Prem Path - 4 books and stories free download online pdf in Gujarati

પ્રેમ પથ ૪

પ્રેમ પથ

મિતલ ઠક્કર

પ્રકરણ-૪

હિતેન પંડ્યાની કંપનીમાં સંગીતાને હજુ માંડ દસ દિવસ થયા હતા. હજુ તે હિતેનને એક જ વખત મળી હતી. ત્યારે મેનેજરે બોલાવીને તેને નવું ટુવ્હીલર આપવાનો પત્ર હાથમાં પકડાવી દીધો તેની સંગીતાને નવાઇ લાગી. ઇન્ટરવ્યુ વખતે તો એવી કોઇ વાત થઇ ન હતી. દરેક કર્મચારીએ પોતાની રીતે વાહનની વ્યવસ્થા કરીને નોકરીએ આવવાનું રહેતું હતું. તો પછી આ મહેરબાની તેના પર કેમ થઇ રહી છે? મેનેજરે તેને ટુવ્હીલર સ્વીકાર્યું છે એવા પત્ર પર સહી આપવા કહ્યું એટલે તે વિચારમાં પડી ગઇ. શું હિતેન પોતાના પર વધુ ઉપકાર કરી રહ્યો છે? કે કંપનીની આ પોલીસી છે? પપ્પાની સલાહ લેવી જોઇએ?

સંગીતાને પત્ર લેવાને બદલે વિચાર કરતી જોઇ મેનેજરે પૂછ્યું:"મિસ સંગીતા, શું વિચાર કરો છો? આ વાહન કંપનીનું છે અને કંપનીનું જ રહેશે. તમને નોકરીએ આવવા-જવામાં સરળતા રહે એ માટે કંપની તરફથી તને સોંપવામાં આવી રહ્યું છે."

"બરાબર છે સર, પણ મારે પપ્પાને પૂછવું પડશે."

તેની વાતથી મેનેજરને વધારે નવાઇ લાગી:"એમાં પપ્પાને શું પૂછવાનું મિસ! કંપનીના નિર્ણય અંગે તમારે જ નિર્ણય લેવાનો થાય છે."

"સર, બધાંને આ રીતે વાહન મળે છે?"

મેનેજરને સંગીતાનો સવાલ બિનજરૂરી લાગ્યો. છતાં તેણે અવાજ પર સંયમ રાખી જ્વાબ આપતાં કહ્યું:"જુઓ મિસ, કંપનીએ કોને કેટલો પગાર આપવો, કોની પાસે કયું કામ કરાવવું કે કોને શું આપવું એ મેનેજમેન્ટ નક્કી કરે છે. હું એ બાબત કોઇને સવાલ કરી શકું નહીં..."

મેનેજરનો જવાબ સાંભળી સંગીતાને થયું કે પોતે આવો સવાલ કરીને ભૂલ કરી છે. એ તો કંપનીના આદેશનું પાલન કરી રહ્યા છે. સંગીતાએ પોતાની મર્યાદા સમજી વાતને વાળી લેતાં કહ્યું:"સોરી! લાવો, હું સહી કરી આપું."

સંગીતાએ સહી કરી એટલે તેને કંપનીના પાર્કિંગમાં લઇ જઇ મેનેજરે નવું ટુવ્હીલર બતાવી પૂછ્યું:"મિસ સંગીતા, ચલાવતા આવડે છે ને? અને લાયસન્સ ના હોય તો હવે લઇ લેજો..."

"સર, આવડે છે અને લાયસન્સ પણ છે.."

"ચાલો સારું. એક આંટો મારી લો! અને પછી તમારું કામ કરો." કહી મેનેજર જતો રહ્યો.

સંગીતા બે ઘડી નવા ટુવ્હીલરને જોઇ રહી. તેના પર હાથ ફેરવ્યો. તેણે પોતાની બહેનપણીનું વાહન તો અનેક વખત ચલાવ્યું હતું. અને લાયસન્સ પણ મેળવી લીધું હતું. આજે પોતાને મળેલું નવું ટુવ્હીલર ચલાવતાં તેને અનોખી ખુશી થઇ રહી હતી. હવે તેને આવવા-જવામાં તકલીફ નહીં રહે. તે પોતાની રીતે આવી શકશે. રીક્ષાની રાહ જોવી નહીં પડે.

સંગીતા પોતાની નાની કેબિનમાં આવીને પાછી બેઠી. તેનું મન ફરી વિચારે ચડી ગયું. શું હિતેનના મનમાં હજુ પણ મારી સાથે લગ્ન કરવાની ઇચ્છા હશે? એ તો મને પસંદ કરતો હતો. તે મને પ્રસન્ન કરવા આમ કરી રહ્યો છે. પણ જો એવું હોય તો એ મને મળવા કેમ બોલાવતો નથી. તેને ખબર છે કે મને એ પતિ તરીકે પસંદ નથી એટલે? જો તે મને પ્રભાવિત કરવા માગતો હોત તો દરરોજ મારા જવાના સમય પર કાર લઇને નીકળી શકતો હોત. મને લીફટ આપીને મારી સાથે સમય પસાર કરી શકે એમ છે. ઓફિસમાં પણ કારણ વગર મને બોલાવી શકે છે. એના બદલે મારાથી દૂર ભાગે છે. તે ખરેખર જેન્ટલમેન છે? મને એક સામાન્ય કર્મચારી જ સમજે છે. જો મને વિશેષ વ્યક્તિ તરીકે નોકરી આપી હોત તો વારંવાર મારા સંપર્કમાં આવવાનો પ્રયત્ન કરતો હોત.

સંગીતા સાંજે જ્યારે કંપનીમાંથી ટુવ્હીલર લઇને નીકળી ત્યારે ખુશ હતી. તેણે ઘરે જઇને મમ્મી-પપ્પાને સરપ્રાઇઝ આપવાનું નક્કી કર્યું હતું.

સંગીતાને નવા ટુવ્હીલર સાથે આવેલી જોઇ શીલાબેન અને રજનીભાઇને નવાઇ લાગી.

"સંગુ, તું ક્યારે વાહન નોંધાવી આવી હતી?" રજનીભાઇએ નવાઇ સાથે આનંદના સ્વરમાં કહ્યું.

"બેટા, આ આપણું વાહન છે?" શીલાબેનને પણ નવાઇ લાગી રહી હતી.

"આમ જોવા જઇએ તો આપણું છે અને નથી પણ." સંગીતાએ થોડા રહસ્યમય અંદાજમાં મમ્મી-પપ્પાને કહ્યું.

બંનેનું આશ્ચર્ય શમ્યું ન હતું. બંને સાથે બોલી ઊઠ્યા:"એટલે?"

"મને કંપની તરફથી આ ટુવ્હીલર મળ્યું છે." સંગીતાએ ખુલાસો કર્યો.

"ચાલ સારું થયું. તારે આવવા-જવામાં કોઇ તકલીફ નહીં રહે. સોરી બેટા, હું તને વાહન અપાવી શક્યો નથી." રજનીભાઇ ભાવુક થઇ ગયા.

"પપ્પા, મેં ક્યારેય તમારી પાસે વાહન કે બીજું કશું માગ્યું છે? હું તમારી પરિસ્થિતિ જાણું છું. તમે ધંધામાં ખોટ ખાઇને હવે સામાન્ય નોકરી કરી રહ્યા છો અને દેવું ભરી રહ્યા છો એનો મને ખ્યાલ છે. આ ઘરને ઊંચે લાવવા તમે ઓછા પ્રયત્ન કર્યા નથી. નસીબનો સાથ ના મળ્યો એમાં તમારો શો વાંક? તમે ચિંતા ના કરશો. મારા પગારમાંથી ધીમેધીમે આપણે બધું દેવું ચૂકતે કરી દઇશું..." સંગીતાએ રજનીભાઇને હિંમત આપી.

"ના બેટા, મારાથી તારા પૈસા ના લેવાય.."

"એવું નહીં વિચારવાનું પપ્પા. જો તમને દીકરીને બદલે દીકરો હોત તો તમે આવી વાત કરી શકત?"

"એવું નથી બેટા..."

"તમે હવે ફરી આવું ના કહેશો. મારી એક સંતાન તરીકે આ ઘર માટેની ફરજ છે...."

રજનીભાઇની આંખમાં આંસુ આવી ગયા. સંગીતા તેમને હેતથી ભેટી પડી.

સંગીતા બીજા દિવસે કંપનીમાંથી નીકળી ત્યારે તેને આકાશ યાદ આવી ગયો. તેને થયું કે ટુવ્હીલરના સમાચાર તેને આપવા જોઇએ. તેણે આકાશનો નંબર ડાયલ કર્યો.

"હેલો આકાશ! કેમ છે? શું કરે છે?"

"બસ! કામ જ ને ? બીજું શું હોય અહીં તો!"

"સાંભળ! મને કંપનીએ નવું ટુવ્હીલર આપ્યું છે..."

"વાહ! સારી વાત છે. તો પાર્ટી ક્યારે આપે છે?"

"અત્યારે જ! નીકળાય તો આવી જા. આપણે કોફી શોપમાં મળીએ!"

"હા...હા.. કેમ નહીં! તું પહોંચતી થા હું નીકળું જ છું."

સંગીતાને આકાશ સાથે વાત કરીને આનંદ થયો. તે કોફીશોપમાં પહોંચીને આકાશની રાહ જોવા લાગી. તેને પહેલી વખત કોઇ યુવાનને મળતી હોય એવી અજીબ લાગણી થવા લાગી. આકાશને ઓફિસમાં અનેક વખત મળતી હતી. ત્યારે કોઇ પ્રકારની ફિલીંગ થતી ન હતી. તે પોતાનો સહકર્મચારી માત્ર હતો. તે કેટલીય વખત પોતાનું કામ છોડીને મને મદદ કરતો હતો. મેં ક્યારેય તેનો આભાર માન્યો નહીં! તે કેટલી લાગણીથી મદદ કરતો હતો.

"હાય!" આકાશના અવાજથી તે વર્તમાનમાં આવી.

"હાય! કોન્ગ્રેચ્યુલેશન!" કહી સંગીતાએ તેની સાથે હાથ મિલાવ્યો. તેના હાથમાં એક અનોખી ઝણઝણાટી થઇ. પહેલી વખત કોઇ વિજાતીય વ્યક્તિનો અનોખો સ્પર્શ અનુભવી રહી. સામે આકાશને પણ તેની લાગણી હાથથી થઇ દિલ સુધી પહોંચી હોય એવી ખુશી ચહેરા પર ઊભરી આવી.

"થેન્કયુ! બોલ શું લઇશ નાસ્તામાં?"

"તું જે ખવડાવે તે. મેં બહાર જોયું ટુવ્હીલર. સરસ રંગ છે. તારા ચહેરા પર પણ ખુશીનો રંગ છલકે છે."

"મને તો કલ્પના જ ન હતી કે કંપની આવી સુવિધા આપશે. અને એ પણ આટલી જલદી."

"આપણી..." પછી શબ્દોમાં ફેરફાર કરતાં મારી શબ્દ પર ભાર મૂકી આકાશ બોલ્યો:"સોરી ! "મારી" કંપની તો પેટ્રોલ એલાઉન્સ પણ આપતી નથી. સારું થયું તેં એ જોબ છોડી દીધી."

"અરે! કાલે અચાનક મેનેજરે મને ટુવ્હીલર આપવાની વાત કરી ત્યારે મને તો નવાઇ લાગી."

"મોટી કંપનીઓની તો વાત જ અલગ છે. ઘણાને તો કાર પણ આપી હશે."

"મેં હજુ જાણ્યું નથી. પણ પૂછવાની છું કે કોને શું મળે છે."

"બોલ, બીજા શું ખબર છે?" કહેતાં આકાશે નાસ્તાને ન્યાય આપવાનું શરૂ કર્યું.

સંગીતાએ એક-બે વાત કરી પછી કોઇ વિષય ના મળ્યો એટલે મૌન રહી કોફીના ઘૂંટડા ભરવા લાગી.

વારે વારે તેની નજર આકાશના ચહેરા પર જતી હતી. કેટલો સુંદર અને સોહામણો છે? સ્વભાવ પણ કેટલો મળતાવડો છે. દિલની વાત કહેવાનું મન થાય એવો છે. પોતે કોઇ સહેલી સાથે નહીં પણ આકાશ સાથે પોતાની ખુશી શેર કરવા એટલે જ આવી છે ને! આવા દોસ્ત હોવા જોઇએ. જૂની ઓફિસમાં મયૂરી સાથે તેને સારું બનતું હતું છતાં આજે તેણે નવાસવા આકાશ સાથે ખુશી શેર કેમ કરી એમ તેનું દિલ તેને પૂછવા લાગ્યું. પણ તેની બુધ્ધિ કોઇ જવાબ આપી શકી નહીં.

"તારા વિશે તો કંઇ બોલ!" સંગીતાએ ખામોશી તોડતાં કહ્યું.

"બસ! જીવન ચાલે છે. હમણાં તો આ શહેરમાં એકલો જ છું. એક-બે વરસમાં બરાબર સેટ થઇશ તો ગામડેથી મમ્મી-પપ્પાને બોલાવી લઇશ. એ પણ તૈયાર થશે તો."

"સાચી વાત છે. ગામડામાં રહેતા જૂના જમાનાના લોકોને શહેરમાં ગોઠતું નથી.."

"એ લોકો તો મને લગ્ન કરી લેવાનું કહે છે! શહેરમાં કોઇનો સાથ હોય તો તકલીફ ના રહે. એકલાને રહેવામાં મુશ્કેલી ના પડે."

"સાચી વાત છે! કોઇ છોકરી જોઇ કે નહીં?"

"મેં હજુ લગ્ન વિશે વિચાર્યું જ નથી. પહેલાં નોકરીમાં સેટ થઇ જાઉં."

"હવે સેટ જ છે ને..."

"જોઇએ હવે..." કહી આકાશ બીલ ચૂકવવા પૈસા કાઢતો હતો. સંગીતાએ તેનો હાથ પકડી અટકાવ્યો.

"આજની પાર્ટી મારા તરફથી છે. ફરી ક્યારેક તું આપજે."

બંને છૂટા પડ્યા.

સંગીતા ઘરે જઇને વિચારવા લાગી. પોતે આકાશને મળી એમાં કંઇ ખોટું તો ન હતું ને? શું એ તેને પસંદ કરવા લાગી છે? તે આકાશથી આકર્ષાઇ રહી છે? શું તેના દિલમાં આકાશ પ્રત્યે કોઇ લાગણી આકાર લઇ રહી છે? આકાશમાં તેને સપનાનો રાજકુમાર દેખાઇ રહ્યો છે? આટલાં વર્ષોમાં પહેલી વખત કોઇ યુવાન સાથે હાથ મિલાવ્યા પછી તેના દિલની ધડકન તેજ થઇ હતી. તે થોડું શરમાઇ હતી. દિલમાં કંઇક થતું હતું. શું એને જ પ્રેમ કહે છે? તે પ્રેમ પથ પર પગરણ માંડી રહી છે?

***

સંગીતા કંપનીમાં પહોંચી ત્યારે આજે કોઇ કામ જ ન હતું. તેને થતું હતું કે આજે દિવસ કેવી રીતે પસાર થશે. જો આ રીતે જ તેની પાસેનું કામ ઓછું થઇ જશે તો કંટાળીને આ નોકરી છોડી દેવી પડશે. તેને થયું કે પોતાની પાસે જ કામ ઓછું આવે છે કે બીજા વ્યસ્ત રહે છે. તે ઓફિસમાં આમતેમ આંટો મારી આવી. કોઇ મોબાઇલ પર ચેટીંગમાં વ્યસ્ત હતું તો કોઇ આરામથી કાનમાં હેડફોન નાખીને ગીતો સાંભળતું હતું. તેને નવાઇ લાગતી હતી. આટલી મોટી કંપનીમાં ખાસ કામ જ રહેતું નથી. કોઇ સરકારી કચેરીમાં કર્મચારીઓ આનાથી વધુ કામ કરતા હશે. આવી આરામની નોકરી વિશે કોઇ સરકારી કર્મચારીને કહીએ તો એ ઇર્ષા કરે એવી સ્થિતિ હતી. સંગીતા સમય પસાર કરવા તેના જેવી જ કામગીરી કરતી સંજના પાસે ગઇ. તે પણ કોમ્પ્યુટર પર કોઇ ગેમ રમી રહી હતી. સંગીતાને જોઇ તેણે આવકાર આપ્યો. "અરે! આવને..."

"તારી પાસે પણ કોઇ કામ નથી!" સંગીતાએ સીધું જ પૂછી લીધું. પછી થયું કે સંજનાને ખોટું ના લાગી જાય તો સારું.

સંજનાએ તેની વાત હળવાશથી લીધી:"હા, જોને નવરી ધૂપ જેવી છું. ગેમ રમીને પણ સમય પસાર થતો નથી.."

"કંપનીમાં કામ ઓછું અને માણસો વધારે છે..."

"ના-ના કામ આવે ત્યારે વધારે આવે છે.... કામ ના હોય તો જરૂરી નથી કે ખુરશીમાં સીક્યુરીટી ગાર્ડ્સની જેમ બેસી રહેવું! કોઇ બોલવાનું નથી."

"હા, મેનેજર પણ સારા છે. મને કાલે ટુવ્હીલર આપ્યું..."

"ઓહ! સારું કહેવાય."

"તું અત્યાર સુધી કેવી રીતે આવતી હતી?"

"મને તો મારી બહેન છોડી જાય છે. તું નસીબદાર છે. તને પહેલા મહિને જ વાહન મળી ગયું."

"કેમ તમને કોઇને વાહન આપ્યા નથી?"

"ના...."

સંજનાની "ના" સાંભળીને સંગીતાને આંચકો લાગ્યો. પોતાને જ વાહન આપવા પાછળ કંપનીનો શું મકસદ હશે? હજુ તો તેને પૂરો એક મહિનો થયો નથી. તેને આટલી સુવિધા કેમ પૂરી પાડવામાં આવી રહી છે? તે કોઇ ખાસ કર્મચારી તો નથી. સંગીતાને ફરી એ માટે હિતેન પર શંકા ગઇ. હિતેન તેને ખુશ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે?

"કંપનીના માલિક હિતેનભાઇને તેં વાહન આપવા માટે વાત નથી કરી?"

"એ તો ખાસ આવે જ ક્યાં છે. અને મારે જરૂર જ નથી તો હું શું કામ વાત કરું. કંપનીને ખબર છે કે કોને શી જરૂરિયાત છે. મારા સાસુના પગનું ઓપરેશન હતું તો તેનો બધો ખર્ચ કંપનીએ જ ઉપાડ્યો હતો."

"સારું કહેવાય..." કહી સંગીતા ઊભી થઇને પોતાની કેબિનમાં આવીને બેઠી.

સંગીતાને થયું કે તે હિતેન માટે ખોટું વિચારી રહી છે? તેને વારે વારે હિતેન પર શંકા કેમ ઊભી થાય છે?

સંગીતા વધારે કંઇ વિચારે એ પહેલાં તેના મોબાઇલની રીંગ વાગી. તેણે જોયું તો જૂની કંપની પરથી મયૂરીનો ફોન હતો.

"હલો... શું વાત કરે છે? ક્યારે? કેવી રીતે? " સંગીતાએ સામેથી કહેવામાં આવેલી એક જ વાતની સામે એકસાથે અનેક સવાલ પૂછી નાખ્યા. તેના દિલમાં ગભરાટ થયો. તે ચિંતા કરવા લાગી. તેણે મેનેજરની રજા લીધી અને ઓફિસની બહાર નીકળી. ઝડપથી ટુવ્હીલર ચાલુ કર્યું અને તેની ગતિ વધારી દીધી. તેના દિલની ધડકન પણ વધી રહી હતી.

વધુ હવે પછી...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED