માણસ કશું જ નથી બસ શૂન્ય છે. એ જે ધારે છે, વિચારે છે, સમજે છે એ બધું જ નથી થતું. ભોળાનાથે જે ધાર્યું હોય એ જ થઈને રહે છે. મારા માટે પણ ભોળાએ શુ વિચાર્યું હતું એ તો એ જ જાણે..
જન્મભૂમિ મારી કચ્છ.. ને મારો કચ્છડો તો બારે માસ હો.. અહાહા શુ મારા કચ્છડાની સાહ્યબી. રેતી નું રણ નથી એ તો છે ઉદારીનો પરિપાક, માણસાઈનો વરસાદ, કાચબાની પીઠ જેવો કઠોર પણ ધીમો નહિ હો એકદમ ધીર ગંભીર એવો છે મારો કચ્છડો..
25/12/1995 નો એ શુભ દિન મા જગદંબાએ મને એના હાથે કચ્છની ધરણી પર રમતો મુક્યો.
મને કચ્છની ધરતી પરથી ઉપાડીને આંધ્ર સુધી પહોચાડવાનું ને ત્યાંથી ફીરંગી ભૂમિ અમેરિકા સુધી પહોંચવાના સંજોગોની યુતિ એવી રચાઈ કે ક્યારેક થાય કે પરમાત્મા જેવી યુતિઓ માણસ ફક્ત માણી જ શકે બાકી માણસ તો કશું જ નથી.
બસ અહિથી મારા જિવનકાળની શરૂઆત થઇ ...એ સમયના ૩૫ સદસ્યોવાળા સંયુકત કુંટુંબમાં ખુશીની લહેર ફેલાઈ ગઇ, આખા ગામામાં પેંડા વહેંચવામાં આવ્યા.
બરોબર ૨૦મા દિવસે માતા ગૌરીએ મને ઉપાડીને સીધો મુંબઇ પહોંચતો કર્યો,હા મિત્રો મારું બાળપણ મુંબઇમાં વિત્યું છે, મારા પિતાશ્રી નો અહિંયા કપડાંનો વ્યવસાય હતો..
અને હું મુંબઇની ચકાચોનમાં આ જીવ ઉછરવા લાગ્યો, ૧થી ૫ મા ધોરણ સુધીનો અભ્યાસ મુંબઇમાં કર્યો, એક દાયકો વીતી ગયો, પછી પાછી માતા ગૌરીએ એક લીલા રચી મારા પિતાશ્રીને ગંભીર બીમારી થઇ , અને એનો ઈલાજ માત્ર અને માત્ર શુદ્ધ હવા અને સાત્વિક ભોજન હતું .
તો બસ એ તો ગામડા વિના મળે જ નહીં , અને હું પાછો સિધો પછડાયો કચ્છડામાં,પણ પાછલા દાયકા માં ઘણું બધું બદલાઈ ગયું હતું . આ ૩૫ સદસ્યોવાળો પરિવાર ૪૮ સદસ્યોમાં પરાવર્તિત થઇ ગયો હતો, મારા બધાં સગા આમતો મુંબઇમાં જ રહેતા , બસ વારે તહેવારે બધાં ગામડે આવે, પણ હા આવે ત્યારે ખરેખર મેળો તો અમારા ઘરમાં જ ભરાય હો.
એ પણ સળંગ ૧૫ -૨૦ દિવસનો...અહિથી ૬-૧૦ નો અભ્યાસ મેં પૂર્ણ કર્યો, આ પાંચ વર્ષ હું કચ્છમાં રહ્યો ....
પરંતુ આ પાંચ વર્ષમાં કચ્છડો મારા રોમેરોમમાં વસી ગયો,અહિંયાનું પાંડવોનું અજ્ઞાત વાસનું સ્થળ વિરાટ નગરી હોય કે માતા રવેચીનું મંદિર હોય...
માતા મોમાયનું ધામ હોય કે , માતાના મઢ આઇ શ્રી આશાપુરાનું ધામ, જેસલ-તોરલની સમાધીઓ હોય કે અફાટ સફેદ રણ હોય, ધોરાવીરાના હડપ્પીય અવશેષો હોય કે ભૂજનું સ્વામીનારાયણ મંદિર હોય..મુંન્દ્રાનો દરિયો હોય કે માંડવીની પવનચક્કીઓ, રામાપીરનો મેળો હોય કે ૩ દિવસનો રણોત્સવ હોય, ટપકેશ્વર મહાદેવના ડાયરા ઓ હોય અને નારાયણ સ્વામીના ભજનો ....આ હાહાહા...મુઝે મેરી મસ્તી , કહાં લે કે આયી...
વાલબાઇનું ભોયરું ,જે કચ્છથી સીધું જુનાગઢ દામોદર કુંડ પાસે નિકળે,લોકવાયકા છે કે વાલીબાઇ રાતોરાત જુનાગઢ દામોદર કુંડ માં સ્નાન કરી આવતાં આ ભોયરું આજે પણ છે.
બીજી ભીમ કાંકરી, અહી એક ગોળ પત્ત્થર છે ,કહેવાય છે કે જ્યારે પાંડવો અજ્ઞાત વાસમાં અહી રોકાયા હતા ત્યારે મહાબલી ભીમ...હુક્કો પીતા,અને એ હુક્કા પર જે પત્થર મૂકતા એ આ પત્ત્થર , તમે અભિમાન કરીને એ નાના પત્ત્થર ને ઉપાડવા જાવ તો એને તમે તલભાર પણ ના ખસેડી શકો અને સાફ મનથી ઉપાડો તો રુ ની જેમ ઉપડી આવે...હજુ તો ઘણું બધું છે જો કચ્છડાની વાત કરીશ તો તો મારું આયખું ટૂંકું પડશે.
કચ્છડો મારામાં સમાઈ ગયો.. એની કુદરતી નિખાલસતા એ જ મને પરિપક્વ બનાવ્યો. કુદરત તમને સૌમ્ય ને સાત્વિક બનાવે છે. વતનની માટીની તો વાત જ અલગ છે. પણ મારા નસીબ મા એ વતનની માટીની સુગંધ આજીવન નહિ લખી હોય. ને ફરી સંજોગો બદલાયા.
સંજોગો બદલાયા નહિ આમ તો જે તે વખતે તો મને એવું લાગ્યું કે દુનિયાનો સૌથી બદનસીબ હું છું. અત્યારે એ બધું વિચારું છું તો થાય છે કે એ તો મને ઘડવા માટે અપાયેલી ટપલીઓ માત્ર હતી.
મારી દસમાની બોર્ડની પરીક્ષાઓ પુરી થઈ. ને બીજી કસોટી ચાલુ થઈ. વાત જાણે એમ બની કે મારા પિતાજીએ મારા લગ્ન નક્કી કરી લીધા હતા એમના એક મિત્રની છોકરી સાથે ને એ પણ મારા જન્મ પહેલાં. હવે લગ્નની વાત ચાલી ઘરમાં એ વખતે મારી ઉંમર 16 વર્ષની ને મારી કથિત પત્નીની ઉંમર 15 વર્ષ. જે કાયદાની રીતે પણ અપરાધ કહેવાય. પણ અહિંયા પરિસ્થિતિ જરા જુદી હતી. મારા કથીત દાદી સાસુ મરણપથારીએ હતા. અને એમના મનની શાંતી માટે મારી બલી ચઢાવવાની હતી...
હવે આ મારા જિવનકાળની પહેલી એવી પરિસ્થિતિ હતી જેમાં મારે મારી જાતને બચાવવાની હતી અને એ પણ મારા પરિવારથી ઉપરવટ જઇને.
પણ આપણે તો આદર્શ સંતાન કહેવાયે એટલે વચલો રસ્તો કાઢ્યો. પહેલાં હુ કંઈક બનીશ પછી જ લગ્ન કરીશ, મારે પરીવારની શાખની આંચ પર રોટલો નથી શેકવો, હા સગાઇ કરવા માટે તૈયાર છું ,પણ લગ્ન તો નહીં જ.
અમારા સંયુકત કુંટુંબમાં આ પહેલો બનાવ હતો જેમા ...વડિલોના નિર્ણય વિરુદ્ધ કોઇ ગયું હોય , અહિયા તો ભાઇ આપણાથી અહ્મ ઘવાઇ ગયો.
હવે પરિણામ તો તમે સમજી જ શકો છો કે શું આવવાનું હતું . ખરું ને??મને ઘરેથી કાઢી મૂક્યો ..???? અરે ના યારો ....એવા સદ્ભાગ્ય મારા ક્યાંથી...???
અહિંયા તો માતા ગૌરી હાથ ધોઇને નહિ અપિતુ આખેઆખા નાહિધોઇને પાછળ પડી ગયા હતા. તો હવે શરુ થયો ઇમોશનલ અત્યાચાર....
જે મારી પર બ્રમ્હાસ્ત્રનું કામ કરતું .એટલે ભોળો ભાવનાઓમાં ભોળવાઇ ગયો, અને લગ્નની તૈયારીઓ શરુ થઇ ગઇ , પણ માતા ગૌરી એમ થવા દે કંઇ...??
એમણે મારા દાદાશ્રી ની મતી ભરમાવી...બન્યું એવું કે મારા દાદાશ્રીએ મને એકાંતમાં બોલાવ્યો અને " હા "પાડવા માટેનું કારણ પૂછ્યું .તો આપણે તો જે હતું એ કહી દીધું. દાદાશ્રી ખીજાયા આખા પરિવાર પર , અને બળજબરીના વિવાહ પર નારાજગી બતાવી, અને હું પણ આખી વાત જાણી ગયો હતો એટલે હવે કોઇ બીજા માટે મારી જાતને તો બલી નહીં ચઢાવું એવું મનોમન નક્કી કર્યું.
બસ બાપ- દિકરા વચ્ચે પ્રથમ ક્લેશ થયો અને મને લગ્ન અને કરિયર કોઇ એક પસંદ કરવાનું કહ્યું . મેં પણ હિંમત કરી ને કહ્યું કે સગાઈ કરું તો પણ લગ્ન તો નહીં જ કરું, કઈક બનીને પછી જ કરીશ. અહીં તો નહીં જ..
ને બસ આપણી વિદાયની ઘડીની વેળા આવી ગઇ, માતા ગૌરીની લીલા આગળ વધી , ગળામાં ૨ તોલાનો સોનાનો ચેન અને દાદાશ્રી એ ચોરી છૂપે આપેલા ૬ હજાર રૂપિયા લઇને નિકળી પડ્યો આ સંસારની માયાજાળમાં.
ખરેખર આ દુનિયા શું છે એ જાણવાની મારી સફર શરુ થઇ , હા તમે આને પેલી અંગ્રેજી ભાષા વાળી "સફર " પણ સમજી શકો. ક્યાં જવું ? શું કરવું ? કોની પાસે જવું ? કંઇ જ ખબર નહિ .માવતરને એમ કે ગુસ્સામાં નિક્ળયો છે ને સાંજ પડે આવી જાશે પાછો...કોણ સાચવશે આને...પણ એમને ક્યાં ખબર હતી કે આ મહાદેવનો ભકત કેટલાયને સાચવવા નિક્ળયો છે.
એક મિત્રએ અમદાવાદ જવાની સલાહ આપી ને એના ભાઈના નંબર ને એડ્રેશ આપ્યા. ભુજથી અમદાવાદની ટ્રેનનું રિઝર્વેશન કરાવી આપ્યું. 2010ની એ સાલ ને સહયાદ્રી એક્સપ્રેસ મને હજી નજરે તરે છે..
મારી સામેની સીટ પર એક માસી બેઠા હતા. એટલો માયાળુ ચહેરો કે મને માની યાદ આવી ગઈ. સામે બેઠા બેઠા મારું અવલોકન કરતા હતા. સુજેલી આંખો, આસુંથી ખરડાયેલો ચહેરો ને પ્રથમ વખત ઘરથી દૂર રહેવાનો રંજ. એ માસી આવ્યા મારી પાસે ને બધી વાત કઢાવી લીધી...
આ દુઃખ વસ્તુ જ એવી છે તમને કોઈ પૂછે એટલે બમણું થઈ જાય. ને એમાંય કોઈ કહે કે ચિંતા ન કર હું છું ને એટલે તો બંધાઈ જ જઈએ. ને સામેવાળી વ્યક્તિ તો ભગવાન ને સારી જ લાગે. માસી પણ મને મા જેવા જ લાગ્યા. ને એમનો એ 66 હજારનો ઘરનો બનાવેલો માવાનો પેંડો.
ઓહોહો...શુ એ ચેનની ઉંઘ આવી છેક વિરમગામથી અમદાવાદ વચ્ચે ઉઠ્યો. ભાનમાં આવ્યો ત્યારે ખબર પડી કે સોનાનો ચેઇન, પર્સ, વીંટીઓ બધું ગાયબ..
જીવનની એ પ્રથમ કસોટી હતી કે કોઈ પર વિશ્વાસ કરો પણ અંધવિશ્વાસ ન કરો. હવે અમદાવાદ તો પહોંચી ગયો પણ હવે શું? મિત્રએ આપેલું એના ભાઈ નું સરનામું ને બધું તો પર્સ મા જ રહી ગયું. ઘડીભર થયું કે પાછો જતો રહું પણ જવું તો ક્યાં મોઢે. ને દાદાજી ના શબ્દો યાદ આવી ગયા કે
" જા બેટા આમને કંઇક કરીને બતાવજે"
બસ દાદાશ્રી ના આ શબ્દોએ મને પાછાં ન જવા પર બાધ્ય કરી દીધો , જે શબ્દો માતા ગૌરીએ , માઁ સરસ્વતી બનીને દાદાશ્રી ના મુખે થી કહેવડાવ્યા હતા. આખો દિવસ પ્લેટફોર્મ નંબર ૩ ના બાંકડા પર સાઇન બોર્ડ ને તાકતો તાકતો એકદમ શૂન્યમનસ્ક બેઠો રહ્યો. સમયનું કોઇ ભાન નહીં. અચાનક ભૂખનો અનુભવ થયો. ખીસ્સું સાવ ખાલી. સારા ઘરના છોકરાવને ભીખ પણ ના મળે. તો સ્ટેશનની બહાર જવાનું નક્કી કર્યું , અને પ્લેટફોર્મ નંબર ૧ પર આવ્યો...પણ બહાર નિકળવા દે એ માતા ગૌરી ના કહેવાય. સામે ટિસી. મળ્યો. કહે કે ચાલો ટિકિટ...
ટિકિટ તો સલામત હતી. પણ એનો સમયકાળ પૂરો થઇ ગયો હતો. એટલે એ ભાઇએ ફાઇન ભરવાનું કહ્યું , હવે ખાવાના વાંધા હતા ત્યાં ફાઇન ક્યાં ભરવી??? મેં વિનમ્રતા પૂર્વક આખી ટ્રેનવાળી ઘટના સંભાળાવી એ ટિસી સાહેબને...તો એમણે મને રસ્તો બતાવ્યો , ફાઇન નહીં ભરે તો જેલ થશે...કારણ મારા પહેરવેશ પરથી મારી વાત એમને ગળે ના ઉતરી...સાહેબ , આ હતું બીજું લાઇફનું લેસન ....કે કોઇને કોઇની તકલીફોથી કંઇજ લેવા દેવા નથી...બસ પૈસા ફેક તમાશા દેખ...મારી આંખો સામે તો ફિલ્મમાં જોવેલું જેલનું દ્રષ્ય આવી ગયું અને હું વધુ ડરી ગયો.....
હવે જેલમાં તો જવું ન હતું. સામે રાજધાની એક્સપ્રેસ પડી હતી. બસ ટિસીની નજર ચૂકાવી ને દૌડ મારી ઓવરબ્રીજ તરફ. પેલાને કંઇ ખબર પડે એ પહેલાં તો હું દોડીને સીધો રાજધાની એક્ષપ્રેસ ના એસી કોચમાં ચઢી ગયો, ૨-૩ કલાક ગાડી ચાલી હશે કે ત્યાં રેલ્વે પોલીસ વાળા આવી ગયા. કોઇ પેસેન્જરે મારી કમ્પ્લેન કરી હતી કે કોઇ વચ્ચે સૂતું છે એમ...આખી ટ્રેન એસી કોચ વાળી , અને પાછી નોનસ્ટોપ દિલ્હી જતી ટ્રેન એટલે વચ્ચે ક્યાંય ઉતારી પણ ના શકે. મને રેલ્વે પોલીસે પકડીને બધી પૂછપરછ કરી. એ લોકો શું સમજ્યા એ તો હું આજે પણ નથી સમજી શક્યો.
પરંતુ મારી આખી ઇંક્વાયરી થઇ એ આંધ્રપ્રદેશ ના વતની વેકેટેશ્વર રેડ્ડી એ સાંભળી. મારી સાથે વાત કરવા લાગ્યા.
મુંબઈમાં ભણેલો હતો એટલે હિન્દી અને મરાઠી બંને ભાષા પર પ્રભુત્વ સારું હતું. રેડ્ડી અંકલે મારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. પણ પીગળે એ બીજા.. મેં તો હરફ સુધા ન ઉચારી. એમણે મારી વાતો સાંભળી હતી. એટલે કહે,
દેકો બેટા, દુનિયામે સબ લોક એક સરિકા નહિ હોતા. સબ ફ્રોડ નઇ હોતા.
મેં વાત કરવાનું ટાળ્યું પણ એમણે હિંમત ન હારી. એમણે મને સાથે લાવેલા વડા ધર્યા.... કહે કે
બેટા તેરે પાસ કોને કો કુછ નહિ, ઓર મુજે શિવાને બહુત કુછ દીયા હૈ..બસ તું કા લે થોડા સા..
હવે વિશ્વાસ આવ્યો એટલે નહિ કે અંકલ સારા હતા પણ ભૂખ આંટો લઈ ગઈ હતી.. તો જાપટવાનું ચાલુ કર્યું.
ધીમે ધીમે વાતો થઈ..., આખો રેડ્ડી પરિવાર જઈ રહ્યો હતો ઉત્તરાંચલ....કેદારનાથના દર્શને. રેડ્ડી અંકલે મારી ટિકિટના પૈસા ભર્યા. એમનું કર્જ ઉતારવા હું એમનો કુલી બની ગયો. કારણ કે ભીખ તો આ પટેલ બચ્ચાને હજમ થાય એમ ન હતી.
2010ની એ સાલ હતી હું એ બધાની સાથે ગૌરીકુંડ પહોંચ્યો. શુ એ અદભુત ક્ષણો હતી. મને જાણે મા ગૌરીનો દોરીસંચાર થયો. એક નવી જ આહલેક્ જગાવી ગયા મારામાં. લાગ્યું કે જાણે એમને મબે સાક્ષાત પોતાના અંક માં બેસાડ્યો. આગળની રાહ બતાવી. કે બેટા તું કોઈને ખુશી આપીશ તો જ મહાદેવ તને ખુશી આપશે.
બસ એક વાત ધ્યાન રાખજે કે તું બીજાનું ધ્યાન રાખીશ તો ઇશ્વર તારું ધ્યાન રાખશે જ...તો જે કરે એ બીજા માટે કરજે પરોપકાર માટે કરજે. નામ આપોઆપ થઇ જાશે...હવે આ મારી ઇમેજીનેશન હતી કે શું એ મને આજ સુધી ખબર નથી પડી. પણ હા એકવાત તો છે કે ત્યાર બાદ મેં કદીયે પાછળ ફરીને નથી જોયું...જેમ મહાદેવ રાખે એમ રહું છું.
તો કેદારનાથની યાત્રા પૂરી કરી. અને રેડ્ડી પરિવાર સાથે ૮ વર્ષ પહેંલાં મેં આંધ્રપ્રદેશ માં પગ મૂક્યો...હવે કરવું શું ??? કંઈ ભણતર નહિં , કોઇ ડિગ્રી નહિં , સાહેબ સાઉથની એક વાત પર તો બધાંએ સલામ કરવી. અહીં 99% માણસો ગ્રેજ્યુએટ.. ને આપણે તો ભણેશરીઓ વચ્ચે અભણ. હવે આવા ભણેશરીઓ ની વચ્ચે આપણે શું કરી શકીયે ??
રેડ્ડી અંકલનો મિનરલ વોટર નો પ્લાન્ટ હતો . તો બસ આપણે નક્કી કર્યું કે આ ભણેશરીઓને પાણી પીવડાવવું...રેડ્ડી અંકલ પાસેથી રુ.૫ માં ૨૦ લિટરના જારમાં પાણી ભરી ને સપ્લાયનું કામ શરુ કર્યું , ૫ રુ. નો ૨૦ લિટરનો જાર ત્યારે હું ૩૫ રુ. માં સેલ કરતો હતો . ખભે ઉચકીને ૩-૪ માળા ચઢવાના , ફિણ આવી જાય હો સાહેબ , પણ જેવા ૫ ના ૩૫ રુ હાથમાં આવેને એટલે બધો થાક ગાયબ...બસ આમજ મહાદેવની કૃપાથી બિઝનેસ ફાલતો ગયો...બે વર્ષમાં તો પોતાની વેન ખરીદી લીધી.
હવે "એક્વાહેલ્થ "એક બ્રાન્ડ બની ગઈ હતી. હવે સેલ પણ વધવા લાગ્યું.. 2014 મા પાણીનું ટ્રેડિંગ બંધ કર્યું ને પોતાનો પ્લાનટ લગાવ્યો. ને ખુદનું મેન્યુફેક્ચરિંગ શરૂ કર્યું.
કેવી સમયની ગોઠવણ રચાઈ કે હું તો બસ જોતો જ રહ્યો. એક નાનો જીવ કયા હતો ને કયા પહોંચી ગયો.. હજી તો સફર લાંબી છે. કચ્છથી આંધ્ર સુધીની આ સફર હતી. હવે આંધ્રથી અમેરિકા સુધીની સફર કમશઃ કહીશ...