અધુરા અરમાનો-૩૩
વિધાતા કેવા ક્રૂર ખેલ ખેલે છે! અરે, વિધાતા કરતાં આજના આ માનવીઓ વધારે ક્રૂર બની ગયા છે શાયદ!
સુહાગરાતે અસ્તિત્વ માટે વલખા મારવાનો વખત આવ્યો! સાથે હોવા છતાંય સાથે રહી નથી શકાતું. એકમેકની સંગાથે મધુર જિંદગી જીવવી છે પણ લોકો- સમાજ જીવવા નથી દેતા. ક્યાંરે અટકશે આ બધા? ન જાણે સમાજ પોતાના અસ્તિત્વ માટે થઈને કેટલા આશિકોની ભોગ લેશે?
મધરાત વીતી ચૂકી હતી. એક થયેલ બે જેવો આવી ગોઝારી મધરાતમાં કિસ્મતનું કફન ઓઢીને સમાજને રોતા હતા. સેજલે બહુ જ સમજાવ્યું પરંતું સૂરજ એકનો બે થતો નહોતો. એ સુરજ માટે તરસતી હતી તો સૂરજ એના માવતર માટે ટળવળી રહ્યો હતો જાણે.
બે જવાબ દિલ, એક ધડકન. જન્મોના પ્યાસા બે પ્રેમીઓ, પતિ-પત્ની લગ્નની પહેલી રાત; સુહાગરાત, અને આવું કાળુ નસીબ! હાય રે વેરી વિધાતા! આ તે તારી કેવી કરુણા! આવુ બદનસીબ તો કોઈ અભાગિયાને જ મળે. કિન્તું આ તો હાથે કરીને આવા બદનસીબ બન્યા છે. નહીં તો જિંદગીનો પ્રથમ પરમાનંદ માણતાં કોણ રોકી શકે? કિન્તુ સૂરજ મહાસંયમી હતો. એ જાણતો હતો કે સેજલને પોતે પત્ની બનાવી શકવાનો નથી. તો પછી એની કોમાર્ય કળીને કેમ કરીને અભડાવી દેવી! ક્ષણિક સુખ માટે થઈને શું કામ એની આખી જિંદગીને કલંકિત કરી નાખવી? નાની-શી આંખોમાં જાણે હિંદ મહાસાગર ભરી રાખ્યો હોય એમ આંખો વહી રહી હતી. એક રૂમ હતી, એક પલંગ હતો ને રાતનો સુનકાર હતો. છતાંય આ બંને શરીર પલંગના સામસામેના છેડે બેસી આંખોને વરસાવી રહ્યા હતા. આ બંને દુ:ખીયારાઓ ક્યારે સ્નેહથી એક થાય અને વળગી વળગી પડશે એ જોવા કાળરાત્રી રૂમના દરવાજા પાછળ સંતાઈને ઊભી રહી. કિન્તુ એ બિચારીની ઈચ્છા ફળી નહિ ને ક્યારે પ્રભાત ખીલી ગઈ એની એને ખબર ના રહી.
પ્રભાતને જોતાં જ નિશા પલાયન થઈ ગઈ.
સવાર થઈ. નવો દિવસ ઉઘડ્યો. ગઈકાલના ને પરમદિવસના જુના વિચારોનું પોટલું ઉપાડીને તેઓ હોટલમાંથી હેમખેમ બહાર નીકળ્યા. જે લોકોએ એમને અહીં હોટેલમાં- ગેસ્ટ હાઉસમાં આવતા જતાં જોયા છે કે જેમણે એમના લગ્ન વિશે સાંભળ્યું હશે એ લોકોએ તો કંઈ કેટલીયે કલ્પના કરી નાખી હશે કિન્તુ એમની તો ભોળી જવાની હતી, નિર્દોષ પ્રેમ હતો અને નિર્દોષ પ્રેમલગ્ન. અને વળી નિર્દોષ સુહાગરાત પણ! એવું કોણ માનશે! ભાઈ, આ તો કળજુગ! માનવતા વિનાની લાગણી! જ્યારે હળાહળ સતયુગ હતો ત્યારેય ધોબીએ એક રાત માટે પડોશીના ઘરમાં આશરો લીધેલી એની પત્નીને કહ્યું હતું કે હું કઈ રાજારામ જેવો નથી તે આમ પારકાના ઘરમાં રાતવાસો કરી લીધેલી સ્ત્રીને સ્વીકારું?
જે લોકો રસ્તામાં જતા બે નિર્દોષ યુવાનોને એટલે કે યુવક અને યુવતીને ફક્ત વાતો કરતાં જુએ તો પણ કંઈ કેટલીય શંકાઓ કરી બેસે તે જ માણસો સૂરજ અને સેજલની આ નિર્દોષતાને કેમ કરીને સ્વિકારી શકે? જ્યારે તેઓ હોસ્ટેલમાંથી નીકળીને બહાર જઈ રહ્યા હતા ત્યારે ત્યાં પાસે ઉભેલા લોકો એમને શંકાની તીરછી નજરે તાકી રહ્યા હતા.
અત્યારના જમાનાનો માનવી ચાંદ પર અને મંગળ પર જઈને જીવન ટકાવવાની પેરવીમાં પડ્યો છે કિંતુ માનવીના દિલમાં જવાનુ, પહોંચવાનું જાણે ભૂલી ગયો છે. અત્યારનો માનવી પગમાં કીડી ચગદાઈ જાય તો 'અરરર બિચારી કીડી મરી ગઈ!' એવું વિચારીને નિ:શાસા કાઢે છે કિન્તુ એ જ પગ તળે જો માનવી ચગદાઈ જાય તો ઊભો ઊભો તમાશો જોયા કરે.
છેક સૃષ્ટિના ઉદય કાળથી લઈને આજ લગી સૂર્ય એવો ને એવો જ પ્રકાશે છે. ચાંદલો એવો ને એવો જ ચમકે છે. તારલાઓ એ જ મસ્તીમાં જબક્યા કરે છે. ફૂલો પતંગિયા, વેલ-વેલીઓ, વૃક્ષલતાઓ એ જ મસ્તીમાં રમમાણ છે. કિન્તુ આ માણસ બદલાઈ ગયો છે. આ માણસ પરિવર્તનને નામે પરમાત્માને પ્રિય એવી માણસાઈને ખોઈ બેઠો છે માણસ. તમે બાજ પક્ષીને બીજા બાજ પક્ષીને હણી નાખતા જોયું? સિંહને બીજા સિંહનો શિકાર કરતાં ક્યાંય જોયો? ના, તો પછી માણસ જ માણસનો શિકાર કેમ કરે છે? એનો અંત આવી રહ્યો છે કે શું?
"આ સૃષ્ટિ તો એ જ છે ઉદય કાળથી;
કિન્તુ યુગેયુગે જમાનો બદલાઈ જાય છે!"
આજે અન્યની પ્રગતિ કે વિકાસ આપણને ખટકે છે. પરંતુ કોઈની અધોગતિ- નિષ્ફળતામાં એ ખુશ ખુશાલ થઈ જાય છે, કોઈ સારું કાર્ય કરે ત્યારે ભાગ્યે જ લોકો એની નોંધ લેતા હોય છે કિંતુ જો કોઈ વ્યક્તિ કહેવાતું ખરાબ કાર્ય કરી બેસે ત્યારે આખી દુનિયા મુઠ્ઠી વાળીને એની પાછળ પડી જાય છે. આવું કેમ બને છે એ જ સમજાતું નથી?
સૂર્યને મધ્યાહ્ને ચડવાની તો હજુ ઘણી વાર હતી, કિન્તુ એટલી વાર તો સૂરજના ગામથી આજુબાજુના ગામોમાં એના પ્રેમલગ્નની વાત ખુશ્બુની જેમ પ્રસરી ગઈ! ઝાંઝાવાડાના ચોરે ને ચૌટે, શેરીએ-શેરીએ ફક્ત સૂરજના પ્રેમલગ્નની જ વાતો! લોકોને નવો વિષય મળ્યો હતો. લોકોને નવો વિષય મળ્યો હતો પછી ભણવામાં અને ભાખવામાં શા માટે બાકી રાખે!
કિશનને જય દ્વારા મળેલી બાતમીના આધારે એ નર્મશંકર અને બીજા પાંચ જણને લઈને નવ વાગ્યે ઉપડી ગયા કિશોરીલાલને મનાવવા માટે જ. એમને એમ હતું કે મોટા માથાનો કિશોરીલાલ સૂરજ વિરુદ્ધ ગુનો નોંધાવે તો લેવાની દેવા થઈ જાય. એટલે જેમ બને તેમ વહેલા એમની કને પહોંચવા તેઓ પવનને ઝપાટે ચાલવા લાગ્યા. આ લોકો પાલનવાડા પહોંચે એટલીવારમાં તો એમના સમાજના મુખ્ય માણસોએ ભેગા મળીને ગામડે-ગામડે વાવડ પહોંચાડયા કે સૂરજના પરિવાર સાથે કોઈએ કોઈપણ જાતનો વ્યવહાર રાખવો નહીં. જે સંબંધ રાખશે એને એક વર્ષ સુધી નાતબહાર મુકવામાં આવશે. બિચારો સુરજ, પ્રેમ કરીને પ્રેમલગ્નની આગમાં હોમાયો પ્રેમલગ્ન કરીને સહપરિવાર સમાજની શિક્ષા રૂપી કાળકોટડીમાં પુરાયો. આ પ્રેમ એને શુ ભાવ પડ્યો?
આવો માનવ અને માનવ સમાજ શું કામનો જે બીજાના દુઃખ દર્દથી ભરેલા જખ્મો પર મલમ લગાડવાને બદલે નમક ચોપડતો રહે? હા, માનવને માનવીય સમાજમાં બાંધી રાખવા માટે શિક્ષા હોવી ઘટે કિન્તું શિક્ષાના નામે શૂળી ન હોય!
હોટલમાંથી નીકળ્યા બાદ સૂરજની મારુતિ બાલારામ આવીને ઊભી રહી. જય અને ભાવેશ એમની સાથે જ હતા. ભગવાનની મૂર્તિના દર્શન કર્યા વિના જ સૂરજ નદીના તટ પર જઈને બેઠો. સેજલ, જય અને ભાવેશ પણ તેની લગોલગ થઈને બેઠા. ખળખળ વહેતી નદીના ભમરી લેતા ધરા તરફ મીટ માંડીને બેઠેલા સૂરજને એમાં કૂદી પડવાનું મન થયું. કિન્તુ કંઈક મનમાં આવ્યું. તે ઊભો થયો. આજુબાજુ ફર્યો. પાછો બેસી ગયો. ધીરે રહીને સેજલને કહેવા માંડ્યું:" સેજલ, આપણી પાસે સાથે જીવવા-મરવાના અમર અરમાનો છે ને! સાથે જીવી તો નહીં શકીએ પણ સાથે મરતા કોઇ રોકી નહીં શકે. તો ચાલ, આ સામે દેખાય એ ભમરી ખાતા ધરામાં ડૂબી મરીએ."
"સુરજ, અત્યારથી ડરી જઈને જિંદગીને ગુમાવવી સારી નથી. સાથે જીવવું જીવશું. નહીં જીવી શકીએ તો સાથે અવશ્ય મરીશું. કિંતુ સમયને આવવા દે."
"સેજલ એક મહિનાથી તું સમય સમય થઈ રહી છે હવે તને કંઈ ભાન છે? શું થઈ રહ્યું છે આ બધું? કે પછી તુંયે જાણીજોઈને મને આ આગમાં શેકી રહી છે?" એ ગુસ્સાથી લાલપીળો થઈ ગયો. આટલા વર્ષના સહવાસમાં-સંવાદમાં સૂરજે પહેલીવાર ગુસ્સાથી એને કહ્યું.
"જરા શાંત થાવ મારા સુરજ. ગુસ્સાને કાબૂમાં કરો. ગુસ્સાની આગમાં શાંતિનું ઠંડું પાડી પાણી રેડો. મનને ઠંડું પડવા દો."
"સૂરજે કટાર કાઢી. એક નહિ બે. એક સેજલને આપી બીજી પોતાની પાસે રાખી કહ્યું:" સેજલ! આ કટાર તું મારી છાતીમાં મૂકી દે. નહીતર હું તારી છાતીમાં ઘુસાડી દઈશ! અને એણે કટારનો ઘા સેજલની છાતીમાં કર્યો. એ સાથે જ સેજલે પોતાની પાસેની કટારને પાણીમાં ફેંકી દીધી
જય અને ભાવેશને કંઈ બોલવા, કહેવા કે કરવાની સખ્ત મનાઇ હતી. એ માત્ર મૂંગા બનીને તમાશો જોતા જ રહ્યાં.
સેજલ ભોંય પર ઢળી પડી, જાણે એના રામ રમી ગયા હોય એમ!!!!
-ક્રમશ: