??અપડેટેડ મમ્મી??
શૈલી તારૂં ટીફીન તૈયાર છે. અને પાણીનો બોટલ પણ, હાથરૂમાલ મુક્યો છે, બેગ ની જોડે...સુહાની એ બુમ પાડી રસોડામાંથી..
ઓકે મમ્મા, બાય...સી યુ.. લવ યુ...
અરે હા...મમ્મા કાલે મારી સ્કૂલમાં મિટીંગ છે, તારે અને પપ્પા એ આવી જવાનું છે સવારે 10 વાગે, પણ હા તારી આ જૂની સાડી પહેરી ને ના આવતી, જિન્સ - ટી શર્ટ પહેરીને આવજે, ના હોય તો લઈ આવજે, બધી ફ્રેંડસ ની મમ્મી જો કેવી જિન્સ - ટી શર્ટ પહેરીને આવે છે, અને તું આ જૂનાં જમાના ની સાડી..મમ્મા તારે અપડેટ થવાની જરૂર છે.
જરા જમાના પ્રમાણે બદલવું પડે.
મારી પાસે ટાઇમ નથી શૈલી, તું જુએ છે ને કેટલું કામ હોય છે મારે..
એમાં શું ??? બધાંની મમ્મી કામ કરે છે. એ તો ફરજ છે તારી..
લક્ષ્મીબા આ બધું સાંભળી રહયા હતા.
હા શૈલી તું સાચું જ કહે છે, તારી મમ્મી એ જમાના પ્રમાણે બદલાવું જ જોઈએ.
મમ્મીજી તમે પણ શું?? શૈલી ની વાતો માં આવી ગયા.
શૈલી બેટા તું ચિંતા ના કરીશ કાલે તારી મમ્મી જિન્સ ટી - શર્ટપહેરી ને જ આવશે સ્કૂલ માં..
અને હા કાલ થી જ તને તારી મમ્મી માં ચેન્જ જોવા મળશે, પણ એના માટે એને ટાઇમ જોઇશે ઍટલે કાલ થી તારે તારૂં બધું જ કામ જાતે કરવાનું, બોલ છે મંજુર ??
શૈલી થોડી મુંઝાઈ..સારૂં મંજુર છે.
શૈલી સ્કુલે ગઈ, એટલે સુહાની બોલી મમ્મીજી તમે પણ શું...શૈલી તો બાળક કહેવાય મારે કશું કરવું નથી.
અરે બેટા તને શિખામણ આપે છે શૈલી એટલે એટલી નાની તો નથી જ.
શૈલી નાં શબ્દો નાં ઘા જે તારા દિલ પર વાગ્યા છે એ તું કોઈ ને નહીં દેખાડે, બસ રૂમ માં જઈને રડી ને ભુલી જઈશ બધું.
પણ એને સમજાવવા ની જરૂર છે બેટા, બસ હું તને કહું એટલું કરતી જા.
રાત્રે સુહાની એ સ્વરાજ ને બધી વાત કરી, સ્વરાજે ફક્ત એટલું જ કહ્યું, સુહાની મમ્મી કહે છે એમ જ કરજે, આ લક્ષ્મીબા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ થી કમ નથી!!!
સાંજે શૈલી સ્કૂલેથી આવે છે.. ઓહો મમ્મા તેં તો મસ્ત હેરસ્ટાઈલ કરાવી છે ને...
હા શૈલી હેર સ્પા, ફેસિયલ, બધું જ કરાવી દીધું, હું આજે બહુ જ થાકી ગઈ છું, તું તારો ચા નાસ્તો બનાવી લેજે.
કોઈ દિવસ કામ કર્યું નહોંતુ, એટલે જેમતેમ બધું કામ કરી ને શૈલી રૂમ માં ગઈ તો કપડાં, ચોપડા બધું જ અસ્તવ્યસ્ત હતું. બઘું ગોઠવતાં ખુબજ મોડું થયું, પડતાં માં જ સુઈ ગઈ, સવારે ઊઠીને જોયું તો મોડું થઈ ગયું હતું, ટિફિન માં રાતની વધેલી ભાખરી ભરી, રઘવાટ માં પાણી નો બોટલ, રૂમાલ રહી જ ગયા લેવાનાં.
મીટિંગ માં મમ્મીને મોર્ડન લૂકમાં જોઈને ખુશ તો થઈ શૈલી, પણ એને જાણે એનું કશું ખોવાઈ ગયું હોય એવું લાગ્યું.
બે ત્રણ દિવસ તો જેમતેમ ગયાં.
સ્કુલમાં એની સહેલીઓ એને પુછવા માંડી કેમ તારી મમ્મીનાં હાથની મસ્ત વાનગીઓ નથી લાવતી, શું તારી મમ્મી બીમાર છે??તારા મોઢા પર એક ઉદાસી કેમ દેખાય છે??
શૈલી નાં આંખોમાં છુપાયેલા આંસુઓ કોઈ નાં જોઈ શક્યું...
હવે એનું ઈન્ટરનેટ સર્ફિંગ, વાંચન, સહેલીઓ સાથે મોલમાં ફરવાનું, પિક્ચર જોવા જવાનું બધું જ બંધ થઈ ગયું.
એ એટલી બધી થાકી જતી કે પથારીમાં પડતા જ સુઈ જતી.
સ્કૂલ નાં કપડાં ઈસ્ત્રી કરવાનાં, બૂટ પોલિસ કરવાનાં, ટિફિન, હોમવર્ક...એનાથી વાંચી પણ નાં શકાયું બરાબર, ટેસ્ટ માં માર્ક્સ પણ ઓછા આવ્યા.
સાંજે સ્કૂલે થી ઘેર આવતાં જ સુહાની બોલી શૈલી આજે મેં ફેસબૂક માં એકાઉન્ટ ખોલ્યું અને ટ્વિટટર માં પણ, જો મેં તને ફ્રેન્ડ રિક્વેસ્ટ પણ મોકલી છે, જોઈ લેજે..
પણ મમ્મા....
જો શૈલી આજે મારે કીટ્ટી પાર્ટી માં જવાનું છે, મોડું થાય છે બેટા!! આપણે પછી વાત કરીએ.
શૈલીએ કેટલાં દિવસ થી બાંધી રાખેલો લાગણીઓ નો બંધ તૂટી ગયો..કેટલા દિવસથી એની આંખો એની મમ્માને જોવા તલસી રહી હતી, એની સાથે વાતો કરવા...એને કેટલું બધું કહેવું હતું!!
શૈલી એ સુહાની નો હાથ પકડી લીધો..એના ખભા પર માથું મૂકીને એ ધ્રુસકે ધ્રુસકે.રડી પડી..
બસ મમ્મા..બસ.. હવે મારાં માં તાકાત નથી..તારાં વગરની જીંદગી હું નહીં જીવી શકું??
મને મારી મમ્મા પાછી જોઇએ છે..
મારે નથી જોઈતી અપડેટેડ મમ્મી..મને મારી જૂની સાડી વાળી સીધી સાદી મમ્મા જ જોઈએ..
મમ્મા તું અમારે માટે જે કરે છે તે કોઈ ના કરી શકે.
પાછળ થી લક્ષ્મીબા મંદ મંદ હસી રહ્યા હતાં.
સુહાની બોલી બેટા, તારી વાત બિલકુલ સાચી હતી મારે જમાના પ્રમાણે બદલાવું તો જોઇએ જ, પણ આપણા બદલાવ નો માપદંડ આપણે નકકી કરવાનો, નહીં કે કોઈ નું અનુકરણ કરવાનું...
લક્ષ્મીબા ને ભેટી ને સુહાની બોલી..મારી પાસે તો "અપડેટેડ સાસુ" છે, જે જમાના પ્રમાણે બદલતાં તો શીખવે છે, પણ આપણી માન મર્યાદા માં રહીને બેટા, મારે અપડેટેડ થવાની જરૂર જ નથી....
માં દીકરી નાં મીલન ને જોઈને બારણાં માં આવીને ઉભેલ સ્વરાજની આંખોમાં આંસુ આવી ગયા...