ગજેન્દ્ર અને બાલગણેશ Hiren Nathvani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગજેન્દ્ર અને બાલગણેશ

ગજેન્દ્ર અને બાલ ગણેશ
ડુંગરપુર નામનું એક સુંદર મજાનું રમણીય ગામ હતું. કુદરતે આ ગામ પર ખૂબ જ સ્નેહ વર્ષાવ્યો હતો પરંતુ સરકારની બેદરકારીને કારણે આ ગામમાં પાયાની જરૂરિયાત પણ ન હતી. લોકોને રોજગારી મેળવવા પણ દૂર સુધી જવું પડતું હતું. ગામના લોકો ખૂબ જ ભક્તિભાવ ધરાવતા હતા. ગામમાં સજ્જનતાને અને સંસ્કારને વરેલો એક સંઘવી પરીવાર રહેતો હતો. આર્થિક રીતે આ પરિવાર ખૂબ જ શ્રીમંત. શ્રીમાન સંઘવી અને શ્રીમતી સંઘવીને એક માત્ર સંતાનના નામે હતી તેની લાડકવાયી દીકરી રમ્યા. રમ્યા તો જાણે સંઘવી પરિવારનું આંખનું રતન હતી!
રમ્યા ઇચ્છતી હતી કે તેને એક ભાઈ હોય અને સંઘવી યુગલ પણ તેને એક વારસદાર હોય એવું ઇચ્છતું હતું. તેઓને ગણેશજીમાં અનન્ય ને અપાર શ્રદ્ધા હતી. તેમના ઘરમાં પણ એક ઓરડો આખો ગણપતિબાપાનું મંદિર બનાવ્યું હતું. પરિવારના ત્રણેય સભ્યોએ પોતાની ઈચ્છા પૂરી કરવા ગણપતિબાપાને પ્રાર્થના કરી.
ભગવાન ગણેશના આશીર્વાદથી સંઘવી પરિવારમાં એક બાળકનો જન્મ થયો. બાળકના જન્મની સાથે જ સંઘવી પરિવારમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ. રમ્યાએ ગજેન્દ્ર નામ સૂચવ્યું અને તેના માતા પિતા એ સહર્ષ સ્વીકાર્યું. શ્રીમાન સંઘવીએ ગામમાં મીઠાઈ અને જરૂરિયાતમંદ લોકોને કપડા વહેંચ્યા.
ગજેન્દ્રનો જન્મ ગણેશજીના આશીર્વાદથી થયો હોવાથી સંઘવી પરિવાર તેનો પડ્યો બોલ ઝીલતો. પાણી માંગે તો દૂધ મળે તેવો સરસ ઉછેર. તે જે માંગે તે તેના પિતા હાજર કરી દેતા. ગજેન્દ્રને પણ પરિવારના અન્ય સભ્યોની જેમ જ ગણપતિબાપામાં ખૂબ શ્રદ્ધા હતી.તેથી જ બાલ ગણેશ ગજેન્દ્રના સપનામાં આવી હંમેશા તેની સાથે રમતા, વાતો કરતા, ધીંગા મસ્તી કરતા અને ખૂબ મજા કરતા.
રમ્યા પણ પોતાના ભાઈ ગજેન્દ્રને ગણેશનું સ્વરૂપ માનતી અને તેની સાથે ખૂબ ધમાલ મસ્તી કરતી. ભાઈ બહેનની જોડી એવી તો જામતી કે બીજા કોઈ મિત્રોની જરૂર જ નહીં.ખુશીના દિવસોમાં સમય પણ ક્યાં વીતી જાય તેની ખબર પડતી નથી.
ગજેન્દ્ર પાંચ વર્ષનો થયો ત્યારે તેમનો જન્મ દિવસ ઉજવવા શ્રીમાન સંઘવીએ ભવ્ય પાર્ટી ગોઠવી. ડુંગરપુર આખું રોશનીના ઝળહળાટથી ચમકી ઉઠ્યું. ડુંગરપુરમાં જાણે કે દિવાળી આવી ગઈ હોય એવો માહોલ જામ્યો. આ પાર્ટીમાં ડુંગરપુરના દરેક રહેવાસી પોતાનો જ પ્રસંગ હોય એવા ઉમળકાથી જોડાયા. સાથે સાથે શ્રીમાન સંઘવીના તમામ સગા સંબંધીઓ દૂર દૂરથી આ પાર્ટીમાં સહભાગી થવા અને ગજેન્દ્રને આશીર્વાદ આપવા આવ્યા હતા. જેમાં સૌથી ખાસ હતા ગજેન્દ્રના પ્યારા મામા. દરેકના મુખ પર ખુશીના ભાવ અને હાથમાં કિંમતી ભેટ સોગાદો હતી. મુંબઈથી આવેલા ગજેન્દ્રના મામા કોઈ જ ગિફ્ટ લાવ્યા ન હતા. શ્રીમતી સંઘવીએ એકલામાં મળીને તેમને કારણ પણ પૂછ્યું. જવાબમાં મામાએ કહ્યું હું મારી ગિફ્ટની સરપ્રાઈઝ ઉજવણી વખતે જ જાહેર કરીશ. પાર્ટીની શરૂઆત થઈ ગજેન્દ્રએ પાંચ મીણબત્તી ઓલવી અને હેપ્પી બર્થડેના ગીતથી સંઘવી પેલેસ ગુંજી ઉઠ્યું. ગજેન્દ્રએ કેક કાપી. તાળીઓનો ગડગડાટ અને શુભેચ્છાઓનો વરસાદ થયો. ગજેન્દ્રએ સૌથી પહેલા મમ્મીને કેક ખવડાવી પછી પપ્પા અને વ્હાલી બહેન રમ્યાનું મોં મીઠું કરાવ્યું. મમ્મી પપ્પા એ સાઇકલ ગિફ્ટ કરી અને બહેન રમ્યા એ પિયાનો આપ્યો. ગજેન્દ્રએ જ્યારે કેકનો ટુકડો પોતાના મામાના મુખમાં મુક્યો ત્યારે મામાએ વ્હાલથી તેને ઊંચકી લીધો અને ખભે બેસાડ્યો. મામાએ કહ્યું મારી ગિફ્ટ એ છે કે હું ગજેન્દ્રને ભણવા માટે મારી સાથે મુંબઇ લઇ જઈશ. ગજેન્દ્રને તો મામાના ઘરે ખૂબ જ ગમતું હતું પણ તેના માતા પિતા આનાકાની કરવા માંડ્યા. મામાએ તેમને સમજાવ્યા કે ડુંગરપુર જેવા નાનકડા ગામ કરતા અનેકગણી સુવિધાઓ ધરાવતી અદ્યતન સ્કૂલમાં ભણવા મળે તો વાંધો શું? ત્યાંની શાળામાં ભણતરની સાથે સ્વિમિંગ, સ્કેટીંગ એકટિંગ જેવી અનેક સ્કિલ વિકસાવવાની તક મળશે અને ઉચ્ચ ખાનપાન ધરાવતા સહપાઠી મળશે. ત્યાં પણ મામાના ઘરે જ રહેવાનું છે તેમને કોઈ તકલીફ નહીં થાય. આખરે ગજેન્દ્રના માતા પિતા માની ગયા.
બીજે દિવસે ગજેન્દ્ર અને મામાને મુંબઇ જવાનું હતું. રમ્યા અને તેના માતા પિતા સ્ટેશન સુધી મુકવા આવ્યા. બાય બાય કહેતી વખતે રમ્યા અને મમ્મીની આંખો ખુશી અને દુઃખ મિશ્રિત લાગણીના આંસુથી ભરાઈ આવી. મામા અને ગજેન્દ્ર ટ્રેનમાં બેસી રવાના થયા. આગળના દિવસના ખૂબ થાકના કારણે મામાને થોડી મિનિટોમાં જ ઊંઘ આવી ગઈ. મુંબઇ પહોંચ્યા ત્યારે ગજેન્દ્ર રમતા રમતા બીજા કોચમાં જતો રહયો હતો અને મામાથી વિખૂટો પડી ગયો હતો. તે પણ રડતા રડતા મામાને શોધવા લાગ્યો પણ મામા ન મળ્યા. મામાએ પણ ગજેન્દ્રને શોધવા બનતા પ્રયાસો કર્યા પણ વિધિનું વિધાન કોઈથી ક્યાં બદલાય છે? આ બાજુ ગજેન્દ્રના માતા પિતા અને રમ્યા પર તો આ સમાચારથી જાણે આભ ફાટી નીકળ્યું.
આખરે ગજેન્દ્ર મુંબઇ સ્ટેશને એક કસાઈના હાથમાં આવી ગયો. કસાઈને કોઈ સંતાન ન હોવાથી તે ગજેન્દ્રને પોતાના ઘરે લઈ ગયો અને પોતાના બાળકની જેમ ઉછેર કરવા લાગ્યો. ગજેન્દ્રના ગળામાં ગણેશજીનું લોકેટ જોઈને કસાઈએ ક્યારેય ગજેન્દ્રને પરમાટી ન ખવડાવી કારણકે તે સમજી ગયો હતો કે આવી વસ્તુઓ તે પચાવી નહીં શકે અને બીમારીમાં પણ પટકાઈ શકે. તે ગજેન્દ્રને સારી રીતે સાચવવા પોતાનાથી બનતા પ્રયત્નો કરતો હતો. થોડા દિવસોમાં ગજેન્દ્રના બાળમાનસમાં પણ ભૂતકાળ ભુલાઈ ગયો અને તે પેલા કસાઈને પિતા સમજવા લાગ્યો. દરરોજ કપાતા પ્રાણીઓને નજરે જોઈને તે પણ નિષ્ઠુર બનવા લાગ્યો. આમ કરતા કરતા પાંચેક વર્ષ વીતી ગયા.
એક વખત એ કસાઈના ઘરથી થોડે દુર અતિ ભવ્ય ગણેશ ચતુર્થીની ઉજવણી થઈ. કસાઈ માત્ર ગજેન્દ્રને ખુશ કરવા માટે અને ડેકોરેશન બતાવવા માટે ગણેશ ઉત્સવના પંડાલમાં તેને લઇ ગયો. ત્યાં થતી આરતી અને ગણપતિ પૂજા જોઈ ગજેન્દ્રને પોતાના ભૂતકાળનું બધું જ યાદ આવવા લાગ્યું. પણ કસાઈને આ વાતની જાણ તેણે ન કરી. તે રાત્રે ગજેન્દ્ર પોતાના બાલ ગણેશને યાદ કરી રડતા રડતા જ સુઈ ગયો. તેને ઊંઘ આવતા જ પહેલાની જેમ તેના ખાસ મિત્ર બાલ ગણેશ સપનામાં તેને સાંત્વના આપવા આવ્યા. તેણે ગજેન્દ્રને કહ્યું, "દોસ્ત, દુઃખથી ડરવાનું ન હોય. દુઃખ તો રામ અને કૃષ્ણ ભગવાન હતા તો પણ સહન કરવું પડ્યું હતું ને? તારા માટે ખુશીના સમાચાર હવે દૂર નથી. કાલે ફરીથી તું ગણેશ ઉત્સવની આરતીમાં જરૂર જજે." બીજા દિવસે કસાઈને કહ્યા વગર જ ગજેન્દ્ર એકલો ગણેશ ઉત્સવના પંડાલ તરફ આરતીના સમયે ચાલી નીકળ્યો. યોગાનુયોગ કહીએ કે ગણપતિબાપાની કૃપા તે સાંજે પ્રસાદ વહેંચવા તેના મામા જ નીકળ્યા. ગજેન્દ્ર અને મામા એકબીજાને જોતાવેંત જ ઓળખી ગયા. તે બંનેની આંખમાં હર્ષના આંસુની સરવાણી વહેવા લાગી અને ગણપતિબાપાના આશીર્વાદ લઇ મામા ગજેન્દ્રને પોતાના ઘરે લઈ ગયા. તેના માતા પિતાને જાણ કર્યા વગર જ તેના મામા ગજેન્દ્રને લઇ ડુંગરપુર જવા નીકળી પડ્યા. તેના મામીનો પણ એવો આગ્રહ હતો કે એક વખત દુર્ઘટના બની છે માટે ગજેન્દ્રને હવે મુંબઈમાં ન રખાય કારણકે બીજી વખત જો કોઈ અમંગળ ઘટના બને તો ગજેન્દ્રના માતા- પિતા કે બહેન આ આઘાત જીરવી નહીં શકે.
ગજેન્દ્ર જેવો પોતાના ઘરે ડુંગરપુરમાં પહોચ્યો કે સૌપ્રથમ તેને બહેન રમ્યા દેખાઈ. રમ્યા તો પોતાના લાડકા ભાઈ ને જોતા જ આશ્ચર્ય અને ખુશીના ભાવથી ઉછળી પડી. મમ્મી પપ્પાના આનંદનો પણ પર ન રહ્યો. મામાએ ગજેન્દ્ર કેવી રીતે મળ્યો તે બધી વાત ઘરમાં કહી અને પછી પોતાના ઘરે મુંબઇ ચાલ્યા ગયા. જોતજોતામાં ગજેન્દ્ર તેર વર્ષનો થઈ ગયો અને રમ્યા બારમાં ધોરણમાં આવી ગઈ. હવે ગજેન્દ્રમાં સ્વાર્થ અને દુનિયાદારીની સમજ આવવા લાગી. તેમની પોતાની અલગ દુનિયા બનવા લાગી. રમ્યા પણ પોતાના અભ્યાસમાં વ્યસ્ત રહેવા લાગી કારણ કે અભ્યાસમાં સ્પર્ધા ખૂબ હતી અને પાછળ રહેવું તે રમ્યાના સ્વભાવમાં ન હતું. હવે બાલ ગણેશ પણ ગજેન્દ્રના સપનામાં બહુ ઓછા આવતા હતા. ગજેન્દ્રને હવે તેની ડુંગરપુરની શાળાના મિત્રો સાથે રમવું ગમવા માંડ્યું અને ગણેશજીની ભક્તિ ઓછી થવા લાગી.
એક વખત ગજેન્દ્ર શાળાએથી ઘરે આવતો હતો ત્યારે રસ્તામાં એક જગ્યાએ મંડપમાં ડેકોરેશન અને ગણેશજીની શણગારેલી મૂર્તિ જોઈ. ગણેશ ચતુર્થીના દિવસે જગ્યાએ જગ્યાએ ગણેશજીની સ્થાપના થતી જોઈને ગજેન્દ્રએ પણ ગણેશજીની સ્થાપના પોતાના ઘર આંગણે કરવાની પપ્પાને વાત કરી. પપ્પાએ કહ્યું કે ભાદરવા સુદ ચોથ એટલેકે ગણેશ ચતુર્થીથી શરૂ કરી અગિયાર દિવસ સુધી આપણે પણ ગણપતિ સ્થાપન કરીશું.
શ્રીમાન સંઘવી બીજા જ દિવસે પડોશના એક પણ ગામમાં ન હોય તેટલી મોટી મૂર્તિ એક ટ્રકમાં વાજતે ગાજતે પોતાના ઘરે સ્થાપના કરવા સારું લઇ આવ્યા. સારું મુહૂર્ત જોઈ બ્રાહ્મણને બોલાવી મંત્રોચ્ચાર સાથે દુંદાળા દેવની સ્થાપના કરવામાં આવી. આખા ગામના લોકો દરરોજ આ વિશાળકાય ગણેશજીની મૂર્તિની સામે સવાર સાંજ ભાવ પૂર્વક આરતી, પૂજન-અર્ચન, દીપમાળા, મહાપ્રસાદ વગેરે આયોજનો કરવા લાગ્યા. આસપાસના ગામમાંથી પણ આ ગણેશજીની વિશાળકાય મૂર્તિના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટવા લાગ્યું. 'ડુંગરપુર કા રાજા' ના કારણે આખું ગામ શણગારવામાં આવ્યું. ખૂબ ઊંચા અવાજે વાગે એવા લાઉડ સ્પીકરમાં આખો દિવસ ગજાનનની ભક્તિના ગીતો વગાડવામાં આવતા. દરરોજ ગામના મુખ્ય વ્યક્તિઓ દ્વારા કોઈને કોઈ પ્રસાદની જાહેરાત કરવામાં આવતી. કોઈ દિવસ મોદક તો કોઈ દિવસ મોતીચુર. બધા જ દર્શનાર્થીઓને પ્રસાદનો લાભ અચૂક મળતો. દર્શન કરવા આવનાર ભક્તો ગણપતિબાપાના દર્શન કરી ધન્યતા અનુભવતા.
ગણેશ ઉત્સવ પૂરો થતાં સંઘવી પરિવાર આ વિશાળકાય વિઘ્નહર્તાની મૂર્તિને ગામના તળાવમાં વાજતે ગાજતે વિસર્જન કરવા નીકળ્યા. આખા ગામના લોકો પણ તેમાં જોડાયા. ચારે તરફ ઢોલ-નગારા, ફટાકડા, ઘોંઘાટ અને અબીલ ગુલાલ સાથે 'ગણપતિબાપા મોર્યા'ના નાદથી ડુંગરપુરના રસ્તાઓ ગાજી ઉઠ્યા. સૌએ આવતા વર્ષે જલ્દી પધારવાની વાત સાથે ગણપતિબાપાને વિદાય આપી. ગામના રસ્તાઓ અબીલ ગુલાલથી રંગબેરંગી બની ગયા.
વિસર્જન બાદ સંઘવી પરિવારમાં અણધાર્યા ફેરફારો થવા લાગ્યા. બીજા દિવસથી સંઘવી પરિવારના સભ્યો ઉદાસ રહેવા લાગ્યા. કોઈને કારણ સમજાતું ન હતું. પણ બધાના મનમાં બેચેની રહેવા લાગી. સતત કોઈ અમંગળ થવાના એંધાણ વર્તાયા કરતા હતા. સાંજે શ્રીમાન સંઘવી એ ઘરે આવી પોતાની પત્નીને કહ્યું કે ધંધામાં ખૂબ મોટી ખોટ ગઈ છે. ત્યારપછી શ્રીમતી સંઘવીને ખૂબ તાવ આવી ગયો અને હોસ્પિટલના બિછાને પડ્યા. સંઘવી સાહેબને એક તરફ પોતાના ધંધાની મંદી અને બીજી તરફ હોસ્પિટલનો ખર્ચ બેલેન્સ કરવાનું મુશ્કેલ થવા લાગ્યું.બીજા દિવસે રમ્યા અને ગજેન્દ્રની શાળામાં સરપ્રાઈઝ ટેસ્ટ હતી જેમાં પણ તેમને કાંઈ ન આવડ્યું.
તેઓને સમજાયું કે કંઇક તો ખોટું થયું છે. પછીના દિવસે આખા પરિવારના સભ્યો ઘરના ગણપતિ મંદિરમાં ભેગા થઈને આખો દિવસ ગણપતિ પૂજા કરવા લાગ્યા શ્રીમતી સંઘવીની તબિયત પણ એક દિવસની સારવારથી થોડી સુધરી હોવાથી તે પણ પૂજામાં જોડાયા અને મુશ્કેલીઓમાંથી ઉગારવાનો માર્ગ બતાવવા લંબોદરને પ્રાર્થના કરવા લાગ્યા. તે દિવસે તેઓએ ભોજન પણ ન કર્યું અને ભૂખ્યા સુઇ ગયા.
રાત્રે ગજેન્દ્રના સપનામાં ફરી તેના ખાસ મિત્ર બાલગણેશ આવ્યા. ગજેન્દ્ર એ તેમના પરિવાર સાથે બનતી અશુભ ઘટનાઓનું કારણ પૂછ્યું. ગણેશજી એ કહ્યું, "તમે ખૂબ મોટી ભૂલ કરી છે. તમે જે મૂર્તિ પધરાવી હતી તે પ્લાસ્ટર ઓફ પેરિસની બનેલી હતી સાથે તેમાં કેટલાય જીવલેણ રસાયણયુક્ત રંગો વપરાયા હતા. એ મૂર્તિ તમે ડુંગરપૂરનાં એક માત્ર તળાવમાં પધરાવી આવ્યા. તેથી માછલીઓ અને કાચબા જેવા કેટલાય જળચર પ્રાણીઓ મૃત્યુ પામ્યા. જતી વખતે વિશાળ સંખ્યામાં લોકો મારા વિસર્જન માટે મુખ્ય રસ્તો રોકીને નાચતા ગાતા ચાલતા હતા. ત્યારે એ જ રસ્તે પસાર થતી એમ્બ્યુલન્સને પણ સમયસર રસ્તો ન આપ્યો. જેથી એક માતા બનનારી સ્ત્રીને એમ્બ્યુલન્સમાં જ બાળકનો જન્મ કરાવવો પડ્યો. ડુંગરપુરના બધા ઘરોમાં પ્લાસ્ટર ઓફ પેરિસથી પ્રદુષિત પાણી પીવાથી લોકો બીમાર પડ્યા. ગામના શ્રીમંત પરિવારે જે કર્યું તેનું અનુકરણ કરીને બીજા લોકો પણ પોતપોતાના ઘરે આવી પ્રકૃતિને નુકશાન કરે તેવી પીઓપીની મૂર્તિ વિસર્જન કરીને મારી બનાવેલી પ્રકૃતિને નુકશાન કરવા લાગ્યા અને કેટલાય નિર્દોષ જીવોની હત્યામાં ભાગીદાર બન્યા. તમે જે ઊંચા અવાજે વાગતી સાઉન્ડ સિસ્ટમ ગોઠવી હતી તેનાથી તમારા પડોશમાં રહેતા માવજીભાઈની બ્લડ પ્રેશરની તકલીફ વધી ગઈ અને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવું પડ્યું. તમારા પડોશમાં રહેતો નિખિલ કે જે ઉચ્ચ અધિકારી બનવા માટે ઇન્ટરવ્યુની તૈયારી કરતો હતો તે સાત દિવસ વાંચી ન શક્યો અને કારકિર્દીના મહત્વના વર્ષમાં તે થાપ ખાઈ ગયો." ગજેન્દ્રને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેણે બાલગણેશને પ્રાયશ્ચિતનો ઉપાય પૂછ્યો.
બાલગણેશના જણાવ્યા મુજબ બીજા વર્ષથી સંઘવી પરિવાર માટીના ગણપતિબાપા બનાવી પૂજવા લાગ્યા અને લોકોને પણ આ વિશે જાગૃત કર્યા. ડુંગરપુરના ઘર ઘરમાં માટીના શ્રી ગણેશ સ્થાપન કરવાની અનોખી શરૂઆત થઈ. આરતી પૂજામાં લોકોનો ભાવ અને શ્રદ્ધા તો પહેલા જેવા જ હતા પણ સાઉન્ડ સિસ્ટમની બાદબાકી થઈ ગઈ. આરતી સમયે લોકો થાળી થાળી અને ચમચીથી ઘંટનાદમાં સુર પુરાવતા. સંઘવી પરિવારે જાહેરાત કરી કે આખા ગામના ગણેશજીનું વિસર્જન તેમના ઘરના વિશાળ બગીચામાં કરવામાં આવે. તેમનું વિસર્જન પાણી વડે કરી જે માટી મળે તેમાં વૃક્ષ ઉગાડી પોતાના ગણેશને હંમેશા વૃક્ષ રૂપે પોતાના ફળિયામાં રાખવા લાગ્યા. જેનાથી એક તરફ બગીચામાં સુંદર વૃક્ષો ઊગી નીકળ્યા તો બીજી તરફ પ્રકૃતિને થયેલા નુકશાનની ભરપાઈ પણ થવા લાગી. દરેક વૃક્ષ ગણપતિબાપાના વિસર્જનની માટીથી ઊગ્યું હોવાથી તેમાંથી માળતાં ફળ ફૂલ ગણપતિબાપાનો પ્રસાદ સમજી તેનો ઉપયોગ કરાતો. સંઘવી પરિવારે આ વૃક્ષોની ઉપજોનો ઉપયોગ કરવાની બધા ગામલોકોને છૂટ આપી દીધી.
પછીના વર્ષે ખૂબ વરસાદ થયો અને તળાવમાં ચોખ્ખું નવું પાણી આવી ગયું. ગામના માણસો અને તળાવમાં વસતા જળચર જીવો પણ ખુશખુશાલ થઈ ગયા. શ્રીમાન સંઘવીએ 'ગજેન્દ્ર મૂર્તિ ઘર' ની ગામમાં સ્થાપના કરી. જેના દ્વારા ગામના અને બહારગામના લોકોને પડતર કિંમતે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ આપવામાં આવતી. પર્યાવરણને થતું નુકશાન તો અટક્યું પરંતુ ગામના લોકોનો રોજગારી પણ ગામમાં જ મળવા લાગી. હવે તેમને કમાવવા માટે દૂર જવાની જરૂર ન રહી. થોડા વર્ષોમાં આ ઉમદા કાર્ય બદલ શ્રીમાન સંઘવીને અને ડુંગરપુર ગ્રામ પંચાયતને સરકારશ્રી અને અન્ય સંસ્થાઓ પાસેથી અનેક એવોર્ડ મળ્યા અને ગણપતિબાપાના આશીર્વાદ એવા તો ફળ્યા કે આખા દેશમાં મૂર્તિકલાને કારણે ડુંગરપુરનું નામ પ્રખ્યાત થઈ ગયું. એક અગ્રણી ઉદ્યોગપતિએ ડુંગરપુર દત્તક લીધું અને તેમાં પાક રસ્તાઓ, સ્ટ્રીટ લાઈટ, અદ્યતન સુવિધાઓથી સજ્જ શાળા, કોલેજ અને લોકોને જરૂરી તમામ સુવિધાઓ ગામમાં જ કરી આપી.
બાલગણેશના આશીર્વાદથી ફરીથી સંઘવી પરિવાર વ્યવસાયમાં અને બાળકો અભ્યાસમાં આગળ આવી ગયા. માણસ વચન આપે તો અચ્છે દિન આવે કે ન પણ આવે પરંતુ આપણા કર્મો અને ગણપતિબાપા આપણો સાથ આપે તો અચ્છે દિન જરૂર આવે જ છે એ ડુંગરપુર ગામે સાબિત કરી બતાવ્યું.

hirennathvani11@gmail.com

99241 12312