Premna Prayogo - 7 books and stories free download online pdf in Gujarati

પ્રેમનાં પ્રયોગો - ૭

પ્રેમનાં પ્રયોગો

હિરેન કવાડ

૭) હેલ્પ હેલ્પ્સ

સ્નેહ આજે ખુશ હતો કારણ કે આજે એને ખુશખબર મળે એવા અણસાર હતા. અમદાવાદની એક પ્રખ્યાત અને મોટી બુક પબ્લીકેશન કંપનીના અસોશીયેટ પ્રોડક્ટ મેનેજર તરીકે કામ કરતો સ્નેહ ખુબ જ પ્રેમાળ, મૃદુ અને હેલ્પફુલ સ્વભાવનો હતો. પણ અડચણો વિનાનુ સ્થિર જીવન મૃત્યુ પછીના મડદા સમાન હોય છે. સ્નેહ પ્રેમાળ સ્વાભાવનો હતો એની પાછળ કોઇ કારણ નહોતુ. કેટલીક વાર કારણ વિના પણ જીવવુ જોઇએ એવુ સ્નેહનુ પોતાનુ માનવુ હતુ.

પણ જ્યારે જ્યારે માણસનુ સારાપણુ જ માણસના વીક પોઇંટ્સ કે દુખતી નસ બને ત્યારે મુંજવણો ઉભી થાય. જીવનના રોડ વચ્ચે નાના નાના ખાડા ટેકરા પણ આવે. સ્નેહની ખામી એના બીજા વ્યક્તિઓ પ્રત્યેનો સ્નેહ અને કરૂણાભાવ જ હતો.

માણસનો સ્વભાવ એને મૃત્યુ પર્યંત નથી છોડતો. માણસનો પરછાયો તો રાતે પણ દેખાતો બંધ થઇ જાય, પણ સ્વભાવ તો રાતે પણ સપનામાં અરિસો બનીને આવી જતો હોય છે.

“અતિ ભદ્રતા અને સ્નેહ ક્યાં સુધી યોગ્ય છે?” આવા સવાલો સ્નેહ પોતાની જાતને અસહજ થઇને કર્યા જ કરતો.

સ્નેહ લગભગ ઓફીસ પર પહોંચવામાં મોડો જ પડતો કારણ કે ફ્લેટથી ઓફિસ સુધી પહોંચવામાં એને કોઇને કોઇ એવુ તો મળી જ જતુ હોય કે જેને કોઇ પ્રકારની હેલ્પની જરૂર હોય. ત્યાર બાદ ઓફીસ પર પ્રોડક્ટ મેનેજરની ચીસો સહેવી પડતી. કારણ કે પંદરથી વીસ મિનિટ તો ચાલી જાય. પરંતુ એકથી દોઢ કલાક મોડુ એ પણ રોજ, કોઇ સહન ના કરી શકે. વાત ઉપર સુધી પણ પહોંચી હતી. પણ સ્નેહે પોતાની સેલેરીમાંથી ટાઇમ પ્રમાણે સેલેરી કટ કરી લેવાનુ કહ્યુ.

સ્નેહને પણ ખબર જ હતી કે એ પોતાની આ આદત છોડી શકે એમ નથી. સ્નેહનુ એવુ માનવુ હતુ કે આજે એ જે પણ કંઇ છે, એ એના સ્વાભાવના કારણે જ છે.

***

પણ આજનો દિવસ એના માટે ખાસ હતો. કારણ કે આજે જો ક્લાયન્ટ સાથે ડીલ ફાઇનલ થાય તો એનુ પ્રમોશન પાક્કુ હતુ. પણ પ્રમોશન કરતા સ્નેહને કોઇનો સ્નેહ વ્હાલો હતો. “અદા..!” એજ કંપનીમાં કામ કરતા જરદોશ સાહેબની દિકરી હતી. જરદોશ સાહેબ એજ કંપનીમાં હેડ અકાઉન્ટીંગ મેનેજર અને સમાજમાં પ્રતિષ્ઠિત વ્યકિત હતા. ‘અદા’ એમની દિકરી જ એમની આસીસ્ટન્ટ. સ્નેહ અને અદા વચ્ચે લવ કોર્ડસ ક્યારનાંય બંધાઇ ચુક્યા હતા. પણ છુપી છુપીને બંધાયેલા આ સ્નેહના તાંતણા જાહેરમાં લાવવા બહું વિષમ હતા. કારણ વર્ષો જુના ઉંચ નીચના ભેદભાવો અને રાધા ક્રિષ્નને પુજતા જ્ઞાતિવાદીઓ. પણ પ્રેમના આ સંબંધને જાહેરમાં લાવવા માટે આ પ્રમોશન થોડુક કામ કરી જાય એવુ લાગતુ હતુ. અને આ તક ખુબ નજીક પણ હતી.

પોતાના અમદાવાદના પ્રગતિનગર પાસેના ફ્લેટ પરથી સ્નેહ ઓફીસ જવા નીકળ્યો. ફ્રેશ માઇન્ડ સાથે એણે એ.આર રેહમાનના ઇન્સ્ટ્રુમેન્ટલ સોંગ્સ સાંભળવા ઇયરફોન્સ કાનમાં ચડાવ્યા. ઓફીસ સુધી જવા માટે એ શટલની રાહ જોવા લાગ્યો. ઓફીસનો ટાઇમ અગિયાર વાગ્યાનો. એટલે પોતાના રોજના ટાઇમ પ્રમાણે સ્નેહ સાડા દસ વાગ્યે જ નીકળ્યો હતો. મે મહિનાની ધોમ ધખતી ગરમી આસમાને હતી. અમદાવાદનો તપેલો પણ્યો જાણે ગરમ કોલસા જેવી અગ્નિ ઓકતો હોય એવુ લાગતુ હતુ.

પાંચ જ મિનિટ્માં સ્નેહને શટલ મળી ગયુ. ફ્રેશ માઇન્ડ અને ફ્રેશ સોંગ્સને લીધે એની જુની પણ ફ્રેશ કરી દેતી યાદોમાં સ્નેહ ખોવાઇ ગયો. એની મેમરીઝમાં લોકો પ્રત્યેની કરૂણા અને એનો જીવ એટલે કે ‘અદા’ જ હતા. મીઠી મીઠી યાદો સંભારતા સંભારતા એ મનમાં મંદ મંદ મુસ્કુરાઇ પણ રહ્યો હતો, કારણ કે ‘અદા’ની અદાઓ એની નજરો સામે તરવરી રહી હતી.

સ્નેહને એની ઓફીસનો પહેલો દિવસ પણ યાદ આવ્યો જે દિવસે એની ‘અદા’ સાથે પણ મુલાકાત થઇ હતી. પણ એ મુલાકાત પહેલા જે થયુ હતુ એ પણ યાદ આવ્યુ. એ દિવસે પણ સ્નેહ ઓફીસ જઇ રહ્યો હતો. ત્યારે જ એણે એક ચીસો પાડતા ગાંડાને જોયો. એ ગાંડો પોતાનો પગ ઉંચો લઇને કુદતો કુદતો જોરજોરથી ચીસો પાડી રહ્યો હતો. સામાન્ય લોકોને તો એમ જ લાગી રહ્યુ હતુ કે આ તો ગાંડા વ્યક્તિના લક્ષણો અને આજ એનો ધંધો હોય…! એને તો બરાડા પાડવાની અને ધતીંગ કરવાની આદત હોય. સ્નેહે રિક્ષાને ઉભી રખાવી અને પોતે ઉતરી ગયો. સ્નેહ દોડીને પેલા ગાંડા પાસે પહોંચી ગયો. એની નજર પગ પર ગઇ. ગાંડાના પગમાં કાચ ખુંચી ગયો હતો. સ્નેહને હવે બધુ ભુલાઇ ચુક્યુ હતુ. બસ પેલા ગાંડાની ચીસો સંભળાઇ રહી હતી અને એનો ઉછળતો પગ જ દેખાતો હતો. એણે પેલા ગાંડાને શાંત કર્યો. સ્નેહે ગાંડાના પગમાંથી કાચનો નાનો ટુકડો ખેંચી લીધો. પણ હજુ એવુ લાગી રહ્યુ હતુ કે એક ટુકડો હજુ પગમાં જ હતો. ગાંડાના પગમાંથી લોહીની ધારા વહી રહી હતી. એટલે એજ સમયે સ્નેહ એ ગાંડાને હોસ્પીટલ લઇ ગયો અને એ ગાંડાની ટ્રીટમેન્ટ કરાવી. ડોક્ટરને પણ સ્નેહની આ કરૂણા જોઇને દયા આવી ગઇ, એણે પણ ફીઝ લેવાની ના પાડી દીધી.

પોતાની જોબના પહેલા જ દિવસે સ્નેહ મોડો પડ્યો હતો. પણ કંપનીએ પુરી વાત સાંભળી અને સ્નેહના આ ભાવને સમજ્યો. પરંતુ આવુ બનવાનુ ચાલુ જ રહ્યુ. માત્ર કારણો અલગ હતા. ક્યારેક કોઇ મજુરને મદદ કરવામાં, ક્યારે અંધજનને કશુંક પહોંચાડવામાં, ક્યારેક કોઇ એસીડેન્ટ થયેલા પ્રાણીને હોસ્પીટલ સુધી પહોંચાડવામાં, ક્યારેક કોઇ વૃધ્ધને એના ડેસ્ટીનેશન સુધી પહોંચાડવામાં તો ક્યારેક ભુખ્યાને જમાડવામાં, જેનાથી એકવાર તો એના પાકીટમાંના બધા પૈસા ખાલી થઇ ગયા હતા અને સ્નેહ બે કિલોમીટર ઓફીસે ચાલીને ગયો હતો.

એટલે જ ગઇ કાલે વિશાલ સરે સ્નેહને સાવચેત કર્યો હતો. “કાલે હું એક મિનિટ પણ મોડુ નહિ ચલાવુ, ભલે તારા કામમાં ગમે તેટલુ સારા પણુ હોય.”

પણ સ્વભાવ અને ઇશ્વરની મરજીને કોઇ પહોંચી શકતુ નથી. શટલ રિક્ષા એની સ્પીડમાં જઇ રહ હતી. ત્યારેજ અચાનક સ્નેહે જોયુ કે રોડની ડાબી બાજુ એક મજુર બેન અનાજની ગુણો લાદેલી લારીને ખેંચતા ખેંચતા પડી ગઇ. સ્નેહને વિશાલનો ચહેરો દેખાણો. એની વોર્નીંગ પણ યાદ આવી. પણ સામે એક તડપતી વ્યક્તિ હતી. એના મનમાં સવાલ થયો..!

“પૈસા માટે પ્રેમ છોડવો..?” એણે વધારે વિચાર કર્યા વિના ઓટો ઉભી રખાવી.

પડી ગયેલી સ્ત્રી બેભાન થઇ ચુકી હતી. એના પગ ખેંચાઇ રહ્યા હતા. એના મોં માથી ફીણ પણ નીકળી રહ્યા હતા. સ્નેહે પોતાની કીટમાંથી ઠંડા પાણીની બોટલ કાઢી અને પેલી સ્ત્રીના પરસેવાથી રેબ-જેબ થઇ ગયેલા ચહેરા પર પાણી છાંટયુ. થોડીજ મિનિટોમાં લોકોનુ ટોળુ જમા થઇ ગયુ. લોકોમાં ‘વાય આવી છે’ એવી વાતો થવા લાગી, એટલે કોઇએ પોતાના જોડા સુંઘાડ્યા તો કોઇએ પોતાના મોજા. થોડી મિનિટોમાં બીઝી માણસો ત્યાંથી જવા લાગ્યા. જે વધ્યા હતા એમાંથી ઘણા હોસ્પીટલ લઇ જવાનુ બોલતા હતા. પણ કોઇ તૈયાર નહોતુ થતુ. સ્નેહને થોડો ગુસ્સો આવ્યો.

આવી જલદી વખતે જ આવુ શામાટે થાય છે?, આખરે સ્નેહે જ એ મજુર સ્ત્રીને હોસ્પીટલ લઇ જવાનુ નક્કિ કર્યુ. સ્નેહ એ સ્ત્રીને નજીકની હોસ્પીટલમાં લઇ ગયો.

જ્યાં સુધી પેલી સ્ત્રી હોશમાં ના આવી ત્યાં સુધી એ પેલી સ્ત્રીની પોતાની માં હોય એ રીતે સેવા કરવા લાગ્યો. બે કલાક પછી પેલી સ્ત્રી હોશમાં આવી. પેલી સ્ત્રી થોડીક સ્વસ્થ થઇ એટલે સ્નેહ એને ઘર સુધી મુકવા પણ ગયો. એ સ્ત્રીનુ ઝુપડુ ભલે પતરામાંથી બનાવેલુ હતુ. પણ એ ઘર હતુ જ્યાં શાંતી હતી. એ સ્ત્રીના ચહેરા પર માં નુ સ્મિત હતુ.

સ્નેહના મોબાઇલમાં પાંચ મીસકોલ આવી ચુક્યા હતા. એને ખબર હતી આજે પ્રમોશન તો રહ્યુ પણ આજે એને નોકરીમાંથી કાઢી મુકવામાં ના આવે તો સારી વાત હતી. કારણ કે આજે એક મહત્વના ક્લાયન્ટ સાથે મીટીંગ હતી.

વીસેક મિનિટમાં સ્નેહ ઓફીસે પહોંચ્યો. પહોંચતા જ એ વિશાલ સરની કેબીનમાં ગયો. વિશાલ સર જાણે સ્નેહની વાટેજ બેઠા હોય એમ બેઠા હતા.

“તો આજે કોનુ એસીડેન્ટ થયુ હતુ કે કોણ ભુલુ પડ્યુ હતુ..?”, વિશાલસર એના ધૃણા ભરેલા અવાજમાં બોલ્યા.

“સર, સોરી પણ હું કોઇ સ્ટોરી નથી બનાવતો..!”, સ્નેહે નરમાઇથી કહ્યુ.

“ઓકે જાવ કામ પર લાગી જાવ”, વિશાલ સર બોલ્યા.

“પણ… પ્રેઝેન્ટેશન..?”, સ્નેહે પુછ્યુ.

“આજે કેન્સલ થયુ છે. અને એટલે જ તમે આજે ઓફીસમાં છો..!”, વિશાલે કડક અવાજે કહ્યુ.

“સોરી સર”,

“જો સ્નેહ, મને તુ મોડો આવ એમાં મને કોઇ વાધો નથી. પણ જ્યારે એ બીઝનેસને અસર કરતુ હોય ત્યારે હું સહન નહિ કરી શકુ. એટલે તને આ છેલ્લી વોર્નીંગ આપુ છુ. જો હવે આવુ થશે એટલે એ જ દિવસે તારે રેઝીગ્નેશન લેટર પર સાઇન કરવી પડશે”, વિશાલસરે પથ્થર જેવા કઠણ એક્સ્પ્રેશન લાવીને કહ્યુ.

“ઓકે”, બોલતાની સાથે જ સ્નેહનો ચહેરો મુરજાઇ ગયો.

કેબીન બહાર નીકળીને સ્નેહે ‘અદાની’ કેબીન તરફ નજર નાખી. બન્ને એકબીજા સામે જોયુ. અદાને પણ ખબર પડી ગઇ કે આજે કંઇક થયુ છે. બપોરના લંચમાં સ્નેહે આજે બનેલી ઘટના અદાને કહી. અદા સ્નેહને સમજી શકતી હતી. એટલે એણે કોઇ જ તર્ક વિના એ વાતને સ્વિકારી લીધી. કારણ કે પ્રેમમાં તર્કને સ્થાન નથી હોતુ.

થોડા દિવસો પછી સ્નેહ સાંજના સમયે નવી પ્રોડક્ટના એનાલીસીસ પર કામ કરી રહ્યો હતો, ત્યારે વિશાલ સર એની કેબિનમાં આવ્યા.

“સ્નેહ બે દિવસ પછી ક્લાયન્ટ મીટીંગ છે, અને આ કોન્ટ્રાક્ટ કંપની માટે ઇમ્પોર્ટન્ટ છે. જેનુ પ્રોડક્ટ પ્રેઝેન્ટેશન તારે સંભાળવાનુ છે. મને તારા પર વિશ્વાસ છે. આ કોન્ટ્રાક્ટ આપણને જ મળશે.”, વિશાલ સરે થોડી વાર સ્નેહ પાસે બેસીને કહ્યુ.

“ઓકે સર, આઇ વીલ ડુ માય બેસ્ટ..!!”, સ્નેહે મક્કમતાથી જવાબ આપ્યો.

“જો આ ડીલ ફાઇનલ થઇ જશે તો તારી પોસ્ટ પ્રોડક્ટ મેનેજરની થઇ જશે.”, વિશાલ સરે સ્નેહના ખભા પર હાથ ઠપકારતા કહ્યુ.

“આઇ વીલ ડુ ઇટ સર..!!”, સ્નેહે કોન્ફીડન્સ સાથે જવાબ આપ્યો.

“ઓલ દ બેસ્ટ..!”, વિશાલ સરે જતા જતા કહ્યુ.

“થેંક્યુ સર..!”

સ્નેહના મતે આટલી ગેરજવાબદારી પછી પણ વિશાલ સર આટલી ઓપર્ચ્યુનીટી આપતા હતા, એ માણસની મોટાઇ કહેવાય. એ દિવસે સ્નેહ સારી રીતે ઉંઘી શક્યો. ફરી આજે સ્નેહના સપનામાં અદાની “અદાઓ” જ છવાયેલી રહી હતી.

***

મીટીંગના દિવસે સ્નેહ રૂમ પાર્ટનરની બાઇક લઇને ઓફીસ જવા નીકળ્યો. સ્નેહે વહેલી સવારે જ જઇને ફરી એકવાર પ્રેઝેન્ટેશન ચેક કરી લેવાનુ નક્કિ કર્યુ હતુ. વિશાલ સર પણ વહેલા જ આવવાના હતા. આજે એ કોઇ ચાન્સ ગુમાવવા ન્હોતો માંગતો. પ્રેઝેન્ટેશનની બાબતમાં સ્નેહ જેવુ કોઇ જ નહોતુ. ક્લાયન્ટને આભા બનાવવામાં સ્નેહ જ કામ આવતો. એટલે જ તો થોડા જ સમયમાં સ્નેહે એસોશીયેટ પ્રોડક્ટ મેનેજરની પોસ્ટ મેળવી લીધી હતી.

સ્નેહ ધીમી સ્પીડે બાઇક એની ઓફીસ તરફ ચલાવી રહ્યો હતો. સવારનો સમય એટલે રસ્તા પર કોઇ ટ્રાફીક ન્હોતો. એટલે સ્નેહે બાઇકની સ્પીડ વધારી. સ્નેહ સવારની ખુશનુમા મૌસમને એન્જોય કરતો કરતો મોજમાં આગળ વધી રહ્યો હતો.

“ઝુમ્મ….. ઝુમ્મ…”, કરતી એક કરીઝમા બાઇક એની ડાબી તરફ થી ખુબ જ સ્પીડે પસાર થઇ. સ્નેહની બાઇક અને પેલી બાઇકનુ અંતર ખુબ જ ઓછુ હતુ. એ વધારે વિચારે ચડે એ પહેલા થોડીજ સેકન્ડોમાં સ્નેહને એક ચીસ સંભળાણી. સાથે બાઇક રોડ પર ઢસડાઇ હોય એવો પ્રચંડ અવાજ પણ આવ્યો.

એની નજર તરત જ પીળા કલરની કરીઝ્માં, જે એક સ્વીફ્ટ સાથે ટકરાઇ હતી એના પર પડી. પણ એ જ ક્ષણે એણે સ્વીફ્ટથી થોડે દુર નાઇટી પહેરેલ એક આધેડ બહેનને લોહી લુહાણ જોયા. એમના કપડા ઢસડાઇને ફાટી ચુક્યા હતા. માથા પરથી ખુબ જ લોહી વહી રહ્યુ હતુ. એમના ગોઠણનુ હાડકુ બહાર નીકળી ગયુ હતુ. એ બેન બેભાન અવસ્થામઆં હતા. કાર અને બાઇક બન્નેની ટક્કર આ બેનને લાગી હતી.

બહેનથી થોડે દુર રોડ પર થેલીમાંથી બહાર નીકળી ગયેલ દુધની થેલીઓ પડી હતી. તુટી ગયેલી થેલીમાંથી દુધ રોડ પર ફેલાઇ ગયુ હતુ. દુધની સાથે બે લોકોનુ ખાસ્સુ લોહી પણ વહી રહ્યુ હતુ.

સવારના નવ વાગ્યાના સુમસામ રોડ પર એક બે મિનિટમાં ઘણુ પબ્લીક ભેગુ થઇ ગયુ. બહેનનો જીવ બચવો મુશ્કેલ લાગી રહ્યો હતો. સ્નેહે તરત જ ૧૦૮ને કોલ લગાવ્યો. સ્નેહે પોતાનો શર્ટ પેલા બેનના માંથા પર બાંધી દીધો, જેથી લોહી વહેતુ બંધ થાય. પેલા છોકરાને પણ ઇજા હતી લોકોએ એને સંભાળ્યો.

૧૦૮ આવી એટલે સ્નેહ એ બન્નેની સાથે સ્ટર્લીંગ ગયો. પહેલીવાર સ્નેહને કોઇની મદદ કરતી વખતે નોકરીના વિચારો આવ્યા હતા. મદદ અને રેઝીગ્નેશન બેમાંથી એકનુ સીલેક્શન કરવાનો વારો આવી ચુક્યો હતો. સ્નેહે પોતાનો સ્વભાવ પસંદ કર્યો.

પેલા છોકરાના મોબાઇલમાંથી એના ઘરનો નંબર મળી ગયો. પણ પેલા બેનના ઘરે કઇ રીતે કોન્ટેક્ટ કરવો એ ખબર ના પડી. એમની સ્થિતી ખુબ જ નાજુક હતી. ડોક્ટરોએ કહ્યુ કે અર્જન્ટ ઓપરેશન કરવુ પડશે. સ્નેહને કહ્યુ કે એને કેટલાક ડોક્યુમેન્ટ પર સહિં કરવી પડશે.

ડોક્ટરે સહિં કરાવતા પહેલા સ્નેહનો પેલા બેન સાથેનો સંબંધ પુછ્યો.

સ્નેહે બે જીજક કહી દીધુ, “મારી મમ્મી છે.”

“તમારા મમ્મી ક્રીટીકલ છે, જલદીથી ઓપરેશન શરૂ કરવુ પડશે. જેના માટે તમારે…”, ડોક્ટરનુ અડધુ વાક્ય પુરૂ થયુ એ પહેલા જ સ્નેહ વચ્ચે બોલ્યો. “તરત જ ઓપરેશન શરૂ કરી દો, હું પેમેન્ટ કરી દવ છુ”.

ત્રણ કલાકમાં ઓપરેશન પુરૂ થયુ. ડોક્ટરોએ કહ્યુ કે હવે કોઇ ચિંતા કરવાની કોઇ જરૂર નથી. પણ એમને I.C.Uમાં તો રાખવા જ પડશે. ત્રણ કલાક વીતી ગઇ ગઇ હતી પણ પેલા આન્ટીના ઘરેથી હજુ કોઇ આવ્યુ નહોતુ. સ્નેહને પણ થયુ કે એમના ઘરવાળાને એસીડેન્ટની ખબર તો પડી જ ગઇ હશે. પણ કઇ હોસ્પીટલમાં છે એતો નહિ જ ખબર હોય.

સ્નેહે એના રૂમ પાર્ટનરને હોસ્પીટલ બોલાવ્યો અને પેલા બેનનુ ધ્યાન રાખવા કહ્યુ અને એમના ઘરનુ કોઇ આવે તો એને કોલ કરવા પણ કહ્યુ.

સ્નેહને એમ લાગ્યુ કે ઓફીસ જઇ આવવુ જોઇએ. એને ખબર હતી કે આજે શું થવાનુ છે. એ આજે કેટલામી વાર મોડો પડ્યો હતો એ એને ખબર નહોતી. પરંતુ આજે એ ચિંતા મુક્ત હતો. એની આંખોના ખુણા થોડા ભીના હતા.

સ્નેહ ઓફીસ પહોંચ્યો. વિશાલસર એની કેબીનમાં નહોતા. એણે કોન્ફરન્સ રૂમમાં નજર નાખી. વિશાલ સર પ્રેઝેન્ટેશન આપી રહ્યા હતા. સ્નેહ માથુ નીચુ જુકાવીને પોતાની કેબીન તરફ ગયો. એણે પોતાનુ કંપ્યુટર શરૂ કરીને કંઇક ટાઇપ કરવાનુ શરૂ કર્યુ. એ ડોક્યુમેન્ટની એણે પ્રીંટ કાઢી લીધી. એણે એનો રેઝીગ્નેશન લેટર ટાઇપ કરી નાખ્યો હતો.. એ લઇને એ વિશાલ સરની કેબીનમાં જઇને વિશાલ સરની રાહ જોવા લાગ્યો.

અડધી કલાક પછી વિશાલ સર અને ક્લાયન્ટ્સની ટીમ કોન્ફરન્સરૂમની બહાર આવી. ક્લાયન્ટ્સે કંપનીના બીજા એમ્લોય્ઝ જોડે હાથ મેળવ્યા અને એ લોકો બહાર જવા નીકળ્યા.

વિશાલ સર પોતાની કેબીનમાં આવ્યા અને પોતાની ચેઇર પર બેસીને પોતાનો મોબાઇલ હાથમાં લીધો.

“સર, આ રેઝીગ્નેશન લેટર..!”, સ્નેહે પેલુ પેજ વિશાલ સરની સામે ધરતા કહ્યુ.

વિશાલ સર કંઇ બોલે એ પહેલા જ એમનો મોબાઇલ વાઇબ્રેટ થયો.

“હા, પપ્પા મીટીંગમાં હતો..!”, વિશાલ સરે ફોન ઉપાડતા કહ્યુ.

“શું..?”, સામેનો અવાજ સાંભળીને વિશાલસર ઢળી પડ્યા.

“ક્યાં..?”, વિશાલસરે પુછ્યુ. સ્નેહ શાંતીથી પોતાના રેઝીગ્નેશન લેટરને જોઇ રહ્યો હતો.

“હજુ ખબર નથી પડી કે કઇ હોસ્પીટલમાં છે..?”,વિશાલ સર બોલ્યા અને સાંભળતા જ સ્નેહનુ હ્રદય એકાએક વધારે ઝડપથી ધબકવા લાગ્યુ.

“ઓકે, હું આવુ છુ”, વિશાલ સરે ફોન મુક્યો.

‘સર શું થયુ…?’, સ્નેહ બોલ્યો.

‘મારે ઘરે જવુ પડશે, મારી મમ્મીનુ એક્સીડેન્ટ….’

“સર મને ખબર છે, તમારા મમ્મી ક્યાં છે..!”, વિશાલ સર એનુ વાક્ય પુરૂ કરે એ પહેલા જ સ્નેહ અંદાજો લગાવીને બોલ્યો.

વિશાલસર સ્નેહને એક્ટીસે જોઇ રહ્યા. વિશાલ સરની આંખો ભરાઇ ગઇ. બન્ને જડપથી કંપનીની બહાર નીકળ્યા. વિશાલ સરે પોતાની સ્કોડા કાઢી અને સ્ટર્લીંગ તરફ ચલાવી મુકી. આખા રસ્તામાં વિશાલ સર અને સ્નેહ કંઇજ ના બોલ્યા. વિશાલ સરના ગાલ પર એમની આંખોમાંથી આવી રહેલા આંસુઓ એમને આજે નડતા નહોતા.

બન્ને થોડીજ વારમાં સ્ટર્લીંગ પહોંચ્યા. વિશાલ સર ડોક્ટરને મળવા માટે દોડી ગયા. સાથે સ્નેહ પણ ગયો.

“જો તમારા ભાઇએ થોડી પણ વાર લગાવી હોત તો અમે સોરી સિવાય કંઇજ બોલી ન શક્યા હોત..!, મગજના ભાગ પર ઘણી ઇજા થયેલ છે. પણ હવે સીચુએશન કંટ્રોલમાં છે..!”, ડોક્ટરે કહ્યુ.

હવે વિશાલની સરની આંખમાં પ્રેમનુ દ્રાવણ હતુ. કદાચ એના લીધે એમને સ્નેહનો ચહેરો પણ નહિ દેખાતો હોય. વિશાલ સરે સ્નેહને બાહોમાં જકડી લીધો અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા.

જો વિશાલ સર સ્નેહને થેંક્યુ કહેત તો એ શબ્દો મુલ્યહીન બની જાત. પણ આંસુથી મોટો આભાર આ દુનિયામાં કોઇ જ નથી હોતો. એ વિશાલ સર મનોમન સમજી ગયા.

વિશાલ સર થોડા સ્વસ્થ થયા એટલે બન્ને ડોક્ટરની કેબીનમાંથી બહાર નીકળ્યા. સ્નેહને ખબર હતી, આ બધુ બન્યા પછી સર એનુ રેઝીગ્નેશન એક્સેપ્ટ નહિ કરે. પણ સ્નેહ એવુ માનતો હતો કે એણે કોઇ ઉપકાર નહોતો કર્યો. એ વિશાલ સરને ફરજ ચુક બનાવવા નહોતો માંગતો.

“સર, આ એક્સેપ્ટ કરો..!”, સ્નેહે વિશાલસરની સામે રેઝીગ્નેશન લેટર લંબાવતા કહ્યુ.

વિશાલ સરને હેડીંગ વાંચીને જટકો લાગ્યો.

“આ કાગળ ફાડી નાખ. હવે તુ સીનીયર પ્રોડક્ટ મેનેજર છે”

“સર, કાલ સુધી મારી મોડા આવવાની આદતો તમને ખુંચતી હતી. આવતી કાલે પણ કદાચ તમને પ્રોબ્લેમ થઇ શકે. મેં તમારા પર કોઇ જ ઉપકાર કર્યો નથી એવુ હું માનુ છુ. તમે મને આ ઘટનાના આધારે આ પોઝીશન આપતા હોવ તો એ મને મંજુર નથી. એટલે પ્લીઝ આ એક્સેપ્ટ કરીલો..!”, સ્નેહે પણ ભીની આંખે કહ્યુ.

“સ્નેહ હું તને સમજી ન્હોતો શક્યો..!!”, વિશાલ સરે ગળગળા અવાજે કહ્યુ.

“થોડા કડક શબ્દો બોલુ છુ, પણ અત્યારે I.C.Uમાંના તમારા મમ્મીની જગ્યાએ કોઇ બીજી વ્યક્તિ હોત તો આ લેટર પર સાઇન થઇ ચુકી હોત. આ શબ્દો હું તમને દુખ પહોંચાડવા માટે નથી બોલી રહ્યો પણ હવે મને ખબર પડી ગઇ છે કે હું શું કરવા માટે બન્યો કે જન્મ્યો છુ. મારો જુનુન સીનીયર પ્રોડક્ટ મેનેજરની પોસ્ટ નથી, મારો જુનુન તમારા મમ્મીને હું અહિં સુધી લાવ્યો એ છે. એટલે પ્લીઝ જો તમે ખરેખર એમ માનતા હોવ કે મેં તમારી હેલ્પ કરી છે, તો આ લેટર એક્સેપ્ટ કરો..! પ્લીઝ હેલ્પ મી..!”, સ્નેહે પણ ગળગળા થઇને કહ્યુ.

“સ્નેહ તુ ગમે તેટલી દલીલ કર પણ હું આ એક્સેપ્ટ નહિ કરૂ.”

“સર જો તમે મને કંઇક આપવા ઇચ્છતા હો તો આ જ આપો. આજે હું ખુબ ખુશ છુ, કારણ કે મને ખબર પડી ગઇ છે હું શેના માટે બન્યો છુ. અને જીંદગી ભર હું શું કરી શકુ..! પ્લીઝ સર..! સ્નેહે પેલો કાગળ વિશાલ સરના હાથમાં મુકી દીધુ. વિશાલ સરે એ લેવો જ પડ્યો.

“સ્નેહ તારી માં ખુબ નસીબદાર છે..!, મારે એમને મળવુ છે.” વિશાલ સરે કહ્યુ.

“જો મારા પેરેન્ટ્સ આજે દુનિયામાં હોત તો તમારા મમ્મીનો શ્વાસ અત્યારે રોકાઇ ગયો હોત.”, બોલતા બોલતા સ્નેહનો અવાજ રૂંધાઇ ગયો.

“સોરી…! સ્નેહ. પણ હું જાણી શકુ કેવી રીતે થયુ?”

“કંઇ વાંધો નહિ, હવે આ ફોર્માલીટી ભર્યા સોરી સાંભળવાની આદત પડી ગઇ છે. જે આજે તમારા મમ્મી સાથે બન્યુ એ જ મારા પેરેન્ટ્સ સાથે પણ બન્યુ હતુ. બસ એ દિવસે ત્યાં કોઇ સ્નેહ હાજર ન્હોતો અથવાતો કોઇનો સ્નેહ હાજર ન્હોતો.”

વિશાલ સર ચુપ થઇ ગયા.

“તો ચાલો સર, ફરી ક્યારેક મળીશુ…!” સ્નેહે વિશાલ સર સાથે હાથ મેળવ્યો. એને ખબર ના પડી કે સ્નેહને કઇ રીતે રોકવો? આજે વિશાલ સર સ્નેહના પ્રેમમાં પડી ચુક્યા હતા. પણ સ્નેહ એના પેશનને પ્રેમ કરવા નીકળી પડ્યો હતો.

છેલ્લે સ્નેહ I.C.Uની કાંચની બારીમાંથી જોઇને બોલ્યો.

“મમ્મી આજે મેં તને મારી સાથે મહેસુસ કરી, હું તને મળ્યો હોવ એવુ મને લાગ્યુ. મમ્મી મીસ યુ, મીસ યુ લોટ…!!”, સ્નેહની આંખમાંથી આંસુનુ મોતી સરી પડ્યુ.

***

જો તમને આ વાર્તા ગમી હોય તો રીવ્યુ આપવાનું ભુલતા નહીં. ટુંક સમયમાં બીજી વાર્તા. ત્યાં સુધી કરો પ્રેમનાં પ્રયોગો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED