જીવનસંગી
ભાગ - 4
તરૂલતા મહેતા
(આ નવલિકામાં એક આધુનિક યુવતી જીવનસાથી તરીકે એક એવા યુવાનને ચાહે છે, જે બુદ્ધિશાળી છે, ગૌરવથી જીવન જીવે છે. પ્રેમના ચક્ષુ પ્રિય પાત્રમાં સૌંદર્ય જુએ છે.
તેના પ્રેમીને નખશિખ ચાહે. અધૂરપમાં મધુરતા છે. સમાજના ધારા ધોરણના વાડામાં બંધાયેલાં સ્વજનો યુવાનને સ્વીકારવા તૈયાર નથી, પણ પોતાની દીકરીને કહી શકતા નથી। આ એક માનસિક સંઘર્ષની પ્રણયકથા છે. આ વાર્તાની નાયિકા રુચિરાના મમ્મી -પપ્પા દીકરીને ભણાવી પગભેર કરે છે, બીજી જ્ઞાતિમાં પરણે તોય રાજી છે પણ રૂપાળી દીકરી એની જોડે શોભે તેવા જીવનસાથીને પસંદ કરે તેવા અરમાન સેવે છે.' જીવનસંગી ભા.1-2-3 માં તમે વાંચ્યું કે રુચિ દીપેશ સાથેની મૈત્રીના મોહપાશમાં સર્વકાંઈ વિસરાતી જાય છે. શું દીપેશ પણ મૈત્રીની સીમાને વટાવી પ્રેમના બંધનને સ્વીકારવા તૈયાર છે? સંપૂર્ણ સોહામણા જમાઈની કલ્પના કરતી એની મમ્મી દીપેશને જોઈ શું કરશે? પ્રેમમાં સુંદરતા કે સોંદર્યમાં પ્રેમ?
રુચિનું મન દીપેશની બેપરવાહી અને શાલીનનું મૈત્રીભર્યું આમંત્રણ વચ્ચે ગૂંચવાય છે એ શું નિર્ણય લેશે? હવે વાંચો
તમારા રીવ્યુસ મારા માટે મૂલ્યવાન છે.હું હદય ખોલીને વાર્તા લખું, તમે તમારા મનની વાત રજૂ કરી સર્જક-વાચકના સબંધને મજબૂત રાખશો. તરૂલતા મહેતા )
***
રુચિની બહેન ડોકું ફેરવીને દીપેશને સંભાળપૂર્વક પણ વિશ્વાસથી પગલાં ભરતો ઓફિસની બહાર જતો જોતી રહી,એના માન્યામાં નહોતું આવતું કે રુચિને તેના પગની ખોડ ખટકતી નહોતી.
'હા. હવે ખબર પડી મમ્મીને તારી દીપેશ સાથેની દોસ્તી કેમ નથી ગમતી' રીમાએ દીપેશની ટેઢી ચાલની ટકોર કરી.
'તું દીપેશને જોવા ઓફિસમાં આવી છું ? જોયું ને કેટલો વ્યવસ્થિત અને હોશિયાર છે. જીજાજીની જેમ ધન્ધા બદલ્યા નથી કરતો,' રુચિથી ખીજમાં બોલાય ગયું.
' રોહન તો મારો વરણાગીયો વર છે। હું જોઈને મોહી પડી હતી.'રીમા
'તે હવે પસ્તાતી હશે ! દર બે મહિને મમ્મી-પાપા પાસે ખર્ચા કરાવે છે તે હજી તમે પગભેર નથી થયા?'
'મમ્મી તેની ખુશીથી મને આપે છે તેમાં તને ઈર્ષા આવે છે.'રીમાએ પાંગળો બચાવ કર્યો પણ સત્ય કડવું લાગ્યું.
'બે વર્ષથી અમે એકબીજાના પૂરકની જેમ ઓફિસ મેનેજ કરીએ છીએ ,એની તીક્ષ્ણ બુદ્ધિ,તોલીને બોલવાની રીત,બીજા માણસને પારખવાની શક્તિ મારા મનમાં વસી ગઈ છે.' રુચિની પોતાના પ્રિયની વાતો વણરૂકી ચાલતી હતી.
' બસ કર. તું બીજા યુવાનો જુએ તો તારું મન બદલાઈ જશે ' રીમા
'પ્લીઝ સ્ટોપ ઈટ, મને મારી જિંદગીના નિર્ણય લેવા દે ' રુચિ અકળાઈને બોલી 'બહુ જોયા મૂરતિયા કોઈ પર નજર ઠરી નથી.મારા મનને ગમે તેનો હાથ પકડીશ.'
બન્ને બહેનો નીચે આવી ત્યારે દીપેશ રિક્ષાની રાહ જોતો હતો. રુચિ રોડ પરના વાહનોની રફ્તાર મધ્યે એકમાત્ર દીપેશને નજરથી વેલીની જેમ વીંટળાઈ રહી !
રીમા બહેનનનો હાથ પકડી પોતાની તરફ ખેંચતી હતી. પણ આ ક્ષણે પ્રિયમાં ઓગળતી રુચિને કોઈ તાકાત રોકી શકે નહીં. 'અબ તો હોના સો હોય!'
એ ખેંચાઈને રીમાની પાસે ઊભી હતી પણ રીમાની ટકોર વીંછીના ડનખ જેવી રુચિને કનડતી હતી, દુનિયાને મોઢે કેમ તાળું દેવાશે? તે ઘવાયેલી મનમાં મથતી હતી કે પોતાના પ્રેમપાત્રની યોગ્યતાને કોઈને કેમકરી મહેસૂસ કરાવી શકે ! લોકો બાહ્યરુપની સીમા પારના વ્યક્તિના અંદરના સૌંદર્યને ક્યારે ય નહીં જોઈ શકે ? કદાચ તેથી જ દીપેશને લોકોની ભીડ ગમતી નથી !
''પણ હું તને સાંગોપાંગ ચાહું છું આપણે લોકોની નજરને બદલીશું ! આપણા ભરપૂર પ્રેમની બીજા ઈર્ષા કરશે હવે આપણાં મિલનની ઘડી આવી છે દીપેશ। હું તારા બુદ્ધિ, અહમ કે નાનપણની તારી સર્વ ભીતિને ભેદીને લે આવી રહી છું, ઊભો રે ! રુચિ લગભગ મદહોશ અવસ્થામાં દોડી. ..
'રુચિ તું ક્યાં જાય છે?
'રીમા તું ધેર પહોંચી જા, શોપિંગમાં કાલે જઈશું, 'બાય '
રુચિ દોડીને દીપેશની પાસે પહોંચી તેના હાથને એવી રીતે પકડ્યો .... એનું અસ્તિત્વ હાથનો પર્યાય બની ગયું।
'રુચિ, રુચિ. ..'
દૂર રીમા બોલાવતી હતી.
'તારી બહેન સાથે જા, આપણે પછી મળીશું " કહી દીપેશ રિક્ષામાં બેઠો પણ રુચિ હાથની પકડ ઢીલી કરતી નથી. તેના ઊંચી એડીના સેન્ડલ રિક્ષા પાછળ
દોડતાં સમતોલપણું ચૂકી ગયાં.
બેસુમાર ટ્રાફિકના ધસારામાં વાહનોની અડફેટમાં રુચિનું રીક્ષા પાછળ ઢસડાવું જોઈ રીમા 'કોઈ બચાવો. .' બૂમો પાડતી રોડ પર પડી ગયેલી રુચિ પાસે રડતી હતી.
દીપેશની રિક્ષા પાછી વળી. તે વીજળી વેગે કૂદકો મારી બન્ને બહેનોની પડખે આવી ગયો. તેણે રુચિને ઊભા કરવા ટેકો આપ્યો પણ ઊભું થવાયું નહીં. રિક્શાવાળાની મદદથી માંડ રુચિને ઊંચકી પણ પીડાથી તે બેભાન જેવી હતી. જમણો પગ જરાય વળતો નહોતો. દીપેશે તાત્કાલિક એબ્યુલન્સ બોલાવી.
બધાં હોસ્પિટલમાં પહોંચ્યાં. રીમા બહેનની ચિતા કરતી હતી પણ દીપેશનો સથવારો હિંમત આપતો હતો. દીપેશની એકલા હાથે કામ કરવાની, તાત્કાલિક નિર્ણય લેવાની કુશળતા તે અહોભાવથી જોતી રહી.
રીમાને મનોમન થયું બે વર્ષ પહેલાં તે દાદરા પરથી પડી ગયેલી ત્યારે ઉપરના માળેથી આવેલા રોહનની દશા નાના ભટુરા જેવી હતી.શું થયું? કોને બોલવું? કહેતો પાડોશમાં 'ઓ મનુભાઈ જરા મદદ કરો ને?' 'ઓ રમાબેન જલ્દી આવોને। મારી વાઈફ પડી ગઈ છે.' ઢીલાઢસ થયેલા પતિની તેને દયા આવેલી.
'બૂમો પાડ્યા વગર મને ટેકો તો આપો ' રીમા કણસતી હતી. પતિની બાલિશ દોડાદોડીથી ગુસ્સે થયેલી છેવટે પાડોશીએ જ તેને દવાખાને પહોચાડેલી.
રુચિને ઢીંચણની નીચે નળાના હાડકામાં સખત વાગ્યું હતું અને પગની ઘુંટી (એકલ) નું હાડકું તૂટ્યું હતું. મમ્મી -પાપા રીમાનો ફોન મળતાં હાંફળાંફાફળાં હોસ્પિટલ આવી પહોંચ્યાં પણ ડોક્ટર સાથેની બધી મસલત દીપેશે જ કરી. રુચિના પગ પરનો સોજો આછો થાય પછી સર્જરીનું નક્કી થયું.
આંખો મીંચી સૂતેલી રુચિ પરથી દીપેશની નજર ખસતી નથી.રુચિના કાળા સુંવાળા વાળમાં ખોસેલી પીન નીકળી ગઈ હતી.વેર વિખેર કાળી લટો સફેદ ઓશિકા પરના રુચિના ચન્દ્ર સમાન ચહેરાની આસપાસના કાળા વાદળ જેવી ફેલાયેલી હતી. તેના પરસેવા ને ધૂળથી મ્લાન થયેલા ચહેરા પર દીપેશે ખિસ્સામાંથી સફેદ રૂમાલ કાઢી પોચા હાથે પહેલાં કપાળને લૂછ્યું, પછી આંખોની ચો તરફ અને ગાલ પર અંતે હોઠ અને ગળાની નીચે પ્રિયાના ધડકતી છાતીના ઊભાર પર આવી. ..સમય સ્થળને વિસરી એક અનન્ત તરસમાં દીપેશ તડપી રહ્યો. રુચિના શરીરે દર્દ, થાકને હૂંફાળા સ્પર્શથી લૂછાતો અનુભવ્યો. આદમ -ઇવ વર્જ્ય ફળની મીઠાશ ચાખી રહ્યાં જીવન ચેતનાથી રણકી રહે તેવા દીપેશના સ્પર્શની તેને ઊડેઊડેં પ્રતીતિ થઈ.
રુચિ સ્વસ્થ થઈ પણ બન્ધ આંખે પડી રહી. દીપેશ સામે નજર મિલાવવાની તેની હિંમત નહોતી. એની મોટીબેને તેને રિક્ષાની પાછળ ગાડાંની જેમ દોડતી જોઈ હતી.દીપેશ તારા પ્રેમમાં દીવાનગી માફ કરીશ? મારે કારણે તારું ઓફિસનું કામ રખડી ગયું ને આ અડધા દિવસની દોડાદોડી.. કોને ખબર કેટલા કલાક ઊભો હશે!
'દીપેશભાઈ, થેન્ક યુ તમે હવે આરામ કરો ,રાત્રે હું હોસ્પિટલમાં રહીશ.' પાપા બોલ્યા.
'હા ,ભાઈ તમે મારી રુચિને સાચવી લીધી, અમને ય હિંમત આપી.' કહેતાં મમ્મી અને રીમાની આંખોના ખૂણામાં ભીનાશ ઊભરી. એક હીરાને પારખવામાં કરેલી ભૂલનો પશ્ચાતાપ તેમને સતાવી રહ્યો.
'તમે કોઈ ચિંતા ન કરતા, એકાદ મહિનામાં રુચિ એડી વગરના સેન્ડલ પહેરી ચાલતી થઈ જશે ' દીપેશે હળવાશથી કહ્યું.
'તમારી વાત ખરી છે, ઊચી એડીથી એકલ વળી ગયું ' રીમાને રિક્ષા પાછળ દોડતી રુચિના વાંકા વળી જતા સેન્ડલ દેખાયા.
'ગુડ નાઈટ ' કહી દીપેશે જવા તૈયારી એટલે રુચિએ દીપેશનો હાથ પકડી લીધો.
'તું હોસ્પિટલમાં છું રુચિ ' એકસાથે અવાજ આવ્યા.
પોયણીના પુષ્પની નાજુક પાંદડી જેમ રુચિની આખો ખૂલી.
'ના દીપેશ તું ક્યાંય ના જઈશ ' મનમાં પુકારતી રુચિએ દીપેશ સામે જોયું ચાર આંખોના એ મિલનમાં શું હતું? યુગોનો તલસાટ ! જે દેહના સીમાડાને ઓગાળી ક્યાંક ઊડેઊડેં બન્નેને એકરૂપ કરી, સર્વ જગતથી અલિપ્ત કરી દેતો હતો. ના કોઈના શબ્દો સંભળાયા કે ના હોસ્પિટલની હિલચાલ તેમને નડી. એક પીંછા સમાન સુંવાળા સમયમાં માત્ર તેઓ બે હતા.
'તું જીતી, મારી અકડાઇ ,અભિમાન ,ડર બધું જ તારે શરણે ' નહીં બોલાયેલા શબ્દોને હથેળીમાં સમાવી દીપેશે રુચિના હાથને દબાવ્યો. ઇડું સેવાયને બચ્ચું જન્મ લે તેવા ઊષ્ણ સ્પર્શથી બધું જ કહેવાઈ ગયુ।
તરૂલતા મહેતા
(જીવનસંગી ભાગે 4 માં વાંચજો શું થયું? તમારા રીવ્યુસ મારા માટે લખવાનું પ્રોત્સાહન પ્રેરે છે,મારી વાર્તાઓને વાંચવા બદલ આભારી છું )