અધૂરી મુલાકાત ભાગ-4 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરી મુલાકાત ભાગ-4

અધૂરી મુલાકાત

ભાગ:-4

"इतनी शिद्दत से तुझे पाने की कोशिश की हैं,

के हर ज़र्रे ने मुझे तुज़से मिलाने की साज़िश की है।

खुदा ने पूछा के क्या देगा उसके बदले में तू मुज़े

तो मैंने भी दिल हाथमें रखकर जान की नुमाईश की है।।"

હા એ યુવતી પંક્તિ જ હતી..એને પહેલી મુલાકાત વખતે કહ્યું હતું કે નસીબ રહ્યું તો ફરી મળીશું..પણ અડધી મિનિટ પહેલાં સુધી મને એવી નસીબ જેવી કોઈ વસ્તુ પર વિશ્વાસ નહોતો પણ જેવી મેં પંક્તિ ને જોઈ મારો નસીબ,લક,કિસ્મત જેવી વસ્તુઓ પર અચાનક વિશ્વાસ આવી ગયો.

પંક્તિ ને આટલી નજીકથી જોતાંની સાથે હું રોમાંચિત થઈ ઉઠ્યો..કોઈ બાળક જ્યારે મનગમતું રમકડું જોઈને જે રીતે એને મેળવવાની ઝંખનામાં કેવું રોમાંચિત થઈ ઉઠે એમજ.પંક્તિ અત્યારે હાફ પેન્ટ અને બ્લુ કલરની "i am too cute.." લખેલી ટીશર્ટ માં હતી.કોઈપણ મેકઅપ વગર આજે પણ મને એ ગજબની સુંદર લાગી રહી હતી.

"હેલ્લો મીસ પંક્તિ...હા પંક્તિ દેસાઈ.."હું જાણે અચાનક જ ત્યાં આવી પહોંચ્યો હોય એવી અદાથી બોલ્યો..મારાં ચહેરા પર નાં હાવભાવ પણ એવાં બનાવ્યાં કે જાણે પંક્તિ ને ત્યાં હું જોઈશ એવી આશા જ મને નહોતી.પણ આટલાં બધાં સમય પછી એ મને જોતાંજ ઓળખી ગઈ હતી એ વાત નું સુખદ આશ્ચર્ય જરૂર થયું હતું.

"હા શિવ..તને હજુ મારુ નામ યાદ છે.."પંક્તિ અને હું હવે એકબીજાની સમીપ આવીને ઉભાં હતાં.

"નામ ની સાથે બીજું ઘણું બધું યાદ છે..હા હવે M.S ધોની પહેલાં જેવું નથી રમતો પણ હજુ એ તારો ફેવરીટ પ્લેયર તો હોવાનો જ..સાચું ને"?મને હજુપણ એની કહેલી વાતો યાદ હતી એની સાબિતી રૂપે હું બોલ્યો.

"હા mr. 2 in 1 તને તો બધું યાદ છે..હવે અહીં જ ઉભો ઉભો વાતો કરીશ કે પછી અંદર પણ આવીશ.."પંક્તિ મીઠી મુસ્કાન સાથે બોલી.

પંક્તિ ની વાત નો મેં ખાલી ડોકું ધુણાવી સહમતિ માં હકારમાં જવાબ આપ્યો અને હું એની પાછળ પાછળ દોરવાયો.મારાં પારાવાર આશ્ચર્ય વચ્ચે અમે સુરેન્દ્ર કથીરિયાનાં ઘરમાં જઈ રહ્યાં હતાં.હવે પંક્તિ સાચેમાં કોણ હતી એ વાતનું રહસ્ય મારાં મનમાં ઘૂંટાતુ જ જતું હતું.બહાર ઉભેલો પેલો નોકર પણ પંક્તિ અને હું એકબીજાને કઈ રીતે ઓળખતાં હતાં એ વિચારી મૂંઝવણમાં હોય એવું એનો ચહેરો કહી આપતો હતો.

હું અંદર જઈને પંક્તિનાં કહેવાથી હોલમાં રહેલાં આલીશાન સોફા પર આવીને બેઠો..પંક્તિ લગભગ પાણી લેવા માટે કિચનમાં ગઈ હતી અને હું ત્યાં સોફા પર બેઠો બેઠો આજુબાજુ નજર ઘુમાવી ઘરની ભવ્યતા નિહાળી રહ્યો હતો.. સાથે સાથે પંક્તિ જોડે શું વાતો કરીશ એ વિશે પણ મનોમંથન કરી રહ્યો હતો.

***

હાથમાં પાણી નો ગ્લાસ લઈને આવતી પંક્તિનાં પગરવ થી મારું ધ્યાન અચાનક તૂટ્યું અને હું પાછો એની સુંદરતા નાં મહાસાગરમાં ડૂબવા લાગ્યો.પહેલી વખત જ્યારે પંક્તિ ને જોઈ હતી ત્યારે જે સવાલ પેદા થયો હતો એ આજે પણ થયો કે.

"કોઈ આટલું પરફેક્ટ કઈ રીતે હોઈ શકે છે..?"

પંક્તિ એ પાણી નો ગ્લાસ મારી તરફ લંબાવ્યો અને મેં ગ્લાસ ને મારાં હાથમાં લઈને એને જલ્દી ખતમ કરી દીધો..એક રીતે જોઈએ તો મારું આમ કરવું એક જેન્ટલમેન જેવું તો નહોતું.પણ હવે જે કંઈપણ થવાનું હતું એ મારાં દ્વારા તો નહોતું જ થવાનું એ બસ થવાનું હતું.

"બીજું લેતી આવું..?"પંક્તિ એ સવાલ કર્યો.

ફરીવાર બોલવાનાં બદલે મેં ડોકું હલાવી નકારમાં જવાબ આપ્યો..પંક્તિ એ ફરીથી સવાલ કર્યો.

"કોફી..?"હજુપણ એને યાદ હતું કે હું ચા નથી પીતો.

"હા sure.."મેં કહ્યું.

મારો જવાબ મળતાં ની સાથે જ પંક્તિ પાછી કિચનમાં ગઈ અને ફરીવાર હું એની આવવાની રાહ જોઈ રહ્યો હતો..આજે પંક્તિનાં હાથની બનાવેલી કોફી એનાં ઘરમાં બેસી એની જોડે જ પીવા મળશે એ વાત મારી ધારણા થી પણ વધુ હસીન હતું.

પાંચેક મિનિટ જેટલો સમય વીત્યો હશે ત્યાં પંક્તિ હાથમાં કોફી ભરેલાં બે મગ લઈને આવતી જણાઈ..એને આવીને મને એક મગ આપ્યો અને એ હાથમાં બીજો મગ લઈને મારી સામેજ બેઠી..હવે ચાલુ થવાનો હતો"coffee with pankti" નો બીજો એપિસોડ..હા પહેલાં એપિસોડ અને બીજાં એપિસોડ વચ્ચે સાડા ત્રણ વર્ષ નો સમય લાગી જરૂર ગયો હતો.

"બીજું બોલ કેવું ચાલે છે..?"એકસરખો સવાલ અમે બંને એ એકસાથે એકબીજાને પૂછી લીધો અને આવું થતાંની સાથે અમે બંને ખડખડાટ હસી પડ્યાં.આ વખતે પંક્તિનાં ગાલ માં એ ખંજન પડ્યાં હતાં જેમાં એ પ્રથમ મુલાકાત વખતે જ ડૂબી ગયો હતો.

"હજુ એ સોફ્ટવેર કંપની માં જ છે..?"પંક્તિએ મને પૂછ્યું.

"ના રે,એ જોબ મૂક્યાં પછી તો બે વરસ મહેસાણા જતો આવ્યો જોબ કરવા..છેલ્લાં એક વરસ થી કોર્પોરેશન માં પ્લાનિંગ અને પાસીંગ નું કામ છે.."મેં જવાબ આપ્યો.

"Good.. મતલબ આર્કિટેક્ટ બની ગયો એમજ ને..?"પંક્તિ આંખ પટપટાવીને બોલી.

"આર્કિટેક્ટ તો નહીં પણ હાફ આર્કિટેક્ટ કહી શકે.."હું બોલ્યો.

"હાફ ગર્લફ્રેન્ડ તો સાંભળ્યું હતું પણ આ હાફ આર્કિટેક્ટ નવું લાવ્યાં.."પંક્તિ બોલી.

"તું શું કરે છે..?અને આ ઘર તો કોઈ સુરેન્દ્ર કથીરિયા નું છે એવું મેં બંગલો ની નંબર પ્લેટ પર વાંચ્યું હતું.."મેં મારાં મનમાં ચાલતો સવાલ પણ પૂછી લીધો અને હું જાણીજોઈને ત્યાં આવ્યો હતો એ વાત પણ છુપાવી.

"અરે એ મારાં માસા થાય..મારાં મમ્મી પપ્પા તો સુરત રહે છે..તો હું અહીં માસા અને માસી જોડે રહું છું..પણ તું અહીં બહાર શું કરતો હતો..?"પંક્તિ એ મારાં મનમાં ચાલતાં વિચારો ને તો શાંત કરી દીધાં એનાં જવાબ ની સાથે પણ મને એવો સવાલ પૂછ્યો જેનો જવાબ મારી જોડે તૈયાર નહોતો.

"એતો હું અહીં બાજુમાં એક બંગલો છે એનાં પ્લાનિંગ માં થોડાં સુધારા કરવાનાં હતાં તો એની તપાસ માટે આવ્યો હતો.."મેં મનમાં જે સૂઝ્યું એવું જુઠાણું ચલાવી દીધું હતું..જે શાયદ પંક્તિ ને ખોટું લાગવાનો સવાલ નહોતો.

"મેરેજ થઈ ગયાં કે હજુપણ કોઈની રાહ જોવે છે..?"હવે પંક્તિ મૂળ વાત પર આવી હતી એવું મને લાગ્યું.

"મેરેજ નો ઈરાદો હાલ પુરતો તો નથી..પણ કોઈ યોગ્ય યુવતી મળી જાય તો આગળ વિચારું.મારું તો હવે જે થવું હોય એ થશે પણ તને તારો સપનાનો રાજકુમાર મળ્યો કે નહીં..?"મેં એવો સવાલ કર્યો હતો જેનો ફક્ત નકારમાં જ જવાબ આવે એવી મારી આશા હતી..કેમકે આ સવાલ નાં જવાબ પર જ હવે બધું ડિપેન્ડ હતું.

"ના રે..સપનાનો રાજકુમાર અમદાવાદનાં ટ્રાફિક માં ક્યાંક ફસાઈ ગયો હોવો જોઈએ.."આટલું કહી એ હસવા લાગી..જોડે હું પણ હસી પડ્યો.

લગભગ અડધો કલાક સુધી "coffee with pankti" નો આ બીજો એપિસોડ ચાલતો જ રહ્યો..અને મને તો આ એપિસોડ આશુતોષ ગોવરીકર ની મુવી ની માફક ત્રણ-ચાર કલાક સુધી ચાલે જ જાય એવું હતું..પણ બધું મારું ધાર્યું થાય એવું થોડું હોય.

આખરે અમારી વાતચીત નો દોર પૂર્ણ થઈ ચૂક્યો હતો..હવે લાંબો સમય સુધી ત્યાં રોકાવું ઉચિત નહોતું રખેને પંક્તિ નાં માસા કે માસી આવી જાય તો ખોટું ના વિચારવાનું વિચારે.

"ચલ પંક્તિ તો મારે જવાનો સમય થઈ ગયો.."હું ઉભો થતાં બોલ્યો.

"Ok.. બહુ ખુશી થઈ તને મળીને.."પંક્તિ એ હરખાઈને કહ્યું.

ત્યારબાદ હું ઘર ની બહાર નીકળ્યો અને મારી એક્ટિવા તરફ આગળ વધ્યો..પંક્તિ પણ મને બહાર સુધી મુકવા બહાર સુધી આવી.પંક્તિ જોડેથી આ વખતે તો એનો કોન્ટેકટ નંબર લેવાનો જ હતો એ હું મનોમન નક્કી કરી ચુક્યો હતો..પણ એવું કહેવાની હિંમત નહોતી થઈ રહી.

"જો શિવ કુદરત કોઈ ભાગ્યશાળી ને જ આવો મોકો ફરીથી આપે છે..તારી સ્વપ્ન સુંદરી તારી જિંદગીમાં પુનઃ આવી છે..માંગી લે એનો નંબર"હું મારી જાત ને મનોમન આવું કહી boostup કરી રહ્યો હતો.

"તારો કોન્ટેકટ નંબર..?"પંક્તિ એ કહ્યું..મારાં હોઠે પણ same આજ શબ્દો હતાં પણ પંક્તિએ સામેથી એ શબ્દો કહીને મારી મૂંઝવણ દૂર કરી દીધી હતી..હું જ્યારે જ્યારે પંક્તિ સાથે વાત કરતી વખતે કોઈ વસ્તુ વિશે સંશય માં હોઉં ત્યારે પંક્તિ જ એનું આપમેળે સોલ્યુશન કાઢી આપતી.

મેં મારો નંબર પંક્તિ ને આપી દીધો અને એને મારાં નંબર પર misscall કરવા માટે કહ્યું..પંક્તિ એ misscall કર્યો એટલે મેં એનો કોન્ટેકટ નંબર મારાં ફોનમાં સેવ કરી લીધો..આખરે એ વસ્તુ મળી ગઈ હતી જે માંગવાની હિંમત હું સાડા ત્રણ વર્ષ પહેલાં નહોતો કરી શક્યો.

પંક્તિ ને by કહી હું ત્યાંથી નીકળી ગયો..જતાં જતાં મીરરમાં હાથ હલાવી મને by કહી રહેલી પંક્તિને જોતાં જોતાં ત્યાંથી વિદાય લીધી.પણ આ મુલાકાત માં પહેલી મુલાકાત જેવી હતાશા નહોતી પણ ફરીવાર મળવાની આશા હતી..!!

***

ઓફિસે પહોંચી પંક્તિ નું whatsup એકાઉન્ટ ચેક કર્યું..પંક્તિ એ d.p માં એક cute pic મુક્યો હતો જેમાં એ ખોળામાં એક teddy bear લઈને બેઠી હતી.મારી જેમ પંક્તિ પણ મારું whatsup એકાઉન્ટ ચેક કરશે એમ વિચારી મેં એ કર્યું જે દરેક છોકરો છોકરી પર પોતાની impression છોડવા માટે કરતો હોય છે.

સૌપ્રથમ તો મેં મારું ફોટો નું કલેક્શન ચેક કર્યું અને એમાંથી સૌથી સારો ફોટો પસંદ કરીને એને dp માં રાખી દીધો.બે ચાર સારી શાયરી અને વીડિયો પણ સ્ટેટ્સમાં રાખી દીધાં..હજુ તો આટલું મૂક્યું જ હતું ત્યાં એક whatsup મેસેજ આવ્યો.

"Mr.shiv you look cool in d.p"

એ મેસેજ હતો પંક્તિ નો..હા જેનાં મારે એ pic સેટ કર્યો હતો એની compliment આવી ગઈ હતી અને એ પણ બહુ ઝડપથી..મારાં ચહેરા પર ગજબની સ્માઈલ આવી ગઈ.મેં reply માં પંક્તિ ને thanks કહ્યું.

આગળ એ કંઈક type કરતી હતી..is typing... એવું ડિસ્પ્લે પર દેખાયું તો ખરું પણ શાયદ પંક્તિ એ કંઈક લખીને પાછું ડિલીટ કરી દીધું હતું અને એનો મેસેજ આવ્યો by.

મેં પણ પ્રત્યુત્તર માં by કહી દીધું..હવે મારે બીજું ઓફિસનું કામ હતું એટલે એ પહેલાં પતાવવાનું નક્કી કર્યું..પંક્તિ જોડે હવે રાતે વાત કરીશ એમ વિચારી મેં મારું સંપૂર્ણ ધ્યાન કામ માં કેન્દ્રિત કર્યું.

રાતે જમીને મેં રોજની માફક મોબાઈલ હાથમાં લીધો..વાંચકો નાં મેસેજનાં reply આપ્યાં અને આજે કેટલી ebook ડાઉનલોડ થઈ એ ચેક કર્યાં બાદ લખવાની શરૂ કરી ચેક એન્ડ મેટ નામની સસ્પેન્સ થ્રિલર.

હું મોબાઈલમાં જ નોવેલ લખું છું..આજે પણ એજ કરી રહ્યો હતો પણ દર પાંચ મિનિટ પછી હું મારું whatsup ખોલતો અને પંક્તિ online થઈ કે નહીં એ ચેક કરી લેતો..એમ ને એમ રાતનાં 10 વાગવા આવ્યાં હતાં પણ પંક્તિ ઓનલાઈન નહોતી થઈ અને મારું લખવામાં મન નહોતું લાગી રહ્યું.

અડધો કલાક હાથમાં મોબાઈલ પકડી એમજ બેસી રહ્યો..મારી આવી દશા પર મને ગાલીબ નો એક શેર યાદ આવી ગયો..

"ईश्क ने हमें निकम्मा कर दिया गालिब,

वरना आदमी हम भी बड़े थे काम के।।"

અચાનક પંક્તિનો એક મેસેજ આવ્યો .

"હજુ જાગે છે કે સુઈ ગયો..?"

મેં મોબાઈલમાં હાથમાં લીધો અને type કર્યું.

"હા હજુ ઉંઘવાનો સમય નથી થયો.."

બસ પછી શરૂ થઈ ગઈ મોડે સુધી ચાલનારી ચેટ..દિવસે ને દિવસે ચેટિંગ નો સમય વધે જતો હતો..હવે અમે રાતે એક એક વાગ્યાં સુધી ચેટ કરતાં હતાં..એક પછી એક અમારી જીંદગી નાં રહસ્યો અમે એકબીજા સામે ઉજાગર કરી ચૂક્યાં હતાં.. શાયદ પંક્તિ પણ મને પસંદ કરવા લાગી હતી અને એની લાઈફ માં પણ મારી જેમ કોઈ નહોતું.

હવે સવારે પંક્તિનાં good morning થી જ સવાર પડતી અને good night થી જ રાત પડતી..લગભગ પંદર દિવસ સુધી આમ જ ચેટિંગ ચાલતું રહ્યું.પણ મારે હવે એને મળવું હતું..મોબાઈલ ની ટચ સ્ક્રીન ની જગ્યાએ એની મુલાયમ આંગળીઓને ટચ કરવી હતી..dp માં જોયેલી એની ફોટો ની આંખોમાં ડૂબાતું નહોતું એટલે મારે મળીને એની આંખોમાં ડૂબવું હતું.

મારી મનમાં ઉભરી રહેલી મળવાની ઈચ્છાને કઈ રીતે શબ્દોમાં ઢાળી શકીશ એ સવાલ નો જવાબ હું બે દિવસ સુધી શોધતો રહ્યો..આખરે બધું યોગ્ય રીતે ગોઠવી મેં પંક્તિ જોડે ચેટ કરતી વખતે ધ્રૂજતી આંગળીએ મેસેજ type કર્યો.

"કાલે આપણે 12:30 વાગે lunch માટે મળી શકીએ..?"

પંક્તિ નું is typing... ચાલુ હતું અને હું એનો reply શું આવશે એની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો..હૃદય ની ધડકન બમણી થી વધુ થઈ ગઈ હતી..પંક્તિ ને મારી વાત નું ખોટું તો નહીં લાગે ને..??એ મારી વાત નો ખોટો અર્થ નિકાળશે તો..??પંક્તિ ના પાડી દેશે તો..??સવાલો નું ચક્રવાત ઉઠ્યું હતું મારાં ચંચળ મનની અંદર.

એટલામાં પંક્તિ નો મેસેજ આવ્યો.

"ના"

કોઈએ કટાર ને હૃદયમાં ઉતારી દીધી હોય એવું દર્દ થયું પંક્તિનો મેસેજ વાંચીને એટલામાં બીજો મેસેજ આવ્યો જેને એ દર્દ ને મિટાવી દીધું.

"શું આપણે 1 વાગે જઈ શકીએ.."

ના કહેવાનો તો કોઈ સવાલ જ નહોતો..મેં એની વાત ને સહમતિ આપી દીધી..ક્યાં જવું એ પણ નક્કી થઈ ગયું અને એકબીજાને ગુડનાઈટ કહી અમે એ દિવસની chat ની પુર્ણાહુતી કરી..!!

કાલે તો હું મારાં દિલ ની વાત પંક્તિ સામે રાખી દઈશ એવો મક્કમ નિર્ધાર કરીને મેં આંખો મીંચી દીધી..ઊંઘતા સમયે પણ મારાં ચહેરા પર મુસ્કાન રહેવાની હતી એ નક્કી હતું..!!

***

વધુ આવતાં અંકે.

શીવ પોતાનાં દિલ ની વાત પંક્તિ ને જણાવી શકશે..?? શિવ અને પંક્તિ ની થનારી મુલાકાત એમની વચ્ચે નો સંબંધ કેટલે સુધી આગળ વધારશે?? આ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો અધૂરી મુલાકાત નો નવો ભાગ આવતાં સપ્તાહે.

આ નોવેલ અંગે આપનાં અભિપ્રાય મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો..સાથે માતૃભારતી પર મારી અન્ય બીજી નોવેલ પણ આપ વાંચી શકો છો.

આખરી દાવ

બેકફૂટ પંચ

ડેવિલ:એક શૈતાન

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ

~જતીન. આર. પટેલ (શિવાય)