મન્થલી મેજીક Rudri Shukla દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મન્થલી મેજીક

               રાજી, શિખા, વાગ્મી, અભિસારિકા, અપાલા.... ઓ હો ! હવે કેટલા નામો આવશે રજાના લિસ્ટમાં ?! એક પછી એક લેડી ઓફિસમાંથી રજા લેવા માંડશે તો આટલું વર્ક કોણ કરશે ?? 'લવ ફેરનેસ ક્રીમ એન્ડ શેમ્પૂ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપની' માં પ્રોડક્શન, એકાઉન્ટન્ટ, રિસેપ્શનિસ્ટ, સેલિંગ, માર્કેટિંગ અને એચ.આર ડિપાર્ટમેન્ટ માં વર્ક કરતી આશરે 160 જેટલી લેડીઝને લેડી બોસે મહિનાના ત્રણ દિવસ રજાના આપ્યા આથી લેડી સ્ટાફમાં આનંદ આનંદ છવાઈ ગયો. એક પછી એક લેડીઝના રજાનાં રીપોર્ટ આવવા લાગ્યા. આથી એક બાજુ આનંદ છવાયો અને બીજી બાજુ બોસ અંજલી મેડમનું ટેંશન વધતું જતું હતું.
                  શ્રીમતી અંજની વસાવડા 'લવ ફેરનેસ ક્રીમ એન્ડ શેમ્પૂ' કંપનીના હેડ હતા. આ કંપનીના માલિક મિસ્ટર શ્રીરામ પાટીલ પૂનામાં રહેતા હતા. પરંતુ બધો જ કારોભાર શ્રીમતી અંજલી વસાવડા સંભાળતા હતા. એમ.બી.એ માર્કેટિંગ, એમ.બી.એ ફાયનાન્સ, એમ.કોમ, એમ.સી.એ ની ઉચ્ચ શિક્ષણ ડિગ્રી ધરાવતા શ્રીમતી અંજલી મેડમ કંપનીના 300 ના સ્ટાફ ને બરાબર હેન્ડલ કરી શકે એટલે સ્ટ્રોંગ હતા. પરંતુુુુ વારંવાર રજા લેવાની જે સિસ્ટમ પડી ગઈ હતી તેનાથી તેઓ ખૂબ જ ગુસ્સામાં હતા. આમ તો નવો નિયમ બન્યો તેના થોડા સમય બધાને ખૂબ જ સારું લાગ્યું પરંતુુુુ જેમ-જેમ સમય જવા માંડ્યો તેમ ઓફીસની વ્યવસ્થામાં ડિસ્ટર્બન્સ થવા માંડી. લેડીઝ સમજે છે છતાંં નથી સમજતા એવું કંઇક દેખાઈ રહ્યું હતું.લવ ફેરનેસ ક્રીમની માંગ દિવસે ને દિવસે વધતી જતી હતી. જાહેરાતમાં અનુુુષ્કા્ શર્મા જેવી જ એક ગુજરાતી મોડેલને લીધી ત્યારથી લવ ફેરનેેસ ક્રીમની ડિમાન્ડ સતત વધતી જતી હતી. કંપની ખૂબ મોટા ચોરસ સ્ક્વેરફૂટમાંં ફેલાયેલી હતી. કંપનીનું કામ ઝડપથી આગળ વધી રહ્યું હતું. અને તેમાં આ નવા નિયમો બોસને તંગ કરાવી મૂકે તેવા લાગતા હતા.
               થોડા સમય પહેલા એચ આર ડિપાર્ટમેન્ટ દ્વારા ક્રિએટિવ વર્કશોપ યોજાયો હતો. જેમાંં શનિ-રવિ બે દિવસ સરદાર સરોવર નર્મદા માં 'નર્મદા હાઉસ' નામના રિસોર્ટમાં કંપનીના બધા જ સ્ટાફ મેમ્બર ને લઇ જવામાંં આવ્યા હતા. જ્યાંં બધાએ પોતપોતાના નવા વિચારો ઓન ધ સ્પોટ સ્ક્રીન પર રજૂ કરવાના. 'અપાલા' નામની એક કર્મચારીએ પાવર પોઇન્ટમાંં એક થોટ ખુબજ ક્રિએટિવ રીતે પ્રેઝન્ટ કર્યો જેનાથી બોસ ખૂબ જ ઈમ્પ્રેસ થઈ ગયા. અને માત્ર આ જ થોટ પર બે દિવસ વર્કશોપ ચાલ્યો. દરેકેેેે દરેક ના રિવ્યુઝ લેવામાં આવ્યા. દરેક લેડીઝે 100% પોઝિટિવ રીવ્યુ આપ્યો. આથી બોસે તરત જ એ થોટ પર ઇમ્પ્લીમેન્ટેશન કરી નાખ્યું.
               તે ડિસિઝન એવો હતો કે દરેક લેડી મહિનામાં એકવાર મેેે્ન્સીસ પિરિયડમાં આવે જ છે. એ બોડીની સિસ્ટમ છે. દુનિયાની કોઈપણ લેડી ભણેલી, અભણ, ગરીબ, શ્રીમંત મેેે્ન્સીસ-પીરિયડ્સ મા આવે જ છે. આ સમય દરમ્યાન તેની માનસિક સ્થિતિ બહુ નાજુક હોય છે. અનેેેે ફિઝિકલ કન્ડિશન તો મેન્ટલ કન્ડીશન કરતા પણ વધુ નાજુક હોય છે. આ ત્રણ દિવસ દરમિયાન રજા આપવામાંં આવે તો આરામ થાય. ચોથા દિવસેેે ફ્રેશ થઈને આવેલી લેડીઝ વધુ કામ કરે છે એવું સર્વેમાં સાબિત થયેલું છે. આ ત્રણ દિવસ લેડીઝ માટે માથાના દુખાવા સમાન હોય છે. આ વાત સાથે દરેક લેડી સહમત થઈ પરંતુ કંપનીના હેડ શ્રીમતી અંજલી વસાવડાએ કંઇક જુદી જ રજૂઆત કરી. જો દરેક લેડીઝ મહિનાના ત્રણ દિવસ રજા લેશે તો કંપનીને કેટલુ નુકસાન જશે ! આથી આપણે એવું કરીએ કે જેમણે પણ રજા લીધી હોય તે લેડીઝ ઘરે બેસીને એક સ્ટોરી કમ્પલસરી લખે. સ્ટોરીમાં કઈ પણ લખવાનું. પોતાના એક્સપિરિયન્સ, વર્કિંગ અવર્સ દરમ્યાન કેવું ફિલ થાય છે, પેમેન્ટ આવે ત્યારે કેવું લાગે છે, ઓફિસમાં  કઈ વાત પર વધુ ગુસ્સો આવેેેે છે, ઓફિસમાં સૌથી વધુ શું ગમે છે, ઘરમાં કેવું વાતાવરણ છે, પોતે હજુ વધુ શુંં કરવા માંગે છે, તેનું જીવન કેવુંં જીવાય છે, તે જે કમાય છે તે પોતાના માટે વાપરી શકે છે કે કેમ ?, શું તેને જોબ સેટિસ્ફેક્શન છે ? તે આગળ વધુુ ભણવા માંગે છે ? તેના ઘરમાં પ્રાથમિક સગવડતા કેવી છે ? શું ખરેખર તે આ ક્ષેત્રમાં આવવાા ઈચ્છતી હતી ?.....આવી અનેક અનેક ઘટનાઓને લખીને ઓફિસમાંં લઈ આવે ત્રણ દિવસ દરમ્યાન રજામાં નિરાંતે ઘરે બેસીને લખે અને ચોથા દિવસે જ્યારે ઓફિસે આવે ત્યારે સૌ પ્રથમ ઓફિસના એચ આર વિભાગમાં તેની સ્ટોરી ફાઈલ કરે અને પછી જ કામ શરૂ કરે. શ્રીમતી અંજલી વસાવડાની નવી જ રજૂઆત કંપનીના માલિક મિસ્ટર પાટીલે સહર્ષ સ્વીકારી લીધી.
               જ્યારથી આ નિયમ નવા રૂપરંગ સાથે અમલમાં આવ્યો ત્યારથી લેડીઝ સ્ટાફમાં આનંંદ નું મોજું ફરી વળ્યું. સૌ કોઈ અંદરોઅંદર વાતો કરવા લાગ્યા કે, હાશ ! આપણેેેે તો આ દિવસોમાં ઘરે બેઠા બેઠા પિક્ચર જોઈશું, સીરીયલ જોઈશું અને આરામ કરીશું પણ બોસે કંઈક લખવાનું કહ્યું છે તે પણ કરવું પડશે ને !
               બરાબર એક મહિનો પૂરો થવા આવ્યો. દરેક લેડી એ કંઈકને કંઈક લખીને આપ્યું. મહિનાના છેલ્લા દિવસેે બોસે બધાની સ્ટોરી નિરાંતે વાંચી તો તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. આટલી જુદી-જુદી વાર્તા મારી જ ઓફિસમાં છે ! જેમાં કોઈનો રડવાનો અવાજ તો કોઈનો ખુશીનો અવાજ તો કોઈની સ્વનિર્ભરતાનો અવાજ તો કોઈની મજબૂરીનો અવાજ શ્રીમતી અંજલી વસાવડાને સાંભળવા મળ્યો. તેમાંથી કેટલીક સ્ત્રીઓ તો એવી હતી કે  તેમના પર જવાબદારીનો ભાર જ એટલો હતો કે આટલા વર્ષોમાં તેને આરામ તો શું પણ 'કેમ છો ?', 'તારી તબિયત કેમ રહે છે આ દિવસોમાં ?', 'તું થાકી ગઈ હોઈશ, એક કપ ચા બનાવું ?' એવું પૂછનારા પણ નહોતા. કેટલીક સ્ત્રીઓએ 'રડતા રડતા લખું છું' એમ કહીને લખ્યું કે હું કંપનીમાંથી આ દિવસોમાં ઘરેે આવીને 'થોડો આરામ કરું પછી રસોઈ બનાવીશ' એમ કહું તો તરત જ સાસુને નણંદ બોલે કે એમાંં શું નવાઈ છે ! દુનિયા આખાના બૈરાઓ માસિકમાં હોય છે, તું કંઈ એક જ નથી કામ કરનારી.....એક સ્ત્રીની વાત તો જાણે લોહીથી લખાયેલી હોય એવી દર્દજનક હતી. જેના પર આખો પરિવાર નભતો હોય, નાના બાળકોને ભણાવવા-પરણાવવાના બાકી હોય, તેને આરામ કેવો ? આ ત્રણ દિવસોમાં તે ઘરે ડ્રેસ મટીરીયલ વહેંચશે એમ પણ લખ્યું હતું. એક બહેનેે તો તેની ફિઝિકલ કન્ડિશનનું ખૂબ સારું વર્ણન કર્યું હતું. 'આ દિવસોમાં મને ખૂબ જ ગુસ્સો આવે. કોઈ બોલાવે એ ન ગમે. કંઈ ખાવાનું ભાવે નહીં. પગ તો એટલા દુખતા હોય કે જાણે કોઈએ મારા પગ પર મોટા મોટા ભારા ન રાખ્યા હોય એવું લાગ્યા કરે. પેટથી નીચેનો ભાગ, પેડુ ખૂબ જ દુખે. જાણે કેેે હમણાં શરીર માથી બધું જ બહાર નીકળી જશે એવું લાગ્યા કરે. આખો દિવસ કંઇ ખાવાની ઈચ્છા થાય જ નહીં. માથું ભારે ભારે લાગ્યા કરે. મને એમ જ થાય કે મારે જ સૌથી વધુ બ્લીડિંગ થાય છે, બીજા બધા કરતાં પણ વધુ... પણ એવુંં કંઈ જ હોતું નથી. કોઈ પાસેે બેસે, સારી સારી વાતો કરે તે ગમે પણ એવો દર મહિને કોને સમય હોય ? હું કામમાં મન લગાવી લઉ. વારંવાર પેડ બદલવાનો તો એટલો કંટાળો આવે કે મનમાં ને મનમાં ગુસ્સો આવ્યા કરે ભગવાન પર...આવુ અમને જ કેમ આપ્યું ?!?! અને બ્લીડિંગની વાસ દિવસો સુધી મનમાંથી નીકળતી નથી. એમાંય કોઈ બોલે 'દૂર જા ને' ત્યારે એ વાસ કાંટાની જેમ વાગ્યા કરે.
               આ બધું જ વાંચીને ક્રિએટિવ પર્સનાલિટી  ધરાવતા કંપનીના લીડર શ્રીમતી અંજલી વસાવડા  સ્ત્રીઓની જિંદગીની વધુુુ નજીક ગયા. ઘણી સ્ત્રીઓ પોતે કમાયેલા પૈસા પણ વાપરી શકતી નહોતી. જ્યારેેેે અમુક સ્ત્રીઓ ખુશ હતી. અમુક સ્ત્રીઓ ઘરમાં ધાર્મિક વાતાવરણને કારણે તંગ હતી. ઘરમાં 'પાળતા' હોય તો ખૂબ જ શરમ આવે. મંદિર પાસેથી સહેજ પસાર થઈ જવાય તો પણ ઘરના વડીલો બોલે જ, 'દૂર રહેે જે હો તું ! અહીં કુળદેવી નું સ્થાપન છે.' શ્રીમતી અંજલીએ આ તમામ સ્ટોરી કંપનીના માલિકને ઈમેલ કરી અને જણાવ્યું કે મારે એક બુક પબ્લિશ કરવી છે. જેનું નામ હશે 'મન્થલી મેજીક'. જેમાં મારે આ રીયલ સ્ટોરીઝ નામ અને ફોટો સાથે પબ્લિશ કરવી છે. કંપનીના માલિકને શ્રીમતી અંજલીના ક્રિએટિવ માઇન્ડ પર ક્યારેેય કોઈ સવાલ થતો નહોતો. તેેેેઓ જે પણ નવું કરવા ઈચ્છે એનો તુરંત જ અમલ કરી શકે છે એમ જ જવાબ આપતા. પણ આ કામ જેટલું ધારીએ એટલું સહેલું નહોતું.  શ્રીમતી અંજલીએ આ કામના પણ 'એ-બી-સી-ડી' એમ ચાર પાર્ટ પાડી દીધા. આ ચારેય પાર્ટ  એકબીજાને કરેક્શન કરવા મેટર આપે, પ્રૂફરીડિંગ કરે  અલબત્ત રજાના દિવસોમાં. આ રીતે એક મહિના બાદ 'મન્થલી મેજીક' નામનું મોટુંં પુસ્તક તૈયાર થયું. એ પુુસ્તક પ્રિન્ટીંગમાં સોંપવામાં આવ્યુ ત્યારે ફરી બીજા અંક માટે એટલી જ સ્ટોરી તૈયાર હતી.
               'મન્થલી મેજિક' નો પહેલો દળદાર અંક પબ્લિશ થયો ત્યારે સૌની આંખમાં આંસુ હતાં. કંપનીના મીટીંગ હોલમાં દરેકે દરેક બહેનો હાજર રહી. અને આ સમયે શ્રીમતી અંજલીએ જે પ્રવચન આપ્યું તે સાંભળી સૌની આંખો ભીની થઇ. એક સાથે સો-બસ્સો આંખોમાં જોયેલા સપનાઓ ભીના ભીના થયા હતા. શ્રીમતી અંજલીએ કહ્યું કે, 'આપણા માટે આ જ "લવ ફેરનેસ ક્રીમ" છે. આપણી સ્વતંત્રતા, આપણું સ્વાવલંબન....તમે અભિવ્યક્ત્ થાવ. કંઈક બોલો, કંઈક લખો અને કંઈક વધુ નેેે વધુ વિચારો. સમાજ-પરિવાર જેમ છે તેમ જ રહેશે. કોઈની ડિમાન્ડ્ અોછી થવાની જ નથી. પણ તમે અને આપણેે સૌ આજથી આપણા માટે પણ જીવીશું. આપણને શું ગમે છે તે અંગે 'મન્થલી મેજિક'માં લખીશું. શું નથી ગમતું એ પણ વ્યક્ત કરીશું. આપણે 9:00 થી 6:00, આઠ-નવ કલાક કામ કરીએ અને આપણા માટે જ ન જીવીએ ?
               આ મહિનાથી બચત મંડળી બનાવી છે. જેમાં બચત કરેલી રકમ માત્રને માત્ર તમારી પોતાની છે. તમારા શોખ વિશે લખો અને પછી એ શોખ કેવી રીતે પુરા કરો છો તેના વિશે પણ બીજા અંકમાં લખો.
               'મંન્થલી મેજિક'ના દરેક અંકનું પબ્લિશ થવું એટલે કે મિલન મેળાવડો, આનંદ, અભિવ્યક્તિ,  આરામ અને આત્મવિશ્વાસ.
                                         - રુદ્રી શુક્લ 'રીયાઝ'.