક પછી એક સભ્ય કાળની અંધકાર ગર્તામાં વિલીન થતાં ગયા. નવ નવ કુટુંબના સભ્યોમાંથી ફ્ક્ત આપણે બે જ ભાઈ બહેન આજે આ પવિત્ર રક્ષાબંધનનું પર્વ માણવા બાકી રહ્યા . કેવી વિડંબના!!એક કવિએ કહ્યું છે ને કે
“જાને વાલે કભી વાપસ નહિં આતે,
જાને વાલે કી યાદ આતી હૈ."
તો આજે આપણે આપણા દિવગંત ભાઈ બહેનોને યાદ કરી.
"જબ યાદ હમારી આયે'
તો દો આંસું બહા લેના."
કરી આંખમાં અશ્રુ સાથે, આપણા દિલમાં દિવો કરી તેમને યાદ કરીએ.
ભદ્રાબહેનની વિચાર તંદ્રા તો એકતા કપુરની હીન્દી સિરીયલની માફક કેટલી લાંબી ચાલત તે કોને ખબર ? ત્યાં એકાએક ફોનની રિંગ વાગી. સહજ રીતે જ રીસીવર હાથમાં આવી ગયું અને કાને ધર્યું. હેલો .. હેલો ...! કોણ મોટી બહેન ? ભદ્રાબહેનની તંદ્રાવસ્થા હજી પુરેપુરી દુર થઈ નહોતી. તેઓ બે બાકળા થઈ આજુબાજુ જોવા લાગ્યા.રીસીવરમાંથી અવાજ આવે છે તેનો તેમને ખ્યાલ જ ન રહ્યો.
" મોટી બહેન શું વિચાર કરો છો? ક્યાં ખોવાઈ ગયા ? હું ઉમાકાન્ત , ન્યુ.જર્સીથી બોલું છું."
"હૈં ...! હૈં...! હા બોલ શું સમાચાર છે ? તારી તબીયત તો સારી છે ને ? છોકરાંઓ કેમ છે ? હું તારો જ વિચાર કરતી હતી, અને આ તારો જ ફોન આવ્યો. કેવી અજબ ટેલિપથી છે નહિં?"
"મોટી બહેન, શાનો વિચાર કરતા હતા? કઈં પ્રશ્ન છે? કઈં ધમાલ બમાલ તો ઘરમાં નથી ને ?"
" ના રે ના! બધું સમું સુતરૂં છે. સૌ સાજા સમા છે."
" તો ઠીક! મોટી બહેન તમને એક શુભ અને ખુશી આનંદના સમાચાર આપવાના છે.હું આવતે મહિને ઈંન્ડીઆ આવું છું. હિમાલી, જુહિ અને કુશને પરીક્ષાઓ પુરી થઈ ગઈ છે, અને તેઓ સારા ગ્રેડમાં પાસ થઈ બધા ઉપલા ગેડમાં આવ્યાં છે..જુહિ બહેને તો આ વર્ષે કમાલ કરી છે. અહિં અમેરિકામાં ડંકો વગાડી દીધો છે.પ્રેસીડેન્ટ બરાક ઑબામાની સહી વાળું "ઍક્ષ્સલન્સ ઍકેડેમીક ઍવોર્ડ "નું સર્ટીફીકેટ પણ મેળવ્યું છે. તેમને હવે ૧૫ મી જુન થી વેકેશન શરૂ થાય છે તેથી તેમને ઈંન્ડીઆ જોવાની ઈચ્છા છે, તેથી તેમને લઈને આવું છું."
” સારું સારૂં તો પછી બળેવ ઉપર જ આવજે. આવતે મહિને ૨ જી ઓગષ્ટ ૨૦૧૨ ને ગુરૂવારે રક્ષાબંધનનો તહેવાર છે. તે સાથે ઉજવીશું"
“મોટી બહેન અહિં તો વાર તહેવાર બધું ભુલાઈ ગયું છે. તહેવારનું મહત્વ વિસરાઈ ગયું છે, અને વારનું મહત્વ વધી ગયું છે. તહેવાર -- વાર ( શનિ-- રવી) બની ગયા છે. અહિં ફક્ત શનિ રવીવારે જ તહેવાર ઉજવાય છે. સારૂં કર્યું તમે યાદ કરાવ્યું, આ છોકરાંઓને રક્ષાબંધનનો તહેવાર - ફેસ્ટીવલ- એટલે હાથે સુતરનો તાંતણો - કોટન થ્રેડ - ભાઈને હાથે બાંધવાનો તેથી વિશેષ કઈં નહિં. તેમને તો "ફ્રેંન્ડશીપ બેલ્ટ ફેસ્ટીવલ" નું વિશેષ મહત્વ. તેઓ રક્ષા બંધનનું પર્વ ફેસ્ટીવલ નજરો નજર જોશે ત્યારે તેમને ભાઈ બહેનના પવિત્ર પ્રેમ સંબંધનો ખ્યાલ આવશે.. બસ મોટી બહેન. હવે થોડા દિવસનો વિયોગ છે. અમે આવતે મહિને ઈંન્ડીઆ આવીએ છીએ. ફોન મુકું છું સામ સામે જયશ્રી કૃષ્ણ કરી ફોન મુકાઈ ગયા.
***
મિત્રો, જીવનની આવી સ્નેહાળ પળોનો ખજાનો ઉલેચવો કોને ના ગમે ? સાથો સાથ કેટલીક દુઃખદ ક્ષણો પણ જીવનમાં ડોકીયાં કરી જાય છે.આપણા કેટલાય ભાઈ બહેનો્ ધંધા વ્યવસાર્થે દુર દુર સાત સમુંદર પાર દેશાટને વસ્યા હશે.તે ભાઈઓ બહેનોથી વિખૂટા પડવાની આનંદ મીશ્રીત દુઃખદ ક્ષણો આંખ સામે તાર્દ્શ્ય હશે.આવા વિજોગી ભાઈ બહેનોનો મેળાપ. કુટુંબના સર્વ સભ્યોનો---સહકૂટુંબ મેળો-- જામવાની વાત હવે તો આકાશકુસુમવત. હા.... કુટુંબના કોઈ લગ્ન કે અન્ય શુભ પ્રસંગે અચૂક મળવાનું શક્ય બને; પરન્તુ આજના ભાગદોડના જમાનામાં કુટુંબના દરેક સભ્ય હાજર રહી ન શકે. કોઈને કોઈ સભ્ય સંજોગવશાત ગેરહાજર હોય. તેની ગેરહાજરીનો વસવસો મનમાં જરૂર ખૂંચ્યા કરે. હા ... આજના આધુનિક જમાનામાં 'ટેલીફોન',કે કોમ્પ્યુટર તથા અન્ય વિજાણુ ઉપકરણો દ્વારા ત્વરીત સંપર્ક થઈ શકે અને ક્ષણિક આનંદ પણ આપી શકેઃ પરન્તુ તે જીવંત કે રૂબરૂ મળ્યા જેવો તો નહિં જ ને ?આજના આ પવિત્ર દિવસે સર્વ વિજોગી ભાઈ બહેનોને યાદ કરતાં રક્ષાબંધન--पवित्र रिश्ता.
આકાશે ચમક્શે ચાંદ તારા સદા,
રહેશે અમર બહેન ભાઇનો પ્રેમ સદા.

ચાહે દેશ હો યા પરદેશથી જુદાઈ,
અતૂટ રહેશે આ સ્નેહની સગાઈ.

જીવન રાહના તડકે નહીં કોઈ ગમ,
સદા શિતળ રહેશે ભ્રાતૃપ્રેમની છાયા હરદમ.

ભૂલશો નહિં કોઈ બંધુ ભગિની,
'पवित्र -रिश्ता'ની આ અમર કહાની.

ભાઇ બહેનનોસ્નેહ-પ્રેમ અતૂટ અને અજોડ છે. આ અમર પ્રેમ સંબંધના 'पवित्र -रिश्ता'ના ગુણગાન ગાવાની મારી કલમની શક્તિ નથી.મારી પાસે શબ્દો નથી એટલે મહાકવિ શ્રી પુષ્પદંતના અમર શબ્દોને સહારે આ લેખ પુરો કરું છું.
અસિતગિરિસમં સ્યાત્ક જ્જલં સિન્ધુપાત્રે,
સુરતરુવરશાખા લેખની પત્ર મુર્વી.
લિખતી યદિ ગૃહીત્વા શારદા સર્વકાલં,
તદપિ તવ ગુણાનામીશ પારં ન યાતિ.

સમાપ્ત.
(પ્રકાશિત:- ગુજરાત દર્પણ. ઑગસ્ટ ૨૦૧૧)
સંવર્ધિત કૃતિઃ- ૧૯-૦૬-૨૦૧૨ મંગળવાર. જેઠ વદ અમાસ.સમ્વત ૨૦૬૮.
લેખકઃ ઉમાકાન્ત વિ. મહેતા.

૨૦, મીડો ડ્રાઈવ, ટૉટૉવા.
એન. જે. ૦૭૫૧૨. યુ.એસ.એ.
ફોન; (૧) ૦૭૩ ૩૪૧ ૯૯૭૯.
(૨) ૯૭૩ ૯૪૨ ૧૧૫૨.
E-mail