Adhuri Mulakar - 1 books and stories free download online pdf in Gujarati

અધૂરી મુલાકાત ભાગ-1

અધૂરી મુલાકાત

ભાગ:1

"પ્રેમ ની વાત નાં પુરાવા નથી હોતાં

અને વ્યથા ની વાત નાં સીમાડા નથી હોતાં.

બહુ સમજીને દિલ લગાવજે મારાં દોસ્ત

એની યાદોમાં દિલ સળગે ત્યારે ધુમાડા નથી હોતાં"

એ વાત ને વર્ષો વીતી ગયાં પણ કોઈ નાસુર બનેલાં જખમ ની જેમ એ વારંવાર મીઠી પીડા આપીને જાય છે..પણ સાચું કહું તો મને એ પીડા પણ કોઈ મીઠાઈથી પણ વધુ મીઠી લાગે છે.અન્ય પીડામાં જ્યાં આંખમાં આંસુ આવતાં પણ એ પીડા ઉપડે ત્યારે ચહેરો અને દિલ બંને ખીલખીલાટ હસી પડે છે.

મારું નામ શિવાય પટેલ..આજ થી સાડા ત્રણ-ચાર વર્ષ પહેલાં હું અમદાવાદ એક સોફ્ટવેર કંપનીમાં જોબ કરતો હતો ત્યારની આ વાત છે.એક સોફ્ટવેર instalation માટે મારે એક વખત સુરત જવાનું થયું.હું અમદાવાદ નહેરુનગરથી સુરત જતી વોલ્વો માં બેઠો..ટુ સીટર ની વિન્ડો વાળી સીટ ખાલી હતી એટલે મને લાગ્યું કે નક્કી કોઈ આવશે.

મને ટ્રાવેલિંગમાં એક જ શોખ મ્યુઝીક સાંભળવાનો અને એમાં પણ ગુલામ અલી તથા જગજીત સિંહ ની ગઝલો મારાં પ્લેલીસ્ટમાં ટોપ પર રહેતી.વોલ્વો માં બેસતાં ની સાથે મેં ઈયરફોન ની પીન મોબાઈલમાં લગાવી અને ઈયરફોન કાનમાં..ત્યારબાદ ચાલુ કર્યું મ્યુઝિક જેમાં ગુલામ અલી ની ગઝલ ત્યારે વાગી રહી હતી જેનાં શબ્દો હતાં.

"એ હુસ્ન-એ-પરવાહ તુઝે શોલા કહું શબનમ કહું..

ફૂલો મેં ભી શોખી તો હૈં.. તુઝકો મગર કિસસા કહું..?"

જેનો અર્થ થાય કે એ ખુબસુરતી ની મલ્લિકા તને આગ કહું કે પછી ઝાકળ કહું..ફુલો માં તો ઘણાં પ્રકાર છે પણ તને હું એમાંથી કયું ફૂલ કહું..??

હજુ તો ગઝલ ની શરૂવાત જ માંડ થઈ હતી ત્યાં એક યુવતી મારી નજીક આવીને ઉભી રહી.એ કંઈક બોલી પણ ઈયરફોન કાનમાં હોવાથી મને સ્પષ્ટ એનાં શબ્દો કાને ના પડ્યાં.એટલે મેં ઈયરફોનને કાનમાંથી બહાર નીકાળીને એ યુવતી તરફ જોઈને કહ્યું.

"Sorry what you say.. please say again.."

"તમે થોડી જગ્યા આપો તો હું અંદર જઈ શકું ત્યાં વિન્ડો વાળી સીટ મારાં નામે બુક છે.."ચાસણીમાં ડૂબળેલો મધ નીતરતો અવાજ મારાં કાને પડ્યો અને મેં યંત્રવત જ હું મારી સીટ પરથી ઉભો થયો અને એ યુવતીને અંદર જવાની જગ્યા કરી આપી.

એ યુવતી એ પોતાની સીટ પર સ્થાન ગ્રહણ કર્યું અને મારી તરફ જોઈ એક સુંદર સ્માઈલ સાથે કહ્યું.

"Thanks.."

આટલું કહી એને એક મેગેઝીન કાઢી અને વાંચવા લાગી.. એતો ચૂપ થઈ ગઈ પણ એનાં શબ્દો મારાં કાનમાં હજુપણ ગુંજી રહ્યાં હતાં.કોઈ સાત સુર માં ગીત ગાય એવું મને ખબર પણ પણ કોઈ સાત સુર માં વાત કરે એતો ત્યારેજ ખબર પડી.

હું સાંભળી તો ગઝલ રહ્યો હતો પણ મારું ધ્યાન એ યુવતી પર જ કેન્દ્રિત હતું..માર્ક ઝુકનબર્ગ ની માફક બ્લેક પેન્ટ અને ગ્રે ટીશર્ટમાં સજ્જ એ યુવતી ભલે ફેસબુક ની માલિક નહોતી પણ એક મનમોહક ફેસ ની માલિક જરૂર હતી.

દરેક વ્યક્તિ જોડે બે આંખો, બે કાન, એક નાક અને એક મોં એમ બધી જ વસ્તુઓ સરખી હોય છે પણ કઈરીતે કોઈ નું કોમ્બિનેશન એટલું પરફેક્ટ હોય કે બસ એને જોયાં જ કરીએ એવી ઈચ્છા મનમાં પેદા થાય..એ યુવતી પણ એવી જ હતી. હું ત્રાંસી નજરે બસ એની તરફ જોયે જ જતો હતો.

હું આમ તો છોકરીઓ જોડે વાત કરવામાં expert હતો પણ કેમ ખબર નહીં એ દિવસે જીભ ઉપડી જ નહોતી રહી.. મેં ઘણી વાર હિંમત એકઠી કરીને વાત ની શરૂવાત કરવાનું મન બનાવ્યું..બોર્ડર નાં સુનિલ શેટ્ટી ની જેમ મનોમન "એ માં શક્તિ" પણ બોલી જોયું.છતાં એની સાથે વાત કરવાનું શક્ય ના બન્યું.

એ યુવતી એ અચાનક મેગેઝીન બંધ કરી અને બેગમાં મૂકી દીધી..બેગમાંથી એને એક વેફર નું પેકેટ કાઢ્યું અને એને તોડ્યું..વેફર નો પહેલો ટુકડો મોંઢામાં મુકતાની સાથે એને મારી તરફ જોયું અને વેફર નું પેકેટ મારી તરફ લંબાવ્યું.

મેં પણ નાની સ્માઈલ સાથે એમાંથી એક વેફરનો ટુકડો લીધો અને આંખોથી જ આભાર માનતો હોય એવો ભાવ પ્રગટ કર્યો.

"તમને બોલવામાં કોઈ તકલીફ પડે છે કે પછી ગર્લફ્રેન્ડ એ કોઈ છોકરી જોડે વાત કરવાની ના પાડી છે.."એ યુવતી એ કહ્યું..એની વાત સાંભળી પહેલાં તો શું કરવું એ સૂઝ્યું પણ નહીં..પણ મેં મારી જાત ને થોડી સંભાળી અને હાથ લંબાવીને કહ્યું.

"My name શિવ પટેલ..અને બીજી વાત મારે કોઈ ગર્લફ્રેન્ડ નથી."

એ યુવતીએ મારાં લંબાવેલા હાથમાં પોતાનો હાથ મૂકીને મુસ્કાન સાથે બોલી.

"મારું નામ પંક્તિ દેસાઈ..અને આટલાં હેન્ડસમ છોકરાં ની કોઈ ગર્લફ્રેન્ડ ના હોય એ જાણી થોડી નવાઈ થઈ"

નામ પંક્તિ હતું પણ એની ઉપર એકસાથે બે ચાર ગઝલ લખવાનો વિચાર સ્ફુરી ઉઠ્યો. રૂપ, અદાઓ, સ્માઈલ, અવાજ, આંખો બધાનું ડેડલી કોમ્બિનેશન હતી પંક્તિ.સુંદર સ્ત્રી ની કોઈ કવિ ની કલ્પનાથી પણ વધુ સુંદર હતી પંક્તિ.કવી કલાપી ની નાં પ્રખ્યાત કાવ્યની પંક્તિઓ પંક્તિ ને જોઈને મનમાં સ્ફુરી ઉઠી.

"જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,

આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!"

પહેલાં તો હું એમ વિચારતો હતો કે કઈ રીતે હું એ મલ્લિકા-એ-હુસ્ન સાથે વાત કરીશ..પણ આતો પંક્તિએ સામેથી વાતચીત નો દોર ચાલુ કરીને મારાં મનમાં ચાલી રહેલાં વિચારો ને વિરામ આપી દીધો.ભાવતું હતું ને વૈધે કીધું જેવો ઘાટ ઘડાયો હતો.

વચ્ચે બસ એક જગ્યાએ રોકાઈ અને અમે ચા નાસ્તો કરવા નીચે ઉતર્યાં.એને પણ મારી માફક ચા નહોતી પસંદ એટલે અમે સાથે કોફી પીધી.. મારી લાઈફ ની સૌથી બેસ્ટ કોફી.હવે આ મુલાકાત કોફી થી કોફીન સુધી પહોંચે એવું પણ મને થઈ રહ્યું હતું. ભાઈબંધો ને એક અડધી ચા પણ ના પીવડાવતાં મેં કોફી નું બીલ ધરાર ચૂકવ્યું.ભાઈ ની impression નો સવાલ જો હતો.

નામ સાથે શરૂ થયેલી એની વાતો ધીરે ધીરે પોતાનાં શોખ અને પોતાની સાથે સંકળાયેલી નાની નાની વાતો સુધી પહોંચી ગઈ..એને M.S ધોની બહુ ગમે છે.પાણીપુરી એને પણ બીજી છોકરીઓની માફક બહુ ગમે છે.સાથે સાથે એ હજુપણ કાર્ટૂન જોવે છે અને કાર્ટૂન માં પોકીમોન એનું ફેવરિટ છે બધું જ એને બતાવી દીધું.પડોશ માં રહેતાં રમીલા કાકી નો દીકરો કાર્તિક એનો પહેલો ક્રશ હતો એ પણ એને હસતાં હસતાં કહી દીધું.

આ બધું તો દૂર ની વાત છે એ પાંચમા ધોરણમાં હતી ત્યારે સાયકલ પરથી પડી ગઈ હતી અને એની બધી ફ્રેન્ડ અને મિસ બકબક કહેતી હતી એવી પણ odd લાગતી વાતો એ ખૂબ સહજતાથી મારી સાથે share કરી ગઈ જાણે મને વર્ષોથી ઓળખતી ના હોય. એને પોતાનાં વિશે ઘણું બધું કહી દીધું પણ મેં મારાં નામ અને કામ સિવાય કંઈ વાત જણાવી જ નહીં અથવા તો હું કંઈ કહું એટલો એને સમય જ ના આપ્યો એમ કહેવું વધુ ઉચિત રહેશે.

આટલું બધું બોલ્યાં પછી એનાં એક સવાલે મને મનોમન હસવા મજબુર કરી દીધો.અડધો કલાક એકધારું બોલી લીધાં બાદ એ બોલી.

"શિવ મારી ફ્રેન્ડ અને ફેમિલી મેમ્બર એમ કહે છે કે હું બહુ બોલું છું..તને લાગે છે કે સાચેમાં એવું છે..?"

એનાં આ સવાલનો જવાબ સાચો આપીશ તો પંક્તિ ને ખોટું લાગશે એટલે મેં એને જે સાંભળવું હતું એજ બોલવું ઉચિત સમજ્યું.

"ના, રે આતો કંઈ વધારે કહેવાતું હશે.."

મારો આ જવાબ સાંભળી એનો ચહેરો હરખાઈ ઉઠ્યો અને એ પાછી લાગી ગઈ પોતાની બકબક માં..સાચું કહું તો મને કોઈ વગર કારણ ની વાતો કરે એ સહેજ પણ પસંદ નહોતું. પણ આજે ખબર નહીં આ અજાણી છોકરી એવું તે શું જાદુ કરી ગઈ હતી કે એની દરેક વાતો મને ગમવા લાગી હતી.

એને એક બીજી વાત કહી જે મને સૌથી વધુ ગમી.એને કહ્યું કે.

"શિવ, આ લોકો ફેસબુક માં ફ્રેન્ડ બનાવે પણ મને લાગે છે કે લોકો નાં ફેસ નાં ભાવ જોઈને એની સાથે ફ્રેન્ડશીપ કરવી જોઈએ ના કે ફેસબુક પર નાં અજાણ્યાં ફ્રેન્ડ જોડે.."

વજન હતું એની આ વાતમાં.એની વાત નો બીજો અર્થ એ પણ હતો કે ત્રણ કલાકની આ સફર માં હું એનાં માટે અજાણ્યાંમાંથી જાણીતો બની ગયો હતો.એની આવી જ અલકમલકની વાતોમાં ને વાતો માં સુરત ક્યારે આવી ગયું એની ખબર જ ના પડી.મારી જીંદગી ની સૌથી હસીન સફરનો બહુ ઝડપથી અંત આવી ગયો હતો જેનું દુઃખ પણ હતું.

પોતાનું સ્ટેન્ડ આવતાં ની સાથે જ પંક્તિ ઉતરી ગઈ.ઉતરતાં એને મારી સાથે હેન્ડશેક કરીને સુંદર સ્માઈલ સાથે કહ્યું.

"Nice to meet you shiv..તું બહુ innocent છે..તારી ગર્લફ્રેન્ડ બહુ નસીબદાર હશે જેને તારાં જેવો ગુડ લુકિંગ અને સાથે સમજદાર એમ 2 in 1 બોય મળશે.."

"Nice to meet you too pankti.. and thanks for your compliment..તે એવું કહ્યું કે હું 2 in 1 છું પણ તું તો 100 in 1 છે.."હું મહા મહેનતે આટલું જ બોલી શક્યો.

મારી વાત સાંભળી એ ખીલખીલાટ હસી પડી અને હું એનાં ગાલ નાં ખંજન ને એક ટક નિહાળતો જ રહ્યો.એને મારાં ચહેરા પર પોતાનાં નાજુક હાથનો સ્પર્શ કરી કહ્યું.

"By, શિવ હવે નસીબ રહ્યું તો ફરી ક્યારેક મળવાનું થશે.."

આટલું કહી એ મારાં by ની રાહ જોયાં વગર પંક્તિ આટલું બોલી લક્ઝરીમાંથી ફટાફટ નીચે ઉતરી ગઈ.

વોલ્વો માં ત્યારે વાગી રહેલું ગીત પણ મારાં દિલ ની હાલત ને બયાન કરી રહ્યું હતું જેનાં શબ્દો હતાં

"પરદેશી પરદેશી જાના નહીં.. મુઝે છોડ કે હાં મુઝે છોડ કે.."

વોલ્વો ની બારીમાંથી હું એને જતાં જોઈ રહ્યો..મારી જીંદગી માં જોયેલી સૌથી વધુ ખુબસુરત અને સૌથી વધુ મીઠડી છોકરીને જતાં.એ ચાલી ગઈ પછી યાદ આવ્યું કે એનો મોબાઈલ નંબર લેવાનો તો રહી જ ગયો..મેં નંબર માંગ્યો હોત તો શાયદ પંક્તિ મને એનો કોન્ટેકટ નંબર આપી દેત.એને પણ હશે કે હું નંબર માંગુ અને એ આપે પણ હું બુધ્ધુ એવું ના કરી શક્યો જેનો વસવસો આજ સુધી કાયમ છે.!!

સુરત માં મારું કામ પતાવી હું અમદાવાદ પાછો તો આવી ગયો પણ મારું દિલ તો હું વોલ્વો ની એ સીટ પર મૂકીને આવ્યો હતો.પંક્તિનાં ગાલ નાં ખાડામાં સોલી કાપડિયા નાં ગીત ની જેમ મારાં ચોર્યાસી લાખ વહાણો નો કાફલો એવો તે ડૂબ્યો હતો જેની કળ અમદાવાદ આવ્યાં નાં ઘણાં દિવસો સુધી વળી નહીં.

મારાં ઘણા દોસ્તો પણ સમજી ગયાં હતાં કે સુરતની સફરમાં કંઈક એવું તો થયું હતું કે જેનાં લીધે મારી સુરતનાં હાવભાવ બદલાઈ ગયાં હતાં.હું આવ્યાં પછી મારી જાત ને ગાળો આપી રહ્યો હતો કે મેં પંક્તિનો કોન્ટેકટ નંબર કેમ માંગ્યો નહીં.

એક ખાસ મિત્ર ની સલાહ થી મેં ફેસબુક નો પીટારો ખોલ્યો અને સર્ચ બોક્ષ માં જઈને લખ્યું.."પંક્તિ દેસાઈ".

એટલું લખતાં ની સાથે જ સેંકડો પંક્તિ દેસાઈ ની પ્રોફાઈલ ખુલી ગઈ..મેં એક પછી એક બધી પ્રોફાઈલ ને ચેક કરી જોઈ પણ મને એ પંક્તિ ક્યાંક મળી નહીં જેની મને શોધ હતી.મેં વધુ ચોક્કસ સર્ચ માટે સીટી માં અમદાવાદ અને સુરત પણ નાખી જોયું પણ બધું વ્યર્થ.પંક્તિએ કહ્યું હતું કે એને ફેસબુક પર મિત્રો બનાવવા નથી ગમતાં મતલબ એને ફેસબુકમાં એકાઉન્ટ જ બનાવ્યું નહીં હોય.

"કરમે લખ્યું કથીર"એ ઉક્તિ ને મન માં ઠસાવી હું પંક્તિ ને ભુલવાના પ્રયત્નમાં લાગી ગયો..શરૂવાતમાં તો રાત દિવસ એનો ચહેરો નજર ની સામે વારંવાર આવી જતો હતો પણ સમય ની સાથે હું મારાં દિલ ને મનાવવામાં સફળ રહ્યો..છતાં એ એ મીઠડી એ મિસ બકબક ક્યારેક શાંત વિચારો નાં સમુદ્ર માં પોતાની સુંદર મુસ્કાનથી પથ્થર નાંખી ને હલચલ મચાવી જાય છે..!!

ભૂલવી તો શક્ય નથી પણ ભૂલી ગયો છું એને એવો દેખાવ કરીને હું મારી જાત ને મનાવતો રહ્યો હતો.પણ મિત્રો જો તમારી કોઈ સાથે આવું કંઈપણ બને તો મન ની લાગણી ને શબ્દો ની વાચા આપવાનું ચુકશો નહીં.. કોઈ ગમે તો બોલી દેવાનું તું મને ગમે છે..વધુ માં વધુ શું થશે એ તમારો પ્રેમ નહીં સ્વીકારે એજ ને.. પણ એનાંથી આખી જીંદગી થનારો અફસોસ ખાળી શકાશે..!

હવે આ વાત તો મેં કહ્યું એમ સાડા ત્રણ વર્ષ જૂની છે તો એને કેમ અત્યારે કહેવાની નોબત આવી..?એનું પણ એક કારણ છે જે હું તમને અધૂરી મુલાકાત નાં આગામી પ્રકરણમાં જણાવીશ. સાથે એ પણ જણાવીશ કે મારી ડ્રીમ ગર્લ મને ફરી પાછી મળી કે નહીં.

***

વધુ આવતાં અંકે.

દોસ્તો આ નોવેલ કોની છે એ વિશે તમને સવાલ જરૂર થશે તો એનો જવાબ સરળ છે આ નોવેલ મારાં-તમારાં જેવાં દરેક યુવક યુવતીઓ ની છે જેમની દિલ ની વાતો દિલ મહીં જ રહી જાય છે.આ એક લઘુ નવલ છે એટલે બહુ ઓછાં ભાગ માં પૂર્ણ કરીશ.

મારી અન્ય નોવેલ પણ આપ માતૃભારતી પર વાંચી શકો છો.

બેકફૂટ પંચ

ડેવિલ:એક શૈતાન

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ

~જતીન. આર. પટેલ (શિવાય)

8733097096

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED