ધર્મ PUROHIT AJAY દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધર્મ

વર્ષ ૧૯૬૫ ભારત પાકિસ્તાન યુદ્ધ દરમ્યાન બનેલ સત્યઘટના પર

ટુંકી વાર્તા:- "ધર્મ"

વાર્તા સ્પર્ધા:- #GREAT INDIAN STORY

વિષય:- GEMS OF INDIA

Matrubharti,com/Post stories section

લેખક:- અજય પુરોહિત, જુનાગઢ, ગુજરાત,મો, 9879195341 mail:- purohit_ajay@ymail.com

­­­­­­­­_______________________________________________________________________

જેલમાં સેકન્ડ લેફ્ટેનન્ટ સુરજિતસિંહને યુધ્ધવિરામની જાણ થવા દેવાઇ ન હતી. તેની વર્દી તેનીજ સામે ફાડી, તેને પીઠ પર મોટા અક્ષરે "યુધ્ધકેદી" લખેલો ખરબચડો પહેરવેશ પહેરાવાયેલો હતો. .તેના બન્ને હાથ અને પગ પહોળા રખાવી કોટડીના દરવાજાના સળિયા સાથે સાંકળથી બાંધ્યા હતા અને આંખો પર કાળીપટ્ટી બાંધી હતી. બીજાપગને આરામ આપવા એક પગ પર ઊભા રહી, અને એમ બન્ને પગ વારાફરતી બદલાવી આખી રાત્રિ તેણે માંડ પસાર કરી હતી. પગમાં સોજા ચડી ગયા હતા. આખા શરીરમાં અસહ્ય દર્દ વચ્ચે, વહેલી સવારે તંદ્રાવસ્થામાં તેનું મસ્તક ડાબાખભે ઢળી ગયું હતું.

"કૈદી, ઉઠો, સાહબ બુલાતે હૈં." તેની કમરમાં રાઇફલનો કૂંદો મારી ચોકીદાર બરાડ્યો.

"સવાર પડી ગઇ હશે ? ", સુરજિતસિંહે વિચાર્યું, "આના કરતાં મોર્ચા પર શહીદ કેમ ન થઇ ગયો ?" અચાનક તેને મા સાંભરી, અને આંખોનો ભેજ પટ્ટીમાં પ્રસર્યો.

તેને સાહેબ સામે લાવી, ખુરશીપર બેસાડી પટ્ટી ખોલવામાં આવી. પ્રકાશથી તેની આંખો અંજાઇ ગઇ. થોડીવાર ધૂંધળું અને પછી ચોખ્ખું દેખાયું.

ટ્યુબલાઇટ પર ફૂદાં ઊડાઊડ કરતાં હતાં. દીવાલ પર બેઠેલાં ફૂદાં પર ત્રાટક કરતી ગરોળી છત પરથી નીચે સરકી. ફૂદું બેએક ફૂટનાં અંતરે બેઠું હતું. જોકે તેને ઊડી જવાની સ્વતંત્રતા હતી....

સામે મેડલો લગાડેલા ગણવેશમાં ત્રણ લશ્કરી અધિકારીઓ, બ્રિગેડિયર મલીક, કર્નલ અનવર હુસૈન અને કેપ્ટન માજીદખાન હથિયાર સાથે બેઠા હતા. મલીક મોટી મૂછો પર તાવ દેતો ચિરૂટ પી રહ્યો હતો. ટેબલપર વ્હિસ્કીની મોટી બોટલ, આઇસક્યુબ બાઉલ, ફોરસેપ પડ્યા હતા કમરામાં ચિરૂટના ધૂમાડા અને ઊંચી જાતની તમાકુની ખુશ્બૂ પ્રસરેલી હતી. ત્રણેયની આંખોમાં ખૂન્નસ હતું....

સ્ટૂલ પર પાણીનો ગ્લાસ અને જગ રાખ્યા હતા. સુરજિતના ગળામાં ભયંકર શોષ પડતો હતો પણ જગ તરફ પોતાની નજર ખેંચાયજ નહિં, તેમાટે સુરજિતે જાત સાથે તુમુલ સંઘર્ષ કર્યો..

"પ્યાસ લગી હોગી ?",મલીકે પૂછ્યું.

સુરજિતે મૌન સેવ્યું. તેનાં જડબાં તંગ થયાં, જગ પરથી નજર બીજે ખસેડી. મલીક ઊભો થઇ તેની પાસે આવ્યો. તેના વજનદાર બુટનો ઠક.. ઠક.. અવાજ ભયંકર લાગતો હતો. બન્નેએ રાનીપશુ ની માફક એકાદ મિનિટ એકબીજા સામે ત્રાટક કર્યું. મલીકે ચિરૂટનો ઊંડો કસ લઇ ધૂમાડા સુરજિતના ચહેરા પર ફેંક્યા. સુરજિતનો ચહેરો તમતમી ગયો. તેણે ચહેરો ઝાટકા સાથે બીજી બાજુ કર્યો.

"કૈદી, તું કિસ્મતવાલા હૈ,જો હમારી ફૌજને તુજે માર નહીંદીયા."

સુરજિતના હોઠ પીસાયા, મુઠ્ઠીઓ વળી ગઇ. તેણે ઊંડો શ્વાસ લઇ ફેફસાંમાં રોક્યો.

"હમારી તુજસે કોઇ દુશ્મની નહીંહૈ. અગર સચસચ બતાયેગા તો તુજે ચીકન, બીરીયાની ઔર કબાબ ખીલાયેંગે, વ્હિસ્કી ભી પીલાયેંગે." તેના હોઠ પાસે રાખી ગ્લાસનું પાણી જમીન પર ઢોળી નાખતાં," ઔર, ઠંડા પાની ભી." મલીકે કહ્યું.

"વરના..."પોતાના ડાબાહાથ પરના મકોડાને જમણા પંજાથી મસળતાં,"તુજે ભી ઇસતરહ.....સાલે કુત્તે...." માજીદખાને બરાડો પાડ્યો.

સુરજિતનો ચહેરો દાઢીએથી ઉંચો કરી, પેગ લગાવી અનવરે પૂછ્યું, ’'તેરા કપ્તાન કૌન હૈ?’'

’’...........''

''હમેં સબ પતા હૈ, કેપ્ટન અમરજિતસિંહ.... ઠીક હૈ ? "

સુરજિતના ધબકારા વધી ગયા, ગળામાં શોષ પડ્યો. તેણે થૂક ગળા નીચે ઊતાર્યું.

’’તુમ્હારે કીતને ખુફિયા ઇસ મુલ્કમેં હૈ? ક્યા નામ હૈ ઉનકા? તેરી કંપનીકો ક્યા કામ સૌંપા હૈ?" તેના વાળ પકડી, ચહેરો દીવાલ સાથે ભટકાડી, ચિરૂટમાંથી ધૂમાડા ઉડાડતાં મલીકે પેગ માર્યો.

’’દેખીયે....’’

’’ ’સર' બોલ સાલે હરામજાદે, યે વર્દી, યે મેડલ, યે મિલિટ્રીકેપ દીખાઇ નહીં દેતી ? તુમ્હારી આર્મીમેં ડિસિપ્લિન શીખાતે નહીંહૈ ? Mind well, you are talking to senior Military officers." બ્રિગેડિયરે ટેબલ પર જોરથી હાથ પછાડી ઘાંટો પાડ્યો. જેલની દીવાલો માં પડઘા પડ્યા.

’’સર, I sware, અભી હમારી દહેરાદુન મિલિટ્રી કોલેજમેં પઢાઇ ખત્મ ભી નહીં હુઇ કી અચાનક જંગ છીડ ગઇ. ઔર હમારી સારી બેચકી ફૌજમેં ઇમર્જંન્સી ભરતી હો ગઇ. ઐસી કોંન્ફિડન્સિયલ બાતેં મેરે જૈસે જુનિયરમોસ્ટ કો કૌન બતાયેગા?"

’’બ્લડી બાસ્ટર્ડ!’’ પૂરી તકાતથી બ્રિગેડિયરનો વજનદાર પંજો સુરજિતના ચહેરા પર વીંઝાયો. ’’સબ પતા ચલેગા, સા...લે....."

માજીદખાને કમરેથી પિસ્તોલ ખેંચી, " આગે શીખ રેજીમેન્ટ કહાં મોર્ચા ખોલનેવાલી હૈ ?"

’’સર, મેરા યકીન કીજીયે, મૈ ફૌજી કમ ઔર સ્ટુડન્ટ જ્યાદા હું. ઇમર્જંન્સી ભરતી કે દશ દિનોમેં હમેં ’છામ્બ’ મોર્ચે પર ભેજ દીયા. મેરે જૈસે જુનિયરમોસ્ટ કો યે સબ કૌન બતાયેગા? લેકીન મેસમેં હમારે ઓફિસર્સ આપસમેં કુછ સિયાલકોટ કી બાત કરરહે થે..." સુરજિતે ગપગોળો હાંક્યો.

ત્રણેય અધિકારીઓની નજર પરસ્પર ટકરાઇ, આંખો ઝીણી થઇ, માથાં ધુણ્યાં, મૂછો પર તાવ દેવાયા, હસ્યા,"ચીયર્સ...", વ્હિસ્કીના ગ્લાસ ટકરાયા....

"કૈદી કો પાની પીલાવ."

ઓર્ડર્લીએ સુરજિતને પાણી આપ્યું. સહરાની તરસ સામે ઝાકળબિંદુ જેવા ઘૂંટડાથી તરસનો ગુણાકાર થયો.

"ઔર પીલાવ." ઓર્ડર્લીના હાથમાંથી ગ્લાસ ઝૂંટવી સુરજિતે ક્ષણાર્ધમાં ખાલી કર્યો , ઓર્ડર્લીએ ત્રીજો ગ્લાસ પણ આપ્યો...

"કીતની ટેંકેં ઔર બટાલિયન યહાં હૈ? " પિસ્તોલના ટ્રિગર પર આંગળી રાખી, ઠંડું નાળચું તેના ચહેરા પર જોરથી દબાવી રાખી માજીદખાને પૂછ્યું.

’’સર, આપકી આર્મીમેં ભી મેરે જૈસે જુનિયર હોંગે, જીન્હોંને મેરીતરહ પહેલી તનખ્વાહ ભી ન લી હો. ઉન્હેં પાકિસ્તાની આર્મીકે બારેમેં કીતના પતા હોગા?"

"He is befooling us..." આંખો ઝીણી કરી અનવર હુસૈને માથું ધુણાવ્યું.

"અબે, તેરી..........સચ બતા સાલે કુત્તે ! કીતની ટેંકેં હૈ? એન્ટિટેંક તોપકી સાઇઝ ક્યા હૈ?" અનવર હુસૈનનો અવાજ ફાટી ગયો.

"..............." હવે ત્રણેય અધિકારીઓની ધીરજ ખુટતી જતી હતી.

સુરજિતે બારી બહાર નજર માંડી, સાથેજ તેના કાન પર માજીદખાનનો પહોળો, વજનદાર પંજો ચાબુકની જેમ વીંઝાયો. સુરજિતના કાનમાં તમરા બોલી ગયા, હોઠમાંથી લોહીની ધાર થઇ, આંખે અંધારાં આવી ગયાં.દર્દનાક ચીસ સાથે તે ખુરશી પરથી ઉથલી પડ્યો.

"અબ યાદ આયા...................?" અધિકારીઓએ ગાળો ભાંડી.

દીવાલપરનું ફૂદું અધમૂવું ફરસ પર પડ્યું હતું. ગરોળી ઝડપભેર નીચે ઉતરી આવી. દીવાલ પરથી ઊંચી થઇ પુંછડી ઊંચી કરતી, આનંદપૂર્વક ચીક.. ચીક.. કરતી, ફૂદાં સામે તાકી રહી. ફૂદું હવે ક્યાંય ઊડી જવાનું ન હતું. ગરોળીને પૂરી ધીરજ હતી.....

.......પણ ત્રણેય અધિકારીઓની ધીરજ ખૂટી ગઇ હતી....

"યે કાફિર ઐસે નહીં બોલેગા."દાંત ભીંસીને તેમણે થર્ડ ડિગ્રી ટોર્ચરનો નિર્ણય લઇ જ લીધો.

"દેખ, તું અભી બચ્ચા હૈ, ક્યું ખામોશ રહકર જિંદગી બરબાદ કરતા હૈ ? અગર સચ બતાયેગાતો ઇન્શાલ્લાહ, ’વોરમેન્યુઅલ’ કે મુતાબીક તેરી હિફાઝત કરેંગે ઔર જંગ ખત્મ હોતે હી તુજે ઇંન્ડિયન ગવરમેંટકો સોંપ દેંગે." મલીકે સુરજિતના મનોભાવોનું બારીકાઇથી નિરીક્ષણ કરતાં કહ્યું અને સ્વર બને તેટલો મુલાયમ કરી સુરજિતના માથે હાથ ફેરવી છેલ્લો પાસો ફેંક્યો, " અપની માં કી યાદ નહીં આતી બેટે ?"

"........." સુરજિતને આ સ્થિતિમાં પણ રમૂજ થઇ આવી !!

"ઠીક હૈ." ગ્લાસમાં વધેલું પાણી તેના ચહેરા પર જોરથી ફેંકતાં એક એક શબ્દ પર વજન દેતાં , ઠંડા, ક્રુર અવાજે અનવર હુસૈને કહ્યું,"અબ જો હોગા ઉસકી જીમ્મેવારી સીર્ફ તુમ્હારી હોગી "

"ઇસ કાફિર કુત્તેકી જરા ખાતીર બર્દાશ્ત કરના." સિગારેટનાં ઠૂઠાં બૂટ નીચે કચડતા, દીવાલ પર થૂકતા, ટેબલને લાત મારતા ત્રણેય બહાર નીકળી ગયા. ગ્લાસ નીચે પટકાઇને ખણણ.. અવાજ સાથે તૂટ્યા. તુટેલા કાચ આખા રૂમમાં વેરાયા. સુરજિત ધારદાર નજરે તેમની સામે તાકી રહ્યો.

ફરી તેની આંખો પર કાળીપટ્ટી બાંધીને, સાંકડી, અંધારી, બદબૂ મારતી કોટડીમાં તેને બંધ કર્યો. ફરી તેણે નવા હુમલા માટે જાતને તૈયાર કરવા માંડી. તેને વતન, કુટુંબ, મિત્રોની યાદ આવી પણ પોતાને ભાંગી પડતો રોકવા, યાદો ખંખેરી નાખવા, ટ્રેનિંગ ના પાઠો યાદ કર્યા.

ગરમી વધતાં વિકરાળ બનેલી તરસને લીધે અંગેઅંગ કળતું હતું. ’ ઓહ ! આ જીવલેણ તરસ.....’ પરંતુ આત્મસન્માન પાણીની આજીજી કરવાની ના પાડતું હતું.

"વાહે ગુરુ !ઘુંટડો પાણી, એ પણ મારા દેશને, શહીદોને છેહ આપીને ? "તેણે માથું ધુણાવ્યું.

’ફૌજીને મૌતનો ડર ? ભલેને આ ક્ષણે જ આવી જાય !!’ મિત્ર બલબીરની ગઝલ યાદ આવી ગઇ.’ મૌત તો ફૌજીની મહેબુબા છે!! તેના હોઠ મરક્યા,’ મા ભોમ માટે આવું મોત કોના નસીબ માં હોય? સ્વધર્મે નિધનમ શ્રેય:!’ હોઠ સખ્તાઇથી ભીડી તેણે માથું ધુણાવ્યું

તેનું મનોબળ તોડવાના અફસરોના તમામ પ્રયાસો નાકામ નીવડયા હતા........

ચરડડડ.....અવાજ સાથે કોટડીનો દરવાજો ખૂલ્યો. તેની આંખો પરથી પટ્ટી ખોલાઇ. અચાનક સો બલ્બ ઝળહળ્યા હોય તેવો તીવ્ર પ્રકાશ થયો. તેણે આંખો પર હથેળી દાબી. આ નવાં આક્રમણથી બચવા તેણે તરફડિયાં માર્યા. કોટડીમાં બરફની લાદીઓ આવી રહી હતી. તેની આંખો ફાટી ગઇ. તે ખૂણામાં કોકડું વળી ગયો. વાહેગુરુને તેણે યાદ કર્યા. જાતને દૃઢ કરીને તેણે આંખો મીંચી દીધી. તેણે વતન, કુટુંબ, મિત્રોની છેલ્લી યાદ કરી લીધી. અચાનક શ્વાસ તેજ થઇ ગયા.

ચોકિયાતોએ તેને બળજબરીથી નિર્વસ્ત્ર કર્યો, બળજબરી થી લાદી પર સુવડાવ્યો. ઠંડા નર્કનું આક્રમણ થયું. મોંમાંથી ’ઉફ્’ નીકળે અને દુશ્મનો તેનો રાક્ષસી આનંદ માણે તે ટાળવા જડબાં ભીંસ્યાં,મુઠ્ઠીઓ તાકાતથી વાળી,આંખો બળથી ભીડી, પીડાથી ચહેરો વિકૃત થઇ ગયો, પીડા વધતી જ ગઇ..... વધતી જ ગઇ....ચરમસીમાએ તેની ચીસોથી જેલની દીવાલોમાં પડઘા પડ્યા. આ વચ્ચેય તેણે માથે ઊભેલા ચોકિયાતોનું અટ્ટહાસ્ય સાંભળ્યું.......

ગરોળી તરફડતાં ફૂદાંને મોમાં પકડી દીવાલ પર ચડી.

સુરજિતની ચીસો જેલને દરવાજે પહેરો ભરતા સાજિદખાનને કાને અથડાઇ. સાજિદખાનને અંદાજ આવી ગયો. તેમની આંખોમાં ભેજ છવાયો, બન્ને હાથ આકાશ તરફ લંબાયા, હોઠ ફફડ્યા, '' યા અલ્લાહ, રહેમ કર,પરવરદીગાર !!"

સુરજિતને લાદીપરથી ઉતારી લેવાયો. દરવાજો ખૂલ્લો રહેવા દઇ ચોકિયાતો બહાર નીકળી ગયા. બરફની અસરથી તેનું ચિત્તતંત્ર, સંવેદનતંત્ર બહેરું પડવા લાગ્યું હતું. તે અર્ધબેહોશીમાં સરી પડ્યો. કેટલીયવારે તેના ચહેરાપર માખીઓના સળવળાટથી તેણે વિચાર્યું, ’હજી હું જીવું છું ?’ ખાત્રી કરવા તેણે આંગળીઓ હલાવી, પગ હલાવ્યા. ખડબચડી, ગંદી ફર્શની ગરમી તેનું શરીર ગ્રહણ કરી રહ્યું.આ તેના જીવન મટેની ઊર્જાનો છેલ્લો સ્રોત હતો......

પૂરું હોશ આવી ગયાની ખાત્રી કરી ચોકિયાતોએ તેને ફરી બળજબરી થી લાદી પર સુવડાવ્યો, લાદી પરથી ઉતાર્યો, ફરીથી.....

દર કલ્લાક, બે કલ્લાકે દર્દનાક ચીસોનું આવર્તન દરવાજે સાજિદખાનના કાન પર અથડાવા લાગ્યું. ચોકિયાતો, અફસરોને સ્પર્શ્યા વગર તેમને આનંદ આપતી કારમી ચીસો સાજિદખાનના હ્રદયને વીંધીને આરપાર નીકળી ગઇ. તેમનો શ્વાસ થંભીગયો, રાઇફલ પરની પક્કડ મજબુત થઇ ગઇ, નજર આકાશ તરફ ગઇ, ભય, ધ્રુણા અને કરુણાગ્રસ્ત ચહેરે સુરજિતની કોટડી તરફ પગલાં માંડ્યાં, તેમને સુરજિતના ઊંહકારા સંભળાયા, પગ અટકી ગયા, અંતરમાં આછો હાશકારો થયો, ’લડકા અભી ઝીન્દા હૈ.’ સાજિદખાન ફરી દરવાજે પાછા વળ્યા......

......પરંતુ સાજિદખાનને પોતાનીજ આ ચેષ્ટાની બીલકુલ ખબરજ નહતી....!!

પીડાની ચરમસીમાએ ફર્શ પર પડી રહેતાં, ’આ લોકો માહિતી માટે કોઇ પણ હિસાબે મને જીવતો રાખવા માંગે છે....’,વિચારતો વિચારતો સુરજિત બેહોશીની અસીમ, અનંત, અંધારી, ઊંડી ગર્તામાં સરી ગયો....

જેલરે ડો.અબ્દુલ કાદીરને બોલાવી કેદી જીવતો છે તેની ખાત્રી કરી. ડો.કાદીરે જેલરને ખૂબજ ઠપકો આપ્યો અને જરૂરી સુચનાઓ આપી. કલાકોની બેહોશી પાછી વળી ત્યારે બ્રિગેડિયર મલીક, અનવર હુસૈન અને માજીદખાન તેની માથે ઊભા હતા.

મૃત્યુની સરહદને સ્પર્શી લઇ ને સુરજિતને હવે મૃત્યુનો ભય ટળી ગયો હતો. તેની ઉજ્જડ, વેરાન, ભેંકાર આંખો જોઇને મલીકનું હ્રદય ધબકારા ચૂકી ગયું. તેણે ફક્ત ઇશારાથી પૂછ્યું, ’હવે બોલવું છે કે નહિં?’

સુરજિતના પ્રતિભાવની રાહ જોતા ત્રણેય મૂંગા, તેને તાકતા ઊભા રહ્યા. ત્રણેય ને હ્રદયના ધબકારા કાનમાં સંભળાતા હતા. ત્રણેયને પોતાની જાત માટે નફરત થઇ કે ત્રણત્રણ અધિકારીઓ તેને એકને હજી પણ નમાવી શક્યા ન હતા.

"યે સુવરકા બચ્ચા, ઐસે નહીંમાનેગા. સાલેકી ગાંડમેં કરંટ લગા, દેખતા હું કૈસે ઝબાન નહીંખોલતા હૈ?" ઘવાયેલા બ્રીગેડીયરે દીવાલ પર થૂકતાં,માથું ધૂણાવતાં છેલ્લો દાવ અજમાવ્યો.

અને ખરેખર ફિલ્ડ ટેલિફોન મંગાવી, ફોનના ખૂલ્લા વાયર બળજબરીથી તેના મળદ્વારમાં ઘુસાડી, ટેલિફોનનો ચંદો વારંવાર ઘુમાવી, તેના શરીરમાં વીજળીના ઝટકા અપાયા. સુરજિતની મરણચીસો જેલની દીવાલોને વળોટી ગઇ. તેના મળદ્વારમાંથી લોહી વહેવા લાગ્યું. અમાનુષી ત્રાસ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં તે ખોરાકનો કોળિયો કે પાણીનું ટીપુંય પામ્યો નહતો. અશ્રુ અને મૃત્યુ વચ્ચે, બેહોશી એ કુદરતનો વધુ એક આશીર્વાદ છે. સુરજિત ફરીથી બેહોશીની ગર્તામાં સરી ગયો....

કલાકોની બેહોશીના અંતિમ તબક્કામાં, અચેતસ માનસમાં સુરજિતે પોતાનું શરીર હળવુંફુલ, વજનવિહીન અનુભવ્યું. શરીર જેલની અંધારી કોટડીમાં પડ્યું હતું અને પોતે શરીરની મર્યાદા અતિક્રમી સમળીની માફક ઊંચે, ખુબ ઊંચે આકાશમાં પાંખો પ્રસરાવી, આનંદપૂર્વક, હવામાં તરતાંતરતાં પોતાના શરીરની ચોકી કરી રહ્યો હતો. પોતે શરીરધારી ફૌજીમાંથી ઊર્જા સ્વરૂપ બની ગયો હતો. આકાશમાં શ્વેતહંસોનાં ટોળાં ઊડી રહ્યાં હતાં. પ્રકાશ..અદભુત પ્રકાશ....અને છતાં ચંદ્ર, તારાઓ, ગ્રહો દ્રશ્યમાન હતા. અદભુત, અકલ્પનીય, અવર્ણનીય આનંદ...પરમસુખ...શાશ્વત સુખની અનુભૂતિ કરતો લેશમાત્ર થાક કે પીડા વગર, કિલકારીઓ મારતો, પોતાના શરીરની ચોકી કરતો તે આનંદપૂર્વક હવામાં તરી રહ્યો હતો........

.....સરહદની સામે બાજુ લાખો ત્રિરંગા હવામાં લહેરાઇ રહ્યા હતા. પોતાના દેશનો વિજય થયો હતો. યુધ્ધકેદીઓની સોંપણી ચાલુ હતી. વડાપ્રધાન, સંરક્ષણમંત્રી, મુખ્યમંત્રી, આર્મી ઓફિસર્સ સહિત લાખોની મેદની વાઘા ચેકપોસ્ટ પર હાજર હતી. દાદી, માતાપિતા, ભાઇ બહેન, મિત્રો તેનું સ્વાગત કરવા આવ્યા હતા.દેશભક્તિનાં ગીતો માઇક પર ચાલુ હતાં."જય હિન્દ","ભારતમાતાકી જય", "વંદે માતરમ્" ના નારા ગુંજતા હતા. અબીલ ગુલાલ ઊડતા હતા. અસંખ્ય હાર વડે તેનું સ્વાગત થયું. "લેફ્ટેનન્ટ સુરજિતસિંહ જિંદાબાદ.." ના ગગનભેદી નારા વચ્ચે મેદનીએ તેને ઊંચકી લીધો હતો......

......અચાનક બધાં દ્રશ્યો સ્થિર, ચિત્રવત બની ગયાં.વાતાવરણ નિ:શબ્દ,શાંત બની થંભી ગયું.સામે લાખોની મેદની નહીં, ફક્ત મા, ગુરપ્રીતકૌર ઉભી હતી.માનું શરીર સુકાઇ ગયું હતું પરંતુ ગર્વથી ટટ્ટાર ઊભી હતી. પાકિસ્તાની આર્મીએ તેના પર કર્યા તેનાં કરતાં કેટલા ગણા વધુ જુલ્મ માએ પોતાની જાતપર કર્યા હશે, ત્યારે અશ્રુ ખાળી રાખવાનું સામર્થ્ય પ્રાપ્ત કર્યું હશે? મા વ્રુધ્ધ હોઇ શકે ? પણ ના, મા વૃધ્ધ થઇ ગઇ હતી. યુધ્ધનો ભાર વેઠીને સરહદની બન્ને બાજુએ કેટકેટલી માતાઓ ગણતરીની દિવસોમાં અકાળે વ્રુધ્ધ થઇ જતી હશે ?

આંસુએ માના ચહેરા પર ઊંડી ખીણ રચી દીધી હતી. યુધ્ધનો ભાર વેઠવા છતાં, તે ગર્વથી ટટ્ટાર ઉભી હતી!! તેની કરૂણામય આંખો, ધ્રુજતા હોઠ, ધ્રુજતી આંગળીઓ વડે બંધ હોઠોમાંથી ફક્ત ઊદગારો સરી રહ્યા હતા.

"બેટે..." ગુરપ્રીતકૌર સુરજિતને જડની જેમ વળગી પડી હતી.

"બેટે..."શબ્દ સાથેજ બેહોશીમાં તીરાડ પડી. પોતે આકાશમાં નહીં પણ જેલની કોટડીમાં પડ્યો હતો .મસ્તક પર કોમળ હાથ તો માનો ફરી રહ્યો હતો.....પણ આ કાબરચીતરી દાઢીવાળો પુરુષ કોણ છે? પુરુષનો સ્પર્શ...અને આટલો કોમળ ? દુશ્મન દેશનો સિપાહી, અને તેની આંખોમાં ધ્રુણા ને બદલે કરુણા?? સુરજિતે આંખો ચોળી.

"બેટે...મૈં સાજિદખાન હું. ઇન્શાલ્લાહ આપ જૈસા બહાદુર ફૌજી મૈંને આજતક નહીંદેખા."

રમઝાન ઇદને કારણે જેલનો મોટાભાગનો સ્ટાફ રજાપર હતો. ખાસ ચહલપહલ ન હતી.જેલ માં નિરવ શાંતિ હતી.

"મેરે ભી દો બેટે હૈ, સલીમ ઔર રઝાક. દોનો કશ્મીર મોર્ચે પર જંગ લડ રહે હૈ. કોઇ ખત ખબર નહીંહૈ ઉનકી. બડી ફીક્ર હો રહી હૈ દોનો કી. કહાં હોંગે વો ? યા અલ્લાહ !!" સુરજિત ની પાસે બેસી, કોટડીની દીવાલ પર માથું ટેકવી, વેન્ટિલેટરની બહારના નાનકડા આકાશમાં ભીની, શુન્ય નજરે કશુંય નહીં તાકી રહેલ સાજિદખાન બોલ્યા.

"બેટે.., મૈં એક પાક મુસ્લીમ હું. હમદોનો રોજાના પાંચ નમાજ અદા કરતેં હૈં. મૈં કુર્રાનકો માનતા હું. રસુલેખુદા પયગંબરને કુર્રાનમેં પનાહ મેં આનેવાલે કો ખાના ખીલાનેકો ઔર ઉસકી હિફાઝત કરનેકો કહા હૈં."

થોડીવાર સન્નાટો છવાઇ રહ્યો.

"બેટે તુમ ગુનહગાર નહીં, ફૌજી હો. ઔર અપને મુલ્કકી હિફાઝત ફૌજીકા મજહબ હૈ. હમારી વર્દીકા સીર્ફ રંગહી અલગ હૈ, મઝહબ એક હી હૈ,ઔર વો હૈ ફૌજીકા. સચ્ચા ફૌજી કભી યે નહીંકર શકતા, જો મલીકસા’બ, અનવરહુસૈનસા’બ ઔર માજીદખાન આપ પર ગુઝાર રહેં હૈ." સાજિદખાનની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા." ઇસ્લામ ઇસકી ઇજાજત નહીંદેતા, લેકિન મૈં છોટાઆદમી હું"

બે દુશ્મન રાષ્ટ્રના, બે આમઆદમી વચ્ચે જેલના એકાંતમાં, સંતાનોની ચિંતા, ઝળઝળિયાંનો સેતુ રચી રહી હતી.

"હમ આમઆદમી હિંદુસ્તાનકે સાથ અચ્છે તાલ્લુકાત ચાહતે હૈં. હમારે કઇ રિશ્તેદાર વિભાજનકે દૌરાન આપકે પંજાબ, રાજસ્થાનમેં રહ ગયેં હૈં. આજભી હમારે લોગોં કે અચ્છે તાલ્લુકાત ઉનલોગોં કે સાથ હૈ. પીછલે સાલ હી મેરી ભાનજીકી શાદી અજમેર, રાજસ્થાનમેં હુઇ હૈ. ઔર હમભી ખ્વાજાપીર અજમેર ચદ્દર ચઢાને જાતે હૈં. કઇ લોગ હરસાલ વહાં બંદગી કે લીએ યહાંસે જાતે હૈ, લેકીન યે કુર્સીવાલે નહીં ચાહતે કી અમનસે રહે હમલોગ..... કહાં હોંગે મેરે દોનો બેટે ??"

સ્તબ્ધ સુરજિત એક કાન થઇ સાજિદખાનને સાંભળી રહ્યો. ફરી સન્નાટો છવાઇ રહ્યો.

"આજ રમઝાનકા આખરી રોઝાથા. હમદોનોનેં સલીમ ઔર રઝાક કે સાથ આપકીભી હિફાઝત કે લીયે રોઝા રક્ખાથા. દોનો લડકોંકો યાદ કરકે સલમા ને આપકે લીયે અસલી ઘી કા હલવા ભેજા હૈ. બેટે, પ્લીઝ, ઇન્કાર મત કરના,. રમઝાન ઇદકે દિન આપ ખાઓગે, તો સલમા કહતીથી, યે હલવા કશ્મીર મોર્ચે પર સલીમ ઔર રઝાક દોનો તક પહુંચ જાયેગા, ઔર સલમાકો ભી બડા સુકુન મિલેગા." સાજિદખાન ગળગળા થઇ ગયા.તેમની બન્ને આંખો તગતગતી હતી.

સાજિદખાનનો અવાજ એકદમ નીચો થયો,"દેખો બેટે, કલ સુબહ તક મેરી યહાં ડ્યુટી હૈ, ઔર આજ યહાં કોઇ નહીંહૈ.આપ બેફિક્ર હોકે હલવેકા મઝા લુંટીયે, સાથમેં અદરક, ઇલાયચી વાલી ગરમાગરમ ચાય ભી હૈ, યે પાની હૈ. આપ ચૈન સે આરામ ફરમાયેં, ઔર તાકાત પાઇએ. યે કમ્બલ ભી હૈ. મૈં ખુદ કૌટરી બંધ કરકે બાહર પહેરા ભર રહા હું. ડરીયેં મત, ખુદાઆપકો સલામત રક્ખે. Best of luck ખુદાહાફીઝ."

સુરજિતની ભાવવિહીન આંખોમાંથી અશ્રુબિંદુ સર્યું.

સાજિદખાને આકાશતરફ આભારવશ દ્રષ્ટિ કરી, હાથ ફેલાવી દુવા માંગી, કોટડીને તાળું માર્યું, અને બહાર એટેન્શનની મુદ્રામાં રાયફલ સાથે પહેરો ભરતા ઊભા.

અંદર સુરજિતસિંહ દુશ્મન દેશમાં, દુશ્મન સિપાહીના હાથે, બે રાષ્ટ્રની અસહાય માતાઓને સેતુરૂપે જોડતો સ્વાદિષ્ટ હલવો ખાઇ, માતાને યાદ કરતો, સલમાબીબીના ચહેરાની કલ્પના કરતો અને તેમાં ગુરપ્રીતકૌરની છબી શોધતો, ગાઢનિદ્રામાં સરી પડ્યો.

અડધીરાત્રે સાજિદખાને આકાશતરફ દ્રષ્ટિ કરી ઇદના ચાંદનાં દર્શન કર્યાં તેમાં સલીમ અને રઝાક ના ચહેરા શોધ્યા, ગળે ડૂમો બાઝ્યો, પણ ચહેરા પર ઊંડું પરિતોષભર્યું હાસ્ય ફરકી ગયું. ચાવી ખીસ્સાંમાંજ છે તેની ખબર પણ હતી છતાંય, તેમણે અમથો અમથો હાથ ખીસ્સાંમાં સેરવી ચાવી સલામત છે ને ? તેની ખાત્રી કરી લીધી. સુરજિત, સલામત છે તેનો હાશકારો થયો

ત્યારે તેમનાં ખીસ્સાંમાં રહેલી કોટડીની ચાવીમાં રાષ્ટ્રધર્મ અને ઇસ્લામધર્મ, માનવધર્મ માં એકરૂપ થઇ ગયા હતા..

_______________________________________________________________________________________

પુસ્તકનું નામ:- “પાકિસ્તાન મેં યુદ્ધકૈદ કે વે દિન ”

લેખક:- બ્રિગેડિયર અરુણ બાજપેયી

કથાના નાયક :- ખુદ બ્રિગેડિયર અરુણ બાજપેયી

૫, મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી,

જેઓ ૧૯૬૫ યુદ્ધ દરમ્યાન પશ્ચિમ પાકિસ્તાન, ૧૯ સપ્ટેમ્બરના, “ડાલી” થી ”નૌપટિયા” ગામ વચ્ચે પાકિસ્તાનના બોમ્બમારામાં યુદ્ધકેદી તરીકે પક્ડાયા હતા. ત્યારે તેમની ઊંમર ૨૧ વર્ષ હતી. તેમની સાથે કેપ્ટન આર.વી. સિંહ પણ યુદ્ધકેદી તરીકે પક્ડાયા હતા. તેમના કમાંડિંગ ઓફિસર લેફ્ટેનેંટ કર્નલ રતનસિંહ હતા. તેમના બીજી કમાનના ઓફિસર મેજર વી.આર. સાવલે હતા.

સંદર્ભ:- “પાકિસ્તાન મેં યુદ્ધકૈદ કે વે દિન”

લેખક:- બ્રિગેડિયર અરુણ વાજપેયી (કથાનાયક ખુદ)

પુસ્તક પ્રાપ્તિસ્થાન:- જુનાગઢ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, જુનાગઢ

પુસ્તક નં:- R/ 8069, લોકેશન- 365.95941

પ્રકાશન:- રાધાક્રિશ્ન પ્રકાશન, દિલ્હી