સફળતાની સપ્તપદી Jayesh Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • એક ષડયંત્ર.... - ભાગ 91

    (કનિકા ડૉકટરને રિકવેસ્ટ કરે છે કે તે સિયાને હોશમાં લાવે, જેથ...

  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

શ્રેણી
શેયર કરો

સફળતાની સપ્તપદી

જેમને સફળતા મેળવી છે તેઓની કેટલીક ખાસ આદતો હોય છે. મોટા ભાગના સફળ લોકોની આદતો કોમન જોવામાં આવી છે. જો એ આદતો આપણે પણ કેળવીએ તો સફળતા આપણા કદમો ચૂમશે જ ચૂમશે એમાં કોઈ સંદેહ નથી. સહજીવનની શરૂઆત સપ્તપદીથી થાય છે તેવી જ રીતે આજે જયારે રોટરી ક્લબ ઓફ મહેસાણાને નવી ટીમ મળી રહી છે ત્યારે આ નવી ટીમને સફળતાની સપ્તપદીથી વધાવીએ. જેવી રીતે સહજીવનની સપ્તપદીમાં વર અને વધૂ સાત ડગ માંડીને સહજીવનની સફળતા માટે શપથ લે છે તેવી જ રીતે નવી ટીમ સફળતાની બુલંદીઓ સાકાર કરે તે માટે સફળતાની સપ્તપદીના શપથ તેઓ લે તેવી શુભકામના અને મંગલકામના સાથે હવે આપણે સફળતાના સાત પગલાં કયા તે જોઈએ.
.
બિલ ગેટ્સ હોય, સ્ટિવ જોબ્સ હોય, ધીરુભાઈ અંબાણી હોય, નારાયણ મૂર્તિ હોય, ઇન્દિરા નુયી હોય કે સાબિર ભાટિયા હોય – આ બધાંએ દુનિયા આખીને તેમની આગળપાછળ ફરતી કરી દીધી. એવું તે શું હતું કે તેઓ આવી જંગી સફળતા મેળવી શક્યા? પેટ્રોલ પંપ ઉપર કાર્ય કરતા કર્મચારીએ પેટ્રોલની રીફાઈનરી સ્થાપી દઈને દુનિયાને મુઠ્ઠીમાં કરી દીધી.
.
હું મૂળ સંશોધનનો માણસ. એટલે મને જે સાચા સર્વે થયા હોય તેમાં મને બહુ રસ પડે. હમણાં વિશ્વના સૌથી ધનાઢ્ય ૧૦૦૦ વ્યક્તિઓ ઉપર એક સર્વે થયો. એ સર્વેમાં આવી સૌથી સફળ વ્યક્તિઓની “કોમન” આદતો કઈ હતી તેના ઉપર તારણ કાઢવામાં આવ્યું. તેના ઉપરથી સર્વે કરનાર સંશોધકે એવું જણાવ્યું કે જેઓમાં આ આદતો હશે તેઓ માટે સફળતા મેળવવી અઘરી નથી. એ તારણોમાં જે “કોમન” આદતો હતી તેમાંથી સાતને મેં અલગ તારવી છે અને તેને હું ‘સફળતાની સપ્તપદી’ તરીકે પ્રસ્તુત કરવા માંગુ છું.
.
પ્રથમ પગલું: વાંચન
.
સૌથી ધનાઢ્ય ૧૦૦૦ વ્યક્તિઓમાંથી ૯૦૭ વ્યક્તિઓમાં નિયમિત વાંચનની આદત જોવામાં આવી. સ્ટિવ જોબ્સની પોતાની ૧૦,૦૦૦ પુસ્તકોની લાયબ્રેરી હતી તો બિલ ગેટ્સ આજની તારીખે એટલે કે આટલી સફળતા પ્રાપ્ત કર્યા પછી પણ રાત્રે એક કલાક વાંચ્યા વગર ઊંઘ લેતા નથી. વિશ્વના સૌથી ધનાઢ્યમાંના એક એવા વોરેન બફેતનો પુસ્તક પ્રેમ જાણવા જેવો છે. ૧૬ વર્ષની ઉંમર સુધી તેઓએ વ્યવસાય સંબંધિત સોથી વધુ પુસ્તકો દર વર્ષે વાંચી ચુક્યા હતા. આજે પણ તેઓ જબરદસ્ત વાચક છે અને એક બેઠકે જ એક પુસ્તક પૂરું વાંચી લેવામાં માને છે. તેમના જીવનમાં એવો પણ કપરો સમય આવ્યો હતો ત્યારે વોરેન એક દિવસમાં પાંચ પુસ્તકો વાંચી લેતા હતા. તેઓમાં બીજી એક વિશિષ્ટ આદત જોવામાં આવી કે તેઓ સરેરાશ ઇન્વેસ્ટરની તુલનામાં પાંચ ગણી તીવ્રતાથી તેઓ કંપનીઓના વાર્ષિક રિપોર્ટનું અધ્યયન કરે છે અને જરૂરી આંકડાઓની લેખિત નોંધ પણ રાખતા હોય છે. આ તમામમાં એટલે કે ૯૧૭માં એવી આદત જોવામાં આવી કે તેઓ નિયમિત રીતે સવારના સમયે ન્યુઝ પેપર વાંચવા માટે જોઈએ જ. માત્ર હેડલાઈન વાંચવા માટે નહીં પરંતુ આખેઆખું ન્યુઝ પેપર વાંચવાની આદત આ સૌમાં જોવા મળી.
.
હવે આપણે આપણી જાતને તેઓ સાથે સરખાવીએ. આપણામાંથી કેટલાંને નિયમિત રીતે આખેઆખું ન્યુઝપેપર સવાર સવારમાં જ વાંચવાની આદત છે? આપણામાંથી કેટલાંને નિયમિત રીતે પુસ્તકોના વાંચનની આદત છે? શું કરીએ? સમય જ ક્યાં છે? કારણ કે આપણે તો વિશ્વના સૌથી ધનાઢ્ય એવા ૧૦૦૦ વ્યક્તિઓ કરતાં પણ વધુ “બિઝી” છીએ. બરાબર ને? જો જો... હું ખોટો હોઉં તો મને અટકાવજો.
.
બીજું પગલું: સમયના ચુસ્ત આગ્રહી અને સમયનું અસરકારક મેનેજમેન્ટ
.
બિલ ગેટ્સે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે “જો સમયને જીતવો હોય તો સમયની સાથે ચાલવું પડે. સમયથી પાછળ રહેનાર ક્યારેય સફળ થતા નથી.” સૌથી ધનાઢ્ય ૧૦૦૦ વ્યક્તિઓમાંથી ૯૪૭ વ્યક્તિઓ ‘બિફોર ટાઈમ” એટલે કે નક્કી કરેલા સમય કરતાં બે થી ત્રણ મિનિટ વહેલાં પહોંચે છે. વરસાદ હોય, કડકડતી ઠંડી હોય કે બળબળતી ગરમી હોય, તેઓ મિટિંગમાં કયારેય મોડાં હોતાં નથી. સમયથી પાછળ રહેનાર ક્યારેય સફળ ન થઇ શકે. સમય સાથે તાલ મિલાવવો જ પડે. સમય ક્યારેય ખરાબ હોતો જ નથી. સમય ઉપર સારા અને ખરાબનું લેબલ આપણે લગાડીએ છીએ. આપણા સંજોગો, સ્થિતિ અને માનસિકતા આધારિત આપણે સમયને તોલીએ છીએ. જેને પોતાના ઉપર ભરોસો નથી હોતો તે જ સમયને દોષ આપે છે.
.
સમય સામે ફરિયાદ ન કરો. સમયને ચેલેન્જ ફેંકો. સમયને કહો કે મને તારો ડર નથી. ગમે તેવા સમયમાં પણ મિજાજ ન ગુમાવો. ઉત્સાહ ન ગુમાવો. સમયના મેનેજમેન્ટને ઢીલું ન પડવા દો. રાત પડતી જ ન હોત તો? સવાર અને સાંજ થતી જ ન હોત તો? ચાણક્યએ સાચું જ કહ્યું છે કે વ્યક્તિને એ ખબર હોવી જોઈએ કે અત્યારે પોતાનો સમય કેવો ચાલી રહ્યો છે. સમયની પરખ હોય તે ક્યારેય નિષ્ફળ જતો નથી. સારો સમય ચાલી રહ્યો હોય તો નવું કાર્ય કરવું જોઈએ અને જો સમય અનુકુળ ન હોત તો ધીરજથી કાર્ય કર્યે જવું.
.
આપણે સૌ કેવાં? પાછાં આપણે તો ગર્વથી કહીએ “ઇન્ડિયન ટાઈમ”. તમે મોડાં પડો અને દોષના ટોપલામાં દેશને પણ લઇ આવો. શું તમે ક્યારેય ધીરુભાઈ અંબાણી કે રતન ટાટા કે નારાયણ મૂર્તિના મોંઢે ક્યારેય “ઇન્ડિયન ટાઈમ” શબ્દ સાંભળ્યો છે? સફળ વ્યક્તિઓ ક્યારેય પોતાના દોષનો ટોપલો દેશના માથે ન નાખે. તેઓ તો દેશનું ગૌરવ વધે, દેશની ગરિમા વધે અને દેશની અસ્મિતા વધે એ જ નજર સમક્ષ રાખીને સમયપાલનના ચુસ્ત આગ્રહી બની રહે.
.
ત્રીજું પગલું: નિર્ધારિત લક્ષ્ય
.
હું હંમેશા કહેતો હોઉં છું કે જેના જીવનમાં લક્ષ્ય નથી એ તો રમતી-ગાતી, હસતી-બોલતી જીવતી લાશ જ છે. સ્વામી વિવેકાનંદના મતે વ્યકિતનો ખરેખર જન્મ લક્ષ્યની સાથે જ થાય છે. જયારે વ્યકિત પોતાના જીવનના વિશિષ્ટ લક્ષ્યને ઓળખી શકતો નથી ત્યાં સુધી તો એનું જીવન જ વ્યર્થ છે. હું હંમેશા એવું કહેતો આવ્યો છું કે ધોરણ દસમાં આવે ત્યારથી જ બાળકને પોતાનું વિશિષ્ટ લક્ષ્ય શું છે તે ખ્યાલમાં આવી જવું જોઈએ. જો તેને ખ્યાલ ન આવે તો તેને એપ્ટીટ્યુડ ટેસ્ટ દ્વારા તેને તેનું વિશિષ્ટ લક્ષ્ય શું હોય તે અંગેનું માર્ગદર્શન આપવું જોઈએ. નિર્ધારિત લક્ષ્ય સાથે કરવા યોગ્ય વિચાર કરીશું તો તે વિચાર અને તે લક્ષ્ય સાકાર થઈને જ રહેશે. લક્ષ્ય નિર્ધાર જ જીવન કર્મ છે. લક્ષ્યમાંથી કદી પાછા હટવું નહીં. લક્ષ્યને વળગી રહેવું. પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સ્થાન, હાલત, અને સાથે કામ કરનારા લોકો વિશે પૂરી જાણકારી રાખો.
.
હવે લક્ષ્ય કેવું હોવું જોઈએ? એક વાર્તાના માધ્યમથી હું તમને દર્શાવું છું. કાચબો એક વાત વિચારી ને ખૂબ જ દુખી રહેતો હતો કે તે આકાશમાં ઉડી નથી શકતો. તેને મનમાં વિચારી રાખ્યું હતું કે જો કોઈ પક્ષી તેને એક વખત આકાશમાં પહોંચાડી દે તો તે આકાશમાં ઉડીને દરેક જગ્યાએ ફરી શકે. એક વખત તેને ગરુડની પાસે જઈને કહ્યું કે તમે મને એકવાર આકાશમાં પહોંચાડશો તો તમને સમુદ્રના દરેક રત્ન તમને આપીશ. ગરુડે કાચબાને ચેતવ્યો કે હજુ સમય છે. પુનર્વિચાર કરી લે. પરંતુ કાચબો ન માન્યો. ગરુડને તેને આકાશમાં લઇ જવા માટે આજીજી કરી. અંતે ગરુડે તેને ઉઠાવી લીધો અને આકાશમાં ખુબ જ ઉંચાઈ પર લઇ ગયો. કાચબાએ ખુબ ઉંચાઈ પર પહોંચ્યા પછી કહ્યું કે હવે મને છોડી દો. હું મારી જાતે ઉડી લઈશ. ગરુડના છોડતાં જ કાચબો જમીન ઉપર પછડાયો અને તેનો છૂંદો થઇ ગયો. શું આકાશમાં ઉડવાનું કાચબાનું લક્ષ્ય સાચું હતું? વ્યક્તિએ પોતાની ક્ષમતા પ્રમાણે જ લક્ષ્ય નિર્ધારિત કરવું જોઈએ નહીંતર કાચબા જેવું થઇ શકે છે. આપના સૌનું લક્ષ્ય કેવું હોય છે? કેટલાંકનું લક્ષ્ય અઠવાડિયે બદલાઈ જાય તો કેટલાંકનું મહીને તો વળી કેટલાંકનું લક્ષ્ય વર્ષ સુધી તો બરાબર દોડે પરંતુ સહેજ ઠોકર લાગે એટલે લક્ષ્ય પણ “ધબાય નમ:”
.
ચોથું પગલું: લક્ષ્ય ઉપર સમર્પિત જીવન
.
હું સાગરને પી જઈશ એ છીપની જેમ જે સ્વાતિ નક્ષત્રના એક ટીપાને પ્રાપ્ત કરવા માટે મોજાંની ઉપર આવે છે. એક ટીપું પ્રાપ્ત થયા પછી સમુદ્રની અગાધ ઊંડાઈમાં જઈને ધીરજપૂર્વક બેસી જાય છે, જયાં સુધી તેનું મોતી ન બની જાય. આવું ધૈર્યપૂર્ણ સમર્પણ જ સફળતા અપાવે. ચારેબાજુ ભટકતું મન સફળ કદી ન થવા દે. હકીકતમાં આપણે કોઈપણ કાર્યની શરૂઆત કરવામાં તો ખુબ ઉત્સાહી હોઈએ છીએ પરંતુ થોડા જ સમયમાં સ્વાભાવિક રીતે જ તેનાથી વિમુખ થઈ જઈએ છીએ. આજના યુગમાં “આરામ્ભશૂરાઓ”ની કોઈ ખોટ નથી. પરંતુ આજના સ્પર્ધાત્મક યુગમાં આવા લોકોનું કોઈ કામ નહીં. સંપૂર્ણ સમર્પિત ભાવથી હાથ ઉપર લીધેલું કાર્ય અને તેને ધૈર્યપૂર્વક પૂર્ણ કરવાની ધગશથી જ સફળતા મળી શકે.
.
વિવેકાનંદની વાત નોંધી રાખો: “શ્રદ્ધાવાન બનો. જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ધૈર્ય, ખંત અને દ્રઢ ઇચ્છાશક્તિ હોવા જોઈએ. તમારો જન્મ જ મહાન કાર્યો કરવા માટે થયો છે. સમય, ધૈર્ય અને અદમ્ય ઈચ્છાશક્તિ પોતાનું પરિણામ બતાવી આપે.” તમારી અંદરની ખૂબીઓ, આવડતને ઓળખો, સમજો અને તેને પ્રગટ થવા દો અને તે માટે જાત સાથે પ્રેમ કરો, નિરાશાને ફગાવી દો. હું કામ હાથમાં લઈને સારી રીતે ઉત્તમ બનાવી પૂર્ણ કરીશ, વિજયી બની પ્રતિષ્ઠા પામીશ એવો મક્કમ આશાવાદ રાખો. તમારી કાબેલિયત લાંબેગાળે પ્રતિષ્ઠા સાથે સન્માન અપાવશે. જે પળે જે બનવાનું છે તે નિર્ધારિત છે અને તે થશે જ. જે તમારા હાથમાં નથી તેનો ઉદ્વેગ શા માટે કરવો ? જે ઘડાયું નથી તેનો અંજપો, વલોપાત અગાઉથી શા માટે?
.
એક વાત સમજો. ઈશ્વરે તમારા માટે કાર્ય નિશ્ચિત કરીને તમને અહી મોકલ્યા છે. સમજણના અભાવથી જીવનમાં સફળતા સામે અવરોધ ઊભો થાય છે. હું અવરોધોમાંથી કંઈક શીખી અનુભવી બની, જ્ઞાન મેળવીશ, નવા આયામો, નવા આયોજનો હાથ ધરી, સંકુચિતતાના કુંડાળામાંથી બહાર નિકળી મારા લક્ષ્ય સુધી પહોંચવા અડગ રહીશ એવો દ્રઢ સંકલ્પ જ જીવનને લક્ષ્ય પ્રતિ સમર્પિત બનાવે છે. જો લક્ષ્ય માટે સમર્પિત જીવનના બીજને રોપી,પરિશ્રમનું ખાતર આપી, આશાનું જળસિંચન કરી વિશ્વાસથી જતન કરશો તો વટવૃક્ષ બની ફેલાઈ જશો અને નવી, કુંપળો સાથે વડવાઈની જેમ વિસ્તરિત થઇ સમયપટમાં સ્થાન પ્રાપ્ત કરશો.
.
પાંચમું પગલું: સંગઠિત ટીમનું ગઠન
.
એ જ સફળ થાય છે જે સંગઠિત ટીમનું ગઠન કરીને ટીમ સ્પિરીટથી કામ કરવામાં સક્ષમ હોય. કારણ કે વર્તમાન યુગ સંગઠનનો યુગ છે. કોઈપણ ક્ષેત્રમાં આજે ટીમવર્ક દ્વારા કાર્ય થાય છે. એને જ મહત્વ મળે છે કે જેઓ ટીમ સ્પીરીટથી કાર્ય કરે છે. આજનો જમાનો Collaboration અને Amalgamationનો છે. વિશ્વના તમામ માનવ સંસાધન નિષ્ણાતો આજે એ જ ગુણને મહત્ત્વ આપે છે. હું કાચબા અને સસલાનું ઉદાહરણ આપીને ટીમ ભાવનાનું મહત્વ સમજવવા માંગું છું.
.
અઢારમી સદીનો સસલો અને કાચબો
સસલા અને કાચબા વચ્ચે દોડની સ્પર્ધા થઈ. દોડ શરૂ થઈ એટલે સસલો તો ઝડપથી દોડ્યો અને આગળ પહોંચીને જોયું તો કાચબો તો હજી થોડુંક જ અંતર કાપી શક્યો હતો, એટલે સસલો નિરાંતે સૂઈ ગયો. કાચબો તેને પાર કરીને સીમારેખા પસાર કરી ગયો, સ્પર્ધા જીતી ગયો. આનો સાર એ જ કે ધીમો પણ સતત પ્રયાસ સ્પર્ધા જીતવામાં મદદરૂપ થાય છે.
.
ઓગણીસમી સદીનો સસલો અને કાચબો
પિતાને તકલીફ પડી હતી તેનાથી સસલાને ખૂબ લાગી આવ્યું.આથી તેનો બદલો લેવા એણે કાચબાને કહ્યું કેચાલ રેસ કરીએ. કાચબાએ હા પાડી. રેસ શરૂ થઈ. આ વખતે સસલો સતત દોડતો રહ્યો અને રેસ જીતી ગયો. કાચબો હજી અડધે પણ પહોંચ્યો નહોતો. આનો સાર એ હતો કે ઝડપી અને મક્કમ મનથી થયેલ પ્રયાસ ધીમા અને સતત પ્રયાસ કરતા વધુ અસરકારક પૂરવાર થાય છે.
.
વીસમી સદીનો સસલો અને કાચબો
દાદા અને પિતાની સાથે જે બન્યું હતું તેના ઉપર કાચબાએ મનોમંથન કર્યું અને તેણે ફરીથી સસલાને સ્પર્ધા માટે આમંત્ર્યો. સસલો હવે પૂરેપૂરા આત્મવિશ્વાસ સાથે તૈયાર હતો. કાચબાએ સ્પર્ધાનો માર્ગ બદલી નાંખ્યો. સ્પર્ધા શરૂ થઈ અને સસલો દોડ્યો પણ માર્ગમાં વિશાળ નદી આવી. સામે કાંઠે સ્પર્ધા પૂરી થતી હતી. પણ એ લાચાર હતો. ધીમી ચાલે કાચબો આવ્યો. તેને પસાર કરી ગયો. તરીને સ્પર્ધા જીતી ગયો. સસલો હારી ગયો. આનો સાર એ હતો કે ઝડપી અને મક્કમ પરંતુ પરિસ્થિતિનો યોગ્ય તાગ લીધા વગર અથવા આવનારી અડચણોનો વિચાર કર્યા વગરનો પ્રયાસ ઘાતક પૂરવાર થાય છે.
.
એકવીસમી સદીનો સસલો અને કાચબો
ત્રણ ત્રણ પેઢીમાં શું થયું હતું તેના ઉપર બંનેએ મળીને મનોમંથન કર્યું, બંને એકબીજાને મદદરૂપ થવાની વાતે સંમત થયા અને ઓછામાં ઓછા સમયમાં કઈ રીતે સ્પર્ધા પૂર્ણ થાય એ માટે પ્રયત્નમાં લાગી પડ્યા. શરૂઆતમાં સસલાએ કાચબાને પીઠ પર લઈ લીધો, તે નદી સુધી દોડ્યો, નદીએ પહોંચ્યા કે કાચબાએ સસલાને પીઠ પર લઈ લીધો અને તરીને બંને એક સાથે ઝડપથી અને પૂરેપૂરા વિશ્વાસથી ધ્યેયને પામ્યા. આનો સાર એ જ કે આ સદીમાં Collaboration અને Amalgamationથી જ સફળતા પ્રાપ્ત થાય છે. ટીમવર્ક કોઈ પણ એકલાની મહેનત કરતા ક્યાંય વધુ સફળ સમીકરણ છે. જ્યાં અંગત ધ્યેય ટીમના ધ્યેયમાં ભળી જાય છે ત્યાં સફળતા નિશ્ચિત છે. પોતાની આવડતને પારખી ટીમમાં જ્યાં પણ આપી શકાય ત્યાં મહત્તમ યોગદાન આપવાથી અને અન્યની નબળી બાજુઓને આપણી આવડતે પૂરી કરવાથી સદાય સફળતા મળે છે.
.
ટીમ બનતી નથી. બનાવવી પડે છે. જુદા જુદા લોકોની વિશિષ્ટ આવડતોનો ઉપયોગ કરીને, તેમની મર્યાદાઓને ધ્યાનમાં લઈને તેઓનો યોગ્ય સમયે યોગ્ય ઉપયોગ કરવો, એક નબળો પડે ત્યારે તેના સ્થાને તુર્ત જ બીજો એ કાર્ય હાથ ઉપર લેવા તૈયાર જ હોવો જોઈએ. ટીમના દરેકનો ધ્યેય એક હોવો જોઈએ, કાર્ય શરૂ કરતા પહેલા જ જો ધ્યેય એક ન હોય તો એ કાર્ય કદી સાચી દિશામાં આગળ જ નહીં વધે, સફળતા તો દૂરની વસ્તુ છે. ‘જો નહીં હો સક્તા, વહી તો કરના હૈ…’ અસંભવ કશું નથી, એમ માનીને દરેક મુશ્કેલ કાર્યોને પૂરા કરતા જવાની શૃંખલા એટલે જ ધ્યેય પ્રાપ્તિનો અખંડ પ્રયાસ. મુશ્કેલીઓને પાર કરીને બધાને સાથે લઈને આગળ વધવાની ક્ષમતા એટલે જ સાચો ટીમ સ્પીરીટ. એકવીસમી સદીમાં આવો સ્પીરીટ જ સફળતા અપાવે.
.
છઠ્ઠું પગલું: ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ
.
ઈમેઈલ, વિડીયો કોન્ફરન્સ, સોશિયલ મીડિયા, એન્ડ્રોઇડ ફોન જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં સમર્થ હોવું જરૂરી છે. સમય સાથે તાલ મેળવવો અનિવાર્ય. ટેકનોલોજીના ઉપયોગથી ખુબ જ સમય બચાવી શકાય છે. (ઉદાહરણ: વિડીયો કોન્ફરન્સ, સીસીટીવી, ડ્રોન, સેટેલાઈટ ઈમેજ). સોશિયલ મિડિયાનો હકારાત્મક ઉપયોગ. એકાગ્રતા ભટકાવી દે એવો ઉપયોગ નહીં. ધ્યાન ભટકવું ન જોઈએ. અનેક એપ્લીકેશન્સ આવી ગઈ છે. તમામનો હકારાત્મક ઉપયોગ ખુબ જ ફાયદાકારક નીવડે.

સાતમું પગલું: હકારાત્મક અભિગમ
.
સફળ લોકો ક્યારેય ‘ડબલ માઈન્ડ’ કે ‘નકારાત્મક’ નથી હોતા. લક્ષ્ય નિર્ધારિત કર્યા પછી હકારાત્મક અભિગમ સાથે આત્મવિશ્વાસથી આગળ વધે તે જ સફળ થાય. જીવનમાં જે નક્કી કર્યું છે તે કરવા માટે સૌથી વધુ જરૂર છે. સ્વામી વિવેકાનંદ ઈશ્વરમાં વિશ્વાસ કરતા પહેલા પોતાનામાં વિશ્વાસ વ્યક્ત કરવાને વધારે મહત્વ આપતા હતા. પોતાનામાં વિશ્વાસ નહીં હોય તો હકારાત્મકતા કેળવાશે જ નહીં. જે દ્રઢ નિર્ધાર કરે છે તેના માટે કશું અશક્ય નથી. આપણે સામાન્ય વ્યકિતઓની અસામાન્ય સિદ્ધિઓથી આશ્ચર્યશકિત પણ થઈ જઈએ છીએ અને તેમનાં વખાણ પણ કરીએ છીએ. પરંતુ શું આપણે એમનામાંથી પ્રેરણા મેળવીએ છીએ? શું આપણી ભીતર આ આત્મવિશ્વાસ પેદા થાય છે કે આપણે પણ આવું કંઈક કરી શકીએ? સ્વામીજી આપણને એ પ્રેરણા પૂરી પાડે છે કે જીવનમાં આપણી આજુબાજુ બનવાવાળી નાનીમોટી, સકારાત્મક નકારાત્મક બધી જ ઘટનાઓ આપણને આપણી અમર્યાદ શકિતને પ્રકટ કરવાની તક પૂરી પાડે છે.
.
હકારાત્મક અભિગમ માટે “ના પાડવાની કળા” પણ એટલી જ અનિવાર્ય છે. ના પાડવાની હોય તો ના પાડવા માટેના નક્કર કારણો હોય છે. આ ના પાડવાની કળા જ સફળતાને મજબુત બનાવે છે. જો હકારાત્મક અભિગમ કેળવવો હોય તો યાદ રાખજો – ના પાડવાની હોય ત્યારે હા ન પાડતા. કારણ કે એવા સમયે પાડેલી હા માત્ર સમય જ નહીં પણ મનોસ્થિતિ પણ બગડવાનું કામ કરશે. હકારાત્મક રહેવાનો સર્વ પ્રથમ નિયમ છે કે મનથી એકદમ ફ્રેશ રહેવું અને ફ્રેશનેસને જ મહત્વ આપવું. નકારાત્મક વિચારધારા ધરાવતા વ્યક્તિઓને નજીક ન આવવા દેવા એ પણ એટલું જ જરૂરી છે. જો ભૂલથી પણ માનસિકતા ખરાબ કરી તો એની સીધી અસર નિર્ધારિત કરેલા લક્ષ્ય પર પડશે અને જયારે આવી નકારાત્મક અસર પડવાની શરુ થઈ જાય ત્યારે સફળતા પાછળ ધકેલાઈ જતી હોય છે.
.
એટલે જો સફળ થવું હોય તો આ સપ્તપદીનું પાલન કરવું અતિ આવશ્યક અને અનિવાર્ય છે.
.
અંતે
.
શ્રદ્ધા જ મારી લઇ ગઈ મંઝીલ ઉપર મને
રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ
.
આવી દ્રઢ શ્રદ્ધા, સમર્પણ, ધ્યેય-નિષ્ઠા, લક્ષ્ય અને અસરકારક ટીમ જ સફળતા અપાવશે.