પ્રેમપથ ૨ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમપથ ૨

પ્રેમપથ

- મિતલ ઠક્કર

પ્રકરણ-૨

સંગીતાએ પહેલી નોકરી વધુ પડતા કામ પછી પણ પગાર વધતો ન હોવાથી છોડી હતી. નવી નોકરીમાં કામ ઓછું હતું અને પગાર વધારે હતો એ વાત તેને ગમતી ન હતી. કામ કરવાની આદતને કારણે તેને ખાલી બેસી રહેવાનું ગમતું ન હતું. તેણે નક્કી કરી રાખ્યું હતું કે કંપનીના માલિકને આ બાબતે વાત કરશે. તે બીજી વધારાની કામગીરી કરવા તૈયાર હતી. કંપનીના માલિકના પુત્ર પંડ્યા સાહેબ આજે આવ્યા હોવાનું જાણ્યા પછી તે મુલાકાત માટે તેમની ચેમ્બર પાસે આવી હતી. પંડ્યા સાહેબે તેને તરત જ અંદર બોલાવી હતી એનું આશ્ચર્ય શમ્યું ન હતું ત્યાં તેમને જોઇને ચોંકી ગઇ હતી. પંડ્યા સાહેબને જોઇ એક વાક્ય પણ તે બોલી શકી નહીં. પંડ્યા સાહેબ એ બીજું કોઇ નહીં પણ તેને ગયા મહિને જોવા આવેલા હિતેનકુમાર પંડયા હતા. જેમને તે પતિ તરીકે આડકતરી રીતે ના પાડી ચૂકી હતી. તેણે હિતેન માટે હા પાડી ન હતી. અને હવે જાણ બહાર નોકરીમાં માલિક તરીકે સ્વીકારી ચૂકી હતી. તેને થયું કે શરમભરી સ્થિતિમાં મૂકાવું એના કરતાં હીંથી જતા રહેવું સારું. કદાચ પોતાનાથી તેમની સાથે સરખી વાત ના પણ થઇ શકે.

આમ તો સંગીતાએ ઘણા છોકરા જોયા હતા અને મુલાકાતમાં વાત પણ કરી હતી. તેમાં કદાચ સૌથી પૈસાદાર ઘરનું માંગુ હિતેનકુમારનું હતું. તેના પપ્પાએ તો હિતેનકુમારના બહુ વખાણ કર્યા હતા. એ બધી લાયકાત ધરાવે છે કે નહીં એ વિશે સંગીતાને કોઇ શંકા ન હતી. પણ હકીકત એ હતી કે તે દેખાવમાં સુંદર ન હતો. તેનો ચહેરો થોડો વિચિત્ર હતો. તેનો ફોટો જોઇને જ તેણે હિતેનના નામ પર મનોમન ચોકડી મારી દીધી હતી. મોટી આંખો અને નાના નાક પર ચશ્મા અને વળી સપાટ ગાલને લીધે પહેલી જ નજરે સંગીતાએ તેને નાપાસ તો કરી દીધો હતો. છતાં પિતાના આગ્રહને કારણે તેણે જોવાનું ગોઠવ્યું હતું. અને તે આવ્યો હતો એટલે ઔપચારિક રીતે બે-ચાર વાત કરવી જરૂરી હતી. તેનો અવાજ સારો હતો. સ્વભાવથી ઠંડો અને વિવેકી લાગ્યો હતો. જો સુંદરતા સાથે બાંધછોડ કરવામાં આવે તો હિરેન એક આદર્શ પતિ બની શકે એમ હતો. પણ સંગીતાની વિચારસરણી અલગ હતી. સુંદર ના હોય એવા યુવાનનું પતિના રૂપમાં તેના મનમાં કોઇ સ્થાન ન હતું. તેણે હિતેન સાથે વાત કરવામાં ખાસ ઉત્સાહ બતાવ્યો ન હતો. હિતેનને તેના ઠંડા પ્રતિભાવથી અંદાજ તો આવી ગયો હતો કે તેનો ચહેરો જોઇને સંગીતા ખુશ નથી. એ પછી હિતેન સામાન્ય સવાલ-જવાબ કરીને સંગીતાનો ઇરાદો જાણી ગયો હતો. હિતેન પૂછતો હતો ત્યારે સંગીતા હા કે ના માં જ જવાબ આપતી હતી. તે શરમાળ હોવાની છાપ ઊભી કરી રહી હતી. તે જાણતી હતી કે "કાણાને કાણો ના કહેવાય." તેને એક એવા કાનાની શોધ હતી જે તેની સાથે રાસ રમે તો શોભી ઊઠે.

હિતેનના ગયા પછી સંગીતાના મમ્મી અને પપ્પા ઉત્સાહમાં હતા. તેમને એમ જ હતું કે આટલા મોટા ઘરમાં સંબંધ બાંધીને સંગીતા સાથે તેઓ પણ સમાજમાં ગૌરવ અનુભવવાના હતા. તેમની છોકરી મોટા ઘરમાં જઇને સુખી થશે. તેમણે સંગીતાને છોકરો પસંદ પડ્યો કે નહીં એ પૂછ્યું ત્યારે તેણે નાક ફુલાવીને નન્નો ભણ્યો હતો. એ જાણી રજનીભાઇને આઘાત લાગ્યો હતો.

"બેટા, એનામાં ખામી શું છે? ન કોઇ વ્યસન છે ના કોઇ ખામી. ઘર પણ સંપન્ન છે. તેના પિતાની મોટી કંપની છે. તું તો સોનાના હિંચકે ઝૂલશે. આટલા મોટા ઘરનો યુવાન તને જોવા આવ્યો એ આપણા જેવા ગરીબ માણસો માટે મોટી વાત છે. બેટા, તું બરાબર વિચાર કરી લે." રજનીભાઇએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો.

શીલાબેન પણ બોલ્યાં "બેટા, તું સુખી થઇશ. ઘણા છોકરાને તેં ના પાડી દીધી છે. પણ અમે બહુ આગ્રહ કર્યો નથી. આ છોકરા માટે અમારો આગ્રહ નથી. પણ મારા મતથી હિતેન માટે ના પાડવાનું કોઇ મોટું કારણ નથી. હા, દેખાવે તે હેન્ડસમ નથી..." એટલે સંગીતાએ તેમની વાત પકડી લીધી:"મા! દેખાવમાં થોડો સુંદર તો હોવો જ જોઇએ ને. એ તો કજોડું લાગે એવો છે...." પછી મનોમન બોલી:"મારે સુંદર યુવાનની બાંહોમાં ઝૂલવું છે..."

"સંગુ, તારી વાત સાચી છે કે એનો ચહેરો સુંદર નથી. તું વિચાર કર કે એની પાસે એટલા પૈસા છે કે એણે પ્લાસ્ટિક સર્જરી કરાવીને સુંદરતા મેળવી લીધી હોત અને તને જોવા આવ્યો હોત તો તું ના પાડી શકી હોત...?" રજનીભાઇ તો એમ પણ કહેવા માગતા હતા કે લગ્ન પછી કોઇ અકસ્માતમાં તેનો ચહેરો બગડી જાય તો શું કરે? પણ એ ઉદાહરણ યોગ્ય ના લાગ્યું.

પિતાની દલીલ સાંભળી સંગીતા બે ક્ષણ તો ચૂપ થઇ ગઇ. પછી પોતાની જીદ પર અડી રહીને બોલી:"પપ્પા, હવે ખબર જ છે કે તે સુંદર નથી તો શા માટે હા પાડવાની?"

"બેટા, તું ફરી એકવખત વિચાર કરી લે, આપણે જવાબ આપવાની ઉતાવળ નથી..."

"પપ્પા, મારે વિચાર કરવો નથી. મારો જે જવાબ આજે છે એ કાલે અને પરમદિવસે પણ બદલાવાનો નથી...."

પોતાનો જવાબ સાંભળી માતા-પિતા નિરાશ થયા હતા એનો સંગીતાને ખ્યાલ હતો.

એ રાત્રે તેણે વિચાર કર્યો કે પોતે ક્યાં ખોટું વિચારે છે? હું આટલી સુંદર છું તો મારી જોડે શોભે એવો છોકરો તો હોવો જ જોઇએને. આ અમીરોના માગા આવે છે એ મારી સુંદરતાને કારણે જ આવે છે. એ પછી સંગીતાએ બે-ત્રણ છોકરા જોયા હતા. સુંદર છોકરાના માગા આવ્યા ત્યારે સંગીતાને તેમનો સ્વભાવ પસંદ આવ્યો ન હતો. એ બધા વધારે પડતા આધુનિક વિચારના લાગ્યા હતા. તે સીધા, સરળ અને સુંદર યુવાન સાથે લગ્ન કરવા માગતી હતી. તેના માટે ભગવાને જરૂર એવો યુવાન રાખ્યો હશે. એ જરૂર મળશે એવું વિચારતી સંગીતા હિતેનને લગભગ ભૂલી ગઇ હતી. ત્યાં આજે તેની સામે હિતેન જ હતો. હિતેનને આજે તેની કંપનીના માલિકના રૂપમાં જોઇને નવાઇ પામી હતી. સંગીતાનો અવાજ સાંભળી હિતેને ઊભા થઇ તેને હસીને આવકાર આપ્યો:"અરે! સંગીતા, આવ આવ..."

"જી સર, તમે..." સંગીતાનું આશ્ચર્ય હજુ શમ્યું ન હતું. હિતેન તેને નામથી ઓળખતો હતો.

"બેસ..." હિતેને હાથથી ઇશારો કરી ખુરશી પર બેસવાનો વિવેક કર્યો.

સંગીતાએ તેની સાથે નજર ના મિલાવવી હોય એમ આખા કમરામાં એક નજર નાખી. હિતેનની ખુરશીની પાછળ વયોવૃધ્ધ દંપતીની તસવીર પર સુખડનો હાર હતો. કદાચ તેના દાદા-દાદી હશે. તેના ટેબલની બાજુમાં ભગવાનની મૂર્તિ હતી અને ત્યાં એક જાડી સુખડની અગરબત્તી સળગતી હતી. ટેબલ પર અંગ્રેજી-ગુજરાતીના સામયિકો અને અખબારો હતો. ચાર-પાંચ ફાઇલ પડી હતી.

"આભાર! હું તો ફક્ત મળવા આવી હતી. આ ઓફિસમાં કામ કરતી એક કર્મચારી તરીકે..." સંગીતાએ પોતાની મુલાકાતનો હેતુ જણાવ્યો.

"ઓહ! તો તમે અહીં નોકરીએ લાગ્યા છો? સરસ! મને ખબર જ નથી. હું ગઇકાલે જ વિદેશયાત્રાએથી આવ્યો."

"ઓહ! મને પણ ખબર ન હતી કે કંપની તમારી છે.." પછી સ્વગત બોલી:"એવું ખબર હોત તો આ કંપનીમાં જોડાઇ જ ન હોત."

"ચાલો સારું થયું. તારા જેવી કાબેલ છોકરીનો અમારી કંપનીને લાભ મળશે."

"આભાર! હું હવે જાઉં..." કહી સંગીતાએ રજા માગી. તેને હિતેન સાથે વાત કરવામાં હ્રદય પર કોઇ ભાર વર્તાતો હતો.

"અરે બેસ ને. ચા-કોફી પીએ..." હિતેને તેને ફરી બેસવા કહ્યું.

"ના સર. હું જઉં..." કહી જવાબની રાહ જોયા વગર સંગીતા ચેમ્બરની બહાર નીકળી ગઇ.

પોતાની જગ્યાએ જઇ બેસીને સંગીતા વિચારવા લાગી. પોતે આ રીતે આવી ગઇ એ યોગ્ય કર્યું હતું? હવે તે આ કંપનીની કર્મચારી હતી. માલિક બોલાવે તો જવું જ પડેને? આ રીતે તેણે ફરી હિતેનનું અપમાન તો કર્યું નથી ને? હિતેન આમ તો ભલો માણસ લાગે છે. જો મેં હા પાડી હોત તો આ કંપનીની કર્મચારીને બદલે માલિક હોત. વિદેશ ફરી આવી હોત અને અત્યારે હિતેનની બાજુમાં બેઠી હોત. શહેરમાં મોટું નામ થઇ ગયું હોત. ત્યાં તેનું મન બોલી ઊઠયું...પણ એમ કર્યું હોત તો તારા દિલનો દ્રોહ જ કહેવાત ને? તારા અરમાનને ટૂંપો આપવા જેવું થયું હોત ને? તારે કોઇ સુંદર અને સોહામણા યુવાનની પત્ની બનવું છે. ફિલ્મોમાં કામ કરતા હીરો-હીરોઇનની જેમ રોમાન્સ કરવો છે. ભલે વિદેશ ના જઇ શકું. અહીં કોઇ નાના હિલસ્ટેશન પર જઇને સમય વીતાવીશ તો પણ આનંદ જ આવશે. પૈસો હોય પણ દિલને ખુશી ના મળે તો એનો અર્થ શો?

સંગીતા ઘરે આવી ત્યારે પણ હિતેનના જ વિચારમાં હતી.

રજનીભાઇ આવ્યા એટલે તેણે તરત જ પૂછ્યું:"પપ્પા, હું જ્યાં નોકરીએ લાગી એના માલિક કોણ છે?"

રજનીભાઇ વિચારમાં પડી ગયા."કેમ આજે એ વાત પૂછે છે? અને તને તો હવે એની ખબર હોવી જ જોઇએ.."

રજનીભાઇએ જવાબ આપવાને બદલે તેને સામો સવાલ પૂછ્યો એટલે નવાઇથી બોલી:"પપ્પા, તમે જ ઓળખાણ લાવ્યા હતા એટલે તમને તો બધી ખબર હોય જ ને?"

"બેટા, મારા એક મિત્રના ઓળખીતાએ આ નોકરી માટે વાત કરી હતી. મને બહુ માહિતી ન હતી. એ મિત્ર પર મને પૂરો વિશ્વાસ છે એટલે મેં તને કહ્યું હતું."

"તો હવે જાણી લો કે મારી કંપનીના માલિક હિતેન ગીરધરલાલ પંડ્યા છે..."

"હિતેન...પંડ્યા... ક્યાંક ગયા મહિને તને જોવા આવેલો એ માલેતુજાર છોકરો તો નહીં?"

"હા, એ જ મારો સાહેબ છે.."

"ઓહ! તે આજે તને ખબર પડી?"

"હા! એ વિદેશ ગયો હતો અને આજે જ આવ્યો..."

"શું વાત થઇ?"

"કંઇ ખાસ નહીં. પણ પપ્પા, મારે આ નોકરી કરવી નથી. હું ત્યાં અસહજ મહેસૂસ કરી રહી છું. મને ખબર હોત કે હિતેનની કંપની છે તો મેં ના પાડી હોત..."

"સંગીતા, આ કોઇ કારણ નથી. માની લે કે તને ખબર જ પડી નથી. હિતેન એ કંપનીમાં આવતો જ ન હોત અને તેના પરિવારનો બીજો કોઇ સભ્ય કંપની ચલાવતો હોત તો આ પ્રશ્ન ઊભો થયો હોત?"

સંગીતાને થયું કે પપ્પાના સવાલ અઘરા હોય છે. "પપ્પા, જે છોકરાને મેં ના પાડી એની સાથે કેવી રીતે કામ થઇ શકે. હું રોજ એનો કેવી રીતે સામનો કરી શકીશ? તે આ વાતનો બદલો પણ લઇ શકે ને?"

"તેણે જાણી જોઇને તને નોકરીએ લીધી છે?"

"ના, એ તો વિદેશ હતો. એને તો ખબર પણ નથી."

"તો પછી તું આવું ખરાબ એના વિશે કેવી રીતે વિચારી શકે. તેં તો કેટલાય છોકરાઓને ના પાડી છે. એ બધા તારા વિરુધ્ધ વિચારતા હશે? બેટા, તું બે-ચાર મહિના કામ કરી જો. તને ઠીક ના લાગે તો આ નોકરી છોડી દેજે..."

સંગીતાને પપ્પાની વાત યોગ્ય લાગી.

બીજા દિવસે સવારે તે નોકરી પર જતી હતી ત્યારે તેના મોબાઇલની રીંગ વાગી. તેણે જોયું તો આકાશનો ફોન હતો. તેની અગાઉની કંપનીમાં કામ કરતા કલીગનો.

"હા આકાશ...કેમ છે?" "બસ મજામાં છું! તું કેમ છે? ક્યાં છે?"

"હું નોકરીએ જવા નીકળી છું...કંઇ કામ હતું."

"હા, મારે તને મળવું છે..."

"હં, કંઇ ખાસ કારણ? અરજન્ટ છે?"

"હા, આજે સાંજે મળીશ તો ગમશે."

"ઠીક છે. સાંજે સાડા છ વાગે..."

"આપણે એક વખત ગયા હતા એ કોફી શોપમાં મળીએ..."

"ઠીક છે..." કહી સંગીતાએ કોલ કટ કર્યો.

સંગીતાને નવાઇ લાગી રહી હતી. આકાશ કેમ મળવા માગતો હશે? તે નોકરી કરતી હતી ત્યારે તેની સાથે બહુ વાતચીત થતી ન હતી. આકાશ તેને ઘણા કામમાં મદદ કરતો હતો. તેણે નોકરી છોડી તેના એક મહિના પહેલાં જ નોકરીમાં જોડાયો હતો. તેની સાથે દોસ્તી જેવું ન હતું. એવું તે કયું કામ હશે? તે કંઇક વાત કરવા માગતો હશે? કંપનીના મેનેજરનો કોઇ સંદેશ હશે?

વિચારોમાં અટવાતી સંગીતાને ખ્યાલ જ ના રહ્યો કે સાંજ પડી ગઇ. ઓફિસ ખાલી થઇ રહી હતી. બે દિવસથી હિતેને તેને બોલાવી ન હતી. એ વાતની પણ સંગીતાને નવાઇ લાગી રહી હતી. શું ખરેખર હિતેનને મારી નિમણૂકની ખબર નહીં હોય? તેણે ઓફિસમાં નજર નાખી. બધાં ઘરે જવાની તૈયારીમાં હતા. તેને હિતેન દેખાયો નહીં. તે કંપનીની બહાર નીકળી. રીક્ષા મળી ગઇ એટલે સીધી કોફી શોપ પર લેવડાવી.

સંગીતા કોફી શોપ પર પહોંચીને રીક્ષાવાળાને પૈસા આપી રહી હતી ત્યારે તેની નજર આકાશને શોધતી હતી. પૈસા આપ્યા પછી તે શોપમાં પ્રવેશી ત્યારે છેલ્લા ટેબલ પર આકાશ તેની રાહ જોઇને બેઠો હતો. શોપમાં અત્યારે ખાસ ભીડ ન હતી. તે આકાશ પાસે પહોંચી ત્યારે તેણે આવકાર આપ્યો. સંગીતા તેની સામે ખુરશી પર બેઠી એટલે આકાશે તરત જ ખિસ્સામાંથી એક કવર કાઢીને આપ્યું. સંગીતા એ કવર હાથમાં લેતાં ચોંકી ગઇ. અને આશ્ચર્યથી પૂછ્યું:"આમાં શું છે આકાશ?"

આકાશને સંગીતાના સવાલથી ખચકાટ થયો હોય એમ ધીમેથી બોલ્યો:"લેટર...!"

સંગીતાના ચહેરા પર ગુસ્સાના ભાવ આવી ગયા. આકાશને એક થપ્પડ મારવાનું મન થઇ ગયું. એક સીધીસાદી છોકરીને આમ હોટલમાં બોલાવીને લવલેટર આપતાં શરમ પણ ના આવી? મેં તો ક્યારેય તેની સાથે પ્રેમ હોવાનો ઇશારો પણ કર્યો નથી. અને એવી વાત પણ કરી નથી. બહુ ઓછો સમય તેની સાથે નોકરી કરી છે. તે મદદ કરતો હતો એનો અર્થ એવો તો નથી કે તેની સાથે ફ્લર્ટ કરું. શું તે મને મનોમન ચાહે છે? આકાશ આ રીતે લવલેટર કેવી રીતે આપી શકે? તેણે આટલી હિંમત કેવી રીતે કરી? સંગીતાને આકાશની આ હરકત ગમી નહીં. તે ઊભી થઇ ગઇ.

વધુ હવે પછી....