Patan thi patola books and stories free download online pdf in Gujarati

પાટણથી પટોળા

પાટણથી પટોળા
               ભાગ-૧ 
છેલાજી રે મારી સાટું પાટણથી પટોળા મોંઘા લાવજો..
એમાં રૂડા રે મોરલિયા ચિતરાવજો..
જયારે ઓનલાઈન શોપિંગની વ્યવસ્થા ન હતી તેવા સમયે કોઈક મારા જેવી સાડીની શોખીન સ્ત્રીએ પોતાના પતિ પાસે આવી જીદ કરી હશે. શક્ય છે કે તે સમયે અમુક લીમીટેડ ‘રંગ રતુંબલ, કોર કસુંબલ’ જેવી  વેરાયટીની સાડીઓ મળતી હોવી જોઈએ. પરંતુ આજના સમયકાળમાં સાડી પર સંશોધન કરીને પી.એચ.ડી.ની પદવી હાંસિલ પ્રાપ્ત કરી શકાય એટલી વિવિધતા પ્રવર્તે છે. આ ઉપરાંત મજાની વાત તો એ છે કે અનુષ્કા શર્માએ પોતાના લગ્નમાં પહેરેલી સબ્યસાંચીએ ડીઝાઇન કરેલી ચનીયાચોલી થી લઈને બોલીવુડની ફિલ્મોમાં અભિનેત્રીઓએ પહેરેલી જગવિખ્યાત ડીઝાઇનર્સ દ્વારા તૈયાર પોષાકો સૌના બજેટમાં સમાય જાય તેવી કિમંતે તે ઓરીજીનલ કૃતિની ફર્સ્ટ કે સેકન્ડ કોપી સ્વરૂપે સરળતાથી ઉપલબ્ધ છે. પરંતુ દરેક સાડી આજીવન પહેરી શકાય, પૈસા અનુસાર સાડીની ગુણવત્તા પણ ચકાસવી પડે એ માટે દરેક સ્ત્રીએ પોતાની વિવેકબુધ્ધિનો ઉપયોગ કરીને ખરીદી કરવી ખુબ જરૂરી છે, એ માટે મેં સાડી વિષે મારું જે થોડું-ઘણું જ્ઞાન(સાડીના કાપડ આધારિત પ્રકારો,અસલી-નકલી કાપડની પરખ, તેની અંદાજીત કિમંત,વ્યક્તિ-પ્રસંગઅનુરૂપ સાડીની પસંદગી, સાડી શોપિંગના શ્રેષ્ઠ સ્થળો,સાડીની જાળવણી અંગેના સૂચનો, સાડી ડ્રેપીગ,વિગેરે) છે તે સાડી પરત્વે આસક્તિ ધરાવતી સ્ત્રીઓને ઉપયોગી થાય તે હેતુસર વહેંચવાનો પ્રયાસ કરેલ છે. 
સાડીની શોધ અને સમયાન્તરે તેમાં આવતા પરિવર્તનને હું ‘પેનીસીલીન’(એન્ટીબાયોટીક દવા)ની શોધ જેટલી જ મહત્વપૂર્ણ માનું છું. કારણકે સતત પરિવર્તનશીલ ફેશનના આ યુગમાં સાડી જ માત્ર એક એવું ‘ટાઇમલેસ એલીગેન્ટ’ આઉટફીટ છે જે કયારેય આઉટડેટેટ નથી થતું અને તેમાં સમય સાથે આવકાર્ય ફેરફારો તેને વધુ આકર્ષક બનાવે છે. આથી જ તો વિશ્વસ્તરીય બહુચર્ચિત ‘કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ’માં ભારતનું નેતૃત્વ કરવા જતી વખતે ઘણી અભિનેત્રીઓની પરિધાનની પસંદગી સાડી પર આવીને અટકે છે. હનીમુનથી લઈને સામાજિક-ધાર્મિક પ્રસંગો સુધી, રોજબરોજની ઓફીસથી લઈને કોકટેલ પાર્ટી સુધી’ સમય-સ્થળ અને તમારા ઓવરઓલ લુકને ધ્યાનમાં રાખીને પસંદ કરેલી સાડી એ પરફેક્ટ પરિધાન છે.
સાડી પ્રત્યે મને છેક નાનપણથી જ લગાવ હતો તેનું ઉદાહરણ હું એ આપી શકું કે હું તે સમયે શિક્ષિકા બનવા ઈચ્છતી કારણકે તે સમયે શાળાઓમાં શિક્ષિકા-બહેનોએ સાડી પહેરવી ફરજીયાત હતી, અને જો હું મોટી થઈને શિક્ષિકા બનું તો મને પણ દરરોજ સાડી પહેરવા મળે. આ જ કારણ છે કે મને કયારેય કોઈએ સાડી કેમ બાંધવી તે શીખવ્યું નથી, હું અવલોકન કરીને જ આ શીખી છું અને ત્યારબાદ હોસ્ટેલમાં લગભગ મારી બધીજ ફ્રેન્ડસ અને ઘણા સીનીયર દીદીઓને પણ મેં સાડી ડ્રેપીન્ગ ની ટ્રેનીંગ આપેલ છે. 
આ લખી રહી છું ત્યારે મારા વોર્ડરોબમાં પાંચ સો રૂપિયાથી લઈને વીસ હજાર સુધીની કિમંત ધરાવતી અંદાજે ત્રણ ડઝનથી પણ વધુ સાડી વિદ્યમાન છે. આ ઉપરાંત મારી દરેક પ્રવૃતિમાં સહયોગી બનતા મારા પ્રેમાળ માતા(સાસુશ્રી) શ્રીમતી નિશાબેનનો સાડીઓનો ખજાનો તો મારા માટે સદૈવ ખુલ્લો જ હોય છે. આથી આ બાબતમાં હું મારી જાતને અતિ સમૃદ્ધ ગણી શકું. સાડી સાથે સંકળાયેલી સિદ્ધિની વાત કરું તો એક વર્ષ પહેલા જ સાડી પહેરીને રેમ્પ પર વોક કરીને હું એક સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવવામાં સફળ રહી છું તો આવા જ એક સાડી સ્પેશિયલ ફેશન શોમાં જજ પણ રહી ચુકી છું.  
સાડી કે સારી શબ્દ સંસ્કૃત શબ્દ ‘શાટીકા’ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય ‘કપડાની પટ્ટી’ ઇતિહાસમાં ડોકિયું કરીએ તો જાણવા મળશે કે છેક સિંધુ સંસ્કૃતિના સમયથી જ સ્ત્રીઓ સાડી પહેરતી આવી છે, અલબત્ત તે સમયે આજના સમય જેવી આબેહુબ સાડી કે સાડી બાંધવાની પધ્ધતિ ન હતી. તે સમયે તેઓ કોટન, શણ, કેળ આદિ વનસ્પતિઓના મજબુત રેસા વગેરે કુદરતી સ્ત્રોતોમાંથી કાપડ વણીને તેને હળદર, લાખ, ગળી, મંજીષ્ઠા જેવી વનસ્પતિઓના કુદરતી રંગથી રંગીન બનાવતા. 
આ ઉપરાંત રામાયણ (સીતાજીને વનવાસ દરમિયાન ઋષિપત્નીએ સાડી અને આભૂષણો ભેટરૂપે આપેલ) અને મહાભારત(દ્રૌપદીનું વસ્ત્રાહરણ) જેવા મહાકાવ્યોમાં સાડીનો ઉલ્લેખ થયેલ છે. તેમજ પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં ‘કાદમ્બરી’, ‘મૃછ્છકટીકમ’, ‘સ્વપ્નવાસવદતમ’ માં પણ આડકતરી રીતે સાડીનું વર્ણન જોવા મળે છે. 
સાડીના પ્રકારો 
સાડીના પ્રકાર તેની કોઈ ખાસ ડીઝાઇન ( બાંધણી, બાટીક, લહેરિયું, પટોળું, વગેરે) અને તેના કાપડ- પોતના આધારે વર્ગીકૃત કરી શકાય. તેમજ ભારતના ભિન્ન  ભિન્ન પ્રદેશોમાં આ પૈકી અમુક  જાતની જ સાડીઓ કે તેની ડીઝાઇન પ્રખ્યાત છે. જેમકે બાંધણીનું ચલણ ગુજરાત અને રાજસ્થાનમાં અન્ય રાજ્યો કરતાં વધુ છે. પટોળા ગુજરાત તેમજ પાકિસ્તાની સ્ત્રીઓ વધુ ખરીદે છે. દક્ષિણભારતમાં કોટન અને કાંજીવરમ સિલ્ક તેમજ મહારાષ્ટ્રમાં પૈઠણી, મધ્યપ્રદેશમાં મહેશ્વરી, બંગાળમાં કન્થા, તેમજ જ્યુટકોટન, કર્નાટક-તેલંગાણામાં ગઢવાલ સાડી પ્રખ્યાત છે. જોકે આજકાલના આ ઓનલાઈન શોપિંગના ડીજીટલ યુગમાં દરેક પ્રાંતની દરેક સ્ત્રીઓ બધીજ પ્રકારની સાડી આવકારે છે. 
 પટોળા  
પટોળા છેક મહારાજા સિદ્ધરાજ જયસિંહના કાળથી ગૌરવ ધરાવે છે. તે સમયે રાજમાતા મીનળદેવીએ કર્ણાટક-મહારાષ્ટ્રના સાડી વણનારા સાલ્વી સમુદાયના કારીગરોને ગુજરાતના પાટણમાં રાજ્યાશ્રય આપ્યો હતો અને તેઓએ રાજવી પરિવાર માટે તત્કાલીન શૈલી મુજબ ચકલી, હાથી, ફૂલ, વેલ,ચોકઠાં આદિ ભાતીગળ ડીઝાઇનના સોનાના તારવાળા પટોળા વણવાનું શરુ કર્યું હતું . જો કે વર્તમાન સમયે માત્ર એક કે બે જ પરિવાર આવા પરમ્પરાગત પટોળા બનાવે છે. એક પટોળું વણતા ચાર થી છ મહિનાનો સમય લાગતો હોય છે અને તેના દ્વારા બનેલા પટોળાની કિમંત બે લાખ રૂપિયાથી પણ વધારે હોય છે. સાડીની શોખીન દરેક સ્ત્રીનું આવું એક પટોળું ખરીદવાનું સ્વપ્ન અવશ્ય હોય છે. 
પટોળું પહેરવાની મહેચ્છા આજના સમયમાં ઓછા પૈસા ખર્ચીને પણ પૂરી કરી શકો છો. મોટા શહેરોમાં આશરે ત્રણ હજારથી લઈને પચાસ હજાર સુધીમાં આર્ટ કે રીયલ સિલ્ક પોત પર પ્રિન્ટ કે હેન્ડ-વુવન અવનવા કલર્સ કોમ્બીનેશન અને ડીઝાઇનમાં મળે છે.
ટીપ્સ- પટોળું દેખાવે આકર્ષક છતાં એકદમ હળવું હોય છે. સામાજિક શુભપ્રસંગોમાં પહેરી શકાય તેમજ ખાસ પ્રેગ્નેન્ટ લેડીએ પોતાના સીમન્તોનયન-બેબીશોવર માટે પટોળું પસંદ કરવું જોઈએ કારણકે લાઈટવેટ, ઇઝી ટુ મેનેજ અને સ્કીન ફ્રેન્ડલી લાક્ષાણીકતાને કારણે તે બીજી બધી સાડીઓની સરખામણીમાં વધુ આરામદાયક રહે છે. પટોળામાં બારીક અને મોટી બંને જાતની ડીઝાઇન સારી લાગે છે. કલર્સ શક્ય હોય ત્યાં સુધી ડાર્ક પસંદ કરવા જેથી તેમાં રહેલી ડીઝાઇન વધુ સોહામણી લાગે. ડીપ રેડ-સ્કારલેટ કલરની સાથે ગોલ્ડન પલ્લું-બોર્ડેર ધરાવતું પટોળું કોઈપણ સ્ત્રીને નવોઢાવત સુંદર દેખાડવા સક્ષમ છે. વાઈટ-ઓફ્વાઈટ સાથે મરુન-રેડ બોર્ડર-પલ્લુંવાળું પટોળું પાનેતર માટેની પણ ચોઈસ છે. પણ મારું એવું માનવું છે કે શક્ય હોય ત્યાં સુધી આવું પટોળું ન ખરીદવું કારણકે પટોળામાં ઘેરા રંગો જ વધુ શોભે છે. છતાં પણ તેમાં ઝરદોશી-સિલ્કથ્રેડમાચીવર્ક કરાવીને ઉપયોગમાં લઇ શકાય. 
શોપિંગ ડેસ્ટીનેશન- ખિસ્સાને પરવડે અને મનને મોહે એવા પટોળા માટે અમદાવાદ ગુજરાતનું સૌથી શ્રેષ્ઠ શોપિંગ પ્લેસ છે. આ ઉપરાંત રાજકોટ, બરોડા, સુરત પણ પટોળા માટે જાણીતા શહેર છે.
બાંધણી / બંધેજ   
પ્લેઈન કપડામાં જે ડીઝાઇન ઉપજાવવી હોય તે અનુસાર હાથથી નાની નાની ચુમકી ખેંચી તેને દોરાથી બાંધવામાં આવે છે. ત્યારબાદ આખા કપડાને જે તે રંગના ઘોળમાં બોલીને સુકવી દેવામાં આવે છે. ત્યારબાદ બાંધેલો ભાગ ખોલતા રંગાયેલા સમગ્ર કાપડમાં કોરો રહેલો ભાગ ડીઝાઇન બનીને ઉપસી આવે છે. માર્કેટમાં સો રૂપિયાથી માંડીને એક લાખ સુધીની બાંધણીઓ ઉપલબ્ધ છે. કિમંતનો આધાર તેના કાપડ અને બાંધણીની ડીઝાઇનની બારીકી અને વ્યાપકતા પર રહે છે. બાંધ્યા વગર માત્ર પ્રિન્ટ કરેલી બાંધણી પણ મળે છે જે ખુબ જ સસ્તી અને ટકાવ હોય છે. પ્યોર કોટનમાં બાંધેલ બંધેજ પહેરવામાં ખાસ કરીને ઉનાળામાં ખુબ જ આરામદાયક રહે છે. પરંતુ બે કે ત્રણ વોશમાં જ ફિક્કી પડી જાય છે. કોટન સિલ્ક સાથે ગોલ્ડન બોર્ડરવાળી બંધેજ તેમજ ગઢવાલ પ્રિન્ટમાં બાંધેલી બંધેજ પ્રૌઢાવસ્થામાં સારી લાગે છે.આ લોવર રેન્જમાં (૧૫૦૦ રૂ.)ખરીદી શકાય. જ્યોજેર્ટ, જેક્કાર્ટ, સિન્થેટીક સ્મૂથ સિલ્કમાં બાંધેલી બંધેજ મિડલ રેન્જમાં (રૂ.૨૦૦૦-૫૫૦૦) આવી જાય. જયારે શિફોન, ઇટાલિયન કે અમેરિકન ક્રેપ, રિયલ સિલ્ક, ગજી સિલ્ક ખુબ જ ઊંચા ભાવમાં(રૂ.૮૦૦૦-૨૦૦૦૦) ખરીદવી પડે. આ વેરાયટીમાં બંધેજ ઉપર અલગથી એક્સ્ટ્રા વર્ક પણ કરાવી શકાય છે, જે મુજબ તેની કિમંતમાં વધુ વધારો થઈ શકે છે. મારા અંગત અનુભવ મુજબ બાંધણીની ખરીદીમાં વધુ પડતા પૈસા ખર્ચવા ન જોઈએ કારણકે તેને બાંધીને બાદ રંગના ઘોળમાં પલાળીને સુકવીને બાદ અન્ય વર્ક વિગેરે કરવામાં આવતું હોવાથી લાંબાગાળે તેનું ફેબ્રિક સડી જાય છે. 
ટીપ્સ- હેવી બંધેજમાં મલ્ટીકલર સાડી મળે છે જેને ‘નવરત્ન બાંધણી’ કહે છે. આ ઉપરાંત સિંગલ અને ડબલ કલરના કોમ્બિનેશન વાળી બાંધણી પણ મળે છે. હેવી રેન્જની બાંધણી શક્ય હોય ત્યાં સુધી ગજી સિલ્ક કે ક્રેપ મટીરીયલમાં સીન્ગલ કલર કે તેવા જ શેડેડ ડબલ કલર અને સાથે ગોલ્ડન-કોપર ઝરી બોર્ડેર પલ્લું વાળી લેવી. તેમજ તેમાં એક્સ્ટ્રા વર્ક પણ કરાવી શકાય છે.લીલો, મરુન, મેંગો ઓરેન્જ, ડાર્ક પર્પલ, વાઈન મરુન જેવા રંગો શુભપ્રસંગો કે કરવા ચોથ, ગણગોર જેવા તહેવારો માટે બેસ્ટ છે. શિફોન, કે સ્મૂથ ક્રેપની બાંધણી હમેશા મલ્ટી કે સિંગલ પણ લાઈટ કલરમાં એકદમ બારીક ડીઝાઇનવાળી, સાંકડી બોર્ડેર વાળી પસંદ કરવી અને તેમાં કયારેય ભૂલથી પણ વર્ક ન કરાવવું, નહી તો તેમાં કાણા પડી જવાની સંભાવના વધી જાય છે અલબત વર્કના શોખીન તેમાં કાપડને અનુરૂપ લાઈટ વર્ક કરાવી શકે. આવી વર્ક વગરની સેડેડ સિંગલ કલરની સાડી કોઈ રીસેપ્સન, બર્થડે કે અન્ય પાર્ટી, પ્રોફેશનલ મીટ વગેરેમાં પહેરી શકાય, જયારે વર્ક કરેલી તમે અન્ય મોટા પ્રસંગે પહેરી શકો. જ્યોજેર્ટ, જેક્કાર્ટ, સિન્થેટીક સ્મૂથ સિલ્કમાં બાંધેલી બંધેજ રફ એન્ડ ટફ હોઈ ટ્રાવેલિંગથી લઈને રૂટીનમાં પણ પહેરી શકો. 
 શોપિંગ ડેસ્ટીનેશન – જામનગર અને જયપુર એ સમગ્ર ભારતભરમાં બાંધણીના અગ્રગણ્ય શહેર છે. જામનગરમાં બાંધણી માટે સૌથી જૂની ‘મહાવીર’ અને અત્યાધુનિક ‘સંકલ્પ’ થી લઈને હોલસેલમાં ખરીદી માટે દરબારગઢમાં અનેક દુકાનો આવેલી છે. જે તમને તમારી પસંદગીના કલર-કાપડમાં જે તે બાંધણી બંધાવી આપે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જેતપુર પણ બાંધણીના ઉત્પાદન માટે જાણીતું છે જ્યાં તમને તમારા બજેટમાં સંતોષકારક બાંધણીની સાડી મળી જશે. કચ્છમાં પણ બાંધણીની અવનવી ડીઝાઈનો અગ્રગણ્ય શહેરોમાં મળી રહે છે.
સિલ્ક
અમુક જાતના કીડાઓના કોશેટારૂપી આવરણના રેશામાંથી સિલ્ક બને છે. જેને રેશમ પણ કહેવાય છે. આખા વિશ્વમાં ચીન બાદ ભારત એ બીજા નંબરનો સિલ્કનું મહતમ ઉત્પાદન કરતો દેશ છે. સિલ્ક એ દરેક સમયગાળામાં સાડીના ખરા કદરદાર અને જાણકાર માટે સદાબહાર પ્રિય રહેલ ફેબ્રિક છે. સુવાળો સ્પર્શ અને ચળકાટ ધરાવતું આ કાપડ થોડું મોંધુ પણ છે. પણ ટેકનોલોજીના બળે છેલ્લા ઘણા સમયથી માર્કેટમાં રીયલ સિલ્કને પણ ટક્કર આપે તેવું કૃત્રિમ-ઉત્પાદિત સિલ્ક પ્રવેશી ચુક્યું છે, જેને વેપારીઓ ‘આર્ટ સિલ્કના નામે આપણી સમક્ષ પરિચય કરાવે છે. આ આર્ટસિલ્ક એટલે આર્ટીફીસીયલસિલ્ક. તે પણ અનેક રેન્જનું અલગ અલગ ક્વોલીટીવાળું હોઈ તેના દામ રીયલ સિલ્ક કરતાં અંદાજે ચોથા કે પાંચમાં ભાગના હોય છે, સારી કવોલીટીના આર્ટસિલ્ક અને રીયલસિલ્ક વચ્ચેનો તફાવત જવેલર્સને ત્યાં દાગીનામાં જડેલા સાદા હીરા અને બ્રાન્ડેડ-રીયલ હીરા જેટલો હોય છે. સાચા ઝવેરીની જેમ કોઈ સાડીની અત્યંત શોખીન શાણી સ્ત્રી જ સહેલાઇથી આ તફાવત પારખી લે છે.
રીયલ સિલ્ક ખુબ કાળજી માંગી લે છે. કબાટમાં બંધ રહેલી સાડીઓને સમયાન્તરે ખાસ કરીને ચોમાસું જાય પછી આખી ખોલીને હળવા સુર્યપ્રકાશ કે હવાની યોગ્ય અવરજવર વાળા રૂમમાં સૂકવવી જરૂરી છે. જયારે આર્ટસિલ્ક આવી કોઈ જ કાળજી માંગતું નથી. 
સિલ્કની સાડીના અનેક પ્રકારો છે. ઉપાડાસિલ્ક, કોટાસિલ્ક(રાજસ્થાનના કોટા શહેરમાં બનતું,ઘણીવાર તેમાં બંધેજની ડીઝાઇન પણ હોય છે), કાંજીવરમસિલ્ક(ઉત્કૃષ્ઠ ગુણવત્તાયુક્ત ફેબ્રિક જે તમિલનાડુમાં બને છે, અને તેની ગોલ્ડન ઝરી બોર્ડર-પલ્લું વધુ સુંદર બતાવે છે), બનારસી સિલ્ક(ખુબ જ પ્રખ્યાત અને મોંધી સાડીઓની કેટેગરીમાં આવતી બનારસમાં નિર્મિત), પૈઠણી(મહારાષ્ટ્રના ઔરન્ગાબાદ નજીકના એક ગામના નામ પરથી પ્રખ્યાત, અતિ લાવણ્યમય પ્રાકૃતિક આકારો જેવાકે પુષ્પ, લતા, વૃક્ષ આદિના આકારોયુક્ત સુંદર ઝરી બોર્ડેર-પલ્લું) ભાગલપુરી(ભાગલપુરમાં બનતી, પ્રમાણમાં સસ્તી, રોજબરોજ પહેરી શકાય) બાલુંચરી(બંગાળમાં બનતી, રજવાડી ઠાઠ આપતી,)કોનાર્ડ- ટેમ્પલસિલ્ક સાડી, માયસોર સિલ્કસાડી, ચંદેરી સિલ્કસાડી(મધ્યપ્રદેશમાં બનતી, હલકા વજનવાળી,આરામદાયક) વગરે પ્રકારો છે.જેની વચ્ચેનો તફાવત વેજ કોલ્હાપુરી, વેજ જયપુરી, વેજ કડાઈ, વેજ હાંડી,ની સબ્જી વચ્ચેના તફાવત જેટલો છે. અલબત્ત, એક્ષ્પર્ટનેસ સિવાય તેના ચોક્કસ પ્રકારને ઓળખવો મુશ્કેલ છે. 
આ સિવાય સિલ્કના અમુક પ્રકારને ખુબ જ સરળતાથી ઓળખી શકાય છે. જેમકે ગજી સિલ્ક- જે મખમલી સુવાળો સ્પર્શ ધરાવતું એકદમ ઝાડું છતાં મુલાયમ કાપડ, આવી સાડીઓ મોટાભાગે પાનેતર અને ઘરચોળા માટે પસંદ કરવામાં આવે છે જે વજન અને કિમંત(૧૦૦૦૦રૂ. થી વધુ) બંનેમાં થોડું  ભારે છે. અને તમારા શરીરને પણ થોડું ભારે બતાવે છે, અલબત તે પહેરવાથી તમારી વેસ્ટ લાઈન વાસ્તવિક કરતાં થોડી વધુ લાગે છે, આથી સ્થૂળ સ્ત્રીઓએ તે પહેરવાનું શક્ય હોય તો ટાળવું જોઈએ એવો મારો અંગત અભિપ્રાય છે.
ટીપ્સ: સામાજિક પરમ્પરાગત પ્રસંગોમાં હેવી જ્વેલરી સાથે સિલ્ક ફેબ્રિકએ ઉત્તમ પસંદગી છે. સિલ્કની હેવી સાડી ખાસ કરીને બ્રોડ બોર્ડેર તેમજ મીડ પાર્ટમાં ડીઝાઇનવાળી સાડીને હંમેશા વ્યવસ્થિત પાટલી વાળીને પહેરવી જોઈએ. તેમાં એક બાજુ રાખેલ ઓપેન પલ્લું થોડાક સમયમાંજ ક્રીઝ ઉત્પન્ન કરે છે, અને તમને લઘરવધર બતાવે છે. જયારે નેરો ગોલ્ડન બોર્ડેર કે વન સાઈડેડ હેવી બોર્ડેર અને પ્લેઈન મીડપાર્ટ યુક્ત સોફ્ટ ફેબ્રિક સિલ્ક સાડીને ઓપેન પલ્લુંમાં પહેરી શકાય છે. યોગ્ય કલર કોમ્બીનેશન માં ઘેરા રંગો ફેસ્ટીવલ થી લઈને પ્રસંગો માટે બેસ્ટ છે. જયારે પીચ, પીસ્તા, જેવા પેસ્ટલ કલર્સ અને બ્લેક-બ્લુ-ગ્રે પ્લેઇન મીડ વિથ બોર્ડેર ઇન્ટરવ્યુ-કોન્ફરન્સ- કોર્પોરેટ મીટીંગ વગેરેમાં પ્રોફેશનલ લુક દર્શાવવા ઉત્તમ ચોઈસ છે. 
શોપિંગ ડેસ્ટીનેશન: લગભગ બધાજ નાના-મોટા શહેરોમાં આર્ટ અને રીયલ સિલ્કની સાડીઓ વાઈડ રેન્જમાં ઉપલબ્ધ છે. જેની કિમંત પાંચસો થી માંડીને લાખો રૂપિયા સુધીની છે. જયારે તમે રીયલ સિલ્ક ખરીદો છો તો તમે આંખ મીંચીને તમને મન-પસંદ કોઈ પણ કલર કે ડીઝાઇનપેટર્ન ખરીદી શકશો, એ સુંદર અને મોંઘુ ફેબ્રિક તરીકે ઓળખાઈ આવશે જ, પરંતુ તમે જયારે આર્ટ સિલ્કની સાડી ખરીદો ત્યારે તમારે તેને રીયલ સિલ્ક જેટલું જ એલીગેન્ટ બતાવવા અમુક ચોક્કસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમકે આર્ટ સિલ્કની સાડીનું ફેબ્રિક એક્દમ સ્મૂથ અને બારીક હોય તે ખાસ જોવું, તેમાં ખાસ કરીને જેમાં બોર્ડેર અને પલ્લુંની ડીઝાઇન બારીક અને ગોલ્ડન થ્રેડ વર્ક થ્રુ આઉટ હોય તે ખાસ જોવું, મોટી અને પહોળી ડીઝાઇન અને તેમાંના ગોલ્ડેન વર્કમાં વચ્ચે વચ્ચે રહેલ ખાલી જગ્યા કે ખોલા તેને ચીપ બતાવે છે, આ ઉપરાંત શક્ય હોય તો મીડ પાર્ટ પ્લેઈન અથવા અત્યંત બારીક ચુમકીઓ જ હોય તેવી સાડી જ આર્ટ સિલ્ક માં પસંદ કરવી. 
કોટન: અતિ પ્રાચીન સમયથી વપરાતું આ કાપડ ખુબ જ આરામદાયક છે. તેના સાઉથ કોટન, જ્યુટ કોટન, કોટા દોરીયા, સંબલપૂરી, ખાદી વગેરે અનેક પ્રકારો છે. આ ફેબ્રિક લાઈટ વેઇટ,વાજબી ભાવમાં મળતું, પરસેવો શોષક, ગરમીમાં રાહત આપનાર તેમજ એક વાર વ્યવસ્થિત રીતે પહેરેલી સાડી આખો દિવસ એવીજ વ્યવસ્થિત ચોંટેલી રહે છે છતાં તે સાડી એક બે વોશ માં જ ફિક્કી પડી જાય છે, તેમજ તેમાં ખુબ જ કરચલી પડતી હોવાથી દરેક વખતે ચોકસાઈપૂર્વક ઈસ્ત્રી કરવી પડે છે, તેમજ ઘણીવાર સાડીના તાણાવાણા ઢીલા પડી જાય અથવા ખેંચાય જાય છે, અને સાડીનો ઓરીજીનલ શેપ બગડી જાય છે. આથી પ્યોર કોટનની સાડી મને પોતાને પસંદ નથી અને હું આ ફેબ્રિક રેકમેન્ડ કરતી નથી. 
ટીપ્સ: જે લોકોને કોઈ સ્કીન એલર્જી છે, ગરમી ખુબ લાગે છે તેમજ જેને કોટન પસંદ છે તેવી યંગસ્ટર્સ અને મોટાભાગની પ્રૌઢાઓ માટે આ રોજબરોજના પહેરવા માટે આરામદાયક ચોઈસ છે. અને લગભગ દરેક જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ છે. પ્યોર કોટનને બદલે થોડુક અન્ય ફેબ્રિક યુક્ત મિક્સડ કોટન પસંદ કરવું જે પ્રમાણમાં થોડું વધુ ટકાવ છે. તેમજ અત્યંત ઘેરાને બદલે મિક્સડ કે હળવા રંગો પસંદ કરવા જેથી થોડા વોશ બાદ સાડી પ્રમાણમાં ઓછી ડલ લાગે. આ ઉપરાંત આવી સાડીને હમેશા પીન-અપ કરીને પાટલી વાળીને પહેરતા તેમાં કરચલી ઓછી પડે અને સુવ્યવસ્થિત દેખાવ આપે.
અન્ય સોફ્ટ ફેબ્રિક: આ લીસ્ટમાં કોટન સાથે કે સિલ્ક જેવા કુદરતી રેસા સાથે આર્ટીફીસીયલ રેસાને વણીને બનાવેલું જ્યોર્જેટ, ક્રેપ, લીનન, શિફોન, જેવું હળવું,આરામદાયક, ટકાવ દેખાવે ઉત્કૃષ્ઠ ફેબ્રિકનો સમાવેશ થાય છે. તેમાં પણ સિલ્કની જેમ રીયલ અને આર્ટીફીસીયલ એવા બે પ્રકાર અને તે અનુસાર તેની કિમંત અને ગુણવત્તા છે. રૂટીનમાં તે પ્રિન્ટેડ કે પ્લેઈન પહેરાય છે અને તેના પર હેવી વર્ક કરીને પ્રસંગોપાત પણ પહેરી શકાય. આ ફેબ્રિક ખુબ પાતળું અને સોફ્ટ હોવાથી થોડી ભરાવદાર સ્ત્રીઓને પણ પાતળી દેખાવમાં મદદ કરી શકે છે. 
ટીપ્સ: ખુબજ ટકાવ અને લચકદાર કપડું હોવાથી તેના પર તમે ઈચ્છિત હેન્ડવર્ક કરાવી શકો. જરદોશી,મોતી-સ્ટોન સાથેનું માંચીવર્ક ટ્રેડીશનલ લૂક આપે છે, જ્યારે રેશમ કે ઊનના ધાગનું આકર્ષિત વર્ક ટ્રેન્ડી કે પાર્ટીવેર લૂક અપાવે છે. 
શોપિંગ ડેસ્ટીનેશન: આર્ટીફીસીયલ ફેબ્રિક લગભગ બધાજ નાના મોટા શહેરોમાં મળે છે, પરંતુ રીયલ ફેબ્રિકની વાઈડ રેન્જ માટે મોટા શહેરની પસંદગી કરવી જોઈએ. 
વેલવેટ: સદીઓથી આ ફેબ્રિક પરિધાનને રોયલ લૂક અપાવે છે. મખમલી સ્પર્શ ધરાવતું આ કાપડ અનેક વેરાયટીમાં અનેક કિમંતની શ્રેણી સાથે મળે છે. પરંતુ વજનમાં થોડું ભારે છે. ખુબ જ થિક કાપડ હોવાથી ટીસ્યુ વેલવેટ ના મટીરીયલ જ મોટે ભાગે સાડીમાં વપરાય છે. 
ટીપ્સ: આખી સાડી વેલવેટની પસંદ કરવી યોગ્ય નથી, ખાસ કરીને થોડી સ્થૂળ સ્ત્રીઓએ. આને બદલે હાફ વેલવેટ અને હાફ અન્ય મટેરિયલ  કે માત્ર પલ્લુંનો ભાગ વેલવેટ હોય એવો પસંદ કરી શકાય. અથવા માત્ર બોર્ડેર અને બ્લાઉઝ વેલવેટના હોય તેવા પણ પસંદ કરી શકાય. 
મોટેભાગે ચણીયા અને ચોળી બનાવવામાં આ મટેરિયલ ઉપયોગમાં લઇ શકાય, જેનો દુપટ્ટો અન્ય ફેબ્રિક નો હોવો હિતાવહ છે. આખો દુપટ્ટો વેલવેટનો હોય તો તે ખુબ ઠીક હોવાથી તેને પાટલી વાળીને પીન અપ કરવા કરતાં વન સાઈડેડ ખુલ્લો રાખવો હિતાવહ છે. મરુન, માર્જેન્ટા, ડીપ ગ્રીન,કોફી, રોયલ બ્લુ, વાઈન રેડ, બ્લેક જેવા ડાર્ક કલર્સ જ આમાં સારા લાગે છે, અને તેના પર કરેલું વર્ક દીપી ઉઠે છે. 
શોપિંગ ડેસ્ટીનેશન: તમારી કલ્પના અનુસારની વેલવેટ આખી સાડી મળવી ખુબ અઘરી છે, હાફમાં મળી શકે, અથવા તમે બજારમાં ખુબ જ સરળતાથી પ્રાપ્ત વેલવેટનું કાપડ ખરીદીને ડીઝાઈન કરાવી શકો. વેલવેટના બ્લાઉઝ સેમી-સ્ટીચ્ડ કે સ્ટીચ્ડ ખુબ બહોળા પ્રમાણમાં મળે છે. આ ઉપરાંત વેલવેટના ચણીયા-ચોળી અવનવા ડીઝાઇન અને રંગોમાં અમદાબાદ, રાજકોટ, સુરત, બરોડા જેવા મોટા શહેરોમાં મળે છે, જે પ્રમાણમાં થોડા મોંઘા હોય છે. 
આ લેખ અતિ વિસ્તૃત ન થાય તે હેતુથી મેં અહી પ્રથમ ભાગને પૂરો કરેલ છે. આ જ વિષય પર અન્ય વિસ્તૃત છણાવટ જેમકે, ખિસ્સાને પરવડે અને કબાટમાં શોભે, અને આજીવન મનને મોહે તેવી સાડીની શોખીન દરેક સ્ત્રીના કબાટમાં હોવી જ જોઈએ તેવી સાડીનું લીસ્ટ, શરીર અનુસાર (સ્થૂળ-પાતળું, લાંબી-નીચી ) સાડીની તેમજ બ્લાઉઝની પસંદગી અને પહેરવાની પદ્ધતિ,  પ્રસંગ અનુસાર પરીધાનના રંગ ની પસંદગી, તેમજ સાડીની કાળજી વગેરે અંગેની માહિતી હવે પછીના આવતા લેખમાં આવરવાનો પ્રયાસ કરીશ.
અહી મેં મારા જ્ઞાન અનુસાર સાડી વિશેની માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે, આપના પ્રતિભાવ- સૂચનો આવકાર્ય છે.

બીજા રસપ્રદ વિકલ્પો