કેદી નંબર- ૧૨૧ (ભાગ- ૧) Alkesh Chavda Anurag દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કેદી નંબર- ૧૨૧ (ભાગ- ૧)

@@@   કેદી નંબર :- ૧૨૧    (ભાગ:-૧)

'C'  આકારે ચણાયેલી અને મજબૂત પથ્થરોથી રક્ષાયેલી બે માળની વિશાળ જેલ ના એવાજ વિશાળ મેદાનમાં આજે રાજ્યના ગૃહ પ્રધાન ની અધ્યક્ષતામાં એક સુંદર અને કોઈને કોઈ ગુનાહિત કાર્ય કરી પોતાના જીવનના અમૂલ્ય વર્ષો સજાના રૂપમાં જેલમાં ગાળી રહેલા વિશ વર્ષ થી માંડી સાહિઠ વર્ષ સુધીના કેદીઓના મનોરંજન તેમજ મનોમંથન માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સભા મંડપમાં ગૃહપ્રધાન ની સાથે એમનો આખો પરિવાર પણ છે. સાથે સાથે રાજ્યના ડી.જી.પી. સાહેબ, પી.એસ.આઈ. સાહેબ,જેલર સાહેબ તેમજ નાનામોટા મહાનુભાવો મળી કુલ દસેક મહેમાનો પણ ઉપસ્થિત છે. સામેની બાજુ જેલમાં સજા ભોગવી રહેલા લગભગ સો દોઢસો કેદી ઓ એમના કેદીના પરિવેશમાં પલાંઠી વાળી હારબંધ ગોઠવાયેલા છે. આગળની હરોળમાં એ દસ કેદીઓ બેઠેલા છે કે જેમને આજે ગોઠવાયેલા કાર્યક્રમમાં પોતાની મનગમતી કલા રજૂ કરવા માટે ભાગ લીધેલ છે... 

મહેમાનોના શાબ્દિક તેમજ ફુલહારથી સ્વાગત બાદ જેલર અગ્રવાલ સાહેબે ઉભા થઇ આજના કાર્યક્રમની રૂપરેખા બાંધતા અને પોતાનું વક્તવ્ય રજૂ કરતા જણાવ્યું કે... "નાદાનિમાં કે અણસમજમાં, મજબૂરીમાં કે કોઈ રોફમાં કોઈને કોઈ કારણથી જેલમાં સજા ભોગવી રહેલા મારા પરિવારના સભ્યો જેવાજ મારા આત્મીય કેદી ભાઈઓ..." સાહેબના આટલા સંબોધન માં એટલી તો આત્મીયતા ટપકતી હતી કે ત્યાં બેઠેલા તમામ કેદીઓ સાથે એક લાગણીનો તાર બંધાઈ ગયો હતો. બાદમાં પોતાનું ટૂંકું પણ ખૂબ ચોટદાર વક્તવ્ય પૂરું કરી જેલર અગ્રવાલ સાહેબ પોતાના સ્થાન પર બિરાજ્યા અને કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. સ્પર્ધાનો નિયમ એવો હતો કે જે જે કેદીઓએ ભાગ લીધો હતો એમના કેદી નંબરનીજ ચિઠ્ઠીઓ બનાવેલી હતી અને એ સ્ટેજ પર રાખેલા એક બોક્સમાં મુકવામાં આવી હતી. જે ગૃહ પ્રધાન ના હાથે એક એક ખેંચવી અને જે નંબર આવે એ નંબરના કેદી એ સ્ટેજ પર આવી પોતાની કૃતિ રજૂ કરવી... 

એક એક ચિઠ્ઠીઓ ખેંચાતી ગઈ અને વારાફરથી એક એક કેદી સ્ટેજ પર આવતો ગયો... પોતાના ભૂતકાળ કે ભવિષ્યની ચિંતાઓને બાજુ પર મૂકી કોઈએ મિમિક્રી તો કોઈએ ફિલ્મી ડાયલોગ, કોઈએ ગીત તો કોઈએ અભિનય, કોઈએ ડાયરો તો કોઈએ હાસ્ય પ્રસંગો આમ અલગ અલગ કૃતિ રજૂ કરી અને છેલ્લે વધેલી એક ચિઠ્ઠી પણ સાહેબના હાથે ખેંચવામાં આવી જેના પર નંબર લખાયેલો હતો...'કેદી નંબર:- ૧૨૧'  ખુબજ શાલીનતાથી અને ગંભીરતાથી ધીમે ધીમે ડગલાં ભરતો એ કેદી સ્ટેજ પર આવ્યો. જેલમાં છેલ્લા પાંચ વર્ષથી ખૂન કેશની સજા ભોગવી રહેલા માત્ર અઠિયાવીસ વર્ષના યુવાન અને અનોખા કેદી એ જ્યારે ચહેરા પર એક પ્રકારના સંતોષ અને હોઠો પર આછેરા સ્મિત સાથે સ્ટેજ પર રાખેલી પૂજ્ય મહાત્મા ગાંધીની છબીને વંદન કર્યા ત્યારે ત્યાં બેઠેલા તમામ મહાનુભાવો ને એટલું તો સમજાઈ ગયું કે...શાંત અને ગંભીર દેખાતા આ વ્યક્તિની ભીતર જરૂરથી કઈક અલગ પ્રકારનો ભૂતકાળ વસેલો છે... અને કેદી નં.૧૨૧ એ પોતાની કૃતિ રજૂ કરતા જણાવ્યું કે... 'આજે મારે બોલવું છે સંબંધ વિશે...' સંબંધ જેવા અઘરા વિષયની પરિભાષા કરવા ઉભો થયેલો વ્યક્તિ અને એ પણ કેદી આ વિચારથી ફરીથી સૌ આશ્ચર્ય ચકિત હતા અને એ શું બોલશે એની રાહમાં એકાગ્ર થઈ સૌ એની તરફ જોઈ રહ્યા એને સાંભળી રહ્યા... અને પોતાના વિષય પર બોલવાની એણે શરૂઆત કરી...

"વર્ષો વીતવા છતાં,
લાગણી રહે અકબંધ...
એનું નામ સંબંધ..."
સાયરીથી સંબંધની વ્યાખ્યા કરાતા તાળીઓના ગડગડાટ થી આખુ જેલ પરીશર ગુંજી ઉઠ્યું... અને એનું વક્તવ્ય આગળ ચાલ્યું...
"જેમ જગત પરિવર્તનશીલ છે એમ માનવીય લાગણીઓ પણ પરિવર્તનશીલ છે... શક્ય છે કે આજે એકબીજા પર આંખો મીંચી વિશ્વાસ કરતા બે વ્યક્તિ કદાચ કાલે દુષમન પણ બની જાય...એમના સંબંધ માં આવેલી આ ઓટ માં ચોક્કસ સ્વાર્થવૃત્તિ આવી જાય તો આવુ બને. નહિતર નિસ્વાર્થ ભાવે નિભાવાતો સંબંધ છેલ્લા શ્વાસ સુધી અકબંધ રહે છે..."

આમ લગભગ અડધો કલાક સુધી એ કેદી નું વક્તવ્ય ચાલતું રહ્યું અને વક્તવ્યના સમાપનમાં પણ એને એક પંક્તિ સંભળાવી કે... 

"સંબંધ એટલે એકબીજા પર ઈશ્વરથી પણ અધિક વિશ્વાસ રાખી એકમેકના આત્મામાં ધબકતા હું અને તું..."
 
સાંભળનાર સૌ એકી શ્વાસે એને સાંભળતા રહ્યા અને આશ્ચર્ય ચકિત હતા કે સંબંધ વિશે આટલી સરળ ભાષામાં બોલનાર આ વ્યક્તિ ચોક્કસ જીવનના કોઈ એવા અનુભવ માંથી પસાર થયેલ હશે કે જેથી એનું ભીતર મન આટલું ઊઘડ્યું છે... સાથે સાથે સૌ ને એ પ્રશ્ન હતો કે સૌમ્ય,શુસીલ અને તેજસ્વી આ વ્યક્તિ અહીં કેદી ના રૂપમાં કેમ...??? કારણ ત્યાં હાજર મહેમાનો તો ઠીક છે પણ એની સાથે રહેતા કેદી ઓને પણ એના આ જેલવાસના કારણ ની ખબર ન હતી... હાજર સૌ મહાનુભાવોમાં એ કેદી પ્રત્યે વિશેષ લગાવ અને લાગણી તેમજ એના વિશે જાણવાની વિશેષ જિજ્ઞાસા ગૃહપ્રધાનની લાડકવાયી અને પચ્ચીસ વર્ષની દીકરી સાનવી ને થઈ... પોતાનું વક્તવ્ય પૂર્ણ કરી સ્ટેજથી નીચે ઉતરી રહેલા એ કેદી ના એક એક ડગલાં પર સાનવી ઝીણવટ ભર્યું અવલોકન કરતી રહી...

"પપ્પા, મનોવિજ્ઞાન વિષયમાં મારું પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું છે હવે હું કેદી ઓના મનોવિજ્ઞાન માં પી.એચ.ડી. કરવા માગું છું..." રાજ્યના ગૃહપ્રધાન ની દીકરી સાનવી એ પિતા પાસે પોતાના અભ્યાસની પરવાનગી માંગી અને ઉદાર દિલના પિતાએ તરત પરવાનગી પણ આપી દીધી... હવે અંગરક્ષકોના લાવ લશ્કર સાથે સાનવી ના કદમ રોજે રોજ ઉપડી પડતા એ જેલ તરફ કે જ્યાં પંદર દિવસ પહેલાના એક કાર્યક્રમમાં કેદી નં.૧૨૧ વિશે જાણવાની જિજ્ઞાસા ના બીજ એની મનોભુમી પર રોપાઈ ચુક્યા હતા... રોજે રોજ સાનવી જેલમાં આવે કેદી ઓની રીતભાત એમની રોજિંદી ક્રિયાઓ વગેરેનું અવલોકન કરે અને પોતાની ડાયરીમાં એની નોંધ કરે... એની વિશેષ નજર કેદી નં.૧૨૧ પર રહેતી... એક દિવસ સાનવી એ જેલથી પોતાના ઘરે પાછા ફરતા પહેલા એક કાગળ કોટડી નં.૪ માં રહેલ કેદી નં.૧૨૧ ના હાથમાં આપ્યો અને આંખોમાં અપાર લાગણી સાથે માત્ર એટલુજ બોલી કે... "જવાબની કોઈ ઉતાવળ નથી,તમને યોગ્ય લાગે ત્યારે જવાબ આપજો..." ગૃહપ્રધાન જેવા ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન વ્યક્તિની એકની એક દીકરીએ પોતાને પત્ર આપ્યો આ વાતથી એને ખૂબ આશ્ચર્ય થયું અને સાનવી ના ગયા બાદ એ પત્ર ખોલી વાંચ્યો પણ ખરો પરંતુ હવે આ બધી વાતોનો કોઈ મતલબ નથી એવું વિચારી પત્ર ને બાજુ પર મૂકી દીધો. બીજા દિવસે પણ એજ ઘટનાનું પુનરાવર્તન... સાનવી નો એજ લાગણીસભર ચહેરો અને એજ પત્ર ,પત્રમાં એજ સવાલ... આવી ઘટના ચાર દિવસ સતત ચાલી. અને એ રાત્રે એને ઊંઘ ન આવી એ વિચારતો રહ્યો કે આટલી બધી લાગણી એક કેદી પ્રત્યે દર્શાવનાર એ યુવતી ને હું શા માટે નિરાશ કરું...!!! અને નક્કી કર્યું કે સવારે એ પોતાનું નામ એને જણાવશે... 

સવાર પડતા સાનવી જેલમાં આવી અને આજે એ પત્ર આપે તે પહેલાં એ કેદી નં.૧૨૧ એ પોતાનું નામ જણાવ્યું... "મારું નામ આશુતોષ છે"  "વાહ, ખૂબ સરસ ,હવે હું આપને તમારા નામથી જ બોલાવીશ... આશુતોષ. મારા માટે તમે ૧૨૧ નંબર નહિ પણ એક આત્મીય વ્યક્તિ આદિત્ય છો... " ફરી એકવાર આંખોમાં અનોખી ચમક અને ભીતર લાગણીના પાવન ઝરણા થી સાનવી એ કેદી આદિત્યને આટલું કહેતી ગઈ...આદિત્ય અને સાનવી વચ્ચે હવે એક પ્રકારનો નાતો બંધાઈ ગયો હતો... એમના સંબંધમાં હવે નજીકતા હતી. પોતાના ઘેર થી આશુતોષ માટે લાવેલું ટિફિન ખવડાવતા ખવડાવતા આજે સાનવી એ પૂછીજ લીધું... " આશુતોષ, જો આપને વાંધો ન હોય તો તમે મને તમારા ભૂતકાળ વિશે જણાવશો... મારે જાણવું છે કે સંબંધ ને આટલી ભીતરથી જાણનાર વ્યક્તિ માત્ર ત્રેવીસ વર્ષે આ જેલમાં કઈ રીતે આવી ગયો...એવું તો શું બન્યું તમારા જીવનમાં કે યુવાનીના જે દિવસો મોજ શોખ ,મિત્રો સાથે મસ્તી અને ભવિષ્યના સુંદર ઘડતર માટે વીતવા જોઈએ એ અહીં જેલની કાળકોટડી ના અંધકારમાં આમ શાંત બની વીતી રહ્યા છે...!!!" જવાબમાં આશુતોષ બોલ્યો..."જુઓ સાનવી હું જે સજા ભોગવી રહ્યો છું એ વિધાતાએ મારા નસીબમાં લખી હશે... હું તમને માત્ર એટલુંજ કહી શકીશ કે જો હું જેલમાં ન હોત તો મારા પિતાજીએ મને શીખવેલ સંબંધ ના સદગુણ નું અપમાન થાત અને અપમાન થાત સૌથી ઉચ્ચ ગુણ કૃતજ્ઞતાનો... પ્લીઝ આપ મને એ બધી વાતો કહેવાનું ના કહો, પ્લીઝ... હું મારી દસ વર્ષની સજા ભોગવી લેવાજ માંગુ છું... "  અને સાનવી એ પણ આશુતોષને કહ્યું.."આશુતોષ તમારી વાત જાણવાનો મારો કોઈ સ્વાર્થ નથી. હું તો કુતુહલ વશ અને બની શકે તો તમને મદદ ની ભાવનાથી જ વાત જાણવા માંગુ છું... ભલે આપણો સંબંધ સાવ ટૂંકો છે પણ સંબંધ એ સંબંધ છે... અને તમેજ એ દિવસે સંબંધ વિશે કહ્યું હતું કે લાગણી રહે અકબંધ ,એનું નામ સંબંધ... પણ તેમ છતાં જો તમે મને કહેવા ન માંગતા હો તો હું પણ તમને કોઈ ફોર્ષ નહિ કરું .આપણો આ નાનકડો સંબંધ જળવાઈ રહેશે..." આટલું કહી સાનવી પોતાના ઘેર જવા રવાના થઈ અને જેલની બહાર નીકળતી સાનવી ની સચ્ચાઈ અને નિર્દોષ ભાવનાને આશુતોષ મનમાં અનંત મનોમંથન સાથે નિહાળી રહ્યો...

પોતાની દસ વર્ષની સજા ચૂપચાપ ભોગવી લેવી અને જેલમાંથી છૂટ્યા બાદ નવેસરથી જિંદગીની શરૂઆત કરવી એવું નક્કી કરી જેલવાસ ગાળી રહેલા આશુતોષ ના મનમાં સાનવી ના પોતાના તરફના લગાવે એક તોફાન મચાવી દીધું હતું. વારંવાર એને એજ વિચાર આવ્યા કરતો હતો કે એક અજાણી વ્યક્તિ શા માટે પોતાની તરફ આટલા લગાવથી સંબંધ બાંધવાની કોશિષ કરી રહી છે...? શા માટે સાનવી ને પોતાના તરફ આ આકર્ષણ થયું છે...? શા માટે એ પોતાને મદદ કરવા માંગે છે...? એવો તો કયો નાતો છે એનો અને મારો...? આવા બધા વિચારો વચ્ચે એ નક્કી કરે છે કે "હું સાનવી ને મારી બધી હકીકત જણાવી દઈશ..."
અને એ રાત્રે હાથમાં કલમ લઈ કાગળ પર ઉતારે છે આદિત્ય પોતાનો ભૂતકાળ કે જેના લીધે પોતે જેલમાં કેદી નં.૧૨૧ બની ગયો હતો...

"સાનવી.
તમને ક્યાં સંબોધનથી લખું...
પ્રિય કહું કે આત્મજ કહું...
મારી વાત વર્ષો પછી હું કોઈ અન્ય વ્યક્તિને જણાવવા જઈ રહ્યો છું તો હું તમને કયા  સંબોધન થી લખવા માંગુ છું એ તમે જાતેજ સમજી જશો...
નાનપણમાં માતાની છત્રછાયા ગુમાવનાર હું નરોત્તમ શેઠના ઘેર નોકર તરીકે કામ કરતા એક નીતિમાંન અને આદર્શવાદી પિતાનો એકનો એક દીકરો છું... પચાસ વર્ષ ની પાકટ વયે પણ નોકર તરીકે કામ કરતા મારા પિતાશ્રી શેઠના ખૂબ વિશ્વાસુ અને પરિવારના એક સભ્ય તરીકેનું જ સ્થાન પામનાર વ્યક્તિ હતા. શેઠના એમની સાથે એમના ઘેર રહેવાના વારંવારના આગ્રહને પણ મારા પિતાશ્રી નકારી કાઢતા કારણ એ માનતા હતા કે માણસે પોતાના પરસેવાની કમાણીજ ખાવી જોઈએ. કોઈ ઉપર બોજ બની રહેવું કોઈના આશરે રહેવું એના કરતાં મોત બહેતર છે. હા એ સાચું છે કે શેઠે મારા ભણતરમાં મારા પરિવારને ટેકો કરેલો... મને પણ શેઠ પોતાના દીકરા સમાન જ ગણતા. શેઠનો અને મારા પિતાનો ઘરોબો ખૂબ નજીકનો હતો. એમને અમને ક્યારેય પારકા ગણ્યાજ ન હતા. એથી મારા પિતા અને શેઠના સંબંધ શેઠ નોકર ના નહિ પણ માનવતાના હતા. આજીવન પરિશ્રમ કરી ઘસાઈ ગયેલી મારા પિતાની સાહિઠ વર્ષે પહોંચેલી અને મરણ શૈયા પર પડેલી કાયા એ મને કહેલું... 'આશુતોષ, શેઠ ને કોઈ દિવસ ન ભૂલતો બેટા... એમના ખૂબ ઉપકારો છે આપણી ઉપર... એમને પણ હમેશા એક પિતાની નજરેજ જોજે... અને એમના ઉપકારનો બદલો ચૂકવવાનો મોકો આવે તો પાછી પાની ન કરતો પણ પોતાનું સૌભાગ્ય માનજે. બેટા મારી આ શિખામણ હંમેશા યાદ રાખજે . કારણ કરેલા ઉપકારને ભૂલી જનાર વ્યક્તિ ને પરલોકમાં પણ શાંતિ મળતી નથી...' મારા પિતાની આ શીખ મેં મારા અંતર પર કોતરી રાખી હતી... 

એક દિવસ નરોત્તમ શેઠનો બદલો ચૂકવવાનો મોકો ભગવાને આપીજ દીધો... વાત એમ બની કે શેઠ ના હાથે ગાડી ચલાવતા એક એક્સિડન્ટ થઈ ગયો. સામે એકજ પરિવારના બે વ્યક્તિના મૃત્યુ થઈ ચૂક્યા હતા. સામે વાળાએ કેશ કર્યો. આ વાતની જાણ મને થઈ ત્યારે હું કોલેજ ના છેલ્લા વર્ષમાં હતો. એજ રાત્રે શેઠના ઘેર જઈ મેં એ આરોપ મારી પર લઈ લેવાની વાત શેઠને કરી. નરોત્તમ કાકા એ મને કહેલું...'આશુતોષ તું ગાંડો થઈ ગયો છે મારી તો હવે ઉંમર થઈ ,હું તો મારી જિંદગી જીવી ચુક્યો છું પણ તું તો હજી જુવાન છે તારી સામે આખી જિંદગી જીવવાની હજી બાકી છે...'  મારી ઘણી સમજાવટ અને દલીલો કરવા છતાં શેઠ એકના બે ન થયા... અંતે મેં એમને મારા મૃત પિતાના સોગંધ આપતા જણાવ્યું કે... 'કાકા જો તમારી પર આવી પડેલી ઉપાધિ ને હું નિવરુ નહિ તો તો મારા પિતાજીએ મને આપેલી શિખામણ અને સંસ્કાર લાજે... તમને મારા પિતા અને તમારા સંબંધના સમ જો હવે કઈ આગળ બોલો તો...' અંતે ખૂબ સમજાવટને અંતે શેઠ માન્યા અને એમનો ગુનો મેં મારી પર લઈ લીધો અને મને સજા થઈ દસ વર્ષનો જેલવાસ... જો કે ત્યારબાદ મને જેલમાંથી છોડાવવાનો એમને ઘણો પ્રયત્ન કર્યો પણ કઈ વાત ન બની... બે મહિના બાદ નરોત્તમ કાકાને પણ ખૂબ આઘાત લાગ્યો અને એ પણ સ્વર્ગે સિધાવી ગયા... ત્યારથી હું એ શેઠે કરેલા અમારી પરના ઉપકારો અને મારા પિતાની શીખ ને સાચી ઠેરવવાના રૂપમાં જેલવાસ વેઠી રહ્યો છું. જો કે મને આ જેલની સજાનો કોઈ અફસોસ નથી હું એ વાતથી આત્મ સંતોષ અનુભવું છું કે સ્વર્ગમાં બેઠેલા મારા પિતા અને નરોત્તમ કાકા પણ મારી ઉપર ત્યાંથી ગૌરવ અનુભવતા હશે...
સાનવી ,આ છે મારી હકીકત અને આ છે મારા જેલવાસનું કારણ..."

પત્ર પૂરો કરી પડખા ફેરવતા ફેરવતા આશુતોષ સુવાનો પ્રયત્ન કરે છે પણ આજે એને ઊંઘ નથી આવતી... એને ઉતાવળ છે આ પત્ર સવારમાં જલ્દી થી સાનવી ના હાથમાં આપવાની...

સવારે જેલની આગાશી પરથી આશુતોષ આજે સાનવી ની આવવાની રાહ જોઈ રહ્યો હતો અને સામે જ એને એ આવતી દેખાઈ... જેલમાં પોતાની કોટડી પાસે સાનવી આવી અને એના હાથમાં રાત્રે લખેલો પત્ર મુકતા જણાવ્યું..."સાનવી કોઈ અન્ય ના હાથમાં પ્રથમ વખત હું મારી હકીકત મુકું છું..." રોજના ક્રમ મુજબનું પોતાનું નિરીક્ષણ કાર્ય પૂરું કરી સાનવી ને આજે ઘેર જવાની ઉતાવળ હતી કારણ આજે એને એ કેદી નં.૧૨૧ નું જીવન વાંચવાનું હતું કે જે વર્ષોથી જેલની ચાર દીવાલો માં કેદ હતું... 

ઘેર જઈ સાનવી એ પત્ર અક્ષરસ વાંચે છે . પત્રના શબ્દોમાં ટપકતી અક્ષરસ સત્યતા અને માનવનતા સાનવી ને આશુતોષ થી ઓર નજીક લાવતી જાય છે... પત્ર વાંચવાનો પૂરો થતાં આંખો બંધ કરી મનોમન જાણે સાનવી કહેતી હતી ... "આશુતોષ , સતયુગમાં જેમ ભગવાન શંકરે બીજા માટે વિષ પીધું હતું એમ વર્તમાનમાં તમે પણ વિષ પીધું છે... તમારા નામનો અર્થ પણ શંકર થાય છે... તમે સાચા અર્થમાં એ શંકરના સમર્પણને આજે પણ જીવિત કરી બતાવ્યું છે... "   અને સાચા પ્રણયની ઉત્કટ લાગણીમાં કેદ થઈ પત્રમાં આશુતોષ ના ચહેરા નો અનુભવ કરી હોઠો પર આછા સ્મિત અને શરમાઈ ને બોલી કે... "આશુતોષ , તમારા જેલવાસ ની સજા પુરી થવાની રાહ હું જોઇશ, તમારી રાહ હું જોઇશ..."
(ક્રમશઃ ....)

લેખક:- અલ્કેશ ચાવડા 'અનુરાગ' (શંખેશ્વર)