Jivansangini books and stories free download online pdf in Gujarati

જીવનસંગીની

જીવનસંગિની  

                      એ કહું છું.. સાંભળો છો સાહેબ? આ તમારી દવા અને આ તમારો ટુવાલ. અહીં રાખ્યા છે. નહાવા જતા પહેલા દવા લઇ લેજો.. અને ટુવાલ અંદર લઇ જવાનું ના ભૂલતા. હું વહુને કહું છું કે તમારા માટે ગરમ ગરમ રોટલો ઉતારે.. તમે નાહી લ્યો ત્યાં સુધીમાં થઇ જશે નાસ્તો તૈયાર..


                       પછી બંને છોકરાઓ ક્યાંક બહાર જવાના છે.. આજે કંઇક એમનો દિવસ છે.. ઓલા ફોરેનમાં ઉજવે એવું કંઇક છે.."                          
"એ ભલે.." કહીને માધવરાય બાથરૂમમાં ચાલ્યા ગયા.. મીરાબહેન રસોડામાં ગયા અને તેમની વહુને રોટલો બનાવવા માટેનું કહ્યું. પછી પોતાના ઓરડામાં જઈ માધવરાયની વસ્તુઓ સરખી કરીને નીચે ઉતર્યા. નીચે ઉતરતા ઉતરતા અચાનક તેમની નજર રસોડામાં ગઈ તો તેમનો દીકરો અધ્યાય પત્ની અંગિકાને મદદ કરી રહ્યો હતો.
અંગિકા કહે તેમ રોટલો શેકતો હતો.. આ જોઇને પહેલા તો તેમને સહેજ ગુસ્સો આવ્યો કે બાયલો બનીને આ શું કરે છે તેમનો દીકરો પણ અચાનક જ એ એ બંનેના ચહેરા પર મુસ્કાન અને રમત જોઈ ગુસ્સો ગાયબ થઇ ગયો.. તેમની આંખો ઠરી ગઈ એ સંબંધના હેતને, પ્રેમને અને વહાલને નિહાળીને..
"અરે અરે અધ્યાય મમી કે પપ્પા જોઈ જશે તો તકલીફ થશે.. પ્લીઝ તમે હવે જતા રહો.. તમે કહ્યું એટલે મેં બે રોટલા તમને શેકવા દીધા.. પણ હવે વધારે નહીં.. મમી કે પપ્પા જોશે તો કેવું લાગશે તેમને?"
"કંઈ ખરાબ નહીં લાગે જાન.. તું એ બધું ના વિચાર.. એવું હશે તો હું એમને જવાબ આપી દઈશ. તું ફટાફટ કામ પતાવી લે.. બધા આપણી રાહ જોતા હશે.. ફ્રેન્ડશીપ ડેની આ વન ડે પિકનિક આપણા કારણે દસ વાગ્યાની રાખી છે બધાએ.. બાકી તો સવારમાં છ વાગ્યામાં જ ઝાંઝરી જવાનો પ્લાન હતો એમનો.. આ તો તારી ફરજ છે મમી-પપ્પા પ્રત્યે એટલે મેં એમને સમજાવ્યા.. ને ખબર છે આ સમજાવતી વખતે હું કેટલું પ્રાઉડ ફિલ કરતો હતી.."
એમ કહીને અધ્યાયે અંગિકાને સહેજ બાથમાં લઇ લીધી.!!
"અરે.. મમીએ તો મને કહેલું જ કે આપણે વહેલા જવું હોય તો જઈએ.. પણ મને લાગ્યું કે એક તો આમેય પપ્પાની બધી જવાબદારી મમીની છે.. એમાય આ બે રોટલા શેકશે.. સંભારો બનાવશે ગરમ ને રસોડાનું કામ આટોપશે તો એમની કમર વધારે દુખશે.. પગ પણ કેટલા દુખે છે એમના. એટલે જ મારાથી થાય એટલું તો મારે કરીને જ જવું જોઈએ ને અધ્યાય.."
ને તરત જ અધ્યાય તેને ફરી ખેંચી અને તેના કપાળમાં ચુંબન કરી લીધું..
"કેટલી સુંદર પત્ની મળી છે મને.. સંસ્કારી અને સમજુ.."
"ને મને કેટલા અન્ડરસ્ટેન્ડિંગ પતિદેવ મળ્યા છે.. મારા મિત્ર.. કાશ મમીને પણ.."
"શ.. બસ હવે તારો જીવ ના બાળીશ.. પપ્પાનો તો સ્વભાવ જ આવો છે.."
અધ્યાયે કહ્યું ને અંગિકા ચુપ થઇ ગઈ.. બંને ફરી કામમાં પરોવાઈ ગયાં..
માધવરાય અને મીરાબહેનને બે દીકરાઓ.. બંને જુદાં જુદાં રહે.. માધવરાય-મીરાબહેન બે મહિના મોટા દીકરા અનન્યના ઘરે જાય તો બે મહિના અધ્યાય સાથે રોકાય.. બંને ભાઈઓ એકબીજા માટે જાન આપવા પણ તૈયાર..!! જુદાં રહેવા છતાય પરિવાર અને પરિવારના સદસ્યો વચ્ચે પ્રેમ એવો જ જળવાયેલો હતો. માધવરાય ખાંડના વ્યાપારી હતા.. તેઓ રોજ સવારે અગિયાર વાગ્યે દુકાને જાય અને રાત્રે નવ વાગ્યે આવે. અધ્યાય મલ્ટીનેશનલ કંપનીમાં સોફ્ટવેર એન્જીનીયર હતો.. અનન્ય આઈપીએસ ઓફિસર હતો.. માધવરાય સ્વભાવે બહુ કડક.. મીરાબહેન પ્રત્યે પણ અને એમના દીકરાઓ પ્રત્યે પણ તેઓ કડક રહે.. હા પરંતુ પ્રેમ પણ તેઓ એટલો જ કરે બધાને..!! લાગણી દરેક માટે અનહદ..!
માધવરાય તૈયાર થઈને જેવા નીચે ઉતર્યા કે મીરાબહેન તરત જ ટેબલ પર તેમનો નાસ્તો તૈયાર કરવા લાગ્યા.. અધ્યાય પણ રસોડામાંથી બહાર નીકળી તેના ઓરડામાં ચાલ્યો ગયો..!!
"ક્યાં જવાના છો વહુ તમે બંને?"
માધવરાયે અંગિકાને સંબોધીને પૂછ્યું,
"પપ્પા આજે ફ્રેન્ડશીપ ડે છે ને તો એમના ફ્રેન્ડસ અને મારી ફ્રેન્ડસ ને એના હસબંડ મળી રહ્યા છીએ અમે બધા.. વન ડે પિકનિક જેવું જ છે."
"તો એમાં તમારે શું જવાની જરૂર છે? એ એના મિત્રો સાથે જઈ આવશે.. ફ્રેન્ડશીપ ડે છે ને વેલેન્ટાઈન ડે ક્યાં છે !!"
"મેં પણ એમને એ જ કહ્યું પપ્પા.. તો એ કે છે કે તું પણ મારી ફ્રેન્ડ જ છે.."
અંગિકાનો આ જવાબ સાંભળી માધવરાય ખડખડાટ હસી પડ્યા..
"બોલો.. પતિ-પત્ની ક્યારેય મિત્રો હોતા હશે વળી.. આ આજકાલના છોકરાઓને શું નવા તુત સુજે છે.."
અંગિકા આ સાંભળીને સહેજ ભોંઠી પડી ગઈ..
"સાહેબ.. ઠરી જશે રોટલો.."
મીરાબહેન અંગિકાના બચાવમાં તો ના બોલી શક્યા પણ વાત ફેરવવા તેઓએ આ પ્રમાણે કહી દીધું અને અંગિકાને ઈશારો કર્યો કે ઉપર જતી રે..
અંગિકા અને અધ્યાય તૈયાર થઈને નીચે ઉતર્યા ત્યારે માધવરાય પણ દુકાને જવાની તૈયારી કરતા હતા.. સેન્ડલનાં બક્લની ગૂંચવણમાં અટવાયેલી અંગિકાને જોઇને અધ્યાય નીચો નમ્યો અને તે સેન્ડલનું બકલ ખોલીને અંગિકાને પહેરાવવામાં મદદ કરવા લાગ્યો.. પાછળ ઉભેલા માધવરાયની નજર આના પર પડી કે તરત બોલ્યા,
"અધ્યાય, પત્નીને પત્ની જ બનાવીને રાખો.. મિત્ર નહીં.."
ને ગુસ્સામાં લાલ મોં કરીને ચાલ્યા ગયા..માધવરાયની દુકાન શહેરના જુના વિસ્તારમાં હતી.. ત્યાં પણ બધે ફ્રેન્ડશીપ ડેના પોસ્ટર્સ લગાવેલા હતા.. જ્યાં ને ત્યાં જાતજાતના બેન્ડ્સ વેચાતા હતા અને કેટલાય અલગ અલગ પ્રકારે લખેલા ક્વોટસ પણ મળતા હતા.. માધવરાયને આ બધું નકામું લાગી રહ્યું હતું. તેઓએ દુકાન ખોલી અને દીવા કરીને થડે બેઠા..!!!
'ખરેખર.. બહુ મજા આવી હોં મમી આજે તો.. અમે બધાએ કેટલી બધી ગેમ્સ રમી ખબર છે.. કેટલી મજા કરી.. બધાએ એકબીજાને વધુ નજીકથી ઓળખ્યા.. લગ્નજીવનનો એક નવો જ દ્રષ્ટિકોણ મળ્યો.. મિત્રતાનો દ્રષ્ટિકોણ..!!"
રાતના દસ વાગ્યે પાછા ફરેલા અધ્યાય અને અંગિકા આવીને તરત મીરાબહેન પાસે ગયા.. માધવરાય તેમની આદત મુજબ વોક પર ગયેલા.. અંગિકા આખા દિવસમાં તેમણે શું કર્યું એ બધું વિગતવાર પોતાના સાસુને કહી રહી હતી.. મીરાબહેન પોતાના પગમાં તેલનું માલીશ કરી રહ્યા હતા..
'મમી.. બહુ કામ કર્યું ને. લાવો ચલો હું માલીશ કરી આપું છું.."
"અરે ના દીકરી.. તું કહે ને તારી વાતો મજા આવે છે ને.."
મીરાબહેને અંગિકાને જવાબ આપ્યો..
"અને હું કંઇક કહું..??"
અચાનક જ અધ્યાય, અંગિકા અને મીરાબહેનની નજર દરવાજે આવીને ઉભેલા માધવરાય પર પડી..
'હા સાહેબ. બોલો ને."
તરત જ મીરાબહેન પોતાની જગ્યાએથી ઉભા થઇ ગયા.. માલીશ માટે લીધેલા તેલની વાડકીમાથી સહેજ તેલ ઢોળાઈ ગયું એ પર પણ તેમનું ધ્યાન ના ગયું..
માધવરાય આગળ આવ્યા અને બોલ્યા,
"શું હું તને આ ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધુ?"
મીરાબહેનની સાથે અધ્યાય અને અંગિકાને પણ અચરજ થયું.. આ સુરજ કઈ બાજુથી ઉગ્યો એ વિચારતા ત્રણેય એક્ટશે માધવરાયને જોઈ રહ્યા..
"અરે મીરાં, તમારો હાથ તો આપો.. કે મને મિત્ર નથી બનાવવો?? હું મિત્ર તરીકે પતિ જેવું વર્તન નહીં કરું હો.. ચિંતા ના કરતા.."
ને માધવરાય પોતે જ હસી પડ્યા..
અચકાતા અચકાતા મીરાબહેને પોતાનો હાથ આગળ કર્યો એટલે તરત માધવરાય પોતે લાવેલા હતા એ ફ્રેન્ડશીપ બેલ્ટ તેમને બાંધી દીધો..
"ફ્રેન્ડસ.."
મીરાબહેન સામે જોઇને આવું કહીને તેઓ હસી પડ્યા..
અધ્યાય અને અંગિકા હજુ પણ અચંબામાં ઉભા હતા..
"કેમ મારા દીકરા!! માર ગુરુ.. આજ તો તે તારા બાપને મજાનો પાઠ શીખવાડ્યો હોં.."અધ્યાય તરત બોલ્યો,
"મેં શું શીખડાવ્યું પપ્પા.. કંઇક ફોડ પાડીને વાત કરો તો સમજાય.."
"હા..હા..હા.. બેસો બેસો અહીં.."
કહીને સોફા તરફ ફરીને માધવરાય બેઠા.. મીરાબહેન, અંગિકા અને અધ્યાય પણ ઉત્સુકતા સાથે સાંભળી રહ્યા..
હું બહુ નાનો હતો ત્યારે મારા માતા-પિતાના સંબંધોને જોતો.. બાપુજી હમેશા બાને માન આપતા.. પત્ની તરીકેનું માન ! તેમનો સંબંધ બહુ સુંદર હતો.. પરંતુ એ બંને ફક્ત પતિ-પત્ની જ હતા.. મારા બા એ જમાનામાં મેટ્રિક ભણેલા.. એ પણ ઈંગ્લીશ મીડ્યમમાં.. એક વાર બાપુજી કંઇક દુકાનનો હિસાબ કરતા હતા.. ગોટાળો થયો.. બા બાજુમાં જ હતા.. તરત જ સોલ્યુશન આપીને બાએ સરસ સજેશન પણ કર્યું કે જેનાથી ધંધામાં ફાયદો થાય.. ખબર નહીં બાપુજીને શું થયું કે બાને જાપટ જીકી દીધી.. હું મારા ઓરડામાં ઉભો ઉભો આ જોતો હતો.. હબકી ગયો.. ને દીકરા એ સમયે મારા બાપુજીએ મારી બાને કહેલા વાક્યો આજ સુધી મગજમાં ગુંજે છે..
"મારી પત્ની બનીને આવ્યા છો એ જ બનીને રહો.. સલાહકાર, મિત્ર કે માર્ગદર્શક બનવાની કોશિશ ના કરો રસીલા.."
ત્યારથી મારા મનમાં ગ્રંથિ બંધાઈ ગઈ કે પત્ની ક્યારેય મિત્ર ના બની શકે.. માર્ગદર્શક ના બની શકે.. તેનું સ્થાન રસોડામાં, પથારીમાં અને પરિવારની વ્યવહારિક બાબતોમાં જ છે. સમાજની વ્યવહારિક કે ધંધાની સમજદારીપૂર્વકની વાતોમાં નહીં.
તે આજે મારી આ ગ્રંથિ ખોટી પાડી દીકરા.. હું જે મારા બાપમાંથી શીખ્યો હતો એ તું મારામાંથી નથી શીખ્યો એ જાણીને ગર્વ કરું કે ખુશ થાઉ ખબર નથી પડતી.. કદાચ આ તારી માંના જ સંસ્કાર હશે દીકરા.. તને સ્ત્રીનું સન્માન કરતા અને તેને સખી સમજતા શીખવ્યું હશે તેણે..!!
આજે સવારે ઉપરથી ઉતરતો હતો ત્યારે તને રસોડામાં જોયો હતો.. વહુની મદદ કરતા.. એ પછી તેને સેન્ડલ પહેરાવતાં.. એ સમયે આ દ્રશ્યો જોઇને તો લોહી ઉકળી ગયેલું.. પણ શાંતિથી જ્યારે વિચાર કર્યો ત્યારે સમજાયું તું કરતો હતો એ સાચું જ હતું.. હું કરું છું એ ખોટું છે.. દુકાનમાં બેઠો હતો ત્યારે આ તમારા ફ્રેન્ડશીપ ડેના બધા પોસ્ટર વાંચ્યા.. એક જગ્યાએ નાના અક્ષરમાં લખેલું હતું..
"સપ્તમે સખા"
પત્નીને લગ્ન સમયે આપેલું સાતમું વચન.. તેના મિત્ર બનીને રહેવાનું એ વચન.. એ વાંચ્યું ને મને મારી ભૂલો સમજાઈ.. મેં કરેલાં બાલીશ વર્તનો યાદ આવ્યા અને તે કરેલા વર્તનને જોઇને અભિમાન થયું..
બસ ત્યારે જ આ બેલ્ટ લીધો.. અને તારા મમીને પહેરાવવાનું વિચાર્યું.. મંગળસૂત્ર અમારા સુખી લગ્નજીવનની નિશાની છે એમ આ બેલ્ટ હવે અમારા સખાભાવની નિશાની બનશે.."
મીરાબહેન તો આ સાંભળીને રડી જ પડેલા.. માધવરાયનું આ નવું સ્વરૂપ એમને અત્યંત ગમી રહ્યું હતું..
:"અરે હા છોકરાઓ.. તમે બંને અહીં આવો.. મોટાના ઘરે તો જઈ આવ્યો.. તમે બેય બાકી છો.. એ પણ આ ફ્રેન્ડશીપ બેલ્ટ્સ જોઇને ખુશ થયેલો.. કહેતો હતો કે હું ને મીરાં ક્યારે એના ઘરે જઈએ છીએ હવે.. બહુ યાદ કરતો હતો..
ચાલો તમે અહીં આવો.. બંનેને આ બેલ્ટ બાંધી આપું..
આ ઘરમાં આજથી આપણે બધા મિત્ર બનીને રહીશું.. સંબંધને વિવિધ નામ આપીએ ત્યારે એમાં સ્વાર્થ ઉમેરાઈ જાય.. જ્યારે મિત્રતામાં તો ફક્ત સાથ જ હોય.. સ્વાર્થ નહીં. આપણે બધા જ એકબીજાના મિત્રો બનીશું.. કેમ વહુ બહેનપણી બનશો ને મારા"
સસરાજીના મુખેથી આવું સાંભળીને અંગિકાને ખરેખર પોતાની પસંદગી અને પરિવાર પર અભિમાન થયું..
એ પછી અંગિકા અને અધ્યાયને એ બેલ્ટ બાંધી માધવરાયે એ દિવસે ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું..એ જ રાતના લગભગ બાર વાગ્યે ઊંઘ ના આવતા હિંચકે બેઠેલા મીરાબહેન પાસે માધવરાય આવ્યા..
"હું એક હજુ વાત કહેતા તો તને ભૂલી જ ગયો મીરાં.."
મીરાબહેન અચાનક માધવરાયને જોઈને ફરી અચંબિત થઇ ગયા..
"બોલો ને સાહેબ.."
"બસ આ જ.. હવેથી તારે મને સાહેબ નથી કહેવાનું.. આજથી હું તને સખી કહીશ અને તું મને સાથી.. તું મારી સંગિની છે, અને આજથી સખી પણ બની છે.. મારી જીવનસખી.. આખી જિંદગી છ વચન નિષ્ઠાથી નિભાવ્યા છે.. આ સાતમું વચન આ ઉમરે એવી જ નિષ્ઠાથી નિભાવી શકું એવો વિશ્વાસ જોઈએ છે મને તારો.. મારી સખી.. મારી સંગિની.."
ને પાંસઠ વર્ષનાં મીરાબહેન બધું ભૂલીને પોતાના અડસઠ વર્ષના પતિને-સખાને-સાથીને વળગી પડ્યા..!!!!!
લેખક : આયુષી સેલાણી
શું તમે એ સાતમું વચન નિભાવો છો ને.?

બીજા રસપ્રદ વિકલ્પો