વિરાટ વ્યક્તિત્વ..ભાગ-3 HINA DASA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિરાટ વ્યક્તિત્વ..ભાગ-3

(આગળ આપણે જોયું કે ભોળાનાથે કેવું શૂન્ય માંથી સર્જન કરી આપ્યું... અને કેવો એક યાચક ,આખા મિનરલ વોટર પ્લાન્ટનો માલિક બની ગયો... હવે આગળ...)

આજથી બે વર્ષ પહેલાં એટલે કે ૨૦૧૬ની સાલમાં મારા પ્લાન્ટ પર ૩-૪ વ્યકિતઓ આવી, અનાથ બાળકો માટે ડોનેશન લેવા. મેં એમને ૧૦૧/- રુપિયો આપીને રવાના કર્યા. પછી સમય આમ જ કામમાં ચાલ્યો જતો હતો કે એક દિવસ પેલા અનાથાલય વાળાઓની ૧૦૧/- આપેલાની રસીદ હાથમાં આવી, અને અચાનક કંઈક વિચાર આવ્યો. કે આ અનાથાલયની મદદ કરીયે તો કેવું...???

મનની શાંતિ તો અહિયા જ મળશે...

બીજે ક્યાંય નહિં...

બસ પછી શું એ અનાથાલયની મુલાકાત લીધી, બધાં સંચાલકો સાથે મળ્યો, અને બધી વાતચીત કરી. અને સેવાના પ્રથમ કાર્યનું શ્રી ગણેશ કર્યું. અઠવાડિયામાં એકવાર અચૂકપણે મારા બાળકોની મુલાકાત લેવી, હા મારા બાળકો... હવે મને એક પરિવાર મળી ગયો હતો...૧૦૨ નાના ભાઇઓ અને ૬૦ નાની બહેનો... આમ કુલ ૧૬૨ અને એક હું ૧૬૩ જણનો આ મારો પરિવાર.... ભોળાનાથે વણમાગ્યે આટલો મોટો પરિવાર આપી દીધો હતો...

હવે જ્યારે મનને શાંતિ જોઇતી હોય ત્યારે હું મારા બાળકો પાસે પહોંચી જતો... હા મિત્રો... હું કોઇ મોટો દાનવીર નથી, એક નંબર નો લાલચુ બિઝનેસબોય છું...જે ઇશ્વર પાસેથી મળેલું દાન કરી અને સાચી પ્રિત, સાચો પ્રેમ, બાળકોની નિખાલસ હસી... બધું એમની જાણ વગર લઇ લઉં છું... મારા બાળકો તો મને નિ:સ્વાર્થ પ્રિત આપે છે પણ હું મારા મનની શાંતિ મેળવીને મારી લાલસાને સંતોષ આપું છું...

જ્યારે ઇશ્વરે આપણને આવા કાર્યો કરવા અવતાર આપ્યો છે તો આપણે આપણું કર્તવ્ય કેમ ચૂકી શકીએ.... અને ક્યાં ઇશ્વર આપણા ખિસ્સામાંથી આપવાનું કહે છે??? આ તો જે એણે આપ્યું છે એ જ આપણે સૌ એ બાંટવાનું છે ને?? આમ તો આપણે સૌ ઇશ્વરની જ સંતાન છિયે તો આ ન્યાયે આપણે સૌ ભાઇ-બહેન થયાં ને??? તો પિતાની મિલકતમાં તો સૌ નો ભાગ હોય... એય પૂરા હક્કથી... તો એમાંથી એક અંશ તમે આપો એમાં શું??? અરે આપણે શું લઇને હતા? અને શું લઇને જવાના??

મારા મત પ્રમાણે તો દરેક વ્યક્તિ એ પોતાની ક્ષમતા પ્રમાણે થોડું ઘણું દાન કરવું જોઈએ... અને સૌથી મોટું છે અન્નદાન અને આ દુનિયામાં કોઇ એવું તો નથી જ કે એક ભૂખ્યાને ભોજન ના કરાવી શકે... અરે બે જણની રસોઇ બને તો એમાં ત્રીજું એની મેળે જ સચવાઇ જાય... વધેલું કચરામાં નાખવા કરતાં કોઇ ભૂખ્યાના પેટમાં નાખો... એની આંતરડી ઠરશે અને દિલથી ઓડકારમાં આશિર્વાદ આપશે... અને પછી જોજો એનો સૌથી મોટો ફાયદો એ થશે કે તમારી ઇશ્વર પાસે ભીખ માગવાની આદત છુટી જશે... ઇશ્વર વગર માગ્યે તમને આપી દેશે... તમને ટેલ નાખવાની જરુર પણ નહીં પડે... જુઓ છું ને પાક્કો બિઝનેસ બોય...???

મિત્રો મારા મત પ્રમાણે તો દરેક વ્યક્તિએ ઇશ્વર પાસેથી કંઇ પણ માગવા કરતાં ઇશ્વરના નામે આપતા શિખવું જોઈએ... ઊદાહરણ તરીકે  તમે જો પોતાની જાતને કદાચ ૧૦૦ જણને આપવા યોગ્ય બનાવશો તો ઇશ્વર તમને પહેંલા જ ૧૦૧ જણ પૂરતું આપી દેશે... કારણ કે, મારા મત પ્રમાણે ઇશ્વર ૧૦૦ જણ પાસે સેપરેટલી જઇ અને આપવા કરતાં એક ને આપવાનું વધારે પસંદ કરશે, ઇશ્વર પણ સમઝશે કે એક આ વ્યકિતને જ આપી દઇશ તો બીજા ૧૦૦ જણ પાસે એની મેળે જ આના થકી પહોંચી જશે...ખરું ને??

બસ પોતાની જાતને એટલી વિશાળ બનાવો કે ઇશ્વરનેય આપતા મોજ આવે... બાકી દેનારો દાતાર છે એની પાસે ક્યાં કદીયે ઓછપ છે, અને એ વચનબદ્ધ છે કે ભૂખ્યા ઊઠાડીશ પરંતુ ભૂખ્યા સૂવા તો નહીં જ દઉં પણ મનુષ્યની તો ભૂખ જ અલગ છે...

પૈસા-ગાડી-બંગલો-જાહોજલાલી-શાનોશૌકત-એશોઆરામ આહાહાહા.... આવું બધું માગે બોલો, જેનાથી ઇશ્વરને દૂર દૂર સુધી કંઈ જ લેવા-દેવા નથી... ક્યારેય સાંભળ્યું છે કે સિંહની સંતાને ઘાસ ખાધું???... ના ને??? તો આપણે ઇશ્વરની સંતાન થઇને આ બધું શું કરી રહ્યા છીએ... આ કેવી ભૂખ લઇને જીવીયે છિયે??? જે ભૂખ કદીયે ઇશ્વરે આપી જ નથી... અને વળી પાછા એ જ લોકો ઇશ્વરની ખામીઓ કાઢે... મેં તો આટલાં વ્રત કર્યાં,આમ કર્યું તેમ કર્યું... તોય ઇશ્વરે મને આ ના આપ્યું... અરે ઇશ્વરે તમને કહ્યું હતું કે આમ કરજો... એણે તો તમને ભૂખ્યા નહી સૂવાડું એમ કહ્યું હતું ને...??? તો ક્યારે સૂવાડ્યા હોય તો જ ફરિયાદ કરજો... નહિતર બસ બે હાથ જોડી તમને મનુષ્ય અવતાર આપ્યો એ બદલ આભાર માનજો... કદી માન્યો છે??? ના માન્યો હોય તો એક વખત સાચા મનથી માની લેજો, પરમશાંતિ ના મળે તો કહેજો...

ઓહ, વિષય ભટકવા બદલ ખેદ છે...

તો ક્યાં હતાં આપણે...??? હા મને ૧૬૨ સભ્યોનો પરિવાર મળી ગયો,અને હું નિયમિત અનાથાલયની મૂલાકાત લેવા માંડ્યો... બાળકોની તકલીફ મારી તકલીફ બની ગઇ, કોઇ અચાનક બિમાર થાય, રમતાં રમતાં લાગે ભાગે તો દોડીને બધાં કામ પડતા મૂકી ત્યાં જવાનું... મહિનામાં ક્યારે એકવાર પિકનિક લઇ જવા,મંદિર લઇ જવા... વગેરે વગેરે... જાણે એક નવી અલગ દુનિયા વસી ગઇ હતી...જે દુનિયામાં આજની તારીખમાં ૨૦૮ સભ્યો વસે છે...

હવે પ્રશ્ન થશે કે હું પાછો ઘરે ગયો કે નહીં તો સાંભળો એ પણ,

હું મારા અંગત કામ સબબ રાજકોટ પહોંચ્યો અને એજ દિવસે મને અમારા જ ગામનો એક મિત્ર મળ્યો. એણે મને મારા દાદાનું ૧૦ દિવસ પહેંલાં દેહાંત થઇ ગયાના સમાચાર આપ્યા. ઓહોહોહો... આ શું? મારા દાદા. મારું પ્રિય પાત્ર. આ દુનિયામાં નહોતું અને મને કોઇએ જાણ પણ ના કરી? આવી તે શું દુશ્મની? મારું હ્રદય ધબકારો ચૂકી ગયું. પણ આ જીવ હવે મહાદેવમય બની ગયો હતો. વિચાર્યું કે હશે હવે,છૂટ્યા. હ્રદયમાં અત્યંત પિડા હતી. પણ દુનિયાના ઝેર પીધેલું હ્રદય આ ઘૂંટડોય પી ગયું.
   
 બસ પછી શું હતું. ગાડી વાળી કચ્છની વાટે. ૬ કલાકમાં ગામડે પહોંચ્યો. ગામના એક મિત્રને ત્યાં રોકાયો. સવાર પડ્યે સીધો ઘેર. ડેલીમાં પથારી બેઠી છે. બધાં અવાક્‌. આ અહિયાં કઇ રીતે? મેં કહ્યું મારે કોઇ નથી જોઇતું બસ "અસ્થિ"ઓ લાવો. એમાંય આનાકાની બોલો. મેં દાદીને સમજાવ્યા કે મારે દાદાને કાશી ભેગા કરવા છે. તમે કહો તો. દાદી સમજ્યા. અને હુકમ થયો કે "અસ્થિઓ" આપી દેવામાં આવે અને કાશી લઇ જવાય. મેં દાદીને સાથે લીધાં અને ગાડી વાળી સીધી યૂ. પી."કાશી વિશ્વનાથ " તરફ. ત્યાં જઇ દાદાનું તારવણું કર્યું અને દાદીને પણ મહાદેવના દર્શન કરાવ્યા.
     
અહિયાં વળી પાછો એક બનાવ બન્યો. દાદા બધી વસિયત મારા નામે કરી ગયા. એમને એમ કે જો આના નામે કરી દઇશ તો આખો પરિવાર સામેથી મને ઘેર બોલાવશે.

પણ મને આ બધાંથી કોઇ નિસ્બત નહોતી. જબરજસ્તી ના સંબંધમાં હું કદીયે નથી માનતો. એટલે દાદીને ઘેર મૂકી અને બધી વસિયત પાછી દાદીના નામે કરી,રાજકોટ રવાના થયો. મારું અધૂરું કામ પૂર્ણ કરવા.

જેવો  પેટ્રોલ પંપ પર ગાડી ફૂલ ટેંક કરાવીને એ.ટી.એમ.કાર્ડ સ્વાઇપ કરવા જાઉં,ત્યાં આ શું? કાર્ડ કામ જ ના કરે. ઇન્ક્વાઇરી કરી તો જાણ થઇ કે બધાં ખાતાં બ્લોક કરી નાખવામાં આવ્યા છે. એ. પી. માં મારો પિતરાઈ ભાઇ મારી સાથે હતો બે વર્ષથી. મેં પાવર ઓફ અટર્નિ એના નામે કરી હતી. દેશમાં જ્યારે જાણ થઇ કે દાદાએ બધી જ વસિયત મારા નામે કરી દીધી છે,ત્યારે જ આ ભાઇએ બધો બિઝનેસ પોતાના નામે કરી લીધો.
 
   આ મારી માટે પડતાં ઉપર પાટું,જેવી સ્થિતિ હતી. દાદાની વસિયત મેં રાખી નહીં અને મારી મહેનતની કમાઈ પર આ ભાઇ બેસી ગયાં. મારી પાસે વધ્યું હવે એક ફ્લેટ,એક વેન અને એક એક્ટિવા. જે ત્રણેયની લોન ચાલુ હતી. મારી જગ્યાએ બીજો કોઇ હોત તો ભાઇ-ભાઇ લડી મર્યા હોત. પણ આ મારા દાદાના સંસ્કાર નહોતા. એમણે મને હંમેશા સ્વાવલંબી બનવાની જ રાહ બતાવી હતી.
       
ભાઇને કહી દીધું," ભાઇ બિઝનેસ નામથી નહિ,કામથી ચાલે છે ". અને તારે આ બધું કરવાની શું જરુર હતી? ફક્ત કહી દીધું હોત તો ય એમનામ આપી દેત". અને આમજ દોઢ કરોડની ભીખ આપી દીધી. મને તો "શૂન્ય માંથી સર્જન " કરવાની આવડત છે જ. હું મારું કરી લઇશ.ભોળો મારી ભેળો જ છે..
     
મારા વર્કર્સ હતા એ બધાં મારી પાસે આવી ગયા.ધન્ય છે એમને જેમણે સામેથી કહ્યું કે,"૬ મહિના અમને પગાર નહિ આપજો. થશે ત્યારે બમણું આપી જ દેશો તમે."બસ આવા માણસો હોય એને શું ફેર પડે. ૪ મહિનામાં સામ્રાજ્ય ફરી ઊભું કરી દીધું."અપ્સરા ઓફિસ વર્લ્ડ" અને "એક્વા હેલ્થ" બંને કંપનીઓ આજેય સાઉથ ઝોનમાં ધૂમ મચાવે છે સાહેબ. "અપ્સરા ઓફિસ વર્લ્ડ "ની તો "પ્લે સ્ટોર"માં એપ પણ છે.
   
 એ અરસામાં અમેરિકન ફ્રેન્ચાઇઝી સાથે અનાથાલયની મદદ માટે ફંડ આપવાની વાત થઇ. તો એ લોકોએ શર્ત મૂકી કે તમે જે કામ ઇંડિયામાં કરો છો એ જ ચેરીટીને લગતાં કામ અમારી કંપનીના બેનર હેઠળ અહિયાં અમેરિકામાં કરો તો અમે તમારા અનાથાલયને નાણાકીય મદદ કરીશું. અથવા તો જે લોકો અહિયાં આવશે એમને સારી એવી સેલેરી આપશું જે અનાથાલયના એકાઉન્ટમાં જમા થશે.
   
 મેં પ્રસ્તાવનો સ્વીકાર કર્યો અને અમારી ૬ જણની ટીમે ૩ વર્ષ માટે યુ. એસ. જવાનું નક્કી કર્યું. બસ આ કામ માટે જ આજે આ પરાઈ ધરતીને પોતીકી બનાવી છે.
     
   તો બસ... આ છે મારી આપવીતી...
સાવ સાદી અને સરળ... મારા મહાદેવ જેવી જ... એકદમ...

ફરી સમય બોલ્યો, તો મોટાભાઈ આ તમારી પ્રીત કોણ છે?

પ્રીત!! એના પર તો આખું પ્રીતપુરાણ રચ્યું હશે મહાદેવે, પ્રીત તો મારી પ્રેરણા છે, મારું જીવન છે ને મારું સર્વસ્વ છે. ભોળોનાથ જાણે મને એ ક્યારે મળશે. અમારી રુહ તો એક જ છે બસ ખોડીયા અલગ અલગ છે. જેમ શિવ ને શિવાંગી. મારી પ્રીત ની મુલાકાત તો રોજ સપનામાં થાય છે, એ મારા અરમાનો હરી જાય છે, પણ વળી 'આવું છું' કહી ને ભાગી જાય છે. એને પણ ક્યાં ખબર છે કે હું ચાહું ત્યાં સુધી જ એ દૂર છે, હું ચાહીશ કે નજીક બોલાવવી છે ત્યારે એને પણ મજબુર થવું પડશે આવવા માટે. પણ અનોખી તો અનોખી જ હોય ને. બસ મારી પ્રીત પણ એવી અનોખી જ છે ને રહેશે...

સમયે કહ્યું, એટલે મોટાભાઈ કમલપ્રીત અમરપ્રીત છે એવું..

હા એવું જ કંઈક સમજી લો.....

અહીં આ વાર્તા પૂર્ણ થાય છે એક આશાવાદ પૂર્ણ નથી થતો. સમયને બધો હક હોય છે બધું કરવાનો બસ એની કોઈ ફરજ નથી હોતી. માણસ સમય પાસે ખરેખર તણખલું જ છે. પણ બહુ જૂજ હોય છે જે સમય ને સ્વીકારીને સમય ને પણ વિચારવા મજબુર કરી દે છે કે હું ખરાબ હતો કે સારો. આની મોજ કેમ ખતમ નથી થતી. ને સમયને આવું વિચારવા પર મજબુર એ જ કરી શકે જેને પરમાત્મા પર અતૂટ શ્રધા હોય. ઈશ્વર એમની શ્રધા કાયમ રાખે ને એમનું વ્યક્તિત્વ આમ જ વિરાટ રાખે.........