પ્રેમનાં પ્રયોગો - ૬ Hiren Kavad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનાં પ્રયોગો - ૬

પ્રેમનાં પ્રયોગો

હિરેન કવાડ

૬) ભુતકાળનો અરિસો

“મમ્મી હું રોટલી બનાવી નાખુ છુ, તુ ધોયેલા કપડાને ધાબા પર સુકવી આવ”, મીરાએ લોટ બાંધતા કહ્યુ. અંકિતાબેન બાથરૂમમાંથી ધોયેલા કપડા ભરેલી ડોલ લઇને ઘર બહારની સીડી પરથી ઉપર ગયા.

મીરાએ પોતાની સીક્રેટ જગ્યાએથી તરત જ સેમસંગનો એક સ્લીમ મોબાઇલ કાઢ્યો, સ્પીડ ડાયલમાં કોઇ નંબર સેટ હશે એટલે ૧ નંબર ડાયલ કર્યો. તરત જ સામેથી કોલ રીસીવ થયો હશે કારણ કે ચારેક સેકન્ડમાં મીરાએ કહ્યુ કે “રોટલી નો લોટ બાંધુ છુ.”

“હા, બસ હવે તો ત્રણ દિવસ છે, પછી તો કોલેજ ચાલુ થઇ જ જશે.”, મીરાએ ફરી થોડી વાર રહીને કહ્યુ.

“મમ્મી..? મમ્મી ઉપર ગયા છે, કપડા સુકવવા…!!”, ફરી પાંચેક સેકન્ડ ફોન પર અવાજ સાંભળીને મીરાએ એના સ્લો ટોનના લેહકામાં જવાબ આપ્યો.

“ના, એક દિવસ તુ રાહ નહિ જોઇ શકે…?”, મિરાએ થોડુ અકળાઇને કહ્યુ અને પોતાના આગળ આવી ગયેલા વાળ આંગળા પર ચોટેલા લોટ વાળા હાથથી પાછળ તરફ એડજસ્ટ કર્યા.

“ના, પપ્પા નોકરી પર ગયા છે, અને ભાઇ એના ફ્રેન્ડ્સ જોડે ફરવા અક્ષરધામ ગયો છે.”, થોડા ઇન્ટરવલ પછી મીરાએ વધુ એક જવાબ આપ્યો.

“ઓકે, ઓકે, બાય, મમ્મી આવી ગઇ લાગે છે, બાય લવ યુ…”, દાદર પરથી ડોલ પડવાનો અવાજ આવતા મીરાએ કોલ કટ કર્યો અને ફરી સેફ એન્ડ સીક્રેટ જગ્યાએ રાખ્યો.

“બંધાઇ ગયો લોટ…?”,

“બસ મમ્મી પાંચ મિનિટ”

“બવ, ધીમી છે, તુ હો…!!”, અંકિતાબેને સ્માઇલ સાથે મીરાને કહ્યુ.

“ધીમી છુ પણ આવડે તો છે ને..?, પેલી પ્રિતીને તો લોટ બાંધતા પણ નથી આવડતુ.”, મીરાએ હસતા હસતા જ જવાબ આપ્યો અને લોટના પીંડા પર એક તેલનુ પાવળુ નાખીને પીડો મસળવાનુ ચાલુ રાખ્યુ.

“આવતા મહિને તો તુ ૨૨ની થઇ જઇશ, અને હવે તો તારૂ નવુ ઘર પણ શોધવુ પડશે ને..?”, અંકિતાબેને દુધી પરથી છાલ ઉતારતા કહ્યુ, આ સાંભળતા મીરાના ચહેરા પર કરચલીઓ પડી ગઇ.

“મમ્મીઈઈઈ.. તને કેટલી વાર કહ્યુ, મારે હમણા મેરેજ નથી કરવા…”, પીંડા પર વધારે ભાર આપતા આપતા મીરા બોલી.

“હા, પણ ક્યારેક તો કરવાજ પડશે ને, તારા પપ્પા કહેતા હતા કે રાજકોટથી કમલેશભાઇ મહેમાન થઇને આવવાના છે. છોકરો GEBમાં સર્વિસ કરે છે, સારૂ એવુ કમાય પણ છે, રાજકોટમાં એક બંગ્લો, બે ફ્લેટ અને એમના ગામમાં દસ વિઘા જમીન પણ છે, પાછો એમનો વિનય એક નો એક જ છોકરો છે, એટલે તુ ત્યાં સુખીજ થઇશ..!”, અંકિતાબેને કમલેશભાઇનુ પ્રોપર્ટી ડીસ્ક્રીપ્શન આપતા કહ્યુ.

“સોરી મમ્મી, પણ એનો મતલબ એ કે તુ આ 2BHK મકાનમાં પપ્પા સાથે દુખી છે..?”, મીરાએ કટાક્ષથી કહ્યુ.

“બોલતા બવ આવડી ગયુ છે.! અમે તારુ ભલુ વિચારીએ છીએ…”, અંકિતાબેને દુધીની છાલ નજીવા ગુસ્સા સાથે ભીંસી ભીંસી ને છોલવાનુ ચાલુ કર્યુ.

“મમ્મી, મને ખબર છે, પણ જો આપણે લોકો 2BHKમાં રહીએ છીએ તો પણ ખુશ છીએ, કદાચ આપણા લોકો પાસે એક રૂમનુ મકાન હોત કે પછી ભાડેથી રહેતા હોત તો પણ ખુશ જ હોત. પૈસો જરૂર ખુશીઓમાં વૃધ્ધી કરતો હોય પણ એ ખુશીઓ આપે એની કોઇ ગેરન્ટી તો નથી જ.”, મીરાએ સમજણપુર્વકની વાતો કરીને મમ્મી સામે એનો તર્ક મુક્યો અને અંકિતાબેનની બોલતી બંધ કરી.

“હા, ચાલ ચાલ, રોટલી વણવાનુ ચાલુ કર. હમણા તારા પપ્પા આવી જશે”, અંકિતાબેને કુકરમાં પાણી લીધુ અને દુધી સાથે ચણાની દાળ નાખીને દુધી ડાળનુ શાક બનાવવા મુક્યુ.

મીરાએ ડ્રોઅરમાંથી રોટલી વણવાની પાટલી કાઢી અને રોટલી વણવાનુ ચાલુ કર્યુ.

“શાક, જોજે…”, અંકિતાબેને બીજી રૂમમાં જતા કહ્યુ.

“હા…”

પાંચેક રોટલી બની હશે, મીરાની છાતી અચાનક વાઇબ્રેશન મહેસુસ કરવા લાગી. અંકિતાબેન બાજુમાં બ્લેન્ડરથી દહી વલોવી રહ્યા હતા. મિરાએ રોટલી વણતા પાછળ જોયુ. મમ્મીને વ્યસ્ત જોઇને એણે એની છાતી ઉપર હાથ જવા દીધો. અને છાતી દબાવીને કોલ કટ કરવાનુ બટન દબાવવાની કોશીષ કરી. ત્રણ ચાર વાર કોશીષ કર્યા પછી વાઇબ્રેશન બંધ થયુ એટલે કોલ કટ થઇ ગયો હશે એને એમ લાગ્યુ. મીરા ફરી પોતાના કામમાં પરોવાઇ ગઇ. અંકિતાબેને છાસ બનાવી અને એક બાઉલમાં માખણ કાઢ્યુ.

***

“પપ્પા, એક રોટલી તો હજુ ચાલશે જ”, મીરાએ એના પપ્પાને તાણ કરી.

“હા, એક મુક, આજે તે રોટલી બનાવી લાગે છે.?”, અંકેશભાઇએ મીરાને કહ્યુ.

“પપ્પા, તમને કેવી રીતે ખબર પડી…?”,મીરાએ કુતુહલતાથી પુછ્યુ.

“બેટા, તારો બાપ છુ, મને બધી ખબર પડે છે..!”, મીરાના પપ્પા બોલ્યા.

“ઓહો,..!”, મીરાએ પોતાનો ચહેરો ડાબી તરફ જુકાવીને ખુશી ભરેલા એક્સપ્રેશન આપ્યા.

“પણ, પપ્પા આજે હવે તમારે કોઇ કામ કરવાનુ નથી. જે અડધી રજા મળી છે, એ પુરેપુરી આરામ કરીને વિતાવો.”, મીરાએ છાશ નો વાટકો ભરતા કહ્યુ અને પોતાની થાળીમાં પણ એક રોટલી લીધી.

“મારી બિલાડી, આટલુ બધુ ધ્યાન રાખમાં, તુ ચાલી જઇશ પછી બવ તકલીફ પડશે…!!”, અંકેશભાઇ થોડા ગળગળા થઇ ગયા.

“પપ્પા જાવ ત્યારની વાત ત્યારે, હજુ તો મારે બવ વાર છે, MCA કરવુ છે, અને પછી Phd. હજુ તો તમને બવ ખર્ચો કરાવવાનો છે.”, મીરાએ મોઢામાં કોળીયો નાખ્યો અને બોલી એટલે અવાજ કંઇક વિચિત્ર જ સંભળાણો.

“હા બસ બસ, પેલા શાંતીથી જમીલે”, અંકિતાબેન બોલ્યા.

“તમે પેલા કમલેશભાઇનુ કહેતા’તા ને..?”, અંકિતાબેન અંકેશભાઇ તરફ ફરીને બોલ્યા.

“હા, પણ પછી એમનો ફોન આવ્યો નથી, ગઇ વખતે તો એમણે કહ્યુ હતુ કે વિનયને રજા મળે એટલે આવશે…!”, અંકેશભાઇએ જવાબ આપ્યો. અંકિતાબેને એમનુ ડોકુ ધુણાવ્યુ.

“પણ, પપ્પા મારે હમણા મેરેજ નથી કરવા…!!”, ફરી એજ ડાયલોગ મીરાએ એના પપ્પાને કહ્યો.

“બેટા પણ, તારૂ MCA. પણ હમણા પતી જશે…!!, અને છોકરાનો સ્વભાવ પણ સારો છે, અને સેટલ છે.”, અંકેશભાઇએ નરમાઇ થી કહ્યુ.

“આ છોકરીને કોણ સમજાવે…?”, અંકિતાબેને જમતા જમતા નીસાસો નાખ્યો.

“છતા તુ માત્ર જોઇલે જો તને પસંદ ના પડે તો ના પાડી દેજે…!”, અંકેશભાઇએ મીરાને કહ્યુ.

“પપ્પા તમારી બિલાડીની એક વાત પણ નહિ માનો…?”, મીરાએ ઇમોશનલ બ્લેક મેઇલ કરતા એના પપ્પાને કહ્યુ.

“બેટા, હવે તુ બિલાડી નહિ મારો વાઘ થઇ ગઇ છો…”, જમવાનુ પત્યુ થાળીમાં જ છળુ કરતા કમલેશભાઇએ મીરાને કહ્યુ અને ઉભા થયા.

બધુ જ કામ પત્યુ એટલે બધા આડા પડ્યા, દસ પંદર મિનિટમાં અંકિતાબેન અને અંકેશભાઇને ઉંઘ પણ આઈ ગઇ પણ મીરા વિચારોમાં ખોવાયેલી હતી. એ એના નિર્દોષ સપનાઓમાં ખોવાઇ ગઇ, એ એની ક્રિશ સાથેની પહેલી મુલાકત હતી.

***

મીરા ગાંધીનગરની કડી કોલેજમાં MCAમાં હતી. અત્યાર સુધી પપ્પાની લાડલીએ કોઇ જ બોયફ્રેન્ડ ન્હોતો બનાવ્યો. મીરાએ BCA સેક્ટર ૭ની પી.કે ચૌધરીમાં કર્યુ હતુ. એની બધીજ ફ્રેન્ડ્સ બોય ફ્રેન્ડ્સને રખડાવતી. ઘણી વાર એની ફ્રેન્ડ્સ એને બોયફ્રેન્ડ બનાવવાનુ સજેશન પણ આપતી પણ મીરા તરત બધાના મોં પર ચોડી દેતી કે… “પ્રેમ અને લગ્ન બન્ને એક સાથે જ કરીશ…!, મારા પપ્પા મારા માટે બેઠા જ છે ને એ કોઇ શોધી આપશે..!”.

પણ મીરાને ક્યાં ખબર હતી કે MCAના પહેલા જ દિવસે એને કોઇ મળી જશે. પણ મીરાને ફેશનથી કે હેન્કી હેઇર સ્ટાઇલથી તો કોઇ ઇમ્પ્રેસ કરી શકે એમ નહોતુ. મીરાનુ રૂપ પણ ક્રિષ્નની મીરાથી કમ નહોતુ. એ BCAમાં એની બેચની સૌથી સુંદર છોકરી હતી. કોલેજમા દર વર્ષે જે ફેશન શો થતો એમાં એને પ્રાઇઝના મળ્યુ હોય એવુ ત્રણ વર્ષમાં નહોતુ બન્યુ.

કોલેજનો પહેલો દિવસ. મીરાએ વ્હાઇટ ડ્રેસ પહેર્યો હતો અને લેહંગા પણ વ્હાઇટ ચુડીદાર હતો. એના સેન્ડલ મીડીયમ હીલના વ્હાઇટ પટ્ટી વાળા હતા. ડાબા હાથના કાંડા પર વ્હાઇટ કલરના મોતીઓ વાળુ અને એની સાથે નાનુ પ્લાસ્ટીકનુ રેડ ગુલાબ લટકેલુ બ્રેસલેટ પહેર્યુ હતુ. ડોકમાં ડાયમંડ નેકલેસ પહેર્યુ હતુ. કાન પર વ્હાઇટ છીપના લાંબા લટકતા એરીંગ્સ પહેર્યા હતા. એના ગોરા ચહેરાના કપાળના બરાબર વચ્ચે મીડીયમ સાઇઝનો વ્હાઇટ કલરનો ચાંલ્લો હતો અને વ્હાઇટ કલરની ફ્રેમ વાળા ચશ્મા પહેર્યા હતા. વ્હાઇટ મેચીંગથી શણગારાયેલી મીરા પરી જેવી લાગી રહી હતી. પણ ગાંધીનગરની મીરા અને રાજસ્થાનની મીરાના રૂપ અને પવિત્રતાની બાબતે અત્યારે વધારે ફરક નહોતો.

કોલેજના ગેટમાં એન્ટ્રી મારતા જ છોકરાઓ મીરા પર લટ્ટુ થવા લાગ્યા. આસપાસના છોકરાઓ ધીમા અવાજે કમેન્ટ્સ પણ કરવા લાગ્યા, જેનાથી હવે મીરા ટેવાઇ ગઇ હતી. મીરાએ એની ચાલવાની સ્પીડ વધારી. મીરા આમ તો ખુબ હીમ્મતવાળી છોકરી. કોઇના મોં પર કહેવા માટે જરાય ખચકાય નહિ. પણ મીરાએ નક્કિ કર્યા પ્રમાણે કોલેજના પહેલા દિવસે કોઇની સાથે વધારે બોલવુ નહિ. એટલે એણે નીચે જોઇને ક્લાસરૂમ્સ તરફ જડપથી ચાલવાનુ શરૂ રાખ્યુ.

આંઠ નવ વર્ષના બાળકોનુ એક ટોળુ મીરા તરફ આવી રહ્યુ હતુ. નાના બાળકો ખુબ ખુશ અને ઉમંગમાં હતા. એ લોકો કોલેજ ગેટની બહાર જઇ રહ્યા હતા. દોડતા દોડતા બાળકો મીરા તરફ આગળ વધી રહ્યા હતા. મીરા પણ નીચુ જોઇને પોતાની જડપે ક્લાસરૂમ્સ તરફ આગળ વધી રહી હતી. નાના ભુલકાઓનુ ટોળુ મીરા પાસેથી પસાર થયુ. પણ એક નાનુ બાળક મીરા સાથે અથડાયુ, એ પડ્યુ. મીરા પણ પડી જ હોત જો એણે થોડુ બેલેન્સ ગુમાવ્યુ હોત. નાનુ બાળક રડવા લાગ્યુ. એની કોણી નીચે પડવાથી છોલાઇ ગઇ હતી. મીરાએ જડપથી પેલા નાના બાળકને ઉભુ કર્યુ.

“બકા જો… કીડી મરી ગઇ….!!”, મીરા પેલા બાળકને બાળકની ભાષામાં સમજાવવા લાગી. કેમ્પસમાં ઉભેલા સ્ટુડ્ન્ટ્સ આ સાંભળીને હસવા લાગ્યા. મીરાએ પેલા બાળકના છોલાયેલા હાથ પરથી ધુળ ખંખેરી. પેલા નાના છોકરાને બળતરા થઇ રહી હતી. એ રડી રહ્યુ હતુ. બીજા બાળકો મીરા અને પેલા બાળકને ગોળ ઘેરીને ઉભા રહી ગયા હતા. મીરાને વિચાર આવ્યો કે કોલેજના એડમીન બ્લોકમાં ફર્સ્ટ એઇડનુ બોક્સ હશે એટલે ત્યાં લઇ જાય. પણ બાળકો કોની સાથે છે.? એ ખબર નહોતી. કોઇને કહ્યા વિના એ ભુલકાને કેવી રીતે લઇ જવુ..?

“જુઓ, બાળકો હું આને…” “શું નામ છે આનુ..?”

“બલ્લુ” પેલા ભુલકાઓનુ ટોળુ બોલ્યુ.

“હું બલ્લુને પેલુ સામેનુ બીલ્ડીંગ છે ને ત્યાં દવાખાનુ છે. ત્યાં લઇ જાવ છુ. તમે હું આવુ ત્યાં સુધી અહિંજ રહેજો..”, મીરાએ પેલા બાળકોને કહ્યુ.

“પણ અમને કોઇ બીજા લોકો સાથે જવાની ના પાડી છે…”, એક નાનુ બાળક જેણે થોડાક મેલા કપડા પહેર્યા હતા એ થોડુક આગળ આવ્યુ અને બોલ્યુ. બલ્લુ હજુ રડી રહ્યો હતો.

“બકા, બલ્લુને જો વાગ્યુ છે, અને એને પાટો બંધાવો પડશે…”, મીરાએ કહ્યુ.

“ના,.. ના.. ના, માલે દવાતાને નઇ જવુ.. ત્યાં ઇન્દેક્તન આપે…!!”, બલ્લુ તોતડુ તોતડુ બોલ્યો.

ત્યાંજ એક જીન્સ અને ઉપર બ્લુ કલરનુ ટી શર્ટ પેહેરેલ એક હેન્ડસમ છોકરો આવ્યો. જેના બ્લુ ટી શર્ટની ડાબી સાઇડ પર સ્માઇલી હતી. નીચે સ્માઇલ લખેલુ હતુ અને નીચે લખેલુ હતુ કે મેકીંગ સ્માઇલ….! સ્માઇલ નામના NGOનો વોલન્ટીયર આવ્યો. એના આઇ.કાર્ડ પર ક્રિશ વઘાસીયા નામ લખેલુ હતુ.

“શુ.. થયુ…?”, એણે ટોળાની અંદર આવીને બલ્લુને પોતાની પાસે લઇ લીધો. ક્રિશ બલ્લુની છોલાયેલી કોણી પર ફુંક મારવા લાગ્યો.

“આ આન્ટીએ મને ધક્કો માલ્યો….!”, બલ્લુ રડતો રડતો બોલ્યો. ક્રિશ સમજી ગયો કે બન્ને ટકરાયા હતા એટલે બલ્લુ પડ્યો હતો.

“આંખો નથી મેડમ…?”, ક્રિશ થોડો ગુસ્સો થઇને બોલ્યો.

“સોરી.. પણ છોકરાઓ દોડતા દોડતા આવી રહ્યા હતા અને મારૂ ધ્યાન નહોતુ.”, મીરાએ કહ્યુ.

“સોરી શુ..? બલ્લુને જો કેટલુ વાગ્યુ છે…?

“ખરેખર કોલેજમાં સ્ટુડ્ન્ટ્સને કોઇની કેર નથી હોતી. બસ એમને તો સારા સારા કપડા પહેરીને જલસા મારવાની જ ખબર પડે છે…”, ક્રિશે મીરાના કપડા જોતા જોતા કહ્યુ.

“મીસ્ટર. હું માનુ છુ કે મારી ભુલ હતી, બટ એનો મતલબ એ નથી કે તમે જે મનમાં આવે એ બોલી નાખો. અને પહેલા આપડે બલ્લુનુ ઘાવ પર ડ્રેસીંગ કરાવવુ જોઇએ.”, મીરાએ એની જીભ ચલાવી.

ક્રિશે એનો મોબાઇલ બહાર કાઢ્યો. “સલીમભાઇ… આપડી ગાડીમાં ફર્સ્ટ એઇડ કીટ પડી છે, એ લઇને જલદીથી કોલેજમાં આવો ને…!”, કોલ લગાવીને ક્રિશે કહ્યુ અને ક્રિશ નરમ હાથે બલ્લુના વાગ્યા પર સાફ કરવા લાગ્યો.

“લાવો હું સાફ કરી આપુ છુ..!”, મીરાએ કહ્યુ.

“ના, પહેલા ચશ્માના નંબર ઠીક કરાવી લો અને ચાલ થોડીક સુધારીલો એટલુ ઘણુ છે.”, ક્રિશે કટાક્ષથી કહ્યુ.

“મીસ્ટર, મારૂ નામ મીરા છે, અને મારી આંખો અને ચાલ બધુ જ બરાબર છે. હું મારી ભુલ એક્સેપ્ટ તો કરુ છુ એન્ડ સોરી પણ કહ્યુ.”, મીરાએ થોડુ ચીડાઇને કહ્યુ.

“જો તમારા કહેવાથી બલ્લુ છાનો રહી જતો હોય તો એ કરો. તમારા બોલવાથી એનો દુખાવો તો બંધ નહિ જ થાય.”, ક્રિશે ફરી દલિલ કરી.

પાંચ મિનિટ બધા જ ચુપ રહ્યા. ક્રિશ પલાઠી વાળીને બલ્લુ પાસે નીચેજ બેસી ગયો હતો. મીરાએ વ્હાઇટ ડ્રેસ પહેર્યો હતો એટલે એ નીચે બેસવા નહોતી માંગતી. ક્રિશ બલ્લુના માથા પર હાથ ફેરવીને બલ્લુને છાનો રાખી રહ્યો હતો.

એક વ્યક્તિ પોતાના હાથમાં વ્હાઇટ કલરનુ ફર્સ્ટ એઇડ બોક્સ લઇને આવ્યો અને ક્રિશને આપ્યુ.

“શું થયુ ક્રિશભાઇ.?”,સલીમભાઇએ પુછ્યુ.

“કંઇ નહિ બસ બલ્લુ પડી ગયો”, વધારે ના કહેતા ક્રિશે કહ્યુ અને ફર્સ્ટ એઇડ બોક્સમાંથી સ્પીરીટ, મલમ, કોટન કાઢ્યુ. મીરાએ બલ્લુનો હાથ પકડ્યો. “બલ્લુ થોડુક દુખશે હો બકા પણ એક જ મિનિટમાં તને સારૂ થઇ જશે.”, મિરાએ બલ્લુને કહ્યુ.

મીરાએ બલ્લુનો હાથ પકડી રાખ્યો અને ક્રિશે સ્પીરીટથી વાગ્યુ હતુ ત્યાં સાફ કર્યુ. બલ્લુએ થોડા સીસકારા પણ કર્યા. ઘા પર મલમ લગાડીને ક્રિશે બલ્લુની કોણી પર પાટો બાંધી દીધો.

મીરાએ બલ્લુના ધુળથી ખરડાયેલા કપડા ખંખેર્યા. ક્રિશે સલીમભાઇ તરફ ઇશારો કર્યો. સલીમભાઇએ બધાથી છુપાવીને એક મોટી ડેરી મીલ્ક ચોકોલેટ ક્રિશના હાથમાં આપી. ક્રિશે મેજીશીયન સ્ટાઇલમાં પોતાની પાછળથી જાદુ કર્યો હોય એવી રીતે ચોકોલેટ બલ્લુ સામે ધરી દીધી. બલ્લુ ખુશ ખુશ થઇ ગયો. બલ્લુના ચહેરા પર NGOના સ્લોગન પ્રમાણે સ્માઇલ આવી ગઇ.

“શું હું બલ્લુને છોડવા માટે તમારી ગાડી સુધી આવી શકુ..?”, મીરાએ કહ્યુ.

“હા, સ્યોર…!!”, બલ્લુની સ્માઇલ જોઇને ક્રિશ પણ ખુશ થઇ ગયો.

પોતાનો વ્હાઇટ ડ્રેસ મેલો થશે એની પરવા કર્યા વીના મીરાએ બલ્લુને તેડી લીધો.

“સોરી, બલ્લુ… એન્ડ યુ આર સો સ્વીટ…!!”, મીરાએ બલ્લુને વ્હાલ કરતા કહ્યુ.

“એન્ડ સોરી ટુ યુ, ટુ.”, મીરાએ ક્રીશને કહ્યુ.

“ક્રિશ… એન્ડ મને આટલુ બધુ અંગ્રેજી નથી આવડતુ, મને તો બસ આ લોકોની તોતડી ભાષા સમજાય છે..!, હું બાળકોના ચહેરા પર આંસુ સહન નથી કરી શકતો. એટલે કદાચ થોડુક વધારે બોલાઇ ગયુ હોય તો સોરી.”, ક્રિશે પણ ચાલતા ચાલતા સોરી કહ્યુ.

“ઇટ્સ ઓકે, હું સમજી શકુ છુ.”, મીરાએ કહ્યુ.

“જો આ બાળકોને કંઇ થાય તો એ લોકોના મમ્મી પપ્પા, ફરી વાર અમારી સાથે આવવાની પરમીશન ના આપે, થોડુક એનુ ટેન્શન પણ હતુ. એટલે હું ગુસ્સામાં થોડુક બોલી ગયો”, ક્રિશે ફરી સફાઇ આપી.

“ઇટ્સ ઓકે”, મીરાએ કહ્યુ અને બધા ગાડી પાસે પહોંચી ગયા.

બધા છોકરાઓ એક પછી એક ગાડીમાં ચડી ગયા. ક્રિશ ડ્રાઇવર પાસેની આગળની સીટ પર બેઠો. ક્રિશે મીરા પાસેથી બલ્લુને પોતાના ખોળામાં લીધો.

“જો, ઇશ્વરને મળવાનુ મન થાય તો આ નંબર પર કોલ કરજો….”, ક્રિશે મીરાને NGOના વીઝીટીંગ કાર્ડ પાછળ પોતાનો નંબર લખી આપ્યો અને એ વીઝીટીંગ કાર્ડ આપતા કહ્યુ.

મીરાએ બલ્લુના ગાલ પર એક પપ્પી લીધી. “આન્ટીને બાય કહો….”, ક્રિશે બધા છોકરાઓને કહ્યુ.

બધા છોકરાઓએ “બાયય્ય્ય્ય……………..” બોલતા બોલતા હાથ હલાવ્યા. મીરા પણ ટાટા કરતી રહી અને ક્વોલીસ ચાલતી થઇ ગઇ.

મીરાએ ભલે MCAના ફર્સ્ટ ડેનો ફર્સ્ટ લેકચર મીસ કર્યો હોય પણ એને આજે એવુ લાગ્યુ કે BCA/MCAની બહાર એક દુનિયા છે, નિઃસ્વાર્થ પ્રેમની દુનિયા. ક્રિશનો સ્વભાવ મીરાને ગમી ગયો હતો. કદાચ પહેલાજ દિવસે એ ક્રિશને પસંદ કરવા લાગી હતી.

તો આ હતી ક્રિશ અને મીરાની પહેલી મુલાકાત. પછી તો મીરાએ NGO જોઇન કર્યુ. દર સોમવારે સ્લમના છોકરાઓને એજ્યુકેશન આપવાનુ અને ક્યારેક એ લોકોને કોઇ સારી જગ્યાએ વીઝીટમાં લઇ જવાના, જેથી ભણવાની બાબતે છોકરાઓને ઇન્ટરેસ્ટ જાગે. NGOના કામ દરમ્યાન જ ક્રિશ અને મીરાને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો. બન્ને એકબીજાને ખુબ પ્રેમ કરવા લાગ્યા. બે વર્ષના રીલેશનમાં બન્ને ક્યારેય એકબીજા સાથે જગડ્યા નહોતા કારણ માત્ર એક જ બન્ને એકબીજાને સમજતા હતા.

***

“ડીંગ ડોંગ….” ડીંગ ડોંગ…”, ડોર બેલ વાગતા મીરા વિચારોમાંથી બહાર આવી ગઇ. મીરા ઉભી થઇ અને દરવાજો ખોલ્યો.

“તુ, મારો મોબાઇલ લાવ્યો…??”, મયંક એટલે કે મીરાનો ભાઇ અંદર આવ્યો એટલે મીરાએ પુછ્યુ.

“પાણી તો પીવા દે,.. આવતા વેંત મોબાઇલ…!!”, મયંક રસોડામા ગયો. મીરા પણ પાછળ પાછળ ગઇ.

“પંદર દિવસથી રીપેરમાં આપ્યો છે. હવે તો રીપેર થઇ જ ગયો હશે. તને જવાની આળસ ચડે છે. એમ કહે ને…!!”, મિરાએ મયંકને ખખડાવ્યો.

“હા મારી બેન આજે ૨૧માં જઇશ ને એટલે લેતો આવીશ…!!!”, મયંકે હાથ જોડતા કહ્યુ. મીરા ખુશ થઇ ગઇ. મીરાએ નળ ચાલુ કર્યો અને અડધો ગ્લાસ ભર્યો, અને મયંક ઉપર રેડી દીધો અને ત્યાંથી જડપથી દોડતી દોડતી હોલમાં પહોંચી ગઇ. મયંક પણ ફ્રીજની બોટલ લઇને મીરાની પાછળ દોડ્યો. બન્ને એકબીજા પાછળ દોડતા રહ્યા. બન્ને એકબીજા પર રાડો પાડવા લાગ્યા એટલે અંકેશભાઇ અને અંકિતાબેન જાગી ગયા.

“પપ્પા આ મયંકને ક્યો ને મારા પર પાણી નાખે છે.”, મીરા અંકેશભાઇની પાછળ છુપાઇને બોલી.

“શરુઆત કોણે કરી હતી…?”, મયંક બોલ્યો.

“પપ્પા એ મારો મોબાઇલ રીપેરીંગમાંથી લેવા નથી જતો”, મીરા બોલી.

“તારે અત્યારે મોબાઇલને શું કરવો છે…?”, અંકિતાબેન બોલ્યા.

“મમ્મી… મારી બહેનપણીઓ કોલ કરતી હશે..”, મીરાએ કહ્યુ.

“બસ બસ, મયંક બોટલ ફ્રીજમાં મુકી આવ…”, અંકેશભાઇએ મયંકને કહ્યુ.

“પપ્પાની બિલાડી……!! મ્યાવ”, મયંકે મોં બગાડીને બિલાડીનો અવાજ કાઢતા કહ્યુ.

૨૧ વર્ષની મીરા એના ૧૯ વર્ષના નાના ભાઇને અંગુઠો અને જીભ બતાવવા લાગી.

***

“મમ્મી, તુ દસમા-બારમામાં હતી ત્યારે કેવી હતી કહેને”, વાસણ ઉટકતા ઉટકતા મીરાએ એની મમ્મીને પુછ્યુ.

“કેમ? મેડમને શું કામ છે..?”, કંઇ નહિ જસ્ટ પુછુ છુ.

“એ દિવસો તો કોણ ભુલે. ખુબ જલસા કરતા….”, અંકિતાબેન ૧૮ વર્ષની છોકરી બોલે એ રીતે બોલ્યા.

“વોઓઓ….. મમ્મી..!!”, મીરા એક આંખ બંધ કરીને ચહેરા પર અલગ એક્સ્પ્રેશન લાવતા બોલી.

“ચાલ ચાલ, ઉતાવળ રાખ, હજુ ઘ-૪ ગોલા ખાવા જવાનુ છે, ખબર છે ને..?”, અંકિતાબેને કહ્યુ અને બન્ને ઉતાવળે ઉતાવળે વાસણ સાફ કરવા લાગ્યા.

બારીયા ફેમીલી આજે ગોલા ખાવા નીકળ્યુ. અંકિતાબેને ઘરને તાળુ માર્યુ. અંકેશભાઇ અને મયંકે બાઇક ચાલુ કરી. મીરા મયંકની બાઇક પાછ્ળ બેસી ગઇ, અને અંકિતાબેન અંકેશભાઇ ની સ્પ્લેન્ડર પાછળ બેસી ગયા.

“થેંક્યુ ભાઇ, આજે ગોલો મારા તરફથી..”, મીરાનો મોબાઇલ મયંકે રીપેરમાંથી લાવી આપ્યો એટલે એણે થેંક્યુ કહ્યુ.

“ગોલાના પૈસા તો પપ્પા આપશે, તુ રોકડા જ આપી દે, હાહાહા…”, મયંકે કહ્યુ. મીરાએ મયંકની પીઠમા એક ધબ્બો માર્યો.

“હા, બે રૂપિયા લઇ જજે હો..!!”, મીરાએ કહ્યુ.

મીરાના મોબાઇલમાં ટાઇટેનીક ની રીંગ વાગી. “હા, સખી…”, મીરાએ સામેથી ક્રિશનો અવાજ સાંભળ્યો છતા એની કોઇ ફ્રેન્ડનુ સંબોધન કર્યુ.

“લાગે છે, બીલાડી મેમ કોઇની સાથે છે..?”, ક્રિશે કહ્યુ.

“બસ જો ને ઘ-૪ ગોલા ખાવા જઇએ છીએ. તુ શું કરે છે…?, ચાલ ગોલા ખાવા”, મીરાએ કોઇ છોકરી સાથે વાત કરતી હોય એ જ ટોનમાં વાત કરવાનુ ચાલુ રાખ્યુ.

“બસ, આજનો દિવસ તો બવ કામ રહ્યુ. CAને એના કોઇ ક્લાયન્ટને આખા વર્ષના રીપોર્ટ જોઇતા હતા તો એજ માથાકુટમાં આખો દિવસ વીતી ગયો.”, ક્રિશે કહ્યુ.

“ઓહ્હ્હ, તો તો કોલેજની બધી તૈયારી થઇ ગઇ એમને…!!’, મીરાએ કહ્યુ.

“ઓકે ચાલ અત્યારે મુકુ બધા સાથે છે તો…”, ક્રિશે કહ્યુ.

“ઓકે બાય….. મળીએ”, મીરાએ કોલ કટ કર્યો.

ઘ-૪નુ સર્કલ આવ્યુ એટલે બાઇક ઉભી રહી. મયંકે અને કમલેશભાઇએ બાઇક સાઇડમા પાર્ક કરી. બધાજ ઘ-૪ના સર્કલે બેઠા. બધાએ પોતપોતાના ફેવરીટ ગોલા મંગાવ્યા. મીરાએ ચોકોલેટ કોકોનટ મંગાવ્યો. ગોલા આવ્યા એટલે મીરાએ મયંકના સ્ટ્રોબેરી ફ્લેવર ગોલામાં નજર નાખી.. મયંક ચાખવા દેને. “ચાલ, ચાલ.. ફુટ..!!”, મયંકે કહ્યુ. મીરાને પણ મયંકને ચીડવવાની મજા આવતી. મયંક અને મીરા ભલે મોટા થઇ ગયા હોય પણ એકબીજા માટે હજુ એ લોકો નાના બાળકો જ હતા. જે જગડે અને વ્હાલ પણ કરે.

ગોલા ખાતા ખાતા અંકેશભાઇનો મોબાઇલ વાગ્યો. “કમલેશભાઇનો ફોન છે..”, અંકેશભાઇએ અંકિતાબેન તરફ જોઇને કહ્યુ. મીરાના ચહેરાએ કોઇ એક્સપ્રેશન ના આપ્યા એ ગોલો ખાવામાં જ વ્યસ્ત રહી. “તો ઉપાડોને વાટ શેની જુઓ છો..”, અંકિતાબેને કહ્યુ.

“હા, કમલેશભાઇ… કેમ છો..?”, અંકેશભાઇએ ફોન ઉપાડ્યો અને સ્પીકર ફોન ઓન કર્યુ.

“બસ, મજામા. તમે બધા કેમ છો..?”, સામેથી એક કડક અવાજ આવ્યો.

“બસ બધા જ મજામા હો, ગોળા ખાવા આવ્યા છીએ બધા.”, અંકેશભાઇએ કહ્યુ.

“અમે બધા બસ જમીને બેઠા છીએ, રમીલા ટીવી જુએ છે. વિનયને આજે શનીવારની રજા એટલે એ પણ ઘરે છે.”, કમલેશભાઇ બોલ્યા.

“મારે પણ આજે હાફ ડે હતો. એટલે આજે આરામ હતો. બોલો બીજુ નવીનમાં શું છે…?”, અંકેશભાઇએ કહ્યુ.

“બસ હાલ તો તડકો બવ પડે છે. અમે એવુ વિચારીએ છીએ કે આવતા રવીવારે અમે ગાંધીનગર આવીએ, વિનયને પણ અમદાવાદમાં કંઇક કામ છે.”, કમલેશભાઇના શબ્દો સાંભળતા બીજા બધા તો એક્સાઇટમેન્ટમાં હતા પણ મીરાનો મુડ મરી ગયો. હવે ગોલાની ડીશ એના ગળે ઉતરતી બંધ થઇ ગઇ. એણે કોઇ ના જુએ એ રીતે અડધો ગોલો સર્કલની અંદરની લોનમાં ફેંકી દીધો.

“હા, આવો આવો… તમને ગાંધીનગર ફેરવીએ.”, અંકેશભાઇએ કહ્યુ.

“તો આવતા રવિવારે, ચાલો તંઇ જય શ્રી ક્રિષ્ન.”, “જય શ્રી ક્રિષ્ન…”, અંકેશભાઇએ કોલ કટ કર્યો.

“બીલ્લી મેમ આપકી તો નીકલ પડી….!!”, મયંકે મીરા સાથે ખભો ભટકાવીને કહ્યુ.

“મયંક….!”, મીરાએ કોઇ ખાસ ખુશી વિના કહ્યુ. પાંચ મિનિટ પહેલા મીરાના ચહેરા પર ખુશી હતી એ કમલેશભાઇના કોલ સાથે જ કટ થઇ ગઇ.

“આવતા રવિવારે, સ્માઇલમાં જવાનુ કેન્સલ રાખી દેજે બેટા”, અંકેશભાઇએ કહ્યુ.

“ઓકે”, મીરાએ ધીમેથી કહ્યુ.

“મારા વાઘનો અવાજ ક્યાં ગયો…?”, અંકેશભાઇએ કહ્યુ.

“ઓકે… ઓકે.. પપ્પા.”, મીરાએ થોડુ મોટેથી કહ્યુ.

“હાશ, ભગવાને મારી સાંભળી લીધી, બસ એકવાર આ સંબંધ પાક્કો થઇ જાય…!”, અંકિતાબેન બોલ્યા.

“થઇ જશે, થઇ જશે ચિંતા કરમાં.”, અંકેશભાઇ બોલ્યા.

મીરાનુ મગજ હવે વિચારે ચડ્યુ. એની સામે ક્રિશનો ચહેરો આવવા લાગ્યો. એણે તો એક જ વ્યક્તિને પ્રેમ કર્યો હતો. જેની સાથે જ એ મેરેજ પણ કરવાનુ નક્કિ કરી ચુકી છે. પણ મમ્મી પપ્પાને પણ એ કેવી રીતે કહે? કાસ્ટમાં તો વધારે કંઇ પ્રોબ્લેમ જેવુ તો નહોતુ. કારણ કે મીરા લેઉઆ પટેલ અને ક્રિશ કડવા પટેલ. મીરા પણ નાત જાતમાં ક્યાં માનતી જ હતી. પણ ઘરના લોકો કે.પી ના છોકરાને પંસદ કરશે…? અને ના કરે તો શું કરવુ..? કોર્ટ મેરેજ કરવા..? પણ પપ્પાનુ શું થશે…? આવા બધા સવાલો મીરાના મગજને હેન્ગ કરવા લાગ્યા.

ગોલા પત્યા એટલે બધા ઘર તરફ જવા નીકળ્યા. મીરાનુ મન તો ક્રિશમાં ક્યારનુય લાગી ચુક્યુ હતુ. બન્ને એકબીજાના સાથ વિના તો રહી શકે એમ હતા, પણ એકબીજા વિના તો નહિ જ. મીરાનુ મગજ અત્યારે ક્રિશ સિવાય કોઇ બીજા વિચારો નહોતુ કરી રહ્યુ. એને બસ કાલ પડવાની વાટ હતી. આવતી કાલે સ્માઇલમાં ક્રિશ મળે એટલે બધી વાત કરીને શું કરવુ એનો ડીસીઝન લેવો. મીરાએ ક્રિશને કોલ પણ ના કર્યો કારણ કે એ ક્રિશને વધારે ચિંતામાં નાખીને એની પણ ઉંઘ બગાડવા નહોતી માંગતી. મીરાને આજે લાગતુ હતુ કે એના શરીરમાં જીવ જ નથી. ટેરેસ પર ગાદલુ ચડાવતા ચડાવતા એ પડવાની જ હતી. પણ બેલેન્સ જળવાઇ ગયુ. ટેરેસ પર ઠંડા પવન વચ્ચે બધાને ઉંઘ આવી ગઇ. પણ મીરા મોડે સુધી બીજના ચંદ્ર અને થોડે દુરના એક ખુબ પ્રકાશીત અને ચમકતા તારાને જોઇ રહી અને મનમાં જ કહેતી રહી.

“બસ ક્રિશ આપડા વચ્ચે આટલી જ દુરી છે.”

રાત ક્યારે વિતશે એજ વિચારોમાં મીરાની રાત લાંબી થઇ ગઇ હતી. વહેલી સવારે મીરાને ઉંઘ આવી ગઇ. સવારે ઉઠી ત્યારે મીરાની આંખો ઓલમોસ્ટ સોજી ગયેલી હતી. કદાચ એ કોઇને દોષ આપ્યા વિના રડી હતી. સવારે ૭-૪૫ વાગ્યે મીરાની ઉંઘ ઉડતાજ એણે જડપ રાખી. એને સ્માઇલમાં જવાનુ હતુ અને કદાચ સ્માઇલ જ અત્યારેતો મીરાના ચહેરા પર સ્માઇલ લાવી શકે એમ હતુ.

“મમ્મી, હું નીકળુ છુ..”, મીરાએ બેડરૂમમાંથી હોલમાં આવીને કહ્યુ.

“નાસ્તો કરતી જા બકા…!!”, અંકિતાબેને રસોડામાંથી ડોકુ કાઢીને કહ્યુ.

“ના, મમ્મી હું ત્યાંજ નાસ્તો કરી લઇશ..!!”, મીરાએ એની સાઇડ બેગ ખભા પર લટકાવતા કહ્યુ. આજે મીરાએ ગ્રીન લેગી એન્ડ ઉપર અલગ અલગ કલરના પટ્ટા વાળુ ટોપ પહેર્યુ હતુ જેમાં વચ્ચના ગ્રીન પટ્ટામાં લખ્યુ હતુ કે, “લેટ્સ ફ્લાય ટુગેધર ”.

સેક્ટર બાવીસમાંથી ઘ-૬ પહોંચતા એને વધારે વાર ના લાગી. ઘ-૬ના બસ્ટેન્ડ પર પહોંચતા જ એણે પોતાના મોબાઇલમાં ક્રિશનો નંબર ડાયલ કર્યો. એક રીંગ વાગી. પણ કોલ રીસીવ ના થયો. એવી રીતે ત્રણ રીંગ વાગી પણ કોલ રીસીવ ના થયો. મીરા થોડી બેચેન થઇ. અત્યારે એને સૌથી વધારે જરૂર ક્રિશની હતી. મીરાએ એનો પેશન્સ ગુમાવ્યા વિના રીંગ વાગવા દીધી. પાંચમી રીંગ પર ક્રિશે કોલ રીસીવ કર્યો.

“યસ મેડમ, ફર્સ્ટ લેટ મી ટેલ યુ, આઇ હેવ ગુડ ન્યુઝ ફોર યુ. બટ આઇ વીલ નોટ ટેલ વોટ ઇટ ઇઝ..?”, ક્રિશે ખુબ જ એક્સાઇટેડ અવાજમાં કહ્યુ. પણ હાલ તો મીરાને કોઇ જ એક્સાઇટમેન્ટ ફીલ ના થઇ. હકિકતમાંતો એણે કદાચ આ ધ્યાનથી સાંભળ્યુ પણ નહિ.

“ક્રિશ, મારે તારી સાથે ખુબ જ ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે…”, એક હાથથી કાને મોબાઇલ રાખીને અને ડાબા હાથથી પોતાના ડાબા સાથળ પર ટેપ કરતા કહ્યુ.

“શુ..? બોલને બકા…?”, ક્રિશે થોડુ સીરીયસ થઇને પુછ્યુ.

“ના, ફોન પર કહેવુ મને નહિ ગમે. આજે ક્યાં આવવાનુ છે.?. એન્ડ ગુડ ન્યુઝ શું છે..?”, મીરાએ પુછ્યુ ત્યાંજ અમદાવાદ જવાની બસ આવી.

“ઓકે. આજે પાવર સ્ટેશનથી બાળકોને સાયન્સ સીટી લઇ જવાના છે. એન્ડ ગુડ ન્યુઝ હું તને અહિં આવીશ ત્યારે જ કહીશ.”,ક્રિશે કહ્યુ.

“બસ, આવી ગઇ છે એક મિનિટ એન્ડ બલ્લુ શું કરે છે..?”, મીરાએ બસના દરવાજા પાસે જમા થયેલી ભીડમાં દાખલ થતા કહ્યુ.

ઘ-૬ના બસ સ્ટેન્ડ પર અમદાવાદની બસમાં જવા વાળા પેસેન્જરની ખાસ્સી એવી ભીડ હતી. મીરા ધક્કા લગાવતી લગાવતી અને ધક્કા ખાતી ખાતી બસમાં ચડી. મીરાને બેસવાની જગ્યા પણ મળી ગઇ.

“હા, બોલ”, મીરાએ સીટ પર બેસતા કહ્યુ.

“બલ્લુ, મારી પાસે જ છે. એન્ડ હું એને નવુ જીન્સ અને ટી શર્ટ પહેરાવુ છુ. તને ક્યારનો યાદ કરે છે…!!”, ક્રિશે કહ્યુ.

“ઓહ્હ, એમ..? આપતો બલ્લુને”, મીરાએ કહ્યુ. મીરાના ટેન્શનની એક દવા સ્વીટ બલ્લુ પણ હતો.

“હલો.. આન્તી… ત્યાલે આવો તો તમે..?, આઇ લવ યુ..?”, ફોનમાંથી અવાજ આવ્યો. મીરાને ખબર પડી ગઇ કે આઇ લવ યુ ક્રિશે જ બલ્લુ પાસે કહેડાવ્યુ હશે.

“લવ, યુ ટુ માય ડીઅર…”, મીરાએ કહ્યુ.

“ટેન્શન લેમા, ઇશ્વર બધુ જ બરાબર કરી દેશે…. એન્ડ રીલેક્સ”, ક્રિશનો ફોનમાંથી અવાજ સાંભળ્યો. મીરા અત્યારે કેમ કહે કે એ અડધી રાત સુધી ઉંઘી નથી.

“ઓકે ડીઅર.. લવ યુ…”, મીરાએ કહ્યુ એટલે બાજુમાં બેસેલા અંકલે મીરા સામે ઘુરતી નજરે જોયુ.

“લવ યુ ટુ..”, ક્રિશે કહ્યુ એન્ડ બન્ને એ કોલ કટ કર્યા.

મીરાએ બેગમાંથી ઇયરફોન્સ કાઢ્યા અને પોતાના મોબાઇલમાં ઇન્સ્ટ્રુમેન્ટલ સોંગ્સ ચાલુ કર્યા. જે સાંભળતા સાંભળતા ઉંઘનુ એક જોકુ પણ આવી ગયુ, પણ સુભાષબ્રીજ આવ્યુ એ પહેલા એની ઉંઘ ઉડી ગઇ. મીરા સાબરમતી પાવર સ્ટેશન ઉતરી, ત્યાંથી UGVCLની ઓફીસ સુધી ચાલતા જવાનુ હતુ, UGVCL પાસેની ઝુપડપટ્ટીના છોકરાઓને એજ્યુકેશન વીથ ફન આપવાનુ કામ ક્રિશના ગૃપનુ હતુ, અને એ લોકો તે કામને એન્જોય પણ કરતા.

પાંચ સાત મિનિટમાં મીરા સ્લમ એરીઆમાં પહોચી. ક્રિશ અને ડ્રાઇવર બધા જ ચીલ્ડ્ર્નને તૈયાર કરીને ઉભા હતા. મીરાને આ ક્ષણો ખુબ સુકુન આપતી હતી. એ જ્યારે આ છોકરાઓને જોતી ત્યારે એના બધા દર્દ એને ભુલાઇ જતા એને જસ્ટ પ્રેમ વરસાવવાનુ મન થતુ. મીરા બલ્લુ પાસે ગઇ. ગોઠણ ભર બેસી અને બલ્લુને ગાલ પર પપ્પી ભરી. આ મીરાનો વ્હાલ હતો. મીરા માનતી હતી કે બલ્લુએ જ એની લાઇફ બદલી નાખી છે.

મીરા ઉભી થઇ અને ક્રિશની સામે જોઇને એની બાજુમાં ઉભી રહી ગઇ. બન્નેએ એકબીજાના હાથ ભીડ્યા.

“આઇ એમ સો હેપ્પી ટુડે..!!”, ક્રિશે મીરાનો હાથ દબાવતા કહ્યુ.

“યસ આઇ કેન ફીલ ઇટ…!, ટેલ મી…”, મીરાએ ક્રિશની આંખોમા આંખો પરોવીને સ્માઇલ સાથે કહ્યુ અને ક્રિશે મીરાને પોતાની બાહોં તરફ ખેંચી લીધી.

“આપડા ગૃપ નીચેના દસ છોકરાઓને અદાણી ગૃપ સ્પોન્સર કરી રહ્યુ છે, એજ્યુકેશનથી માંડીને રહેવા જમવાનુ બધો જ ખર્ચ અદાણી સ્કુલ ઉઠાવશે. એન્ડ એના ઘરવાળાને પણ મહિને બે હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે… એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપડો બલ્લુ પણ એમાં સીલેક્ટ થઇ ગયો છે.”, ક્રિશે એની ખુશીનુ કારણ કહ્યુ.

“ગ્રેટ.. વાવ, કોન્ગ્રેટ્સ…!!”,મીરાએ થોડુ નરમાઇથી કહ્યુ. ક્રિશ સમજી ગયો કે મીરા કંઇક સીરીયસ વાત કહેવા માંગે છે.

“ચાલો, બચ્ચા પાર્ટી ગાડીમાં બેસો..”, ક્રિશે બધા છોકરાઓને કહ્યુ. બધા છોકરાઓ અવાજ કરતા કરતા XYLOમાં બેસી ગયા. મીરા અને ક્રિશ વચ્ચેની સીટમાં બેઠા.

કારમાં બેઠા એટલે તરત જ મીરાએ ક્રિશે આપેલો મોબાઇલ બેગમાંથી કાઢ્યો અને ક્રિશને આપ્યો, ક્રિશને પણ ખબર જ હતી કે મીરાનો મોબાઇલ રીપેરીંગમાંથી આવી ગયો હતો.

“બોલ, શું કહેવુ હતુ..?”, ક્રિશે મીરાનો હાથ જકડતા કહ્યુ.

“મને આવતા રવિવારે જોવા માટે આવી રહ્યા છે.”, મીરાએ ખુબ જ શાંત સ્વરમાં કહ્યુ. એક મિનિટ બન્ને ચુપ રહ્યા.

ક્રિશે પોતાનો હાથ મીરાના ગાલ પર રાખ્યો.

“આપણે બન્ને એકબીજાના પેરેન્ટ્સની રૂઢીચુસ્તતા જાણીએ છીએ. ફરક બસ એ વાતથી પડે છે, આપડે શું કરવુ છે.?”, ક્રિશે મીરાની આંખોમાં એકટીસે જોતા કહ્યુ.

“મને બસ એટલી ખબર છે કે હું તને પ્રેમ કરૂ છુ અને તારા સિવાય મારે બીજા કોઇ સાથે મેરેજ નથી કરવા.”, મીરાએ કહ્યુ.

“તો બસ, હું આજે જ તારા ઘરે આવી રહ્યો છુ. આપડે એ લોકોને સમજાવીએ.”, ક્રિશે બે જીજક કહ્યુ.

“અને ઘર વાળા નહિ માને તો..?”, મીરાએ પુછ્યુ.

“તે આ દુનિયામાં કોઇ કારણ વિના પ્રેમ કર્યો છે…?”, ક્રિશે મીરાને પુછ્યુ.

“હા, હું બલ્લુને કોઇ કારણ વિના જ પ્રેમ કરૂ છુ. એટલો પ્રેમ કે મારે એ પ્રેમના બદલામાં કોઇ ખુશી પણ નથી જોઇતી. બલ્લુને જોવ અને મને આનંદ મળે છે. આ આનંદ મારી ઇચ્છા નથી એ જસ્ટ બાયપ્રોડ્ક્ટ છે.”, મીરાએ કહ્યુ.

“તો વિશ્વાસ રાખ. જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણે બન્ને સાથે જ રહીશુ…”, ક્રિશે કોન્ફીડન્સ સાથે કહ્યુ. મીરા ક્રિશને ભીની આંખો સાથે ભેટી પડી.

આજનુ બપોરનુ મીલ અક્ષયપાત્ર તરફથી હતુ. સાયન્સસીટીના નેચરલ વાતાવરણમાં જ બધા જમ્યા. બધા છોકરાઓ સાયન્સ સીટીમાં ફર્યા. એ લોકોએ ખુબજ મોજ કરી. સાડા પાંચ વાગ્યા એટલે હવે રીટર્ન જવાનો ટાઇમ થઇ ગયો હતો. ક્રિશ અને મીરાએ આખા દિવસમાં કંઇક વિચાર્યુ હતુ.

મીરાએ પોતાનો મોબાઇલ ડાયલ કર્યો. “પપ્પા. ક્યાં છો..?”, મીરાએ મોબાઇલ પર વાત કરતા કહ્યુ.

“બેટા, થોડા કામથી બહાર આવ્યો છુ.”, અંકેશભાઇએ કહ્યુ.

“હા પપ્પા. તમે અત્યારે ઘરે આવી શકો ? મારે તમારી સાથે વાત કરવી છે.”, મીરાએ પપ્પાને પુછ્યુ.

“સ્યોર બેટા, પણ કોઇ પ્રોબ્લેમ થયો છે…?”, અંકેશભાઇએ પુછ્યુ.

“ના બસ તમે અડધા પોણા કલાકમાં ઘરે આવી શકો..?”, મીરાએ પુછ્યુ.

“બસ હમણા જ નીકળુ છુ..”, અંકેશભાઇએ કહ્યુ.

મીરાએ ફરી કોઇને કોલ લગાડ્યો.

“હા પપ્પાની બિલાડી બોલ…”, સામેથી અવાજ આવ્યો.

“મયંક, ક્યાં છે..?”, મીરાએ પુછ્યુ.

“સેક્ટર ૨માં છુ, ફ્રેન્ડના ઘરે.”, મયંકે કહ્યુ.

“ઓકે, અડધી કલાક પછી ઘરે આવ.”, મીરાએ મયંકને પણ ઘરે બોલાવ્યો.

સ્માઇલની XYLO સાયન્સ સીટીથી ગાંધીનગર નીકળી. ફોન મુકીને ક્રિશ અને મીરાએ બધુ જ ઇશ્વર પર છોડી દીધુ અને બધુ જ ભુલી ગયા. બન્ને બચ્ચા પાર્ટી સાથે કારમાં જ મસ્તી કરવા લાગ્યા. કોને ખબર આ સાથ કેટલો હશે…? એક તરફ જે લોકોએ જન્મ આપ્યો એ માતાપિતા અને બીજી તરફ જેના કારણે જીવવા માટેનુ કારણ મળ્યુ અને જીવવા પણ મળ્યુ એ વ્યક્તિ. મીરા માટે આ ખુબ અઘરૂ હતુ. એને એના મમ્મીનો વધારે ડર નહોતો. એને એ પણ ખબર હતી કે પપ્પા એને ખુબ પ્રેમ કરે છે, છતા જ્ઞાતી ભેદના કારણે એના પપ્પાને કઇ પ્રોબ્લેમ થશે તો..? એવો થોડોક ડર હતો.

એ ડર આ છોકરાઓ ભુલવાડી દેતા હતા. લોકો વાતો કરતા હોય છે કે એ કામ કરો કે જે તમને ગમતુ હોય અને જે તમારી અંદરનો ડર તમારી પાસેથી છીનવી લેતુ હોય. મીરાતો આ કામ કરી રહી હતી. ખબર નહિ આ એનો પેશન હતો કે શોખ પણ હકિકત એ હતી કે મીરા આ બાળકોને કોઇ કારણો વિના પ્રેમ કરતી અને ક્રિશ એનો શ્વાસ હતો.

સડસડાટ કરતી ગાડી અડધા કલાકમાં ગાંધીનગરના સેક્ટર ૨૨માં પહોંચી. ક્રિશ અને મીરા બન્ને ગાડીમાંથી ઉતર્યા એણે બીજા છોકરાઓને ઉતાર્યા, સલીમભાઇ ડ્રાઇવરે પણ બીજા છોકરાઓને ઉતાર્યા. બધા છોકરા સાથે ક્રિશ અને મીરા ઘરમાં જવા માટે આગળ વધ્યા.

“સલીમભાઇ તમે પણ આવો ને..!!”, મીરાએ કહ્યુ.

“ના મેડમ હું અહિં જ બેઠો છુ.”,સલીમભાઇએ કહ્યુ.

“ના તમે ચાલો જ.”, મીરા સલીમભાઇને પોતાની સાથે દોરી લાવી. બધા લોકો ઘરમાં દાખલ થયા. છોકરાઓનો અવાજ સાંભળી ઘરના બધા સભ્યોનુ ધ્યાન ખેંચાયુ.

“આવો, આવો”, અંકેશભાઇ અને અંકિતાબેને આવકારો આપ્યો. ક્રિશે અંકેશભાઇ અને મયંક સાથે હાથ મેળવ્યો. સલીમભાઇ પણ અંકેશભાઇને મળ્યા. ક્રિશ અંકિતાબેનને પગે લાગ્યો. મીરા રસોડામાં ગઇ વીસેક સેકન્ડમાં ઠંડા પાણીની બોટલ લઇ આવી અને બધાને પાણી આપ્યુ. મીરા બધા છોકરાઓ માટે નાસ્તો લઇ આવી.

“પપ્પા આ ક્રિશ છે. સ્માઇલમાં મારી સાથે વોલન્ટીઅર છે. આ સલીમભાઇ અમારા ડ્રાઇવર અને આજે ઇશ્વર આપણા ઘરના મહેમાન છે. કારણ કે આજે આ બચ્ચા પાર્ટી અહિં છે.”, મીરાએ ઇન્ટ્રોડ્ક્શન આપ્યુ.

અંકેશભાઇ સ્મિત સાથે બધુ સાંભળતા રહ્યા. મીરા પણ એક ખુર્શી લાવીને બધા સાથે બેઠી.

“શું કામ હતુ બેટા..? તુ થોડીક ટેન્શનમાં લાગતી હતી.”, અંકેશભાઇએ પુછ્યુ.

મીરાને સમજાણુ નહિ કે કેવી રીતે વાત કરવી. એના ધબકારા અચાનક વધી ગયા. એના હ્રદયમાં કોઇ હથોડા મારતુ હોય એવો ધડકનનો અવાજ પોતે સ્પષ્ટ સાંભળવા લાગી. પણ એણે નાસ્તો કરી રહેલા નિર્દોષ બાળકો સામે જોયુ અને હિમ્મત ભેગી કરી.

“પપ્પા, મમ્મી, ભાઇ મને નથી ખબર કે આજે હું જે કહીશ એ તમે સહન કરશો કે નહિ, અત્યારે તો મારી કહેવાની હિમ્મત પણ નથી. મારા પગ ધ્રુજી રહ્યા છે. સતત પાંચ કિલોમીટર દોડીને આવી હોવ અને હ્રદય ધડકી રહ્યુ હોય એટલુ મારૂ હ્રદય અત્યારે ધડકી રહ્યુ છે.”, મીરાએ કહેવાનુ ચાલુ કર્યુ. બધાના ચહેરા પર શાંતી છવાઇ ગઇ.

“મારે વધારે કોઇ જ લાંબુ ડિસ્ક્રીપ્શન નથી આપવુ બસ એટલુ કહેવુ છે કે એક માણસ બીજા માણસને એની બીજી કોઇ જ લાયકાત વિના પ્રેમ કરી શકે છે. બસ મને ક્રિશ સાથે મન મેળ છે. હું ક્રિશને પ્રેમ કરૂ છુ. મને ખબર છે કમલેશભાઇનુ ફેમીલી આવવાનુ છે, પણ શું કરુ પપ્પા મને એમ લાગે છે કે ક્રિશ સિવાય મને કોઇ સમજી નહિ શકે અને ક્રિશ સિવાય હું બીજા કોઇને સમજી નહિ શકુ.”, મીરાએ એની વાત આગળ ચલાવતા કહ્યુ.

“શું કરે છે, તુ..?”, અંકિતાબેને ક્રિશ તરફ નજર લઇ જઇને ક્રિશને પુછ્યુ.

“હું અમદાવાદમાં એક CAની ઓફિસ માં કામ કરૂ છુ.”, ક્રિશે વિવેક પુર્વક જવાબ આપ્યો.

“કેટલુ કમાય છે..?”, અંકિતાબેને બીજો સવાલ ફેંક્યો. અંકેશભાઇએ અંકિતાબેન તરફ નજર પહોળી કરી.

“આન્ટી હાલ તો સેલેરી ૧૦ હજાર છે પણ આવતા મહિનાથી એમાં વધારો થવાનો છે”, ક્રિશે ફરી જવાબ આપ્યો.

“ક્યાં રહો છો તમે..?”, અંકેશભાઇએ ગંભીર થઇને કહ્યુ.

“અંકલ, બાપુનગર પાસે ખોડીયારનગરમાં ભાડેથી રહીએ છીએ”, ક્રિશને સવાલનો ઉદ્દેશ્ય ખબર પડી ગઇ એટલે એણે ‘ભાડેથી રહે છે’ એ પણ સ્પષ્ટ કરી દીધુ. અંકેશભાઇના ચહેરા પર કોઇ સારૂ એક્સપ્રેશન ના આવ્યુ.

“તમે કેવા છો..?”, અંકિતાબેને ખોટો સવાલ પુછ્યો. ક્રિશના મનમાં હંમેશા આ સવાલ માટે એક જવાબ રહ્યો હતો કે ‘ખુબ જ સારા છીએ’ પણ અત્યારે એને આ સવાલનો ખોટો જવાબ આપવો જ પડે એમ હતો.

“આન્ટી જુનાગઢના લેઉઆ પટેલ છીએ”, ક્રિશે સ્પષ્ટ થઇને જવાબ આપ્યો. એ પછી ફેમેલી બેકગ્રાઉન્ડ વિશેના બીજા ઘણા સવાલો પુછાયા. મીરા પણ આવા સવાલો સાંભળીને અકળાઇ રહી હતી. અંકેશભાઇથી વધારે સવાલ તો અંકિતાબેન પુછી રહ્યા હતા. અંકેશભાઇ એકદમ ચુપ થઇને બેસી રહ્યા હતા.

ક્રિશ મીડલ ક્લાસ ફેમીલીમાંથી હતો. એની પાસે કદાચ પૈસાની અવગડ હોઇ શકે પણ લાગણીઓની ખોટ તો નહોતી જ. પણ અંકિતાબેનનો તર્ક એ હતો કે લાગણીઓ કંઇ પેટ ભરવા નથી આવતી.

“અંકલ આન્ટી એન્ડ મયંક, હું એક જ વાત કહેવા માંગુ છુ. મારી પાસે સારા પગાર વાળી નોકરી નથી. ખુબ મોટો બંગલો પણ નથી. પણ જે ખુશીઓ મોટા બંગલામાં અને સારા પગારથી મળે એ ખુશીઓ હું મીરાને આપી શકુ એમ છુ એવો મને આત્મવિશ્વાસ છે. જો મીરા મારી સાથે હશે તો મીરા અને હું એકબીજાના ખુશીઓના સોર્સ છીએ. બસ બીજુ કંઇ જ નથી કહેવુ”, ક્રિશે થોડી વાર રહીને કહ્યુ. બધા જ ચુપ હતા. ક્રિશને લાગ્યુ કે હવે એને નીકળવુ જોઇએ કારણ કે એ લોકો ઘરમાં ચર્ચા કરવા માંગતા હોય એવુ લાગી રહ્યુ હતુ.

ક્રિશ ઉભો થયો. “ચાલો બચ્ચા પાર્ટી”, ક્રિશે રમી રહેલા છોકરાઓને બોલાવ્યા.

“અંકલ, આન્ટી, મયંક તમને મળીને ખુબ આનંદ થયો.”, ક્રિશે કહ્યુ.

સલિમભાઇ પછી એ બધા છોકરાઓને લઇને બહાર નીકળ્યો. મીરા આજે એને બાય કહેવા માટે બહાર ના નીકળી. પણ ત્યાંજ બલ્લુ દોડતો દોડતો આવ્યો.

“આન્તી…. પપ્પી”, બલ્લુએ પોતાનો ગાલ મીરા સામે ધરી દીધો. મીરાની આંખમાં આંસુ આવી ગયા. એણે ગાલ પર આવેલા આંસુ સાથે બલ્લુને પપ્પી આપી. બલ્લુએ પણ પપ્પી ભરી.

“આન્તી જો તીલી મલી ગઇ…”, બલ્લુએ કહ્યુ. બલ્લુને કોણ સમજાવે કે પ્રેમના ઘામાં લોહી નથી નીકળતુ. પણ આંસુ જોઇને આ નિર્દોષ બાળકનુ અનુમાન સાચુ હતુ કે ‘મીરાને ક્યાંક વાગ્યુ છે, બસ લોહી નહોતું નીકળ્યુ.’

દોડતો દોડતો બલ્લુ બહાર નીકળી ગયો.

ક્રિશ અને બધા ગયા એટલે થોડી ક્ષણો માટે શાંતી છવાઇ રહી. અંકેશભાઇ થોડી વાર માટે કંઇ જ ન બોલ્યા. મીરાની પણ બોલવાની કંઇ હિમ્મત ના ચાલી.

“ના, હું મીરાને જુપડપટી માં નહિ જવા દવ”, અંકિતાબેને થોડી વાર રહીને કહ્યુ.

“મમ્મી, એ જુપડપટ્ટીમાં નથી રહેતો…”, મીરાએ જવાબ આપ્યો.

“બેટા, મને એ ચિંતા નથી કે સમાજ શું કહેશે. જો તને એમ લાગતુ હોય કે ક્રિશ સાથે તારી આખી જીંદગી ખુશીથી આવી જ રીતે વીતશે તો મારા તરફથી ના નથી. પણ જે નિર્ણય કર એ જોઇ વિચારીને કરજે.”, અંકેશભાઇ બોલ્યા.

“તમે શું બોલી રહ્યા છો, એનુ તમને ભાન છે..? આ છોકરી તો હજુ બાળક છે..!!, અને તમે જ એને આમ લાડ લડાવીને ચડાવી મુકી છે.. એને સાચા ખોટાની ખબર નથી.”, અંકિતાબેને કહ્યુ.

“મને ખબર છે હું શું બોલુ છુ.”, અંકેશભાઇએ કહ્યુ.

“પપ્પા, હું ક્રિશને પ્રેમ કરૂ છુ. તમે મારા મેરેજ બીજા કોઇ સાથે કરાવી દેશો તો કદાચ ત્રણ ચાર વર્ષમાં હું ક્રિશને ભુલી પણ જાવ. બટ પપ્પા એની કોઇ ગેરન્ટી ખરી કે તમે જે છોકરા સાથે મારા મેરેજ કરાવશો એની સાથે હું ખુશ જ હોઇશ.?”, મીરાએ એના પપ્પા તરફ ફરીને કહ્યુ.

“અને મમ્મી, કદાચ હું મારો વિવેક ગુમાવી દવ તો સોરી, પણ પૈસા સિવાય આ દુનિયામાં ઘણુ છે. તમે સાચા ખોટાની વાત કરો છો તો શું સાચુ છે..? શું ખોટુ છે..? એ નક્કિ કોણ કરશે..? તમે..? મારા પપ્પા..? હું..? મયંક કે પછી બીજુ કોઇ..!! માફ કરજો મમ્મી સાચા ખોટાની કોઇ એક ડેફીનેશન આ દુનિયામાં છે જ નહિ. જો હું ખોટુ કરતી હોઇશ તો ઇશ્વર એ વસ્તુને થવા જ નહિ દે, કારણ કે ઇશ્વરની મરજી વિના એક પાંદડુ પણ નથી હલતુ એવુ તમારો આ સમાજ જ કહે છે. જો તમને ૧૦૦% એમ લાગતુ હોય કે હું કોઇ બીજા સાથે ખુશ રહી જ શકીશ અને મને જીવનમાં ક્યારેય દુખ નહિ પડે તો મને પરણાવી દો. હું મારો ક્રિશ સાથેનો રીલેશન તોડી નાખીશ.”, મીરાએ થોડા ઉંચા સ્વરમાં કહ્યુ.

અંકેશભાઇ અને અંકિતાબેન બન્નેએ એકબીજા સામે જોયુ.

“મમ્મી- પપ્પા હું મીરાની વાત સાથે સહમત છુ.”, મયંકે કહ્યુ.

“એની પાસે સુરક્ષીત ભવિષ્ય નથી, ઘરનુ ઘર પણ નથી”, અંકિતાબેને કહ્યુ.

“તમે પપ્પા સાથે મેરેજ કર્યા ત્યારે એમની પાસે ઘરનુ ઘર હતુ..? હું ક્રિશ સાથે મેરેજ કરવા માંગુ છુ. એની પ્રોપર્ટી સાથે નહિ”, મીરાએ કહ્યુ.

“તો તારે જે કરવુ હોય એ કર…, મને પુછવા ના આવતી.”, અંકિતાબેન થોડા ગુસ્સે થયા અને ઉભા થઇને રસોડામાં ચાલ્યા ગયા. મીરાને ખબર નહોતી પડતી કે એના મમ્મીને કેવી રીતે સમજાવવા.

અંકિતાબેનને પૈસા વિના કંઇ દેખાતુ નહોતુ. મયંક અને અંકેશભાઇને તો કોઇ પ્રોબ્લેમ નહોતો. પણ અંકિતાબેનને પ્રોપર્ટી જ દેખાતી હતી.

મીરા, મયંક અને અંકેશભાઇ બેસેલા હતા ત્યાં સોફા પાસે ગઇ અને એના પપ્પા પાસે બેસી.

“પપ્પા જે વ્યક્તિ એક નાના બાળકને જરાક પણ ખરોંચ આવે ત્યારે એને પોતાનુ બાળક હોય એવી રીતે સારવાર કરે તો શું એ વ્યક્તિ કોઇ વ્યક્તિ ને દુખ આપી શકે..? એનો પ્રેમ નિર્દોષ છે. અમે નક્કિ કર્યુ છે, કે જો બન્નેના મમ્મી પપ્પા હા પાડશે તો જ અમે મેરેજ કરીશુ. કોઇના મનમાં જરાંક પણ ખચકાટ ના હોવો જોઇએ.” મીરાએ એના પપ્પાને કહ્યુ.

“ચિંતા ના કર, બેટા. બે ત્રણ દિવસ રાહ જો. તારી મમ્મીને સમજાવ. એ માની જશે. હું કમલેશભાઇને સગાઇ બાબતે ના પાડી દઇશ.

અંકેશભાઇના ઘરમાં એ દિવસે એકબીજા સાથે કોઇ બોલી ના શક્યુ. અંકેશભાઇ કામ પર ના ગયા. સોફા પર બેસીને ટી.વી ચાલુ કર્યુ પણ એમનુ મન ટી.વીમાં તો નહોતુ જ. સાંજ પડી એટલે રાતનુ જમવાનુ બનાવવાની તૈયારી થવા લાગી. અંકિતાબેન બટેટાની છાલ ઉતારી રહ્યા હતા.

“લાવો મમ્મી હું છાલ ઉતારી નાખુ છુ”, મીરાએ એની મમ્મી પાસે જઇને કહ્યુ. અંકિતાબેન કંઇ ના બોલ્યા અને એમણે એમનુ કામ કોઇ રીસ્પોન્સ આપ્યા વિના ચાલુ જ રાખ્યુ.

“મમ્મી હું આમ તમારો મોં ચડાવેલો ચહેરો જોવા ટેવાયેલી નથી. એટલે તમે જે કહેશો એ હું કરીશ.”, મીરાએ હિમ્મત ભેગી કરીને કહ્યુ છતા એના મનમાં એક આશા તો હતી જ કે કદાચ મમ્મીના વિચાર બદલાઇ જાય.

અંકિતાબેનના ચહેરા પર સ્માઇલ આવી પણ મીરાનુ સ્મિત આર્ટીફીશીયલ હતુ. અંકિતાબેન ખુશ થઇ ગયા. બધા જમવા બેસ્યા. મીરાને રાતે જમવાનુ ભાવે એમ નહોતુ. અંકેશભાઇ પણ ખાસ કંઇ જમી ના શક્યા.

રાતે બધાજ સુવા માટે ટેરેસ પર ગયા. મીરાએ પેલા ચંદ્ર અને તારા સામે જોયુ. “હમ નહિ મીલ સકતે..”, એ મનમાં જ બબડી. “જો તને આ મંજુર હોય તો આજ સાચુ… તુ કરે ઇ ઠીક.. કદાચ મારો ક્રિષ્ન બનશે જ નહિ અને આ મીરા મેરેજ કર્યા વિના જ ક્રિષ્ન ભક્તિ કરશે”, મીરાએ એકલા એકલા વાત કરી. એ બધો જ ભાર ઇશ્વર પર ઠોકીને સુઇ ગઇ. પંદરેક મિનીટમાં એને ઉંઘ પણ આવી ગઇ. બધા સુઇ ગયા હતા પણ એક વ્યક્તિ જાગતુ હતુ. ન એ મયંક હતો કે ન તો અંકેશભાઇ.

અંકિતાબેન, આજે ક્યાંક ખોવાઇ ગયા હતા. એમને એક દિવસ પહેલા મીરાએ પુછેલો સવાલ યાદ આવ્યો,

“મમ્મી તમે દસમાં ધોરણમાં હતા ત્યારે કેવા હતા…?”

આ સવાલ મગજમાં ઘુસતા જ અંકિતાબેન એમના ભુતકાળની સફરમાં ચાલ્યા ગયા. યુવાની કોને છોડે છે..? પણ જ્યારે ઉંમર વધતા એ ઉમરનુ સત્ય સ્વિકારવાનુ ભુલી જાય છે. ત્યારે જ યુવાની બુઢ્ઢા બનવાની પ્રક્રિયામાં જોડાઇ જાય છે. દરેક યુવાનને એની રંગીન યુવાની અને જુવાની હોય છે. પણ ઘણા ઉંમરની સાથે એને સ્મૃતિ બનાવી દે છે, ઘણા એ યુવાનીને સાથે રાખીને જીવે છે, ફર્ક બસ ખુલ્લા મનથી સ્વિકારવાનો છે.

અંકિતાબેનને પણ પોતાના જુના દિવસો યાદ આવ્યા. એમને પણ એક છોકરા સાથે પ્રેમ થયેલો. અંકિતાબેને પણ કોઇની કઠણ અને ખરડાયેલી હથેળીમાં પોતાની ફુલની પાંખડી જેવી કોમળ હથેળી મુકી હતી એ અહેસાસ યાદ આવ્યો. એમને છુપી છુપીને મળતા હતા એનો રોમાંચ યાદ આવ્યો. જ્યારે કોઇની વાટ હોય અને એ ના આવે ત્યારે એ ક્ષણમાં થતી બેચેની યાદ આવી. એમને એકબીજાને નાની વાતમાં એકબીજાને ચીડવતા એ યાદ આવ્યુ, છતા આખરે તો એકબીજાની બાંહોમાં ભીંસાઇ જતા એ યાદ આવ્યુ. ઘરે જ્યારે આ વાતની ખબર પડી ત્યારે મળેલા ઠપકાની યાદ આવી. એમને એ વિરહની જલાવી નાખતી પીડા યાદ આવી, કદાચ એ પીડા આજે એ પથારીમાં જ મહેસુસ કરી રહ્યા હતા. એમને એ ઓશીકાની સાથે ડુસકા ભરતા ભરતા વિતાવેલી રાતો યાદ આવી. એમને હ્રદયમાં સ્થિત થયેલો એક ચહેરો યાદ આવ્યો, જે ચોરીના ચાર ફેરાની અગ્નિમાં હોમાઇ ગયો હતો, પણ આજે મીરા નામના ડસ્ટરે ભુતકાળ પર ચડેલી ધુળને સાફ કરી નાખી. અડધી રાતે અંકિતાબેન એમના ઓશીકાને આંસુઓથી નવરાવી રહ્યા હતા. એમને એમના નસીબ વિશે કોઇ પસ્તાવો નહોતો. પણ એમને એમના ભાગ્ય સામે ફરીયાદ હતી.

એમને લાગ્યુ કે પોતાના હ્રદયમાં સંતોષ લાવવાનો એક મોકો મળ્યો છે. એમને સમજાઇ ગયુ કે ઇશ્વરે બધાને સપના જોવાનો હક આપ્યો છે તો બધા સપના જોઇ શકે છે, પોતપોતાની ક્ષમતા પ્રમાણે અને પરિસ્થિતીઓ પ્રમાણે સાકાર પણ કરી શકે છે, પણ કોઇના સપનાના નિર્ણયો કરવાનો હક મને કોણે આપ્યો…?

અંકિતાબેન સફાળા પથારીમાં ઉભા થયા. એમણે ટેરેસ પરની લાઇટ કરી. એ ફરી પથારી પાસે ગયા, એ મીરાની પાસે ગયા. એમણે મીરાના લમળા પર મુકેલો હાથ હટાવ્યો અને “મીરા..” કહીને જગાડવાનો પ્રયત્ન કર્યો. અંકિતાબેને મીરાની આંસુના લીધે કાળી પડી ગયેલી આંખો જોઇ, એમને અઢાર વર્ષની અંકિતા યાદ આવી ગઇ.

“મીરા.. મમ્મીને માફ કરજે, હું તારા સપનાની દિવાલો ઉપર મારા બનાવેલા રંગો રંગવા વાળી કોણ…? જા તુ તારા ક્રિષ્નને ભેટી લે.. પી લે તારા પ્રેમના પ્યાલાને, બુજાવી લે તારી પ્રેમની પ્યાસ… અને ખુન કરી નાખ આ બેચેનીઓનુ..” અંકિતાબેન મીરાને સમજી શક્યા કારણ કે આજે એ યુવાન હતા. એક યુવાનને બીજો કોઇ યુવાન જ સમજી શકે.

“મમ્મી આઇ, લવ યુ… મને ખબર હતી.. તમે મને સમજી શકશો..”, મીરાએ કહ્યુ. માં દિકરી પથારીમાં જ ભેટી પડ્યા.

“કદાચ આવુ ના બનત પણ ઇશ્વરે મને હ્રદય આપેલુ છે, અને એમાં ઘણુ બધુ મને સમયે ભરી આપ્યુ છે”, અંકિતાબેને કહ્યુ.

મીરા આજે જેટલી ખુશ હતી એટલી ક્યારેય નહોતી થઇ. આજે એની પાસે પ્રેમ અને પરમેશ્વર જેવા પેરેન્ટ્સ બન્ને વસ્તુ હતી. મીરાને એનો ક્રિષ્ન મળી ગયો હતો. મિરાએ એની મમ્મીને એક છેલ્લો સવાલ પુછવો હતો.

“પણ મમ્મી તમે અચાનક આ નિર્ણય…. તને શુ થયુ…?”, મીરાએ પુછ્યુ.

“મને આજે યાદ આવી ગયુ કે, જ્યારે આંખો ઓશીકાને ભીના કરતી હોય છે ત્યારે કેવી તડપ હોય છે, પ્રેમની આગ કેવી બળતરા કરાવે છે એ મને આજે યાદ આવી ગયુ, મારા નીર્ણયોને લીધે હું કોઇની ઇન્ડીપેન્ડન્સી ના છીનવી શકુ…”

***

જો તમને આ વાર્તા ગમી હોય તો રીવ્યુ આપવાનું ભુલતા નહીં. ટુંક સમયમાં બીજી વાર્તા. ત્યાં સુધી કરો પ્રેમનાં પ્રયોગો.