હમ તુમ્હારે હૈ સનમ - 20 Irfan Juneja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હમ તુમ્હારે હૈ સનમ - 20

હમ તુમ્હારે હૈ સનમ

(ભાગ-૨૦)

અક્રમ અને અરમાન રૂમ માં બેઠા હોય છે. અરમાન જજ ના એ ફેસલા થી નાખુશ હોય છે કે ત્રણ વર્ષ સુધી બને લગ્ન ન કરી શકે.

"અરમાન જો માસી માસા ને ભૂલી જઇયે તો તમારી બંને ની વાત જોઈ ને હસવું આવે છે. આ કોઈ ઉંમર છે લગ્ન કરવાની, ના કરિયર સેટ છે ના એટલી ઉંમર થઇ છે..."

"આજે અક્રમ તું દુશ્મન જેવો લાગે છે..."

"એવું નથી મારા ભાઈ હું સમજુ છું પણ પરીક્ષા ને દોઢ મહિના ની વાર છે , ના તે ચોપડી ખોલી છે ના કોલેજ જાય છે. એમ સમજ કે જજ સાહેબે ભણવા માટે સમય આપી દીધો..."

અહીં આયતના અમ્મી અબ્બુ આવી ને નાની ના ઘરે બેઠા છે.

"બોલો કેમ આવ્યા છો બંને?"

"અમ્મી જી આયત ને લેવા આવ્યા છીયે..."

"એ તો નહીં આવે.. બીજી કોઈ વાત છે?"

"અમ્મી જી જે થયું એ ગુસ્સામાં થયું, હું માફી માંગુ છું. મને નાનો જમાઈ કહો છો તો એકવાર ભૂલ માફ કરી દો..."

"ના ના સુલેમાન માફી તો તને અલ્લાહ પણ નહીં આપે... પોતાની દીકરી અને અમારા બધા સાથે જે કર્યું છે એ પછી તો બિલકુલ નઈ..."

"અમ્મી હું આયત ને લીધા વગર હું નથી જવાની" રુખશાના બોલી.

"તું તો ચુપ જ બેસ... તને દીકરી કેહતા પણ મને શરમ આવે છે."

"અમ્મી તમેં આ ખોટું કરો છો , એક જમાઈ ને મોઢે ચડાવ્યો ને મારા ઘરવાળાની ઈજ્જત ઉછાળો છો..."

"ઈજ્જત હોય એની ઉછળે બેટા..."

"જુવો અમ્મી જી, મારે ગામ માં રહેવાનું છે લોકો પૂછશે હું શું કહીશ? આયત ને લઇ જવા દો..."

"આબિદ અલી આનો જવાબ તું આપ..."

"એ સુકામ આપે દીકરી અમારી છે એની નથી..." રુખશાના ગુસ્સે થઇ ને બોલી.

"સુલેમાન તમે કોર્ટ માંથી કાગળ લઇ આવો અને લઇ જાઓ એને..." આબિદ અલી બોલ્યા.

"જુવો આબિદ અલી આવું કરશો તો સબંધ બગડશે..."

"હવે બાકી શું છે? તમે બને એ જ સંબંધ ને કોર્ટ અને હવાલાત માં તોડી નાખ્યો. હું મારા દીકરાને હેરાન માટે તમને ક્યારેય માફ નહીં કરું..."

"આબિદ અલી તમે ઈજ્જત ની વાત ન કરો હું કહીશ તો પછી કઈ બોલવા જેવું નઈ રે..."

"હા બોલ સુલેમાન ધમકી શું આપે છે..."

"તમે ચુપ બેસો" રુખશાના સુલેમાન ને રોકતા કહે છે.

"તું ચુપ રે રુખશાના આજે મારી સાસુ સામે બધું કહી જ દેવું છે..."

"નથી કેહવું ચુપ મરો..."

"અમ્મી જી આબિદ અલી ને પૂછો તો ખરા કે આ નિકાહ થશે તો ઝગડો પૂરો?"

"હા સુલેમાન એની ગેરેન્ટી હું આપું છું, પૂરો..." નાની બોલ્યા

"પણ એને પૂછો તો ખરા કે નિકાહ કોનો આયત અને અરમાન નો કે પછી આબિદ અને રુખશાના નો..."

"બસ..... કર સુલેમાન શું બોલે છે ભાન છે તને કઈ?" આબિદ ઉભા થઇ ને ઊંચા અવાજે બોલ્યા.

"આબિદ અલી તમે જયારે રુખશાના ને આવું કહ્યું ત્યારે તમારી આ માણસાઈ ક્યાં ગઈ તી..."

"સુલેમાન ચુપ થા આબિદ એવું બોલે જ નહિ" નાની બોલ્યા.

"જો એ સાચો હોય તો એને કહો ઉપાડે કુરાન અને ખાઈ લે કસમ ને કે આવું નથી બોલ્યો એ..."

"અમ્મી જી હું વજુ માં છું લાવો કુરાન..."

"બેટા તું બોલ આબિદ મને તારા પર ભરોંશો છે કુરાન લાવવાની જરૂર નથી..."

"મને મારા અરમાન અને દરેક સંતાન ની કસમ , કલમાં ની કસમ મેં આવું કહ્યું જ નથી..."

"રુખશાના તું કે ને કસમ ખાઈ ને કે એને કહ્યું છે..."

"તમે પણ શું સુલેમાન કોઈ વ્યક્તિ કસમ ખાઈ લે તો માની લેવું જોઈએ..."

"આજે વાત નીકળી છે તો પુરી કર..."

"ના સુલેમાન ચાલો ઘરે..."

"રે હું આયત સાથે વાત કરી લઉં..."

"આયત બેટા બહાર આવ... મારે વાત કરવી છે..."

"આયત બહાર ન આવતી" આબિદ અલી બોલ્યા.

"નીકળો બંને અહીંથી ને હવે અહીં આવતા નહિ નહીંતર પોલીસ ને બોલાવી ને હાથકળી લગાવી દઈશ..."

આયત ના અમ્મી અબ્બુ ત્યાંથી નીકળી જાય છે. આ આખી ચર્ચા આયત પણ સાંભળે છે. રસ્તામાં સુલેમાન રુખશાના ને કહે છે કે વાત નીકળી તો કેમ કઈ બોલી નહિ. રુખશાના ઢોંગ કરી ને પોતાનું જુઠ્ઠાણું છુપાવે છે. એના પતિ ના વિશ્વાસ નો દૂર ઉપયોગ કરતા એ શીખી ગઈ હોય છે.

બીજા દિવસ ની સ્વર થતા જ રુખશાના નવો દાવ તૈયાર કરે છે. સુલેમાન ને ચા પીવા બેસાડે છે.

"જુવો હવે એક જ રસ્તો છે તમે આજે જેતપુર જાઓ , ત્યાં જઈ એમ કહેજો કે હું ત્રણ વર્ષ પછી અરમાન અને આયત ના નિકાહ કરાવી દઈશ... એ કસમ આપે તો ખોટી ખાઈ લેજો. એ કઈ પણ કે માની લેજો... "

"કુરાન ઉપાડવાની વાત કરશે તો?"

"તો એ પણ ઉપાડી લેજો પણ આયત ને લઇ ને આવજો.. મને મારી દીકરી જોઈએ બસ... પછી અલ્લાહ પાસે તોબા કરી લઈશું પણ તમે એને ગમે તેમ કરી ને લઇ ને આવો..."

"એ મળવાની વાત કહેશે તો?"

"તો કહેજો કે અરમાન એકલો ન આવે રવિવારે એના અબ્બુ ને લઇ ને આવે..."

"એની અમ્મી ને કેમ નઈ?"

"તમે પાછા મારી પર શક કરવા લાગ્યા..."

"શક નથી કરતો... પણ તે કહ્યું એટલે કહું છું..."

"એની માં એ તો મારો હક લઇ લીધો... મને એનો ચહેરો પણ નથી જોવો?"

"હક એટલે? "

"મારી સગાઈ હતી આબિદ અલી સાથે, એ ડાકણ ખાઈ ગઈ એને... આબિદ અલી ને છોડો પણ તમને જાણી ને દુઃખ ન થયું કે કોઈના લગ્નના પાંચ દિવસ પેલા કોઈની બેન એના મંગેતર ને પરણી જાય..."

"થાય ... "

"તો જાઓ જલ્દી ને હવે લઈને આવો..."

સુલેમાન અહીં થી જેતપુર જવા નીકળે છે. આજે અરમાન પણ જેતપુર આવવા રાજકોટ થી નીકળે છે. સુલેમાન એ ક્યારેય કુરાન ના ખોટા સમ ખાધા નથી. રુખશાના ની આ વાત એના મગજ માં જ ઘૂમી રહી છે. એ જેતપુર પહોંચે છે. આયત એના નાની ને આબિદ અલી વાતો જ કરતા હોય છે કે આજે તો અરમાન આવશે રાજકોટ થી. એટલામાં દરવાજો ખખડે છે.

"જા બેટા આવી ગયો તારો અરમાન ખોલ દરવાજો"

આયત દરવાજો ખોલે છે સામે એના અબ્બુ હોય છે. બધા ના ચહેરા પર ઉદાસી ફરીવળે છે. કોઈ સુલેમાન સામે જોવા પણ તૈયાર નથી.

"સલામ અબ્બુ..."

"વાલેકુમ સલામ બેટા..." આયત ને જવાબ આપી સુલેમાન અંદર આવે છે.

"અમ્મી જી હું આજે સાચા દિલ થી માફી માંગવા આવ્યો છું, તમે કહેશો તો કુરાન ઉઠાવી ને કઈશ. હું આયત અને અરમાન ના લગ્ન કરાવીશ... મારી જીબ આપું છું..."

"તારી જીબ ની શું વેલ્યુ... રુખશાના કે તો માનું.."

"એ નઈ કે... પણ હું આજે સાચા દિલ થી આબિદ અલી અને તમને જીભ આપું છું..."

"ના હવે અમને વિશ્વાસ નહીં બેસે..."

"હું કુરાન હાથ માં ઉઠાવી લઉ પણ તમે માનો..."

"ના તારો શું ભરોંશો.."

સુલેમાન ની વારંવાર આજીજી કરવાથી આબિદ અલી અને સાસુમા માની જાય છે. એમને લાગે છે કે આજે એ સાચું કહી રહયો છે. આયત ને બોલાવે છે.

"બેટા તૈયાર થા અને નાસ્તો કરી લે પછી તારા અબ્બુ સાથે જૂનાગઢ જા..."

"નાનીમાં હું તૈયાર જ છું નાસ્તો જૂનાગઢ જઈને કરીશ..."

"આયત મેં બેટા હા કરી છે આબિદ અલી અને તારા નાની ને, હું તારા ને અરમાન ના લગ્ન કરાવીશ... મારી જવાબદારી બેટા તને જો વિશ્વાસ ન આવે તો હું કુરાન ઉઠાવી લઉ... "

"ના અબ્બુ મને વિશ્વાસ છે. ચાલો આપણે નીકળીએ..."

આયત બધા ને મળી ને વિદાય લે છે. આયત ને એના અબ્બુ જૂનાગઢ જવા નીકળે છે. રસ્તામાં આયત ના અબ્બુ એને કહે છે.

"મને તારી અમ્મી એ મોકલ્યો હતો કે દીકરી ને ખોટું બોલી, ફ્રોડ કરી, કુરાન ના ખોટા સમ ખાઈ ને પાછી લઈ આવજો... પણ બેટા હું ખોટું બોલીને નઈ આજે સાચા દિલ થી ખુદા ને સાક્ષી રાખી તને લઇ ને જાઉં છું. હું મારુ વચન પૂરું કરીશ બેટા..."

અરમાન અહીં જેતપુર પહોંચે છે. આયત ન હોતા એ ગુસ્સે થાય છે.

"બેટા તું ગુસ્સો ન કર અમે વિશ્વાસ કર્યો છે. અમે કરાવીશું લગ્ન એના..."

"નાની માં તમે એવા વ્યક્તિ પર વિશ્વાસ કર્યો જેમને બધા ની જિંદગી ખરાબ કરી. અને જો માસા સાચું પણ બોલતા હશે તો શું માસી એ વાત માનવા દેશે...? આજે તમે મને ખુબ દુ:ખ પહોચાડ્યું છે. "

"બેટા શાંત થા... અમે છીયે ને..."

"અબ્બુ તમારે જે કરવું હતું એ તમે કર્યું હવે જો એ આયત ને મને મળતા રોકશે કે ના કહેશે તો મારી જંગ હું ખુદ જ લડીશ..."

અરમાન ગુસ્સો કરીને જેતપુર થી નીકળી જાય છે. આયત એના અબ્બુ સાથે ઘરે પહોંચે છે. એના અમ્મી જેમ એક દુશ્મન બીજા ને મળે એમ ચહેરાના ભાવ સાથે આયત ની નજીક આવે છે.

(ક્રમશ:...)