સુપ્રીમ કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૭ના એક હિસ્સાને અપરાધની શ્રેણીમાંથી બહાર કરી દીધો છે. આઇપીસીમાં ૧૮૬૧ એટલે કે આજથી ૧૫૭ વર્ષ પહેલાં સામેલ કરવામાં આવેલી કલમ ૩૭૭ સમલૈંગિક લોકો વચ્ચે શારીરિક સંબંધોને અપરાધ માનતી હતી. સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો આપતા કહ્યું કે સમલૈંગિકતા હવે અપરાધ નથી. બે વયસ્કો પછી ભલે તે સમલૈંગિક હોય, તેઓ એકાંતમાં પોતાની સંમતિથી સંબંધ બાંધે તો તે ગુનો નથી. સુપ્રીમ કોર્ટે આજે કહ્યું કે સમલૈંગિક સમુદાયને પણ સામાન્ય નાગરિકો જેવો જ સમાન અધિકાર છે. લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડર (એલજીબીટી) કોમ્યુનિટીને વર્ષો સુધી પીડા, કલંક અને ડરના ઓછાયા હેઠળ રાખવા માટે માફી માંગવી જોઇએ એવું સ્પષ્ટ શબ્દોમાં સુપ્રીમ કોર્ટે કહ્યું. મુખ્ય ન્યાયાધીશે સમલૈંગિક સમુદાય માટે કહ્યું કે “હું જે છું એ છું. પરિણામે જેવો છું તે જ સ્વરૂપમાં મારો સ્વીકાર કરવામાં આવે.” આજે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે “સમલૈંગિક લોકોને સન્માન સાથે જીવવાનો અધિકાર છે તથા હવે સમલૈંગિકતા અપરાધ નથી. લોકોએ પોતાના વિચારોમાં પરિવર્તન લાવવું પડશે.”
.
૧૫૭ વર્ષ જૂની કલમ ૩૭૭ સાચી છે? ના, ના અને ના. આ કલમ ૩૭૭ બ્રિટિશ શાસન દરમિયાન તેમના કાયદાના આધારે લખાયેલી છે. આજે ૧૫૭ વર્ષ પછી પણ શું સજાતીય સંબંધોને “કુદરત વિરુદ્ધનું કૃત્ય” કે “અપ્રાકૃતિક” ગણાવીશું? કેવી રીતે ગણાવી શકીએ? સમાજમાં આ ૧૫૭ વરસમાં, અરે ૧૫૭ને ભૂલી જાવ, છેલ્લા ૫૦ વરસમાં જ કેટલા પરિવર્તનો આવ્યા છે. કોઈ વ્યક્તિ કઈ જાતિથી આકર્ષાય અને કઈ જાતિના પ્રેમમાં પડે છે (અહિં જાતિ એટલે નર કે માદા) તે એ વ્યક્તિનો અંગત નિર્ણય છે. જો એનાથી ત્રીજી વ્યક્તિને કોઈ નુકસાન ન થતું હોય તો સરકારને કે કાયદાને બોલવાની ક્યાં જરૂર છે? જ્યારે આંતરજ્ઞાતીય લગ્નો થાય છે ત્યારે તો સમાજની ઘણીબધી વ્યક્તિઓનો વિરોધ હોય છે. ફક્ત લગ્ન કરનાર યુગલ જ રાજી હોય છે. અને છતાં અદાલત, ન્યાયતંત્ર અને સરકાર બધા જ એ યુગલના પક્ષે હોય છે. તો પછી અહિં કેમ યુગલની મરજી નહિ અને કાયદાની મરજી જોવાની?
.
આ કલમ ૩૭૭માં બ્રિટિશ સરકારની તે સમયની માનસિકતા અને ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ નજરે પડે છે. ખ્રિસ્તી ધર્મમાં પરસ્ત્રીગમન, સજાતીય સંબંધો, વેશ્યાવૃત્તિ વગેરે જેવી બાબતો પ્રત્યે છોછ છે અને એ ધર્મના પ્રભાવમાં જ તે સમયના કાયદા ઘડાયા હતા. સેક્સ એ બે વ્યક્તિઓ વચ્ચેનું અંગત કર્મ છે જેની જાહેર ચર્ચા ન હોય. પરંતુ સેક્સને બંધ-બારણે જ કરવામાં આવતું અને જાહેરમાં ચર્ચી ન શકાય એવું કર્મ જાહેર કોણે કર્યું? એ જ અંગ્રેજોએ અને કદાચ એમના પહેલા આપણી ઉપર શાસન કરનાર મુગલ અને અન્ય વિધર્મી શાસકોએ. હિંદુ શાસ્ત્રોમાં તો સેક્સને હલકું કૃત્ય ન હોતું માનવામાં આવતું. જો સેક્સ એટલું હલકું કૃત્ય હોત કે જેની ચર્ચા કરી ન શકાય તો કોઈ મુનિએ સેક્સની કળા વિષે આખો ગ્રંથ શું કામ લખ્યો હોત? વિશ્વનો સેક્સ ઉપરનો સર્વપ્રથમ “કામસૂત્ર” જેવો વિશ્વપ્રસિદ્ધ ગ્રંથ લખનાર વાત્સાયન મુનિ હતા. જો હિંદુ ધર્મમાં સેક્સ વિષે છોછ હોત તો શું કામ (કોણાર્ક, ખજુરાહો, અને એવા અનેક) હિંદુ મંદિરોની દિવાલો ઉપર રતિક્રીડામાં રત યુગલોના શિલ્પો કંડારાયેલા છે?
.
એવી જ રીતે ખ્રિસ્તી ધર્મના પ્રભાવ હેઠળ વેશ્યાવૃત્તિને પણ અવૈધ ગણાવવામાં આવી છે. શું આપણા ધર્મમાં ગણિકાઓની વાત નથી? અપ્સરાઓ, ગણિકાઓ, વગેરેનું કેટલું ઉમદા ચિત્રણ છે આપણા હિંદુ શાસ્ત્રોમાં. એ કર્મને કે વ્યવસાયને ‘દેહનો વ્યાપાર’ એવું હિણપતભર્યું નામ આપીને કંઈ કેટલીય સ્ત્રીઓ પર દમન કરવાનું કામ એ જ બ્રિટીશરોના અવિચારી કાયદાઓએ કર્યું છે. જો સ્ત્રી દ્વારા સ્વૈચ્છિક રીતે કરવામાં આવતી વેશ્યાવૃત્તિને કાયદેસર કરવામાં આવે તો આપણા દેશમાં રોજે થતા બળાત્કારો આપોઆપ જ કાબુમાં આવી જાય એવું નથી લાગતું? દબાયેલો સમાજ કે જ્યાં સેક્સ સહજ રીતે પ્રાપ્ય નથી ત્યાં જ અબળાઓ પર અત્યાચાર થાય છે.
.
આ જ રીતે હિંદુ શાસ્ત્ર સજાતીય સંબંધો વિષે શું કહે છે? અરે કંઈ કહે છે પણ ખરું કે નહિ એ જાણવાની કોઈએ કોશિશ કરી? આપણા અનેક હિંદુ શાસ્ત્રો છે, જેમાં વેદો, ઉપનિષદો, શ્રુતિઓ, સ્મૃતિઓ, પુરાણો, વગેરેનો સમાવેશ થઈ જાય. વેદમાં અગ્નિ અને સોમની કથા, મિત્ર અને વરુણની કથા તથા ત્યારબાદના ધર્મગ્રંથોમાં હર અને હરિની કથા પણ છે તે પુરવાર કરે છે કે તે સમયે પણ સજાતીય સંબંધોને ગણતરીમાં લીધા હતા ભલે તે સમયે તેમાંથી સેક્સ્ચ્યુઅલ આનંદ મેળવવા માટેની ગણતરી તેમાં નહીં હોય. મિત્ર અને વરુણને તો “અયોની” બાળકો પણ હતા એવો ઉલ્લેખ શ્રીમદ ભાગવતમાં મળે છે. આજના સમયના “ગે કપલ” સરોગેટ મધરથી બાળક પ્રાપ્ત કરે તેવી આ વાત શ્રીમદ ભાગવતના છઠ્ઠા સ્કંધના અઢારમા અધ્યાયમાં છે. શ્રીમદ ભાગવતમાં ત્રીજા સ્કંધના વીસમા અધ્યાયમાં ૨૩ થી ૩૦ શ્લોકમાં પણ સજાતીય સંબંધોનો અછડતો ઉલ્લેખ કરેલ છે.
.
ભાગવતના પાંચમા સ્કંધના અંતિમ એવા ૨૬મા અધ્યાયમાં નર્કોનું વર્ણન કર્યું છે. સ્વાભાવિક રીતે જ નરક સમાજમાં રહેલી બદીઓ માટે અથવા તો સમાજમાં અસ્વીકાર્ય કાર્યો કરનારાઓ માટે હોય. જેમ આધુનિક શાસનમાં ન્યાયતંત્ર છે જે દંડ આપે છે એમ ધાર્મિક શાસનમાં દંડ સ્વરૂપે નરકની સજા કરવામાં આવે છે. જો આ ૨૬મા અધ્યાયના શ્લોક ક્રમાંક ૮થી ૩૬ને ધ્યાનથી વાંચવામાં આવે તો જણાશે કે આજના આધુનિક ન્યાયતંત્રમાં જે દંડનીય અપરાધ ગણાય છે એવા કેટલાય એમાં પણ દંડનીય અને નરકને પાત્ર છે. પરંતુ જે કૃત્યો ખ્રિસ્તી ધર્મ પ્રમાણે દંડનીય નથી અને માટે આપણા કાયદામાં પણ દંડનીય નથી તેને પણ આપણા ભાગવતમાં દંડનીય કે નરકને પાત્ર ગણાવ્યા છે. જેમકે સમાજના કોઈ એક વર્ગ દ્વારા પ્રાણીઓની હત્યા વગેરે. કુલ ૨૮ પ્રકારના નર્કો ગણાવવામાં આવ્યા છે. એમાંથી એકેય નરક ગણિકાને કે દેહવિક્રય કરતી સ્ત્રીને નથી આપ્યું. જોવાની ખૂબી એ છે કે ઘણા નરકો સ્ત્રીઓએ કરેલા અમુક કૃત્ય માટે છે પણ તેથી વધુ નરકો તો પુરૂષોના કૃત્યો માટે છે. એટલે લોકોનો એ દાવો પણ પોકળ છે કે આપણો ધર્મ અને આપણા શાસ્ત્રો પુરુષપ્રધાન સમાજના પરિણામે છે. આપણો ધર્મ અને સમાજ તથા શાસ્ત્રો શરુઆતથી જ સ્ત્રી-પુરુષ સમાનતામાં માનતો આવ્યો છે. સ્ત્રીને દબાવવાનો અને નબળી ગણાવવાનો સીલસીલો તો વિદેશીઓએ આપણી ઉપર કરેલા છેલ્લા ૬૦૦-૭૦૦ વર્ષના શાસનના પ્રતાપે છે.
.
ફરી પાછા આડા પાટે ચડીએ એ પહેલા મૂળ મુદ્દા પર આવું. આ નરકોનું વર્ણન કરતા અધ્યાયમાંના ૨૮ પૈકીના ૬, એટલે કે લગભગ પાંચમા ભાગના (૨૦ ટકા) નરકો સેક્સ સંબંધી પાપ (અપરાધો)ના ફળસ્વરૂપે પ્રાપ્ત થતા નરકો છે. આ નરકોના નામ છે, તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, તપ્તસૂર્મિ, વજ્રકંટક શાલ્મલી, પૂયોદ અને લાલાભક્ષ. આ છએ નરકોમાં જનારાઓ એક યા બીજા પ્રકારે સેક્સ સંબંધી પાપ કરનારા છે જેમાં અન્યની પત્ની, રજસ્વલા સ્ત્રી, પશુ વગેરે સાથે જાતીયસંબંધ બાંધનારાઓનો સમાવેશ થાય છે. પરંતુ આ ૨૮માંથી એકેય નરકમાં સજાતીય સંબંધો ધરાવનારા, વેશ્યા, ગણિકા કે દેહવિક્રય કરતી સ્ત્રી નથી જતી. હા, જે પતિ પોતાની પત્નીના દેહવિક્રયની કમાણી ખાતો હોય તે આમાંના એકાદ નર્કમાં જાય છે. તો એ શું દર્શાવે છે? એવું સ્પષ્ટ નથી થતું કે એ સમાજમાં સ્ત્રી વેશ્યાવૃત્તિ કરે તો તે બદચલન નહોતી બની જતી. કોઈ સ્ત્રી મજબૂરીમાં પોતાનું કે પોતાના બાળકોનું ભરણપોષણ કરવા માટે એ માર્ગ અપનાવે તો તેને પાપ નહોતું ગણવામાં આવતું.
.
એ જ રીતે જે શાસ્ત્ર માણસના પશુ સાથેના સંબંધો વિષે વાત કરતું હોય તે શાસ્ત્રને શું પુરુષ-પુરુષ કે સ્ત્રી-સ્ત્રી વચ્ચેના સંબંધોની જાણ નહિ હોય? જો જે ધર્મ આવા ખૂબ જ અલ્પપ્રમાણમાં થતા કર્મો વિષે પણ લખી શકતો હોય અને જેને નિંદનીય ગણતો હોય તે ધર્મએ કદી સજાતીય સંબંધો નહિ જોયા હોય? શક્ય જ નથી. તો પછી એ ધર્મમાં એવા સજાતીય ધર્મોને ક્યાંય નિંદનીય કે પાપ કે નરકના અધિકારી નથી ગણાવ્યા. એનો અર્થ એમ ન કરી શકાય કે ધર્મએ એ પ્રકારના સંબંધોને સ્વીકાર્યા છે? જો હજારો કે સેંકડો વર્ષ પહેલાનો આપણો સમાજ એ સંબંધોને સ્વીકારી શક્યો હોય તો આપણે કેમ ના સ્વીકારી શકીએ?
.
કામસૂત્રમાં ઋષિ વાત્સાયને બીજા ભાગના પ્રકરણ આઠ અને નવમાં સમલૈંગિકતા અને સજાતીય સંબંધો વિષે ઉત્કૃષ્ટ રજૂઆત કરી છે. અને તેને આધારે જ કોણાર્ક, ખજુરાહો, અને એવા અનેક હિંદુ મંદિરોની દિવાલો ઉપર સજાતીય રતિક્રીડામાં રત યુગલોના શિલ્પો કંડારાયેલા છે. કામસૂત્રમાં “તૃતીય પ્રકૃતિ” “સ્વૈરિણી” અને “કાલ્બ” દ્વારા સજાતીય સંબંધોને વણી લીધા છે. “નારદ-સ્મૃતિ” અને “ચરક-સંહિતા”માં પણ સજાતીય સંબંધોની વાત વિગતે કરી છે.
.
ભારતની બહાર નજર દોડાવીએ તો પ્રાચીન ઇજિપ્શિયન સંસ્કૃતિમાં પણ સજાતીયતા હતી તેવા ચિત્રો મળ્યા છે.અમેરિકાની પ્રાચીન સંસ્કૃતિઓ જેવીકે માયન,ઇન્કા,એજટેક,ઝેપોટેક,ઓલ્મેક અને બીજી ઘણી બધી સંસ્કૃતિઓમાં સજાતીયતા સામાન્ય હતી. કેથોલિક ચર્ચમાં સજાતીયતા ગુનો ગણાતી માટે સ્પેનીશ લોકોએ અમેરિકા કબજે કર્યું ત્યારે નવાઈ લાગેલી. અહી તો આ બધું સાવ સામાન્ય છે. જીવતા સળગાવી ભયાનક ક્રુરતા આચરી બધું બંધ કરાવી દીધું.ચીન અને જાપાનમાં સજાતીયતા હતી.આફ્રિકામાં પણ સજાતીયતા સામાન્ય હતી.અહી આફ્રિકન યોધ્ધાઓ યુવાન છોકરાને પત્ની તરીકે રાખતા હતા.અંગ્રેજો આવ્યા પછી બધું બંધ થઈ ગયું.
.
જો હજારો કે સેંકડો વર્ષ પહેલાનો આપણો સમાજ એ સંબંધોને સ્વીકારી શક્યો હોય તો આપણે કેમ ના સ્વીકારી શકીએ? આજે ઐતિહાસિક ચુકાદો આપીને ભારતની સર્વોચ્ચ અદાલતે ઇતિહાસે કરેલી ભૂલોને સુધારી લીધી.
.
(લેખન તથા ગુગલ મહારાજના સૌજન્યથી સંકલિત લખાણનું મિશ્રણ)