Savaj books and stories free download online pdf in Gujarati

સાવજ

સૌરાષ્ટ્રના દલખાણિયા રેન્જમાં સિંહના અપમૃત્યુના ઘેરાતા રહસ્યની વાર્તા એટલે 'સાવજ'. આ વાર્તાના દરેક પાત્રો કોઇ ને કોઇ દોષથી ભરેલા જોવા મળે છે, સિવાય કે મુખ્ય પાત્ર અને તે મુખ્ય પાત્ર છે સાવજ. ચાલો માણીએ એક નવી જ વાર્તા 'સાવજ'.

સાવજ

ગુજરાતમાં ગીર પંથક સિવાય અમરેલી અને ધારી વિસ્તારમાં સિંહ જોવા મળે. સાસણ ગીરના અભ્યારણ્યમાં રહેલા સિંહ પાલતૂ બિલાડા જેવા બની રહ્યા, જ્યારે સાચા વનરાજનો ખ્યાલ તો બહાર વનમાં ખુલ્લા ફરતા સાવજથી જ આવે..! સાંજ ઢળતા જ ચોતરફથી સિંહની ગર્જનાઓ અમરેલી અને ધારી પંથકના ઘણા ગામડાઓમાં પડઘા પાડી રહી. દિવસભરના અજવાળે રૂપાળી લાગતી વનની વનરાઇ સાંજ થતાં જ ભયાવહ લાગવા લાગે. સિંહની ગર્જનાઓ સાંભળતા જ આસપાસના ગામના ઢોર ઢાંખરનો શ્વાસ અધ્ધર થઈ જતો અને ભલભલા મૂંછે લીંબુ લટકાવનારા પણ કાંપી ઉઠતાં. કેટલીયેવાર રાત્રે જંગલમાંથી સિંહ ગામડામાં આવી જાય ત્યારે ચૂપચાપ પોતાના વહાલસોયા ઢોરને વાડામાંથી ખેંચી જઈ મારણ કરી જતા સાવજને જોઇ રહ્યા સિવાય બીજો કોઇ જ વિકલ્પ ના રહેતો..! આટલી તકલીફો વચ્ચે પણ સૌને પોતાના વિસ્તારના સાવજ પર ગર્વ રહેતું.

વાત આ પંથકના દલખાણિયા રેન્જની છે. આ રેન્જમાં માલધારીઓ વસવાટ કરતાં. આ વિસ્તારમાં છૂટાછવાયા કેટલાક નેસ આવેલા. તેમાંના આઇ માના નેસમાં પચ્ચીસેક વરસનો જુવાન કાનજી ભરવાડ રહેતો. આખા પંથકમાં કાનજી જેટલો બહાદુર અને દેખાવડો અન્ય કોઇ યુવાન ના હતો. પરોઢ થતાં જ સૌ પુરુષો ઢોર ઢાંખર લઈ ચરાવવા નીકળી પડતા, અને બાયુમાણસ ઘરે વાસીદુ પાણી કરી ઘમ્મર વલોણે છાસ વલોવવા બેસતા..! કાનજી તરફ તો નેસની ઘણી બાયુ ધ્યાન આપતી, પણ કાનજીનો જીવ તો આ નેસના સરપંચ બેચર બાપાની અઢાર વરસની ત્રીજી વહુ લાભુડીમાં અટવાયો હતો..!

દિવસ દરમિયાન તો કાનજી ઢોર ચરાવવા જતો, પણ તેનું મન આમાં જરાય ના માનતું. તેનું ખરું કામ તો રાતે જ જામતું. કાનજી રાતે સિંહ જોવા આવતા પ્રવાસીઓને ખૂબ નજીકથી સિંહ બતાવતો. આ વિસ્તારના ઘણા જુવાનિયાઓ આ જ કામ કરતાં, પણ તે બધામાં કાનજી ખૂબ પ્રસિધ્ધ બની ગયો હતો. આનું મૂળ કારણ કાનજીની બહાદુરી, કાનજી સાવજને મારણની લાલચે પોતાનાથી માત્ર ચાર પાંચ હાથોડા દૂર સુધી લલચાવી ખેંચી લાવતો..! શહેરી પ્રવાસીઓએ આટલા નજીકથી ક્યારેય સાવજ ભાળ્યા ના હતી, તેથી જ તો કાનજી આ બે કલાકના સિંહદર્શનના દસેક હજાર કમાઇ લેતો..!

કાનજી પણ જાણતો કે આ કામ ગેરકાયદેસર અને તેમાં વળી જીવનું પૂરેપૂરું જોખમ હતું, પણ આટલી કમાણીની લાલચે કાનજી કાંઇ પણ જોખમ લેવા તૈયાર હતો. કાનજી સિવાય પણ બીજા ઘણા જુવાન આમ કમાણી કરતાં, પણ તેમનામાં કાનજી જેવી સૂઝ બૂઝ ના હતી. કાનજી તો પોતાની કમાણીમાંથી નિયમિત ‘હપ્તો’ કેટલાક વન અધિકારીઓને ભરી આવતો, તેથી તેને કાયદાની બીક ઘણી ઓછી લાગતી. વળી, અંગૂઠાછાપ કાનજી દેશ વિદેશના પ્રવાસીઓ સાથેના સંપર્કથી તૂટ્યું ફૂટ્યું અંગ્રેજી પણ બોલી લેતો. તેથી કેટલાક વિદેશી પ્રવાસીઓ માટે તો કાનજી ફેવરીટ ટુરીસ્ટ ગાઇડ બની રહેતો..!

સવારે ચા પાણી પતાવી કાનજી લાલ ડાઘવાળી હથેળીમાં તમાકુ ઘસી હોઠની બેવડ વચ્ચે ગોઠવી બેઠો, ત્યાં જ તેને સંદેશો મળ્યો કે કોઇ વિદેશી પ્રવાસી તેને શોધે છે. કાનજી ઉઘાડા ડિલ પર ઉપરણું ઓઢી તરત ઊભો થઈ પેલા વિદેશી પ્રવાસીઓને મળવા પહોંચ્યો. તેને મળવા ત્રણ ચાર વિદેશી પુરુષો ઊભા હતા. તેમની સઆથે બે વિદેશી યુવતીઓ પણ હતી.

“હેલ્લો મી. કાનજી. વી’વ હર્ડ ધેટ યુ કન મેનેજ લાયન શો..!” એક વિદેશીએ કાનજી આગળ હાથ લંબાવતા કહ્યું.

“યસ માઇબાપ. આઇ શો લાયન.” કાનજીએ નીચા નમી વિદેશીએ લંબાવેલ હાથ બે હાથમાં લઈ હાથ મેળવતા જવાબ આપ્યો.

“એક્ચ્યુઅલી વી ડોન્ટ વોન્ટ ટુ સી લાયન્સ ઇન ધ સેન્ક્ચ્યુરી. વી વૉન્ટ ટુ સી ધ રીયલ લાયન્સ. વી વૉન્ટ ટુ સી ધેમ ઇન ધેર રીયલ લાઇફ..!” સાથે આવેલ ઉજળી વિદેશી સ્ત્રી ઉપરાણાથી દેખાતી કાનજીની ભરાવદાર છાતી તરફ જોઇ બોલી.

“યસ મેડમ....રીયલ લાયન. સેન્ક્ચ્યુરી લાયન લાઇક બકરી....આઇ સો ઓરીજીનલ લાયન...ખૂબ ડેન્જર લાયન...ઓન્લી ફાઇવ ફીટ દૂર...!” કાનજીએ પોતાની આગવી છટાથી વિદેશી મહિલાને સાંગોપાંગ નીહાળી સમજાવ્યું..!

કાનજી પેલા વિદેશી પ્રવાસીઓને રાત્રે મળવા જણાવી રાતની તૈયારીઓ કરવા લાગી પડ્યો. રાત માટે કાનજી પાંચેક મરઘી લાવી ટોપલામાં મૂકી રાખી. આ સાથે પ્રવાસીઓના રાતવાસ માટે દલખાણિયા જંગલ આગળની પોતે ઘટાદાર લીમડા પર બનાવેલી ઝૂંપડીની બરાબર સફાઇ કરી વિદેશીઓએ જણાવ્યા મુજબ તેમના ‘ખાવા - પીવા’ની વ્યવસ્થા પણ કરી રાખી..!

સાંજ થતાં જ ઠંડી ઘેરાવા લાગી. કાનજી પેલા વિદેશી મહેમાનની રાહ જોઇ બેઠો હતો. થોડીવારમાં જ પેલા વિદેશીઓ પોતાની ગાડીમાં આવી ગયા. બધાં સ્ત્રી - પુરુષ જીન્સ ટી શર્ટમાં સજ્જ હતા. બેના ગળે કેમેરો લટકાવેલો હતો..! કાનજીએ બધાને આવકાર્યા.

“એવરીથીંગ રેડી..? વી ડૉન્ટ વોન્ટ એની લીગલ પ્રોબ્લેમ્સ, યુ નો..!” એક વિદેશીએ કાનજીને કહ્યું.

“નો ટેન્સન, ઓલ રેડી. એન્ડ અધિકારીઝ ઇન માય ખીસ્સામાં...પોકેટ..!” કાનજીએ પોતાના ખીસ્સા તરફ ઇશારો કરી હસતાં હસતાં જવાબ આપ્યો.

“વી’વ ફિનિશ્ડ ડીનર. બટ વૉટ અબાઉટ ડ્રીંક..?” બીજા વિદેશી પુરુષે પૂછ્યું.

“માયબાપ... ડીનર એન્ડ ડ્રીંક...યોર બ્રાંડ રેડી...ગીવ મની, તો એવરીથીંગ ઉપલબ્ધ...અવેઇલેબલ..!” કાનજીએ ખંધા હાસ્ય સાથે જવાબ આપ્યો.

“એવરિથીંગ અવેઇલેબલ..!” કાનજીને વારંવાર તાકી રહેતી વિદેશી યુવતીએ પૂછ્યું.

“યસ મેડમ, એવરિથીંગ..!” તેની તરફ લોલુપ નજરે જોતા કાનજીએ જવાબ આપ્યો.

કાનજી તેમને જંગલમાં લઈ ગયો. પેલા વિદેશીઓ વાતો કરતાં કાનજીની પાછળ પાછળ કેડીએ ચાલતા આગળ વધ્યા. કાનજી તેમને પેલા લીમડાના ઝાડ પર બનાવેલી તેની ઝૂંપડી પાસે લઈ ગયો. દોરડાની નીસરણીથી ઉપર ચડી ઉપરથી એક મોટો સૂંડલો લઈ નીચે આવ્યો.તેમાં મરઘીનો અવાજ આવતો હતો. કાનજીએ પેલા વિદેશીઓને શાંત રહેવા જણાવ્યું. એક મરઘીના પગે દોરી બાંધી નજીકના ઝાડની ડાળે લટકાવી. રાત્રી વધુ ઘેરાતી જતી હતી. કાનજીએ સળગાવેલ તાપણાના પ્રકાશમાં પેલા વિદેશીઓની આતુરતાભરી નજર સાફ દેખાતી હતી. જંગલ રાત્રીને ક્યારેય શાંત સૂવા નથી દેતું. દૂર દૂરથી આવતી સિંહની ગર્જનાના અવાજના પડઘામાં વૃક્ષ પરના માળામાં સૂતેલા પક્ષીઓ ભરનીંદરમાં પણ કાંપી ઉઠતાં, ઝાડની ડાળે બાંધેલ બૂમો પાડતી મરઘી પણ સાવ શાંત થઈ ગઈ..! સિંહની ત્રાડ સાંભળતા પેલી વિદેશી યુવતીઓ સાથેના પુરુષના હાથ મજબૂત પકડી લપાઇ રહી..! કાનજીનું ધ્યાન તે તરફ ગયું, ત્યાં પાછળ દૂરથી આવતા શિયાળના રડવાનો અવાજ કાનજીની કપટભરી નજરમાં રેલાઈ આવ્યું..!

ઘણો સમય આમ જ શાંત વીત્યો. ત્યાં સામેની ઝાડીમાં સળવળાટ થયો. કાનજી સજ્જ બન્યો. સામેથી આશરે સાડા આઠ ફૂટનો કદાવર સિંહ ઘૂરકીયા કરતો બાહાર આવ્યો. ઘટદાર કેશવાળીવાળા ચહેરાને આમ તેમ હલાવતો તે વનરાજ આગળ આવ્યો. તેની આંખોના તેજ આગળ પાછળ બળતી તાપણીનો પ્રકાશ પણ ફીક્કો લાગ્યો. પૂછડીને જરા વળ દઈ સામે તેને જોઇ રહેલા આ બધા તરફ સાવ તુચ્છ નજર કરી પાસેના ઝાડે લટકાવેલ મરઘી તરફ જોયું. બીકથી જ અધમૂઇ બનેલી મરઘી માંડ માંડ ચીત્કાર પાડવા જાય ત્યાં સિંહના એક જ કોળીયે તે હતી ના હતી થઈ ગઈ..! સમય સૂચકતા વાપરી કાનજીએ પાસેના સૂંડલામાંથી બીજી મરઘી કાઢી તેને સિંહ તરફ લંબાવી. સિંહની વિકરાળતા જોઇ કાનજીએ દૂરથી જ મરઘી તેની તરફ ફેંકી. ફેંકાયેલી મરઘી જમીનને સ્પર્શે તે પહેલા જ પેલા સાવજનો કોળીયો બની ગઈ..!

પેલા વિદેશીઓ ધ્રુજતા હાથે અવાજ થાય નહીં તેમ આટલી નજીકથી સિંહના ફોટા અને વીડીયો શૂટ કરી રહ્યા હતા. આશરે અઢીસો કિલો વજનવાળા આ સાવજ માટે આ બે ત્રણ કિલોની મરઘી કાંઇ જ ના હતી..! તે વિકરાળ નજરે બેઠેલા કાનજી તરફ આગળ વધવા કરે છે. સિંહની નાડપારખું કાનજી ઇશારો કરી પેલા વિદેશી પ્રવાસીઓને ઝડપભેર લીમડા પર બાંધેલ ઝૂંપડીમાં જવા સૂચન કરે છે. તેમની પાછળ કાનજી પણ ચારેક મરઘી ભરેલો સૂંડલો ખોલી સિંહ તરફ ધકેલી હાથમાં સળગતું મોટું લાકડુ લઈ ઝડપભેર દોરડાની નીસરણીથી ઝાડ ઉપરની ઝૂંપડીએ પહોંચીજાય છે. સિંહ પેલી ચારેય મરઘી ઝપાટાભેર ખાઇ ઘડીભર ઘૂરકીયા કરતો ઝાડ તરફ જોઇ રહે છે. કાનજી તેની યુક્તિ મુજબ દોરડાની નીસરણી ઝાડ પર ખેંચી લઈ અગાઉથી ઝાડ આસપાસ પાથરેલા સૂકા ઘાંસ પર પેલું સળગતું લાકડું નાખે છે. ઝાડ આસપાસ પાથરેલું સૂકું ઘાંસ સળગતાં તે સિંહ એકાદ ગર્જના કરતો ફરી ઝાડીમાં ક્યાંય અલોપ થઈ જાય છે. તેની ગર્જનાથી ઉપર ઝૂંપડીમાં બેઠેલા વિદેશીઓના શ્વાસ ઘડીભર થંભી જાય છે..! ધીમેધીમે સિંહની ગર્જનાનો અવાજ ધીમો થતાં તે જંગલમાં દૂર ગયા હોવા ખાતરી થાય છે, ત્યારે પેલા વિદેશીઓનો રોકાઇ રહેલો શ્વાસ માંડ પાછો ફરે છે..!

કાનજી વિદેશીઓને તમના માટે અગાઉથી રાખેલી વાઇન પીરસે છે. બધા વિદેશીઓ દારૂના નશામાં આવી કાનજીની ઝૂંપડીમાં જ સૂઇ જાય છે. કાનજી તો પોતાનું પ્રિય દેશી દારુના બે ચાર ઘૂંટ ભરી દોરડાની નીસરણીથી નીચે ઉતરી ધીમે સળગતા તાપણાંમાં એકઠા કરેલા કરગઠીયાં નાખી બરાબર સળગાવી બાજુમાં તાપણી તાપતા બેસે છે. થોડીવારમાં ઝાડ પરની ઝૂંપડીમાંથી કાનજી પર ધ્યાન આપનાર વિદેશી યુવતી બહાર આવી હાથમાં નાનકડું પર્સ અને એક વાઇનની બોટલ લઈ દોરડાની નીસરણીથી નીચે આવી કાનજી પાસે બેસે છે.

“યુ ગેવ અસ સો એક્સાઇટેડ એક્સ્પીરીયન્સ..! આઇ’મ ઇમ્પ્રેસ્ડ વીથ યુ..!” બોલતા પેલી વિદેશી યુવતી પોતાનો એક હાથ કાનજીના હાથ પર ફેરવે છે અને બીજા હાથે પકડેલી વાઇન બોટલમાંથી વાઇનના ઘૂંટ ભરે છે.

“મેડમ....વૉટ ધીસ...?” કાનજીએ ખંધા હાસ્ય સાથે વિદેશી યુવતીએ તેના પકડેલા હાથ તરફ જોઇ સવાલ કર્યો.

“આઇ નો વૉટ યુ વૉન્ટ.... એન્ડ યુ નો વૉટ આઇ વૉન્ટ... આઇ’લ ગીવ યુ મની..!” બોલતા તે વિદેશી યુવતી કાનજીના ગળે લાગી.

“ફોર મની...એનીથીંગ...!” બોલતા કાનજી તે વિદેશી યુવતીને પોતાની મજબૂત બાહોમાં ઉંચકી જઈ પાસેની ઝાડીમાં લઈ જાય છે. એકાદ કલાક પછી પેલી વિદેશી યુવતી પોતાના કપડા સરખા કરતી કાનજી સાથે ઝાડીમાંથી બહાર આવે છે.

“યુ આર સો નાઇસ. ટેક યોર મની..!” પોતાના પર્સમાંથી પાંચેક હજાર રૂપિયા કાનજીને ધરતાં પેલી વિદેશી યુવતી બોલી.

“માઇબાપ...આઇ તો બસ સેવા માટે જ... સર્વીસ..!” ખંધા હાસ્ય સાથે કાનજી પેલા ધરેલા પાંચ હજાર રૂપિયા લઈ જવાબ આપે છે.

પેલી યુવતી ઝૂંપડીમાંથી સાથે લાવેલી વાઇન બોટલમાંથી બે ચાર ઘૂંટ ભરતી દોરડાની નીસરણીથી પાછી ઝૂંપડીમાં જાય છે. કાનજી ફરી તાપણામાં બળતણીયા નાખી બેસે છે.

સવાર થતાં જંગલ રાતની છવાયેલી ભયાનકતા ખંખેરી નાખે છે અને પક્ષીઓના કલબલાટ સાથે સૂરજ પોતાનું તેજ આખાયે જંગલમાં વિખેરવા લાગે છે. પેલા વિદેશીઓ કાનજીને નક્કી થયેલા પૈસા આપી ચાલ્યા જાય છે. કાનજી પૈસા ગણતો પોતાના નેસ તરફ જવા કરે છે ત્યાં જ રેન્જ ફોરેસ્ટ ઓફીસર વિદ્યુત પાંડે પોતાની જીપ્સી ગાડી લઈ તેને વચ્ચે રોકે છે.

“કેમ અલ્યા, ગઈ કાલે પણ લાયન શો કરેલો ને..?” મોંમાં સીગારેટ સળગાવતા વિદ્યુત પાંડે બોલ્યો.

“હા માઇબાપ....આ લ્યો તમારો ભાગ..!” કાનજીએ કેટલાક પૈસા રેન્જ ફોરેસ્ટ ઓફીસરના હાથમાં મૂકતા કહ્યું.

“તુ ઘણો સમજદાર છે...એટલે જ તો તને આ ગેરકાયદેસર શો કરવા હું છૂટ આપું છું, નહીંતો કે’દાડાની લાત મારી કાઢી મૂકત..!” વિદ્યુત પાંડે હસીને આ બોલતા જીપ્સીને ચલાવી ત્યાંથી નીકળી જાય છે.

“એકવાર લાગમાં આવ, પછી તને લાત કેમ મરાય તે હું બતાવીશ હરામી..!” મોંથી થૂંકી કાનજી મનોમન બબડી પોતાના નેસ તરફ ચાલ્યો ગયો..!

પોતાના નેસમાં આવતાં વચ્ચે સરપંચ બેચર બાપાનું ખેતર આવે છે. ત્યાં કોઇ કામથી તેમની ત્રીજી વહુ લાભુડી આવેલી હોય છે. બંનેની નજર એક બીજાને મળે છે. કાનજી લાભુડી પાસે જઈ તેના હાથમાં પેલા વિદેશીઓએ આપેલા પૈસામાંથી કેટલાક આપે છે. લાભુડી કાનજીને ખેતરની ઝૂંપડીમાં ખેંચી જાય છે. જુવાન લાભુડીનું મન તેનાથી લગભગ બમણી ઊંમરના પતિ બેચર બાપા સાથે કેમેય લાગતું ના હતું..! લાભુડી બેચર બાપા સાથે પરણી આવી ત્યારથી કાનજી સાથે આ અનૈતિક સંબંધ બાંધ્યા હતા. કાનજીનું જીવન તો બસ આમ જ ચાલતું હતું. ગેરકાયદેસર રીતે સિંહ બતાવવાના કાળા કામની કાળી કમાણી આવા કાળા કર્મો પાછળ ઉડાવતો..!

વર્ષોથી ગુમનામીમાં રહેનાર દલખાણિયા રેન્જ અચાનક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ન્યૂઝમાં ઝળકવા લાગ્યું. દરેક ન્યૂઝમાં હેડલાઇન્સ રહી – “દલખાણિયા રેન્જમાં ભેદી રીતે એક સાથે ૧૪ સિંહના મોત..!” આ સમાચારથી રાજ્યનું રાજ્યભવન હચમચી ગયું..!

હવે પ્રશ્ન તે થાય કે...

Ø કાનજીના જીવનમાં આગળ શું થશે..?

Ø દલખાણિયા રેન્જમાં સિંહના મૃત્યુનું રહસ્ય શું છે..?

આગળની વાર્તા જાણવા જરા રાહ...ટૂંક સમયમાં જ ‘સાવજ 2’

**********

બીજા રસપ્રદ વિકલ્પો