જીવનસંગી વાર્તા ભાગ 1 Tarulata Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવનસંગી વાર્તા ભાગ 1

આ નવલિકામાં એક આધુનિક યુવતી જીવનસાથી તરીકે એક એવા યુવાનને ચાહે છે,જેને સમાજના ધારા ધોરણના વાડામાં બંધાયેલાં સ્વજનો સ્વીકારવા તૈયાર નથી ,પણ પોતાની દીકરીને કહી શકતા નથી આ એક માનસિક સંઘર્ષની પ્રણયકથા છે.' જીવનસંગી ' વાર્તા ભાગ 1,2.3 એ પ્રમાણે પ્રગટ થશે .તમારા રીવ્યુસ બદલ ખૂબ આભાર .

જીવનસંગી ભા. 1

'મમ્મી , તું શું મેળાવડા જેવું કરે છે?' રૂચિએ ચીડમાં કહ્યું.

'તારી બર્થ-ડે ની તૈયારી બેબી ' મમ્મીએ વહાલથી દીકરી તરફ જોયું.

'ડોન્ટ સે મી બેબી ,યુવાન છોકરાઓ સૂટ-બૂટ પહેરીને અહીં સજીધજીને મારા માટે લાઈનમાં ઊભા રહેશે ?' રૂચિનો પિત્તો ઊછળ્યો .

'એમના માં-બાપ પણ હશે ' મમ્મી ધીરેથી બોલી.

' મારા માટે સ્વયંવર કરવાનો છે?' એણે સોનેરી રંગની આમંત્રણ પત્રિકા જોઈ મોટેથી કહ્યુ

'આ તને એમ.બી.એ કર્યાને બે વર્ષ થઈ ગયાં .મા - બાપની ફરજ કે મૂરતિયો ...' સુશીલાબેનનું વાક્ય પૂરું થયું નહીં.

ધમપછાડા કરતી રૂચિએ આમંત્રણ-પત્રિકાને હડસેલો મારી ટેબલ પરથી ભોંય પર ફેંકી.

'તમારી ફરજ તમે બજાવી. મને ભણાવી ,પગભેર કરી હવે આગળની જિંદગી મને મારી રીતે જીવવા દો .' કહી તે બારી પાસે જઈ ઊભી રહી. આથમતા સૂરજના કિરણો ગુલમહોરની ડાળીએ ઝૂલતાં હતાં તેમ તેને પણ ઘડીક એમ જ હળવાફૂલ થઈ જવું હતું.

અપરણિત જીવનની મોજ-મસ્તી તેને કોઈની રોકટોક વગર માણવી હતી,પણ ઘરમાં ને બહાર નવરી આંખો તેની ફરતે જાળ પાથરવા મથ્યા કરતી. તેમાં બસ એક અપવાદ હતો દીપેશ .

ઓફિસમાં ઘણા કલાકો સાથે કામ કરવા છતાં કદી સંબંધના બંધનની વાત નહીં ! તેથી રૂચિ તેની સાથે બિન્દાસ ખૂલીને ચર્ચાઓ કરતી ,મઝાક કરતી.

હરેશભાઇ વરંડામાં છાપું વાંચતા હતા.મા-દીકરી વચ્ચેની ચકમક સાંભળી બેઠકરૂમમાં આવ્યા.તેઓ વકીલ હતા.કળથી કામ લેતા.પત્નીની દીકરીને લાયક મૂરતિયો શોધવાની ચિંતા વ્યાજબી હતી.બીજી બાજુ માથાભારે દીકરીને સમજાવવાનું ભગીરથ કામ કરવા તેઓ મેદાને પડ્યા .ખોંખારો ખાઈ પત્નીને હોઠ પર આંગળી મૂકી શાંત રહેવાનું સૂચન કર્યું.

પાપાએ રૂચિને ખભે હાથ મૂકી કહ્યું :

'આ બધી જૂની વાતો છોડ ,તારી મમ્મી ચાર જણાને ગુસપુસ કરતા જુએ એટલે તારો કોઈની સાથે મેળ બેસાડવાના ચક્ર ગતિમાન કરી દે .'

'તમે મમ્મીને સમજાવો ને?'

હરેશભાઇ મઝાકના મૂડમાં પત્નીને કહે:

'સ્વયંવરનો આઈડિયા મને ગમ્યો.'

'તમે ય શું પપ્પા ' રૂચિ હસી પડી.

'સુશીલા મારે કોના પિતા બનવાનું છે? સીતાના બાપ જનક રાજા કે દ્રૌપદીના દ્રુપદ રાજા ' હરેશભાઇ હસતા હતા.

'ના,પપ્પા મારે સીતા ય નથી થવું ને દ્રૌપદી ય નથી થવું' રૂચિને મઝા પડી.

સુશીલાબેને રૂચિને હસાવતાં ટાપશી પુરાવી:

'તું તને ગમે તે કરજે.'

'હા,ભાઈ કહેવત છે ને 'રાજાને ગમી તે રાણી ,છાણા વીણતી આણી ' હરેશભાઇ ખીલ્યા હતા.

'બીજી જ્ઞાતિ હોય તો ય છૂટ .' મમ્મી રાજી થયા કે લગ્ન તો કરશે.

રૂચિ મમ્મી-પાપાનો હાથ પકડી બોલી :

'મને ગમે તે રાજા , વાગે બેન્ડ વાજા ' સૌ મઝાકના મૂડમાં આવી ગયા.

'તારી દીકરીને હવે પરેશાન ના કરતી.' હરેશભાઇએ પત્નીને આંખ મિચકારી બે હાથ મેળવી ઈશારો કર્યો કે વાત પાટે પડી.

સુશીલાબેને રૂમમાં જઈ રીમાને ફોન જોડ્યો. તેમણે રાજકોટ રહેતી મોટી દીકરી અને જમાઈને પાર્ટીમાં આવવાનો આગ્રહ કર્યો.પતિને કહે:

' બસ મને એટલી આશા કે રીમા અને રોહન જેવી જોડી છે તેવું રૂચિનું ગોઠવાય. '

'આ આપણી જોડી કેવી બધાને હસાવે છે,હું ઊંચો તાડ ને તું ગોળમટોળ ઢીંગલી ' પતિની મશ્કરીથી રિસાઈ સુશીલાબેન પડખું ફરી સૂઈ ગયા.

***

સોમવારે સવારે રૂચિ બહાર જવા તૈયાર થઈ ત્યારે એણે લાલ બોર્ડરવાળી કાળી ખાદી સિલ્કની સાડી સાથે મેચીંગ બ્લાઉઝ પહેર્યું હતું. આયનામાં એના ખભા સુધીના સરકી જતા કાળા વાળમાં સાઈડમાં ગોલ્ડન પીન ખોસી . ગળામાં મોતીની માળા અને કાનમાં મોતીના ટોપ પહેર્યા. ચાંદલો ચોટાડવા વિષે દ્વિધામાં ઊભી રહી કારણ કે રોજ તો ઓફિસમાં જીન્સ -ટોપ કે પંજાબી ડ્રેસ પહેરતી .રૂચિએ ડ્રેસિંગ ટેબલના ખાનામાં ચાંદલા માટે નજર કરી પણ મળ્યો નહીં.આજે વિરાણી કમ્પનીના શેઠ-શેઠાણી સાથે મીટીંગ હતી. રૂઢિચુસ્ત ,ધાર્મિક કુટુંબના વાતાવરણને શોભે તેવો મેક-અપ તેણે કર્યો .ચા-નાસ્તા માટે તે મમ્મી ,પપ્પા સાથે બેઠી ત્યારે સુશીલાબેન હરખાઈ ગયાં ,

'તું તો મારી રતન જેવી દીકરી છે,ભગવાને ફુરસદે તને ઘડી છે.' પછી દોડીને રૂમમાં જઈ કાળી બિંદી લાવી રુચિરાના કપાળ પર આવેલી લટને ખસેડી લગાવી દીધી.બોલ્યા:

'મારી લાડલીને નજર ના લાગે!'

'નજર તો ઠીક પણ બિંદી માટે થેંક્યુ ' રુચિરાને મમ્મીની નજરમાં દેખાતી જોડું શોધવાની રમત પ્રત્યે નારાજગી હતી.

પાપા હાથમાં બ્રીફ કેસ લઈ તૈયાર થઈ બોલ્યા :

'મારી રાઈડ લેવી છે?'

'મારે શાહીબાગમાં શેઠના બંગલે મીટીંગ છે.તમને નહીં ફાવે '. રૂચિએ સેન્ડલ પહેરતાં કહ્યું.

'મારે સી.જે રોડ પર કામ છે,ટ્રાફિકમાં ગાડી કરતાં રિક્ષા મને વધારે ગમશે. તું ગાડી લઈ જા .'

પાપા રુચિના મનની વાત જાણી ગયા . આજે ગાડીમાં જવાનું તેને મન હતું, તે ખુશ થઈ .તેને બહારનું કામ હોય ત્યારે ઓફિસની છુટ્ટી મળતી.બપોર પછી શોપિંગમાં જવા તેણે વિચાર્યું.

***

શાહીબાગના સંપત્તિવાન લોકોના વિશાળ બંગલાઓના મોટા ગેટમાં શહેરની આમજનતાથી અલગ જ એક વૈભવી દુનિયા હતી. ગેટની અંદર પ્રવેશો ત્યાં આરસના સફેદ-કાળા ટૂકડાથી

જડેલો રોડ ,બે તરફ લાંબા આસોપાલવના વૃક્ષોથી થી શોભતો દેખાય.માળીએ સવારમાં વાળીને ચો તરફ ચોખ્ખુંણાક કયું હતું .ચારે બાજુ ફૂલોની ક્યારી વચ્ચે લીલીછમ લોનથી નજરને આકર્ષી લે તેવો બગીચો. એક બાજુ સાંજની બેઠક માટે નેતરની ખુરશીઓ અને મધ્યમાં ગોળ ટેબલ . હીંચકાને માથે મધુમાલતીનો મંડપ જોઈ રૂચિને ઘડીક મીઠી સુગંધમાં ઝૂલવાનું મન થઈ ગયું. ચોકીદાર ગેટ ખોલી 'આઇએ મેમસાહેબ ' કહી રાહ જોતો હતો પણ ઝૂલાના વિચારમાં મગ્ન રૂચિ પોતાની ગાડી પાર્ક કરી એમ જ ઊભી હતી.

કોઈના હુંફાળા હાથના સ્પર્શથી તે ચમકી ' હીંચકો ઝૂલી લે, કાંઈ મોડું નથી થતું .'

'ઓહ, તું દીપેશ!'

દીપેશ હસીને તેને હીંચકા પાસે લઈ ગયો. તે રુચિની આંખોમાં રમતા સ્વપ્નને કળી ગયો. દીપેશ જાણે પોતાના સરસ મઝાના ઘરના સપનાનનું પ્રતિબિબ રુચિની આંખોમાં જોતો હતો !

એમને માટે કોફીના બે મગ નોકર આપી ગયો.

'લે હીંચકો ઝૂલતા કોફીની લિજ્જત માણ ' અજાણ્યા બંગલામાં કોઈ પણ જાતના સંકોચ વગર દીપેશ નિરાંતે ખુરશીમાં બેઠો. એના ડાબા પગનૉ બૂટ થોડો વજનદાર અને મોટો હતો એટલે એ જમણા પગને આગળ રાખતો .એ એકદમ ટટ્ટાર અને આત્મવિશ્વાસથી ચાલતો.ઓફિસના પ્રોજેક્ટની પૂર્વતૈયારી ,કાયદાકીય પેપર ,ફોર્મ વગેરેની ફાઈલ તેની પાસે અચૂક હાજર હોય.રુચિ માટે દીપેશ એનો 'મેન્ટોર' હતો.

રૂચિની દીપેશ સાથેની પહેલી મુલાકાત એટલે નોકરી માટેનો ઇન્ટરવ્યૂ .મેનેજમેન્ટના ચાર કમિટીના સભ્યોની સાથે દીપેશ કોમ્પ્યુટરની સ્ક્રીન પર નજર રાખી બેઠો હતો.પ્રશ્નો તેણે જ પૂછ્યા હતા .રુચિ સાથે જાણે મૈત્રી હોય તેમ સહજ વાતો દીપેશે કરેલી. રુચિ નું ધ્યાન ફક્ત દીપેશ તરફ રહેલું .રુચિ ધરે આવી ત્યારે એને ખુશીથી છલકાતી જોઈ તેના પાપાએ પૂછેલું :

'રુચિ તારી નોકરીનો ઇન્ટરવ્યૂ કેવો હતો?' રુચિ હસી પડેલી :' કોલેજમાં સાથે ભણતા કોઈ મિત્રને મળી આવી હોઉં તેવું લાગ્યું .'

કોઈપણ રીતની ઔપચારિકતા વિના દીપેશે પૂછેલું :

'આવતા સોમવારથી મારા આસીસસ્ટન્ટ તરીકે જોડાવું હોય તો અભિનન્દન આપું ?'

રુચિરા તે ક્ષણે આકાશમાં વિહરવા લાગી હતી ,'જીવવનની પહેલી નોકરી ,તે ય મોટા પેકેટની ! તે દીપેશના લંબાવેલા હાથને જાણે વળગી પડી .

'યસ સર ,થેન્ક યુ વેરી મચ.'

દીપેશ હસતો હતો: 'સિર્ફ દીપેશ કહી બોલાવજે '.

કોઈ આજ્ઞાકિંત વિદ્યાર્થીની જેમ તે બોલેલી :

'ઓ. કે. સ .. સોરી દીપેશ '

બસ એ જ મિત્રતા તેમને નિકટ રાખતી પણ મુક્તિનો આનન્દ મળે તેટલો અવકાશ હતો.

***

વિરાણી શેઠ અને એમના શ્રીમતીએ બહાર આવી આવકાર આપતાં કહ્યું :

'દરરોજ અમારી સવાર અને સાંજની ચા બાગમાં પીવાય . '

રુચિ કોફીનો મગ લઈ હીંચકા પરથી ઊઠી પણ દીપેશે નિરાંતે બેઠા બેઠા કહ્યું: 'ઝાડ તળે સવારની ચા એટલે તાજગીની મહેંક '

શેઠ ખૂલ્લા દિલે હસ્યા :'વાહ '.

કમ્પનીના ડાયરેક્ટર શાહસાહેબ આવી ગયા. સૌ બંગલાના પ્રવેશદ્વારની ડાબી બાજુના મીટીંગ હોલમાં ગયા. વિશાળ ટેબલની ફરતે ખુરશીમાં બેઠાં .હોલમાં જમણીબાજુ એક નાનું રેફ્રિજરેટર ,ચા-કોફી માટેનું કાળા આરસનું પ્લેટફોર્મ ,કાચની અલમારીમાં ગ્લાસ વિગેરે ગોઠવેલું દેખાતું હતું .બાથરૂમની સગવડ અને બે સોફા ગોઠવેલા હતા. શેઠે બોલવાની શરૂઆત કરી ત્યાં સફેદ શોર્ટ અને ટી શર્ટમાં રેકેટ ધુમાવતો શેઠનો નબીરો આવી પહોંચ્યો.બધાને

'હલો ' કરી ગયો એટલે શેઠ બોલ્યા:

'શાલીન ફ્રેશ થઈને આવ, તારે આપણો પોર્ટફોલિયો સંભાળવો પડશે.'

શેઠને ગયા મહિને હાર્ટ-એટેક આવેલો. એટલે દીકરાને રોકાણોની આંટીઘુટી સમજાવવા આ મીટીંગ રાખી હતી.

દીપેશની બુદ્ધિગમ્ય ,તર્કબદ્ધ અને વ્યવહારૂ રજૂઆત એટલી અસરકારક હતી કે શેઠ રાજી થઈ દીપેશનો ખભો થાબડતા કહે :

'શાલીનને ટ્રેન કરવા તમારી પાસે મોકલીશ '

'તમારી માતાને ધન્ય છે ,તમારો જેવો દીકરો કુટુંબને ઉગારે'. મિસિસ વીરાની પ્રેમથી દીપેશને જોઈ રહ્યાં .

શાલીનની નજર ઘડી ઘડીએ રુચિરાના સૌંદર્યને જોઈ લેતી હતી.ક્યારે મીટીંગ પૂરી થાય અને સામે ફાઇલોમાં ડૂબી ગયેલી યુવતી સાથે ઓળખાણ વધારું તેવી તાલાવેલી

તેને થઈ હતી.તેણે રુચિરાની સામે જોઈ કહ્યું : 'હું ઓફિસે મુલાકાત લઇશ .'

રુચિરા દીપેશના વાક્પ્રવાહમાં મંત્રમુગ્ધ આજુબાજુ સૌ કાંઈ ભૂલી બેઠી હતી. મનોમન એની પડખે જીવનભેર ઊભા રહેતા દીપેશની કલ્પનામાં વિહરવા લાગી.

દીપેશે શાલીનને કહ્યું :' મને ફોન કરી દેજો ,હું તમને મળી જઈશ. મારે ઓફિસની બહાર કામે જવું પડે.'

સૌએ વિદાય લીધી પછી શાલીન ઉપરના માળે પોતાના રૂમમાં ગયો. તે રોડ તરફની બારીમાંથી રુચિરા -દીપેશને કાર તરફ જતા ઈર્ષાથી જોઈ રહ્યો પછી થયું 'આની ટેઢી ચાલમાં મોહી હશે?'

' જો રુચિ એક વાર મારી મર્સીડીઝમાં ફરવા આવે તો વાત બને! '

બપોર પછીનો આખો દિવસ રુચિ દીપેશ સાથે અમદાવાદની ત્રાહિમામ ગરમી,વાહનો ,ધોંધાટઅને પ્રદૂષણ …. સિમલાની ઘાટીઓમાં ફરતી હોય તેમ મસ્તીમાં ઝૂમતી રહી.

મોડી રાત્રે એ ધેર પહોંચી ત્યારે તેની મોટીબેન રીમાએ 'સરપ્રાઈઝ 'કરી બારણું ખોલ્યું .

તરૂલતા મહેતા

(રુચિરાના મનમાં વંટોળ ચાલ્યો છે કે પોતાની પસંદગી અંગે પોતાના કુટુંબને કેમ કહેવું? બથ-ડે પાર્ટીમાં કોણ આવશે? શાલીન રુચિને મળશે? દીપેશ શું વિચારે છે? અનેક પ્રશ્નોના ઉત્તર માટે હવે પછી જીવનસંગી 'ના આગળના ભાગ વાંચો.વાચક મિત્રો તમારા પ્રતિભાવ બદલ આભાર.)